Sagpan vagarna sambandho books and stories free download online pdf in Gujarati

સગપણ વગરના સંબંધો

સગપણ વગરના સંબંધો...!

જે હાલમાં છું એ હાલમાં મને રહેવા દે

બંદુકની જરૂર નથી કરે, કલમ રહેવા દે

હાસ્યનો જીવ છું, ને નાજુક હૃદય મારું

લવિંગથી ફટકા મારો ને બોંબ રહેવા દે

ચમનીયો, ચંદુ ચપાટી, ચમન ચક્કી, ચંચી, ચંપુ...! એટલે, સગપણ વગરના મારા સંબંધીઓ. દમણગંગા ટાઈમ્સના ‘હાસ્ય લહરી’ ના રહેવાસી. એક નિરાકાર પરિવાર. જેને પાણી ભીંજવે નહિ, પવન સૂકવે નહિ, અગ્નિ બાળે નહિ, રેલમાં તણાય નહિ, વાઈફ કોઈની મળે નહિ, એટલે કોઈની વાઈફ ખીજવાય નહિ, ખોટું લગાડે નહિ, કેરી ખાય નહિ, માવા ગુટખા ઝાપટે નહિ. લોજિંગ બોર્ડીંગની ઝંઝટ નહિ. ને સમઝો ને કે, હવા-પાણી-વીજળી-વાયુ કે વાવાઝોડાં ની એને પડી નહિ....! એ કોઈનું ખાય પણ નહિ, ને ખાવા દે પણ નહિ.

નહિ આકાર, નહિ પ્રકાર, નહિ, વિકાર, નહિ આવિષ્કાર, બસ પોતાની મસ્તીમાં જ ચિક્કાર...! એના કપાળમાં કાંદા ફોડું, એમાંથી કોઈ બેકાર પણ નહિ...! ગેરંટીવાળો માલ એવો કે, ૧૦૦ ટકા વફાદાર. આપણા લોહીનું છોટલું પણ એટલું વફાદાર નહિ હોય, એમ ઘંટી વગાડ્યા વગર જ હાજરા-હજૂર થઇ જાય...! તોડી પાડવા માટે કોઈનો ખભો જ શોધતા હોય. જાણે વગર ચૂંટણીનો મોભાદાર ને સમાજનો પહેરેદાર..! આ ટોળકીનો એક જ ધંધો, સૌને ઠેકાણે પાડવા કરતાં, સૌને ઠેકાણે ચઢાવવાના. લોકોએ પકડેલો રસ્તો ધોરીમાર્ગ છે કે અઘોરીમાર્ગ એ બતાવવા આંગળી ચિંધવાની. ક્યાં જાય છે, ક્યાં જવાનું છે, ક્યાં ક્યાં ખાઈ છે, ને ક્યાં ક્યાં ખંધકા છે, એ ડીપાર્ટમેન્ટ આ ટોળકી સંભાળે..! આડે ધંધે હોય તો પાછો વાળે, ને સીધાં ધંધે હોય તો ઉતાવળ કરાવે. ક્યા રસ્તે કુટાઈએ તો ધારેલાં ‘ડેસ્ટીનેશન’ ઉપર વહેલાં પહોંચાય, એનું આત્મદર્શન કરાવે. સો વાતની અડધી વાત કે, લોકચેતનાના દીવડા જ પ્રગટાવે..! સાલા સળી કરે તો પણ સામાને વાંસળી જ સંભળાય...! પરોપકારનું કામ ટોળકી કરે, ને એ ઉપકારના પોટલાં લેખકને મળે. મરીઝે એક સરસ વાત લખી છે કે,

જિંદગીના રસને પીવા જલ્દી કરો મરીઝ,

એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે....!

આ શેરમાં મરીઝે વાત તો સવાશેરની કરી, એવી જ અનોખી અદામાં એ વાત આ ટોળકી કરે. માણહ આડો અવળો થાય એટલે લાલબત્તી બતાવવા માંડે. આખો પરિવાર પરોપકારી દાદૂ...! એ તો આપણે ત્યાં માત્ર દેવી-દેવતા ને ભક્તોના જ મંદિર બાંધવાની પ્રણાલિકા એટલે, બાકી આવાં નિરાકાર કર્મીના તો દેરાં બાંધવા જોઈએ. ભલામણ તો જ્ઞાનપીઠ જેવાં એવોર્ડ આપવાની પણ કરાય. જ્ઞાન-પીઠનો મેળ ના પડે તો, જ્ઞાન-પેટ, જ્ઞાન-છાતી, જ્ઞાન-નયન. જ્ઞાન-કર્ણ, જ્ઞાન-જીભ, જ્ઞાન-હાથ કે જ્ઞાન-ચરણ જેવાં એવોર્ડ આપીએ, તો એમની પ્રતિષ્ઠા બને, બીજું શું..? પણ આપે કોને ..? દિગંબર બાવાને પહેરવા માટે બક્ષિસમાં શેરવાની આપી હોય એવું લાગે..! આ તો બધાં કાલ્પનિક માનસપુત્રો...! નહિ રેશનકાર્ડમાં, નહિ ચુંટણી કાર્ડમાં, નહિ આધાર કાર્ડમાં કે નહિ એટીએમ કાર્ડમાં આવે. ગ્રીટિંગકાર્ડમાં જ આવે..! ટેસ્ટટ્યુબ વાળો જીવ તો જોવા પણ મળે, આ તો માત્ર નામથી જ ઓળખાય ને નામથી જ લોકજીભે ચઢેલાં..! આવી ચેષ્ટા માત્ર રમેશ ચાંપાનેરીએ જ નહિ, ખ્યાતનામ અનેક લેખકોએ, પણ આવાં પાત્રોનું સર્જન કરીને સમાજમાં વસ્તી વધારેલી. નહિ કોઈના મા-બાપ, નહિ કોઈના મોસાળ. નહિ કોઈના સાસરા એક માત્ર લેખકના આશરા..! આ બધાં એટલે દમણગંગા ટાઈમ્સમાં દર મંગળવારે ‘હાસ્યલહરી ‘ ની કોલમમાં પ્રગટ થતાં પ્રગટેશ્વરો..! જેમ ભગવાનને મેં જોયાં નથી, એમ આ પ્રગટેશ્વરોના મેં પણ દર્શન કર્યા નથી. પણ પરસ્પરનો સ્નેહ એવો સોલ્લીડ કે, અમે એકબીજાથી ફીટતાં જ નથી. કોંગ્રેસ ભાજપા જેવું નહિ કે, ‘ક્યાં તુ નહિ, ક્યાં હું નહિ...!’ રાધા અને મીરાં જેવો અપેક્ષા વગરનો અગાઢ પ્રેમ...! અમારું આ લફરું કંઈ આજકાલનું થોડું છે દાદૂ..? આ તો કોઈ નોંધ નથી લેતું એટલે, બાકી ‘સીનીયર સીટીઝન’ ની માફક ‘સીનીયર ફ્રેન્ડશીપ’ નો એવોર્ડ પણ મને મળવો જોઈએ. જેને જોયા નહિ હોય, એને ભગવાનની જેમ ચાહતા રહેવું એ કંઈ ઓછું સાહસ છે? ‘વાયુ’ જેવું વાવાઝોડું તો ગુજરાતથી ડરીને ફંટાય જાય..! ત્યારે આ તો ફંટાય નહિ, આપણા માટે ફના થઇ જાય..! ગુજરાતી પાણી છે ને બોસ...! લોહીના સબંધો તો ક્યારેક નગુણા પણ બને, આ તો પાલક પિતા માટે જાન પાથરી દે યાર..?

