Doctor ni Diary - Season - 2 - 17 books and stories free download online pdf in Gujarati

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 17

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(17)

એના ઉપર તો જીતનો આધાર હોય છે

મરવાને માટે કેટલા તૈયાર હોય છે

“સર, હું પ્રેગ્નન્ટ છું, કુંવારી છું અને તમારી પાસે એબોર્શન માટે આવી છું.” અઢારેક વર્ષની લાગતી એક લાવણ્યવતી છોકરી એક દિવસ મારે ત્યાં આવી ચડી અને આડી અવળી કોઇ જ લપ્પન-છપ્પન કર્યા વગર સીધી જ મુદાની વાત પર આવી ગઇ.

“નામ?” મેં એનાં ચહેરાના હાવ-ભાવ પર બારીક નજર નાખીને પૂછ્યું.

“આસવી.” હું એની આંખ વાંચીને સમજી ગયો કે એ સાચું નામ જ કહી રહી હતી.

“તારા પેટમાં પાંગરી રહેલા ગર્ભનો પિતા કોણ છે?”

“મારો ભ્રમ, મારી નાદાની, અઢી અક્ષરનો લપસણો સંબંધ અને એક ભમરાએ કરેલો વિશ્વાસ ઘાત! કુંવારી છોકરીનાં ગર્ભનો બાપ કોઇ એક નામ ધારી પુરુષ નથી હોતો સર!”

“ઓ.કે.! આનાથી વધારે પૂછવાની સરકારી મનાઇ છે. ગર્ભપાત કરી આપવો એ સરળ છે, સલામત છે અને ખાનગી છે. પણ એનેસ્થેટીસ્ટ આવે ત્યાં સુધીમાં આપણી પાસે અડધા કલાક જેટલો સમય છે. હું લેખક તરીકે તારી વાત જાણવા માટે ઉત્સૂક છું. જો તને વાંધો ન હોય તો જણાવ.”

અને આસવીએ એની વ્યથા-કથા કહેવાનું શરૂ કર્યું. હવે પછીના શબ્દો મારા છે, વાત આસવીની છે.

અઢાર વર્ષની આસવી કોલેજના બીજા વર્ષમાં ભણતી હતી. મમ્મી-પપ્પા નોકરી કરતા હતા. નાનો ભાઇ સ્કૂલે અને ટ્યુશન ક્લાસમાંથી નવરો પડતો ન હતો. મોર્નિંગ કોલેજ હોવાથી બાકીનો સમય આસવી ઘરમાં એકલી જ રહેતી હતી. સોસાયટી બની એ વાતને ત્રણેક વર્ષ થયા હતા. બધા પડોશીઓ પ્રમાણમાં અજાણ્યા હતા. આસવીનાં ઘરની બાજુમાં મોટી ઉંમરના દાદા-દાદી રહેતા હતા.

એક દિવસ આસવીએ દાદીને પૂછ્યું, “તમે બંને એકલા જ છો? દીકરાઓ-દીકરીઓ.....?”

“બે દીકરીઓ પરણી ગઇ છે; દીકરો-વહુ ઓસ્ટ્રેલિયામાં છે. અમને આ રીતે રહેવાનું ફાવી ગયું છે. હા, ઉંમરને કારણે ક્યારેક હરવા-ફરવામાં તકલીફ પડે છે, પણ.....”

“એવું કંઇ હોય તો મને કહેજો. હું આખો દિવસ ધરમાં નવરી જ હોઉં છું.” આસવીએ વિવેક કર્યો. મનુદાદા મજાના માણસ હતા. એમણે વર્ષો પહેલાં બેન્કમાંથી વી.આર.એસ. લીધું હતું. હવે શાંતિની જિંદગી ગૂજારતા હતા. આસવીને દાદા-દાદીની સાથે ફાવી ગયું. એ વગર રોક ટોકે એમના ઘરમાં જવા લાગી. ક્યારેક ચા પણ બનાવી આપતી.

આસવીને સાથે ક્લાસમાં ઉન્મત નામનો એક સોહામણો છોકરો ભણતો હતો. વાણી-વર્તનમાં એ તદન સંસ્કારી અને શાલીન દેખાતો હતો. એક દિવસ એણે આસવીને વિનંતી કરી, “ગઇ કાલે હું કોલેજમાં આવ્યો ન હતો. બાયોલોજીની નોટ્સ તમે મને આપશો? કાલે હું પાછી આપી દઇશ?”

