The Ooty.... - 11 books and stories free download online pdf in Gujarati

ધ ઊટી.... - 11

11.

(અખિલેશ ટોયટ્રેનમાં ફરીને આવે છે, આ મુસાફરી દરમિયાન તેને લવડેલ રેલવેસ્ટેશને શ્રેયા મળે છે, અને અખિલેશ શ્રેયાનાં રૂપ અને મોહકતાથી પ્રભાવિત થઈ જાય છે….અને થોડાક સમય બાદ શ્રેયા પોતાને જયાં ઉતારવાનું હતું તે રેલવેસ્ટેશને ઉતરી જાય છે, અને આ બાજુ અખિલેશ ધ સીટી પેલેસ હોટલમાં આવે છે, અને બધું કામ પૂરું કરીને ઊંઘી જાય છે….)

સ્થળ - ધ સીટી પેલેસ હોટલ.
સમય - સવારનાં 6 કલાક.

અખિલેશનાં રૂમમાં એકદમ નીરવ શાંતિ ફેલાયેલી હતી, અને આખી રાત એ.સી ચાલુ હોવાને લીધે પુરેપુરા રૂમમાં ઠંડક પ્રસરાયેલ હતી. એક ટાંકણી પડે તો પણ આવાજ આવે, એવા શાંત વાતાવરણમાં એકાએક અખિલેશનાં મોબાઈલમાં એલાર્મ વાગે છે, આ એલાર્મ દ્વારા આખા રૂમની શાંતિમાં જાણે ભંગ પડ્યો હોય તેવું લાગી રહ્યું હતું, આથી અખિલેશ પોતાના બેડ પર બેઠો થઈને મોબાઈલમાં વાગી રહેલ એલાર્મ બંધ કરીને જાગી જાય છે, પછી પોતાની બંને આંખો ચોળતાં-ચોળતાં ફ્રેશ થવા માટે જાય છે.

આમ તો અખિલેશ દરરોજ સાત વાગ્યાની આસપાસ ઉઠતો હતો, પરંતુ આજે થોડુંક વધારે કામ હોવાને લીધે એક કલાક જેટલું વહેલો જાગી ગયો હતો, થોડીવારમાં અખિલેશ ફ્રેશ થઈને આવે છે, અને ત્યારબાદ પોતાના રૂમનાં જ ફ્લોર પર યોગા મેટ પાથરીને યોગા કરવા લાગે છે, થોડીવાર બાદ તે મેડિટેશન કરે છે, પરંતુ આજે જ્યારે પોતે મેડિટેશન કરવા માટે આંખો બંધ કરી તો તેની નજર સમક્ષ એક જ ચહેરો વારંવાર આવી રહ્યો હતો...એ ચહેરો હતો શ્રેયાનો, આ ઉપરાંત આજની ઇવેન્ટની થોડીઘણી ચિંતાને કારણે અખિલેશ આજે વ્યવસ્થિત મેડિટેશન કરી શકતો ન હતો.

આથી, અખિલેશ મેડિટેશન પડતું મૂકીને ફ્રેશ થવા માટે ચાલ્યો જાય છે, અને એકાદ કલાકમાં તે ફ્રેશ થઈને તૈયાર થઈ જાય છે, એક સી.ઈ.ઓ ને શોભે તેવા પ્રોફેશનલ કપડાં પહેરે છે, વ્હાઇટ શર્ટ, બ્લેક પેન્ટ અને ઉપર રેમન્ડનો બ્લેક કલરનો શૂટ પહેરે છે, અખિલેશની પર્શનાલિટી એક સી.ઈ.ઓ જેવી જ લાગી રહી હતી, ત્યારબાદ અખિલેશે ફરી એકવાર પોતાનાં લેપટોપમાં રહેલા પ્રેઝન્ટેશન જોઈ લીધા, અને નાસ્તો કરીને ફ્રી થઈ ગયો, ઘડિયાળમાં જોયું તો સવારનાં 8:30 વાગી ચૂક્યાં હતાં, આથી અખિલશે આ આખી ઇવેન્ટ જે હોલમાં ઓર્ગેનાઇઝ કરેલ હતી તે હોલમાં જાય છે.

