Muhurta - 13 books and stories free download online pdf in Gujarati

મુહૂર્ત (પ્રકરણ 13)

ઓડીટોરીયમમાં અમે જે તરફથી આવ્યા હતા એ તરફથી દાખલ થવાનો દરવાજો લોક હતો. અમારે કોઈ બીજો દરવાજો શોધવાની જરૂર પડે એમ લાગ્યું.

“લેટ્સ ગો ટુ અનધર ડોર..” અવિનાશે ડાબી તરફના કોરીડોરમાં વળતા કહ્યું.

“વેઇટ.” તપને એને અટકાવ્યો.

“વોટ..? આપણે આ બંધ દરવાજા આગળ શું કરીશું?” અવિનાશ સમજ્યો નહી.

તપને એ લોક તરફ હાથ કરી તેના મનથી એના પર ફોકસ કર્યું અને લોક એક ક્લિક સાથે ખુલી ગયું.

“તારે મારી સાથે હોવું જોઈએ.. તું જાદુગરમાં ચાલે એમ છે.” વિવેકે અંદર દાખલ થતા કહ્યું.

“થેન્ક્સ બટ મને એવા શોમાં કોઈ રસ નથી.” તપને કહ્યું.

હું જાણતો હતો એ ખોટું બોલે છે. એને પોતાની શક્તિઓ પસંદ હતી. એને પોતાની શક્તિઓ બતાવવાનું પસંદ હતું. અને એ શો તેને એ શક્તિઓ બતાવવાનો મોકો આપી શકે તેમ હતો.

“અહી કોઈ કેમ નથી?” તપને બેબાકળા થઇ કહ્યું.

“મતલબ? શું કોઈ હોવું જોઈતું હતું....?” વિવેકે ચોકીને પૂછ્યું.

“હા, કમ-સે-કમ આઠ દસ લોકો.”

“હાઈડ યોરસેલ્ફ.” એકાએક વિવેકે ચીસ પાડી.

મેં અવિનાશને દીવાલ પાછળ ધકેલી એને શિલ્ડ આપ્યું. ત્યાં ઉભેલ દરેક વ્યક્તિ કરતા તેને સલામતીની વધુ જરૂર હતી કેમકે તે એક માનવ હતો જયારે હું અને તપન માનવ ન હતા. કદાચ અમે કોઈ ચોટ સહન કરી શકવા સક્ષમ હતા અને વિવેક જાદુગર હતો માટે કોઈ પણ ઘાથી બચી નીકળવા સક્ષમ હતો.

વિવકે તપનને પણ દિવાલ સાથે શિલ્ડ લેવા કહ્યું અને તેઓ બંને દીવાલની આડશે છુપાઈ ગયા.

મેં દીવાલ સાથે કાન લગાવ્યા પણ હું કાઈ સાંભળી શક્યો નહિ.

“તે અહી જ છે.” તપન એ શબ્દો મોનિકા આસપાસ જ હતી એની ખુશીમાં બોલ્યો કે મોનિકા દેખાઈ નહી તેની ચિંતામાં તે સમજાયું નહી.

“તું કઈ રીતે કહી શકે?” મેં પૂછ્યું.

“હું એને ચાહું છું. હું એને મહેસુસું કરી શકું છું.” તપને થોડાક આગળ વધી ઓડીટોરીયમના અંદરના રૂમમાં જવા માટેનો લાકડાનો દરવાજો ખોલ્યો. લગભગ એ ચેન્જીગ રૂમ હતો. કોઈ પણ કાર્યક્રમ દરમિયાન સ્ટુડેન્ટસ ચેન્જ કરવા માટે એ રૂમનો ઉપયોગ કરતા હશે. અમારી કોલેજમાં પણ ઓડીટોરીયમમાં આવા એક રૂમની સગવડ હતી.

“મોનિકા.” તપન દરવાજા સામે પહોચી ગયો હતો પણ એ અંદર દાખલ થાય એ પહેલા જ વિવેકે તેનો હાથ પકડી તેને ખુલ્લા દરવાજાની રેન્જથી દુર ખેચી લીધો.

“તેઓ અહી છે તપન અંદર ન આવીશ.” વિવેકે તપનને બહાર ખેચી લીધો એ સાથે જ અંદરથી મોનિકાનો અવાજ સંભળાયો.

“હું અંદર આવી રહ્યો છું એને કઈ ન કરશો.” વિવેક બોલ્યો પણ એનો અવાજ તપન જેવો લાગ્યો.

હું સમજી ગયો વિવેકમાં એ કળા પણ હતી. એ કોઈ પણ વ્યક્તિનો અવાજ એક વાર સાંભળેલ હોય તો તેને આબેહુબ મીમીક કરી શકતો હતો. કદાચ તપન પણ જાણી ગયો હતો કે પોતે મોનિકાને એ જાદુગરોની ચંગુલમાંથી બચાવી શકે તેમ નથી. એ સમજી ગયો કે વિવેક એક માત્ર આશા છે હવે માત્ર વિવેક જ મોનીકાને બચાવી શકે તેમ છે માટે તપન ચુપચાપ ઉભો રહ્યો.

