Bade papa - 20 books and stories free download online pdf in Gujarati

બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૦

રાજીવ કુમાર ભલે પોતાના ધંધામાં માહેર હતા છતાં તેઓ સત્યમના હાથે પરાસ્ત થઈ ગયા હતા ! અંદર થી હચમચી ગયા હતા !

તેમણે પોતાની અસલી જાત દેખાડી સત્યમને મેનેજમેન્ટ સામે બદનામ કર્યો હતો . આ જ કારણે સત્યમ તે કંપનીમાં કામ કરી શકતો નહોતો . તેણે પુનઃ પ્રેમસનમાં જવાનો નિર્ણય કર્યો હતો . એક ચિઠ્ઠી લખી તેણે રાજીવ કુમારની માફી માંગી પાછા આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી . તેના આવા પગલાંથી રાજીવ કુમારના અહમને પોષણ મળ્યું હતી . તેમણે તરત જ સત્યમને જોબમાં પાછો લઇ લઈ લીધો હતો . ત્યારે તેને રાજીવ કુમારના કારસ્તાનની જાણ નહોતી . જોબ છોડ્યો તે દિવસે તેના ઉપરીએ ઘટસ્ફોટ કર્યો હતો . અને સત્યમ જિંદગીના ત્રિભેટે આવીને ઉભો રહી ગયો હતો . તે સમજી શકતો નહોતો. તેણે શું કરવું જોઈએ .? તેણે કંપનીમાં રાજીનામું આપી દીધું હતું . અને રાજીવ કુમાર તેને પાછા લેવા તૈયાર થઈ ગયા હતા .

ના ડગર હૈં ના ખબર હૈં જાના હૈં મુઝ કો કહાઁ

આ હાલતમાં તે રાજીવ કુમારની ઓફિસમાં જોડાઈ ગયો . ત્યારે તેની માનસિક હાલત સારી નહોતી . તેના દિલો દિમાગ પર રાજીવ કુમારને પાઠ પઢાવવાની તાલાવેલી સવાર થઈ ગઈ હતી . તેમની બેવડી રમતનો તે બદલો લેવા ઉત્સુક થઇ ગયો હતો .

રાજીવ કુમાર શક્કી પ્રકૃતિ ધરાવતા હતા .

કમ બેક કર્યા બાદ તે વધારે વખત રાજીવ કુમાર સાથે કામ ના કરી શક્યો . રોજ બરોજ સુજિત કુમાર જોડે ઝઘડા થતાં રહેતા હતા . સત્યમ પાછો આવ્યો તે વાત તેને જચી નહોતી ! તેઓ સત્યમને બહાર કાઢવાના નિત નવા પેંતરા રચ્યા કરતા હતા . આ જ વાતને કેન્દ્રમાં રાખી રાજીવ કુમારે સત્યમને જોબ છોડી દેવાની ભલામણ કરી હતી !

અને સત્યમ ચૂપચાપ તેમની ઓફિસમાંથી નીકળી ગયો હતો . ત્યારે તે ગુસ્સામાં હતો . છતાં હસતા મોઢે પ્રેમસનને અલવિદા કરી ગયો હતો . તે સુજિત કુમારના ભવાડા જગ જાહેર કરવાની નેમ લઈને તેમની ઓફિસમાંથી બહાર નીકળ્યો હતો .

સુજિત કુમારના ડ્રાઈવર જોડે સત્યમને સારું બનતું હતું . તેણે સુજિત કુમાર વિશે માહિતી આપવાની ખાતરી આપી હતી .

અને મોકો મળતા જ તેની ઓફિસમાં નવી આવેલી છોકરી જોડે સુજિત કુમારને રંગે હાથ પકડાવી દીધો હતો . જેની તેને કાનોકાન જાણ થવા પામી નહોતી .

પ્રેમસનથી છુટા પડયા બાદ સત્યમ એક બે જગાએ કામ કરીને ' શેઠ બ્રધર્સ 'માં જોડાયો હતો . ત્યાં પણ તેને પ્રેમસન જેવા જ અનુભવો થયાં હતાં .

