VISHAD YOG - CHAPTER - 36 books and stories free download online pdf in Gujarati

વિષાદ યોગ - પ્રકરણ - 36

વિલી ભાવનગરથી સુર્યગઢના રસ્તા પર કાર ચલાવી રહ્યો હતો. તે હવે ખુબજ અકળાઇ ગયો હતો. તેને બે દિવસમાં દસ્તાવેજનું કામ પતાવી પાછું ગાંધીનગર જતું રહેવુ હતું પણ આજે એક અઠવાડીયું થઇ ગયું હતું, છતાં તેનું કામ પત્યું નહોતું. તેનો વકીલ આમતો ખુબ હોશિયાર હતો એટલે તેને ચિંતા નહોતી પણ આ અનાથાશ્રમની જમીનના કાગળમાં જ પ્રોબ્લેમ હતો ઘણા કાગળીયા ખોવાઇ ગયા હતા. તે બધાજ કાગળ જુદી જુદી ઓફિસમાંથી કઢાવવા પડ્યા હતા. એમ એલ એ કૃપાલસિંહની આ વિસ્તારમાં સારી એવી ધાક હતી. તે આજ વિસ્તારમાંથી ચુટાઈ આવેલો હતો તેથી અહીં તેના ઘણા બધા માણસો હતા. કૃપાલસિંહના એક ફોન પર અહીં બધા કામ થઇ જતા હતા. બધીજ ઓફીસમાં કૃપાલસિંહના નામે કામ ફટાફટ થઇ ગયા હતા પણ એક બે કાગળની પ્રોસેસજ ખુબ લાંબી હતી એટલે વિલીએ ના છુટકે અહી અઠવાડીયું કાઢવું પડ્યું હતું. વિલીનું કામ આમતો આવુજ હતુ કે તે ઘણા દિવસો આ રીતે રખડતો પણ આ વખતે એક તો તેની પાસે ગાડીની આખી ડિક્કી ભરાઇ તેટલી કેસ હતી અને બીજું હવે તેને તેના પરિવારની યાદ આવતી હતી. ખાસતો તેને તેના દિકરાને મળવાનું મન થયું હતું. તેનો દિકરો ફોન પર તેની સાથે વાત કરતો ત્યારે તેને એમજ થતું કે ચાલ આ બધું છોડી તેની પાસે જતો રહું. આમ પણ માણસ જ્યારે અમુક સ્ટેજ પર પહોંચે છે ત્યારે તેને તેના કર્મોનો બોજ લાગવા માંડે છે અને એમા જો તેના કર્મો કોઇ ખરાબ હોય તો તો એક પ્રકારનો ડર અને ગ્લાની અનુભવાઇ છે કે આ કર્મોનો હિસાબ થશે ત્યારે શું થશે? ગમે તેવો નાસ્તિક માણસ પણ અંદરથી તો એક ગેબી શક્તિનો સ્વિકાર કરતોજ હોઇ છે કે કોઇ શક્તિ છે જે દુનિયાનું સંચાલન કરે છે. ગમે તેવો નાસ્તિક માણસ પણ જ્યારે દુઃખ આવે છે ત્યારે ભગવાનમાં માનતો થઇ જાય છે. માણસને હંમેશા એક એવું આશ્વાશન જોઇતું હોઇ છે કે કોઇક શક્તિ છે જે તેને મદદ કરશે અને આ શક્તિને જ આપણે ભગવાન કહીએ છીએ. વિલીની હાલત પણ અત્યારે તેવી જ હતી પણ તેને આ શક્તિનો ડર લાગતો હતો. તેને એ ડર હતો કે મારા બધાજ કર્મનો બદલો જો મારા પરિવારને ભોગવવો પડશે તો શું થશે? આ વિચાર તેને રાત દિવસ ચેનથી જીવવા દેતો નહોતો. વિલી હવે બે દિવસમાં આ કામ પતાવીને અહીંથી નિકળી જવા માંગતો હતો પણ તેને નહોતી ખબર કે તે વિસ્તારમાં જઇ રહ્યો છે. તેની આસપાસ અત્યારે એવી ઘટનાઓની હારમાળા રચાઇ રહી છે કે જેનો એક છેડો તેના સુધી પહોંચે છે. વિલીને નહોતી ખબર કે તેને જે ડર છે તે ટુંક સમયમાંજ સાચો પડવાનો છે. કુદરતે તેના અને કૃપાલસિંહના કર્મોના હિસાબનો ચોપડો ખોલી સરવાળા બાદબાકી કરવાની શરુઆત કરી દીધી છે અને ટુંક સમયમાંજ તેના કર્મોનો હિસાબ તે તેની સામે રાખી દેશે. વિલીને અહીંથી જેમ બને તેમ જલદી નિકળવું હતું પણ કુદરત તેને અહીંથી એમ જવા દેવા માંગતી નહોતી. કુદરત પણ જાણે ત્રાજવુ લઇને બેઠો હોય તેમ એકએક વસ્તુ જોખી જોખીને મુકતો હતો. જ્યાંથી વિલીએ પોતાના ગુનાની શરુઆત કરી હતી તેજ જગ્યાએ તેનો હિસાબ પણ કરવાનું કુદરતે જાણે નક્કી કર્યું હોય તેમ બધીજ ઘટના એવી રીતે ગુંથાઇ ગઇ હતી. હવે આગળ શું થશે? તે કુદરત સિવાય કોઇ કહી શકે તેમ નહોતું.