આસવીએ નોટ્સ આપી. બંને વચ્ચે પરિચય શરૂ થયો. પણ ઉન્મતે ક્યારેય ફાલતુ ગપસપ કરવાની કે આકવીની નજીક આવવાની ચેષ્ટા દાખવી ન હતી.

એક વાર એ નમતી બપોરે આસવીનાં ઘરે આવી ચડ્યો. આસવી બાજુના ઘરમાં દાદા-દાદી સાથે વાતો કરતી બેઠી હતી. ઉન્મતે બહારથી જ પતાવ્યું; નોટ્સની આપ-લે કરીને એ ચાલ્યો ગયો. પણ બીજા દિવસે કોલેજમાં મળ્યા ત્યારે એણે પૂછ્યું,

“એ કાકા કોણ હતા? મને સારા માણસ ન લાગ્યા.”

“અરે એ તો મનુદાદા છે. ખૂબ મજાના માણસ છે. મારી ઉપર દીકરી જેવો ભાવ રાખે છે.”

“એ તો દંભ હોય છે, આસવી. તું બહુ ભોળી છો. તું પુરુષ જાતને ઓળખતી નથી. મને તો મનુદાદાની આંખમાં વાસનાના સાપોલિયા રમતા દેખાય છે.”

“તારુ દિમાગ ખરાબ થઇ ગયું છે.”કહીને આસવીએ વાત પૂરી કરી દીધી.

એક દિવસ ઉન્મત ફરીથી એના ઘરે આવી ચડ્યો. ત્યારે મનુદાદા એમના ઘરની આગળના બગીચામાં ફૂલછોડને પાણી પાઇ રહ્યા હતા. આસવી એમને મદદ કરી રહી હતી. મનુદાદાના એક હાથમાં પાણીની પાઇપ હતી; બીજો હાથ આધાર માટે આસવીના ખભા ઉપર હતો.

એ પછીના દિવસે ઉન્મતે ફરીથી આસવીને ચેતવણી આપતા કહ્યું, “તું સાવધાન રહેજે, આસવી. આ બુઢ્ઢાઓ ‘દીકરી-દીકરી’ કહીને જુવાન છોકરીઓનો સ્પર્શ મેળવી લેતા હોય છે.”

“પણ તું મનુદાદાની ઉંમર તરફ તો....”

“આમાં ઉંમર ક્યાંય નડતી જ નથી. તેં પેલી શાયરી નથી સાંભળી? કૌન કહતા હૈ કિ બુઢ્ઢે ઇશ્ક નહીં કરતે હૈ? વો ઇશ્ક તો કરતે હૈ લેકીન કોઇ ઉન પર શક નહીં કરતે હૈ!”

એ દિવસથી આસવીએ ધીમે-ધીમે દાદા-દાદીનાં ઘરે જવાનું ઓછું કરી દીધું.

એ દરમ્યાન ઉન્મત વધુ ને વધુ નજીક આવતો ગયો. હવે એ આસવીને મળવા માટે બપોરના સમયે આવતો ત્યારે બહારથી જ વાત પતાવીને ચાલ્યા જવાને બદલે અંદર આવીને એકાદ કલાક બેસવા માંડ્યો હતો. બે જુવાન, વિજાતીય દેહો અને ફાવતું-ભાવતું-લોભામણું-લપસણું એકાંત. આગ અને ઘી ભેગા થાય તો ઘી પીગળવાનું જ છે ને! આસવી નામનું ઘી ઉન્મત નામની આગની લપેટમાં આવીને પીગળી ગયું.

દોઢ મહિના પછી શરીરે એનો ધર્મ બજાવ્યો. આસવી ગભરાઇને મેડિકલ સ્ટોરમાં જઇને પ્રેગ્નન્સી ટેસ્ટ માટેની સ્ટ્રીપ લઇ આવી, રીપોર્ટ પોઝિટીવ આવ્યો. એ તરત જ ઉન્મત પાસે દોડી ગઇ, “ઉન્મત આઇ એમ પ્રેગ્નન્ટ.” ઉન્મતના અસલી સંસ્કાર હવે જ બહાર આવ્યા; એ ખભા ઊછાળીને બોલ્યો, “ તો હું શું કરું? આપણે તો એક જ વાર.....! મને તો પેલા ડોસા ઉપર શક જાય છે. તું અને એ મનુદાદો રોજ રોજ ....”

“ઉન્મત!!!” આસવી ચીસ પાડી ઉઠી; પછી એ રડવા માંડી ઉન્મત હસતો હસતો ચાલ્યો ગયો. આસવી જિંદગી હારી ગઇ.

બીજા દિવસે એ અત્યંત નિરાશામય હાલતમાં આત્મહત્યા કરવાના વિચારોમાં બેઠી હતી, ત્યારે મનુદાદાએ અને જોઇ લીધી. એમણે પૂછ્યું, “બેટા, શું વાત છે? જો મને ન કહી શકતી હોય તો તારી દાદીની સાથે દિલ ખોલીને વાત કર.”

“દાદા, હું તમને જ કહીશ.” આસવીએ અશ્રુભરી આંખે મનુદાદાને બધી વાત જણાવી દીધી, “દાદા, હું આ બાબતમાં સાવ બિનઅનુભવી છું. ક્યાં જવું, કોને મળવું મને કંઇ સમજાતુ નથી. ડોક્ટરને આપવાના પૈસા પણ મારી પાસે નથી.”

“હું બેઠો છું ને, દીકરી!” મનુદાદાએ હિંમત આપી. પછી ઘરમાંથી ‘દિવ્ય ભાસ્કર’ની કળશ પૂર્તિ લઇ આવ્યા, “ જો, આમાં ‘ડો.ની ડાયરી’ લખે છે એ ડોક્ટરનો ફોન નંબર હું મેળવી લઉં છું. તું એમની પાસે પહોંચી જા. ફીની રકમ હું આપીશ. તું ચિંતા ન કર બેટા!”

અખબારની ઓફિસમાં ફોન કરીને મનુદાદાએ મારો સંપર્ક નંબર જાણી લીધો. પછી આસવીને ક્લિનિક પર મોકલી આપી.

આખી દાસ્તાન પૂરી થયા પછી મેં આસવીને કહ્યું, “બહેન, હું એબોર્શન તો કરી આપીશ; પણ ખાટલે મોટી ખોડ એ વાતની છે કે તું એકલી જ આવી છો. કોઇ પણ નાની-મોટી સર્જરી માટે એકાદ સ્વજનની હાજરી જરૂરી છે. એના વગર મારા એનેસ્થેટિસ્ટ તને ઇન્જેક્શન જ નહીં આપે.”

આસવી વિચારમાં પડી ગઇ. ઉન્મત તો આવવાનો જ ન હતો. એણે મનુદાદાનો ફોન લગાડ્યો. મારી સાથે વાત કરાવી દીધી.

મનુદાદાએ ખોંખારીને મને કહી દીધું, “શરદભાઇ, તમે જો આગ્રહ રાખતા હો તો અત્યારે જ હું અને આસવીની દાદી રીક્ષા કરીને જઇએ. જો મારી ટેલિફોનિક સંમતિ ચાલી શકતી હોય તો તમે અમને ઘક્કો ખાવામાંથી છુટ્ટી આપો. હું ત્યાંજ હોઉં એવી લાગણી અને નિસ્બત સાથે અહીં બેઠો છું. જો કંઇ પણ કોમ્પલીકેશન થાય તો હું પળનોયે વિલંબ કર્યા વિના દોડી આવવાનું વચન આપું છું. મારો ફોન નંબર નોંધી લો.....”

“રહેવા દો, દાદા. મને તમારી દાદાગીરી ઉપર વિશ્વાસ છે. મને શ્રધ્ધા છે કે તમને ફોન કરવાની પણ જરૂર ઊભી નહીં થાય. માટે હું ફોન નંબર લખતો નથી.”

“ના, લખી લો.”

“કેમ?”

“તમારા માટે નહીં, પણ અમારા માટે. દીકરીનું કામ જેવું પૂરું થાય કે તરત જ અમને ફોન કરીને જાણ કરી દેજો. ત્યાં સુધી મોંઢામાં અન્ન-પાણી નહીં મૂકવાની અમે બંનેએ બાધા લીધી છે.” મનુદાદાએ એમનો અવાજ તૂટે એ પહેલાં ફોન પૂરો કર્યો.

(શીર્ષક પંક્તિ: જલન માતરી)

--------------