The Ooty... - 7 books and stories free download online pdf in Gujarati

ધ ઊટી... - 7


7.

અખિલેશ ખુબ જ ખુશ હતો, કારણ કે તેને ડિજિટેક સોફ્ટવેર કંપનીમાં જોબ તો મળી પણ સાથો - સાથ તેના બાળપણનો બેસ્ટ ફ્રેન્ડ દીક્ષિત પણ હવે તેને મળી ગયો હતો.

અખિલેશ ખૂબ હોંશિયાર, ઉત્સાહી, મહેનતુ અને વિનમ્ર હતો, અને ડીજટેક સોફ્ટવેર કંપનીમાં તેને આપવામાં આવેલી કામગીરી તે ખુબ જ રસ અને ઉત્સાહ સાથે કરવાં લાગ્યો. ધીમે- ધીમે દિવસો, અઠવાડિયા અને મહિનાઓ વીતવા લાગ્યાં, જ્યારે આ બાજુ અખિલેશ સૌ કોઈનો માનીતો થઈ ગયો.

એકદિવસ અખિલેશ જ્યારે પોતાની ચેમ્બરમાં કામ કરી રહયો હતો, એવામાં એનો ફોન રણક્યો, મોબાઈલ ફોનની ડિસ્પ્લેમાં નજર કરી, તો તેમાં લખેલ હતું...દીક્ષિત., આ જોઈ અખિલેશે કોલ રીસીવ કર્યો.

"હેલો…!"

"હેલો ! અખિલેશ…! મારે તારૂ થોડુંક કામ છે, મારી ઓફિસમાં આવ…!" - થોડાક ભારે અવાજમાં દીક્ષિત શાહ બોલ્યા.

"હા ! હું પાંચ જ મિનિટમાં પહોંચ્યો….!" - આટલું બોલી અખિલેશે, કોલ ડિસ્કનેક્ટ કરીને પોતાનો મોબાઈલ ખિસ્સામાં મુક્યો, અને દીક્ષિતની ઓફીસ તરફ ચાલવા લાગ્યો.


શાં માટે દીક્ષિતે એકાએક આવી રીતે કોલ કર્યો હશે..? શું મારી કોઈ ફરિયાદ કરી હશે કોઈએ..? શું દીક્ષિતને કોઈ મુશ્કેલીઓ આવી પડી હશે….? એવું તો દીક્ષિતને મારૂ શું કામ હશે જે મને તે ફોન પર ના જણાવી શકયો હશે...? શું મારાથી કોઈ ભૂલ થઈ હશે… ?" - આવા અનેક પ્રશ્નો અખિલેશનાં મનમાં રમી રહ્યાં હતાં.

થોડીવારમાં અખિલેશ દીક્ષિતની ચેમ્બર સુધી પહોંચી ગયો, ચેમ્બરની બહારની તરફ લગાવેલ કાચમાંથી અખિલેશની નજર દીક્ષિત પર પડી, દીક્ષિતને જોતા એવું લાગી રહ્યું હતું, કે જાણે ચિંતાઓએ દીક્ષિતને ચારે બાજુએથી ઘેરી લીધો હોય, દીક્ષિત થોડોક નર્વસ લાગી રહ્યો હતો, તેનો એક હાથ વારંવાર કપાળના ભાગે ફરી રહ્યો હતો, જે સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ જ્યારે ચિંતાતુર હોય ત્યારે થતું જ હોય છે, ટેબલ પર બે - ત્રણ મોટી- મોટી ફાઈલો પડેલ હતી.
અખિલેશ ચેમ્બરનો દરવાજો નોક કરીને દીક્ષિતની ચેમ્બરમાં પ્રવેશે છે, અખિલેશને આવતો જોઈ દીક્ષિતનાં કપાળ પર રહેલી ચિંતાઓની લકીરો થોડી ઓછી થઈ, અને તેના ચહેરા પર હળવું એવું સ્મિત આવ્યું..

"હા ! દીક્ષિત ! બોલ…!" - અખિલેશ થોડાક ગભરાયેલા અવાજે બોલ્યો.

"અખિલેશ ! તું મારો કર્મચારી પછી છો, પરંતુ એ પહેલાં તું મારો બેસ્ટ ફ્રેન્ડ છો….!" - દીક્ષિતે પોતાનો ખિસ્સામાં રહેલ હાથ માથા પર ફેરવતા બોલ્યો.

"હા ! બરાબર છે….પણ તે મને અત્યારે તાત્કાલિક શાં માટે બોલાવ્યો…?"

"જો ! અખિલેશ મને તારી આવડત અને કાબેલિયત પર પૂરેપૂરો વિશ્વાસ છે, હાલ હું જો આખી કંપનીમાંથી કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરી શકતો હોઉં તો એ તું છે….તું એક જ મને મદદ કરી શકે એમ છો….!"

