Budhvarni Bapore - 42 books and stories free download online pdf in Gujarati

બુધવારની બપોરે - 42

બુધવારની બપોરે

(42)

સ્ટેજ - ફંકશન

આપણા ભોગ લાગ્યા હોય છે કે, ક્યારેક ને ક્યારેક કોઇ સ્ટેજ-ફંક્શનમાં જવું પડે છે અને ગયા પછી બેરહેમ મૂઢમાર ખાવો પડતો હોય છે. આવા ફંક્શનોની લાક્ષણિકતાઓ વિશે અહીં નિરીક્ષણો રજુ કરવામાં આવ્યા છે.

આમંત્રણ

જે તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આપણને અપાયેલું આમંત્રણ ભાવભીનું હોય છે - ભાવગરમ કે ભાવસુકું નહિ! આટલો બધો ભીનો ભાવ આપણા ઉપર ક્યાંથી ઉભરાઇ આવ્યો, તેની ખબર તો હૉલ પર પહોંચ્યા પછી પડે કે, ભીનો તો જાવા દિયો, આવી પ્રચંડ ગરમીમાં ઉકળતો કે સરેરાશ તાપમાનવાળો ભાવે ય કોઇ પૂછતું નથી. ત્યાં પહોંચીએ એટલે આપણને બોલાવનારો લેવાદેવા વગરની દોડાદોડી કરતો હોય ને સામે મળે ને આપણે બોલાવીએ ત્યારે ભાગતા ભાગતા અધ્ધર શ્વાસે પૂછે, ‘આવી ગયા...?’ આપણાથી એમ તો કહેવાય નહિ કે, ‘હજી અમે નથી આવ્યા....હૉલની બહાર જ ઊભા છીએ...!’ એ ખૂબ કામમાં હોય, એવી છાપ પડતી હોય, બાકી ભ’ઇને સ્ટેજ પર જઇને ખુરશીઓ વ્યવસ્થિત કરવાનું કામ સોંપાયું હોય.

કાર્યક્રમનો સમય

સમય સાંજે ૭ વાગ્યાનો લખ્યો હોય ને આપણે બુધ્ધિના લઠ્‌ઠ હોઇએ કે, ટાઇમસર પહોંચીએ ત્યારે હૉલનો વૉચમૅને ય હજી ન આવ્યો હોય. લેવાદેવા વિનાના આટલા વહેલા ભરાઇ પડો એટલે હૉલના કમ્પાઉન્ડમાં વાઇફ સાથે અદબ વાળીને શિસ્તબધ્ધ ઊભા રહીએ. આપણી ઊભા રહેવાની આ સ્ટાઇલ ઑલમોસ્ટ ‘કોઇને કાઢી જવાના હોય ત્યારે’ બે-ચારના ટોળામાં ઊભા હોઇએ, એને મળતી આવે છે. આપણે શું રહી ગયા’તા, તે આટલા વહેલા ગુડાણા, એવા ક્રોધો પોતાની ઉપર પડે, ને એમાં પાછી પેલી દોઢડાહી થતી હોય, ‘‘હું તો હવાર-હવારની કે’તી’તી કે, તીયાં વેલ્લા પોંચીને કામ સુઉં છે? બધા પ્રોગ્રામું તો કલાક-દોઢ કલાક મોડા જ સરૂ થાતા હોય!’’

એક તો ગાડી દોડાવી દોડાવીને માંડ હૉલનું સરનામું ગોત્યું હોય ને ત્યાં ગયા પછી ખબર પડે કે, આપણાવાળો પ્રોગ્રામ તો ઠેઠ દીનદયાળ હૉલમાં છે ને આપણે ટાઉનહૉલ સમજીને આવી ગયા છીએ. એ વાંક આપણી ઉતાવળને લીધે થયો કહેવાય, આપણો નહિ! ગુજરાતના કોઇ પણ કાર્યક્રમમાં કાર્ડમાં લખ્યા મુજબનો સમય આપણે ઘેરથી નીકળવાનો સમય સમજવો. ખોફનાક ગુસ્સો તો ત્યારે આવે કે, ‘મોડા પડીશું’ની બીકને કારણે ઘરમાં દોડાદોડ કરીને મારમમાર નીકળ્યા હોઇએ ને હૉલ પર પહોંચીએ ચાટ પડીએ કે, કાર્યક્રમ શરૂ થવાને હજી તો કલાકની વાર છે.

