બુધવારની બપોરે - 43

બુધવારની બપોરે

(43)

ભરબપ્પોરે વરઘોડો

આવી પ્રચંડ ગરમી અને પરસેવા નીતરતા લ્હ્યાય-બાળુ બફારામાં હમણાં અમારા નારણપુરામાં ભરબપોરે વરઘોડો નીકળ્યો, ઘોડો એકલો નીકળ્યો હોય તો ય આપણને દયા આવે, એને બદલે એ તો વર સાથે નીકળ્યો હતો. ધૂમધામ તોતિંગ અવાજના બૅન્ડ-વાજાં સાથે. ગરમી એ હદની કે, માણસનું ચાલે તો પૂરા શરીર ઉપર હાથ-રૂમાલ પહેરીને ઘરની બહાર નીકળે, એવા ધૂમ તડકામાં વરરાજો ઘોડે ચઢી ‘પૈણવા’ નીકળ્યો હતો. સાજન-મહાજન કઇ કમાણી ઉપર વરઘોડામાં જોડાયું હતું, એ દઇ જાણે!

આવા ઉકળાટમાં વરરાજાએ ‘શૂટ’ પહેર્યો હતો, પણ સમજુ ઘોડો નાગો હતો......એનામાં ‘ઘોડાઇ’ હતી, પણ વરરાજામાં માણસાઇ નહોતી કે પોતાની ઉપરે ય દયા ખાય! આપણને દૂર ઊભા ઊભા જીવો બાળીએ કે, શું રહી ગયો હશે શૂટ પહેર્યા વિનાનો! ‘વર’ અને ‘ઘોડા’ વચ્ચે તફાવત સમજાવવા આવો પ્રયાસ? આપણને તો બન્નેના મોંઢા જોઇને ખ્યાલ આવી જાય! વરઘોડામાં સ્ત્રીઓ પાછી ભારે સાડીઓમાં ને એમના ગોરધનો પણ શૂટ-બૂટમાં, બોલો! કેવો ઉકળતો નજારો હશે કે, એ લોકોના મોંઢા ઉપર જબરદસ્તીના સ્માઇલો અને રૂમાલ વડે બોચી ઉપરથી પરસેવો લૂછતા રહેવાનું! વરરાજાનું ચાલે તો ઘોડો ઠેકાવીને દૂર દૂર કચ્છ કે સહરાના રણ બાજુ ભગાવી મૂકે પણ નારણપુરાની લૂ ઝરતી સડકો ઉપરથી વરઘોડો ન કાઢવા દે! પાછું, એમાંનું કોક ને કોક બોલતું રહે, ‘ભ’ઇ, હવે તો વરસાદ પડે તો સારૂં....જરા ય પવન જ નથી!’

એ લોકો નવા જમાનાના નહિ હોય, નહિ તો વર-ઘોડાને બદલે ‘વર-ઍક્ટિવા’ કે ‘વર-બુલેટ’ લઇને સરઘસ કાઢ્યું હોત! એ.સી. ગાડીઓમાં તો વરઘોડા નીકળતા હોય છે, પણ આખે આખો વરઘોડો એ.સી. ક્યાંથી કરાવવો? ઘોડા તો આ જમાનામાં આમે ય કોઇ કામના રહ્યા નથી, છતાં લોકો વર-ઘોડામાં એમનો જ ઉપયોગ કરે છે. ‘આશિક કા જનાઝા હૈ બડી ધૂમ સે નીકલે...’!

