Naxatra - 24 books and stories free download online pdf in Gujarati

નક્ષત્ર (પ્રકરણ 24)

વહેલી સવારે સુરજે આકાશમાં ફેલાયેલ અંધકારને દુર કરવા અજવાળાની પીંછી ચલાવી. હું ઉઠી એ પહેલા એણે લગભગ અંધકારને ભગાડી મુકયો હતો. ઝાંખા સુરજના કિરણો ગળણાથી ગળાઈ આવતા હોય એવા કોમળ હતા. વાદળ ઊંઘમાંથી ઉઠી દરિયાની મુલાકાતે દક્ષીણ જઈ રહ્યા હતા. વાતાવરણના દરેક ઘટકમાં ઉત્સાહ હતો પણ મારા હૃદયમાં ઉત્સાહ નહોતો. આજે કપિલ કોલેજ આવવાનો નહોતો. મારો દિવસ વર્ષ જેવો લાંબો થવાનો હોય એમ મને લાગ્યું.

મારે કોલેજ જવું નહોતું પણ મમ્મીને કેમ નથી જવું એ સમજાવવા કોઈ કારણ નહોતું. ઘરે પણ દિવસ કઈ રીતે પસાર થશે એ ડરથી હું કોલેજ જવા તૈયાર થઇ.

મારા પગ એકદમ ધીમા ચાલ્યા હતા. કોલેજ પહોચતા મને અડધો કલાક થયો. જે.એમ. વોહરાનું સાઈન બોર્ડ ક્રોસ કરી હું કેમ્પસમાં દાખલ થઈ. કેફેટેરિયા નજીક ટોળે વળી છોકરા છોકરીઓ વાતોમાં વ્યસ્ત હતા. હું એ તરફ ધ્યાન આપ્યા વિના સીધી જ કલાસમાં જઈ મારી બેંચ પર ગોઠવાઈ.

મને ખબર હતી કે કપિલ કોલેજ નથી આવવાનો છતાં કલાસમાં મારી આંખો એની રાહ જોઈ રહી. એ હમણાં રોહિત સાથે કલાસમાં આવશે. પણ રોહિત હવે આ દુનિયામાં ન હતો. મને તો એનાથી બરાબર પરિચય કરવાનો અવસરે ન મળ્યો. મને કપિલ વગરના કલાસમાં ગુંગળામણ થતી હતી. મને કોલેજનું વાતાવરણ મારી જૂની કોલેજ જેવું લાગ્યું. આજે ફરી હું હજારોની ભીડમાં એકલી હતી.

લંચ ટાઈમ પછીના બંને લેકચર કયારે પુરા થઇ ગયા અને એમાં શું શીખવ્યું એ મને કશું જ ખ્યાલ ન હતો. જયારે ફાઈનલ બેલ વાગ્યો હું કોઈ યંત્રની જેમ મારું બેગ લઇ ઉભી થઇ અને બધાની સાથે બહાર નીકળી. દરવાજા સુધી એકલી એકલી ગઈ. મને ખબર હતી કે કપિલ કોલેજમાં નથી છતાં મારી આંખો એને પાર્કિંગ લોટમાં શોધી રહી હતી પણ એની કાર ત્યાં ન હતી. એ ત્યાં ન હતો.

પાર્કિંગ લોટમાં રોજની જેમ ભીડ ન હતી. બાઈકો અને એકટીવા હતા પણ મોટાભાગની કારો ન હતી. મને થયું કદાચ બધા કપિલને ત્યાં ગયા હશે. મારે પણ જવું જોઈએ. હું ત્રીજા દિવસે મમ્મી સાથે ત્યાં જઈશ એમ મેં નક્કી કર્યું. અમારામાં ત્રીજા દિવસે બેસણું ગણવામાં આવે.

હું કોલેજ ગેટથી બહાર નીકળી.

“નયના.” જરાક આગળ ચાલી ત્યાજ મને કિંજલનો અવાજ સંભળાયો. મેં પાછળ ફરીને જોયું. કિંજલ ઉતાવળે ડગલે મારી તરફ આવી રહી હતી.

