Sap Sidi - 1 books and stories free download online pdf in Gujarati

સાપ સીડી - ૧

પ્રકરણ ૧
નગર મેં જોગી આયા....!


ટ્રેઈન થંભી... આસ્તે આસ્તે એ સાધુ બારણા સુધી પહોચ્યો. એની આંખો સ્થિર હતી. ભગવા વસ્ત્રો એણે પહેર્યા હતા. ઉંમર હજુ ચાલીસ ની આસપાસ લાગતી હતી. ચહેરા પર કાળી દાઢી હતી માથે લાંબા વાળ હતા જેને તેણે ગાંઠ વાળી બાંધી રાખ્યા હતા. કપાળ પર લાલ તિલક હતું. એની સહેજ માંજરી આંખનું તેજ અસામાન્ય હતું. એણે ઉતરતા પહેલા સ્ટેશન પર નજર ફેરવી. ટ્રેનમાંથી મુસાફરો ઉતરતા હતા, ચઢતા હતા.. બે ચાર હમાલ લારી લઈ જઈ રહ્યા હતા. દૂર ગેટ પર ટિકિટ ચેકર મુસાફરોની ટિકિટો ચેક કરતો હતો..માઈક પર આવતી-જતી ગાડી વિષેની મહિલા સ્વરમાં રેકર્ડ વાગતી હતી... પ્લેટફોર્મ પરની ચા નાસ્તાની કેબિન ફરતે મુસાફરો ઉભા હતા. કેબિનમાં લાકડાના પાટિયા પર ભજીયા, ગાંઠીયા, વડાપાઉંના ઢગલા ભરેલા પાત્રો, ઉકળતા તેલમાં જારો ફેરવતો કારીગર, બે પ્લેટફોર્મને જોડતો બ્રિજ, બ્રિજની સીડી ચડતા ઉતરતા મુસાફરો, બેએક કૂતરાઓ પર ફરતી સાધુ ની નજર આગળ વધે ત્યાં..
'મા'રાજ આગળ હાલો..! એટલે બીજા પેસીન્જર પણ ઉતરે...' સાધુના ખભ્ભે હાથ મૂકી પાછળથી કોઈ બોલ્યું.. પણ એના અવાજની તોછડાઈ સાધુના ખભ્ભાને સ્પર્શતા જ ગાયબ થઇ ગઈ અને આ સ્પર્શનો એને વિચિત્ર અનુભવ થતા, એણે સાધુની પાસેથી પસાર થતી વખતે આદર પૂર્વક હાથ જોડી 'જય સિયારામ' કહ્યું. સાધુ પણ સહેજ ખસકતા 'જય સીયારામ' બોલ્યો. પેલો મુસાફર હજુયે વિચિત્ર અનુભવની છાયામાં હતો. મેઈન ગેટ સુધી પહોચ્યો ત્યાં સુધી તે પાછળ ફરી ફરીને સાધુ સામે અહોભાવથી જોતો રહ્યો.
સાધુ ધીમા ડગલે આગળ ચાલ્યા. પ્લેટફોર્મની પતરાની છત પર હેન્ડલ ભેરવી લગાવેલી ડિજિટલ ઘડિયાળની લાલ રંગની લાઈટોમાં બાર ને ચુમ્માંલીસ નો સમય દેખાતો હતો. ..
સાધુનું પ્રભાવશાળી વ્યક્તિત્વ જોઈને સફેદ શર્ટ-પેન્ટ અને કાળી ટાઈ પહેરેલા મૂછાળા ટિકિટ ચેકરે ટિકિટ માગવાને બદલે અદબથી બે હાથ જોડી 'જય સિયારામ' કહ્યું. સાધુને પણ 'ટિકિટ ન હોવા' નું કારણ આપવાનું ટળી જતા, 'જય સિયારામ' કહી આગળ વધી જવાનું યોગ્ય લાગ્યું.
છેક અમદાવાદથી સાધુ નો પીછો કરી રહેલા ચશ્માધારી જુવાનીયાએ સાધુની પાછળ પાછળ જ ગેટ વટાવ્યો, પરંતુ એણે ટિકિટ બતાવવા અટકવું પડ્યું. સાવ સામાન્ય લાગતા આ બાવાનો 'પીછો' કરવાની સૂચના ઉપરથી શા માટે આવી હશે એ વાત હજુયે ભૂરા અસ્તવ્યસ્ત વાળવાળા રફીક નામના એ ચશ્માધારી લફંગાને સમજાતી ન હતી. છતાં દિવસ દીઠ આઠસો રૂપિયા ઉપરાંત ખર્ચા પાણીના પૈસા મળતા હોવાથી એ સાધુની તમામ હિલચાલ અંગે વડોદરાના યાકુબખાનને માહિતી આપી રહ્યો હતો.
રફીકની આંખ સ્ટેશન બહાર નીકળી રહેલા સાધુ પર હતી અને દિમાગમાં અમદાવાદના દોલતપરામાં રહેતી મદમસ્ત રૂપયૌવના જુબેદા ના અંગો ઉપાંગોના ઉલાળા છવાયેલા હતા. એની નશીલી આંખો આડે આવતી જુલ્ફો રફીકને બેચેન બનાવી રહી હતી.
'જુબેદા.. તું ખરેખર આગ છે..આગ..!' એ ઘણીવાર જુબેદાને આવું કહી ચુક્યો હતો અને દર વખતે જુબેદા 'આ આગથી દુર જ રહેજે નહિતર સળગી જઈશ...' એવું સણસણતું વાક્ય એના ગુલાબી રસીલા હોઠેથી સંભળાવતી અને ફરી રૂમમાં વિકૃત નાચગાન કરી ચોતરફ બેઠેલા ભૂખાળવા મર્દોને બહેલાવવા માંડતી.
અચાનક સાધુ પાસે એક પંદરેક વર્ષનો છોકરો ઉભેલો જોઈ રફીકના દિમાગમાંથી જુબેદાના વિચારો ગાયબ થઇ ગયા. એણે ચાલ ધીમી કરી. છોકરો સાધુને કંઇક સમજાવી રહ્યો હતો. આવા અજાણ્યા ગામમાં સાધુને આ છોકરો ઓળખતો હશે? શું સાધુ અહીં આ પહેલા પણ આવી ગયો હશે? રફીકે છોકરાનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું. લગભગ પંદર-સોળ વર્ષની ઉંમર, ચારેક ફૂટની હાઈટ, રમતિયાળ આંખો.. સાધુ સાથે વાત કરતી વખતે એ કોઈ મોટી જવાબદારી વાળું કામ કરી રહ્યો હોય તેવા હાવભાવ લાગતા હતા.
કશો તાળો મળતો ન હતો. રફીકે મોબાઇલ કાઢી યાકુબખાનનો નંબર જોડ્યો. ત્યાં એની નજર છોકરાની પાછળ પાછળ જઈ રહેલા સાધુ પર પડી. એણે પણ પગ ઉપાડ્યા.
રૂપિયાની સોપારી મેળવવાના એક માત્ર ધ્યેય સાથે જિંદગીના એક પછી એક પાસા ફેકી રહેલો રફીક અત્યારે જિંદગીના રંગમંચ પર ચાલી રહેલા સાપ-સીડીના ખેલમાં પોતે સીડી ચઢી રહ્યો હતો કે સાપના મોંમાં પ્રવેશી રહ્યો હતો એની એને ખબર ન હતી!


= = = = = =