--------------#######-------------------##########----------------#######---------------

વિરમ કલાક પછી અનાથાશ્રમનાં વળાંક આગળ પહોંચ્યો ત્યારે ત્યાં કોઇ નહોતું એટલે તેણે તેની બાઇકને સેન્ટર સ્ટેન્ડ પર ગોઠવી અને બાઇક પર બેઠો. વિરમ હજુ પાચેક મિનિટ બેઠો હશે ત્યાં જ એક બાઇક તેની પાસે આવીને ઊભું રહ્યું. તે બાઇક પર એક યુવાન બેઠો હતો. તેણે બાઇક વિરમ પાસે પાર્ક કર્યુ અને નિચે ઉતર્યો. વિરમ પાસે તે યુવાને આવીને કહ્યું “તમેજ વિરમ છો?” આ સાંભળી વિરમે પહેલા તો તે યુવાનને ઉપરથી નીચે સુધી જોયો અને પછી બોલ્યો “હા હુંજ વિરમ છું. બોલો શું કામ હતું?” આ સાંભળી પેલા યુવાને તેની બેગમાંથી એક બોકસ કાઢી વિરમને આપતા કહ્યું “લો આ બોક્સ તમારે રાખવાનું છે.” બોક્સ જોઇ વિરમે કહ્યું “ શું છે આ બોક્સમાં? અને મારે તેનું શું કરવાનું છે?” આ સાંભળી પેલા યુવાને કહ્યું “એ મને નથી ખબર. મને તો માત્ર આ બોક્સ તમારા સુધી પહોંચાડવાનીજ સુચના મળી છે. બાકી મને કંઇ ખબર નથી.” વિરમ હજુ કંઇ કહેવા જતો હતો ત્યાં તેના મોબાઇલની રીંગ વાગી. વિરમે ફોન ઉંચક્યો એટલે સામેથી તેજ માણસ બોલી રહ્યો હતો જેણે વિરમને અહીં આવવાનું કહ્યું હતું.