પૂછવાવાળા પૂછે પણ ખરાં કે, આ બધાં સાથે સ્નાનસૂતકના સંબંધ નહિ, છતાં દિલથી વળગેલા કેમ...? સાચું કહું તો, પેન્સિલ વડે બંને કાન ખોતરી ખોતરીને હું પણ એ જ વિચારું છું કે, આ બધાં ગયાં જનમના મારા લેણિયાત તો નહિ હોય..? કાન ખોતરવામાં ને ખોતરવામાં બબ્બે તો મારી પેન્સિલ ગુમ થઇ ગઈ..! છતાં જવાબ જડ્યો નથી. છતાં, આ બધાં પેલાં કહેવાતાં પ્રતિષ્ઠિત માણસો જેવાં છે મામૂ..! ગામમાં લગન હોય કે જનોઈ હોય, રીસેપ્શન હોય કે વરસી હોય, બારમાનું જમણ હોય કે તેરમાના લાડુ હોય, આ લોકોને આમંત્રણ હોય કે ના હોય, પણ પહેલી જ પંગતમાં જમવામાં તો હોય જ. એમ હાથમાં કલમ લેતાં જ વાર, શિવ પરિવારની જેમ આખો પરિવાર હાજરા-હજૂર થઇ જાય...!

શ્રી રામ જાણે આ બધાંને મારામાં શું જ્યુસ (રસ) છે, કે જુના ભાડુઆતની જેમ મારા લેખમાં વરસોથી મઝા લે છે. જ્યોતિષોની પણ સલાહ લીધેલી કે, આ ભાડુઆતો પાછળ કોઈ ગેબી રહસ્ય તો નથી ને...? એકાદ-બે અણઘડ જ્યોતિષે તો એમ પણ કહ્યું કે, માણસને જેમ રાહુ-કેતુ-મંગળ કે શનિ નડે, એમ તમને આ બધાં નડવા નથી આવતાં. માત્ર અડવા જ આવે છે. દીવો પ્રગટે એટલે, જીવડાંઓ જેમ ફોજ લઈને તૂટી પડે, એમ હાસ્યલેખ લખવા બેસો એટલે ‘અલખ નિરંજન‘ કરીને, અપેક્ષા વગર આવ્યા જ સમઝો...!.

ખાસ વાત તો એ કરવાની કે, ચમનીયો, ચંદુ ચપાટી, ચમન ચક્કી, ચંચી, ચંપુ વગેરે, આ બધાં (ચ) અક્ષર સાથે જોડાયેલું ‘ચકાર ફેમીલી’ છે. ને ચકાર ગૌત્રની કુંડળી સાથે સંકળાયેલા છે. બધાની રાશિ એક જ હોય તો કોઈના મગજે તાવ નહિ ચઢે, ને મગજમાં બરફની ફેક્ટરી ખોલી હોય, એવી ઠંડક આવી જાય. એટલે તો આમાંથી એકેય પાત્રની શોક્સભા હજુ સુધી મળી નથી. પણ પરોપકારી જીવડા..! એને લાગે કે, અમુક જગ્યાએ આખું કોળું દાળમાં જઈ રહ્યું છે, તો ફટાક દઈને ફીનીક્ષ પક્ષીની જેમ રાખમાંથી ઉભા થાય...!

આમાંથી એકેયનું નામ અમારા રેશનકાર્ડમાં નથી, ને આમાંથી કોઈ શ્રાદ્ધક્રિયા માં પણ કામ આવે એવો નથી, છતાં કહેવાય છે ને કે, જે સગાં હોય એ સ્નેહી ના હોય, ને જે સ્નેહી હોય એ સગાં નહિ હોય..! એટલે તો એ પ્રેમાળ છે....!

હાસ્યકુ :

જેને હું શોધું

એ મને શોધે, સાચું

સગપણ એ

------------------------------------------------------------------------------------------