એ આવી અને અમે એસ્પન તરફ જવા લાગ્યા. વાતાવરણ વરસાદ આવે એવું હતું પણ પૂર્વ તરફથી ફૂંકાયેલા પવને વાદળોને ખસેડી નાખ્યા. સૂરજ એકદમ ખુલ્લો દેખાવા લાગ્યો. કયારેક કોઈં વાદળ એને એક પળ માટે ઢાંકે તો જરા અંધારા જેવું થતું પણ બીજી પળે એ વાદળ હટી ઉજાસ ફેલાઈ જતો.

અમે નેહરુ નાગર નજીક પહોચ્યા એ સમયે નીલ અને એના દોસ્તોની કાર અમારા પાસેથી પસાર થઇ. અમને જરા ડર લાગી પણ એ કાર સડસડાટ અમારા પાસેથી પસાર થઇ ગઈ. એમણે બ્રેક ન કરી. કદાચ એ વિવેકના મારની કે પછી કપિલે નીલ પર જે હિપ્નોટાઈઝ કર્યું એની અસર હતી.

“વિવેકના ડરને લીધે એમણે આજે આપણને હેરાસ નથી કર્યા.” કિંજલે કહ્યું. એ કપિલે નીલને હિપ્નોટાઈઝ કર્યો એ બાબતથી અજાણ હતી.

“એવું જ લાગે છે.” મેં કિંજલને નીલના હિપ્નોટાઈઝ થયા વિશે કઈ ન કહ્યું.

“ઇન્ટરેસ્ટીંગ બોય. વોટ યુ થીંક?” કિંજલે મારી તરફ જોઈ કહ્યું.

“સ્યોર.” મેં કહ્યું.

“તે એ દિવસે વિવેકને ત્રિશુળ વિશે પૂછ્યું હતું...” કિંજલે મારા તરફ જરા ઠપકા ભરી નજરે જોયુ, “યાદ છે?”

“કેમ?” મેં ત્રિશુળ વિશે પૂછ્યું એમાં શું પ્રોબ્લેમ હતો.?”

“એનો જવાબ આપતી વખતે વિવેક જરા ખચકાટ અનુભવતો હતો. એને એ સવાલ ગમ્યો નહોતો.” કિંજલના અવાજમાં જરાક ચિંતાના ભાવ હતા.

“હી ઇઝ માય ચાઈલ્ડહુડ ફ્રેન્ડ. હું એને ગમે તે પૂછું એ ખોટું ન લગાવી શકે.” મેં વિવેક મારો બાળપણનો મિત્ર છે એ બાબત પર ગર્વ લેતા કહ્યું.

“આઈ નો ધેટ, બટ એ નાગ વિશે જવાબ આપતા અચાનક વાત ફેરવી ગયો હતો..” કિંજલના પણ ધ્યાનમાં આ બાબત આવી હતી તે મને હવે સમજાયું, “હેવ યુ નોટીસડ ઈટ?”

“યસ. આઈ હેવ નોટીસડ. આઈ મીન મને પણ એવુ લાગ્યું. એ જલ્દીથી પોતાનું વાકય ફેરવી ગયો હતો. મને લાગે એ કઈક છુપાવતો હતો..”

“મને પણ એ જ લાગે છે.”

“એ શું છુપાવતો હતો?” મેં કિંજલના એકસપ્રેસન વાંચવા પ્રયાસ કર્યો પણ એ બ્લર હતા.

“એ ખબર નથી. નિશા પણ એના ટેટુ વિશે કોઈ પૂછે ત્યારે એમ જ ગભરાઈ જાય છે. બહુ અજીબ છે. અશ્વિનીને એની વીંટી વિશે કોઈ પૂછતું કે મજાક કરતું ત્યારે એ પણ એમ જ રીએક્ટ કરતી..”

“અશ્વિની અને કપિલ બધા ગમે ત્યારે ઉદાસ બની જાય છે. એમના ચહેરા ઉદાસ થઇ જાય છે. એમની આંખોનો રંગ બદલાઈ જાય છે. એમની આંખો ગમે ત્યારે ફિક્કી બની જાય છે..” મેં કહ્યું.