“કોઈ ચાલાકી નહિ. આ સ્થળ અમે ચારે તરફથી ધેરી લીધેલ છે તું બચીને નહિ જઇ શકે.” અંદરથી અવાજ આવ્યો.

વિવેકે તપન તરફ જોઈ આંખનો ઈશારો કર્યો. એ ઈશારો એક પ્રશ્ન હતો. તપન એક વાર ખુલ્લા દરવાજા સુધી ગયો હતો. તપને અંદર કેટલા માણસો છે એ જોઈ લીધું હતું. વિવેકનો એ ઈશારો અંદર કેટલા લોકો છે એ જાણવા માટે હતો.

તપને બે આંગળીઓથી ઈશારો કરી કહ્યું કે અંદર બે માણસો છે અને મારા તરફ જોયું. એનું મન શું વિચારી રહ્યું છે તે હું સમજી ગયો. વિવેક ખુલ્લા દરવાજા આગળ ગયો. શિકારીઓએ એનો ચહેરો જોયો અને તેમને અંદાજ આવ્યો કે તેમની સામે તપન નહિ પણ વિવેક છે ત્યાં સુધીમાં વિવેકના બંને હાથમાંથી તાસના પાના તેમની તરફ જવા રવાના થઇ ગયા હતા અને એ તાસના પાનાઓ સાથે હરીફાઈ લગાવી હોય એમ હું એ પાના કરતા પહેલા એ શિકારીઓ સુધી પહોચી ગયો હતો. મારી આંગળીમાં નક્ષત્ર કંડારેલ વીંટી હતી જે મને સુપર સ્પીડ આપતી હતી.

મોનિકાના ગળા પર ઘારદાર ચપ્પુ ધરીને ઉભેલા શિકારીના ગળામાં એ તાસનું પાનું ઉતરે એ પહેલા મેં એનો એ ચાકુવાળો હાથ પકડી લીધો જેથી એ હુમલા દરમિયાન જાણી જોઇને કે ધાંધલ ધમાલમાં અજાણ્યે પણ એ મોનિકાનું ગળું કાપી ન બેસે. તેનો સાથી મને જોઈ રહ્યો તો ઘડીક એ પોતાના સાથીના ગાળામાં ઉતરેલ પાના તરફ જોઈ રહ્યો.

બાજુમાં ઉભેલ શિકારીને ખયાલ પણ ન હતો કે તેણે પોતાના સાથીના ગળા તરફ ધ્યાન આપ્યું એ સમયે તેનું ગળું પણ એક તાસનું પાનું કાપી ગયું હતું.

મેં પહેલા શિકારીનો ચાકુવાળો હાથ પકડી લીધો હતો એટલે જયારે તાસનું પાનું એના ગળાને સ્પ્લીટ કરીને નીકળી ગયું એ સમયે તેનો હાથ મોનિકાના ગળાને કોઈ નુકશાન પહોચાડી ન શક્યો. હું અને વિવેક એકબીજાનું મન ન સમજી શકતા હોત તો આટલો ઝડપી પ્લાન ન બની શકે અને મોનિકાને બચાવવામાં અમે સફળ ન થાત કેમ કે એ બહુ મુશ્કેલ કામ હતું. કદાચ ભગવાને એટલે જ એક સાચા મદારી અને ઈચ્છાધારી નાગને એકબીજા સાથે માનસિક બોન્ડ કરવાની ક્ષમતા આપી હશે.

“તું કોણ છે?” મોનિકાએ સવાલ કર્યો પણ મારે જવાબ આપવાની જરૂર ન પડી. મારી પાછળ જ વિવેક અને તપન અંદર દાખલ થયા અને તપનને જોતા જ મોનિકાને તેના દરેક સવાલના જવાબો મળી ગયા.

મોનિકા તપનને ભેટી પડી. બંનેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.

“તેમણે આપણને શોધી લીધા. હવે તેઓ આપણને નહિ છોડે. હું તને ખોવા નથી માંગતી તપન.” મોનિકા ડુસકા ભરવા લાગી.

“હું પણ તારા વિના જીવી શકું તેમ નથી.” તપનના હાથ હજુ તેની પીઠ પર હતા.

“કિડ્સ.. મેં કહ્યું હતું ને આ સેન્ટી બનવાનો સમય નથી.” વિવેકે કહ્યું.

એણે જયારે તપન અને મોનિકાને કીડ કહ્યા ત્યારે મને હસવું આવ્યું કેમકે એ પોતે પણ હજુ કીડ જ હતો. એના દાઢીના વાળ પણ હજુ નહોતા આવ્યા.

“આપણે શું કરીશું?” મોનિકા હજુ ડરી રહી હતી. એનો ડર વાજબી પણ હતો એને ક્યા અમારા જેમ વાર વાર મૃત્યુ સાથે વગર અપોઈન્ટમેન્ટે મળવાની આદત હતી?

