Sap Sidi - 11 books and stories free download online pdf in Gujarati

સાપ સીડી - 11

પ્રકરણ ૧૧


બાબુલ કી દુઆએ.. લેતી જા...


ઈલાને દુનિયા ફૂલ ગુલાબી લાગવા માંડી હતી. રાજકોટથી કુલદીપના પિતાજી એટલે કે પોતાના સસરા રામસિંહ અને સાસુમા અનસૂયાબા ઓસરીના ઢોલિયે બેઠા હતા. વાતચીત પરથી જ પતિ-પત્નીની સત્સંગી વૃતિ દેખાઈ આવતી હતી. રામસિંહ બાપુ ભગત માણસ હતા અને અનસૂયાબા સત્સંગી જીવ હતા.
“કુલદીપ મોટો અને રાજદીપ નાનો.” રામસિંહનો અવાજ સંભળાયો “ખોટું નહિ બોલું. અમારો કુલદીપ સાવ સીધો અને રાજદીપ થોડો ગરમ મગજનો. કોઈનું સાંભળી ના શકે. અને કુલદીપ ખોટું સહન ન કરી શકે.” બોલતી વખતે રામસિંહના ચહેરા પર પુત્ર પ્રેમ અને સંતોષ હતા. “મા આશાપુરાની કૃપા જુઓ. બેયને એના સ્વભાવ પ્રમાણે નોકરી મળી. કુલદીપ શિક્ષક થયો અને રાજદીપ પોલીસમાં લાગી ગયો. અને સાચું કહું તો તમારા બેન કહેતા હતા કે ઈલા દીકરી પણ ડાહી મળી ગઈ છે. અમે તો આપનો અને આપના પરિવારનો આભાર માનીએ એટલો ઓછો કે ડાહી, સમજુ અને સ્નેહાળ દીકરી અમને સોંપી રહ્યા છો. પણ એક ખાસ વિનંતી અમારે કરવાની છે.” કહી રામસિંહ બાપુ અટક્યા ત્યારે તેમના ચહેરા પર થોડી મૂંઝવણ જોઈ સામે બેસી સાંભળી રહેલા ઈલાના પિતા જટુભા અને માતા જશોદાના ચહેરા પર પણ થોડી મૂંઝવણ વ્યાપી ગઈ. પણ રામસિંહના આગળના વાક્યે સૌને સુખદ આશ્ચર્યનો આંચકો આપ્યો.. “ઈલા દીકરીને આણાના નામે માત્ર બે જોડી કપડા સિવાય કંઈ કરતાં કંઈ આપશો તો અમને બિલકુલ નહીં ગમે.”
જટુભાની આંખમાં થોડી ભીનાશ વ્યાપી ગઈ. દીકરીનું ભાગ્ય તો જો..! કેવું સતયુગી સાસરું મળ્યું છે. નાની-નાની નોકરીઓ કરી પોતે માંડ ઘર ચલાવતા હતા. ઈલાના લગ્નના ખર્ચ બાબતે છેલ્લા એકાદ વર્ષથી એમની ઊંઘ હરામ થઇ હતી. કસીને પોતે હિસાબ માંડ્યો હતો. તોય લાખેકનો દાગીનો અને પચાસ હજારનો જમણવાર કરે. એમ દોઢ લાખનો વેત ક્યાંથી કરવો એ બાબત એમને કોરી ખાતી હતી. ત્યાં..
“એમ થોડું ચાલે બાપુ...” ઘણી વાર સુધી જટુભા ન બોલ્યા એટલે વિવેક્ચૂક ન થાય એવી રીતે જમનાફૈબાએ વાત ઉપાડી “દીકરીને ભલે ઝાઝું નહી તો થોડું.. અમારી શક્તિ મુજબ...”
“બિલકુલ નહીં.” વચ્ચે જ અનસૂયાબા બોલ્યા. “જરાય ખોટું ન લગાડતા. કુલદીપ તો આ પ્રથાનો વિરોધી જ છે અને અમનેય આવા રિવાજો ગમતા નથી. ઈલાબા અમારા ઘરે આવે એટલે અમારે ખાલી એક વધારાની થાળી અભેરાઈ પરથી ઉતારવાની છે. બીજું શું? અને તમે આખે-આખા સોનાના ઈલાબા દીકરી અમને આપો છો પછી બીજું શું આપવાનું?”
ઈલાબા તો સાંભળી જ રહ્યા. જ્યારથી સમજણી થઇ ત્યારથી માતા-પિતાની સ્થિતિ, સમાજના રિવાજો જોતા, એટલી તો ચિંતા એમને પણ હતી કે લગ્ન સમયે આણાના આધારે આબરૂ આંકતો સમાજ ભેગો થશે ત્યારે શું થશે? પણ સાસુ-સસરાની સમજદારી ઈલાબાને ભાવવિભોર કરી ગઈ. સામેની દીવાલ પર લટકતી શિવજીની છબી પર એમનું ધ્યાન ગયું. એમનાથી હાથ જોડાઈ ગયા.
