Ghar mate gharelu upaay - 4 books and stories free download online pdf in Gujarati

ઘર માટે ઘરેલૂ ઉપાય - ૪

ઘર માટે ઘરેલૂ ઉપાય

ભાગ-૪

મીતલ ઠક્કર

* જો ઘરમાં ઉંદરનો ઉપદ્રવ વધી ગયો હોય તો તેને દૂર કરવા ઉંદર આવતા હોય એ જગ્યાએ ફટકડીનો પાઉડર ભભરાવી દેવાથી ઉંદર આવશે નહીં.

* રસોડામાં જે સામાન રુટિનમાં વધારે ઉપયોગમાં લેવાતો હોય તેને આંખની સામે એક હાથના અંતર પર જ રાખો. જે વાસણોનો ઉપયોગ બહુ ઓછો થતો હોય તેને કબાટના ઉપરના ભાગમાં રાખો. રસોડામાં નાનું સ્ટૂલ મૂકી રાખો કે જેથી સામાન લેવા-મૂકવા માટે સલામત રીતે ચઢવા-ઉતારવામાં સરળતા રહે.

* ઘરમાં છોડવાળા કુંડાને કાંકરાવાળા વાસણમાં મૂકો. વાસણમાં થોડા થોડા દિવસે પાણી રેડો. જેથી કુંડું નીચેના ભાગમાં પણ ભીનું રહે.

* ગાર્ડન પ્લાન્ટસની સરખામણીએ ઇન્ડોર પ્લાન્ટસ ખૂબ ધીમે ધીમે વધે છે. તેથી તેને ઓછા ખાતરની જરૂર પડે છે. એટલે માટીમાં વધુ ખાતર ભેળવશો નહીં. હંમેશા નર્સરીનું ખાતર વાપરો. તે સંતુલિત હોય છે. છોડને બારી-બારણાથી પાંચેક ફૂટના અંતર પર રાખો. સીધો સૂર્યપ્રકાશ સતત પડવાથી નુકસાન થાય છે. છોડને વરસાદનું કે ડિસ્ટીલ્ડ પાણી આપવું હિતાવહ છે. ફ્રિઝનું નીતરેલું પાણી પણ આપી શકાય. નળના પાણીમાં ક્લોરીન અને સોડિયમ હોવાથી હાનિ પહોંચે છે. કૂંડાને હિટર કે એરકન્ડિશનરની હવા ના લાગે એ રીતે મૂકશો. છોડના પાન પર ધૂળ, ધૂમાડો વગેરેના રજકણ ચોંટે નહીં તેનું ધ્યાન રાખવું.

* પ્લાસ્ટિકની થેલીના અંદરના ભાગમાં સરકો લગાવી પછી સાફ કકડાથી લૂછી નાખી તેમાં પનીર મૂકવાથી લાંબા સમય સુધી તાજું રહે છે અને તેને ફ્રિઇઝમાં રાખવાની જરૂર રહેતી નથી.

* જો તમારે ફળોનો કુદરતી સ્વાદ જાળવી રાખવો હોય તો તેને ફ્રિઝમાં મૂકવા નહીં.

* ઘઉંના લોટમાં શક્કરિયાનો લોટ ભેળવીને રોટલી બનાવી ખાવાથી શરીર તંદુરસ્ત બની વજન વધે છે.

* શુધ્ધ ઘીમાં નાગરવેલનું પાન રાખવાથી તે બગડતું નથી. ઘીને તાવતી વખતે જ નાગરવેલનું પાન નાખી દેવું. ઘીમાં સુગંધ આવશે અને સારું સચવાશે.

* કાતરને ગરમ પાણીમાં ભીની કરીને તેના વડે સૂકામેવાને કાપવાથી પ્રમાણસરના ટુકડા થઇ શકશે.

* દર્પણને ચમકાવવા માટે પાણીમાં થોડો સ્ટાર્ચ ભેળવી આ દ્રાવણથી સાફ કર્યા બાદ સૂકા કપડાથી લૂછવાથી દર્પણ ચમકી ઊઠે છે.

* બોટલ સાફ કરવા માટે કૂકરમાં સીટી મૂક્યા વગર પાણી ગરમ અકરો. બહાર નીકળતી વરાળ ઉપર બોટલનું મોં રાખો અને પછી સાફ કરો તો બોટલ એકદમ ચમકી ઊઠે છે.