“વિરમ, તે માણસ પાસેથી બોક્સ લઇલે. બીજી સુચના હું તને પછી આપીશ. તે માણસને બોક્સ પહોંચાડવા સિવાયની કંઇ ખબર નથી એટલે તે તને કંઇ જણાવી શકશે નહીં.” આટલું બોલી ફોન કટ થઇ ગયો. ફોન મુકી વિરમ આજુબાજુ જોવા લાગ્યો પણ કોઇ ક્યાંય દેખાયું નહીં. વિરમને નવાઇ લાગીકે “તેને કેમ ખબર પડી કે હું તેને બોક્સ વિશે પુછું છું? પછી જાતેજ બોલ્યો હવે એમા શું નવાઇ છે? બોક્સ જોઇને આ પ્રશ્નતો હું પુછીશજ એવું કોઇ પણ કહી શકે. હું તેને ખોટો બહું મોટો માણસ માની રહ્યો છું. તે હજુ વિચારતો હતો ત્યાં પેલા યુવાને કહ્યું “ઓકે હું જઉં છું.” એમ કહી તે યુવાન બાઇક લઇ ત્યાંથી નીકળી ગયો. વિરમ પણ થોડીવાર ઊભો રહ્યો અને પછી ત્યાંથી ઘર તરફ જવા નિકળી ગયો. રસ્તામાં તેણે વિચાર કર્યો કે આ બોક્સને ઘરે લઇ જવું કે પછી પેલા ખેતરના સિક્રેટ રુમમાં લઇ જવું પણ પછી તેણે વિચાર્યુકે ના ત્યાં નથી જવું કદાચ તેનો કોઇ માણસ પીછો કરતો હોય તો તે સિક્રેટ રુમનું સિક્રેટ ખુલી જાય. આ માણસથી પીછો છોડાવવા ક્યારેક સિક્રેટ હાઉસનો ઉપયોગ કરી શકાય એટલે ત્યાં તો જવુંજ નથી. આમ વિચારતો વિરમ ઘરે પહોંચ્યો અને બોક્સ કબાટમાં મુક્યું ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી. વિરમે મોબાઇલ લઇ જોયું તેજ માણસનો ફોન હતો. વિરમે ફોન ઉંચક્યો એ સાથેજ સામેથી કહેવાયું “વિરમ, તે બોક્સ ત્યાં તારા ઘરમાં નથી રાખવાનું અને હમણા તે ખોલવાનું પણ નથી. અને હવે હું તને કહું છું તે ધ્યાનથી સાંભળ” ત્યાર પછી જે સામેથી કહેવાયું તે સાંભળી વિરમના હાથમાંથી મોબાઇલ પડતો પડતો રહી ગયો અને તેનાથી માત્ર એટલું જ બોલાયું કે “તમે કોણ છો? અને મારા વિશે તમે આ બધું કેમ જાણો છો?” આ સાંભળી સામેનો માણસ હસી પડ્યો અને બોલ્યો “મે તને કહેલુંને વિરમ, કે હું કોણ છું? તે તને સમય આવ્યે સામેથીજ કહી દઇશ. અને હું તારા વિશે બધુંજ જાણું છું કેમકે હું કોઇ પણ માણસને કામ સોંપતા પહેલા તેની ખાસીયત અને તેની દુઃખતી નસ પણ જાણી લઉં છું. જેથી મારી સાથે કોઇ દગો ક્યારેય ન કરે.” આ સાંભળતાજ વિરમને સમજાઇ ગયું કે આ કોઇ સામાન્ય માણસ નથી અને હવે તેનાથી છુટવાનો એકજ રસ્તો છે કે તે જે કહે છે તે પ્રમાણે કરવું. વિરમની હાલત હવે સેન્ડવિચ જેવી થઇ ગઇ હતી જેમાં તેની એક બાજું કૃપાલસિંહ જેવો કસાઇ હતો અને બીજી બાજુ આ ચબરાક અને ખુંખાર માણસ હતો. હવે તેને નક્કી કરવાનું હતું કે તેને કોનો સાથ આપવો છે. વિરમે ઘણીવાર વિચારીને નક્કી કર્યુ કે ગમે તે થાય કૃપાલસિંહનો સાથ તો નહીંજ આપું. આ માણસનો સાથ આપીને જો કૃપાલસિંહને બરબાદ કરવાનો મોકો મળતો હોય તો ભલે તેને થોડું નુકશાન થાય પણ તે આ માણસનોજ સાથ આપશે. ત્યારબાદ તે ઊભો થયો અને બોક્સ લઇને ઘરની બહાર નિકળ્યો. પ્રશાંત કામતે વિરમને કરેલો ફોન ક્ટ કરી મનમાંજ બોલ્યો “દોસ્ત તને ખબર નથી કે મારા આખા પ્લાનમાં તારી કેટલી અગત્યતા છે?” અને પછી જોરથી હસી પડ્યો.

------------#######-----------------###########-----------------########------------------

નિશીથ, કશિશ, સમીર નૈના અને રોમેશ બધાજ કારમાં બેઠા હતા અને કાર પાલીતાણા-જેશર હાઇવે પર દોડી રહી હતી. બધાજ ચુપચાપ પોતપોતાના વિચારોમાં ખોવાયેલા હતા. રાત્રે જ્યારે રોમેશ અને સમીર પાલીતાણા પહોચ્યા ત્યારે જમવાનો સમય થઇ ગયો હતો. આમતો તે બંને વહેલા પહોંચી જાત પણ તે લોકો નિશીથે જે વસ્તુઓનું લીસ્ટ મોકલ્યું હતું તે લેવા માટે ભાવનગર રોકાયા તેમા થોડું મોડું થઇ ગયું. રોમેશની કારમાંજ તે બંને આવ્યા હતા. તે પહોંચીને ફ્રેસ થયા એટલે બધા નિચે જમવા ગયાં. જમતાં જમતાં રોમેશે કહ્યું “ અમે વિરમને ફોન કરી આજે નહીં મળાઇ એવું કહ્યું તો તેણે કોઇ જાતના વિરોધ વિના સ્વિકારી લીધું. મને લાગે છે કે તે કોઇ ચાલ રમી રહ્યો છે. તેના પર ધ્યાન રાખવું પડશે.”

“ તો તમારે મને ત્યારેજ કહેવું હતું ને, આપણે તેની પાછળ કોઇક માણસ મુકી દેત.”નિશીથે કહ્યું.

“એ તો મે મુકીજ દીધો છે પણ તે માણસ પહોંચ્યો ત્યારે વિરમ કોઇ બોક્સ લઇ તેના ઘરેથી ખેતર તરફ જતો હતો.” રોમેશે કહ્યું.

“ઓકે, તમારા માણસને કહેજો તેના પર પુરતી વોચ રાખે તે આપણને ડબલ ક્રોસ કરતો હોય તેવું પણ બને?” નિશીથે પોતાની શંકા વ્યક્તા કરતાં કહ્યું.

નિશીથને પહેલા તો તેના સ્વપ્નના રહસ્યનો ઉકેલ મેળવવામાંજ રસ હતો. પણ તે અહીં આવ્યો પછી જે પ્રમાણે એક પછી એક રહસ્ય તેની સામે ખુલતું ગયું તેને લીધે હવે તેને આ આખા મામલામાં રસ પડ્યો હતો. અને તેને લીધેજ તે આખા મામલાના દરેક વ્યક્તિની હિલચાલ પર નજર રાખી રહ્યો હતો. પણ નિશીથને ત્યારે નહોતી ખબર કે એક વ્યક્તિ છે જે તેના પર પણ નજર રાખી રહ્યો છે. કોલેજનો યુવાનીયો અહીં આવીને એક ધીર ગંભીર વ્યક્તિ બની ગયો હતો. બધાએ જમી લીધા પછી નિશીથનાં રુમમાં જઇ બેઠાં એટલે પહેલા તો નિશીથે સમીર અને રોમેશને તે લોકોએ પાલીતાણાથી શોધખોળની શરુઆત કરી ત્યાંથી લઇને પેલા સાઇનબોર્ડ મળ્યું ત્યાં સુધીની બધી વાત કરી અને પછી લેપટોપ ચાલુ કરી પેલી બંને ઇમેજ બતાવીને કહ્યું “જુઓ આ સાઇન બોર્ડમાં જે અર્ધ ત્રિશુળ છે. તેમાં ઉપર અણીવાળા ભાગ પર નાનો સ્વસ્તિક છે.” અને પછી બીજી ઇમેજને ઝુમ કરીને બતાવતાં કહ્યું “આ ફોટો મારા હાથ પર રહેલ ટેટુનો છે. તેમાં જુઓ અર્ધત્રિશુળનાં અણીવાળાભાગ પર નાનો સ્વસ્તિક દોરેલો છે.” આ બતાવી તે સમીર અને રોમેશના પ્રતિભાવ જોવા રોકાયો.