આ બંને ખાનગી પેઢીઓ હતી . અહીં કોઈ જ કાયદા કાનૂન નથી હોતા . આ વાતનો સત્યમને કપરો અનુભવ થયો હતો . જેના ભવાડા ' ખાનગી પેઢીની બલિહારી ' શિર્ષક હેઠળ એક અઠવાડિક સામાયિક માં અક્ષરસ છતાં કર્યા હતા .

નીતિન આ સામાયિક નિયમિત પણે વાંચતો હતો . તેણે જ સામે ચાલીને આ લેખ રાજીવ કુમારને વાંચવા આપ્યો હતો . લખાણમાં પોતાની પેઢી ' પ્રેમસન 'ને જ ટાર્ગેટ કરવામાં આવી હતી . તે જોઈ વાંચી તેમના હોશકોશ ઊડી ગયા હતા . તેમણે સત્યમને હેરાન પરેશાન કરવાના આશયે નિતીનને જાસૂસ બનાવ્યો હતો . તેણે સામાયિકની મદદથી શેઠ બ્રધર્સનો ટેલિફોન ગોતી કાઢ્યો હતો . ત્યાં ફોન કરી સરનામું મેળવી રાજીવ કુમારના હાથમાં સોંપ્યું હતું . તેમણે લેખની અમુક વાતોને હાઈ લાઈટ કરી , અંડર લાઈન કરી પોસ્ટમાં ' શેઠ બ્રધર્સ ' રિમાર્ક કરી હતી : '
શેઠ શ્રી આ લેખ તમારી કંપનીને ધ્યાનમાં લઈને તો નથી લખાયો ને ? '

લેખની કોપી શેઠ બ્રધર્સ સુધી પહોંચી ગઈ હતી . સત્યમને તેની ઓફિસના એક ક્લીગે જાણ કરી હતી .

આવું કોણ કરી શકે ? રાજીવ કુમારની આ હરક્તથી સત્યમને અચરજ થયું હતું . તેને હસવુ પણ આવી ગયું હતું . રાજીવ કુમાર એવું માનતા હતા . ' શેઠ બ્રધર્સ ' ની મેનેજમેન્ટ આ લેખ વાંચી સત્યમ વિરુદ્ધ કાર્ય કરશે . તેને જોબથી બરતરફ કરશે . પણ બુદ્ધિના બ્રહ્મચારી રાજીવ કુમારને એ વાતની જાણ નહોતી . સત્યમે ચાલીને આ લેખની બે પ્રત મેનેજમેન્ટના હાથમાં સોંપી હતી .

નિતીનનો જાણી જોઈને રાજીવ કુમારે સત્યમ સામે એક મહોરો બનાવ્યો હતો . તે બધું જાણતો હતો . રાજીવ કુમાર તેની વિવશતા , ગરીબીનો લાભ ઉઠાવી રહ્યા હતા . આથી તેણે નિતીનને આ મામલા માં દોષિત ગણ્યો નહોતો .

લેખમાં ફ્લોરાના પાણીચાનો આડકતરો પણ સમજી શકાય તેવો ઉલ્લેખ કર્યો હતો . આ બદલ ' શેઠ બ્રધર્સ ' ની મેનેજમેન્ટ બિલકુલ ખામોશ ચૂપ હતી . સત્યમે તો ફ્લોરાને કરવામાં આવેલા અન્યાયના અનુસંધાનમાં કૈલાસ ભાઈના મોટા ભાઈને મોઢે ચોપડાવ્યુ હતું .

' આઈ ડોન્ટ સી એની ટચ ઓફ હુમીનીતિ હિયર ' '

તેમને બચાવમાં એટલું કહ્યું હતું : ' અમે લોકો એવા નથી ! '

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

શેઠ બ્રધર્સનું પગાર ધોરણ અત્યંત નબળું હતું . ઓફિસમાં હર કોઈ તેને મળતા પગારથી નાખુશ , નારાજ હતું . આ માટે સ્ટાફ સભ્યોએ ભેગા મળીને ચળવળ ઉપાડી હતી . સત્યમ અને બીજો સંજય શાહ બંને તેના સૂત્રધાર હતા . બાકી બધા તો શોભાના ગાંઠિયા જેવા હતા . સત્યમનો પગાર શાંતિલાલ કરતા ૧૫ રૂપિયા જ વધારે હતો . આ બદલ તેને સતત જલન થતી હતી . તેણે આ બદલ સત્યમને અનેક વાર સંભળાવ્યું હતું .

સત્યમે ઈમાનદારીથી પગાર વધારાની ઝૂંબેશ આગળ ચલાવી હતી . તે જ આ બધાનો મુખ્ય સૂત્રધાર હતો . મેનેજમેન્ટ આ વાત જાણતી હતી . તેને ફોડવો અત્યંત મુશ્કેલ હતો . આ હાલતમાં મેનેજમેન્ટને અંદર ખાને સંજયને વધારે પગારની લાલચ આપી ચૂપ કરી દીધો હતો . અને મેનેજમેન્ટ તરફથી નજીવો પગાર વધારો કરવામાં આવ્યો હતો . આ તબક્કે સર્વાનુમતે એવું નક્કી કરવામા આવ્યું હતું . ' નવો પગાર વધારો કોઈએ પણ ના લેવો .

'છતાં શાંતિલાલે વૌચર સહી કરી પગાર લઈ લીધો અને ઉપરથી ખોટી સફાઈ કરવા લાગ્યો .

' મને ખબર નહોતી કે આ નવો પગાર હતો ! '

તેની આવી બાલિશ દલીલ કોઈના ગળે ઉતરી નહોતી . જે વ્યક્તિ બીજાને ૧૫ રૂપિયા વધારે મળે છે . તેના ગીતો ગાતો હોય તેને કેમ ખબર ના હોય કે તેનો નવો પગાર છે કે જૂનો ?

પાછા તેણે સફાઈ આપતા સત્યમને કહ્યું હતું : તમે કહેતા હોવ તો હું પગાર પાછો આપી દઉં . '

તેની બુદ્ધિ પર સત્યમને ઘણો જ ગુસ્સો આવી ગયો . તેણે સાફ શબ્દમાં શાંતિલાલને કહી દીધું હતું !


' હવે હું કંઈ ના જાણું ! '

આખરે શાસનની તાકાત સામે સ્ટાફના હાથ હેઠા પડયા હતા પણ સત્યમની વ્યકિતગત પગાર વધારાની લડત અવિરત જારી હતી . પણ તેનો કોઈ અર્થ સર્યો નહોતો . તેણે ઓલરેડી રાજીનામુ આપી દીધું હતું . છતાં પણ તે નિયમિતપણે પોતાની ડ્યૂટી બજાવતો હતો . આ વાત કંપનીના તેની જ હરોળના લોકોને ખૂંચવા માંડી હતી . તેઓ પીઠ પાછળ સત્યમની ટીકા કરતા હતા . તે કયારે જોબ છોડે છે તેની રાહ જોતા હતા !

સત્યમ માટે પ્રતિષ્ઠાનો સવાલ હતો . આ હાલતમાં તેને બીજો જોબ મળી ગયો છે તેવી જૂઠી વાત કરીને અલવિદા કરી ગયો હતો .

ત્યાર બાદ બરાબર બે મહિના તે ઘરમાં બેકાર બેઠો હતો . તેને કોઈ જોબ મળ્યો નહોતો . આ હાલતમાં તેણે લાઈન બદલી જરનાલિઝમ લાઈનમાં પગ દીધો હતો .

તે પહેલાં સામાયિકની ઓફિસમાં ગીતકાર રમેશ ગુપ્તા સાથે તેની મુલાકાત થઈ હતી . તેઓ અર્થપૂર્ણ , સંવેદનશીલ ગીતો લખતા હતા. તે સાથે તેમણે ' મતલબી દુનિયા ' નામની વિવાદસ્પદ ફિલ્મનું નિર્માણ કર્યું હતું , જે રિલીઝ થતા પહેલા જ વિવાદના ડાયરામાં અટવાઈ ગઈ હતી . ફિલ્મમાં અમુક વિવાદાસ્પદ દ્રષ્યો હતા . જે સેન્સર બોર્ડ પાસ કરવા તૈયાર નહોતું . અને રમેશ ગુપ્તા પણ તેના વિના ફિલ્મ રિલીઝ કરવા તૈયાર નહોતા. આ કારણે તેમની ફિલ્મ કદી રિલીઝ થવા પામી નહોતી .

ફિલ્મના ગીતો રેડિયો પર ઘણા લોકપ્રિય થઈ ગયાં હતાં .

સબ પ્યારકી બાતેં કરતે હૈ
પર કરના આતા પ્યાર નહીં ,
હૈં મતલબ કી દુનિયા સારી ,
યહાં કોઈ કિસીકા યાર નહીં ,
કિસી કો સચ્ચા પ્યાર નહીં ,

અને બીજું ગીત પણ લોકોના હોઠે રમતું થઈ ગયું હતું .

કાંટો મેં રહને વાલે કાંટો સે ક્યા ડરેગે ,
હસ હસ કે આફતો કા હમ સામના કરેગે ,

સત્યમ પોતાની લેખન પ્રવૃત્તિને રોજી રોટીનું સાધન બનાવવા માંગતો હતો . પણ આ શક્ય નહોતું . લેખકો ભૂખ્યા મરે છે . તેવી લોકવાયકા અત્યંત પ્રચલિત હતી . આ મામલામાં ફિલ્મ આનંદનો એક સીન અને તેના સંવાદો સત્યમના હૈયે વસી ગયા હતા .

મુશાયરાનો માહોલ હોય છે . એક કવિ બીજા કવિ ને વધાઈ આપતા કહે છે :

' સમય કેટલો બદલાઈ ગયો છે . લેખક કવિ ગાડીમાં ઘૂમતા થઈ ગયા છે ! '

તેના જવાબમાં બીજો કવિ કહે છે :

' કવિ બનતા પહેલા એક સાયકલ હતી જે કવિ બનવાની ધૂનમાં વેચાઈ ગઈ ! '

કવિની વાતમાં સચ્ચાઇનો વાસ હતો .

તે દરમિયાનમાં સત્યમની એકાદ બે વાર્તા સામાયિક માં પ્રસિદ્ધ થઈ હતી . ત્યાર બાદ સત્યમે એક નામવર લેખક ઈશ્વર પેટલીકરની મુલાકાત લીધી હતી .

હોબી તરીકે ભલે લખ્યા કરો પણ લેખન પ્રવૃત્તિને વ્યવસાયિક ધોરણે કદી ના લેશો .

તેમણે સત્યમને લખવાનું ચાલુ રાખવાની સલાહ આપી હતી .

સ્ત્રી સાપ્તાહિકના તંત્રી શ્રીમતી લીલા બહેને પણ તેને લખાણ ચાલુ રાખવાની સલાહ આપી હતી .

રાજીવ કુમાર જાણતા હતા . સત્યમ એક લેખક હતો . એ સ્થિતિમાં તેમણે એક મેગેઝીન તંત્રી પાસે મોકલાવ્યો હતો . તેમણે વાર્તા જોયા વાંચ્યા વગર તેની બધી જ વાર્તા છાપવાની તૈયારી બતાવી હતી . આથી તે બેહદ ખુશ થઈ ગયો હતો . પણ તે પછી તેમણે જે વાત કહી હતી . તેનાથી સત્યમ ચોકી ઊઠયો હતો .

' બદલામાં તમારે ૬ મહીના કંપનીની જાહેરાત અપાવવી પડશે . '

તંત્રીની આ વાતે સત્યમને હતાશ કરી દીધો હતો . લેખન કાર્યમાં પોતાનો પગ જમાવવા માટે તે કોઈની દાઢીમાં હાથ નાખવા તૈયાર નહોતો . જાહેર ખબર આપવાની વાત લઈને રાજીવ કુમાર ઠંડા પડી ગયા હતા ! તે કોઈની ભલામણથી પોતાની વાર્તાઓ છપાવી આગળ આવવા માંગતો નહોતો . તે પોતાની લાયકાત તેમ જ ક્ષમતાના જોરે આગળ આવવા માંગતો હતો . અને તેને જરનાલિઝમ લાઈનમાં પ્રવેશ મળ્યો હતો . આથી તેના મનમાં આશાની જ્યોત પ્રગટી હતી . પણ તેની આશા ઠગારી સાબિત થઈ હતી .

અખબારનો તંત્રી રમેશ દેસાઈ એક અન્ય પ્રચલિત દૈનિક પત્રમાં સહતંત્રીની ભૂમિકા ભજવી રહ્યો હતો . તેની કલમમાં જોશ હતું . તે નિર્ભય પણે પોતાની વાતો લેખમાં કે તંત્રી લેખમાં સાફ લખવાનું કૌવત ધરાવતો હતો . આ જ કારણે નવા શરૂ થઈ રહેલા દૈનિક પત્રમાં તંત્રીનો જોબ તેને મનગમતા પગારે ઓફર કરવામાં આવ્યો હતો .

અખબારી લાઈન જોડતી વખતે સત્યમ એવું માનતો હતો . અહીંના લોકો વધારે સંવેદનશીલ તેમ જ વિશાળ દિલના હોય છે . પણ અહીં યે તે ખોટો પુરવાર થયો હતો . અહીંના લોકો તો નાના બાળકથી બદતર હતા . વાતવાતમાં લડતા ઝઘડતા હતા . એક બીજાને ઉતારી પાડતા હતા ! હાથા પાઇ પર આવી જતાં હતા .

રમેશ દેસાઈ તો આ બધાને વટાવે તેવો હતો . તેની ગણના જીનિયસમાં થતી હતી . કહેવાય છે આવા લોકોમાં ગાંડપણનો અંશ હોય છે . તેનો કિસ્સો આ ઉક્તિને સાર્થક કરતો હતો . તેની પીઠ પાછળ લોકો તેને ગાંડિયો કહેતા હતા . તે નજીવી વાતમાં ગુસ્સે થઈ જતો હતો . માથું કૂટતો હતો . ટેબલ પર જોરથી હાથ પછાડતો હતો . આથી કોઈ તેને વધારે બોલાવતું નહોતું . તેણે લોકોનું સન્માન ગુમાવી દીધું હતું . તે મૂડમાં હોય ત્યારે લોકોને આસમાન સુધી પહોંચાડી દેતો હતો . અને તેના મગજની કમાન છટકી જતાં ભલભલી હસ્તીને જમીન ગ્રસ્ત કરી દેતો હતો .

સત્યમ એક ઓળખીતા વ્યક્તિની મદદથી પ્રૂફ રીડર ની હેસિયતથી અખબારમાં જોડાયો હતો . તે વાર્તા તેમ જ લેખો રિવ્યુ લખતો હતો . તે વાતની જાણકારી આપી હતી . તેને લખવાનો મોકો મળશે તેવી આશા હતી . પણ પ્રથમ ગ્રાસે માક્ષિકા જેવો ઘાટ થયો હતો .

પ્રૂફ રીડિંગ ડિપાર્ટમેન્ટના ઉપરી બાબુ ભાઈ મહેતા ના જાણે તેના પ્રોફાઇલથી નારાજ હતા . સત્યમ તેમનાથી ચઢિયાતો હતો . આ વાત તેઓ સાંખી શકતા નહોતા .

સત્યમ તે અખબારમાં પોતાનો પ્રથમ લેખ પ્રકાશિત કરવાના આશયથી રમેશ દેસાઈની કેબિનમાં ગયો હતો . તેમણે સત્યમનો લેખ જોયા વગર પાછો આપી અપમાન યુક્ત શબ્દોથી નવાજયો હતો .