* ડાઇનિંગ ટેબલ ઉપર ટેબલ ક્લોથ વાપરવું ફરજિયાત નથી. અને વાપરો તો સફેદ કે પેસ્ટલ રંગનું રાખો. તેના પર મૂકેલું ભોજન પણ આકર્ષક લાગશે. મેટસને ટેબલની ધાર પાસે દરેક ખુરશીની સામે આવે એ રીતે ગોઠવો. બેસવાનું અંતર મોકળાશવાળું રાખો. ડાઇનિંગ ટેબલ ઉપર વધારે ડિઝાઇનવાળી પ્લેટસ વાનગીઓના આકર્ષક દેખાવને અવરોધે છે. વાનગીની સુગંધ જેટલું જ મહત્વ તેના દેખાવનું છે. એટલે શક્ય હોય એટલી સાદી પ્લેટસ પસંદ કરો. ડાઇનિંગ ટેબલ ઉપર સાદા અને પારદર્શક ગ્લાસ સુંદર લાગે છે. તે પાણીની નિર્મળતાને પણ દર્શાવે છે. ગ્લાસને પ્લેટની ડાબી બાજુ મૂકશો. ડાઇનિંગ ટેબલ ઉપર ગીચતા ના થાય એ માટે બિનજરૂરી પાત્રો રાખશો નહીં. ટી-સ્પૂનની જરૂર ના હોય તો રાખશો નહીં. વાનગીઓના રંગ કરતાં ચાઇનાવેર વિરોધાભાસી રંગના રાખો. સામાન્ય રીતે કોઇ વાનગી વાદળી રંગની હોતી નથી. વાદળી ચાઇનાવેર શોભી ઊઠશે. ટેબલનો મધ્ય ભાગ વાનગીઓના પાત્રો મૂકવા માટે ખાલી રાખો. વાનગીઓ પીરસવાની સાધનસામગ્રી ટેબલ પર જ રાખો. જેથી જરૂર વખતે લેવા જવું ન પડે. અને મીઠું, મરી વગેરે ઉપરથી લેવાના મસાલા અગાઉથી જ મૂકી રાખો.

* કપડાં પરથી મેંદીના ડાઘ કાઢવા ડાઘાવાળા ભાગને અડધા કલાક સુધી ગરમ દૂધમાં પલાળી રાખો. પછી ઠંડા પાણી અને બ્રશ વડે ધોઇ લો.

* બ્રેડ સૂકાઇ ગઇ હોય તો તેને થોડીવાર સુધી વરાળ પર રાખવાથી તે ફરીથી નરમ અને તાજા જેવી થઇ જાય છે.

* ખાંડ અથવા અનાજ ભરીને રાખ્યા હોય તે ડબ્બાની આસપાસ અજમો ભરેલી પોટલી રાખવાથી તેમાં કીડીઓ ચડવાની શકયતા રહેતી નથી.

* તમારા ડ્રોઅર્સમાં પ્લાસ્ટિકના બોક્સીસ અથવા ડિવાઇડર્સ મૂકીને તેમાં ચીજ-વસ્તુ મૂકો. સારી રીતે ગોઠવીને મૂકેલી વસ્તુઓને લેવા-મૂકવામાં સરળતા રહેશે. તેમાં મોજાં, ઇનરવેર, રૂમાલ વગેરે મૂકી શકાય. આ રીતે તેમને સાચવી શકાશે અને ધૂળ લાગશે નહીં.

* ચાંદીના દાગીના કોસ્ટિક સોડાથી સાફ કરવાથી સારું પરિણામ મળે છે.

* કઠોળમાં સોડા નાખીને પલાળશો તો જલદીથી રંધાઇ જશે. ચણા-વટાણા જેવી વસ્તુઓ સહેજ ગરમ પાણી કરીને ૪-૫ કલાક રાખ્યા બાદ રાંધવાથી તે ઝડપથી રંધાઇ જશે. અને ગેસની બચત થશે.

* જુદી જુદી વસ્તુઓ માટે જુદી જુદી ફ્રિઝબેગ વાપરવાથી જરૂરિયાતના સમયે વસ્તુઓ તરત મળી જશે.

* સોનાનો ઢોળ ચઢાવેલા ઘરેણાં ઝીપલોક બેગમાં સુરક્ષિત રાખવા જોઇએ. તેને સાચા સોનાના વેલ્વેટના અસ્તરવાળા બોક્સમાં રાખશો નહીં.

* જીરું ખરીદતી વખતે તેને હાથમાં લઇ ઘસી જોવાનું. ભેળસેળવાળા જીરામાં કોલસાનો ભૂકો હોય છે. હાથ કાળા થાય તો સમજી લેવાનું કે તેમાં ભેળસેળ છે.

* વોશિંગ મશીનમાં બે કપ ભરીને લીંબુનું પાણી રેડ્યા પછી એક પણ કપડું નાખ્યા વગર મશીનને હોટેસ્ટ વોશ પર ફેરવવું. આ પ્રક્રિયા દર ત્રણ માસે કરવી.