“મને ખબર નથી પણ ભાગવા સિવાય કોઈ બીજો રસ્તો નથી.” તપને કહ્યું.

“આપણે હવે નીકળવું જોઈએ.” મેં સુચન કર્યું.

“આપણે બહાર પણ સલામત નથી. આપણે ક્યાંક સલામત નથી.. એ શિકારીએ શું કહ્યું હતું? એમણે કોલેજને ઘેરી લીધી છે. આપણે ક્યાં જઈશું?” અવિનાશ પણ ગભરાતો હતો. એ માનવ હતો. એ શિકારીઓને જોઈને એણે ગભરાવું પણ જોઈએ.

“હા, પણ એમને અંદર આવતા વાર નહી લાગે જેટલું ખતરનાક બહાર જવું છે એટલું જ ખતરનાક અંદર છુપાઈ રહેવું છે.” વિવેકે આસપાસ નજર દોડાવી.

“જોખમ આપણી ચારે તરફ છે.”

“તો આપણે કઈ રીતે બહાર નીકળીશું?” મને નથી લાગતું એ શિકારીઓનું આખું ઝુંડ બહાર આપણી રાહ જોઈ રહ્યું હોય તો આપણે બચી શકીએ.” તપન પણ હવે ડરવા લાગ્યો હતો.

“લૂક કીડ.. તારે મારા પર ભરોસો કરવો પડશે.. કેમકે બીજા પણ ઘણા છે જેમને મારી મદદની જરૂર છે. મારું અહીંથી જલ્દી આગળ જવું જરૂરી છે અને તારી સાથે એ જાદુગર છે જેને વિવેક કહે છે. તને કઈ નહિ થાય..”

“અને નંબર એઈટ પણ.” અમે એને હિમ્મત આપવા માંગતા હતા.

“હા. પણ કોઈ પ્લાન?” મોનિકાએ પૂછ્યું.

“આપણે કોલેજ બહાર નીકળીશું. તપન ગમે તેમ કરી બહાર પાર્ક કરેલી યલો ટેક્ષી સુધી પહોચશે અને તમે બંને અહીંથી નીકળી જશો અમારી રાહ જોવાની જરૂર નથી.”

“કેમ?”

“કેમકે એ લોકો અમારી પાછળ નથી.” વિવેકે કહ્યું.

“પણ તું એક નાગ છે તને તો એ લોકો..” તપને મારી તરફ જોઈ કહ્યું.

“હું નંબર એઈટ છું. એ બધા નંબરને ક્રમમાં મારવા માંગે છે.. એ લોકો અત્યારે મને ટારગેટ નહિ બનાવે. તેઓ મુહૂર્તના નિયમો મુજબ એ બધું કરશે.”

“મુહૂર્તના નિયમો..” તપને પૂછ્યું, “એ નિયમો શું છે?”

“એ હું તમને પછી સમજાવીશ.. અત્યારે બસ અહીંથી બચીને નીકળી જવાનું વિચારો અને યાદ રાખજો કે ટેક્ષી મળતા જ નીકળી જજો.” વિવેકે ટેક્ષીની ચાવી તપનના હાથમાં આપી.

તપને એગ્રીમેન્ટમાં માથું હલાવ્યું. ડીસએગ્રીમેન્ટનો તો કોઈ પ્રશ્ન જ ન હતો. તપને મોનિકાનો હાથ પકડી લીધો. અમે ધીમે ડગલે બહારની તરફ જવા લાગ્યા.

અમે કોરીડોરનો ખાલી પેસેજ પસાર કર્યો અને મુખ્ય દરવાજા સુધી પહોચ્યા. મેં દરવાજો ખોલવા હાથ લંબાવ્યો. મને ડર લાગતો હતો. મારા ધબકારા વધી ગયા. મને અમારી રક્ષાની નહિ પણ તપન, મોનિકા અને અવિનાશની સુરક્ષાનો ડર હતો.

“ડોન્ટ.” વિવેકે મારો હાથ પકડી લીધો.

“શું થયું?” મેં પૂછ્યું પણ વિવેકે કાઈ જવાબ ન આપ્યો માત્ર અમને દીવાલ સાથે કવર લેવા ઈશારો કર્યો.

તપન, મોનિકા અને અવિનાશ દીવાલ સાથે કવર થઇ ગયા. હું ત્યાજ ઉભો રહ્યો. વિવેકને કમ-સે-કમ એક સાથીની તો જરૂર છે જ એમ મને લાગ્યું.

“તેઓ બહાર છે. હું એમને મહેસુસ કરી કરી શકું છું... એમના જાદુને અનુભવી શકું છું.” વિવેકે મારા કાનમાં ગણગણાટ કર્યો.