' હું ફાલતુ લોકોના લેખ છાપતો નથી ! '

આ સાંભળી સત્યમને જોરદાર આચકો લાગ્યો હતો . એક પળ તેને જોબને લાત મારવાનો ખ્યાલ જાગ્યો હતો . એની પાછળ જરૂર બાબુભાઈનો હાથ હતો . તેની સાથે કામ કરતી મધુમિતાએ તેને માહિતી આપી હતી . બાબુભાઇની આ હરકત સત્યમ માટે એક ચેલેન્જ બની ગઈ હતી . તેણે જીભથી નહીં પણ પોતાની કલમથી જવાબ આપવાનો મનસૂબો કરી લીધો હતો !

તેણે સાંભળેલી વાત પરથી ' નામર્દ ' નામની વાર્તા લખી હતી !

સમાચાર મુજબ એક પરિણીત મહિલાનું અપહરણ કરી તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો . બીજે દિવસે પાછી ફરેલી મહિલાનો ઘરમાં કોઈએ સ્વીકાર કર્યો નહોતો . આ હાલતમાં તેણે આત્મહત્યા કરી હતી .

આ ઘટનાને લઈને પોલિસ અને પત્રકાર વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો .

પોલીસનું કહેવું હતું . આ એક અફવા છે . આવું કંઈ જ થયું નથી .

બીજી તરફ પત્રકાર કહી રહયા હતા .

આ ઘટના બની છે !

સત્યમની વાર્તામાં પણ કંઈ આવી જ ઘટનાનું નિરૂપણ કરવામાં આવ્યું હતું . તેથી તે સામાયિકનો એક પ્રતિનિધિ સત્યમના ઘરે દોડી આવ્યો હતો .

બંને વચ્ચે લાંબી વાતચીત થઈ હતી . તેણે પણ મળેલા સમાચારના આધારે વાર્તા લખી હતી . પણ વાર્તાનો અંત વાસ્તવિકતાને મળતો આવતો હતો . આથી તેના પર તવાઈ આવે તેમ હતી ત્યારે તેની બે વાતોએ તેને આ પત્રકાર અને પોલીસની લડાઈમાંથી મુક્ત કરી દીધો હતો .

એક તેણે આ વાત સાચી હોવાનો કોઈ દાવો કર્યો નહોતો .

અને બીજું વાર્તામાં કથિત બળાત્કાર થયો જ નહોતો . કેવળ પ્રયાસ કરવામાં આવ્યો હતો . જેને તે બળાત્કારીની પત્નીએ તેની હત્યા કરી વિફળ બનાવ્યો હતો .l

લેખન કારકિર્દીની શરૂઆતમાં થયેલા આ અનુભવે સત્યમને ડરાવી દીધો હતો . તે જ ગાળામાં તેના પ્રથમ વાર્તા સંગ્રહનું કામકાજ જારી હતું . તેના એક મિત્ર તેમજ સંબંધી તેને આ કામમાં મદદ કરી રહ્યા હતા . તેની વાર્તા 'નામર્દ ' સંગ્રહની બહેતરીન વાર્તા હતી . તેને કારણે સત્યમને જબરદસ્ત પબ્લિસિટી પ્રાપ્ત થઈ હતી . છતાં સત્યમ ઘણો જ ગભરાઈ ગયો હતો . આથી તેણે પોતાના મિત્રને આ વાર્તા સંગ્રહમાં શામેલ કરવાની મનાઈ ફરમાવી હતી . ત્યારે તેના મિત્રે મોરલ સપોર્ટ આપ્યો હતો . તેને હિંમત બંધાવી હતી . તેણે સત્યમને વધામણી આપતા બિરદાવ્યો હતો .અને પુસ્તકમાં નામર્દ વાર્તાને જ પ્રથમ સ્થાન આપ્યું હતું .

' તારે તો ખુશ થવું જોઈએ તને તો પબ્લિસિટી મળી રહી છે . '

તેની વાર્તા પર વિવાદનો વંટોળ ફૂંકાયો હતો . આ હાલતમાં ઘરમાં બધા ટેન્શનમાં આવી ગયા હતા . આમ પણ ઘરમાં તેની લેખન પ્રવૃત્તિથી હર કોઈ નાખુશ હતું . પણ બહુ જલ્દી દૂધનું દુધ અને પાણીનું પાણી થઈ ગયું હતું . સત્યમના ખુલાસાએ તેને આ મુશ્કેલીમાંથી ઉગારી લીધો હતો . સામાયિકે પણ આગલા અંકમાં ખુલાસો કર્યો હતો .

નામર્દ વાર્તાના લેખકનો સંપર્ક કરવામાં આવ્યો હતો . તેમણે પણ આ વાત સાચી હોવાનો કોઈ દાવો કર્યો નથી .

સત્યમે કોઈના મોઢે વાત સાંભળી હતી .

એક પતિ પત્નિ રાતના બાર વાગ્યે ફિલ્મ જોઈ ટેક્સી તલાશમાં ઉભા હતા . ત્યારે તેમને ઘણી મુશ્કેલી બાદ પણ ટેક્સી મળી નહોતી . તેમની સાથે બારેક મહિનાનું બાળક હતું .

આ વખતે એક ટેક્સી વાળો મળી ગયો હતો . ભગવાનનો પાડ માની તેઓ ટેક્સીમાં બેસી ગયા હતા . રસ્તામાં ટેક્સી ચાલકે ચપ્પુ બતાવી પતિને બાળક સાથે ઉતરી જવાની સૂચના આપી હતી . પતિ ગભરાઈને બાળકને લઇ એક નામર્દની માફક ટેક્સીમાંથી નીચે ઉતરી ગયો હતો . અને ટેક્સી વાળો તેની પત્નીને સાથે લઇ ગયો હતો .

સાંભળેલી વાત આટલી જ હતી .


સત્યમે તેમાં થોડા ફેરફાર કર્યા હતા . વાર્તામાં એક અમીરજાદો તેમની કુમકે આવ્યો હતો . તેણે સૌજન્ય દાખવી તેમને લિફટ આપી હતી . અને રસ્તામાં કાર ઊભી રાખી ટેક્સી ચાલકની માફક પત્નીને છોડીને જતાં રહેવાનો આદેશ આપ્યો હતો . બંદૂક જોઈ તેનો પતિ ગભરાઈને બાળકને લઈને ઊતરી ગયો હતો . પછી શું થયું હતું ? તે એક રહસ્ય હતું . વાત અહીં અટકી જતી હતી . સત્યમે એક લેખક હોવાના નાતે કલ્પના શક્તિથી આ વાર્તા આગળ ધપાવી હતી .

તે વ્યક્તિ સેક્સની ભૂખથી પીડાઈ રહ્યો હતો . તેના પર કોઈ પોર્ન ફિલ્મની અસર હતી . તે અન્યની પત્નીને પોતાની વાસનાનું સાધન બનાવવા તૈયાર થઈ ગયો હતો . ત્યારે તેની બીમાર પત્નીએ તે અજાણી સ્ત્રીને બચાવતા વાઢી નાખ્યો હતો .

તેના પર બળાત્કાર થયો જ નહોતો . પણ ખુદ તેનો પતિ આ વાત માનવા તૈયાર નહોતો . આ હાલતમાં તેણે આત્મહત્યાનું શરણ ગોત્યું હતું .

સત્યમે પોતાના પુસ્તકની પ્રસ્તાવનામાં ખેલદિલી પૂર્વક કબુલ્યું હતું .

આ વાર્તા લખવાની પ્રેરણા એક રેડિયો નાટક પરથી મળી હતી .

છતાં અમુક લબ્ધપ્રતિષ્ઠ લેખકોનો દાવો હતો . સૌ પ્રથમ તેમણે આવી વાર્તા લખી હતી .

અને સત્યમે તેમની ભ્રમણા દૂર કરી હતી .

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ( ક્રમશઃ )