“કદાચ વિવેક ઈચ્છાધારી નાગ વિશે વાત કરતો હશે?” કીજલે સંભાવના દર્શાવી.

“ઈચ્છાધારી નાગ..?” મને નવાઈ લાગી.

“કોલેજમાં મેં અમુક છોકરીઓને વાત કરતા સાંભળી હતી. આપણા શહેરનું નામ નાગપુર છે કેમકે જૂની વાતોને સાચી માનીએ તો અહી પહેલા એવા લોકો રહેતા હતા જે પોતાની મરજી મુજબ માનવ અને નાગમાં પરિવર્તન પામી શકતા.”

“યુ મીન સેપ સીફટર..?” મને વિશ્વાસ ન થયો. એની કાલ્પનિક વાતોમાં વિશ્વાસ કરવો અશક્ય હતું. કિંજલ જેવી કોલેજમાં ભણતી છોકરી આવી સુપર-સ્ટેશનમાં માનતી હતી એ માની ન શકાય તેવું હતું.

“હા, રૂપ બદલનાર નાગ.” કિંજલ પૂરી સ્વસ્થ અને સીરીયસ પણ હતી, “એ લોકોને લીધે જ આપણા શહેરનું નામ નાગપુર છે.”

“એનાથી વિવેકની વાત સાથે શુ લેવા દેવા?” મેં સવાલ કર્યો.

“એ નાગ લોકોમાંથી કેટલાક ખરાબ હતા. ખરાબ નાગ આસપાસના વિસ્તારોના લોકોને મારી નાખતા. આપણા શહેરની બાજુમાં તારા ઘર પાછળથી ચાલુ થતું જંગલ બહુ વિશાળ હતું. ત્યાં જતા પણ લોકો ડરતા.”

“કેમ?” મારા મોમાંથી પ્રશ્ન સરી પડ્યો કેમકે મેં એ પહેલા કયારેય એ વાત સાંભળી નહોતી. પપ્પા જંગલ અધિકારી હતા. એમણે પણ કયારેય જંગલના ભૂતકાળ કે શહેરના ઈતિહાસ બાબતે મને જણાવ્યું નહોતું.

“ત્યાં એ નાગ લોકોનો ત્રાસ હતો. એવા નાગ જે નિર્દોષ વટેમાર્ગુનો જીવ લેતા. દરેક નાગ ખરાબ ન હતા પણ કેટલાક મિસચીવીયસ અને ક્રુઅલ નાગ એ બધું કરતા જે તેમની જાતિના નિયમોમાં માનતા ન હતા.”

“પછી?”

“નાગપુરના રાજવંશે દક્ષીણના એક મદારી કબીલાને અહી લાવ્યો. એ કબીલાના મુખિયાએ નાગ મુખિયા સાથે એક સંધી કરી. એ પોતાના નાગ લોકોને કાબુમાં રાખશે. એ મદારી કબીલાના લોકો ઈચ્છાધારી નાગ સામે લડવા ટેવાયેલા હતા. તેમણે કેટલાક નિયમોનો સમૂહ તૈયાર કર્યો અને એ નિયમોમાં ન માનનારા નાગને એમણે મારવાનું શરુ કર્યું. તેઓ નાગ હન્ટર હતા.”

“અને?”

“અને વરસો બાદ હવે આપણે આ શહેરમાં રહીએ છીએ. હજુ પણ નાગ જાતિના લોકો આપણી વચ્ચે જ છે. બસ એ લોકો આપણને ખબર નથી પડવા દેતા. એમાંના ખરાબ નાગથી આપણને એ મદારી વંશના લોકો બચાવતા રહે છે. આજના મોડર્ન જમાનામાં પણ એ નાગ અને મદારી વચ્ચેની આંતરિક લડાઈ ચાલુ જ છે. તેઓ તેમની લડાઈમાં આમ લોકો કે પોલીસને ઇન્વોલ્વ થવા દેતા નથી.”