“હા, યાર આતો બંને એક જ હોય તેવું લાગે છે.” સમીરે એક્સાઇટેડ થતાં કહ્યું.

ત્યારબાદ નિશીથે સુરસિંહના નક્શાનાં કાગળ ને બેડ પર મુકી. નકશામાં અર્ધત્રિશુલ તેણે બોલપેનથી દોરેલું હતું તે બતાવતા કહ્યું “ જો આમા મે ત્રિશુલ દોર્યુ તો તે એક્ઝેટ આ સાઇનબોર્ડ જેવુંજ ચિત્ર બની જાય છે.”

“હા, તારી વાત સાચી છે. આ સાઇનબોર્ડ ચોક્કશ ખજાના માટેનો કોઇ સંકેત છે. તે ત્યાં આજુબાજુમાં બીજું કંઇ જોયું?” રોમેશે પણ સંમંત થતાં પુછ્યું.

“ત્યાં નજીકમાંથી એક નાનકડી કેડી જેવો રસ્તો નીચે તરફ જાય છે. બીજું તો કંઇ ત્યાં જોયું નથી.” નિશીથે કહ્યું.

“ઓકે તો તો હવે ત્યાં જઇનેજ તપાસ કરવી પડશે. કાલે વહેલી સવારે નિકળી જવું પડશે. રોમેશ હજુ કંઇક કહેવા જતો હતો પણ તે પહેલા નિશીથે લેપટોપમાં ત્રિશુળનાં ચિત્રને ઝુમ કર્યુ અને પછી જે નિશીથે કહ્યું “તે સાંભળતાજ બધા ખુશ થઇ ગયા અને રોમેશે નિશીથની પીઠ થબથબાવતા કહ્યું “અરે વાહ યાર તું તો બાકી જોરદાર છો. આ બધુ જે અમને ના દેખાયું એ તે શોધી કાઢ્યું.”

