Angarpath - 13 books and stories free download online pdf in Gujarati

અંગારપથ. - ૧૩

અંગારપથ.

પ્રકરણ-૧૩.

પ્રવિણ પીઠડીયા.

“ફાઇલમાં જે કાગળિયા છે એ વિસ્ફોટક છે. મને લાગે છે કે આપણે સાચી દિશામાં જઇ રહ્યાં છીએ.” અભિમન્યુએ ગજવામાંથી સિગારેટનું પેકેટ કાઢ્યું અને એક સિગારેટ સળગાવી, ઉંડો કશ લઇને ધુમાડો હવામાં છોડતા કહ્યું. ચારું દેશપાંડે પોતાની ઉત્કંષ્ઠા રોકી શકતી નહોતી. તેણે ફાઇલ ખોલી અને એક પછી એક પન્ના ઉથલાવા લાગી. ફાઇલની અંદરની વીગતો જોઇને તેની આંખો વિસ્ફારીત બની. હદય ધબકારો ચૂકી ગયું અને અનાયાસે જ તેનું મોં આશ્વર્યથી ખૂલ્યું.

“યુ આર રાઇટ, આ તો બોમ્બ છે. મારે અત્યારે જ કમીશનર સાહેબને મળવું પડશે.” ચારું ખરેખર ડઘાઇ ગઇ હતી.

“બિલકુલ નહી. તને એમ લાગે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટને આની જાણ નહીં હોય? વર્ષોથી આ રેકેટ ચાલતું આવ્યું હશે. હું સ્પષ્ટ કહી શકું છું કે આમાં તારા ડિપાર્ટમેન્ટના માણસો પણ સંડોવાયેલા છે જ. પોલીસની સામેલગીરી વગર આટલુ મોટું રેકેટ ચાલી જ શકે. જેવી આ ફાઇલ કમીશનરનાં હાથમાં જશે અને તપાસ શરૂ થશે કે તુરંત ઉપરથી કોઇકનું દબાણ આવશે અને પછી કેસ રદ્દે-ફદ્દે થઇ જશે. કેસ એટલો કમજોર કરી નાંખવામાં આવશે કે કોઇ ઇમાનદાર અફસર પણ તેને ઉકેલી નહી શકે.” અભિમન્યુના અવાજમાં આક્રોશ ભળેલો હતો.

“તો શું કરીશું? આપણે પુરાતન કાળનાં કોઇ વીર યોધ્ધા તો નથી જ કે સામી છાતીએ તલવાર લઇને દુશ્મનોનાં ભુક્કા બોલાવી દઇએ. તું અને હું, આપણે બે ભેગા મળીને શું ઉખાડી લેવાનાં? અને ધાર કે આપણે કંઇ કરીએ અને એ ઉંધું પડયું તો એની જવાબદારી કોણ લેશે? એવું તો કહેવાશે નહીં ને કે અમને પોલીસ ઉપર ભરોસો નહોતો એટલે અમે અમારી રીતે મેટર પતાવવાની કોશીશ કરી. અને વળી હું ખુદ એક પોલીસ ઓફિસર થઇને આવું કહું તો ડિપાર્ટમેન્ટ આખું મારી ઉપર હસે કે નહિં!” ચારું બોલી ઉઠી. તેને અભિમન્યુની ઉત્તેજના સમજાતી હતી પરંતુ આ ફાઇલની ગંભીરતા પણ એટલી જ ખતરનાક હતી. અને વળી હમણાં અડધો કલાક પહેલાં જ ક્લબમાં મળેલા એક વ્યક્તિનો ભરોસો કરવો પણ તેને યોગ્ય લાગતું નહોતું.

“એ ફિકર તું છોડી દે અને ફાઇલ મને આપ. હું મારી રીતે કામ કરીશ. તારે આમાં પડવાની જરૂર નથી. તું એમ માનજે કે આ ફાઇલ “ગોલ્ડન બાર”માંથી મળી જ નથી અને તું ખાલી હાથે જ બહાર નીકળી હતી.” અભિમન્યુએ ચારું તરફ હાથ લંબાવીને ફાઇલ પાછી માંગી.

“નો વે...! આમ ખુલ્લી આંખોએ હું આંખ-મીચામણાં કેમ કરું!” ચારુંએ ઉંડો શ્વાસ લીધો અને ગહેરા વિચારમાં ખોવાઇ. “આપણે એક કામ કરીએ. આ ફાઇલ અત્યારે હું મારી સાથે લેતી જાઉં છું. આજની રાત તેનો બરાબર અભ્યાસ કરી લઉં પછી આપણે કાલે ભેગા મળીને કોઇ નિર્ણય લઇએ.”