“તું આવી વાતોમાં વિશ્વાસ કરે છે? તું આવી અંધશ્રદ્ધા અને લોક વાયકામાં માને છે?”

“તને વિશ્વાસ નથી આ બધા પર?” કિંજલે મારા સવાલનો જવાબ સવાલથી જ આપ્યો.

“ના, હું મુંબઈમાં મોટી થઈ છું. હું આવી સુપર-સ્ટેશન કે ઓમેનમાં વિશ્વાસ નથી કરતી. લોકો તો છાસવારે વિચ અને વિચક્રાફટ, વોર અને વોરરલોકની અફવાઓ પણ ફેલાવતા હોય છે. શું એ બધું સાચું હોય છે? શું તે ન્યુઝમાં કેટલીયે વાર નિર્દોષ સ્ત્રીઓને ડાકણ કહી જીવતી સળગાવી દેતા નથી સાંભળી?” મેં એની સામે ઠોસ દલીલ રજુ કરી.

“જો એવું ન હોત તો વિવેકના પિતાજી જાદુગર કેમ છે? આપણા શહેરના મોટા ભાગના મદારી પરિવારના લોકો બીજા શહેરોમાં જાદુગર તરીકે કામ કરે છે.”

“કોઈ એક જાદુની તકનીક શીખ્યું હશે અને બાકીનાને પણ એ ધંધે લગાવ્યા હશે.” મેં લોજીકલ રીતે એ સમજાવવા પ્રયાસ કર્યો.

“ના, એ બધાની જોડે અસલી જાદુ છે. બસ એ લોકો એવો દેખાવ કરે છે કે એમની પાસે અસલી જાદુ નથી અને એ બનાવટી જાદુ બતાવે છે.”

“યુ મીન રીઅલ મેજિક?”

“યસ. ધે હેવ રીઅલ મેજિક એન્ડ ટુ પર્ફોમ ઈટ ધે હેવ સમ ઇન્સટ્રમેન્ટસ”

“યુ મીન એ ત્રિશુલ...? એ ત્રીશુળ એમને નાગથી રક્ષણ આપે છે?”

“તને એ ત્રિશુલ પાછળ કોઈ અન્ય હેતુ દેખાય છે?”

તેણીએ પૂછ્યું અને થોડીવાર હું ચુપ થઇ ગઈ. મનમાં કશુંક વિચાર આવ્યો અને ચાલતા ચાલતા જ મેં વાત આગળ વધારી.

“ઓકે કિંજલ, એકવાર માની લઈએ કે મદારી લોકો પાસે રીઅલ મેજિક છે તો નાગ લોકો પોતાની જાતને એમનાથી કઈ રીતે બચાવે છે?” મેં કિંજલને લોજીકલ સવાલોથી સમજાવવા પ્રયાસ કર્યો, “એમની પાસે કોઈ જાદુ હોય છે?”

“હા, લોક વાયકા પ્રમાણે નાગ ગમે તેનું રૂપ ધારણ કરી શકે છે. બીજી પણ ઘણી સુપરનેચરલ તાકાત ધરાવે છે. છતાં મદારી સામે એમની કોઈ તાકાત કામ નથી આવતી.”

“આ બધી કાલ્પનિક વાતો છે. જસ્ટ ઈમેજીનેશન ડન ઇન લેઝર ટાઈમ” મેં કંટાળીને કહ્યું.

“વિવેકના પપ્પાને બિન વગાડતા કેમ આવડે છે?”

“કેમ?”

“દરેક મદારી બિન વગાડતા શીખે છે કેમકે ગમે ત્યારે નાગના જાદુને બેઅસર કરવા એને એ કળાની જરૂર પડે છે. આ કાલ્પનિક વાતો નથી. હકીકત છે. કદાચ સમય સાથે એમાં કેટલીક લોક વાયકાઓ ભળી હશે. એ છતાં એનો બેઝ સત્ય પર રચાયેલો છે.” કિંજલ એકદમ સ્યોર હોય એવો એનો ટોન લાગ્યો.