“આપણે શું કરવું જોઈએ?” મેં પણ એટલા જ ધીમેથી પૂછ્યું. અમે વિસ્પર કરી રહ્યા હોઈએ એમ બોલ્યા. જે દરવાજાની પેલી પાર સંભળાવું અશક્ય હતું. વી વેર ટોકિંગ અન્ડર અવર બ્રીથ.

“જીમમાંથી એક રસ્તો છે બહાર જવાનો.” અવિનાશે અમારો એ ગણગણાટ સાંભળી લીધો હતો. તે બોલ્યો પણ તેના અવાજમાં તેના હ્રદયના ભયાનક થડકાર મને સ્પસ્ટ સંભળાયા.

“ખરેખર તું ઉપયોગી માણસ છે.” મારાથી કહેવાઈ ગયું. મારે એનો આભાર પણ માનવો જોઈતો હતો પણ એ બધી આભારવિધિ કરવાનો ત્યારે સમય ન હતો.

“આપણે જીમમાંથી બહાર નીકળીશું પણ કદાચ જો તેઓ ત્યાં પણ હોય તો યાદ રાખશો કે તેમનાથી બચીને નીકળવાનો એક જ રસ્તો છે તેમને મારી નાખો.” વિવેકે કહ્યું.

“જીમમાં ગન મળી રહેશે. ત્યાં લોકર તેરમાં એક ગન છે ફૂલ લોડેડ..” અવિનાશે કહ્યું.

“વોટ? તું કોલેજમાં ગન લાવે છે?” તપને અવિનાશ તરફ જોઈ કહ્યું, “અવી, તું ગન લાવે છે?”

મને પણ એ છોકરો કોલેજમાં ગન લઈને આવતો હોય એવો લાગ્યો ન હતો. એ ચહેરા પરથી સીધો દેખાયો હતો.

“ના, એ જેકીની છે એ લોકર રૂમમાં ગન રાખે છે એના પોતાના નહિ પણ એક જુના બંધ લોકરમાં એ છે મને ખબર છે. મેં એને ગન તેર નંબરના લોકરમાં છુપાવતા જોયો હતો.” અવિનાશે કહ્યું.

“ધેટ્સ ધ થિંગ લાઈક મેન.” વિવેકે કહ્યું, “ગન મળી જાય તો બહુ મદદ થશે.”

“ત્યાં સુધી હું તમને લઇ જઈશ.” અવિનાશના અવાજ પરથી લાગયું કે એની હિંમતમાં પણ વધારો થઇ રહ્યો છે.

અમે ફરી પાછા લોકર રૂમ તરફ જવા લાગ્યા. મને એ કોલેજ એકદમ અમારી કોલેજ જેવી જ લાગી. જયારે અમે લોકર રૂમમાં પહોચ્યા વિવેકે લોકર રૂમમાંથી ગન નીકાળી અને તપનના હાથમાં આપી, “કીપ ઈટ.”

“અને તમે..?? તમારે એની જરૂર નથી...??”

“ના, મારી પાસે બાવન પાના છે, હજુ બે જ વપરાયા છે.” વિવેકે હસ્યો, “અને એક સ્પિનર પણ...”

“સ્પિનર...?”

“હા, એ મારું ફેવરીટ વેપન છે...” વિવેક પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા જ અમને ઓડીટોરીયમનો મેઈન દરવાજો તૂટવાનો અવાજ સંભળાયો.

“તેઓ અંદર આવી ગયા છે મતલબ તેઓ સમજી ગયા છે કે આપણે અહી છીએ. આપણે જલદી...”

વિવેક આ વખતે પણ પોતાનું વાક્ય પૂરું ન કરી શક્યો. એ સુચના આપી રહે એ પહેલા એક પડછંદ માણસને મેં લોકર રૂમ તરફ ધસી આવતો જોયો. વિવેકે ક્યારે એની તરફ તાસનું પાનું ફેક્યું એ તો મને ધ્યાનમાં ન આવ્યું પણ જયારે એ પડછંદ વ્યક્તિએ એ પાનું પોતાના હાથમાં પકડી લીધું ત્યારે મને અંદાજ આવ્યો કે અત્યાર સુધીમાં અમારો મુકાબલો જે લોકોથી થયો હતો એના કરતા આવનાર દુશ્મન વધુ શક્તિશાળી છે. વધુ ચાલક છે. વધુ ટ્રેન્ડ છે અને વધુ ખતરનાક છે.

મારો એ વિચાર પૂરો થાય એ પહેલા મેં એને બીજા હાથથી બીજું પાનું પકડી લેતા જોયો અને પછી બંને પાના અમારી તરફ આવતા જોયા પણ એ પાના અમારા સુધી પહોચ્યા નહિ એ પાના વિવેકે ફરી ફેકેલા બીજા બે પાના સાથે અથડાઈ અધ વચ્ચે જ પડી ગયા.

તપન સમજી ગયો હશે કે આવનાર તાસના પાનાથી નહિ મરે એટલે એણે ગન નીકાળી પણ બીજી જ પળે એ ડઘાઈ ગયો, “મારા હાથમાં ગનને બદલે તાસનું પાનું કઈ રીતે આવી ગયું...??” તપને ચીસ પાડી...

મેં એની તરફ જોયું. દુશ્મન જાદુગર હતો એણે એ જ રમત રમી હતી જે વિવેકે કોફી શોપમાં દુશ્મન સાથે રમી હતી.

“એ તાસનું પાનું નથી ગન જ છે ગોળી છોડ તપન...” વિવેકે ચીસ પાડી પણ બહુ મોડું થઇ ગયું હતું મેં તપનનું ગળું કાપીને નીકળી જતું એક તાસનું પાનું જોયું.

હું અને વિવેક એક સાથે તપન તરફ દોડ્યા. તપને પોતાનો હાથ પોતાના ગળા પર મુકયો એ ધીમે ધીમે જમીન પર પડવા લાગ્યો. એ બધું સ્લો મોશનમાં માત્ર ફિલ્મોમાં જ દેખાય માણસને દેખાય નહી પણ હું નાગ હતો અને વિવેક જાદુગર એટલે અમે એ જોઈ શક્યા.

મેં એક ક્ષણના અડધા ભાગમાં એને પડતા રોકી લીધો. મેં મારા અનેક લોકોને ખોયા હતા પણ એમાંના કોઈને મારી આંખો સામે મરતા જોયા ન હતા.

એ સમયે તપન મારા ખોળામાં પડ્યો. મારા કપડા એના લોહીથી ભીંજાઈ ગયા. શું કરવું મને કશું સમજાયું નહી. મેં ક્યારેય એમ કોઈને મારા ખોળામાં મરતા જોયુ ન હતું. અવિનાશ જમીન પર બેસી પડ્યો હતો. એ પણ મારી જેમ જ તપનને જોઈ રહ્યો.

મોનિકાની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી હતી તે પણ મારા બાજુમાં આવીને ગોઠવાઈ. તપન મોનિકા તરફ જોઈ રહ્યો અને દુનિયા છોડી દીધી. એ બધું એક પળમાં થઇ ગયું. અંતમાં એ કઈક બોલવા મથતો હતો પણ હવા અને લોહી એના ગળામાંથી બહાર નીકળી ગયા હોઠ ખુલ્યા નહિ.

તપનના મરતાની સાથે જ એકાએક મારા જમણા હાથમાં ખભાના ભાગ પર કોઈએ ગરમ લોખંડનો સળીયો ચાંપી દીધો હોય તેવી બળતરા થઇ. મેં મારા ડાબા હાથને મારા જમણા હાથ પર દબાવી નાખ્યો. એ દર્દ અસહ્ય હતું છતાં મારા મોમાંથી રાડ ન નીકળી કેમકે એના કરતા પણ વધુ કારમું દુ:ખ હું મારી સામે મોનિકાની આંખોમાં દેખી રહ્યો હતો. કદાચ એ નંબર ટુના મૃત્યુ પર મારા શરીર પર નાગ મંડળની બીજી આકૃતિ રચાઈ રહી હતી એની અસર હતી.

મેં વિવેક તરફ નજર કરી. એ હજુ ત્યાજ સ્તબ્ધ બની ઉભો હતો. પેલા કાતીલની આસપાસ બીજા પણ ત્રણેક માણસો આવી ગયા હતા હવે તેઓ એક નહિ ચાર હતા પણ અમને કોઈ ડર ન હતો.

એકાએક મને એક ધડાકો સંભળાયો. મારી નજર એ અવાજ તરફ ગઈ. એ અવાજ મારી નજીકમાંથી જ આવ્યો હતો.

એ મોનિકા હતી. હું એ ત્રણ લોકો તરફ જોવા રહ્યો એટલામાં તપનના હાથમાંથી ગન લઇ એણીએ પોતાની જાતને શૂટ કરી નાખી હતી.

તપનના મોતને જોઈ પથ્થર બની ગયેલ વિવેકને પણ જાણે એ ધમાકાએ ફરી જીવિત કરી નાખ્યો હોય એમ દોડી આવ્યો અને મોનિકા જમીન પર પડે એ પહેલા એને જીલી લીધી અને જયારે મોનિકા અને વિવેકના શરીર જમીન સાથે અથડાયા ત્યાં સુધીમાં મોનિકાના હાથમાંથી ગન વિવેકના હાથમાં પહોચી ગઈ હતી. એમાંથી ત્રણ ગોળીઓ પણ છૂટી ગઈ હતી અને એ નવા આવનાર ત્રણ માણસો જમીન પર ઢળી પડ્યા હતા. એ બધુ એક સ્પ્લીટ સેકન્ડમાં થઇ ગયું હતું.