અખિલેશ જેવો હોલમાં પહોંચે છે, તેવા ત્યાં હાજર રહેલા બધા જ કર્મચારીઓ અખિલેશને હોલમાં આવતો જોઈને આદર કે માન આપવા માટે પોતાની ખુરશી પરથી ઉભા થાય છે, અને અખિલેશ તે લોકોને બેસવાનો ઈશારો કરે છે, અંતે તેના બધા કારીગરો અને અન્ય કર્મચારીઓની મહેનત રંગ લાવી, આ હોલનું ડેકોરેશન એટલુ સુંદર રીતે કરવામાં આવ્યું હતું કે ત્યાં આવનાર દરેક મહેમાન ડેકોરેશનના વખાણ કરતાં થાકતા હતાં નહીં.

સવારનાં 9 વાગ્યાની આસપાસ લગભગ આમંત્રિત બધાં મહેમાનો આવી જાય છે, અને અખિલેશ ડિજિટેક કંપનીના સી.ઈ.ઓ તરીકે બધાનું ભાવભીનું સ્વાગત કરીને આવકારે છે, લગભગ સવારનાં 9: 30 કલાકે પ્રોગ્રામ રાબેતા મુજબ શરૂ થયો, બધા જ મહેમાનો, કર્મચારીઓ, ગર્વમેન્ટના કર્મચારીઓ, ઊટીનાં એમ.એલ.એ મિ.જયકાન્ત, સ્થાનિક મીડિયા ટીમ, ટી.વી અને પ્રેસ રીપોર્ટરો વગેરે આ ઇવેન્ટને સફળ બનાવવા માટે પોતાની હાજરી આપવા આવી પહોંચેલ હતાં, વિધિવત ભગવાન ગણેશજીની સ્તુતિ અને દીપપ્રાગટ્ય કરીને આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી.

ત્યારબાદ અખિલેશે માઈકની કમાન સાંભળી, અને આમંત્રીત બધાં મહેમાનોને આવકાર્યા, અને "મેગા - ઈ" સોફ્ટવેર વિશેની સાદી અને સરલભાષામાં સમજણ આપતાં બોલ્યાં કે…."મેગા - ઈ" સોફ્ટવેર" નો વિચાર અમારી કંપનીના સી.ઈ.ઓ. દીક્ષિત શાહને આજથી ત્રણ વર્ષ પહેલાં આવ્યો હતો…"

"સાહેબ ! મેગા - ઈ સોફ્ટવેર શું છે…? તમારી કંપનીના સી.ઈ.ઓ દીક્ષિત શાહ સાથે એવી તે કઈ ઘટના બની કે તેને "મેગા-ઈ" સોફ્ટવેર બનાવવાનો વિચાર આવ્યો." - એક કર્મચારીએ અખિલેશને અધવચ્ચે જ અટકાવીને આતુરતાપૂર્વક પ્રશ્ન પૂછ્યો.

"અહીં "મેગા- ઈ" એ બે શબ્દનો બનેલો છે…'મેગા' અને 'ઈ'...જ્યાં ' મેગા' - નો અર્થ થાય છે મોટું કે વિશાળ, જ્યારે 'ઈ' એ ઇમોશન કે લાગણી, એટલે કે ગરીબો પ્રત્યેની વિશાળ લાગણી કે ઇમોશન, દીક્ષિત શાહ જ્યારે એકવાર તેની પત્ની જાનવીનાં જન્મદિવસ નિમતે આજથી ત્રણ વર્ષ પહેલાં હોટલમાં બર્થ-ડે ઉજવવા માટે ગયાં હતાં, ઉત્સાહપૂર્વક બધા જ પરિવારનાં સભ્યોએ જાનવીનો બર્થ-ડે ઉજવ્યો, ત્યારબાદ બધાં પરિવારજનો જમવા માટે બેઠા, જમવાનું પૂરું થઈ ગયાં બાદ, દિક્ષિતે જોયું કે હોટલનો સરવન્ટ બધી પ્લેટમાં વધેલું ખાવાનું કે હેઠવાડ ઉપાડીને ડસ્ટબીનમાં નાખી રહ્યો હતો, અને બરાબર તે જ સમયે હોટલના કાચના દરવાજાની બહાર એક 10 વર્ષનો છોકરો ઉભો હતો, જેને જોતાં એવુ લાગી રહ્યુ હતું કે તે એક - બે દિવસથી ભૂખ્યો હશે, જેણે કંઈ ખાધું નહિ હોય, તે ગરીબ અને લાચાર છોકરો કાંઈ બોલી રહ્યો ન હતો, પરંતુ તેની લાચાર આંખો, અને તેની આંખોમાં રહેલા આંસુઓ ઘણું બધું જણાવી રહ્યાં હતાં.

