Prem Angaar - 9 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અંગાર - પ્રકરણ : 9

પ્રકરણ : 9

પ્રેમ અંગાર

“મૂરત એક સુંદર ઘણી વસી ગઈ મારાં હદય મહીં.

ના શૃંગાર કોઈ કુદરતે કરી એનાં પર કૃપા ઘણી.

રૂપને મળ્યો પવિત્ર જીવ થયો જાણે સૂર સંગમ ઘણો

અંબાર સમાયા રૂપનાં અનેક રૂપ રંગમાં ઘણાં...

જોયા કરું અપલક નયને ભીનેવાન મરોડદાર રૂપ...

જીવ જીગરથી પૂજૂ સૂરતને સમાવી અંતરમનમાં.

નશ્વર શરીરનાં રૂપ અતે માટીમાં જઈ જ ભળે.

કરું પ્રેમ સ્વીકાર જીવથી જીવ મળી થાય એકરાર.

માંહે નથી કોઈ જો થાય ભંગ છે સાચો જ એ પ્રેમ.

ના વાસના નથી કોઈ અપેક્ષા બસ પ્રેમમાં રહુ રત.

અંતર આત્મા મળ્યા ના રહે જીવ કદી અળગા હવે.

“દિલ” થી દિલને થયો હવે અનોખો અનેરો પ્રેમસંગમ.”

અંગિરાએ પૂછેલો પ્રશ્ન યાદ આવી ગયો “તમને કેવી વ્યક્તિ પસંદ આવે. આપેલો જવાબ પણ યાદ છે – પહેલી જ નજરે જે મન જીગરમાં સ્થાન લે એવી... બસ આસ્થા... ખબર નહીં હું એના વિચારોમાં રત પણ એ મને પસંદ કરે છે ? કઈ નજરે જુવે છે ? હું એકબાજુ ગળાડૂબ પ્રેમમાં જાણે અને એ.. મને આ શું થઈ ગયું છે ? જાબાલી જ્યારે ઇશ્વાને ચુંબન કરી રહ્યો હતો ત્યારે એ પણ ક્યાંક વિચારોમાં ખોવાઈ ગયેલો અને જાબાલીની જગ્યાએ પોતાનું સ્થાન અને હાથમાં જાણે આસ્થા... એ ફરીથી એ ચિત્ર યાદ કરી આસ્થાનાં વિચારોમાં ખોવાઈ ગયો. ફરી ક્યારે એવી મુલાકાત થશે એ વિચારોમાં સરકી ગયો... ક્યારે નિદ્રાં આવી ગઈ કંઈ ખબર જ ના પડી.

આજે રાણીવાવ ચંદ્રકાંત માસ્તરનાં ઘરમાં ખૂબ જ આનંદ અને ખુશીનો માહોલ હતો. સૂર્યપ્રભાબહેનની આંખમાં ખુશીનાં આંસુ વહી રહ્યા હતા. પોતાનાં એકનાં એક દિકરાને પોતાની છાતીએ વળગાવી એ માથે ચૂમતા ધરાતા નહોતાં આજ સુધી કોઇએ એમને આટલા ખુશ જોયા નથી. માસ્તરનાં ગયા પછી આ ઘરમાં ક્યારેય આવો આનંદ છવાયો નહોતો. સૂર્યપ્રભાબહેન સાથે આખું ગામ આનંદના હિલોળે ચઢ્યુ છે. માસ્તરનું ખોરડું માણસોથી વધાઈ આપવા માટે ઉભરાઈ રહ્યું છે. કાનજી અને સવિતા પણ ખૂબ જ ખુશ છે કોઈનો આનંદ સમાતો નથી કાનજી કંદોઈને ત્યાંથી મીઠાઈનું છાબડું ભરીને લઈ આવ્યો છે બધાનાં મોં મીઠાં કરાવી રહ્યો છે. આજે વિશ્વાસ પણ ખૂબ જ ખુશખુશાલ છે. આજે હાયરસેકન્ડરી બોર્ડની બારમાની એક્ઝામમાં એ જીલ્લામાં પ્રથમ, બોર્ડમાં ત્રીજો. ગામ શહેર સ્કૂલ બધે જ પ્રથમ ક્રેમ આવીને ગૌરવ વધાર્યું છે. વિશ્વાસ સ્કૂલે પહોંચ્યો તરત જ શાળાનાં આચાર્યએ બોલાવી શાબાશી આપી અને પોતે સ્વહસ્તે માર્કશીટ અને સર્ટીફીકેટ આપ્યું સ્કૂલ તરફથી પારિતોષિક પણ મળ્યું એણે બધાનાં આશિષ લઈ પ્રથમ ઘરે આવ્યો. માતાનાં ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા માઁ એ તો એને છાતીએ જ વળગાવ્યો આંખમાંથી હર્ષાશ્રુ નીકળી ગયા.

એ બહાર ફળીયામાં આવેલા ગામનાં વડીલો અને પોતાના મિત્રોનો આભાર માન્યો અને બાજુમાં આવેલી પોસ્ટ ઓફીસમાં જઈ અંબાજી અને મુંબઈ, નાની નાના, મામા, મામી અને બધાને સમાચાર આપ્યા. બધાને ખૂબ આનંદ થયો. નાના નાની કહે અમે માઁ નો પ્રસાદ લઈને આવવા જ નીકળીએ છીએ. મામા-મામીએ પણ કહ્યું અને તરતની જ ટ્રેઈનમાં આવવા નીકળીએ છીએ અને ખૂબ અભિનંદન આપ્યા.

એ દોડીને પાછળ વાડી ખેતરમાં આવીને આભ તરફ હાથ કરીને ઉભો રહીને ખૂબ ખુશ થયો બોલ્યો “તમારા આશીર્વાદથી જ આજે મારું સારું પરિણામ આવ્યું છે. હું ખૂબ જ ખુશ છું મારા માથે સદાય હાથ રાખજો. તમે જ મારા ગુણ ઇશ્વર છો અને આંખમાંતી આનંદનાં આંસુ વહી રહ્યા.”

બપોર સુધીમાં નાના-નાની આવી ગયા. બધા ખૂબ જ ખુશ હતા અને ખૂબ આશીર્વાદ આપ્યા માઁ નો પ્રસાદ ખવરાવ્યો. જટાકાકા અને ઉમાકાકી ખૂબ ખુશ હતા એમની ખુશી સમાઈ એ સમાતી નહોતી. વિશ્વાસનો ખાસ મિત્ર મતંગ પણ ખૂબ જ ખુશ હતો એ પણ ફર્સ્ટક્લાસમાં પાસ થયો હતો.

શરદમામા મામી જાબાલી બધા જ આવેલા વિશ્વાસને અભિનંદન આપવા. શરદમામા તો મળી વિશ્વાસને ભેટી પડીને ઊંચકી જ લીધો. ચંદ્રવદનભાઈ કહે કે અમારા જટાશંકરનાં કુટુંબમાં કોઈ આવું ભણ્યું નથી આવો અવ્વલ કોઈ આવ્યો નથી. બન્ને કુટુંબનું નામ રોશન કર્યું. અમે ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ. જાબાલીએ પણ વિશ્વાસને ઊંચકી લીધો. બધા ખૂબ ખુશ હતા. જાબાલીએ પછી વિશ્વાસને લેટેસ્ટ મોબાઈ ખૂબ સારી કંપનીનો ભેટ આપ્યો. વિશ્વાસ ખૂબ આનંદ થયો. શરદમામાએ ભાણાને રોકડા દસ હજારનું કવર આપ્યું કહ્યું આ પણ ઘણું ઓછું છે. સૂર્યપ્રભાબહેન કહે ભાઈ આટલું બધું ના હોય. શરદભાઈ કહે ના મારો એકનો એક ભાણો છે આ પણ ઓછું જ આપતો. અનસૂયાબહેન કહે મોટી બહેન અમી ભરી નજરે જોઈ રહેતા.

વિશ્વાસ મામા મામીને પગે લાગ્યો. પછી જાબાલીએ પોતાનાં ફોનથી ઇશ્વાને ફોન લગાડ્યો અને વિશ્વાસને વાત કરવા આપી. ઇશ્વાએ કહ્યું ખૂબ આનંદ થયો તમે તો ખૂબ વટ પાડી દીધો કહી અંગિરાને ફોન આપ્યો. અંગિરાએ કહ્યું “તમે તો છૂપા રૂસ્તમ નીકળ્યા તમને ઓળખવા સાચે જ અઘરા છે એની વે હાર્ટલી કોન્ગ્રેચ્યુલેશન કીપ ઇટ અપ.” ખૂબ જ આનંદ થયો. હેવ એ ગ્રેટ ફ્યુચર કહીને મનહરભાઈને ફોન આપ્યો. એમણે પણ અભિનંદન અને આશીર્વાદ આપ્યા. આમ આખો દિવસ અભિનંદનની વર્ષા જ થતી રહી.

બીજા દિવસે વિશ્વાસ જાબાલીને લઈને નીકળ્યો પહેલાં એની સ્કૂલનાં આચાર્યને મળ્યો. આગળ ભણવા અંગે ચર્ચા કરી આચાર્યે કર્યું આટલું તારું સારું પરિણામ છે અહીં હિંમતનગરની કોલેજમાં તારું એડમીશન ખૂબ સરળતાથી થઈ જશે સાથે તમે સ્કોલરશીપ પણ મળશે. જો તારે અમદાવાદ જવું હોય તો પણ ખૂબ સરળ છે બસ હમણાં એક નવી પ્રાઈવેટ કોલેજ પણ ખૂબ સરસ છે જેમાં એડમીશન માટે હું વાત કરી શકું એમાં પણ તારી કેરીયર સરસ થઈ શકે. તુ વિચારી જો પછી શાંતિથી મને મળ આપણે એ અંગે ફાઈનલ કરી શકીએ. વિશ્વાસે આભાર માન્યો અને જાબાલીને લઈને સીધો મહાદેવપુરા કમ્પા જવા નીકળી ગયો. જાબાલીને કહ્યું ઘરે કાકુથનાં આશીર્વાદ લેવા છે.

કમ્પામાં પ્રેવેશ કર્યો ત્યાર્થી જ વિશ્વાસમાં એક અનોખી લાગણીએ સલવળાટ કર્યો. કાકુથ વરન્ડામાં જ બેઠા બેઠા છાપુ વાંચતા હતા. વિશ્વાસ એમની પાસે જઈને એમનાં ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. પોતાનું રીઝલ્ટ જણાવ્યું કાકુથે એને હાથથી પકડી ઉભો કર્યો અને છાતીએ વળગાવી આશીર્વાદ આપ્યા અને બોલ્યા “વિશ્વાસ ખૂબ સુખી થાવ યશસ્વી થાવ. ખૂબ ભણો નામ આગળ કરો. મા-બાપનું નામ ઉજાળો. તમારું પરિણામ ક્યારનું અમને જાણ થઈ ગઈ છે. આસ્થાએ ક્યારનું મને જણાવી દીધું છે. આખા મલકમાં નામ ઉજાળ્યું ખૂબ જ આનંદ થયો. એટલામાં આસ્થા અંદરથી દોડી આવી અને એકદમ ઉભી રહી વિશ્વાસની નજર સાથે નજર મળી. એણે હાથ લંબાવી અને કહ્યું “કોન્ગ્રેચ્યુલેશન મી. ટોપર” ખૂબ આનંદ થયો. મને ક્યારની જાણ થઈ ગઈ છે મતંગભાઈનો ફોન ક્યારનો આવી ગયો. એ પણ ફર્સ્ટક્લાસ પાસ થયા છે મારું પણ રીઝલ્ટ આવી ગયું છે ફર્સ્ટક્લાસ છે. વિશ્વાસે ખૂબ આનંદ સાથે સામે કોન્ગ્રેચ્યુલેશન કહ્યું.

કાકુથે પૂછ્યું “આગળ શું ભણવાનું નક્કી કર્યું છે ? ક્યાં એડમીશન લેવાનાં ? ” વિશ્વાસ કહે “કાકુથ હું અહીં હિંમતનગર કોલેજમાં જ એડમીશન લેવાનો”. આચાર્યશ્રી સાથે ચર્ચા કરી મેં મારે આગળ આઈ ટી અને એસ્ટ્રોનોમીનું આગળ ભણવું છે. મામાનો ખૂબ આગ્રહ છે મુંબઈ એમની સાથે જઈ ત્યાં રહી ભણવા અંગે પરંતુ અહીં બધું કામ અને માઁ ને એકલા નથી મૂકવા હું અહીં રહીને જ ભણીશ પછી આગળ ભણવા અંગે બહાર જવા વિચારીશ હાલ તો અહીં જ છું ભણવા સાથે સાથે મારે આપની પાસેથી પણ શાસ્ત્રોક્ત જ્ઞાન લેવું છે બધો જ લ્હાવો શા માટે ગુમાવું ? અહીં કોલેજ સારી જ છે. જરૂર પડે આગળ વિચારીશ અને સાથે સાથે મારે આગળ જે લાઈન લેવી છે તેવી કંપનીમાં પાર્ટટાઈમ જોબ કરવી છે અનુભવ લેવો છે. કાકુથ કહે “અરે ભાઈ ! તમે તો ખૂબ વિચારી લીધું છે હજી તો રીઝલ્ટ આવ્યું છે. પણ તમે વિચાર્યું છે એ ખૂબ સારું છે. ઇશ્વર ખૂબ સફળતા આપશે જ. વિશ્વાસે ફરી આશીર્વાદ લીધા. કાકુથ કહે જાવ વાડી મંદિરમાં જઈ આશીર્વાદ લઈ આવો વસુમાને મળી લો. વિશ્વાસે આસ્થા સાથે ઘરમાં જઈ વસુમાનાં આશીર્વાદ લીધા.

એકદમ પાછો આવી કાકુથને ખીસામાંથી મામાએ આપેલો મોબાઈલ બતાવ્યો કહ્યું લેટેસ્ટ મોડલનો મોબાઇલ છે આજે મારા પરિણામ અંગે મામાની ભેટ છે. કાકુથ ખુશ થયા કહે હા જમાના સાથે ચાલવામાં કોઇ ખોટું નથી હું આસ્થા માટે પણ લાવા વિચારી રહ્યો છું એ એકલી ટ્યુશન વિગેરે જાય એના સંપર્કમાં રહેવાય.

કાકુથે ઉમેરતાં કહ્યું “વિશ્વાસ એક વાત ખાસ યાદ રાખજો કે સાધન સગવડ માટે જરૂર છે પણ સાધનનું સાધ્ય સાધ્યા પછી સાધક એનો ગુલામ ના થવો જોઈએ. સાધન સાધન જ રહે અને હસતા હસતા કહે “આસ્થા જાવ તમે મંદિર દર્શન કરવા વાડીમાં લઈ જાવ અને વિશ્વાસ આસ્થાને જતા જોઈ રહ્યા. મનમાં વિચારવા લાગ્યા. આ બ્રાહ્મણનો છોકરો ફક્ત બે જ મુલાકાતમાં આટલો બધો સ્નેહીજન અને પોતીકો જ લાગવા લાગ્યો જાણે વર્ષોથી ઓળખું છું અને વિચારમાં સરકી ગયા...

આસ્થા વિશ્વાસ એમની વાડીમાં આવેલા ઉમા-શિવ-અર્ધનારીશ્વર સ્વરૂપનાં અને શેષ નારાયણનાં મંદિર દર્શન કરવા આવ્યા. વિશ્વાસએ આંખો બંધ કરી પ્રાર્થના કરી આશીર્વાદ લીધા અહીં સ્થળ પર કંઈક અજબ શાંતિ હતી અને એને ખૂબ પસંદ આવી રહ્યું હતું. માઁ બાબાના સ્વરૂપને જોઈ એનું શીષ નમી ગયું. પછી આસ્થાને પોતાનો મોબાઈલ બતાવ્યો એનાં ફીચર્સ સમજાવ્યા અને પોતાનો નંબર એ મોકલી આપશે આજે ફોન પર કહ્યુ અને તું તારો મોબાઈલ પણ લઈ આવજે... આસ્થા કહે “દાદુએ મંગાવી લીધો છે મતંગભાઈનાં પિતાજી પાસે સાંજે ફોન-સીમ આવી જશે ચાલુ થાય તરત જ તમને ફોન કરીશ અને વિશ્વાસની સામે જ જોઈ રહી વિશ્વાસ એની આંખોમાં જોઈ રહ્યો અને અમી જ પી રહ્યો. એ લોકો પાછા આવ્યા અને વસુમાઁએ હાક પાડી વિશ્વાસ અને આસ્થા એમની પાસે ગયા વસુમાઁ એ કંસાર રાંધી દીધેલો બન્નેને કંસાર ખવરાવ્યો.

વિશ્વાસે આસ્થાને કહ્યું એ ચોક્કસ ફોન કરશે સાંજ સુધીમાં અને આસ્થાને કહ્યું “હું જઊં ઘરે માઁ રાહ જોતા હશે. કહી કાકુથને પગે લાગી ફરીથી શાંતિથી આવશે કહી રજા લીધી.”

પ્રકરણ : 9 સમાપ્ત વિશ્વાશની પ્રગતિ શું રંગ લાવશે ?.