બુધવારની બપોરે - 32

બુધવારની બપોરે

(32)

મેરે સપનોં કી રાની કબ આયેગી તૂ....?

મેરે સપનો કી રાની કબ આયેગી તૂ, આઈ રૂત મસ્તાની કબ આયેગી તૂ,

બીતી જાયે જીંદગાની કબ આયેગી તૂ, ચલી આ, તૂ ચલી આઆઆઆ...

આવો પ્રશ્ન પૂછનાર ભાઇ પાસે હાલમાં કોઇ વાસ્તવિક પ્રેમિકા નથી. જે કાંઇ છે, તે એમણે સપનામાં જોયેલી કોઇ રાણી છે. તમે તો જાણો છો કે, સપનાનું કાંઇ નક્કી ન હોય. આપણે ય નાના હતા ત્યારથી સપના જોઇએ છીએ, પણ મનભાવન દ્રષ્યો કે સપનાની રાણીઓ કદી આવતી નથી. કોઇ મંદિરનો જટાધારી ભસ્મ ચોપડેલો નાગો બાવો સપનામાં આવે. હિપોપોટેમસ આપણને પાછળ બચકું ભરી ગયો હોય કે ધરતી ફાટી હોય ને આપણે મહીં ગરક થઇ જતા, ‘બચાવો....બચાવો’ની રાડારાડ કરતા હોઇએ, એવા સપના આવે.

સમગ્ર દ્રષ્ટિએ જોતા એવું ફલિત થાય છે કે, ભ’ઇની માનસિક હાલત બરોબર નથી. એક તો એના સપનોની રાણી કોણ છે, એની એને ખબર નથી. બીજું, એ ક્યારે આવશે-આવશે કે કેમ, એની એને ખબર નથી. ત્રીજું, રાણી ક્યારે આવશે, એની તપાસ પોલીસમાં કે ‘ગૂગલ’માં કરતા નથી. ઈતિહાસ ગવાહ છે કે, ઘણીવાર ‘ખોવાયેલી ચીજો’ની પોલીસ, રેલ્વે કે ઍરપૉર્ટને જાણ કરવાથી ભલભલી વાઈફો ય મળી આવી છે. આ તો ખોવાયા પહેલા જ રઘવાયો થયો છે. કોઇ જ્યોતિષીને હાથ બતાવવા જતો નથી. અનેક દાખલા છે કે, સગ્ગી વાઇફો સાથે ઝગડા થાય, એવા હસબન્ડોઝ વાઇફને લઇને હાથ નહિ, એના પગની રેખાઓ બતાવવા જ્યોતિષી પાસે જાય છે કારણ કે, ગોરધનના પાછળના ભાગમાં અનેકવાર પેલીએ પગથી પ્રહાર કર્યો હોય છે.

સ્વાભાવિક છે કે, મુંબઇ-અમદાવાદના ધોમધખતા અને પરસેવે રેબઝેબ કરતા ઉનાળાના બફારામાં તો એણે આવી રાડો પાડી ન હોય! આવે તો ય રાણી પરસેવે ગંધાતી હોય. પણ ભાઇની ફરિયાદ ઉપરથી એવું લાગે છે કે, સદરહૂ ઘટના ઉનાળામાં નહિ, કોઇ મસ્ત ૠતુમાં બની હશે. અલબત્ત, ઋતુ મસ્તાની આવી ગઇ હોવા છતાં પેલી આવવાનું નામ લેતી નથી, એમાં આને સખ્ત લાગી આવ્યું છે કારણ કે, જીંદગી પૂરી થવા આવી હોવા છતાં બેનના કોઇ ઠેકાણાં નથી. ભ’ઇ હજી સુધી કોરાધાકોડ રહ્યા છે, અર્થાત ફાધરે એને ઠેકાણે પાડવા જ્ઞાતિ-બાતીમાં કોઇ દોડાદોડ કરી નથી. ટુંકમાં, એ પોતે ડોહો થવા આવ્યો હોવા છતાં ઠેકાણું પડ્યું નથી, એટલે ચીલ્લાચીલ્લાકર અજ્ઞાત આવનારીને એના આવવાનો ટાઇમ પૂછે છે કે, ‘ક્યારે આવીશ તું?’ એની વાત ન્યાયી છે કે, જીંદગી વીતી જઇ રહી છે અને બધું પતી ગયા પછી આવવાનો કોઇ અર્થ નથી. સફેદ સાડલો કબાટમાંથી કાઢવો પડે અને માથે ઓઢીને બધાને ઢીલા મોંઢે નતમસ્તકે હાથ જોડવા પડે, એના કરતા બેહતર છે, એ ઘટનાસ્થળે ટાઇમસર પહોંચી જાય.