“ઓ.કે. નો પ્રોબ્લેમ. હું એ ફાઇલનાં ફોટા પાડી લઉં છું પછી ભલે ને હંમેશા એ તારી પાસે જ રહેતી.” અભિમન્યુ બોલ્યો અને તેણે ફોન કાઢી ફાઇલનાં એક-એક પાનાનાં ફોટા પાડયાં.

“જઇશું હવે..?” ચારુંએ પૂછયું અને ઘડીયાળમાં નજર નાંખી. સવાર થવાને હવે જાજો સમય નહોતો. વાતોમાં ઘણો લાંબો સમય વહી ગયો હતો.

“હું તને તારા ઠેકાણે ડ્રોપ કરતો જાઉં છું. પરંતુ હજું એકવાર કહું છું કે હમણાં આ ફાઇલની જાણકારી બીજા કોઇને ન થવી જોઇએ. તું પહેલા બરાબર અભ્યાસ કરી લે ત્યાં સુધી હું પણ જોઇ લઉં. સવારે ફોન કરીને આપણે ક્યાં મળવું એ નક્કી કરીશું.” અભિમન્યુ બોલ્યો. ચારુંએ હામી ભરી એટલે તેઓ બુલેટ ઉપર સવાર થઇને ત્યાંથી ઘરે જવા નીકળી પડયાં.

એ સમયે બે માંથી કોઇ નહોતું જાણતું કે તેમની સવાર ભયંકર આફત બનીને ત્રાટકવાની છે.

@@@

પુરા સાડા છ ફૂટ ઉંચો હતો એ. તેની સામે ઉભો રહેનાર માનવી સાવ વામન ભાસતો. તે જેટલો ઉંચો હતો એટલો જ શક્તિશાળી પણ હતો. સખત કસરતથી ઘડાયેલું અને કસાયેલું તેનું શરીર પોલાદથી કમ નહોતું. તેનાં હાથ જરૂર કરતાં વધારે લાંબા હતા અને બાવડામાં ઉપસેલા મસલ્સ એકદમ ગઠ્ઠાદાર દેખાતા હતા. તેની છાતી અને પેટ સાવ “ફ્લેટ” હતાં. ચરબીનું તો જાણે નામો-નીશાન નહોતું. પગનાં કસાયેલા સ્નાયુંઓ અને પાતળી કમરનાં લીધે તેનો દેખાવ કોઇ એથ્લેટ્સ્ જેવો દેખાતો હતો. એ રોબર્ટ હતો. રોબર્ટ ડગ્લાસ...! ગોવાનાં અંડરવલ્ડનો બેતાજ બાદશાહ. ગોવાની હવાનાં કણ-કણમાં તેની આણ પ્રવર્તતી હતી. અરે... ગોવાનાં ભલભલા ચમરબંધીઓ તેનાં દરબારમાં કૃર્નિશ બજાવતા.

એ રોબર્ટ ડગ્લાસ અત્યારે ગોલ્ડનબારમાં સ્વયં પધાર્યો હતો. આવું ભાગ્યે જ બનતું. ગોલ્ડનબારમાં તે પચાસ ટકાનો પાર્ટનર હતો અને બીજા પચાસ ટકાની ભાગીદારી સ્થાનિક નેતા સંભાજીરાવ ગોવરેકરની હતી. તેમના મોટાભાગના કારોબારનો વહીવટ અહીથીં જ થતો છતાં ભાગ્યે જ ક્યારેક તે ગોલ્ડનબારમાં પધારતો. આજે ઘણાં લાંબા સમયનાં અંતરાળ બાદ તે અહીં આવ્યો હતો, અથવા એમ કહી શકાય કે તેને અહી આવવાની ફરજ પડી હતી. ઘટનાં જ એવી બની હતી કે તેનો આવ્યાં વગર છૂટકો જ નહોતો.

થોડીવાર પહેલાં ગોલ્ડનબારમાંથી ફોન આવ્યો હતો. સામેના છેડેથી તેનો ખાસ આદમી સંજય બંડુ બોલતો હતો. તેણે એક સમાચાર આપ્યાં હતા એટલે રોબર્ટ દોડતો ગોલ્ડનબાર આવી પહોંચ્યો હતો. મેટાલીક બ્લ્યૂ રંગની ચમચમાતી જેગુઆર એક્સ.જે. માંથી નીચે ઉતરીને ભયંકર ગુસ્સામાં ધમધમતો તે પાછળના રસ્તેથી ક્લબમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં હાજર તેના માણસોમાં ગજબનો સન્નાટો પ્રસરી ગયો હતો. ગોલ્ડનબારમાં પ્રવેશવાનાં બે દરવાજા હતાં. એક મુખ્ય દરવાજો હતો જે રોડ તરફ ખુલતો હતો, ત્યાંથી ક્લબમાં અને ડિસ્કોથેકમાં પ્રવેશી શકાતું અને બીજો દરવાજો ક્લબની પાછળની બાજુએ હતો જ્યાંથી અત્યારે રોબર્ટ અંદર દાખલ થયો હતો. આ તરફ મોટાભાગના લોકો માટે પ્રવેશબંધી હતી કારણકે અહીથી જ તેના બે-નંબરના વહીવટો થતા અને ડગ્લાસનાં માણસોની આવન-જાવન પણ રહેતી. ડગ્લાસ એ તરફ બનેલી તેની વૈભવશાળી ઓફિસમાં પ્રવેશ્યો અને તેની પાછળ સંજય બંડુ પણ દાખલ થયો.

“કોણ હતું એ? લાવ જોવા દે..” બંડુને સંબોધતા તે બોલ્યો અને ઓફિસનાં વિશાળ ટેબલ પાછળ મુકાયેલી, ખાસ તેના માટે જ ડિઝાઇન કરાયેલી ઉંચી લેધરની મુલાયમ ખુરશીમાં તે ગોઠવાયો. બંડુ અંદર પ્રવેશ્યો ત્યારે તેના હાથમાં એક લેપટોપ હતું એ તેણે ડગ્લાસની આગળ મૂક્યું અને એન્ટરનું બટન દબાવ્યું એટલે લેપટોપની સ્ર્કીન ઉપર પાર્કિંગ એરિયાનું દ્રશ્ય ઉભર્યું. પાર્કિંગ એરિયાનાં સી.સી.ટી.વી.માં એક ઓરત અને એક આદમી બુલેટ ઉપર સવાર થતાં અને પછી ઝડપથી બહાર નીકળતા દેખાતા હતાં.

“કોણ છે આ લોકો?” ડગ્લાસનો ભારેખમ અવાજ ઓફિસમાં ગુંજી ઉઠયો. બંડુને એ સવાલથી પરસેવો વળી ગયો. મહા-મહેનતે ગળા નીચે થૂંક ઉતારતા તે બોલ્યો.

“કાલે સવાર સુધીમાં પત્તો લાગી જશે બોસ.”

“લાગી જ જવો જોઇએ નહિંતર તારો કોઇ પત્તો નહીં લાગે.” લગભગ ફાડી ખાતી નજરોથી ડગ્લાસે સંજય બંડુ સામું જોયું. “પાક્કી ખાતરી છે કે આ લોકો જ ઓફિસમાં ઘૂસ્યાં હતા?”

“જી બોસ. આપણાં એક માણસે કંન્ફર્મ કર્યું છે.” બંડુ બોલ્યો.

“તો એ બેવકૂફ શું જખ મારતો હતો ત્યાં? કોણ છે એ હરામખોર, બોલાવ તેને.” ડગ્લાસનાં ગુસ્સાથી આખી ઓફિસ ખળભળી ઉઠી. પરંતુ એ ખુદ જાણતો હતો કે હવે એ માણસને સજા કરવાથી કોઇ ફરક પડવાનો નથી. તેણે ફરીથી બંડુ સામું જોયું અને થોડો શાંત પડયો. એ એરિયામાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવાની તેણે જ પરમિશન નહોતી આપી. તેનું કારણ હતું કે જો એ વિસ્તારના સી.સી.ટી.વી.નાં ફૂટેજ અન્ય કોઇના હાથમાં આવી જાય તો ક્યારેક મુશ્કેલીઓ સર્જાયા વગર રહે નહીં. એટલા માટે જ એ તરફનો સમગ્ર વિસ્તાર કેમેરાની નજરથી બાકાત રાખવામાં આવ્યો હતો. ડગ્લાસે માથું ધુણાવ્યું અને ખુરશીનો ટેકો લીધો.

“શું- શું ગયું છે?” તેણે સ્થિર નજરે બંડુને પૂછયું.

થથરી ગયો બંડુ. સૌથી અગત્યની ફાઇલ જ ચોરાઈ છે એ કહેતાં તેની જીભ ઉપડતી નહોતી.

(ક્રમશઃ)