Budhvarni Bapore - 37 books and stories free download online pdf in Gujarati

બુધવારની બપોરે - 37

બુધવારની બપોરે

(37)

ઊંટ વિશે એક વાર્તા

એમને ઊંટ ખરીદવું હતું-અમદાવાદના ટ્રાફિકને પહોંચી વળવા. બધે પૂછી ય વળ્યા કે સારા માઇલું ઊંટ ક્યાં મળે? ઊંટો રણમાં ચાલે તો શહેરમાં કેમ નહિ? આમ તો ઊંટોને એક ખૂંધ હોય, પણ એમણે તપાસ કરી બે ખૂંધો (ઢેકા)વાળા ઊંટોની, જેથી વચમાં સરસ મજાની ગાદી પાથરીને બેસી શકાય. કમનસીબે, જગતમાં હવે ચીન અને મોંગોલીયા સિવાય બે ઢેકાવાળા ઊંટો રહ્યા નથી, એટલે આમણે એક ઢેકાથી ચલાવી લેવાનું સ્વીકાર્યું.

એમનો તર્ક સાચો હતો. શહેરના ટ્રાફિક-જામોમાં ઊંટ ગમે ત્યાંથી રસ્તો બનાવી લે. કાર તો ઠીક, કોઇ સ્કૂટરવાળો ય એને ઑવરટૅક કરતા વીસ વખત વિચાર કરે. તમે ઊંટ લઇને ટ્રાફિકમાં નીકળ્યા હો, ત્યારે મજાલ છે કોઇ વાહનવાળાની, આજુબાજુ ઊભો ય રહે? એના મોંઢામાંથી (ઊંટના મોંઢામાંથી) સતત લાળ ટપકતી હોવાથી બધા વાહનો દસ-દસ ફૂટનું ડિસ્ટન્સ રાખીને ઊભા રહે. ‘ગાડી ઉપર’ સ્વચ્છતા જાળવી રાખવા ઊંટની પાછળ પણ ઊભી ન રખાય. વળી, ઊંટને પેટ્રોલ પીવડાવવાનું હોય નહિ અને ઘાસફૂસ સસ્તું પડે. કબુલ કે, પાર્કિંગ માટે બીઍમડબલ્યૂ કે ફેરારીથી ય વધારે જગ્યા ઊંટો રોકે, પણ આપણા શહેરમાં તો ફાવે ત્યાં પાર્કિંગ કરી શકાય છે, એટલે ઊંટોને ફાવે ત્યાં મૂકીને આવતું રહેવાય.

અડચણો ઘણી હતી, પણ ઊંટ વસાવવાને કારણે ફાયદાઓ ય ઘણા હતા, એટલે મેહતાસાહેબે ગમે તેમ કરીને એક ઊંટ ખરીદવાનો નિર્ણય લીધો. ઠેઠ અજમેર પાસેના પુષ્કર મેળામાં-અને એ ય કાર્તક મહિનાના દસ દિવસ ઊંટોનો મેળો ભરાય, ત્યાંથી એક ઊંટ લઇ આવ્યા. કોઇએ એમને કહ્યું નહિ કે, ઊંટ રોડ ઉપર ચલાવવા માટે લેવું હોય તો અમદાવાદના આર.ટી.ઓ.નું પાસિંગ જોઇએ કે નહિ! ઊંટોને આમ તો ચાર પગ હોવા છતાં ટ્રાફિકની ભાષામાં ટુ-વ્હિલર્સમાં આવે, એટલે એની પાછળના ભાગમાં ‘રાઇટ કે લૅફ્ટ-હૅન્ડ ડ્રાઇવ’નું પાટીયું લટકાડવું ન પડે.

મેહતાના બંગલા કરતા કમ્પાઉન્ડ મોટું હતું અને ગાડીઓ કાઢી નાંખી હતી એટલે ઊંટ માટેના ગૅરેજનો સવાલ નહોતો. મેહતા પોતે ચોખ્ખાઇમાં બહુ માને, એટલે પોતાના ઊંટને રોજ નવડાવવા-ધોવડાવવાનો આગ્રહ ખરો. જો કે ઊંટની હાઇટ જોતા એને નીચે અને ઉપર નવડાવવા માટે બે જુદા માણસો જોઇએ, તો એ ખર્ચો પોસાય એવો હતો. એના લંચ-ડિનર માટે ઘાસફૂસની વ્યવસ્થા થઇ ગઇ હતી. એ વાત જુદી છે કે, ઊંટની ઉપર બેસવાનું આપણને ફાવે નહિ, એટલે ચાર સીટોવાળી નાનકડી ઊંટગાડી બનાવવામાં આવી. મેહતાને બીક ફક્ત એટલી લાગી કે, દોડતી ઊંટગાડીને અચાનક બ્રેક મારવાની આવી ને ઊંટ વિફર્યું તો...? આમાં તો ઘોડાની જેમ લગામ ખેંચવાની હોય ને ખેંચી ખેંચીને માણસ કેટલું ખેંચે?