“બેટા.. હવે જમવાની તૈયારી કરજો.” કહેતા માતા યશોદાબા ઓરડામાં આવ્યા ત્યારે દીકરીને ભેટી જ પડ્યા. બે જ ક્ષણોમાં ઇલાએ પુરીઓ તળવા માંડી. જમણવાર થયો. વાતો થઇ. અને મહેમાન ગયા. પિતા એમને છેક રેલ્વે સ્ટેશને મૂકવા ગયા. મા-દીકરી જમ્યા.
જમનાફૈબાએ તો મહેમાનો સાથે જ જમી લીધું હતું. જતાં-જતાં જમનાફૈબાએ, બે દિવસ પછી રતનપર પોતાના ગુરુમાતા શારદાબહેન પાસે ઈલાને સાથે લઇ જવાની પરવાનગી જટુભા પાસે લઇ લીધી હતી.
રાત્રે પથારીમાં પડી-પડી ઈલા, સામેની છત પરની શિવજીની છબી જોતી વિચારી રહી હતી. પિતૃકાર્યની સલાહ આપનાર જમનાફૈબાના ગુરુ શારદાબહેનને ઈલા બે મહિના પહેલા મળી હતી ત્યારે તેમણે સલાહ આપેલી કે શિવજીના સાત સોમવારના એકટાણા, રુદ્રી અને ગાયને એક રોટલી ખવડાવજે. બધા સારાવાના થઇ જશે અને ગયો સોમવાર સાતમો જ હતો.
આજ ઈલા જીવનમાં ફેલાયેલા ઉજાસને જોઈ રહી હતી. બંધ આંખે, વિચારોના જુદા જ વિશ્વમાં એ વિહરી રહી હતી. થોડા દિવસો પહેલા કેવો અંધકાર હતો..! બિહામણો.. ભયાવહ...! અને આજે? આત્મીયજનોના વધામણાના ફોન આવી રહ્યા હતા. દ્વારકાથી મોટાબાપુ, મોટા બા, ભાવનગરવાળા માસીબા, વડોદરાવાળા માસીબા, જુનાગઢ સાસરેથી માસીબાની દીકરી સોનલબા સૌ હરખ કરતા હતા. સોનલબા અને ઈલાબાની ઉંમર સરખી હતી. સોનલના લગ્ન થયા ત્યારે સૌએ કહ્યું હતું કે હવે “ઈલાબા નો વારો.” પણ એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ વીતી ગયા. ઈલાબા ભણેલા હતા. પિતા ઓછું ભણેલા, ઘરની સ્થિતિ સામાન્ય. વીતતા દિવસોને લીધે સંવાદો પણ બદલતા જતા હતા. કોઈ-કોઈ સલાહ આપતું તો કોઈ પ્રોત્સાહન આપતું, કોઈ કહેતું “થોડું જતું કરવું..”, તો કોઈ કહેતું “મોડું થશે પણ સરસ મળશે...”
ઘરેથી ત્રાંબાનો લોટો લઇ, તેમાં જાસુદનું ફૂલ મૂકી ઈલાબા શ્રદ્ધાપૂર્વક શિવમંદિરે જતા. શિવલિંગ સમક્ષ હાથ જોડી, શ્રદ્ધાપૂર્વક કહેતા “નાથ.. હવે મોડું ના કરશો, કસોટી ના કપરી કરશો... કૃપાળુ..!” શિવમંદિરની બાજુમાં જ રામ-લખન-જાનકીનું મંદિર હતું. ધનુષ્યધારી રામની મૂર્તિ જોતા ઈલાબા પ્રાર્થના કરતા “હે ઈશ્વર, તેઓ જ્યાં પણ હોય, સત્યવાન, ચારિત્ર્યવાન અને શૌર્યવાન હોય, એવી કૃપા કરજો. એમનું માન, સન્માન સતત જળવાય રહે એવી કૃપા કરજો..” મંદિરની પ્રદક્ષિણા કરવી, પ્રસાદની રેવડી લેવી, ચરણામૃત લેવું અને ઘરે આવી, મા યશોદાબા અને ભૈલા ટીકુડાને પ્રસાદી આપવી, બસ આ જ નિત્યક્રમ..
ઈલાબા એ પડખું ફેરવ્યું. ઓસરીમાં બાપુ ખાટલા પર, જાગતા બેઠા હતા. દીવાલને ટેકે તકિયાને અઢેલીને, માથા ફરતે હાથ વીટાળી, છત તરફ તાકી રહ્યા હતા. ઈલા જોઈ જ રહી. મા-બાપ સાથે હવે પોતે કેટલો સમય? આ ઘરમાં કેટલો સમય? છ મહિના, વર્ષ? અને પછી? નવા લોકો, નવી દુનિયા. ઈલાબાની આંખમાં ઝળઝળિયા આવી ગયા. અભણ મા-બાપે કેવો સરસ ઉછેર કર્યો પોતાનો. પિતાએ સતત પોતાને ભણવા માટે પ્રોત્સાહિત કરી. બાપનો ચહેરો આજ ઈલાને વધુ પ્રેમાળ લાગ્યો. પિતાની આંખ આજ ઈલાને વધુ વહાલી લાગી.
એ ઊભી થઇ, માટલામાંથી પાણી ભર્યું. બહાર પિતા સમક્ષ પહોંચી. ગ્લાસ પિતા સમક્ષ ધર્યો. જટુભાની તંદ્રા તૂટી. દીકરી ઈલા પાણીનો ગ્લાસ ધરેલી ઉભી હતી. કેવડી મોટી થઇ ગઈ મારી ટબૂડી...!
“બાપુ.. શું વિચારો છો?” ઈલાના પ્રશ્ને જાણે જટુભાને જગાડ્યા હોય તેમ તેમણે આખા ચહેરા પર હાથ ફેરવી હાવભાવ બદલ્યા. સહેજ અમથું મુસ્કુરાયા, પછી દીકરીના હાથમાંથી પાણી લઇ, એક ઘૂંટ ભર્યો અને બોલ્યા “બેટા... કંઈ ખાસ નહીં અને ઘણું બધું..” ઈલા ખુરશી ખેંચી એમની સામે બેઠી. “બેટા.. તારો તો સાસરે જવાનો સમય નજીક આવી ગયો.” એક-એક શબ્દ છુટા પાડતા જટુભા બોલતા હતા. અવાજ સાંભળી જાગી ગયેલા યશોદાબા પણ બહાર આવી પતિની બાજુમાં બેઠા. એની સામે જોતા જટુભા બોલ્યા. “હજુ.. ગઈ કાલે તો અમે જ ઉતાવળ કરતા હતા. ગામે-ગામ જતા હતા. અને આજે એમ લાગે છે કે બહુ જલ્દી સમય નજીક આવી ગયો દીકરી.” જટુભાનો અવાજ ભાવમય હતો. “હજુ તો અમારે તારા ઘણા કોડ પૂરા કરવાના બાકી છે. હજુ તો ઘણું બધું બાકી છે અને તારા જવાનો સમય આવી ગયો.” હવે ત્રણેયના હૃદયમાં કરુણા વ્યાપી ગઈ. જટુભાનો અવાજ ઘૂંટાતો હતો. “બેટા..! સમયે મને સાથ ના આપ્યો. ન અમે તારા માટે દાગીનો કરી શક્યા કે ન તને દુનિયા દેખાડી શક્યા.” જટુભાને ગળે ડૂમો બાઝી ગયો. ત્રણેયની આંખ વહેવા માંડી. ખુરશી પરથી ઉતરી ઈલાબા બાપુના પગ પાસે બેસી ગયા. નાની બાળકીની જેમ એમના પગને વળગી પડ્યા. “બાપુ... તમે જરાય એવું ના વિચારો. તમે મને ભણાવી એ જ મારો મોટામાં મોટો દાગીનો છે બાપુ. અને તમારી સાયકલમાં હું કેટલું બધું ફરી છું. શેઠની ગાડીમાં આપણે જોગવડ, સપડા, વિજરખી કેટલી વાર ફર્યા બાપુ...!”
યશોદાબા અને જટુભા, દીકરીની સમજદારીભરી વાતોને, અપરાધીની જેમ સાંભળી રહ્યા. મોડી રાત સુધી ત્રણેય જણા ભૂતકાળના એક-એક દ્રશ્યો, ભવિષ્યની કલ્પનાઓ, લગ્નની તૈયારીઓ, સગા-વહાલાના સ્વભાવો, બનાવો, અણ-બનાવો વાગોળતા બેસી રહ્યા. કુલદીપ અને એના પરિવારનો ઉલ્લેખ ત્રણેયના દિલો-દિમાગમાં એક અનેરું ગૌરવ-ઉત્સાહ અને સન્માનની લાગણી ભરી દેતો હતો.
જટુભાનો પરિવાર ઘણા વખતે જિંદગીનો પ્રસન્ન ચહેરો જોઈ રહ્યા હતા. ઈલા નવા જીવનની સીડીના પહેલા પગથિયે ઉભી હતી.
==========