વિવેકે પ્રથમ આવનાર પડછંદ વ્યક્તિને ગોળી ન મારી. એ વ્યક્તિને એણે ગોળીથી ન માર્યો જેણે અમારી આંખો સામે તપનની હત્યા કરી હતી. જેના લીધે મોનિકાએ ઈચ્છામૃત્યુ સ્વીકાર્યું હતું... કેમ..? હું વિવેકનું મન સમજી શકતો હતો, હું જાણતો હતો એણે એને કેમ ન માર્યો. કેમકે વિવેક એને પોતાના હાથથી મારવા માંગતો હતો.

વિવેકે મોનિકાને હળવેથી જમીન પર સુવાડી અને તેની આંખો બંધ કરી. એ ઉભો થયો. તપનના કાતિલ તરફ જોયું અન એણે ત્રાડ પાડી. એ અવાજમાં ક્રોધિત સિંહની દહાડ જેટલો ગુસ્સો હતો છતાં તેમાં દર્દ હતું. વિવેકનો અગણિત ગુસ્સો.. એનો ગુસ્સો અસીમ હતો. એ ત્રાડમાં એ તપનને બચાવી ન શક્યો એનો પસ્તાવો હતો. એમાં મોનિકાએ પોતાની જાતને કેમ શૂટ કરી નાખી એની વેદના હતી. લોકરનું લોખંડ ધ્રુજતું મેં અનુભવ્યું.

સામે ઉભેલ પડછંદ માણસે પણ એવી જ ભયાનક રાડ પાડી. એની ત્રાડમાં માત્ર અને માત્ર એની ક્રુરતા હતી... કોઈ ભયાનક પ્રાણી જેવી ક્રુરતા.

તેઓ એકપળ માટે એકબીજા તરફ જોઈ રહ્યા અને બીજી પળે એકબીજા સામે ધસ્યા. તેઓ વીજળી વેગે એકબીજા સાથે કુદીને અથડાયા અને જયારે તેઓ હવામાં ભેગા થયા ત્યારે લોહીનો ફુવારો છૂટ્યો હોય એમ લાગ્યું એ લોહીના છાંટા છેક મારા સુધી આવ્યા. એ લોહીના છાંટા પરથી હું જાણી ગયો કે એ ગંદુ લોહી હતું એ લોહી વિવેકનું નથી એ લોહી પેલા દુષ્ટ પડછંદ શિકારીનું છે જેણે અમારી આંખો સામે બે નિર્દોષ જીવોની હત્યા કરી હતી.

જયારે વિવેક અને એ જંગલી કાતિલ જમીન પર આવ્યા ત્યારે એ પડછંદ વ્યક્તિની ગરદન પર તેનું માથું ન હતું. એ વિવેકના હાથમાં હતું. કોઈ જ હથિયાર વિના વિવકે તેનું માથું તેની ગરદન પરથી ઉખાડી નાખ્યું હતું. છતાં એનો ગુસ્સો શાંત ન થયો હોય એમ એણે એ ધડ વિનાના માથાને જમીન પર પડવા દીધું અને બીજી જ પળે એને લાત મારી દુર ફેકી દીધું.

તે જ ગુસ્સા અને આંખમાં પાણી સાથે તેણે અમારી પાસે આવવા પગ ઉપાડ્યા. એકાએક એના રસ્તામાં એક શિકારી આવી ગયો.. કદાચ એ પડછંદ માણસની મદદ માટે ત્રણ નહી પણ ચાર વ્યક્તિઓ આવ્યા હતા.. એમાંના ત્રણ જ અમારા ધ્યાનમાં આવ્યા હશે. ચોથો વ્યક્તિ ક્યાંક આસપાસ છુપાઈને રહ્યો હતો અને અમે તપન અને મોનિકાના દુઃખમાં હતા એટલે અમે એનું હાઈડીંગ પ્લેસ નજર અંદાજ કર્યું હતું. કદાચ એ લોકર પાછળ સંતાયેલ હતો.

એ વિવેકના માર્ગમાં આવ્યો. વિવેક એક પળ માટે એને જોઈ રહ્યો.. એ શિકારી પોતાનું હથિયાર ઊંચકે એ પહેલા વિવેકના જમણા હાથની આંગળીઓ મુઠ્ઠીમાં બંધ થઇ અને એ બંધ મુઠ્ઠી શિકારીની છાતી પર અથડાઈ. હું નાગ હતો મારી આસપાસ થતા જીણામાં જીણા અવાજને પણ મહેસુસ કરી શકતો હતો. મને શિકારીની છાતીના પિંજરામાંના હાડકા તૂટવાનો અવાજ સંભળાયો. એ શિકારીને મરણ ચીસ પાડવાનો અવસર પણ ન મળ્યો.. એ કોઈ નિર્જીવ ચીજ હોય એમ જમીન પર ફસડાઈ ગયો. એના હૃદયનું રક્ષણ કરતા એના રીબકેજના હાડકા તૂટી ગયા હતા અને એ મુઠ્ઠીના ઘાની અસર છેક એના હૃદય સુધી પહોચી ગઈ હતી જે એને એક પળમાં નિર્જીવ બનાવી ગઈ હતી. પડ્યા પછી તેના મોઢામાંથી માત્ર લાલ પાણી નીકળ્યું કોઈ અવાજ ન થયો.