તે લોકો આમજ વિચાર કરતા હતા ત્યાં કદમ્બગીરી આવી જતા નિશીથે કારને ડાબી બાજુ વળાંકવાળી અને ડુંગર તરફના રસ્તા પર જવા દીધી. નિશીથે કારને આગલે દિવસે પાર્ક કરી હતી ત્યાંજ પાર્ક કરી અને બધા નિચે ઉતર્યા. સમીર જે સામાન લાવ્યો હતો તે અને બીજો સામાન બે ત્રણ બેગમાં હતો. તે ત્રણેય બેગ નિશીથ સમીર અને રોમેશે લીધી અને બીજી હળવી નાસ્તા અને પાણીની બેગ હતી તે નૈના અને કશિશે લીધી. તે લોકો આગળ વધ્યા પણ આગળ વધતા પહેલા નિશીથને વિચાર આવ્યો કે ત્યાં શોધખોળ કરતાં પહેલાં અહીંના કોઇ માણસ પાસેથી કોઇક માહિતી મેળવવી જોઇએ. નિશીથે આજુબાજુ નજર દોડાવી તો ત્યાં કોઇ નજરે ન ચડ્યું. નિશીથે થોડીવાર વિચાર કર્યો અને પછી તેણે બધાને ત્યાંજ ઉભા રહેવાનું કહી તે કારમાં બેઠો અને કાર આવ્યો હતો તે રસ્તા પર પાછી જવા દીધી. થોડા આગળ ચાલતા એક વળાંક આવ્યો ત્યાં ત્યાં ગઇકાલની જેમજ એક જીપ પડી હતી. તેની પાસે જઇ નિશીથે કાર ઉભી રાખી તો ગઇકાલે હતો હતો તેજ યુવાન જિપમાંથી બહાર નિકળ્યો અને નિશીથને જોઇ બોલ્યો “અરે સાહેબ તમે? આમ કંઇ બાજુથી આવો છો? “ નિશીથે તેના પ્રશ્નનો જવાબ ન આપતાં સીધુજ પુછ્યું. “અમારે અહી થોડું સંશોધન કરવાનું છે. તમે કોઇ અહીંના માણસને જાણો છો? જે આ ડુંગર વિશે બધીજ માહિતી જાણતા હોઇ.” આ સાંભળી પેલો યુવાન થોડીવાર વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો “આમ તો એવું કોઇ છે નહીં પણ, અહીં આગળ એક કેશવ મહારાજનું ઘર છે. જે અત્યારે માતાજીના પુજારી છે. તેના બાપુજી ગંગાશંકરબાપા પણ તેની પહેલા ઘણા વર્ષો પુજારી રહી ચુક્યા છે. તેને મળો તો કદાચ તમને કોઇક માહિતી મળશે.” આ સાંભળી નિશીથને થોડી આશા જાગી એટલે તેણે પુછ્યું “આ કેશવ મહારાજના ઘરે ક્યાંથી જવાશે?” આ સાંભળી પેલા યુવાને કહ્યું “ અરે તે તો આ રસ્તાથી જશો એટલે ડાબી બાજુ જે પેલોજ ડેલો આવે તે તેનું ઘર.” આ સાંભળી નિશીથે કહ્યું “તમારુ નામ કહો એટલે અમારે ત્યાં કહેવા થાય કે તમે જ અમને અહીં મોકલ્યાં છે.” અરે મારુ નામ આમતો ઘનશ્યામ છે પણ તે નામે ગામમાં મને કોઇ ઓળખશે નહી તમે કહેજો કે ભિખ્લાએ અમને મોકલ્યા છે એટલે બધા ઓળખી જશે.” ત્યારબાદ નિશીથે તેનો આભાર માન્યો અને કારને પાછી તેના મિત્રો જ્યાં ઊભા હતા ત્યાં જવા દીધી. ત્યાં જઇ તેણે બધાને વાત કરી અને આ ગંગાશંકરબાપાને મળવાની વાત કરી તો રોમેશે કહ્યું “આપણે આટલા બધા એક સાથે જઇએ તોતો ગમે તેને શક પડી શકે. એક કામ કર તું અને કશિશ જાવ. છોકરી સાથે હોય તો સામેવાળાને ઝડપથી વિશ્વાસ બેસશે.” બધાને આ વાત યોગ્ય લાગી.

“એક કામ કરીએ અહીં ઊભા રહેવા કરતા આપણે પેલા દેરાશર પર પહોંચી આ બંનેની રાહ જોઇશું.” નૈનાએ બધાને સુચન કર્યુ.

“હા, એજ બરાબર રહેશે તમે લોકો ત્યાં પહોંચો અમે આ બાપાને મળીને આવીએ છીએ.” એમ કહી નિશીથે કારનું લોક ખોલ્યું અને બંને કારમાં બેઠા. નિશીથે યુ-ટર્ન લઇ કારને ફરીથી ગામ બાજું જવા દીધી. નિશીથ કાર દેખાતી બંધ થઇ એ સાથેજ પેલા ત્રણેય પગથિયાં ચઢવાં લાગ્યાં. નિશીથ અને કશિશને ત્યાં જતી વખતે ખબર નહોતી કે તેની સામે એક સનસનીખેજ અને ક્રુર સત્ય મોઢું ફાળીને ઉભું છે. એક એવું સત્યકે જે સાંભળી તે બંને ધ્રુજી જવાના છે.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌----------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------********--------------------**********------------------*********-------------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM