Daaman ma dagh books and stories free download online pdf in Gujarati

દામન માં દાઘ

શહેરની સુમસાન ગલીઓમાં રાત્રીનો અંધકાર અને ગણ્યાગાંઠયા લોકોની અવરજવર ચાલી રહી હતી. આવી સુમસાન ગલીમાં કેટલુય ચાલી હશે તે તેને ખુદને ખબર ન હતી, રંગ ઘઉંવર્ણો સહેજ બટકી, ગોળમટોળ ચહેરો, અને એ ચહેરા પર ઉપસી આવેલી કરચલીઓ તેમજ નાક નકશી જોઈને લાગે કે આ ખંડેર ની ઇમારત કેટલી ભવ્ય હશે. આજની ફેશન ને અનુરૂપ પંચરંગી પ્લાઝો અને સ્કાયબ્લૂ કુરતી પહેરીને તે નીકળી હતી.
જે શેરીઓમાંથી પસાર થઈ રહી હતી ત્યાં ઉભેલા કે સામે મળેલા પુરુષો તેની સામે ગંદુ હસી રહ્યા હતા. પણ કોઈ પુરુષ તેનામાં રસ લેતો ન હતો, આજે કોઈ ગ્રાહક ન મળતા તે પાછી એજ ગલીઓમાંથી પસાર થઈ એના ઘર તરફ આવી રહી હતી. કહેવાતો સભ્ય સમાજ એક તિરસ્કારથી એની સામે જોઈ રહ્યો હતો.
ઘરે આવીને ખુરશી પર બેઠા બેઠા જુના સદાબહાર ગીત મૂકી પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગઈ. અચાનક એના માનસપટલ પર અશોક ની યાદ તાજી થઈ, તે હવે અશોક ની સુરુ રહી નહોતી, સરોજને અશોક પ્રેમથી સુરુ કહીને બોલાવતો. તરુણાવસ્થામાં દસમા ધોરણમાં એકબીજા પ્રત્યે થયેલું આકર્ષણ એને સરોજ પ્રેમ સમજી બેઠી હતી. બારમા ધોરણ સુધી બધું બરાબર ચાલ્યું! અશોક હવે પહેલા કરતા વધુ હેન્ડસમ યુવાન લાગતો હતો. કોલેજમાં મોટા ભાગની યુવતીઓ અશોક તરફ આકર્ષાઈ રહેતી હતી. બારમા ધોરણ સુધી સાથે ભણેલા મિત્રો એમ જ સમજતા કે અશોક અને સરોજ એકબીજાના છે, પરંતુ હવે કોલેજ ની વાત કઈ અલગ હતી. કોલેજમાં સતત ગર્લફ્રેન્ડ બદલતો અશોક સરોજ નું દર્દ જોઈ શકતો ન હતો. અને આમ પણ જે સૌથી વધુ નજીક હોય ખૂબ કાળજી લેનાર હોય એની પ્રીત માણસને આકર્ષતી નથી . માણસ ને એવી જ સ્ત્રીનું આકર્ષણ વધુ હોય જે એનાથી ઘણી દૂર હોય.
સરોજ પણ હવે અશોક ને બતાવી દેવા માગતી હતી. તે હવે અમિત, કેતન, કલ્પેશ, બ્રિજેશ, આ બધા સાથે ફરવા લાગી તેઓ અશોક ને બતાવવા માગતી હતી કે તેને પણ ઘણા છોકરા પ્રેમ કરે છે. પરંતુ એની જિંદગીનો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે તે મોહસીન ને દિલ દઈ બેઠી, મોહસીન કોલેજ નો બદમાશ અને એક નંબરનો લફંગો છોકરો, અને ધંધા બધાય એના બે નંબરના, પોલીસ અને કાયદાનો પણ કોઈ ડર નહીં. મોહસીન ની ગાડી માં ફરવાનું તેના ફાર્મ હાઉસ પર રોકાવાનું આ બધું સામાન્ય થઈ ગયું હતું. ક્યારેક મોહસીન તેના મિત્રોને ખુશ કરવાનું તેને કહેતો તોપણ એને કોઈ પ્રોબ્લેમ નહોતો. પરંતુ એક દિવસ પૈસાની લેતીદેતીમાં મોહસીન ને સુલેમાન નામના વ્યક્તિ સાથે મોટો ઝઘડો થયો, સુલેમાન એ એરિયાનો મોટો ગુંડો હતો, તેના માણસો સરોજ ને ઉપાડી ગયા. બે ત્રણ દિવસ સુધી સુલેમાને એની રાખી, અને પોતાના પૈસા વસૂલ કરવા જુલી બાઈના અડ્ડા પર તેને વેચી દીધી. રૂપાળી અને વ્યવસ્થિત બાંધાની, અને સુડોળ શરીર ધરાવતી હોવાથી સુલેમાનને એના સારા રૂપિયા મળ્યા
ત્યારથી આ ગંદા ધંધામાં પ્રવેશેલી સરોજને માટે આમાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું. થોડા વર્ષો પસાર થયા, યુવાની ચહેરા પરથી હટવા લાગી હતી, તેના ગ્રાહકો ઓછા થયા અને જુલી બાઈ ના અડ્ડા પર કલકત્તા અને બાંગ્લાદેશથી નવી છોકરીઓ આવી હતી. એટલે જુલીબાઈ એ એને મુક્ત કરી હવે જૂની બાઈ થી દૂર રહીને અલગ મકાન રાખીને એ પોતે ધંધો કરતી.
અચાનક એના મોબાઈલ પર આવેલી રીંગથી તે આ વિચારોના વમળમાંથી બહાર આવી ,સામેથી એક પુરુષ નો અવાજ હતો!" મારા મિત્રએ તમારો નંબર આપ્યો છે,એ તમારી પાસે ઘણી વખત આવી ગયો છે, શું તમે આજે ફ્રી છો ?અને તમારો ચાર્જ કેટલો છે?" ઔપચારિક વાતચીત થઈ ,સરોજ તે ગ્રાહક એ આપેલા સરનામે પહોંચી, ગ્રાહકે દરવાજો ખોલ્યો, તે નશામાં જણાતો હતો.આજે મારી પત્ની બાર ગઈ છે, મેં જીવનમાં ઘણા જલસા કર્યા છે, પણ એ વખતની વાત અલગ છે .બસ તે આમ બબડે જતો હતો.
સરોજ તેને ઓળખી ગઇ. હા! આ એ જ અશોક હતો જેના આલિંગનમાં એને દુનિયાનું શ્રેષ્ઠ સુખ દેખાતું હતું. આ એ જ અશોક કે જેને એણે હૃદયની પવિત્ર ભાવના થી પ્રેમ કર્યો હતો. પોતાનું સર્વસ્વ કે ને આપી દીધું હતું, ઘડીક તો આંખે અંધારા આવી ગયા, અશોક એને પોતાના બેડરૂમ તરફ ખેંચી રહ્યો હતો,પોતાનો હાથ છોડાવી એણે એક જોરદાર તમાચો અશોક ના ગાલે ચોડી દીધો. એકસાથે હજારો વિચારો એના મગજમાં દોડી રહ્યા હતા . યુવાની આપીને તેણીએ શું મેળવ્યું? પોતાની યુવાની બરબાદ કરનાર વ્યક્તિ આજે એની નજર સામે ઊભો હતો, એને ત્યારે પણ એનો દેહ જોઈતો હતો અને આજે પણ , બે ચાર તમાચા માર્યા પછી એને થયું કે રડી લઉં, પરંતુ આ જિંદગી તેણીએ પોતે જ પસંદ કરી હતી રડવાનો હક ક્યાં હતો એની પાસે?
અને એટલે જ તે અશોક ને ધક્કો મારી એના ઘરની બહાર નીકળી ગઇ.અને ખડખડાટ હસવા લાગી. આ એજ હાસ્ય હતું જે ધંધા દરમિયાન લાવતી હતી. પણ કોને ખબર એના હાસ્યમાં કેટલું એ દર્દ હશે?
મેહુલ જોષી (બોરવાઈ)
મહીસાગર
9979935101