શિકારીએ વિવેક સામે આવવાની ભૂલ કરી હતી. એને વિવેકની શક્તિનો અને એના ગુસ્સાનો અંદાજ વિવેકે જે રીતે એ પડછંદ જંગલીનું માથું કોઈ હથિયાર વિના તેના ધડથી અલગ કરી નાખ્યું એ પરથી સમજી જવું જોઈતું હતું.

વિવેકે જમીન પર પડેલા એ શિકારી તરફ એક નજર પણ ન કરી. એ ફરી અમારી તરફ આવવા લાગ્યો. એની આંખો હજુ તામ્રવર્ણી હતી એમાંથી ગુસ્સો લોહી બનીને હમણા બહાર વહેવા લાગશે એમ મને લાગ્યું પણ જયારે એ અમારી પાસે આવ્યો તેની આંખોમાંથી ગુસ્સો અદ્રશ્ય થઇ ગયો હતો એને બદલે આંસુ ઉભરી આવ્યા.

તે નજીક આવતા જ ઘૂંટણ ભેર જમીન પર ફસડાઈ પડ્યો, “તેમણે મારી આંખ સામે એક નાગ નાગિનને મારી નાખ્યા હું એમને બચાવી ન શક્યો...” વિવેક ડુસકા ભરતો બોલ્યો.

મેં વિવેકને પહેલા ક્યારેય રડતા જોયો ન હતો... ક્યારેય નહિ... મને ક્યારેય અંદાજ પણ ન હતો કે વિવેક જેવો મજબુત માણસ આમ નાના બાળકની જેમ રડવા લાગે. પણ આખરે તો એ એક બાળક જ હતો તે માંડ સત્તર વર્ષનો હતો.

મારું ધ્યાન અવિનાશ તરફ ગયું. એ પથ્થર બની ગયો હતો એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા પણ એના ગળામાંથી અવાજ નીકળી શકતો ન હતો. એ ફાટી આંખે તપન અને મોનિકાને જોઈ રહ્યો હતો અને આંખો જાણે કોઈ શ્રાવણ માસમાં છલકાતી નદી હોય એમ વહી રહી હતી.

“અવિનાશ. તારી જાતને સંભાળ.” મેં કહ્યું. પણ એણે મારો અવાજ ન સાંભળ્યો હોય એમ એ પથ્થર બની તપન અને મોનિકાને જોઈ રહ્યો.

“અવિનાશ.” મેં ફરી કહ્યું.

મારા અવાજની કોઈ અસર ન થઈ. અવિનાશ જાણે બહેરો થઈ ગયો હતો.

“અવિનાશ...” વિવેકે તેના ખભા પકડી તેને હચમચાવી નાખ્યો ત્યારે એ હોશમાં આવ્યો.

“આ બધા માટે હું જવાબદાર છું એમના મોત માટે હું જવાબદાર છું.” અવિનાશે રડતા રડતા કહ્યું.

“તું જવાબદાર નથી.. એ કુદરતનો નિયમ છે... એ અમારા લોકોની તકદીર છે.” મેં એને શાંત કરવાનો પ્રયાસ કર્યો.

“ના, હું જવાબદાર છું.. હું.. એ લોકો રજાના દિવસે પણ મળી શકે એ માટે રજાના દિવસે પણ લાયબ્રેરી ચાલુ રખાવતો.. મારા પપ્પા કોલેજના ટ્રસ્ટી છે.. મેં.. મેં જ રજાના દિવસે લાયબ્રેરી ચાલુ રખાવી હતી. હું જ મારા બેસ્ટ ફ્રેન્ડના મૃત્યુ માટે જવાબદાર છું. હું જ છું જે એના મૃત્યુ માટે જવાબદાર છે.” અવિનાશની આંખોંમાં આંસુઓ એમને એમ વહેતા રહ્યા. તેણે એક સાથે ઉભરો ઠાલવ્યો.

“તું નથી.. હું એ માટે જવાબદાર છું.. એમણે મારી હાજરીમાં એને મારી નાખ્યો... મેં એને કહ્યું હતું કે હવેથી હું એનો ગાર્ડિયન છું.. હું એની રક્ષા કરીશ. એક રક્ષકે પહેલા મરવું જોઈએ એ પછી જ એક નાગ મરી શકે છે... હું ગાર્ડિયન બનવાને કાબીલ નથી... હું એને બચાવી ન શક્યો પણ હું એના મોતનો બદલો જરૂર લઈશ... હું તને વચન આપું છું કે એના મૃત્યુ માટે જવાબદાર દરેકને હું મારી નાખીશ. હું કોઈને નહિ છોડું.” વિવેકે દાંત ભીંસીનમે બોલ્યો તેના જડબા ભયાનક રીતે ભીંસાયા.