“નાગ લોકો પોતાની જાતને કઈ રીતે બચાવે છે?” મેં પ્રશ્ન કર્યો ત્યારે લગભગ અમે મની માર્કેટ સુધી આવી ગયા હતા, “માની લઈએ કે તારી વાત સાચી છે તો હમણા સુધી બધા નાગ મરી ગયા હોય કેમકે એમનું જાદુ મદારી સામે કામ આવતું નથી. કેન યુ એકપ્લેઈન ધીસ.”

શગુન મની માર્કેટમાં હતી. અમે શગુન નજીક પહોચવા આવ્યા હતા. ત્યા થોડીક ભીડ હતી એટલે અમે સાચવીને આગળ વધ્યા.

“એનો જવાબ છે પણ મને વચન આપ કે તું કોઈને કહીશ નહી. તું કોઈને કહીશ તો આપણને બંનેને પ્રોબ્લેમ થશે.”

“પ્રોમિસ...”

“નાગ લોકો પાસે એક તિલસ્મી ચીજ છે જે એમનું મદારીના જાદુથી રક્ષણ કરે છે. એ તિલસ્મી વસ્તુ એમના પાસે હોય ત્યાં સુધી મદારી એમનું કઈ બગાડી શકતા નથી.”

“એ તિલસ્મ શું છે?”

“નક્ષત્ર કંડારેલી વીંટી.”

“વોટ...?” હું ડઘાઈ ગઈ, “તું કહેવા માંગે છે કે કલાર્ક મેમ, અશ્વિની અને કપિલ નાગ છે...? ઈચ્છાધારી નાગ.?”

“હા.”

“અશકય. આપણી સાથે જ આપણી કોલેજમાં ભણતા લોકોને તું નાગ કહે છે.” હું માની ન શકી, “તું પાગલ થઇ ગઈ છે કે શું?”

“તો અશ્વિની અને કપિલની આંખોનો કલર કેમ બદલે છે?” તે જાણે હોમવર્ક કરીને આવી હોય તેમ જક પકડીને એક પછી એક શક્યતાઓ બતાવે ગઈ.

“કેમકે એમને કોઈ એલર્જી હશે. વાતાવરણ બદલાય તો એમની આંખનો કલર બદલાઈ જતો હશે.”

“ના. એવું નથી. ઈચ્છાધારી નાગ જયારે માનવરૂપ ધારણ કરે ત્યારે એના માથા પરની મણી એના કપાળની અંદર રહે છે જેની ચમકને લીધે એમની આંખો સોનેરી દેખાય છે. એ મણીને લીધે એમની આંખોમાં સંમોહનથી પણ ઊંચા પ્રકારની હિપ્નોટાઈઝ પાવર હોય છે.” કિંજલે સમજાવ્યું, “તને કયારેય કપિલની આંખો ડીપ ગોલ્ડ એકદમ હેઝલ નથી દેખાઈ? તને એ આંખોમાં સંમોહન મહેસુસ નથી થયુ?”

“હા.”

“તો..?”

“એની આંખો હેઝલ જેવી ગોલ્ડ દેખાય છે કેમકે એની કીકીઓ ભૂરી છે અને મને એની આંખોમાં સંમોહન શક્તિ દેખાય છે કેમકે હું એને ચાહું છું.”

“ઓ.કે. એ લોકોનો વ્યવહાર ગમે ત્યારે કેમ અચાનક બદલાઈ જાય છે..?”

“એ...” મારી પાસે કોઈ જવાબ ન હતો. મને થયું કે કદાચ કિંજલ સાચી હોય? ના... ના... એવું શકય નથી. મારા હૃદયે કહ્યું.

“આ શકય નથી. આપણી સાથે રહેતા લોકો નાગ ન હોઈ શકે.”

“એને કઈ રીતે ખબર હતી કે તને સાપ કરડવાનો છે?”

“કદચ એ આશરે ત્યાં આવ્યો હોય.” ફરી મારી પાસે કોઈ જવાબ ન હતો છતાં મેં દલીલ કરી.