પણ આવા શુભ-પ્રસંગે જાનવાળાઓ હાથી કે ઊંટનો ઉપયોગ કરવા કેમ નહિ માંગતા હોય.....ઘોડો જ કેમ? એ એમનો વિષય છે, પણ સાયન્સ આટલું આગળ વધ્યું છે, છતાં વરઘોડો તો એ જ જરીપુરાણો! આ કત્લેઆમના નજરે જોનારા સાક્ષીઓના મનમાં એ સવાલ ભટકતો હતો કે, વરઘોડામાં શોભાની અભિવૃધ્ધિ કરવાનું જેમને આમંત્રણ મળ્યું હશે, એ ય બોલ્યા નહિ હોય કે, ‘ભલે વરઘોડા કાઢો....પણ સમીસાંજના-જરી ઠંડક થાય પછી કાઢો...પરણે તમારો લાલકુંવર અને આવા બફારામાં સીમેન્ટના કારખાનાના મજૂરો જેવા અમે લાગીએ? અલબત્ત, આ વરઘોડાના માલિકોના આદેશ મુજબ, આવી બળબળતી બપોરમાં વૃધ્ધ કે સાજામાંદા એમના ઘરોમાં માંડ સૂતા હોય ને પેલો લાઉડ-સ્પીકર્સ ઉપર ‘જોર લગા કે હૈ...સા’ની તાકાત ઉપર બૂમબરાડા સાથે ફિલ્મી ગીતો તાણી તાણીને આખું નારણપુરૂં હલાવી માર્યું. ભરબપોરે ખરા તડકામાં આવા વરઘોડા કાઢવાની પરવાનગી આપનારા પોલીસ-અધિકારીઓને ય નિરાંત હોય છે કે, ‘ક્યાં આપણા ઘર પાસેથી વરઘોડો કાઢવાનો છે?’ કાન ફાડી નાંખે એવા લાઉડ-સ્પીકર્સ વગર તો પરવાનગી અપાય નહિ......એ બધાની બાઓ ખીજાય! આમે ય, લગ્નપ્રસંગ હોય કે ધાર્મિક-સરઘસો માટે આજે ય વિશ્વમાં અમારા નારણપુરાનું મોટું નામ છે. થૅન્ક ગૉડ.....ભારતનું ગામડું શહેરમાં ય આવા લિબાસમાં જીવે છે. અમને દયા પણ આવે છે કે, આવા ધૂમધડાકાવાળા સરઘસો રાત્રે બે-ત્રણ વાગે કેમ નહિ નીકળતા હોય! માંડ સૂતેલા બિમાર અને જઉં-જઉં કરતા વૃધ્ધો ઘોંઘાટના માર્યા રાત્રે જ પતી જાય, તો એમને કાઢી જવાનો ઘરવાળાઓને રાત્રે બહુ પ્રોબ્લેમ ન થાય, જેટલો બપોરના વરઘોડા માટે થાય! વખત છે ને, સ્મશાનયાત્રા માટે પૂરતી સંખ્યામાં ડાઘુઓ ભેગા થતા ન હોય તો ચાલુ વરઘોડામાંથી ય ૮-૧૦ ને રીક્વૅસ્ટ કરીએ કે, ‘ભ’ઇ, જરા જોડાઇ જાઓ ને!.....શૂટ પહેરેલો રાખો, વાંધો નથી...! અહીં જૂના વાડજ સુધી જ જવાનું છે...!’ રાત્રે કોઇ મદદમાં ય આવે!

આજની તો ખબર નથી, પણ જૂના જમાનામાં વરઘોડા એટલા માટે કાઢવામાં આવતા કે, છોકરાનું માંડ માંડ ઠેકાણે પડ્યું હોય ને બધી આશાઓ મૂકી દીધી હોય ને માંડ ગોઠવાયું હોય એટલે ભ’ઇનું ખાનદાન જ નહિ, એનું આખું ગામ નિરાંત લેતું હોય કે, ‘હાશ, છુટ્યા...!’

આ વરરાજા માટે સહાનૂભુતિ એટલે થાય કે, બપોરનો આ વરઘોડો કેવળ નારણપુરામાં જ નાનકડું ચકરડું મારીને ઘરભેગો થઇ જવાનો હતો. એના ફાધરને બહુ ઉમંગ-ફૂમંગ નહિ હોય નહિ તો, નારણપુરાથી પ્રહલાદનગર-બોપલ, સરખેજ અને આ બાજુ નરોડા સુધીનું ચક્કર મરાવે તો છોકરો મજબુતે ય બને!

