Ghar mate gharelu upaay - 2 books and stories free download online pdf in Gujarati

ઘર માટે ઘરેલૂ ઉપાય - 2

ઘર માટે ઘરેલૂ ઉપાય

ભાગ-૨

મીતલ ઠક્કર

ઘરને સુંદર, આકર્ષક, સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા ઉપરાંત ઘર અને ખાસ કરીને રસોડામાં સરળતાથી કામ કરી શકાય એ માટેની ટિપ્સ-ઘરેલૂ ઉપાય આ શ્રેણીમાં હું રજૂ છું. જેની જાણકારી અજમાવતા રહેશો. આ ટિપ્સ આપને અવારનવાર કામ આવતી રહેશે. મને આશા છે કે મારી "રસોઇમાં જાણવા જેવું" શ્રેણીની જેમ જ આ શ્રેણી આપને ઉપયોગી સાબિત થશે. અને પસંદ પણ આવશે. આપના પ્રતિભાવો જરૂરથી જણાવશો અને રેટિંગ અચૂક આપશો.

ઘરમાં અને રસોડામાં કામ સરળતાથી અને વ્યવસ્થિત થાય તો સમય બચી શકે છે. દિવસ દરમ્યાન આપણે ઘરમાં ઘણી કામગીરી કરીએ છીએ. જો એ માટે થોડા સારા ઉપાય મળી જાય તો એ કામ કંટાળાજનક લાગશે નહીં અને આનંદ આવશે. જો લીંબુમાંથી સરળતાથી વધુ રસ કાઢવો હોય તો તેને નિચોવતા પહેલાં માઇક્રોવેવ ઓવનમાં ૧૦થી ૧૫ સેકન્ડસ માટે ગરમ કરી લો. આમ કરવાથી તે વધુ રસવાળું થશે અને નિચોવવામાં સરળતા રહેશે.

જો તમને વાંચવા-લખવાનો શોખ હોય તો બારી પાસે રીડિંગ કોર્નર રાખશો. રીડિંગ ટેબલ પર એક સરસ ટેબલ લેમ્પ અને તાજા ફૂલોથી સજાવેલો વાઝ રાખશો. જેથી આનંદ આવશે.

ઘરમાં નિયમિત સાફસફાઇમાં ઘણી જગ્યા રહી જાય છે. જેમાં ફ્રિઝની ઉપર અને નીચેની સફાઇ છે. ફ્રિજમાંથી વસ્તુઓ કાઢતી વખતે ક્યારેક કશુંક પડી જતું હોય છે. તેથી ગંદું રહે છે. તો ફ્રિઝ ઊંચું હોય ત્યારે પહોંચી શકાતું ન હોવાથી ટેબલ લઇ સાફ કરવાનું આળસમાં રહી જાય છે. પણ ૧૫ દિવસમાં એક વખત ઉપરનો ભાગ સાફ કરવાનું રાખો. અને ઉપરના ભાગ પર કોટનનું કપડું રાખી દો. જેને મહિનામાં એક વખત ધોવાનું રાખો. ગેસના ચૂલામાં પણ ઉપરનો ભાગ નિયમિત સાફ થાય છે. નીચેનો ભાગ ઘણી વખત રહી જાય છે. એટલે અઠવાડિયામાં એક વખત આખો ચૂલો ધીમે રહી ઊંચકીને સાફ કરો. રસોડામાં સિંકની સફાઇ નિયમિત કરવામાં આવે છે. પણ તેનો નીચેનો ભાગ સાફ થતો નથી. ત્યાં ગંદકી થતી હોવાથી વંદા અને મચ્છર થાય છે. એ જગ્યા પર ક્લીનર નાખી બ્રશથી સાફ કરવાનો આગ્રહ રાખો. ત્યાં રાખેલા કચરાના ડબ્બામાં લીંબુના છોડા નાખવાથી વાસ ઓછી આવશે.

ઘરમાં જૂના અખબારથી ઘણું કામ થઇ શકે છે. ઘરના કાચના બારી-બારણા ચમકતા ના હોય તો અખબારને ભીનું કરીને સાફ કરવાથી ચમક પાછી આવે છે. લીલાં શાકભાજી ફ્રીજમાં રાખવા છતાં એક-બે દિવસમાં સુકાઇ જાય તો અખબારમાં લપેટીને રાખવાથી ઘણા દિવસો સુધી શાકભાજી તાજી રહી શકે છે. કારમાં ફૂટમેટ ઉપર પણ અખબારનો ઉપયોગ થઇ શકે છે. ફૂટમેટ પર અખબાર મૂકવાથી તે ગંદી થતી નથી. રસોડાની કેબિનેટ વગેરે જગ્યાએ અખબાર બિછાવીને રાખવાથી એ જગ્યા ખરાબ થતી નથી.

* ગેસની બચત માટેના કેટલાક ઉપાય નોંધી લો.

૧. રસોઇ શરૂ કરતા પહેલાં તમામ સામગ્રી એકત્ર કરી લો.

૨. ઠંડી અને ફ્રોઝન ખાદ્ય સામગ્રી પકાવવાના થોડા સમય પહેલાં કાઢી લો જેથી રૂમના તાપમાનમાં આવી જાય.

૩. જો ગેસ પરનું વાસણ ઢાંક્યા વગર રસોઇ પકાવવામાં આવે તો ત્રણ ગણો વધુ ગેસ વપરાય છે.

૪. કઢાઇ કે પેનને બદલે શક્ય હોય ત્યાં પ્રેશર કૂકરથી પકાવવાનું રાખો.

૫. રસોઇ બનાવતી વખતે જરૂર જેટલું જ પાણી નાખો. બિનજરૂરી વધુ પાણીથી વધુ ગેસની ખપત થાય છે.

૬. શાકભાજી, દાળ, માંસ વગેરેને ઉકાળતા પહેલાં માઇક્રોવેવમાં સેમીકૂક કરવાથી જલદી પકાવી શકાય છે અને ગેસની બચત થાય છે.

૭. રસોઇ હંમેશા ગેસની મધ્યમ આંચ પર જ પકાવો. વધુ આંચ રાખવાથી બળી જાય છે અને ગેસ વધુ વપરાય છે.

* હવે વીજળી કેવી રીતે બચાવી શકાય એ માટેના કેટલાક ઉપાય નોંધી લો.

૧. જૂના બલ્બના સ્થાને એલઇડી બલ્બ લગાવો. તે થોડા મોંઘા લાગશે પણ વીજળીની ઘણી બચત થશે.

૨. ગરમીમાં એસીનો ઉપયોગ કરતા પહેલાં સર્વિસ કરાવી લો. અને તાપમાન યોગ્ય ડીગ્રીનું રાખો.

૩. આજકાલ સોલર લાઇટનો ઉપયોગ વધુ થાય છે. શરૂઆતમાં તેનો વધુ ખર્ચ ચૂકવવો પડે છે. પણ પછી બીલ અડધું આવે છે.

૪. વોશિંગ મશીનમાં રોજેરોજ કપડાં ધોવાને બદલે મશીનની ક્ષમતા જેટલા કપડાં ભેગા થાય ત્યારે ધોવાનું રાખો.

૫. ઘરમાં વેંટિલેશનની યોગ્ય વ્યવસ્થા રાખો. એમ કરવાથી હવાની અવરજવર વધવાથી પંખાનો અને સૂર્યપ્રકાશના અજવાળાથી લાઇટનો ઉપયોગ ઓછો થશે.

* કપડાંની રોનક એ વાત પર આધાર રાખે છે કે તેને કેવી રીતે ધોવામાં આવ્યા છે. તો જાણી લો કપડાંની સંભાળના ઉપાયો.

૧. કપડાં ધોવા માટે હંમેશા માઇલ્ડ ડિટરજંટનો ઉપયોગ કરો.

૨. સફેદ કપડાંને ક્યારેય રંગીન કપડાં સાથે ધોવા નહીં. અને રંગીન કપડાંને ક્યારેય એક-બે કલાકથી વધુ પલાળવા નહીં. કોટનના કપડાંનો રંગ જતો હોવાથી એને અલગ જ ધોવાના રાખો. કાળા રંગના જીંસ પેંટને અલગથી ધોવાનું રાખો.

૩. સિલ્કી, બનારસી અને એમ્બ્રોઇડરી વર્કવાળા કપડાં ઘરે ધોવાનું ટાળવું. એના માટે ડ્રાયક્લીનીંગ શ્રેષ્ઠ ઉપાય છે. એ જ રીતે મોંઘા કપડાંને પણ ડ્રાયક્લીનીંગ કરવાનો આગ્રહ રાખો.

૪. જો ઉનના કપડાં હોય તો ગરમ પાણીમાં ધોવાનું ટાળો. તેને વોશિંગ મશીનના ડ્રાયરમાં સુકાવવાથી ઢીલા પડી જાય છે.

૫. વોશિંગ મશીનમાં કપડાંને વધુ પડતા ધોવાથી તેને નુકસાન થાય છે અને રફ થઇ જાય છે.

૬. રંગીન કપડાંને વધુ પડતા સૂર્યપ્રકાશમાં સૂકવવા નહીં. એમ કરવાથી તેનો રંગ ઉડવાની શક્યતા રહે છે.

૭. વોર્ડરોબમાં કપડાંની યોગ્ય ગોઠવણી કરવી. એમ્બ્રોઇડરીવાળા કપડાંને પ્લેન કપડાંથી અલગ રાખવા. બનારસી કપડાંને અલગથી બાંધીને રાખવાથી તેની ચમક ઓછી થતી નથી.

૮. કોટન ફેબ્રિકના કપડાંને ઇસ્ત્રી કર્યા પછી હેંગર પર લટકાવીને રાખવા જેથી કરચલીઓ ના પડે.

***