“એ એના મમ્મી પપ્પા અને એના ગાર્ડિયન સાથે હવે સુખી હશે. એ ફરી જનમ લેશે અને એ પણ કદાચ કોઈ સારા મુહૂર્તમાં. કોઈ એવા મુહૂર્તમાં જે મુહૂર્ત એને એનો પ્રેમ મેળવતા ન રોકે...” મેં અવિનાશના માથા પર વ્હાલથી હાથ મુક્યો.

“હું કોઈ મુહુર્તને નથી માનતો... હું એ ગુનેગારોને નહિ છોડું.. એમાંથી કોઈને નહિ.” વિવેકે કહ્યું.

“હા, બદલો મારે પણ લેવાનો છે હું પણ એમને તપનના મૃત્યુ માટે માફ નહિ કરું..”

“નહિ કપિલ તું કાઈ નહિ કરે.. એ લોકોને કોઈ કાઈ નહિ કરે.. એમને માત્ર હું જ મારીશ અને માત્ર ત્યારે જ મને સંતોષ થશે એ પહેલા મારી આંખો સામેથી તપન અને મોનિકાના ચહેરા ક્યારેય દુર નહી થાય..” વિવેક છત સામે તાકીને બોલ્યો, તેની આંખો ફરી સળગતા અંગારા જેવી થઈ ગઈ હતી.

અમે ત્રણેય એ બંને પ્રેમીઓ પાસે બેસી રડ્યા. કેવો અદભુત પ્રેમ હતો એ બંને વચ્ચે..? તપન મોનિકાને લીધા વિના કોલેજ છોડી જવા તૈયાર ન હતો.. એ એના માટે મરવા તૈયાર હતો અને મોનિકા તપન વિના જીવવા તૈયાર ન હતી એ મરવા તૈયાર હતી. અલબત મોનિકાએ તે કરી બતાવ્યું એણીએ પોતાનો જીવ આપી દીધો.

બંનેએ એકબીજા માટે જીવનું બલિદાન આપી સાચો પ્રેમ કોને કહેવાય એ અમારી આંખો સામે સાબિત કરી બતાવ્યું.. કદાચ એ મુહૂર્ત એમને સાથે જીવવાની પરવાનગી ન આપી શક્યું પણ એમને સાથે મરતા કોઈ ન રોકી શક્યું.. એ મુહૂર્ત પણ નહિ કે એ નિયતિ પણ નહિ.. એ નસીબ.. એ કુદરત કે કિસ્મત જે હોય તે એમને રોકી ન શક્યું.. હું જાણતો હતો એ ફરી જન્મ લેશે અને આવતા જન્મે પણ એકબીજાને મળશે કેમકે સાચા પ્રેમને જન્મનું બંધન નથી નડતું. એ એકબીજાને શોધી લેશે.. વરુણ અને અનન્યા જેમ કપિલ અને નયના બની ફરી મળ્યા એમ.. ભલે એકબીજાથી ગમે તેટલા દુર કેમ ન જન્મે ગમે તે અલગ નામ અલગ ચહેરા સાથે ભલે એ ફરી જન્મે તપન અને મોનિકા આવતા જન્મે એકબીજાને શોધી લેશે એની મને ખાતરી હતી કેમકે સાચા પ્રેમને જન્મોની દીવાલ રોકી નથી શકતી એ બાબત હું સારી રીતે જાણતો હતો.

“આપણે જવું પડશે.. નંબર થ્રી પણ અહી જ છે. આ જ શહેરમાં.. કદાચ એ લોકો હવે તેના માટે જશે.” એકાએક મને યાદ આવતા મેં કહ્યું.

વિવેકને પણ એ હવે યાદ આવ્યું હોય એમ એ ઝડપથી ઉભો થયો, “એને હું કઈ નહિ થવા દઉં.. એને એ લોકો કઈ નહિ કરી શકે.”

“અવિનાશ.. એમનું ધ્યાન રાખજે.” મેં તપન અને મોનિકા ચીર નિદ્રામાં સુઈ રહ્યા હતા એ તરફ જોઈ કહ્યું અને ફરી મારી આંખો નિસ્તેજ થઇ ગઈ.

“હા તમે કોઈકને બચાવો. હું એમનું બધું ધ્યાન રાખીશ.. હું મારા મિત્રની અંતિમ વિધિમાં કોઈ કચાસ નહિ આવવા દઉં.”

મેં જતા પહેલા અવિનાશના છેલ્લા શબ્દો સાંભળ્યા. તે ખુબ હતપ્રભ બની ગયો હતો પણ અમે કોલેજ બહાર નીકળ્યા કારણ અમારે જવું પડ્યું.

હું ટેક્ષીમાં ડ્રાયવર સીટ પર ગોઠવાયો. વિવેક મારા બાજુની સીટ પર બેઠો. આ વખતે ટેક્ષી મેં ચલાવી. હું ડ્રાયવર સીટ પર બેઠો કેમકે કે વિવેક એ સ્થિતિમાં વાહન ચલાવી શકે તેમ ન હતો.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky