Budhvarni Bapore - 31 books and stories free download online pdf in Gujarati

બુધવારની બપોરે - 31

બુધવારની બપોરે

(31)

પરણેલી સ્ત્રી બેવકૂફ હોતી નથી,

પરણ્યા પહેલા હોઇ શકે છે!

પરણેલી સ્ત્રી કદી બેવકૂફ હોતી નથી. પરણ્યા પહેલા હોઇ શકે છે. ફર્ક એટલો કે, પરણ્યા પછી એને ખબર હોતી નથી કે એ બેવકૂફ બની છે અને પરણ્યા પહેલા માનતી નથી કે, એ પહેલેથી જ બેવકૂફ છે.....!

દરેક સ્ત્રીને પોતાને સ્માર્ટ ગણવાનો હક્ક છે અને એ હક્ક એ બખૂબી પર્મૅનૅન્ટ વાપરે છે. પાછી આપણને વારતહેવારે પૂછતી જાય, ‘‘તમે મને શું બુધ્ધુ સમજો છો?’’ જવાબમાં આપણે કહીએ કે આ સવાલની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાની જરૂર નથી....ત્યાં ફૂલ-સ્ટૉપ જ આવે, તો પોતે આપણે માનીએ છીએ એટલી ઘનચક્કર નથી, એ બતાવી આપવા સામો સવાલ કરે, ‘‘ડૂ યૂ થિન્ક આઇ ઍમ સ્ટુપિડ? મને ય ખબર છે, ત્યાં ફૂલ સ્ટૉપ ના આવે....અલ્પવિરામ આવે!...’’

તમારી ઓળખાણની કોઇ સ્ત્રી પપ્પુબેન છે કે સ્માર્ટ, એ જાણવાનો એક રસ્તો સહેલો છે. એની સખીઓ કેટલી સુંદર અને સ્ટાયલિશ છે, એના ઉપરથી ખ્યાલ આવી જશે કે, બેનમાં કેટલી બળી છે! એ છોકરી પરણેલી હોવા છતાં સ્માર્ટ હોય તો એની સખીઓ તદ્દન કાટમાળ બ્રાન્ડની રાખી હશે. એકને જુઓ ને બીજી દસને પડતી મૂકો. બધીઓ દેખાવમાં એના કરતા વધારે ફાલતુ હોય તો જ એ હીરોઇન બનીને ફરી શકવાની છે. બાકી તો ઝૂંડ લઇને જ્યાં જાય ત્યાં કેવળ સ્માર્ટ પુરૂષો જ નહિ, સ્ત્રીઓ પણ એને પડતી મૂકીને બાકીની બધીઓ સાથે હળીમળી જવાની છે. આ બહેન તો ખૂણામાં પ્લાસ્ટિકની વળી જાય એવી ખુરશી પર દાઢી ઉપર હથેળી ભરાવીને બોલ્યા વગરના બેઠા રહે ,એ ઊંચે ભીંત પર લટકતું ‘ચિમલ ગુટખાનું પોસ્ટર જોતા રહે.

પણ પરણ્યા પછીય સખીઓ સુંદર રાખતી હોય તો એનાથી વધુ સ્ટુપિડ સ્ત્રીઓ તમને પૃથ્વીના ગોળાની બહાર પણ જોવા નહિ મળે. પોતે ‘ઓકે’ દેખાવની હોય તો ય શું થયું....બહેનપણી સૅક્સી-દેખાવની રખાય જ નહિ! લેવાદેવાની કમ્પીટિશન વધારવાની ને? સંસ્કારી ગોરધનને બગડવાનો ચાન્સ આલવાનો ને?

દરેક બેવકૂફ પરણેલી સ્ત્રીને એક સુંદર સખી હોય છે. એને એના ઘરમાં જ આવનારા ભયની ખબર હોતી નથી. એનો ગોરધન કે દિયર તો સમજ્યા.....ડોહા ય હખણા રહે એવા હોતા નથી, ‘‘કેમ બેટા, હમણાંથી તું આવતી નથી? પદ્મિની હોય તો જ અવાય? આ તારૂં જ ઘર સમજીને આવવાનું હોય....હું તો આખો દહાડો ઘરમાં જ હોઉં છું...’’ તારી ભલી થાય ચમના.....તું ખૂણામાં છાનોમાનો પડ્યો રહે ને.....હમણાં દમ-અસ્થમાના હૂમલા થશે તો પેલી ઊભી ય નહિ રહે.....ગાયત્રીની માળા ફેરવ તું તારે...!