"દીક્ષિત ! મને આખી વિગત વ્યવસ્થિત અને પૂરેપૂરી જણાવ….!"

"જો ! અખિલેશ...હાલ માર્ચ મહિનો ચાલે છે, એટલે આપણી કંપનીમાં રહેલા દરેક કર્મચારી પર થોડોક વર્ક લોડ વધારે છે, અને આ જ મહિનામાં આપણી કંપની દ્વારા ડેવલપ કરવામાં આવેલ સોફ્ટવેર "મેગા- ઈ" પણ માર્ચ મહિના જ લોન્ચ કરવાનો છે, અને આ “મેગા-ઈ" સોફ્ટવેર લોન્ચિંગ પ્રોગામ પણ નક્કી થઈ ગયો છે…!"

"ઓહ ! ધેટ્સ ગ્રેટ…!" - અખિલેશ દીક્ષિત સાથે હાથ મેળવતા બોલ્યો.

"પરંતુ….!"

"પરંતુ….પરંતુ શું દીક્ષિત…?"

"હું ! આ લોન્ચિંગ ઇવેન્ટમાં હાજરી આપી શકુ તેમ નથી….!"

"કેમ…?" - અખિલેશે આશ્ચર્ય સાથે પૂછ્યું.

"કારણ કે આ લોન્ચિંગ ઇવેન્ટનો સંપુર્ણ પ્રોગ્રામ દસ દિવસનો છે, એટલે કે 8 માર્ચથી 18 માર્ચ સુધી, જેમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડિઝાઈનિંગ, રી-ડિઝાઇનિંગ, સોફ્ટવેર પ્રમોશન, સોફ્ટવેર સિક્યુરિટી, એડવર્ટાઇઝિંગ, માર્કેટીંગ, વગેરે મુદ્દા પર સેમિનાર પણ સાથે જ રાખેલ છે..અને બરાબર એ જ દસ દિવસ દરમ્યાન મારી પુત્રી આર્યાની બોર્ડની પરીક્ષા આવે છે...માટે હું નહીં જઈ શકુ એમ…..!" - દીક્ષિત થોડા ચિંતિત અવાજમાં બોલ્યો.

"તો...હવે શું કરીશું….એનું કંઈ વિચાર્યું છે…?"

"હા ! માટે મારી એવી ઈચ્છા છે કે આ આખી ઇવેન્ટ તું સંભાળ...મને તારા પર પુરે-પૂરો વિશ્વાસ છે કે આ આખી ઇવેન્ટ તું વ્યવસ્થિત હેન્ડલ કરી શકીશ…અને હું તને સી.ઈ.ઓ તરીકેનાં બધાં જ પાવર આપીશ….!"


"દીક્ષિત..! તે મારા પર વિશ્વાસ મુકયો એ જ મારા માટે સી.ઈ.ઓ. નાં પાવર મળ્યા સમાન જ છે, તું ચિંતા ના કરીશ, હું બધું જ સંભાળી લઈશ…!"

"થેન્ક યુ વેરી મચ...અખિલેશ…!" - દીક્ષિત હળવાશ અનુભવતા અવાજે બોલ્યો.

"દીક્ષિત ! આ કંપની, આ રૂપિયા, આ જાહોજલાલી એ બધું કદાચ આપણી પાસે કાયમિક રહે એવી શક્યતા ઘણી ઓછી છે, પરંતુ આપણા બાળકનાં જીવનમાં આવતાં અમુક ચોક્કસ વળાંક પર આપણે તેની સાથે હોવા જોઈએ, જે વળાંક તેની આગળની લાઈફ નક્કી કરવામાં ખુબજ મહત્વનાં હોય છે, માટે તું ચિંતા ના કર, કંપનીમાં તારી જરૂર છે જ તે, પરંતુ એના કરતાં પણ વધારે આર્યાને હાલ તારી જરૂર છે, જો તું આ કંપની સાચવવામાં રહીશ તો આર્યાની કંપની હંમેશા માટે ખોઈ બેસીશ……….બાકી……..મને પાકું યાદ છે કે મારે ધોરણ 12 માં 90% આવેલા હતાં, મારા હાથમાં માર્કશીટ હતી, પરંતુ અફસોસ એ સમાચાર સાંભળવા વાળા મારા પિતા આ ખુશીના સમાચાર સાંભળે તે પહેલાં જ દેહત્યાગ કરી ચુક્યા હતાં, એ સમયે મને ધોરણ 12ની માર્કશીટ એક કાગળના ટુકડા સમાન લાગી રહી હતી…." - આટલું બોલતાં અખિલેશ રડવા જેવો થઈ ગયો.


"હા ! અખિલેશ..હું પણ એ જ વિચારશ્રેણી ધરાવતો માણસ છું, અને હું એની સાથે સાથે નસીબદાર પણ છું કે મને તારા જેવો મિત્ર મળ્યો, કે જેના પર હું આંખો બંધ કરીને વિશ્વાસ મૂકી શકુ…"

ત્યારબાદ દીક્ષિતે ટેબલ પર પડેલી ફાઇલ અખિલેશનાં હાથમાં સોંપતા દીક્ષિત બોલ્યો કે..

"અખિલેશ ! આ ફાઈલમાં આખી ઇવેન્ટની સંપૂર્ણ માહિતી અને વિગતો આપેલી છે, તું ધ્યાનથી વાંચી લે જે...જો કઈ કન્ફ્યુઝન હોય તો મને અડધી રાતે પણ કોલ કરી શકે છો…!

અખિલેશ ફાઈલ પોતાના હાથમાં લીધી, જેમાં ઉપર લેબલ કરેલ હતું….જે જોઈ અખિલેશને એક ઝટકા સાથે નવાઈ લાગી...જેના પર લખેલ હતું…."મેગા-ઈ" સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટ એટ ઊટી……!

"દીક્ષિત….!" - એકાએક અખિલેશે બોલ્યો.

"હા"

"આ સોફ્ટવેર લોન્ચિંગ ઈવેન્ટ, આપણી કંપનીમાં(મુંબઈ) નથી….?" - નવાઈ સાથે અખિલેશે પૂછ્યું.

"સોરી...યાર...હું તને ચિંતા અને ઉતાવળમાં એ કહેવાનું ભૂલી જ ગયો કે આ સોફ્ટવેર લોન્ચિંગની આખી ઇવેન્ટ આપણી કંપનીએ ઊટીમાં ઓર્ગેનાઇઝ કરેલ છે…"

"ઓકે ! તો મારે આખરે ઊટી જવાનું થાશે...એમ ને…?"

"હા"

"તો ! હું ઊટી જવા માટેની ટીકીટ બુક કરાવી લઉં ને…?"

"આ...રહી...તારી ઊટી જવાં માટેની ટીકીટ…" - પોતાના સૂટનાં ખિસ્સામાં રહેલ ટીકીટ અખિલેશનાં હાથમાં મુકતાં દીક્ષિત બોલ્યો.

"ઓકે ! ડોન્ટ વરી…!"

"અખિલેશ..તું આ ઇવેન્ટમાં સી.ઈ.ઓ ની હેસિયતથી જઈ રહ્યો છો, આ સિવાય આપણી કંપની અન્ય કર્મચારીઓ પણ ત્યાં જ હશે, જે અગાવથી જ ઊટી પહોંચી જશે...બસ તારે બધાં પ્રેઝન્ટેશન વ્યવસ્થિત કરવાના અને કરાવવાના રહેશે…."

"ઓકે…!"

"બીજું કે આ આખી ઇવેન્ટ ઊટીમાં એટલા માટે એરેન્જ કરવામાં આવી કારણ કે ઊટીએ એકદમ સુંદર અને નેચરલ વાતાવરણમાં આવેલ શહેર છે, કુદરતી મનમોહક વાતાવરણ, ઊંચી -ઊંચી પહાડીઓ, લીલાંછમ વૃક્ષો, ઝરમર-ઝરમર વરસાદ, નદીઓ, ખળ-ખળ કરતાં વહેતાં ઝરણાઓ વગેરે આહલાદક અને માણવા જેવું છે, જે તારી, અન્ય કર્મચારીઓની અને મહેમાનોની આખા દિવસની થકાવટ દૂર કરવામાં ખુબ જ મદદરૂપ થઇ શકશે...આથી ઊટી શહેર પસંદ કરવામાં આવેલ છે..!

"નાઈસ ! પ્લેસ સિલેક્શન ફોર સચ અ ગ્રેટ ઇવેન્ટ…"


ત્યારબાદ અખિલેશ દીક્ષિતની રજા લઈ, હાથમાં ફાઈલ અને દીક્ષિતે આપેલ ટીકીટ લઈને અખિલેશ પોતાની ઓફીસ તરફ ચાલવા લાગ્યો, અને મનમાં આ આખી ઇવેન્ટ કેવી રીતે સફળ બનાવવી તેના વિશે વિચાર કરવા લાગ્યો.

અખિલેશ આ ઇવેન્ટ માટે તૈયાર થઈ ગયો, કારણ કે એક બાજુ તેની મિત્રતા દાવ પર લાગેલ હતી, પરંતુ બીજી બાજુ અખિલેશની આખી જિંદગી દાવ પર લાગેલ હતી...જેનાં વિશે અખિલેશ એકદમ અજાણ હતો..!

ઊટીમાં "મેગા-ઈ" સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટ અખિલેશનાં જીવનમાં એવાં વળાંક લઈને આવશે જેની કલ્પના દીક્ષિત તો ઠીક પરંતુ ખુદ અખિલેશે પણ નહીં કરી હોય..!


ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com