મુખ્ય મેહમાનો

સાતનો કાર્યક્રમ સવા-સાડા આઠે શરૂ થાય, ત્યાં સુધીમાં કોઇ કારણ વગરની બસ્સો રૂપિયાની પૉપ-કૉર્ન ખાઇ ચૂક્યા હોઇએ. ખુરશીમાં બેઠા એવા કંટાળ્યા હોઇએ કે, પડદો ખુલે, એ જાણે આપણા ભાગ્ય ખુલ્યા હોય, એવી ‘હાશ’ સાથે વધાવી લઇએ. મોટા ભાગે, ઑડિયન્સ ભરાય, એ પહેલા સ્ટેજ ભરાવવા માંડે છે. આમાં તો, આયોજકોએ રોકડી કરી લેવાની હોય એટલે એકને મુખ્ય મેહમાન, બીજાને અતિથી વિશેષ, ત્રીજાને સમારંભના પ્રમુખ, ચોથાને વિશેષ ઉપસ્થિતી, પાંચમો મુખ્ય વક્તા, છઠ્‌ઠો અધ્યક્ષશ્રી, સાતમો મુખ્ય યજમાનશ્રી.....ઓહ, હૉલના આદરણીય મુખ્ય વૉચમૅનશ્રીનું નામ કાર્ડમાં છપાયું ન હોય, પણ સ્ટેજ આખું પહોળું કરાવવું પડે, એટલા મેહમાનો ઠસોઠસ ભર્યા હોય. ઑડિયન્સને બીવડાવી મારવા માટે મુખ્ય મેહમાનોની આટલી સંખ્યા કાફી છે. હૂલ્લડમાં પકડાયેલા તોફાની તત્વો પોલીસ-ચૉકીમાં બેઠા હોય, એમ ડાહ્યાડમરાં થઇને મેહમાનો બેઠા હોય. ફોટોગ્રાફરને જુએ, એટલે લેવાદેવા વગરની બાજુવાળા મેહમાન સાથે ગંભીરતાથી હળવે કંઠે વાતો કરવા માંડે.

ફોટોગ્રાફર

સમારંભમાં ભલભલાને સીરિયસ કરી નાંખતો એક જ માણસ હોય છે-ફોટોગ્રાફર. લશ્કરના જવાને ભરી બંદૂક તાકી હોય એમ સ્ટેજ કે ઑડિયન્સમાં બેઠેલાની સામે કૅમેરા ફેરવે, એમાં ભલભલા ‘પૉઝ’ આપવા માંડે. મોટા ભાગના ઝીણકા સ્માઇલ સાથે દાઢી ઉપર એકાદ-બે આંગળી અડાડીને જવાહરલાલ નેહરૂ જેવો પૉઝ આપે. સ્થિર થઇ જાય પાછા....હલીએ તો ફોટો બગડે. વિડીયોવાળો બધાને ટાઈટ કરી નાંખે. ખેતરમાં જંતુનાશક દવા છાંટવા આવ્યો હોય, એમ ખભેથી ઑડિયન્સ ઉપર કૅમેરા ફેરવે, એમાં ભલભલા સજ્જન બની જાય. હવે તો ઑડિયન્સ ઉપર લાઇવ-કૅમેરા ફરતો હોય ને હૉલના મોટા સ્ક્રીન ઉપર બત્વતા હોય, એમાં પોતે ઘડીકભર દેખાય એમાં તો એવા રાજી થઇ જાય. ભારે ઉત્સાહથી બાજુવાળાને બતાવે, એમાં ‘અલી, હું કેવી દેખાઉં છું, જો તો ખરી!’ એટલું જ ફ્રીમાં બતાવવાનો નિર્દેષ હોય....એની બાજુમાં બેઠેલો (કે લી) એના માટે સહેજ પણ મહત્વના ન હોય!

આમાં ઘણા ફોટોગ્રાફરો તો સ્ટેજ નીચે ઊભા, બેઠા કે આડા પડીને જીમ્નેશિયમના અદભુત દાવ પણ તદ્દન ફ્રીમાં બતાવતા હોય છે. સુઇને ફોટા પાડશે, ભોંય પર બેસીને કે એમનું ચાલે તો હૉલના કોક લટકતા દોરડે એક હાથે લટકીને ફોટા પાડી બતાવશે. ભ’ઇ, કૉમ્પિટિશન વધી ગઇ છે....લોકોને કાંઇક નવું આપવું પડે!

કાર્યક્રમનો સંચાલક

છતાં સૌથી વધુ સમય કાર્યક્રમનો સંચાલક ખાઇ જતો હોય. સંચાલક શબ્દ જરા તોછડો લાગે, એટલે લાયન્સ-રોટરીવાળા નવું ઉપાડી લાવ્યા છે, ‘ઍમ.સી.’ એટલે કે ‘માસ્ટર ઑફ સૅરેમની.’ આવા દરેક ‘એમસી’ના મનમાં ઠસી ગયું હોય છે કે, ઑડિયન્સને ગમે તેમ કરીને હસાવવું. એ પોતે પોતાની જોક ઉપર પહેલા ધૂમધામ હસી લે અને ઍક્સપૅક્ટ કરે કે આપણે બધા ય હસીએ. એ વાત જુદી છે કે, સ્ટેજ પર એની સાડા ત્રણ કલાકની ઉપસ્થિતિ દરમ્યાન શ્રોતાઓને જો હસવું આવતું હોય તો નાકમાંથી નીકળતા એના અવાજ અને ભ’ઇ, બહુ ત્રાસદાયક ખોટા ઉચ્ચારો ઉપર! ‘આજના પોગરામમાં આપણે પ્રફિધ્ધ હાફ્યલેખક અફોક દવેને બોલાયા છે, એ બહુ હાફ્યાફ્ફદ લખે છે ને બહુ હફાવે છે....’ આપણને હૉલમાં બેઠા બેઠા અંદાજ આવી જાય કે, ઘેર આ માણસને કોઇ બોલવા દેતું નહિ હોય, એટલે અહીં ફાટ્યો છે. આ સંચાલક પાસે આપણને ફટકારવા માટે નેતરની સોટી નથી હોતી, એનો બદલો દર ત્રીજી સેકંડે, આપણી પાસે લેવાદેવા વગરની ‘...ઓર એક બાર જોરદાર તાલીયાં હો જાય..!’ એમ તાળીઓ પડાવી પડાવીને ક્યારેક તો આપણા પુરૂષાતન ઉપર આપણને જ શંકા થાય, એવા અધમૂવા કરી નાંખે છે.

દીપ-પ્રાકટ્ય

સમારંભનું મુખ્ય આકર્ષણ હોય, દીપ-પ્રાકટ્ય....શ્રોતાઓ માટે નહિ, વક્તાઓ માટે. બધાને આકર્ષણ હોય, મીણબત્તી પકડીને સાત-આઠમાંથી એકાદી જ્યોતમાં ભડકો કરવાની, એટલે કે આગ ચાંપવાની એટલે કે, મંગલ-જ્યોત પ્રગટાવવાની. ઘણાને દીવા પાસે પહોંચ્યા મીણબત્તો હળગતો નથી, આઠ-દસ તો દીવાસળીના ખોખા પૂરા કરી નાંખે ને સ્ટેજ પર પોતાના માટે આવું કૉમિક ઊભું ન થાય માટે ઘણા સૌજન્યશીલ મેહમાનો પોતાના ખિસ્સામાં દિવાસળી અને મીણબત્તી લેતા આવે છે. આ લાલચનું કારણ પોતાનો દીપ-પ્રાકટ્ય વખતનો હસતો ફોટો આવે. મોટા ભાગના દીપ-પ્રાકટ્યકારોનું ફોટોગ્રાફરો સામે જોઇને સ્માઇલો આપવા જતા ધ્યાન મીણબત્તી ઉપર રહેતું નથી અને દિવેટને બદલે આગળવાળા મેહમાનના ઝભ્ભાના ખૂણીયાને જ્યોત અડાડી દે છે. અલબત્ત, આવા ભડકા પતાવીને પોતપોતાની ખુરશી ઉપર પાછા જતા, ભલભલા મેહમાનો પોતાની શોભામાં અભિવૃધ્ધિ કરેલી ખુરશી ભૂલી જાય છે અને સંગીત-ખુરશીની માફક સ્માઇલપૂર્વક ફાંફા મારે રાખે છે. તમે એમના ઘેર જાઓ તો દિવાલ પર એમની પત્ની કરતા ય મોટી સાઇઝનો એમનો આવો ‘દીપપ્રાકટ્ય’ કરતો ફોટો લટકતો હોય....જોનારને થોડી શ્રધ્ધા રહે કે, આજે ફોટો લટકે છે....’

સ્ટેજ પર નાનકડું ગામ

સ્ટેજ ઉપર બધું મળીને ૨૦-૨૫-વક્તાઓ હોય. પ્રોગ્રામ લાયન્સ-રોટરીનો હોય તો સો-બસ્સો વધુ ગણી લેવાના. હજી ચાર જ પત્યા હોય ને ૧૯-બાકી હોય, એમાં શ્રોતાઓ પાસે વિરાટ લૅવલની ધીરજ જોઇએ. એ બધાને બોલવાનું બાકી હોય. શ્રોતાઓને ઉલ્લુ બનાવવા સ્ટેજ પરથી જાહેરાત થાય કે, દરેક માનનીય વક્તાશ્રી વધુમાં વધુ ચાર મિનીટ બોલશે, એટલે બાકીનાઓ પાસે હજી ઓગણીસ-ચોકુ છોંતેર મિનીટો વપરાયા વિનાની પડી હોય. પેલા ચાર-પાંચની ઍવરેજ વપરાઇ ગયેલી ૭૦-મિનિટ ગણીએ તો ઉપસ્થિત શ્રોતાઓ હવે તો કોઇ પણ લૅવલનો મૂઢમાર ખાઇ/પચાવી શકે. બધાને એટલી પ્રૅક્ટિસ ન હોય, પણ બધાની હાલત ‘મુગલે-એ-આઝમ’ના સલિમ જેવી હતી, ‘...ઔર તુમ કર ભી ક્યા સકતે હો?’ વખત સ્વાતંત્ર્ય-સંગ્રામવાળો હોત તો હજી ય ઑડિયન્સમાંથી હૅન્ડ-ગ્રેનેડ જેવું કાંઇ ફેંકી શકાત...આમાં તો મૅક્સિમમ ગાળો બોલી શકાય....અને એ ય, મનમાં!

વક્તાને વહેલો ટપકાવવાના ઉપાયો

અસલ બાપૂઓના જમાનામાંબબ્બે ભડાકા થાય એવી બંદૂકો શ્રોતાઓના હાથમાં પકડાવી દેવામાં આવતી. વક્તો જરાક અમથો ડાહ્યો થવા જાય ને બેસવાનું નામ ન લે, ત્યારે ગીરના સાવજોની જેમ બંદૂકો ધણધણી ઉઠતી. પહેલા હવામાં ગોળીબારૂં થાય....છતાં ય પેલો ન માન્યો હોય તો---

હવે પહેલા જેવી રાયફલો મળતી નથી ને પહેલા જેવા બાપુઓ પણ રિયા નથી. પણ રાયફલને ય ઑર્ડિનરી ગણાવે, એવા સૅલફોનો (મોબાઇલ) દરેક શોર્તાના હાથમાં આવી ગયા છે, જે બંદૂકના ભડાકાથી ય મોટું કામ કરે છે. ભલભલા ચોંટુને બેસાડવા માટે મોબાઇલ આદર્શ હથિયાર મનાયું છે. પેલો માઇકને વળગ્યો હોય ત્યારે એની નજર સામે આપણે મોબાઇલને વળગવાનું. આમ તો, હૉલ હોય, ઘર હોય કે સ્મશાન હોય, આપણો મોબાઇલ તો ચાલુ જ હોય....દુનિયા જખ મારે છે. બસ, પેલાના દેખતા ઑડિયન્સમાં બધા મોબાઇલ પર મંડી પડે, એ જોઇને આવનારા વક્તાઓના મોરલ પણ ડાઉન થવા માંડે.

ભોગ લાગ્યા હોય ત્યારે આવા સમારંભમાં તમારે જવું પડે. ઈશ્વર સહુનો છે, શ્રોતાઓનો નહિ!

સિક્સર

- આ શત્રુઘ્ન સિન્હુ વર્ષોથી આટલું બડબડ કરે છે, છતાં મોદી એને પક્ષમાંથી કાઢી કેમ મૂકતા નથી?

- પહેલા તો મેહબૂબા મુફ્તીને તો સીધી કરે...! કાશ્મિરના પથ્થરબાજોને એ હીરો ગણે છે.

- અર્થાત..… ઇ.સ.૨૦૧૯- પહેલા ઘણી સાફસૂફી બાકી છે.

---------