Ghar mate gharelu upaay - 6 books and stories free download online pdf in Gujarati

ઘર માટે ઘરેલૂ ઉપાય - ૬

ઘર માટે ઘરેલૂ ઉપાય

ભાગ-૬

મીતલ ઠક્કર

* કેટલીક વસ્તુઓ લાંબા સમય સુધી સાચવવા તેને ફ્રિઝમાં રાખવાથી બગડી જાય છે. એટલે એવી વસ્તુઓને ફ્રિઝમાં રાખવાનું ટાળવું. બટાકાને ફ્રિઝમાં રાખવાથી તે વધારે મીઠા થઇ જાય છે. ફ્રિઝમાં ભેજને કારણે ડુંગળી ખરાબ થઇ જાય છે. કોફીને ફ્રિઝમાં રાખવાથી તેની સુગંધ ઊડી જાય છે અને બેસ્વાદ લાગે છે. મધને પણ ફ્રિઝને બદલે સામાન્ય તાપમાને રાખવું યોગ્ય છે.

* પ્લાસ્ટિકના વાસણોનો આજકાલ વધુ ઉપયોગ થાય છે ત્યારે તેના પર પડતા ડાઘ અને તેમાંથી આવતી વાસ દૂર કરવાનો ઉપાય જાણી લો. એ માટે તમે બેકિંગ સોડાનો સહારો લઇ શકો છો. એક બાલદીમાં ૩ ચમચી બેકિંગ સોડા લઇ તેને ગરમ પાણીમાં બરાબર ભેળવી દો. હવે પ્લાસ્ટિકના વાસણોને તેમાં ડૂબાડીને રાખો. ૩૦ મિનિટ પછી સ્ક્રબથી ઘસીને સાદા પાણીથી ધોઇ લો. આ જ રીતે સરકો નાખીને પણ પ્લાસ્ટિકના વાસણો ધોઇ શકો છો. એમ કરવાથી ડાઘ અને વાસ નીકળી જશે.

* સામાન્ય સ્નાન કરવાને બદલે શાવર લો. તેનાથી પાણી ઓછું વાપરવાને કારણે પાણી અને તેને ગરમ કરવા માટેની ઊર્જામાં ૬૦ ટકા બચત થાય છે.

* બેટરીના સેલ રેફ્રિજરેટરમાં રાખવાથી લાંબો સમય ચાલે છે.

* એક વાડકામાં સોડા ભરી રેફ્રિજરેટરમાં રાખવાથી ફ્રિજમાંથી ખાદ્યપદાર્થની દુર્ગંધ દૂર થશે.

* ઘરમાં કબાટોમાંના કાચને સાફ કરવા માટે વિનેગર અને પાણીનું મિશ્રણ વાપરો. વિનેગર અને પાણીને સમાન માત્રામાં લો. તેનાથી ચીકાશ દૂર થઇને કાચ પર ચમક આવી જશે. કાચની આસપાસની પેન્સને સ્વચ્છ, સૂકા, નરમ કપડાંથી લૂછી લો. જેથી તમારા વસ્ત્રો પર કોઇ ડાઘ ના પડે. કબાટો લૂછવા માટે નરમ-સ્વચ્છ કપડું, સ્પંજ અથવા ટુવાલ જ વાપરો. ખરબચડું કાપડ કાચ વગેરે પર ઘસરકા પાડી શકે છે.

* હંમેશાં ખાનાંવાળા બેડનો ઉપયોગ કરો. જેમાં તમારો વધારાનો સામાન પણ તમે મૂકી શકો અને રૂમમાં જગ્યા પણ રહેશે. તેમાં તમે તમારા વધારાનાં કપડાં, રજાઈ, ચાદર જેવી વસ્તુઓ મૂકી શકો છો. આમ, વધારાનો સામાન તેમાં સમાઈ જતાં રૂમ મોટો પણ લાગશે.

* ઓવનમાં રસોઈ બનાવતી વખતે બધી જ શેલ્ફનો ઉપયોગ કરો. માઈક્રોવેવ-ઓવન ખોરાક ખૂબ ઝડપથી રાંધે છે. ફરી ગરમ કરવા માટે પણ આ ઓવન ખૂબ ઉપયોગી છે. તે ઘણી ઓછી વીજળી વાપરે છે.

* કોમ્પ્યુટરમાં ધ્યાન રાખો કે સ્ક્રીન-સેવર પ્રોગ્રામ કોઈ પણ આકૃતિ દર્શાવતું હોય ત્યારે તે વીજળીની કોઈ બચત કરતું નથી. આખું મોનિટર ડાર્ક થઈ જાય ત્યારે જ વીજળીની બચત થાય છે.