અહીં ભાવકોને ‘પોઍટિક-જસ્ટિસ’ જોવા મળે છે કે, સદરહૂ રાણી સ્વપ્નોની હોવાને કારણે એને કોઇ બસ કે ૮.૪૫ની ટ્રેન પકડવાની ન હોય. એ તો મન ફાવે ત્યારે ચાલી આવી શકે. અહીં ગીતના કવિ એટલે કે ગીતકારે સાહિત્યના કેવા ઊંચા મૂલ્યો સિધ્ધ કર્યા છે! ‘ચલી આ...’ પછી ‘આ તૂ ચલી આ’ માં છંદ, રદીફ કે કાફીયા ઉપર કેવો કન્ટ્રોલ રાખ્યો છે? ‘આ’ રદ્દીફ છે અને ‘ચલી’ને કાફીયાનો લેંઘો પહેરાવવામાં આવ્યો છે. એક ગીતના મુખડામાં આખેઆખી ગઝલ આવી જતી હોય એ તો ફિલ્મી ગીતકારો જ કરી શકે.

પ્યાર કી ગલીયાં, બાગો કી કલીયાં, સબ રંગરલીયાં પૂછ રહી હૈ,

ગીત પનઘટ પે કિસ દીન ગાયેગી તૂ, મેરે સપનો કી રાની કબ આયેગી તૂ

આ ઉત્સાહી ભાઇ જ્યાં રહે છે ત્યાં સાયકલ વાડી, ઢાળની પોળ કે ખાઉ-ગલી ના હોય, પ્રેમની ગલીઓ જેવી કે ‘ઈશ્કનો ખાંચો’, ‘લિપસ્ટિક ગલી’, ‘ચુંબનનો ચોરો’ જેવા શેર લોહી ચઢાવે એવા સ્થળો હોય. ઘરના માળીયે ચઢ્યા પછી ઇશ્કો-મુહબ્બતના વિચારો ન આવે, પણ બાગ-બગીચાના બાંકડે ૮૫-ની ઉંમરે ય બેઠા હો, તો હજી એકાદો ચાન્સ લઇ લેવાના ફળદ્રૂપ વિચારો આવે. આવા સ્થળો પ્રેમ અથવા પ્રેમો કરવા માટે આદર્શ મનાયા છે. અહીં બાગની કળીઓ ય ખીલી હોય એટલે એના ઉત્તર ગુજરાતના ગામમાં આલી ફેરા બાજરાનો પાક કેટલો ઉતર્યો હશે, એવા ખેતીવિષયક-વિચારો ન આવે. પ્રેમોમાં ભૌગોલિક સ્થાનોને પણ મહત્વ અપાયું છે, એ આવા કારણે! આ બધી ગલીઓ, કલીઓ અને રંગરેલીઓ આને પૂછપૂછ કરીને લોહીઓ પી ગઇ છે કે, જ્યાં ગ્રામ્યમહિલાઓ પાણીડાં ભરવા જાય છે, એ પનઘટ પર તારા ગીતોનો કાર્યક્રમ ક્યારે રાખવાનો છે?

આ હિસાબે આ સપનાની રાણી પનઘટ પર આડી પલાંઠી વાળીને બેઠી બેઠી કવ્વાલીઓ સારી ગાતી હશે. હીરો ખાસ કાંઇ ધાર્મિક લાગતો નથી. પેલી શ્રી.ગોકૂળનાથજીના મંદિરને બદલે પનઘટ પર જઇને ગાય, એવી ફર્માઇશો બાગની કળીઓ, પ્રેમની ગલીઓ અને ગામ આખાની રંગરેલીઓ કરી રહી છે, એની માહિતી આપે છે. એ ય ઓછો નથી. મંદિર, ખેતર, કરિયાણાવાળાની દુકાન કે ગામના ચોરાને બદલે પનઘટ પર એટલા માટે બોલાવે છે કે, આવડી આ ના પાડે તો ત્યાં એને બીજી, ત્રીજી કે આઠમી પનિહારીનો ચાન્સ રહે. મંદિરમાં જઇને ગવડાવવાનો આગ્રહ રાખે તો પૉસિબલ છે, ‘રાધેરાધેરાધે...’ કરતી કોઇની બા ઢોલ-મંજીરાના તાલે ગાવા માંડે. આને કમાવાનું શું? ગામભરની બાઓ કમસેકમ પનઘટ પર પાણીડાં ભરવા તો ન આવે! આ તો એક વાત થાય છે....!

અફ કૉર્સ, છોકરો ઉચ્ચ સંસ્કારનો છે એટલે પોતાની ડૅટ આપવાને બદલે પેલીને પૂછી જુએ છે કે, પનઘટના ગીતડાં ગાવા તને કઇ તારીખ ફાવે એમ છે? ‘કબ આયેગી તૂ...?’ વળી, એ પેલીને રાત્રે નથી બોલાવતો, દિવસે બોલાવે છે, એ બતાવે છે કે, છોકરો સંસ્કારી છે.

ફૂલ સી ખીલ કે, પાસ આ દિલ કે, દૂલ સે મિલ કે ચૈન ન આયે,

ઔર કબ તક મુજે તડપાયેગી તૂ, મેરે સપનો કી રાની કબ આયેગી તૂ.

પ્રસ્તુત શબ્દાવલીમાં ‘ફૂલ સી ખીલ કે..’ ધ્યાન રાખવા જેવા શબ્દો છે. સાયકલના ટાયરની ટ્યુબ જેવું નહિ, ફૂલ જેવું ખીલીને આવવાની સૂચના એટલા માટે આપવામાં આવી છે કે, પેલી કમસેકમ નાહી-ધોઇને તો આવે. ગામડાં ગામમાં તો ઘરમાં કચરા-પોતાં ને વાસણના ઢગલા પડ્યા હોય, એ બધું પતાવીને એવા વેષે આવવાની જરૂર નથી. પ્રેમમાં સ્વચ્છતાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. સનમ પરસેવે રેબઝેબ થઇને આવે તો એને ભેટતી વખતે ડૂંગળીનો થેલો ઉચક્યો હોય એવું લાગે. એના નિવેદન ઉપરથી ભાવકોને એક માહિતી ચોક્કસ મળે છે કે, ભૂતકાળમાં પેલી લઘરવઘર આવી હશે એમાં આણે દૂરથી જ ‘જે શી ક્રસ્ણ’ કરી દીધા હશે. બહુ મોટા અરમાનો લઇને આવ્યા પછી દૂરથી એને ભગાડવી પડે, એમાં તો સુખચૈન ગાયબ થઇ જાય. આ તો રોજનું થયું. રોજ આને તડપવાનું. રોજ રાત્રે ખૌફનાક વિચારો આવે કે, એક વાર તો મને અડવા દેશે ને? અડવા જઇશ ત્યાં જ એના ફાધર આવી નહિ જાય ને? એને બદલે એના ફાધરને અડવું નહિ પડે ને? આખી રાત આવા બિહામણા વિચારો આવે. સાલો બીજો કોઇ કામધંધો હોય કે નહિ? ઊંઘમાં ય બી જવાય કે, એ કેમ આવી-ગૅરેજના મીકેનિક જેવી ઑઇલી થઇને આવતી હશે? બહુ વાર કીધું એટલે એક દહાડો વળી કાનમાં તેલવાળા અત્તરનું પૂમડું નાંખીને આવી. સાલા કાનમાંથી રેલાં નીકળે, એમાં એને આલિંગનો ક્યાંથી કરવા?

પ્રેમમાં તડપવાને એક મહત્વનું સ્થાન અપાયું છે. ‘તડપવું’ એટલે ભારે ઠંડી ચઢી હોય ને પાંચ-છ બ્લાન્કૅટ્‌સ ઓઢીને ધ્રૂજતા હોઇએ એ નહિ. આમાં તો મોંઢું કરૂણ થઇ જવું જોઇએ, આંખોમાં વેદના જોઇએ, મોંઢામાં દાઢ પાકી હોય એવો ચેહરો દુઃખી થઇ જવો જોઇએ અને ખાસ તો, સજની સાથે સાજણે ભૂતકાળમાં જે કાંઇ તોફાનો કર્યા હોય, ગીતડાં ગાયા હોય કે મસ્તીમજાકો કરી હોય, એ બધું યાદ કરી કરીને ઢીલા થઇ જવાનું હોય. એક બાજુ પેલીની યાદમાં તમે ઢીલા થઇ ગયા હો ને બીજી બાજુ બ્લૅડ લૂછી લૂછીને દાઢી કરતા હો કે પડોસના છોકરાઓ ભેગા કરીને કૅરમ રમતા હો, એ તડપવું ન કહેવાય. એણે આપેલા રૂમાલ ઉપર તમારા નામનો ‘એ’, ‘બી’ કે ‘ઝૅડ’ ભરી

આપ્યો હોય, એ રૂમાલ સામે કરૂણાથી જોઇને ઢીલા થઇ જતા હો, એને તડપવું કહેવાય....એ રૂમાલથી બોચી ન લૂછાય. તમારા અંગે અંગમાં આગના ભડકા થવા જોઇએ. પ્રસ્તુત ગીત ગાનાર યુવાન આવો તડપે છે, ત્યારે આવું દર્દ નીકળે છે....

ક્યા હૈ ભરોસા, આશિક દિલ કા, ઔર કિસી પે યે આ જાયે,

આયેગા તો બહોત પછતાયેગી તૂ, મેરે સપનો કી રાની કબ આયેગી તૂ ?

આટલે સુધી છાપ સારી પાડ્યા પછી આ પંક્તિમાં ભ’ઇનું ચરિત્ર છતું થાય છે. આપણે તો એને સારા ઘરનો સંસ્કારી માનતા હતા, પણ પ્રસ્તુત પંક્તિ ગાઈને એણે સાબિત કર્યું છે કે, પેલી નથી આવતી, એ સારૂં જ કર્યું છે. આના ઉપર બહુ ભરોસો રખાય એવો નથી. ગમે ત્યારે ગમે તેને લપેટી લે એવો છે. એ પોતે જ લુખ્ખી આપે છે કે, મારા હ્રદયનો કોઇ ભરોસો નહિ. ‘વહેલી તે પહેલી’ના ધોરણે ચાન્સ બીજી કોઇને આપી દેવો પડે. હવે પચ્ચા-પંચાવનની ઉંમરે તો દિલને આશિક બનાવવું પડે કે નહિ? હોનારત થતા પહેલા આ યુવાને ચેતવણી જાહેર કરી દીધી છે કે, હવે તું જાળવી જાજે....બહુ થયું, બહુ રાહો જોવડાવી. હું સજ્જન છું, ત્યાં સુધી જ બધું બરોબર છે, પણ મારૂં દિલડું સજ્જન નહિ, આશિક-મીજાજ છે ને એનો કોઇ ભરોસો નહિ. આમે ય, ગામમાં તું એકલી નથી. તારા જેવી તો બહુ પડેલી છે, એમાંની મોટા ભાગની તો પાછી મને ગમે છે. ખરે વખતે હું મારા રૂદીયાને સમજાવી નહિ શકું અને બીજી કોઇ ઉપર એ ચોંટી ગયું, તો પછી તારી બા ને કહેવા ન જાતી કે, મનસુખે દિલ લગાવ્યું મારી સાથે ને આપી દીધું બાજરાના ખેતરવાળી ચંપાને. આમ તો ચંપા ય ચાલે એવી છે, ખોટી નથી પણ ગામમાં આવી તો પચ્ચાસો ચંપલીઓ છે. મારૂં દિલડું કે’દાડાનું ફૂદક-ફૂદક થાય છે, ગમે તેની ઉપર લાગી જાય. આ તો તું પહેલી વારની છું, એટલે પહેલો ચાન્સ તારો. પણ એક વાર બાજી હાથમાંથી નીકળી ગઇ તો મારા આશિક-મીજાજ દિલડાંનો કોઇ ભરોસો નહિ, બેન! અરે, આવી ઘટના ન બને એના માટે તું પ્રાર્થના કર. અગર હું કોઇ બીજીમાં લપટાઇ ગયો તો પસ્તાવાનો વખત તારે આવશે અને પછી હું તને એક ભાઇ તરીકે પણ મદદ નહિ કરી શકું.

અહીં શાયરે હિંદી ફિલ્મોની મહાશક્તિનો સુપેરે ઉપયોગ કર્યો છે. આ લખનાર માટે સાહિર લુધિયાનવીથી મોટો કોઇ અર્થબધ્ધ શાયર થયો નથી. સસ્તાં ગીતો-ગઝલો એણે લખી નથી. શકીલ બદાયૂની માટે પણ સલામ. કવિ નીરજ સુધીમાં તો વાત પતી જાય છે. શૈલેન્દ્રને જ્યાં પ્રોફેશનલ લખવાનું નથી આવ્યું ત્યારે એ ગીતકાર નહિ, ‘કવિ’ શૈલેન્દ્ર તરીકે ખૂબ આદરસત્કાર પામ્યા છે. પણ બાકીના તમામ શાયરો-ગીતકારો હસરત જયપુરી, મજરૂહ સુલતાનપુરી, આનંદ બખ્શી, રાજીન્દર કિશન, રાજા મેંહદી અલીખાન, ઈન્દિવર, ગુલશન બાવરા.....વગેરે વગેરેના ગોડાઉનમાં એકના એક ઝભલા-લેંઘાનો અઢળક માલ પડ્યો રહેતો, જેમાં દિલ, મુહબ્બત, ઈશ્ક, પ્યાર, ઉલ્ફત, આંસુ, બાદલ, બીજલી, આસમાન, દરિયો, મેહબૂબા, સનમ, જીંદગી, બારિશ, રિમઝીમ, બરસાત, હમદમ, લબ, ઘને બાદલ અને ઘને બાલ, નૂર, બચપન, જવાની (એકે ય ગીતમાં ‘બુઢાપા’નો ઉલ્લેખ પણ થયો છે?), આંખેં, તૂફાન, અશ્ક, સપના, ખ્વાબ, ધડકન, ચાહત, રોશની, ચાંદની, તારેં, ખુદા, ફરિશ્તા કે મૌલા આવે પણ સાધુ મહારાજ કે મહારાજ સાહેબ કદી ન આવે.) ‘ખુદા હાફીઝ’ આવે પણ એકે ય ગીતમાં ‘જયશ્રી કૃષ્ણ’ કે ‘જય જીનેન્દ્ર’ સાંભળ્યું?

ગીતની જરૂરિયાત મુજબ, આ ગોડાઉનમાંથી એકાદ-બે ગાભા કાઢતા જવાના એટલે ગીત તૈયાર. પ્રસ્તુત ગાભાઓની વચ્ચે ગીતકારે વ્યાકરણ મુજબ, કર્તા અને ક્રિયાપદ જ ઉમેરવાના રહે, એટલે ગીત તૈયાર. ‘ઝીલમીલ સિતારોં કા આંગન હોગા, રિમઝીમ બરસતા સાવન હોગા...’ તારી ભલી થાય ચમના....જો આકાશમાં હાઉસફૂલ સિતારાઓ હોય તો વાદળો વગર વરસાદ કઇ કમાણી ઉપર પડવાનો છે? આપણે માનીએ કે કલ્પનામાં તો આવું બધું ચાલે, તો પછી રૂ.૧૫-લાખ કે રૂ.૭૨ હજાર આપણા ખાતામાં જમા થઇ જાય એવી કોઇ કલ્પના કર ને, ભાઇ!

શબ્દો ધ્યાનથી સમજજો (સૉરી, ધ્યાન રાખવું પડે એવો તો એકે ય શબ્દ નથી!) ‘અય સાંવલી હસિના, દિલ મેરા તૂને છીના, મદહોશ મંઝિલોં પર, તૂને સીખાયા જીના....’ પછી સીધા ત્રીજા અંતરામાં, ‘ગોરે બદન પર કાલા આંચલ તૂને આજ લહેરાયા, હાય કુરબાન જાઉં...’

બેન ચંપાએ એવું તે ક્યું ક્રીમ આખા બૉડી ઉપર લગાવ્યું હશે કે, ગીતની ૪૭-સેકન્ડમાં તો કાળુંભઠ્‌ઠ બૉડી ગોરૂં થઇ જાય છે?

‘સાંવલી’ એટલે કાળીભઠ્‌ઠ-ડામર સરીખી પ્રેમિકા. આપણે થોડું ઓછું કરી આપીએ ને કાળીકલૂટીને બદલે જરા શ્યામવર્ણી મેહબૂબા લઇએ, છતાં ગીતનો ત્રીજો અંતરો પૂરો થતા સુધીમાં એનું સાંવલું બદન ગોરૂં કઇ કમાણી ઉપર થઇ જાય? વળી, બહેન ચંપા નિહાયત છાંટો-પાણી કરતી હશે કારણ કે, ભાઇના જીવનના જે કોઇ ધ્યેયસ્થાનો છે (મંઝિલેં), એ બધા નશીલી હાલતમાં છે, ત્યાં જઇને ચંપા એને જીવવાનું શીખવાડે છે. શબ્દાર્થ મુજબ જવા જઇએ તો ભ’ઇ તો પહેલેથી મદહોશ એટલે કે છાંટોપાણી કરેલી મંઝિલો ઉપર રહેતા હશે (હાઆઆઆ....શ, ગુજરાતમાં તો નહિ જ રહેતા હોય!), અર્થાત કોઇ દારૂના અડ્‌ડામાં વસવાટ કે નોકરી કરતા હશે, જ્યાં સઘળું મદહોશ હાલતમાં હોય. આવા સ્થાને પહોંચીને પેલી આને જીવન જીવતા શીખવે છે, એ કોઇ નાની સિધ્ધિ નથી, મિત્રો. ભાઈએ તો હજારો જ્યોતિષીઓ કે બાવા-ફકીરોને બતાવ્યું હશે પણ આને કેવળ એક ઝલક દેખાડીને મનસુખનું આખું મુકદ્દર ચમકાવી દીધું. વાહ, કેવા અર્થસભર શબ્દો અને શાયરી છે!

આપણને તો આમાં જાણે કાંઇ સમજ પડતી ન હોય એમ એ લોકો શબ્દની સાથે ગાઇડ પણ ગીતમાં મૂકી આપે કે, ‘ધડકન’ એટલે કઇ ધડકન? તો કહે, ‘દિલ કી ધડકન’....કેમ જાણે ‘દિલ કી’ ન લખ્યું હોત તો આપણે ઢીંચણ કી ધડકન કે કંધે કી (ખભાની) કી ધડકન સમજી બેસત!

સપનોં કી રાની આવી જાય તો મનસુખની મદદ કરજો, ભાઇ!

-------

***

Rate & Review

Mewada Hasmukh 2 months ago

Kanji Solanki 2 months ago

Balkrishna patel 2 months ago

Ramesh Champaneri 2 months ago

Bhoomi Patel 2 months ago