આવી સ્ટુપિડ વાઇફનો ગોરધન ક્યારે પેલી પાસેથી એનો મોબાઇલ નંબર માંગી લે છે, એની આ ભોળી સવિતાને ખબરે ય પડતી નથી. ઉપરથી પેલાને રોજ ઘેર આવવાનું કહે, ‘‘ભાભી સાથે હોય તો જ અવાય....? અમે નથી? અમે ચા ને ખાંડવી ખવડાઈએ એવા છીએ હો...!’’

તારી જાતની ખાંડવી....! આવાને ઘરમાં પેધો ન પાડ, બેન.....તારો પોતાનો ગોરધન એક દિવસ બહાર ઓટલે સુતો થઇ જશે. અલી, પોતાના પગ ઉપર ખાંડનો ડબ્બો ન પછાડાય!

શાર્પ સ્ત્રીઓ સુંદર સખીઓ રાખતી નથી.....? લેવાદેવાની હરિફાઇ વધારવાની ને? ઈન કૅસ, રાખે તો એના ગોરધનથી દૂર રખાવે. પોતાના પગ ઉપર કૂહાડો મારવાની પધ્ધતિ આવી સ્ત્રીઓ બહેનપણીઓ રાખતી થઇ, ત્યારથી શરૂ થઇ. હિસાબ સીધો છે. મૅરૅજ થયાના દસ-પંદર વર્ષોમાં (અથવા મહિનાઓમાં...) તો ગોરધનને એની વાઈફમાંથી જેટલું કમાવવાનું હતું, એ કમાઇ લીધું હોય, પછી રોજ એકના એક ફજનફાળકા ઉપર કેટલા ચક્કરો મારે ને કેટલા વર્ષો સુધી? પછી તો શું છે કે, હિંદુસ્તાની રિવાજો મુજબ, જે આવી હોય એને લાઇફટાઈમ પકડી રાખવી પડે, બીજો છુટકો હોય નહિ અને બીજી એવી કોઇ નવરી ય ન હોય, એટલે બોલ્યાચાલ્યા વગર આ બન્નેનું ગાડું ચાલે જતું હોય. વર્ષો પહેલા જ સસુરજીએ શરત મૂકી દીધી હોય કે ‘વેચેલો માલ પાછો લેવામાં કે બદલી આપવામાં આવશે નહિ......હું હવે છુટ્‌ટો!.....મર તું!’

વિશ્વોત્તમ ગોરધનો માને છે કે, આપણી વાઇફ કરતા એની સખી તડકા-દાળ અને ઍન્ચીલાડાસ વધારે સારા બનાવે છે. આપણાવાળી તો પિરસતી વખતે ય દાળ ખોળામાં ઢોળે છે. એ વાત જુદી છે કે, એ તો બરોબર પિરસતી હતી પણ આપણું ધ્યાન, ચમચી બોળીને ચીઝ-બટર ચાટતી એની સખી ઉપર હતું, એમાં ખોળો ભરાઇ ગયો......આઇ મીન, બગડી ગયો.

પણ ગોરધનોની આ અવળચંડાઈ ચોક્કસ ખરી કે, વાઇફની સખી સુંદર હોય ત્યારે વધારે ચાવલો થાય. દુનિયાભરની ડીસન્સી એના એકલામાં ભરી હોય, એવું લાગે. વાત વાતમાં, ‘લાવો ભાભી....હું કરાવું...!’ મંડ્યો હોય. પેલી ડિનરની થાળી પિરસતી હોય ત્યાં ય હખણો ન રહે, ‘‘અરે ભાભી ભાભી...હોય કાંઇ....? લાવો લાવો, હું જાતે લઇ લઇશ...!’’ પેલી ય ઍંશી અને સો ની હોય, ‘‘અરે ના ભરતભાઈ...તમારાથી ના અડાય..’’ છતાં પેલો બહુ ડાહ્યો થતો હોય તો એની આ ભાભી કહેશે, ‘‘ઓહ ભરતભાઈ તમે તો માનતા જ નથી...તમારાથી પિરસાતું હશે? ઓકે.....તમે માનવાના નથી. એક કામ કરો. અંદરના રૂમમાં બા જમવા બેઠા છે....એમની થાળી પિરસી આવો....એમને ધીમે ધીમે ખવડાવવું પડશે.....એમનું પતાવો.....એ તમને બહુ યાદ કરતા’તા...!’’

આઠેક મહિના સુધી ડોસી ‘ઑફ’ થઇ ન જાય ત્યાં સુધી એ લોકોને ત્યાં ડિનર લેવા ન જાય.

ગોરધન હૅન્ડસમ અને સ્માર્ટ હોય તો આવી સ્માર્ટ વાઇફો ગામની કચરા-બ્રાન્ડની સખીઓ રાખે છે. પેલો મૂડીરોકાણ જ કરી ન શકે. મારા આ નિરીક્ષણ ઉપર વિશ્વાસ ન બેસતો હોય તો ખુદ તમારાવાળીને જ તપાસી જુઓ.....છે એની એકે ય બહેનપણીમાં લાટા લેવાય એવું? (આમાં તમે ચોખ્ખી ના નહિ પાડી શકો, કારણ કે, ના પાડવા જાઓ તો વાચકોને એવું લાગશે કે, તમે ક્યાં હૅન્ડસમ ને સ્માર્ટ છો? એટલે અત્યારે હું કહું, એમ હા એ હા જ કરજો. એ બધીઓમાં આપણા કમનસીબે, આપણાવાળી કંઇક ઠીક લાગતી હોય પણ બાકીનીઓને તો ‘જે શી ક્રસ્ણો’ ય ન કહેવાય.....કહીએ તો ચપટી ભરીને પ્રસાદ આલવા ઘેર આવે! મારી પત્નીની એકે ય સખીને હજી સુધી મેં જોઇ પણ નથી. જોવી નથી અને એ જોવા દે એવી ય નથી. એનો મતલબ, એ નથી કે એની બધી સખીઓ કૅટરિના કૈફ અને કૃતિ સૅનન જેવી હશે. અમારી ઉંમરે તો એ બધીઓ ય ૬૫-૭૦એ પહોંચેલી મીના કુમારીઓ ને સાધનાઓ જેવી લાગે છે. એ પોતે કેવી છે, એ તો મારાથી બોલાય એવું નથી, પણ માહિતી પૂરતી છે કે, એની એકે ય બહેનપણીમાં રૂ.૧૮/-નું ય મૂડીરોકાણ કરાય એવું નથી. પરિણામે, અમારો સંસાર સુખી ચાલે છે.

કહે છે કે, સામાન્ય દેખાવની વાઈફવાળા ગોરધનને આખી જીંદગી ચિંતા જ નહિ. ‘ખાલી કરવાનો ભાવ છે’ એવું તો આપણાથી ન બોલાય, પણ એ પોતે ય સમીસાંજે હાથમાં બોટલ પકડીને ઈઝી-ચૅરમાં બેઠો બેઠો આકાશના તારાઓ જોતો છેલ્લા અઠ્યાવીસ વર્ષથી મૂંગો મૂંગો તડપતો હોય, ‘‘હું વળી આનામાં એ વખતે સુઉં જોઇ ગીયેલો?’’ મોટો ફાયદો એટલો જ કે, આવી વાઇફોને તો ઘરમાં ય બહાર કઢાય એવી હોય છે ને કોઇ એનું નામ ન લે, બૉસ!

સિક્સર

- શહેરમાં રૉંગ-પાર્કિંગ અને ગેરકાયદેસરના ગલ્લાઓ હટાવવાનું ઝનૂન બહુ વહેલું ઉતરી ગયું, નહિ?

- ચૂંટણીમાં એ મુદ્દો બહુ કામ લાગે એવો નહોતો.

-------