“એ એકાએક ત્યાં કેમ આવે? એને ત્યાં શું કામ હોય? એક વાત એ પણ છે કે તારો એ કોલેજનો પહેલો દિવસ હતો એને શું ખબર કે તું કયાં રહે છે? માની લઈએ કે એ આશરે ત્યાં આવ્યો હતો તો તને ઝેર કેમ ન ચડ્યું?”

કિંજલના સવાલે ફરી મને વિચારતી કરી મૂકી. અમે કાદંબરીના ગેટ પહોચ્યા હતા.

“બાય.” મેં કહ્યું. કિંજલનું ડેસ્ટીનેસન આવી ગયું હતું.

“બાય.” કિંજલે મને ચેતવી, “કોલેજમાં કોઈ સાથે આ બધું સેર ન કરતી. નહિતર આપણે કોલેજ છોડવાનો વારો આવશે. જેમ્સ અને નીલ પણ આ મદારી અને કપિલથી ડરે છે. એમને ખબર નહી હોય કે વિવેક કોણ છે એટલે એની સામે ગયા હતા. એના પપ્પાથી લગભગ આખું શહેર ડરે છે.”

“હું નહી કહું પણ વિવેકના પપ્પાથી કેમ આખું શહેર ડરે છે?”

“એ મદારી છે અને જાદુગર પણ. લોકો નથી ઇચ્છતા કે એ એવા માણસથી દુશ્મની કરે જે એમને સમજાય નહી. લોકો અલગ પડતા વ્યક્તિથી ડરે છે. જેમ ભૂતથી ડરે તેમ.” કિંજલે કહ્યું અને એની સોસાયટીના ગેટ તરફ વળી.

હું એસ્પનમાં મારા ઘર તરફ જવા લાગી. મારા મનમાં અનેક સવાલો હતા. શું ખરેખર કિંજલે કહ્યું એ બધું સાચું હોઈ શકે? હું જેને ચાહવા લાગી હતી એ એક નાગ હોઈ શકે? એ પણ ઈચ્છાધારી નાગ? શું હું મારા પ્રેમને કયારેય નહી મેળવી શકું? અશક્ય છે. હું કોલેજ કરતી ભણેલી છોકરી છું એ બધું માનવું અશકય છે. મેં વિચારોને ફંગોળી દેવાનો પ્રયાસ કર્યો.

કપિલ મારા ઘરે કઈ રીતે આવ્યો? સાપને જોયા વિના એને કઈ રીતે ખબર પડી કે એ કયો સાપ હતો? એ જુઠ્ઠું કેમ બોલતો હતો? અચાનક એનો વ્યવહાર કેમ બદલાઈ જાય છે? ખાસ તો એની આંખોનો રંગ કેમ બદલે છે? એ કેમ પોતાની આંગળીમાં નક્ષત્ર કંડારેલી વીંટી પહેરે છે?

જો... જો એવું હશે... એ નાગ હશે તો... હું મારા પ્રેમને ખોઈ બેસીસ તો... જો એ નાગ હશે તો સારો નાગ હશે કે ખરાબ... ના, ના, એ ખરાબ નાગ તો નહિ જ હોય.. કેમકે ખરાબ નાગ મને કેમ બચાવે..... પણ જો એ ખરાબ નાગ હશે તો...?? કદાચ એ પેલા જાદુગરોથી બચવા એ વીંટી પહેરતો હશે તો....??? મારું મન વ્યગ્ર હતું. હું વ્યથિત હતી.. શું સાચું અને શું ખોટું એ મને સમજાતું નહોતું... બસ હું મારા ઘર તરફ ડગલા ભરે જતી હતી ત્યાં જ મારું ધ્યાન એસ્પનના હનુમાન મંદિર તરફ ગયું. ત્યાં રોજ એક ઘરડા દાદા બેસતા. એ દાદા ખાસ તો માળા, શંખ અને માદળિયાં જેવી ચીજો લોકોને આપતા અને એમને કોઈ પણ પરામાનસ સમસ્યાઓથી મુક્તિ અપાવતા.

હું દાદા કેશરી તરફ જવા લાગી. તેઓ હનુમાન મંદિરે બેસતા અને કેશરી જભ્ભો પહેરતા. મોટા ભાગે લોકોને એમનું મૂળ નામ ખબર નહોતી. બધા એમને કેશરી બાબા નામે ઓળખતા.

“નમસ્કાર દાદા..” મેં મંદિર પાસેના બાંકડા પાસે ઉભા રહી કેશરી બાબાને નમસ્કાર કર્યા.

“સુખી રહે બેટા..” એમનો અવાજ એકદમ વૃદ્ધ અને ક્ષીણ હતો. એમના કપડા પણ એવા જ હતા. હું પથ્થરના બાંકડા પર ગોઠવાઈ.

“દીકરા તારા મનમાં કોઈ અજબ મુઝવણ દેખાય છે...”

શું એ પણ મન જાણી શકતા હશે? મને નવાઈ ન લાગી કેમકે નાગપુરમાં એવી ઘણી ચીજો મેં અનુભવી હતી જે ચોકાવી દેનાર હતી.

“હા, દાદા. એ સમસ્યાના સમાધાન માટે જ આપની પાસે આવી છું...” હું આમ તો ઘણીવાર અહીંથી નીકળતી પણ ક્યારેય હું અંધશ્રદ્ધામાં માનતી નહી એટલે ક્યારેય અહી આવી નહોતી.

“શું સમસ્યા..?” એમના વૃદ્ધ અવાજમાં મક્કમતા આવી, “કોઈ ભૂતપ્રેતનો ડર સતાવે છે?”

“ના, દાદા..” મેં કહ્યું, “મારે કઈક જાણવું છે.”

“શું?”

“ઈચ્છાધારી નાગ વિશે." મેં જે કહ્યું એ સાંભળી એ ઘડીભર તો સત્બધ બની મને જોતા રહ્યા.

“ઈચ્છાધારી નાગ અને નાગિન એ દંતકથાઓમાં જોવા મળતા જીવો છે જે પોતાનું રૂપ અને આકાર બદલી શકે છે. કહેવાય છે કે જે નાગ સો વરસ સુધીના જીવનમાં કોઈ નિર્દોષ પ્રાણીને ડંખ નથી મારતો એ ઈચ્છાધારી નાગ બને છે.”

“દાદા. એનામાં કેવી શક્તિઓ હોય છે?”

“એના વરદાન રૂપે ઘણી બધી અસીમ તાકત એને કુદરત બક્ષે છે. જેમાની એક છે માનવરૂપ ધારણ કરવું. એ ગમે ત્યારે પોતાની ઈચ્છા મુજબ માનવરૂપ ધારણ કરી શકે છે માટે તેને ઈચ્છાધારી નાગ કહે છે.”

“શું એ માનવરૂપે હોય ત્યારે એની આંખમાં એક અલગ જ ચમક હોય છે?” મેં પૂછ્યું.

“તારો એવા નાગથી ભેટો થયો લાગે છે?” દાદાએ સવાલ કર્યો પણ મારે કઈ જવાબ આપવો પડે એ પહેલા જ પાછા આગળ બોલવા માંડ્યા, “ઈચ્છાધારી નાગ પોતાના નાગ સ્વરૂપે હોય ત્યારે એના માથા પર નાગમણી હોય છે અને જયારે તે માનવ રૂપે હોય ત્યારે એ મણી ગાયબ થઇ જાય છે પણ મોટા ભાગના નાગ માનવ થાય ત્યારે તેમની આંખોની કીકી ભૂરી કે સોનેરી બની જાય છે. કહેવાય છે કે એ મણીની ચમક તેમની આંખોમાં હોય છે. તેમની આંખોમાં હિપ્નોટીઝમથી એ ભારે એવી આકર્ષણ શક્તિ હોય છે.”

મને એટલી માહિતીથી કોઈજ સંતોષ ન થયો એટલે મેં આગળ પુછતાછ કરી.

“દાદા, એવા નાગ જોખમી છે?”

“હા, મોટા ભાગે એ શાંત હોય છે પણ કયારેક જોખમી બની જાય છે. દંતકથા એવું કહે છે કે તેમની મણી ચોરાઈ જતાં તેઓ બદલો લે છે અને તેમના જોડામાંથી એકને મારી નાખનાર સાથે પણ તેઓ બદલો લે છે.” દાદાની જીણી આંખો અને એમના ચહેરા પરની કરચલીઓ બોલતી વખતે આકાર બદલ્યે જતા હતા, “જયારે સર્પ ચોરી થયેલી મણી માટે વેર વાળે છે ત્યારે તે ખુબ જ ભયાનક બની જાય છે, પણ તેનું સૌથી રૌદ્ર સ્વરૂપ તો પોતાના જોડાને તોડનાર સાથે બદલો લેતી વખતે જોવા મળે છે.”

મને રસ પડતો જ ગયો. હું આગળ પૂછતી જ રહી.

“દાદા, ઈચ્છાધારી નાગ માત્ર દંતકથા છે કે હકીકત..?”

“હકીકત...” દાદાનો અવાજ એકદમ બદલાઈ ગયો, “મહાભારતની જેમ જ ઈચ્છાધારી નાગની વાત સાચી છે. મહાભારતમાં ઉલોપી અને અર્જુનની વાર્તામાં તેના મૂળ જોવા મળે છે. ઉલોપી એક નાગ રાજકુમારી હતી. જે નાગમણિ ધરાવતી હતી. તે અર્જુન સાથે પ્રેમમાં પડે છે તેની સાથે લગ્ન કરે છે.”

હું ધ્યાન આપી એમને સાંભળતી રહી. હું હિંદુ હોવાને લીધે રામાયણ મહાભારતથી પરિચિત હતી પણ મેં ક્યારેય એમનો થ્રુલી અભ્યાસ કર્યો નહોતો. મને અર્જુન અને ઉલોપીના એ કિસ્સાની ખબર નહોતી.

“ઈચ્છાધારી નાગના અસ્તિત્વનો જવાબ પૌરાણિક કથામાં પણ છે. તમે જેટલું ઇચ્છતા હો તેટલો તેનો વિશ્વાસ કરો અથવા અવગણી શકો છો. અલબત્ત, નાગ-નાગિનની વાર્તાઓ સદીઓથી ચાલી આવે છે.”

ત્યારબાદ મેં નાગમણી વિશે પુછતાછ કરી, “દાદા, નાગમણી શું છે?”

“લોકો એમ માને છે કે નાગમણીથી અમીર બની શકાય છે પણ હકીકતમાં નાગમણી જ ઈચ્છાધારી નાગને બધી જાદુઈ શક્તિઓ આપે છે. લોકો તો એમ પણ કહે છે કે મણીની મદદથી કોઇ પણ વ્યક્તિ પોતાનું રૂપ બદલવાની ક્ષમતા ધારણ કરી શકે છે. પરંતુ આ બધામાંથી કોઈ જ વાત પુરાવાને આધારે સત્ય સાબિત થયેલ નથી. માત્ર દંતકથાઓ જ એમના પુરાવા આપે છે.”

મને ખાસ તો કઈ જાણવા ન મળ્યું. હું દાદાનો આભાર માની ઘરે ગઈ પણ એક વાત તો નકકી હતી કપિલની આંખો દાદાએ કહ્યું એ મુજબ જ ડીપ ગોલ્ડ હતી અને એની આંખોમાં હિપ્નોટાઈઝ જેવું કઈક જાદુ હતું કે પછી હું એને ચાહવા લાગી હતી એટલે મને એની આંખોમાં જાદુ દેખાતું હતું

મને કિંજલ અને બાબાની વાતો સાથે હજુ વિશ્વાસ બેસતો ન હતો પણ એમની વાતોથી મારા મનમાં જાણે ઉલ્કાપાત થયો હોય તેવું તુફાન ઉમટ્યું.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky