varas books and stories free download online pdf in Gujarati

વારસ

“મેઘા, જો તો મારી દીકરી કેટલી સરસ લાગે છે ટ્રોફી લેતાં ! ” સાકેત હાથમાં મેગેઝીન લઈ રસોડામાં મેઘના પાસે આવ્યો. મેઘના ના ચહેરા પર પણ ખુશી આવી ગઈ તે દુપટ્ટાથી હાથ લૂછતી લૂછતી સાકેત પાસે આવી. ખરેખર ! માહી ખૂબ સુન્દર દેખાતી હતી..

“જોયું ? તને બહુ દુઃખ હતું ને દીકરી આવ્યાનું. જો તારી દીકરી કેવું નામ કરી રહી છે.. રાઈફલ શુટીંગ.. ઘોડેસવારી.. ને એવા પુરુષોનો અધિકાર વાળા ક્ષેત્રોમાં તે ટ્રોફીઓ લાવે છે.. ને તને દીકરો જોઇતો હતો.. મને ગર્વ છે મારી દીકરી પર.” અભિમાન તો મેઘનાને પણ હતું પોતાની દીકરી માહી પર. પણ એ જાણતી હતી કે દીકરાની રીતે દીકરી નો ઉછેર કરવાથી એ દીકરી દીકરો નથી થવાની. મોબાઈલ ફોનની રીંગ વાગી ને સાકેત જાણે ઉછળ્યો..

“મા....હી...” એણે ફોન સ્પીકર પર મુકી દીધો.

“કેમ છે બેટા ? ક્યારે આવે છે ?”

“તમે કહો તો હમણાં જ..”

“ના, ના બેટા ઘણા સમય પછી તું ફરવા ગઈ છે ને ફરી ને જ આવ. પહેલાં તો દર વર્ષે જતા હતાં આપણે. પણ આ મારી તબિયત..” પછી ના શબ્દો સાકેત ખાઈ ગયો.. નકામી માહી દુઃખી થાય.

“આ તો તારી મમ્મી તને બહુ મીસ કરતી હતી..” મેઘનાએ સાકેત સામે ડોળા કાઢ્યા ને બોલવા ગઈ પણ સાકેતે પોતાના હાથ વડે એનું મોં બન્ધ કરી દીધું. સામેથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો..

“પપ્પા.. હું નાનપણ થી જ તમને જાણું છું. જ્યારે તમે મને વધુ મીસ કરતા હો ત્યારે મમ્મી નું નામ લઈ લો છો..” મેઘના પણ હસી પડી ને સાકેત સામે આંખો નચાવી કે જોયું તારી દીકરી જાણે છે તને..

“હા બેટા, તું મને સારી રીતે ઓળખી ગઈ છે. આ તો ‘વુમન’ માં તારા વિશે લેખ આવ્યો છે તે તારી મમ્મીને બતાવતો હતો. કવરપેજ પર ટ્રોફી લેતો તારો ફોટો સરસ આવ્યો છે..”

“એમ ? એ ઇંટર્વ્યુ આવી પણ ગયો ? હજુ દસ દિવસ પહેલાં જ તો લીધો હતો.”

“હા બેટા. તું આવે ત્યારે જોજે.”

“ઓકે, પપ્પા, હું રાતે શાંતિથી નેટ પર વાત કરીશ. મને પણ તમારી યાદ આવી.....” બાકીના શબ્દો એના ગળામાં અટકી ગયા.

“ઓકે બેટા, એંજોય.” પોતાનો ભીનો સ્વર માહી ઓળખી ના જાય એટલે સાકેતે તરત જ ફોન કટ કરી દીધો.

સાકેત અને મેઘનાની એકની એક દીકરી હતી માહી. પહેલા ખોળે દીકરો ના આવ્યાનું મેઘનાને દુઃખ હતું. પણ સાકેત ખૂશ હતો. તેણે પોતાની દીકરીને દીકરાની જેમ જ ઉછેરી હતી. અભ્યાસ પૂરો કર્યા પછી પપ્પા સાથે બીઝનેસ કરતી હતી ને રજાને દિવસે મમ્મીને રસોડામાં મદદ. છતાં કેટલીક વાર મેઘનાને અસંતોષ થતો. માહી બીજી છોકરીઓની જેમ નથી રહેતી. ગમે તેટલું છોકરાની જેમ છોકરીને ઉછેરો પણ આખરે તો એણે આ ઘર છોડવું જ પડશે ને. મેઘનાની આ વાત નો જવાબ સાકેત ઘરજમાઈ લાવીશ એમ કહીને આપતો. અત્યારે તે તેના કોલેજના ગ્રુપ સાથે ઓસ્ટ્રેલિયા ફરવા ગઈ હતી. ત્યાંથી આવી રહી હતી.

ડીંગ..ડોંગ.. ડીંગ..ડોંગ.. ડીંગ..ડોંગ.. એક સરખો ડોરબેલ વાગ્યો ને મેઘના સમજી ગઈ તોફાન આવ્યું. ઘણી વાર મેઘના માહીને તોફાન કહેતી. દરવાજો ખોલતા સાચેજ સામે તોફાન હતું. માહી મેઘનાને ભેટી પડી. સામાન લઈ અંદર આવતાં જ,

“પપ્પા ક્યાં છે મમ્મી ?” મેઘના માહીને ધ્યાનથી જોઇ રહી હતી. એણે સ્લીવલેસ સ્કીનટાઈટ ટીશર્ટ અને શોર્ટ પહેર્યું હતું.

“મમ્મી.. તારું ધ્યાન ક્યાં છે ? પપ્પા ક્યાં છે?”

“માહી આ શું ?” મેઘનાએ એના વસ્ત્રો તરફ હાથ કરીને પૂછ્યું.

“માહી...” માહીનો અવાજ સાંભળી સાકેત રૂમની બહાર આવ્યો.

“પપ્પા....” મમ્મીની વાત સાંભળી ન સાંભળી કરીને માહી પપ્પા તરફ દોડીને વળગી પડી.

મેઘનાએ હવે કંઈ પણ બોલવાનું માંડી વાળ્યું કારણકે તે જાણતી હતી કે હવે તેની વાતનું કંઈ જ ઉપજવાનું નથી. બાપદીકરી વાતે વળગ્યા. ક્યાં સાંજ પડી ગઈ ખબર જ ન પડી રાતે જમીને માહીએ ટીવી સાથે કેમેરા જોડ્યો અને પોતાના ફોટા બતાવવા લાગી.. એ ફોટા જોઈ મેઘના તો દંગ જ રહી ગઈ. છોકરા-છોકરી બધા સાથે હતા. અને ફિલ્મી સ્ટાઈલમાં પડાવેલા હતા.

“માહી, તારી સાથે છોકરાઓ પણ આવેલા ?”

“મમ્મી, પપ્પાએ મને ગર્લ્સ કોલેજમાં નથી ભણાવી.” બાપ-દીકરીએ એકબીજાને હસતા હસતા તાળી આપી. મેઘના કંઈ ન બોલી. માહીને સાકેતનો સાથ હતો. માહી ખુશી ખુશી જે તે જગ્યાના વર્ણન સાથે ફોટા બતાવી રહી હતી. એમાં છોકરાઓ સાથે વળગીને પડાવેલા ફોટા પણ હતા. મેઘના ચિંતાથી એ ફોટા જોઇ રહી હતી.

“અરે માહી ! આ ધારાનું મોં કેમ ચડેલું છે ?” એક ફોટામાં માહીની પ્રિય સખી ધારાને જોઇ સાકેતે પુછ્યું. માહી ઉશ્કેરાઈ ગઈ.

“પપ્પા આ પુરુષો પોતાની જાતને શું સમજતા હોય છે તે સમજાતું નથી. એને સતી સીતા જોઇએ અને પોતે કૃષ્ણ બનીને ગોપીઓ સાથે રાસલીલા કરે. અમારી સાથે ધારાનો મંગેતર પણ આવેલો. એણે તો જાણે ધારાને કેદમાં રાખવાની જ વાત કરી. આની સાથે નહી બોલવાનુ, આ કેમ તને અડ્યો ? પેલો તારી સામે કેમ ટીકીટીકીને જોતો હતો ? મેં તો ધારાને સારું એવું ભાષણ આપી સમજાવી કે તારું પોતાનું કોઇ અસ્તિત્વ.... એટલે બેનબા મોં ચડાવીને ફરતા હતા. મેં તો એને કહી જ દીધું પુરુષ રાસલીલા કરે તો સ્ત્રીને એ હક કેમ નહીં ?.” આ વાત કરતાં કરતાં માહી ગંભીર થઈ સ્લાઈડ બદલતી રહી. માહીના વિચારો જાણી મેઘનાની ચિંતામાં ઓર વધારો થયો.

“અરે ! આ બ્યુટીફુલ લેડી કોણ છે ?”

“સ્ટીવની મધર.” માહીએ પોતાની ધૂનમાં જ જવાબ આપ્યો.

“અહિ લાવવી હતી ને એને આ જોને ! તારી મમ્મી કેટલી બુઢ્ઢી લાગે છે !” સાકેતે માહીને મૂડમાં લાવવા કહ્યું. માહીએ સાકેત સામે જોયું. એ મંદ મંદ હસી રહ્યો હતો.

“નારે એમને શું કામ લાવું ? એના કરતા જુલિયાના ફાધરને ના લાવું ? એકદમ હેંડસમ અને ફીટ છે.” માહીએ મમ્મીને વળગીને કહ્યું. ને પછી ત્રણે હસી પડ્યાં.

“બસ આમ જ હસતી રહે દીકરા. તું ગંભીર સારી નથી લાગતી.” સાકેતે માહીને માથે હાથ ફેરવતા કહ્યું.

“બેટા, મારે એક વાત કરવી છે તારી સાથે.” એક રાતે પોતાના ખોળામાં સૂતા સૂતા ચોપડી વાંચતી માહીને મેઘનાએ કહ્યું.

“બોલને.” માહીએ ચોપડીમાંથી નજર ખસેડ્યા વિનાજ કહ્યું.

“એમ નહીં. અગત્યની વાત છે. ચોપડી મુકી દે.” ચોપડીમાં બુકમાર્ક મુકી માહી એ મેઘના સામે નજર કરી. બેટા તું બહુ સફળ થઈ. અમને ગર્વ છે તારી પર. પણ લગ્નની ઉમ્મર વીતી જશે તો પછી તને યોગ્ય છોકરો નહીં મળે.” માહી પોતાની માતા નું એક નવું જ રૂપ જોઇ રહી હતી. મમ્મી કદી કોઇ સલાહ આપતી નહીં એ તો ફરિયાદ કરતી પપ્પાને. માહી તો આંખોમાં આંખો રાખી માતાની વાતો સાંભળી રહી હતી.

“હવે તું લગ્ન કરી લે દીકરા. તારા ગ્રુપમાં કોઇ છોકરો તને પસંદ હોય તો એમ કહે. અમે તારા લગ્ન કરાવી આપીશું. અમારી આંખ મીંચાઈ જાય તો પછી ચિંતા નહી.”

“ મમ્મી મારે લગ્ન નથી કરવા. આ બાબતમાં આપણે કેટલી બધી વાર વાત કરી છે ને. પછી આજે ફરી નવી રીતે એ જ વાત.. મારે તમને છોડીને જવું નથી. દીકરો હોત તો તમે એને આમ કહેતે ? ”

“પણ બેટા....” પણ માહી ના માની અને મેઘનાના ખોળામાંથી માથું હટાવી ઉંધી ફરીને સૂઈ ગઈ. મેઘના બોલતી રહી અને માહી એને હાલરડું સમજી ઉંઘી ગઈ. થોડીવાર રહીને મેઘના પોતાનાં રૂમમાં જતી રહી. સાકેત એની રાહ જોતા કોઇ પુસ્તક વાંચી રહ્યો હતો. રૂમમાં આવી મેઘનાએ સાકેતના હાથમાંથી પુસ્તક ખેંચી લીધું. સાકેત સમજી ગયો કે મેઘનાને કોઇ વાત કરવી છે. એ બેઠો થઈ મેઘનાની સામે બેઠો અને મેઘનાની આંખોમાં જોયું.

“સાકેત, હવે માહીની ઉમ્મર લગ્ન ક...”

“મને ખબર છે એના લગ્નની તને ચિંતા થાય છે, પણ મને નથી થતી એમ માનીશ નહીં. હું માહી સાથે વાત કરીશ તું ચિંતા કર્યા વિના સૂઈ જા.” એમ કહી સાકેતે મેઘનાને સુવાડી અને પોતે પણ લાઈટ બન્ધ કરી સૂઈ ગયો. પણ મેઘનાની આંખોમાં ઉંઘ નહોતી. એ ખાલી પડી રહી. સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર મેઘનાએ પોતાના સગાસંબંઘીઓ અને મિત્રોના બાળકોનાં લગ્નની વાત શરુ કરી. પોતે માહી સાથે વાત કરવાનું કહ્યું હોવા છતાં મેઘનાએ વાત કાઢી તો સાકેતે પણ તેને સાથ આપ્યો. માહીએ ચૂપચાપ નાસ્તો કર્યો.

“મમ્મી, આ નાટક રહેવા દો. કેટલી વાર કહ્યું મારે લગ્ન નથી કરવા એટલે નથી કરવા. મને પુરુષોનું આધિપત્ય નથી ફાવતું કે મને કોઇ બંધન પણ નથી ગમતું.”

“પણ બેટા અમારી આટલી સંપત્તિ....”

“અને હા, જો તમે સંપત્તિના વારસ માટે જ લગ્ન કરાવવા માંગતા હો તો તે પણ શક્ય નથી કારણ કે મેં ઓપરેશન કરાવી લીધું છે.” મેઘનાને પૂરું બોલવા દીધા વિના જ બોલી માહી ત્યાંથી નીકળી ગઈ.