એ વાત જુદી છે કે, ઘેર ઊંટ વસાવ્યું છે તો મેહતાએ એની પૂરી જાણકારી ય લીધી જ હોય અને ખરેખર લીધી હતી, એટલે ઉપર જણાવેલ સમસ્યાઓ હલ કરવાનો મેહતાને ખાસ કોઇ પ્રોબ્લેમ નહોતો....

પણ એક તોતિંગ પ્રોબ્લેમ તો મેહતાને ઊંટ ખરીદતી વખતે ધ્યાનમાં નહોતો આવ્યો. ઘર માટે ડૉગી (કૂતરો) લીધો હોય તો રોજ સવારે એને સૂ-સૂ અને છી-છી કરાવવા માટે બહાર રોડ ઉપર નીકળવું પડે. મોટો આંટો રોજ મારવો પડે. સાલું ઊંટને રોજ સવારે લઇને ક્યાંથી નીકળવું?

પણ પેલો તોતિંગ પ્રોબ્લેમ સૂ-સૂ કે છી-છી નો નહોતો. પ્રોબ્લેમ આટલા વિરાટ ઊંટને બ્રીડિંગ કરાવવા કોની પાસે લઇ જવું? ક્યાં લઇ જવું? શહેરમાં તો કોઇની પાસે ઊંટે ય ના હોય ત્યાં ઊંટડીઓ ક્યાંથી શોધવી? ઊંટ પણ માણસ....આઇ મીન, ઊંટ પણ ઊંટ છે ને આ એની ય જરૂરિયાત હોય. અને એકાદી ઊંટડી મળી પણ જાય તો આને પાછું કેવી રીતે લાવવું? વાઘ એક વાર લોહી ચાખી ગયો પછી ઝાલ્યો રહે? આ તો ઊંટ માટે ઊંટડી શોધવાનું કામ હતું. આનો ઉપાય તો ‘પતંજલી’ પાસે ય ન હોય!

મેહતાને સખ્ત ટૅન્શનો થવા માંડ્યા. એકાદ-બે દિવસ ઊંટ રાહ જુએ, પણ આગળ શું? ગભરાઇ-ગભરાઈને મેહતા રોવા જેવા થઇ ગયા. ઊભા થઇને બંગલાની બારીમાંથી બબ્બે મિનિટે નીચે પાર્ક કરેલા ઊંટ સામે જુએ અને ભૂલેચૂકે ય એની નજર ઊંચી થઇને મેહતા ઉપર પડે, તો ગભરાઇને બારીના પરદા પાછળ સંતાઇ જાય. ક્યાંક

વિફરેલું ઊંટ બદલો લે તો? ઘરમાં આવીને બધું વેરણછેરણ ને તોડફોડ કરી નાંખે. બિચારૂં મૂંગુ પ્રાણી પોતાને શું જોઇએ છે, એ કહી-બતાવી પણ ક્યાંથી શકે?

એ બધી વાત સાચી પણ આનો ઉપાય શું? છાપામાં ‘જોઇએ છે, ઊંટડી’વાળી જાહેરખબરે ય ન અપાય. આપીએ તો સાલા એવું સમજે કે, ‘મેહતાને વળી ઊંટડીની શી જરૂર પડી?’

પણ કોકે સલાહ આપી કે, અહીં અમદાવાદમાં તો તપાસ કરવી વ્યર્થ છે. તમે સદરહૂ ઊંટ જ્યાંથી લીધું હોય ત્યાં તપાસ કરો. મળી જાય તો ઊંટડી ખરીદી જ લેજો, ભાડે ન લાવતા. પછી તમારે લાઇફ-ટાઇમની ચિંતા નહિ. પેલાએ સલાહ તો સાચી આપી પણ પુષ્કરનો મેળો તો ઠેઠ ઑક્ટોબરમાં ભરાય અને આ હજી ફેબ્રુઆરી ચાલે છે, ત્યાં સુધી ઊંટ તો શું, કોઇ ભૂખ્યું રહે? અને પુષ્કર અહીં પડ્યું છે? ના જવાય. જઇએ તો ય કોઇ ગાન્ડા ગણે.

મેહતા ઘરની બહાર નીકળી શકતા નહોતા. ક્યાંક ઊંટની નજર પડી જાય તો? ઝાંપો એના ગૅરેજથી સાવ નજીક હતો. જવું જ પડે તો ખુલ્લી છત્રી આડી રાખીને મેહતા બહાર નીકળતા.

આખરે એમને એક આઇડીયા આવ્યો. યારદોસ્તોને ફોનો કરવાનો. મોબાઇલમાં બે-એક હજાર નંબરો હતા. એક પછી એક બધાને કરવા માંડ્યા. અલબત્ત, પૂછવું શું? અને કેવી રીતે? કન્યા ગોતવાની હોય તો, ‘ભ’ઇ, તમારા ધ્યાનમાં કોક સારી છોકરી હોય તો બતાવો ને...મારા દીકરા માટે!’ આમાં છોકરીને બદલે ઊંટડી ન કહેવૈ. ને તો ય, હિમ્મત કરીને મેહતાએ બિનધાસ્ત છતાં સામાજીક ધોરણો જાળવીને પૂછવા માંડ્યું. નૅચરલી, જે સાંભળે એ ખડખડાટ હસી પડે હસવાનું બંધ ન થાય ત્યાં સુધી!

પ્રોબ્લેમ ત્યારે થયો કે, કોક તોફાની દોસ્તે એના ૫૦-૬૦ દોસ્તોના નંબરો મેહતાને આપી દીધા. ‘આ મારા ખાસ ફ્રૅન્ડ ઠક્કરનો નંબર છે....બનતા સુધી એ ઠક્કર છે કે આચાર્ય, એ યાદ નથી પણ એમની પાસે એક સારા માઇલી ઊંટડી છે ખરી. તમે ત્યારે આપણું નામ દેજો કે, મહેશભ’ઇએ તમારો નંબર આપ્યો છે. તમારૂં....આઇ મીન, તમારા ઊંટનું કામ થઇ જશે, બૉસ. કદાચ મારાથી ભૂલમાં ખોટું નામ અપાઇ ગયું હોય તો તમે ત્યારે વારાફરતી આ બધાને ફોન કરી જોજો....’

બીજા જ દિવસથી મેહતા મોબાઇલ ઘુમાવવા માંડ્યા. ‘શાહ સાહેબ....સૉરી, પણ મને મહેશભાઈએ તમારો નંબર આપ્યો છે.....સાંભળ્યું છે, તમારી પાસે ઘણી ઊંટડીઓ છે ને તમે બ્રીડિંગ કરાવી આપો છો...એટલે મેં રીક્વૅસ્ટ ખાતર આપને આ ફોન કર્યો છે. તકલીફ બદલ ક્ષમા....!’

તાબડતોબ શાહ ભડક્યો, ‘‘શુંઉઉઉઉ....? ઊંટડી? બ્રીડિંગ....?? અરે, હું જૈન વાણીયો છું, કોઇ માલધારી નહિ. શટ અપ...ક્યા ગધેડાએ મારો ફોન નંબર આપ્યો તમને? ખબરદાર મને આવો ફોન ફરી વાર કર્યો છે તો...!’’

પસ્તાયેલા મેહતા એટલું જ સમજ્યા કે, ભૂલમાં ખોટો નંબર લાગી ગયો હશે.

ફિર ક્યા...? હિમ્મત ભેગી કરીને એ પછી તો એમણે ત્રિવેદી, સૈયદભાઇ, વીરાણી, જસુભાઈ અને ક્રિશ્ચિયન સાહેબને છેલ્લે છેલ્લે ફોન કર્યા. બધાએ આવડી ને આવડી ચોપડાવી. સવારે ઊંટને બહાર ફરવા લઇ જવાના બહાને કોક ઝાડ પાછળ સંતાઇને રોડ ઉપર છોડી દીધું......

હાંફતા હાંફતા ઘેર આવ્યા ત્યારે ઠાવકું થઇને ઊંટ ગૅરેજમાં આવી ગયું હતું.

સિક્સર

પ્લૉટ વેચવાનો છે

૩૪૫-વખત વપરાયેલો સસ્પૅન્સ ટીવી-સીરિયલમાં વપરાય એવો વિદેશી વાર્તાનો પ્લૉટ ચાલુ હાલતમાં વેચવાનો છે. લખોઃ બૉક્સ નં.૨૦૧૭.

-------