* ઓવનનું બારણું જરૂર હોય તો જ ખોલો. જેટલી વાર તે ખૂલે તેટલી વાર ૨૫ થી ૩૦ ડીગ્રી તાપમાન નીચું જાય છે. લાઇટવાળું અને ગ્લાસ-વિન્ડોવાળું ઓવન જ ખરીદો. જેથી અંદરની સ્થિતિ જાણી શકાય.

* મોટી જગ્યા હોય ત્યાં 'યુ' આકારનું કિચન બનાવવું જોઈએ. જેથી જગ્યાનો પૂરતો ઉપયોગ પણ થાય અને સુંદર દેખાય. તે ઉપરાંત 'યુ' આકારના રસોડામાં ઓવન, મીક્સર, ક્રોકરી વગેરે જરૂરી ઉપકરણો મૂકવા માટે પણ સારી વ્યવસ્થા થઈ શકે છે. તે ઉપરાંત બ્રેકફાસ્ટ માટે પણ નાનું ટેબલ જેવું બનાવી શકાય છે.

* સ્ત્રીઓ પોતાના કોસ્મેટિક્સથી લઇને નાનીમોટી દરેક વસ્તુ તેમજ જ્વેલરી સાચવીને અને સજાવીને પોતાના ડ્રેસિંગ ટેબલના ડ્રોઅરમાં રાખી દે છે. આનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે આવી નાનીમોટી વસ્તુ સાચવવા માટે અલગથી કપબર્ડ મળી જાય છે, તે કપડાંના કપબર્ડમાં જગ્યા નથી રોકતું. ડ્રેસિંગ ટેબલ બનાવવામાં તેની ડિઝાઇન જોવાની સાથેસાથે તેનો ઉપયોગ પણ યોગ્ય રીતે થઇ શકે તે વિશે સજાગ રહેવું જોઇએ, કેમ કે વધારે નાજુક અને દેખાવડું ડ્રેસિંગ ટેબલ બનાવડાવશો તો તે વધારે વસ્તુ સ્ટોરેજના ઉપયોગમાં નહીં આવે. માટે સ્ટોરેજ બરાબર થઇ જાય તેવી ડિઝાઇન બનાવડાવવી.

* ટોસ્ટરને બહારથી સાફ કરવા માટે ભીના કપડાંથી સાફ કરો. અંદરની સફાઈ માટે તમારા ટોસ્ટરમાં ક્રમ્બ ટ્રે હોય તો તેને કાઢીને સારી રીતે સાફ કરી લો. પરંતુ ટોસ્ટરમાં ટ્રે ના હોય તો તેને ઊંધું કરીને હલાવવું જેથી ટોસ્ટરમાં ભરાઈ રહેલા ટોસ્ટના ટુકડાં બહાર નીકળી જશે અને બરાબર સાફ ન થાય તો પાતળા બ્રશનો ઉપયોગ કરવો.

* ઘરની બહાર જો ઘરમાં રહેતાં કપલના નામની સુંદર નેમપ્લેટ લગાવવામાં આવે તો ઘરની શોભામાં ચાર ચાંદ લાગી જાય છે. વળી હવે લોકો સુંદર અને આર્ટિસ્ટિક નેમપ્લેટ પોતાના ઘરની બહાર લગાવે છે. ઘણાં લોકો જો નેમપ્લેટમાં પોતાનાં નામ નથી લખાવવા માંગતા તો તેઓ માત્ર સરનેમ લખાવે છે. આ પણ ખૂબ સુંદર લાગે છે. હવે સાવ સાદી નેમપ્લેટને બદલે ડિઝાઇનર નેમપ્લેટ્સની ફેશન આવી છે. જેમાં વૂડન, એક્રેલિક, કોપરની, સિલ્વરની વગેરે અનેક નેમપ્લેટ્સનો સમાવેશ થાય છે.

* તમારા ઘર અથવા બેડરૂમને મોટો બતાવવો હોય તો દીવાલો ઉપર ક્યારેય પણ ઘાટ્ટા રંગ લગાવો નહીં. દીવાલો માટે હંમેશાં સફેદ અને આછા ગુલાબી જેવા આછા રંગોની જ પસંદગી કરવી, કારણ કે આછા રંગો અને લાઈટના પ્રકાશને કારણે રૂમ મોટો લાગે છે. તેનું ઊલટું ઘાટ્ટા રંગોને લીધે અને લાઈટના પ્રકાશથી રૂમ નાના લાગે છે.

