Prem Angaar - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અંગાર - પ્રકરણ : 3

પ્રકરણ : 3

પ્રેમ અંગાર

દિવાળીની રજાઓ આવી શરદમામાનું આખું કુટુંબ માતાપિતાને અંબાજીથી લઈ રાણીવાવ આવ્યા. શરદમામા દિવાળી પહેલા માલનું વેચાણ ડીલીવરી કામ પરવારી ધનતેરશની પૂજા પતાવી આવી ગયા રાણીવાવ. માસ્તરકાકાનાં મૃત્યુ પછી બધી દિવાળી બધા રાણીવાવ કરતાં જેથી મોટી બહેનનું ઘર ભર્યું રહે ખેતી કામ જોવાય અને વ્હાલા ભાણેજ વિશ્વાસ માટે ભેટસોગાદ લવાય. મુંબઈની દોડાદોડ પછી અહીં ગામની રજાઓ અને ધરતીની સુવાસ એમને અહીં ખેચી લાવતા. અહીં ખૂબ શાંતિ અને સુખ મળતા. જાબાલી અને વિશ્વાસ પણ થોડા જ વર્ષના ફરકે લગભગ સરખા લાગતાં અને સાથે ખૂબ રમતા. સગાભાઈઓ કરતાં વિશેષ પ્રેમ લાગણી હતા.

શરદભાઈ વિશ્વાસ અને જાબાલી બન્ને માટે મુંબઈથી કપડાં બુટ પહેરવાની વસ્તુઓ તથા સૂર્યપ્રભા બહેન માટે સાડી વિગેરે અને મુંબઈથી મીઠાઈ હલવો વિગેરે લાવેલા. હવે વિશ્વાસ અને જાબાલી બન્ને પુખ્ત થવા લાગ્યા હતા એમની પસંદને ધ્યાનમાં રાખીને જ બધું લાવ્યા હતા. સૂર્યપ્રભાબહેન માટે આજે બેવડી ખુશી હતી દિવાળીનો તહેવાર અને પોતાના માતા-પિતા-ભાઈ ભાભી ભત્રીજા બધા જ સાથે હતા. આજે દેવસેવામાં પ્રભુની સેવા કરી ગુલાબ મોગરો ગલગોટો બધા જ ફુલોનો શણગાર અને ફળફળાદી સૂકો લીલો મેવો ધરાવેલો. આંગણામાં અનસુયાબહેને રંગોની રંગોળી પૂરી હતી વિશ્વાસ જાબાલીએ દરવાજે સુંદર તોરણ બાંધ્યા હતા.

ઘરનાં વિશાળ આંગણામાં આંબો કેળ,કંદબ, સીતાફળ, ચીકુ, દાડમ, જામફળ, બીલી, લીલી, મોગરા, ગુલાબ જેવા ફુલફળનાં સુંદર વૃક્ષો, બગીચામાં એક હીંચકો ઘરનાં વરન્ડામાં હીંચકો બાંધેલ હતો ઘર પાછળનાં વાડામાં ભેશ ગાય બાંધેલા હતા – સ્વચ્છ ગમાણમાં કાનજીએ ઘાસ નીરેલું હતું. સવિતા અનસુયા મીઠાઈ અને રસોઈની તૈયારીમાં હતાં. સૂર્યપ્રભાબહેન પૂજા પરવારી એમની મદદે રસોડામાં ગયા.

શરદમામા વરન્ડામાં બેઠા હીંચકે સામે પડતા રસોડામાં જોઈ બોલ્યા “બહેન હવે વિશ્વાસ મોટો થઈ ગયો છે હું વિચારું છું. “આવતા વર્ષથી હું એને મુંબઈ ભણવા લઈ જઉં જાબાલી પણ હવે કોલેજમાં આવી જશે એટલે વિશ્વાસ ને પણ મદદ કરી શકશે” ત્યાં જાબાલી વિશ્વાસ પરસાળમાં બેઠા સાંભળતા હતા. વિશ્વાસ બોલી ઉઠ્યો” મામા હું હાયર સેકન્ડરી પાસ કરી કોલેજ પણ અહીં જ કરીશ માઁ અહીં એકલા છે અહીંનું બધુ કામ એ એકલા નહીં જ કરી શકે હું આગળ એપર ચોક્કસ વિચારીશ. માઁ બોલ્યા “વિશ્વાસ મારું વિચારી તું તારી પ્રગતિના રોકીશ અહીં કાનજી સવિતા મદદમાં છે જ હું કરી શકીશ તું જવું હોય. તો જા અહીં હું રહીને કરીશ બધું જ. મામા કહે” ચલો તારું રીઝલ્ટ આવ્યા પછી નકકી કરીશું.

વિશ્વાસ અને જાબાલી ઘરે કહીને બહાર ફરવા નીકળ્યા માઁને કહ્યું અમે અમારા મિત્રોને ત્યાં જઈને આવીએ છીએ ચિંતા ના કરશો અંધારું થતા પહેલાં આવી જઈશું. આ બન્ને જણા વાતો કરતાં ટહેલતાં ગામ બહાર આવી ગયા. વિશ્વાએ જાબાલી ને કહ્યું “ચાલ ઇડર ફરીને આવીએ મારો એક ખાસ મિત્ર મતંગ એના ઘરે જઈ આવીએ” જાબાલી કહી ચાલો મારે નવી ઓળખાણ થશે. “વિશ્વાસ કહે” હા એ ગયા વર્ષથી જ મારા ક્લાસમાં આવ્યો છે મારો ખૂબ સારો મિત્ર છે.

મતંગ વિશ્વાસને જોઈ આનંદ આશ્ચર્યથી જોઈ રહેતો. “તું અહીં અચાનક રજાઓમાં?” વિશ્વાસ કહે “મારો ભાઈ છે જાબાલી, એ મુંબઈથી આવ્યો છે તને મળવાનું મન થયું અહીં આવી ગયા. મતંગ ઇડરમાં રહેતો એનાં પિતાજી પોસ્ટ માસ્ટર હતા ત્યાં બુક્સ મેગેઝીન મોટા શહેરમાંથી મંગાવી અહીં બધાને આપતા. આમેય પોસ્ટખાતાનાં કામ અંગે શહેરમાં અવારનવાર જવાનું થતું જ હતું. મતંગ ખૂબ ખુશ થઈ બોલ્યો વિશ્વાસ ચાલો આપણે બાજુમાં આવેલા મહાદેવપુરા કમ્પા જઈને આવીએ બાપુજીનું સોંપેલું કામ છે એ પણ નિપટાવતા આવીએ. એમ કહી બાપુજીનું મોટરબાઈક લીધું અને વિશ્વાસ જાબાલીને બેસવા ઇશારો કર્યો. ત્રણે જણા ત્રણ સવારી બાઇક પર જવા નીકળી ગયા. મતંગે કહ્યું આ મહાદેવપુરા કમ્પે આપણે જઈએ એ ખૂબ સરસ છે અહીં ચારેકોર લીલા ખેતરો અને વૃક્ષો નહેરની આસપાસ છે. મારા બાપુજીનાં ખાસ મિત્ર દેવદત્તકાકા છે જેમના ઘરે આપણે જવાનું છે.

ઈડરથી નીકળી એમની બાઈક મુખ્ય હાઈવે તરફ આવી ગઈ. ત્રણે મિત્રો વાત કરતા હસતા ગાતા કમ્પા તરફ જવા લાગ્યા લગભગ 3 કિમી જેવું અંતર કાપ્યા પછી બાઈક ડાબી તરફ કંપા તરફ જતા રસ્તા ઉપર વાળી લીધી. બાઈક ની ઝડપ ધીમી કરી રસ્તો હવે થોડો સીંગલ પટ્ટી અને કાચા જેવો આવવા લાગ્યો. આકંપો લગભગ 1200 એકર વિસ્તારનો છે એમાં ખેતી કામનો જ ધંધો હતો બધા જ મોટી જમીન ધરાવતા ખેડૂતો હતા એમાં મુખ્ય બ્રાહ્મણ, પટેલ, એક વાણીયા બીજા પછાત વર્ગના ઘર હતાં વર્ષો પહેલાં આ આખો વિસ્તાર દેવદત્ત કાકાનાં પૂર્વજોનાં તાબામાં હતો ઇનામમાં જમીન મળેલી હતી. ધીમે ધીમે સાચવણીનાં પ્રશ્નેપેઢી દરપેઢી જમીન ઓછી થતી ગઈ. કાળક્રમે પટેલ કચ્છથી આવેલા એમાં વસતા ગયા થોડીક જમીન એક વકીલે લીધી આમ હવે દેવદત્તકાકા પાસે 120 વીઘા જેવી જમીન બચી હતી. એ પણ એમનાં ભાગીયા મજૂરો સાથે રહી ખેતી કરતાં અને સાચવતાં અડધી જમીનમાં લીંબુ, ચીકું, આંબા, શેરડી વિગેરે ફળ પાકો લેવામાં વાપરી હતી 4 વીઘા જમીનમાં આયુર્વેદીક છોડવા લાવી રોપ્યા હતા અને 3 વીઘામાં ખૂબ સુંદર આશ્રમ જેવું ઘર બનાવ્યું એમાં લાઈબ્રેરી દવાખાનું બધાનો સમાવેશ થતો હતો. દેવદત્ત કાકાની પ્રતિભા જ કંઈક અલગ હતી તેઓ એક મજબૂત ખડતલ શરીર વિશાળ ભાલ નમભરી આકર્ષક આંખો લાંબાકેશ–દાઢી રાખતાં જન્મે કર્મે ધર્મે બ્રાહ્મણ હતા એમનાં ભાલ પર અનોખું તે જ ચમકતું. કમ્પા તથા આસપાસનાં લોક એમને માન પ્રેમથી“કાકુથ”કહી બોલાવતા પરશુરામ જેવી પ્રતિભાએ એમની સામે માથું નમાવવા વિવશ જ કરતાં. દેવદત્ત નરભેરમ ત્રિવેદી એક મોટું નામ આખા કમ્પામાં હતું. પોતાની 120 વીધાની જમીનમાં વિશાળ ઘર હતું. તેમના પત્નિ વસંતિ બેન( વસુમા) સાથે રહેતા હતાં. એમનો એકનો એક દિકરો પ્રભાકર અને પત્નિ નિશા (પુત્રવધુ) એક માર્ગ અકસ્માતમાં એક નાનકડી 10 વર્ષની બાળકીને પાંચ વરસ પહેલાં મૂકીને ગૂજરી ગયા હતા. એ ગોઝારો દિવસ અને આજનો દિવસ. દેવદત્ત કાકા એ એમની દોહીત્રી આસ્થાને કાળજાનાં ટુકડાની જેમ ઉછેરી હતી. આજકાલ એ 14 વરસની થઈ ગઈ હતી. વ્યવસાયે ખેડૂત હતા પરંતુ આયુર્વેદનાં તથા વેદપુરાણ ઉપનિષદનાં અભ્યાસું જાણકાર વિદ્વાન હતા.પોતાના મકાનમાં એક ભાગ આખો જુદા જુદા વિષયો ઉપરથી એક સમૃધ્ધ પુસ્તકાલય બનાવ્યું હતું એમાં વેદ, પુરાણ, ઉપનિષદ-પ્રાચીનગ્રંથો, કૃષિને લગતાં પુસ્તકો હતાં. સાથે આજના સમયને ધ્યાનમાં રાખી નવા પ્રકાશિત પુસ્તકો, મેગેઝીન, પાક્ષીક, સાપ્તાહીક મંગાવતા હતા મતંગનાં પિતાજી પાસે પોસ્ટમાં મંગાવતા ઘણી ઇત્તર પ્રવૃત્તિઓ કરાવતા. ગામનાં કમ્પાનાં આસપાસનાં છોકરાઓ પુસ્તક વાંચવા લઈ જતા. કમ્પા અને આસપાસનાં લોકો કાકુથને હરતી ફરતી વિદ્યાશાળા જ માનતા.

મતંગની મોટર બાઈક ધીમે ધીમે કમ્પા તરફ આગળ વધી રહી હતી. એક માર્ગીય રસ્તો છે સાંકડો છે. બન્ને બાજુ હરિયાળાં લીલા ખેતરો છે. કાકુથનું ઘરવાડી નજીક આવી રહ્યું છે. મતંગે કહ્યું “હવે આપણે નજીક આવી રહ્યાં છે.” વિશ્વાસ કહે મને ઉતાર તું અને જાબાલી બાઈક પર જઈ પહોંચો. મારે ચાલતા જોતા જોતાં કુદરત માણતાં આવવું છે. વિશ્વાસને ખૂબ ગમી રહ્યું છે કંઇક અનેરો દિલમાં આનંદ આવી રહ્યો છે. ના સમજાય એવી લાગણીઓનાં તોફાન હદયમાં ઉમટી રહ્યા છે. બાઈકથી ઉતરી એ કેનાલમાં કિનારાનાં રસ્તેથી કાકુથની વાડી તરફ આગળ વધવા લાગ્યો. બન્ને બાજુએ વિશાળ વૃક્ષોની પંગત જોઈને વિશ્વાસ મનોમન વંદી રહ્યો જાણે ઋષિમુનીઓ સાક્ષાત ઊભા છે કેનાલમાં પાણી ખૂબ ઝડપે વહીં રહ્યું છે એ જોતો જોતો ખૂબ આનંદથી આગળ વધી રહ્યો. પક્ષીઓનાં કલરવ અને કોયલ મોરનાં ટહુકા સંભળાઈ રહ્યા હતા. જાણે કુદરતનાં બધા પારેવડાં એને વધાવી રહ્યા છે એ કુદરતની સુંદરતા માણતો હાથમાં ઘાસની સળીને રમાડતો આગળ વધી રહ્યો.

આગળ એની નજર પાણીનાં હવાસીયા ઉપર પડી જેનાથી ખેતરમાં પાણી પિયત માટે આપી શકાય એની પાછળ પૂળાનો મોટો ઢગ હતો ત્યાં બે ત્રણ છોકરી ઓ હમણાંજ યૌવનને ઊંબરે પહોંચી છે એવી દોડા દોડ કરી રહી હતી. એમાંથી એકની બૂમ પડી સાપસાપ... અને બધી જ ગભરાઈને દોડા દોડ કરવા લાગી. એમાંથી એક છોકરી ખૂબ ઝડપથી પાછળ જોતી જોતી વિશ્વાસની નજીક આવીને એકદમ અથડાઈ. વિશ્વાસ કંઇ સમજે કે વિચારેએ પહેલાં જ એ પણ જમીન ઉપર પડી ગયો. અને એ છોકરી એના ઉપર જ. વિશ્વાસે એકદમ જ એના હાથ ફેલાવી એને સંભાળી ઝીલી લીધી. બન્નેના શ્વાસ જાણે એક સરખી ગતિએ પરોવાયા. છોકરી એકદમ શરમાઈને ઊભી થઈ ગઈ બોલી.. “સોરી સાપ જોઈને કંઈ ભાનના રહ્યું અને દોડવા લાગી અને અથડાઈ પડાયું એણેપોતાનાં કપડા સરખાં કર્યાં ખંખેર્યા સ્વસ્થ થઈ. વિશ્વાસ પણ ઊભો થયો અને બોલ્યો“ તમે અહીં કેવી રીતે આવ્યા? કોણ છો?” વિશ્વાસે મતંગની વાત કરી પોતાનું આવવાનું કારણ કહ્યું. પેલી છોકરીએ પછી પોતાનો પરીચય આપ્યો. મારું નામ આસ્થા છે. હું અહીં જ રહું છું આ અમારી જ ખેતરવાડી છે અમે બહેનપણી ઓ અહીં રમી રહી હતી અને અચાનક પૂળાનાં ઢગની નીચેથી નાગ નાગણનું જોડું અચાનક જ આવી ગયું અમે ખૂબ ગભરાઈ ગયા. પરંતુ એ લોકો સામે ખેતરમાંચાલી ગયા. મારા બાપુએ સમજાવ્યું છે આપણા ખેતરમાં આ એક દૈવી નાગ નાગણની જોડીછે એ ક્યારેય કરડી નુકશાન નહીં જ પહોંચાડે. વિશ્વાસે કહ્યું તમારું નામ આસ્થા.. મારું વિશ્વાસ. જોગાનું જોગ છે નામ ભલે જુદા પરંતુ અર્થ તો એક સમાન જછે. આસ્થા શરમથી નીચું જોઈ ગઈ.

પ્રકરણ 3 સમાપ્ત………