ત્યારબાદ દીક્ષિત તે છોકરાને આવી આલીશાન હોટલમાં અંદર લઈ આવ્યો, અને તેને ભરપેટ જમાડયું….તે છોકરાની આંખમાં લાચારી હતી, તેની જગ્યાએ આનંદ છવાય ગયો….પેલા ગરીબ છોકરાએ દીક્ષિતનો આભાર માનતા કહ્યું કે……

"સાહેબ ! તમે મને આજે જમાડયો એ બદલ તમારો ખુબ ખુબ આભાર…..ભીખ માંગવી એ મારી મજબૂરી છે, કારણ કે મારી પાસે એવું કોઈ જ વ્યક્તિ નથી કે જે પ્રેમથી મારી પીઠમાં હાથ ફેરવતાં- ફેરવતાં કહે...કે, " લે ! બેટા ! હવે જમી લે…! કારણ કે હું નાનપણથી જ અનાથ છું, મેં ક્યારેય મા-બાપને જોયા નથી…! માં - બાપ કેવા હોય..? તેનો પ્રેમ કેવો હોય…? તેના વિશે હું કંઈપણ જાણતો નથી...પરંતુ હું માનું છું ત્યાંસુધી માં-બાપ કદાચ તમારી જેવા જ હશે…!" - પેલો દસ વર્ષનો છોકરો લાગણીશીલ થતાં બોલ્યો.

પેલા છોકરા દ્વારા બોલાયેલા દરેક-દરેક શબ્દો દીક્ષિતનાં હૃદયના તાંતણાઓને સ્પર્શીને પસાર થઈ રહ્યાં હતાં, દીક્ષિતને તેના પ્રત્યે માન થઈ રહ્યું હતું.

"સાહેબ ! મેં બે ત્રણ દુકાનો, ચા-ની લારીઓ, પાનના ગલ્લાઓ, રેસ્ટોરન્ટ અને હોટલમાં મને મજૂરીએ રાખવા માટે પૂછ્યું પરંતુ એ લોકોએ મને કહ્યું કે, " તને ! કામ પર રાખીને અમારે બાળ-મજૂરી કરાવવાના ગુનાહમાં જેલમાં નથી જવું." - એવું કહી મને અડધૂત કરીને કાઢી મુક્યો.

"તો ! તારી આગળ-પાછળ કોઈ નથી…?" - આંખોમાં આંસુ સાથે દીક્ષિતે પૂછ્યું

"ના ! સાહેબ...પણ હું એક વાત પૂછું…?"

"હા"

"સાહેબ ! આજે તો તમે મને ભર પેટ જમાડયો, કદાચ હવે મને બે દિવસ જમવાનું નહીં મળે તો પણ ચાલશે, પછી શું…?? જરૂરી નથી કે તમારી જેવા દયાળુ માણસ મને દરરોજ મળે…" - તે બાળક રડતાં - રડતાં બોલ્યું.

આટલું સાંભળીને દીક્ષિતની આંખોમાં પણ આંસુ આવી ગયા, અને પેલા છોકરાને કાયમિક માટે પોતાનાં ઘરે લઈ ગયાં, અને તેને પોતાનાં સંતાનની જેમ જ હાલમાં પણ સાચવે છે અને પાલન કરે છે, દીક્ષિતનાં હૃદયમાં જેટલું આર્યાનું સ્થાન કે મહત્વ છે એટલુ જ સ્થાન કે મહત્વ હાલમાં પેલા ગરીબ છોકરાનું છે…."

આટલું સાંભળીને હોલમાં બેસેલા દરેક વ્યક્તિઓ લાગણીશીલ બનીને આંખોમાં આંસુ સાથે તાળીઓના ગળગળાટ સાથે અખિલેશ, દીક્ષિત, અને ડિજિટેક કંપનીના આવા પોઝિટિવ આઈડિયા અને મેગા-ઈ સોફ્ટવેરને હસતાં-હસતાં રાજી-ખુશીથી વધાવી લીધો, હાજર તમામ લોકોનો આવો રિસ્પોન્સ જોઈને અખિલેશ આનંદમાં આવી ગયો, અને પોતાની જાત પર ગર્વ અનુભવવા લાગ્યો, દીક્ષિતે જે કામ માટે પોતાની પસંદગી કરી છે, તેમાં હાલ પોતે ખરો ઉતરી રહ્યો છે.

પોતાની વાત આગળ વધારતા અખિલેશ બોલ્યો કે,"ત્યારથી માંડીને દીક્ષિતને આવા હજારો લાચાર બાળકોને મદદ કરવા માટેના વિચારો આવવા માંડ્યા…..અને ત્યાંથી "મેગા-ઈ" સોફ્ટવેરની ઉત્પતિ થઈ કે વિચાર આવ્યો….!"

"તો ! મેગા-ઈ સોફ્ટવેરનો મેઈન ગોલ શું છે…?"- એક પ્રેસ રિપોર્ટરે અખિલેશને પ્રશ્ન પૂછ્યો.

"મેગા-ઈ સોફ્ટવેર આપણાં દેશમાં રહેતા આવા હજારો, લાખો લાચાર અને ભૂખ્યા લોકો સુધી જમવાનું પહોંચાડશે, આ ઉપરાંત દિવસે - દિવસે મોંઘી થઈ રહેલી દવાઓ પણ સસ્તામાં અને જરૂરિયાત વાળા લોકો સુધી પહોંચાડશે...પછી ભલે તે કોઈ નાના એવા ગામડાના પણ છેવાડાના વિસ્તારમાં રહેતા હોય, આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકો સુધી પહેરવાના કપડાં, ઓઢવા માટે ચાદર વગેરે પહોંચાડવામાં મદદરૂપ સાથે… ટૂંકમાં કહું તો એક જ સોફ્ટવેર દ્વારા ઘણાં બધાં લોકોની મદદ થઇ શકશે.."

"તો ! આ સોફ્ટવેર કામ કેવી રીતે કરશે…?" - આમંત્રિત મહેમાનમાંથી એક વ્યક્તિએ અખિલેશને પ્રશ્ન પૂછ્યો.

"આ ! સોફ્ટવેર ! એકદમ સરળ છે, જેમાં અમારી કંપની દ્વારા ગર્વમેન્ટ સાથે એમ.ઓ.યુ (કરાર) કરવામાં આવશે, જેમાં દરેક રેસ્ટોરન્ટ અને હોટલનાં માલિકે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, આથી જે હોટલમાં જે કાંઈ ખોરાક વધ્યો હશે, તેનું નોટિફિકેશન જે તે હોટલ કે રેસ્ટોરન્ટ દ્વારા મુકવામાં આવશે એટલે થોડીવારમાં અમારી કંપનીના વોલ્ટરી વર્કરો, ત્યાં આવીને બચેલો ખોરાક લઈ જશે, અને ભૂખ્યા બાળકો સુધી પહોંચાડશે, આવું જ બીજી બધી સુવિધાઓમાં પણ ગોઠવણ કરેલ છે…"

"તો ! આ સોફ્ટવેર બનાવવામાં તમારી કંપનીને શું ફાયદો… ?" - એક કંપનીના સેલ્સ મેનેજરે અખિલેશને પ્રશ્ન પૂછ્યો.

"જરૂરી નથી કે બધા જ કામ આપણે કે આપણી સંસ્થાઓ સ્વાર્થ માટે કરે….જો આપણામાં માનવતાં બચી હોય તો આપણે બે ત્રણ સારા કામ પણ કરીએ છીએ, જેનાથી બીજાને મદદરૂપ થઈ શકીએ….પછી ભલે તેમાં લાભ કે ફાયદો ઓછો કે નહિવત હોય..આ સોફ્ટવેર પણ અમે બીજાના ફાયદા માટે જ બનાવેલ છે, જેમાં લાભ કે આર્થિક ઉપાર્જન કરવાની કોઈ મહત્વાકાંક્ષા નથી, જો કે તેમાં કંપનીને લાભ થાય જ છે પરંતુ તે નહીં લાભ કે નહીં નુકસાનના ધોરણે છે… "

આ સાંભળી સૌ કોઈ પોતાની ખુરશી પરથી ઉભા થઈને અખિલશ, દીક્ષિત અને ડિજિટેક કંપનીના આ સોફ્ટવેર "મેગા -ઈ" ને આવકારી લીધો.

ત્યારબાદ ડિજિટેક કંપનીના અલગ -અલગ કર્મચારીઓ આ સોફ્ટવેરના અલગ - અલગ પાસાઓ જેવા કે...સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડિઝાઈનિંગ, રી-ડિઝાઇનિંગ, સોફ્ટવેર પ્રમોશન, સોફ્ટવેર સિક્યુરિટી, એડવર્ટાઇઝિંગ, માર્કેટીંગ, વગેરે મુદ્દા પર કયારે ડિસ્કશન કરવામાં આવશે તેનું વિગતવાર શેડ્યુલ જણાવ્યું.

સાંજસુધીમાં તો આ "મેગા-ઈ" સોફ્ટવેર સાથે જોડાવવા માટે અલગ -અલગ સોફ્ટવેર કંપનીઓ અને ગર્વમેન્ટનાં કર્મચારીઓ પણ આ સોફ્ટવેર માટે ડિજિટેક કંપની સાથે એમ.ઓ.યુ કરવા માટે તૈયારી બતાવી.

આ જોઈ અખિલેશ પોતાની જાત પર ગર્વ અનુભવતા વિચારવા લાગ્યો કે, " કોઈ કામ ત્યાંસુધી જ અઘરું કે મુશ્કેલ હોય છે, જયાંસુધી આપણે તેને હાથમાં નથી લેતાં, અથવા એ કામ કરવાની શરૂઆત નથી કરતાં, જો તમે મનથી કોઈ કામ કરવાનું ધારી લો તો પછી ભલે એ કામ ગમે તેવું મુશ્કેલ હોય પણ થઈ તો જાય જ છે, પછી ભલે થોડોક સમય વધારે લાગે...પરંતુ કંઈપણ કામ ન કરવા કરતાં કામ થોડું મોડું થાય તે વધુ માન્ય કે ગ્રાહ્ય છે.."
આખા દિવસના બધાં શેશન પુરા થયા બાદ અખિલેશ, "મેગા-ઇ" સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટને આવી ભવ્ય સફળતા અપાવવા બદલ નાનામાં નાના કર્મચારીથી માંડીને ઉચ્ચ હોદ્દો ધરાવતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો અને આવતી કાલના સેશનની આછેરી રૂપ-રેખા આપી.

ત્યારબાદ બધા જ લોકો એકબીજાથી છુટ્ટા પડ્યા, અખિલેશ પણ આમંત્રિત બધાં મહેમાનો જતાં રહ્યાં પછી તે પોતાના રૂમમાં જાય છે, અને ત્યારબાદ "મેગા -ઈ" સોફ્ટવેરના લોન્ચિંગ પ્રોગ્રામને પહેલા દિવસે મળેલ સફળતા કે આવકાર વિશે દીક્ષિતને કોલ કરીને જણાવે છે, દીક્ષિત પણ આ સમાચાર સાંભળીને ખુબજ ખુશ થઈ જાય છે, અને કહે છે કે…

"અખિલેશ ! મને વિશ્વાસ હતો કે તું આ ઇવેન્ટને જરૂરથી સફળ બનાવીશ, હું આશા રાખું છું કે બાકીના નવ દિવસમાં પણ આવી જ સફળતા અને આવકાર મળે એ માટે તને અગાઉથી "બેસ્ટ ઓફ લક."

"થેન્ક યુ વેરી મચ ! દિક્ષિત આ બધું તે મારા પર મૂકેલા અતૂટ વિશ્વાસનું પરિણામ છે, જો તે મારા પર વિશ્વાસ ના મુક્યો હોત, તો હું આ માટે ક્યારેય પણ લાયક ના બની શક્યો હોત, અને આ સ્ટેજ સુધી ક્યારેય ના પહોંચી શક્યો હોત…! માટે તને પણ થેન્ક યુ વેરી મચ…" - અખિલેશ દીક્ષિતનો આભાર વ્યકત કરતાં બોલ્યો.

"નાવ ! ધીસ ઇસ ટાઈમ ફોર સેલિબ્રેશન...નાવ એન્જોય અ લોટ...અખિલશ તારી હોટલથી લગભગ બે કિ. મી નાં જ અંતરે આલીશાન પબ આવેલ છે, ત્યાં જઈને આજ ના દિવસનું સેલિબ્રેશન કરો….મેં આપણાં સેલ્સ મેનેજરને વાત કરી છે, જે તને રાતે આલીશાન પબ પર લઈ જશે…"

"ઓકે ! થેન્ક યુ ફોર યોર ટ્રીટ…!"

"નાવ ! એન્જોય…!" - આટલું બોલી દીક્ષિત મનોમન ખુશ થતાં કોલ ડિસ્કનેક્ટ કરે છે.

એવામાં લગભગ 9 વાગ્યાની આસપાસ અખિલેશનાં રૂમનો ડોરબેલ વાગે છે, અખિલશે દરવાજો ખોલીને જોવે છે, તો તેની કંપનીનો સેલ્સ મેનેજર અન્ય ત્રણ કર્મચારીઓ સાથે અખિલેશના રૂમ પર આવેલ હતાં, અને ત્યારબાદ બધા જ કર્મચારીઓ અને અખિલશ આલીશાન પબમાં જાય છે.

સામાન્ય રીતે અખિલેશ આલ્કોહોલ લેતો ન હતો, પરંતુ ક્યારેક આવી રીતે બિઝનેશ મિટિંગ કે અન્ય કોઈ સિલિબ્રેશન હોય ત્યારે માત્ર બિયર પીતો હતો, આજે પણ અખિલેશે આલીશાન પબમાં જઈને માત્ર બિયર જ પીવાનો પ્લાન કરેલ હતો, પબમાં ધીમે-ધીમે સેલિબ્રેશન શરૂ થયું, ડી.જે વાળા સોન્ગ વાગી રહ્યાં હતાં, સિગારેટના ધુમાડા ઉડી રહ્યાં હતાં, બધા કર્મચારીઓના હાથમાં એક - એક પેગ બનાવેલા ગ્લાસ હતાં, અને ડાન્સ કરી રહ્યાં હતાં, અખિલેશ પણ આ સેલિબ્રેશનનો આનંદ ઉઠાવી રહ્યો હતો, આજે અખિલેશે અન્ય કર્મચારીઓના આગ્રહને વશ થઈને વિસકીના બે પેગ માર્યા, લગભગ દોઢ બે કલાક બાદ બધાં કર્મચારીઓએ અખિલેશને હોટલ પર પરત ફરવાં માટે પૂછ્યું પરંતુ અખિલેશે કહ્યું કે

"તમે ! લોકો હોટલ પર પહોંચો, મને વહીસ્કીમાં મજા નથી આવી આથી હું બિયરના બે ટીન લગાવીને આવું છું."

"આર યુ સ્યોર ! સર ?"

"ઓફ કોર્સ…!"

અખિલેશે વહિસ્કીનાં બે પેગ માર્યા છતાંપણ પુરેપુરા ભાનમાં હતો, આથી બાકીનાં કર્મચારીઓ ડિજિટેક કંપનીના નામે પેમેન્ટ કરીને હોટલ પર જવા માટે રવાના થયા, આ બાજુ અખિલેશ બિયરના 5 ટીન લગાવી લીધાં… અખિલશ એ બાબતથી તદ્દન અજાણ હતો કે તેણે જાણતા - અજાણતાં કોકટેલ કરી નાખ્યું છે.

અખિલેશ ત્યારબાદ કાઉન્ટર પર જાય છે, અને બિલ વિશે પૂછે છે, તો કાઉન્ટર પર રહેલ વ્યક્તિ જણાવે છે, કે તમારી કંપનીના નામે આ બિલ ઓલરેડી ચૂકવાય ગયું છે….ત્યારબાદ અખિલશે આલીશાન પબમાંથી બહાર નીકળીને સીટી પેલેસ હોટલ તરફ જતાં રસ્તા પર ચાલવા લાગે છે…અને જોર-જોરથી જુના ગીતો ગાવા લાગે છે, બહાર ખુલ્લા મેદામમાં ફૂંકાતા ભારે પવનને કારણે અખિલશને આલ્કોહોલની વધુને વધુ ફટકી લાગી રહી હતી, રસ્તો એકદમ સુમસામ હતો, આજુ-બાજુની બધી જ હોટલોની લાઈટો હવે ધીમે-ધીમે બંધ થઈ રહી હતી, શેરીનાં બે-ચાર કુતરાઓ એકબીજાને સામ-સામે ભસી રહ્યાં હતાં, એવામાં અખિલેશે એક પથરો ઉઠાવ્યો અને પેલા કુતરાઓ તરફ ફેંક્યો, અને તેને તગડી મૂક્યાં, વાસ્તવમાં તો પથરો માંડ તેનાથી એકાદ - બે ફૂટ જ દૂર પડ્યો હશે, કારણ કે હવે અખિલેશ આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યો હતો, ધીમે - ધીમે અખિલેશ લથડીયા ખાતાં - ખાતાં..સીટી પેલસે હોટલમાં પહોંચે છે, અખિલેશ હાલ નશામાં પૂરેપૂરો ચકચૂર બની ગયો હતો, તે પોતાની જાતે ટેકા વગર સીધો ઉભો પણ રહી શકે તેમ ન હતો, તેની બોલી પણ હવે અસ્પષ્ટ થઈ રહી હતી, અને પોતે હજુ પણ લથડીયા ખાય રહ્યો હતો.

આથી હોટલનો સ્ટાફ અખિલેશને ટેકો આપીને તેનાં રૂમ સુધી લઈ જાય છે, અને માસ્ટર કી દ્વારા અખિલેશનો રૂમ ખોલી અખિલેશને બેડ પર સુવડાવે છે, અને પગમાં રહેલા સૂઝ કાઢીને નીચે મૂકે છે, ત્યારબાદ એ.સી ચાલુ કરીને પેલો હોટલનો સ્ટાફ અખિલેશના રૂમનો દરવાજો થ્રી - સ્ટોપ લોક કરીને ફરી પાછો કાઉન્ટર પાસે જતો રહે છે….!


શું ! અખિલેશ આ બાબત જાણતો હશે કે તેની રાત દરમિયાન કેવી હાલત હતી…?....શું ! અખિલેશ આવતીકાલનો પ્રોગામ પણ આજનાં દિવસની જેમ જ હેન્ડલ કરી શકશે….? અખિલેશની આવી હાલતની તેના પ્રોગામ પર કોઈ અસર થશે કે કેમ…? આવા વગેરે પ્રશ્નો અખિલશ સામે આવતી કાલે આવવાના જ હતાં, પરંતુ અખિલેશ તો હાલમાં આ ભૌતિક દુનિયા સિવાયની ફેન્ટસી વાળી દુનિયામાં લટારો મારી રહ્યો હતો, જેની જાણ હાલમાં અખિલેશને પણ નહીં હોય…!




ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com