* વીજળીની બચત માટે વિદ્યુતથી ચાલતું ઉપકરણ પોતાની મેળે બંધ/ ચાલુ થાય એટલા માટે પ્રિસેટ ટાઈમર લગાવો. જેમ કે એરકંડિશનરમાં એક, બે કે ત્રણ કલાકનો ટાઈમ સેટ કરી દેવામાં આવે તો તેટલા સમયમાં એ.સી. આપોઆપ બંધ થઈ જાય છે. પણ ઓરડો એકદમ ઠંડો થઈ ગયો હોવાથી એ.સી. ઓટોમેટિકલી બંધ થઈ જવા છતાં લાંબા સમય સુધી ગરમી થતી નથી. પેસેજ કે સોસાયટીના પગથિયાની લાઈટ ચાલુ/બંધ કરવા અગાઉથી સમય સેટ કરી રાખો.

*વોશીંગ મશીન રેન્જ અને રેફ્રીજરેટરને યોગ્ય રીતે ત્રિકોણાકારમાં ગોઠવવું જેથી બહુ દોડાદોડી ન કરવી પડે. આમ તો જગ્યા નાની હોય તો ગુંચવણ ઊભી થાય છે અને મોટી હોય તો દોડાદોડી થાય છે એટલે બને તો રસોડામાં ૧૮ થી ૨૩ ફૂટની વચ્ચેનો ત્રિકોણાકાર હોવો જોઈએ.

* ચાંદીની ધાતુ ખુલ્લી પાઉચ કે બોક્સમાં રાખવામાં આવે તો તે જલદીથી કાળી પડી જાય છે. જ્યારે આવા ભેજયુક્ત વાતાવરણમાં તો તે વધારે જલદીથી કાળી પડી જાય છે. જેથી ચાંદીની વસ્તુઓને વ્યવસ્થિત સાફ કરી પ્લાસ્ટિકની બેગ કે ઝીપ લોકમાં પેક કર્યા પછી જ બોક્સ કે પાઉચમાં રાખો.

* રસોડામાં ઘણી વખત ફર્શ પર કોઈ ચીકાશવાળો પદાર્થ પડયો હોય તો તેની પર બ્લીચ નાંખો. થોડીવાર બાદ બ્રશ ઘસીને ફર્શ સાફ કરો. ફર્શને ચમકાવવા માટે એક કપ વિનેગરમાં ગરમ પાણી મિક્સ કરીને સફાઈ કરો. આ રીતે ફર્શ સાફ કરવાથી ચીકાશ તો દૂર થશે. તે ઉપરાંત મહિનામાં ત્રણથી ચાર વખત આ રીતે ફર્શ સાફ કરશો તો ફર્શ ચમકવા લાગશે.

* ફર્નિચરને સાફ કરવા માટે ફેદર ડસ્ટરનો ઉપયોગ ન કરો, તેનાથી ફર્નિચર પર સ્ક્રેચ પડે છે. ફર્નિચર પરના ડાઘ-ધબ્બા દૂર કરવા માટે હાર્ડ રિમૂવરનો ઉપયોગ ન કરો, તેનાથી પોલિશ ખરાબ થઈ શકે છે. ફર્નિચરની સફાઇ માટે હંમેશાં સોફ્ટ બ્રશ કે ડસ્ટરનો ઉપયોગ કરો. ફર્નિચર પર લાગેલા પાણીના ડાઘ દૂર કરવા માટે કપડાંને સફેદ વિનેગરવાળું કરીને તેનાથી લુછી લો. અઠવાડિયામાં એક વખત જંતુનાશક સ્પ્રે ફર્નિચર પર છાંટો. જો તમારે ત્યાં કાચનું ફર્નિચર હોય તો કાચ સાફ કરવા માટે પહેલા પાણીથી છંટકાવ કરો, ત્યાં બાદ સફેદ પેપર વડે સાફ કરો. કાચ ચમકવા લાગશે.

* ઓવનની સફાઈ માટે માર્કેટમાં મળતું ક્લીનર લાવવું જરૂરી છે. ઓવનની સફાઈ હંમેશાં કોરા કપડાં વડે કરવી જોઈએ. અંદર ટ્રેની સાથે સાથે બહાર દરવાજાનું પર પણ ધ્યાન આપવું જોઈએ. કિનારીઓની સફાઈ માટે એક કપ પાણીમાં લીંબુના ટુકડાં નાખી ઓવન ચાલુ કરી દેવું જોઈએ. જેથી અંદર વરાળ બને છે અને કિનારીઓની અંદર રહેલી ગંદકી પીગળીને સાફ થઈ જાય છે.