ભારતના લોકો પાસે પૈસો છે કારણ કે, એમને મૅક્સિમમ બે બાળકો હોય છે. એકને નોકરી મળી, બીજાને....ઈન કૅસ, ન પણ મળી તો ઘર ચલાવવામાં વાંધો આવતો નથી. મકાન નાનું હોય તો પણ આખા કુટુંબને રહેવાના કામમાં આવે છે, પડ્યા રહેવાના નહિ! પણ મધ્યમ વર્ગવાળો પર્મૅનૅન્ટલી મધ્યમ જ રહી જતો હોય છે, એનું કારણ લગ્નના ખર્ચા. આજે ઇ.સ.૨૦૧૮-ના જમાના પ્રમાણે ઘરમાં લગ્નપ્રસંગનો ખર્ચો મિનિમમ ૨૫-લાખનો આવે છે. સામેવાળાનો એટલો જુદો. મિડલ-ક્લાસ કાયમ માટે મિડલીયો રહી જતો હોય તો આવા ખોટા દેખાડા કરવામાં! તોતિંગ ખર્ચો જમણવારનો આવે છે ને અનુભવ બધાનો છે કે, આટલો ખર્ચો કર્યા પછી આપણા ને આપણા સગા-સંબંધી-દોસ્તો પેટ ભરીને જમી લીધા પછી ઓડકારો ખાતા ખાતા ડિનરની ટીકા કરીને કન્યાવાળાને રોવડાવી નાંખે છે. આવી ધૂમધામને બદલે વર-કન્યા બન્નેના મમ્મી-પાપા એમને ખર્ચવાના થતા ૨૫-૨૫ લાખ દીકરીના ખાતામાં જમા કરાવી દે કે મર્સીડીઝ-વૉલ્વો લઇ આપે તો પેલા બન્ને તમે જીવશો ત્યાં સુધી થૅન્કફૂલ રહેશે અને એમની લાઇફ બની જશે.

અહીં તો એકલો ઘોડો જ દસ હજારનો પડે છે ને એના માલિક-રખેવાળના ખર્ચા જુદા! ચાલુ વરઘોડે એના મનમાં આવે ત્યારે આપણા કપડાં બગાડી નાંખે....પાપ એના મનમાં નથી હોતું, પેટમાં હોય છે. સ્વચ્છતા-અભિયાન ઘોડાના પેટમાં નથી હોતું. મોટા ભાગના વરરાજાના ફાધરોમાં વરઘોડાના વિષયે અક્કલ હોતી નથી. બૅન્ડ-વાજાં તો વ્યવહાર ખાતરે ય જોઇએ જ, પણ એમાં વિરાટ અવાજો કાઢી શકે એવા લાઉડ-સ્પીકરો સાથે ઑરકેસ્ટ્રાવાળા જોડાયા હોય. નારણપુરા જેવા શિક્ષિત વિસ્તારોના રહીશો પાસેથી માંગે તો દસ-દસ રૂપિયા ઉઘરાવીને વરઘોડાનો ટોટલ ખર્ચો આપવા તૈયાર થાય, શર્ત એટલી કે, અવાજ વિનાનો વરઘોડો કાઢો! એક વિડીયો-વાયરલ થયેલો જોયો હશે કે, આપણી ગુજરાતણોએ ‘ધી ગ્રેટ’ યોગ દિવસ નિમિત્તે યોગમાં પણ ગરબા ઘુસાડ્યા હતા, એ હિસાબે વરઘોડામાં તો ગરબા હોય જ! પણ હવે જમાનો આગળ વધ્યો છે. ખરેખર તો આ લોકોએ ગરબાની સાથે સાથે ચાલુ વરઘોડે રસોઇ-શો, હાઉસી, તીનપત્તી, વીમૅન્સ-ક્રિકેટ કે ખાસ તો ડમ્બ-શૅરડ જેવી ગૅમ્સ રમાડવી જોઇએ, જેથી વરરાજાનું ધ્યાન ઘોડામાં રહે.

યસ. આવા વરઘોડાવાળાને છુટ મળે તો ઘરની સ્મશાનયાત્રાઓમાં ય ધૂમધામ બૅન્ડવાજાં વગાડે.

ઓહ યા.....એક પણ લગ્ન કે એના સમારંભમાં રાષ્ટ્રગીત ગવડાવવાનું એકે ય ભારતીય ને યાદ આવે?

સિક્સર

- તમે માર્ક કર્યું? હવે સિગારેટ પીનારાઓ ક્યાંય દેખાતા નથી....

- એમ તો, દારૂ પીનારાઓ ય ક્યાં દેખાય છે!

-------

***

Rate & Review

Mahesh 1 month ago

Jayesh Joshi 2 months ago

Dharmeshbhai 2 months ago

Balkrishna patel 2 months ago

Niketa 2 months ago