Sap Sidi - 6 books and stories free download online pdf in Gujarati

સાપ સીડી - 6

પ્રકરણ ૬

આગે ભી જાને ના તું.. પીછે ભી જાને ના તું.. જો ભી હે બસ યહી એક પલ હૈ....

જિંદગી ક્યાં જઈ રહી હતી? શું પોતે બહુ ભયંકર ચક્રવ્યૂહમાં ફસાઈ રહ્યો હતો કે ફસાઈ ગયો હતો? શું મૃત્યુ પોતાની આસપાસ જ ક્યાંક હતું? સંજીવને લાગતું હતું કે કોઈ પોતાનો પીછો કરી રહ્યું છે. ઘણા દિવસોથી કોઈ છુપાઈને પોતાને જોઈ રહ્યું છે.
ટ્રેન હવે પુરપાટ દોડવા માંડી હતી. સાધુ બની ગયેલા સંજીવે આજે પૂરેપૂરો સંસારી લિબાસ પહેર્યો હતો. સિદ્ધબાબાની આજ્ઞા હતી કે સાધુવેશ ત્યાગીને જ સંસારમાં જવું. સંજીવે અત્યારે બ્લેક ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેર્યા હતા. ડબામાં ખાસ કોઈ ન હતું. સંજીવની સામેની સીટ ખાલી હતી. અત્યારનું એકાંત સંજીવને ગમ્યું. એણે ઘણું વિચારવાનું હતું, યાદ કરવાનું હતું કારણ કે એ આજ ફરી પોતાના ભૂતકાળને મળવા જઈ રહ્યો હતો.
ભૂતકાળનું એક પાત્ર એટલે ગીધો. હોટેલ અન્નપુર્ણાના માલિક બની બેઠેલા ગીધાએ સંજીવનું નામ સાંભળતા જ બેહદ ખુશી વ્યક્ત કરી હતી. સંજીવની આગતા-સ્વાગતા કરવાની અને એ જે માંગે એ હાજર કરવાની મેનેજરને તાકીદ કરી ગીધો મારતી મોટરે હોટેલે આવી પહોંચ્યો હતો. ત્યાં સુધીમાં સંજીવે હોટેલના વી.આઈ.પી. ગેસ્ટ રૂમમાં સ્નાન કરી પેલા વટેમાર્ગુ તરીકે મળેલા જભ્ભો અને ધોતી વીટાળી લીધેલા હતા. શેઠને હોટેલમાં દોડતા આવતા જોઈ આખો સ્ટાફ નવાઈ પામ્યો હતો. એમાંય જયારે શેઠ સાધુને ભેટીને ચોધાર આંસુએ રડી પડ્યા ત્યારે તો સ્ટાફ અચંબામાં પડી ગયો હતો. સૌની આંખમાં સાધુ માટે આદર ભાવ પ્રગટ્યો હતો. સાધુની નાની ઉંમર પણ સૌને આશ્ચર્ય પમાડતી હતી.
“આ સાધુ મારા સાહેબ છે. આ હોટેલ એમની જ છે. હું તો એમની આગળ મામુલી પટાવાળો જ છું..” સ્ટાફને સંબોધીને જયારે ગિરધરે સંજીવની ઓળખ આપી ત્યારે સંજીવમાં બેઠેલો યોગી, માયાના વીંટળાઈ રહેલા આવરણને સ્પષ્ટપણે જોઈ રહ્યો હતો. દસેક વર્ષ પહેલા સંજીવ જયારે અહીંની કોલેજમાં પ્રોફેસર હતો ત્યારે ગીધો ત્યાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો. ગીધો અને સંજીવ એક જ ગામના હતા. ગીધાને સૂકીભાજી, સાબુદાણાની ખીચડી જેવી વાનગીઓ બનાવવાની સારી ફાવટ હતી. કોલેજમાં ગીધાની નોકરી ટેમ્પરરી હતી. સંજીવ ગીધાને ફાસ્ટ-ફૂડની લારી કરવા સમજાવતો. પૈસાના અભાવે ગીધો પાછો પડતો હતો. એક દિવસ સંજીવે ગીધાના ઘર પાસે એક લારી ખડી કરી. ગીધાને કહ્યું... “આજથી તારે મારા વતી આ લારી ચલાવવાની છે. માલસામાન બધો હું આપીશ.” એ જમાનામાં સંજીવે ત્રીસ ચાલીસ હજાર ખર્ચીને ગીધાને આ નવા ધંધે લગાડ્યો હતો. હા-ના, હા-ના કરતા ગીધાની લારી ચાલવા માંડી હતી. પહેલા ખાલી પાણી પૂરી, દાબેલી અને ઘૂઘરાથી શરુ કરેલી એની સફર ધીરે-ધીરે પાઉં-ભાજી અને પંજાબી–ચાઈનીઝ વાનગીઓ સુધી પહોંચી હતી. ધંધામાં થતી આવકમાંથી સંજીવ ગીધાને સિતેર ટકા રકમ આપી દેતો અને બાકીના ત્રીસ ટકામાં થોડા પોતાના ઉમેરી ગીધાના ધંધા માટે નવી સગવડો - ખુરશી, ટેબલ, ઓવન, મિક્સર જેવા સાધનો વસાવતો હતો. બીજા જ વર્ષે એક પાકી દુકાન ભાડે રાખી લીધી. બસ તે દિવસથી સંજીવે બધી જવાબદારી ગીધાને સોંપી દીધી. હિસાબ પછી કરીશું એમ કહેતા વર્ષો વીતવા માંડ્યા.
બહુ લાંબા ગેપ બાદ સંજીવનું નામ ગીધાએ સાંભળ્યું ત્યારે એ પળભર તો માની ન શક્યો. ચૂંટણીના દિવસો હતા. ગીધો પણ રાજકારણી બની ગયો હતો. સંજીવનો ફોન આવ્યો ત્યારે એ જીલ્લાપ્રભારી સાથેની મિટીંગમાં જ હતો. પહેલા પોતે પોતાની આવકમાંથી દસ ટકા લેખે સામાજિક કામોમાં દાન આપતો. ક્યારેક મંદિરમાં તો ક્યારેક નિશાળમાં. ક્યારેક વિદ્યાર્થીઓને ઇનામ તો ક્યારેક સંતોનું સન્માન કરતા-કરતા ગીધાનું નામ મોટું થવા લાગ્યું. બે બારણા વાળી દુકાન અને બાર માણસોનો સ્ટાફ રાખી એણે ફાસ્ટફૂડનું મોટું બેનર ઉભું કર્યું. જોત-જોતામાં આ અન્નપુર્ણા હોટેલ બની ગઈ. છેલ્લા ૪ વર્ષથી આ હોટેલ આખા શહેરની નંબર વન હોટેલ તરીકે વખણાતી હતી.
સ્ટાફને ઓળખ આપી દીધા પછી સંજીવ અને ગીધો એકલા પડ્યા ત્યારે રૂમમાં બેઠા બેઠા ગીધાએ પૂછ્યું. “ક્યાં ખોવાઈ ગયા હતા સાહેબ.. આટલા બધા વર્ષો સુધી?” પછી એની દાઢી અને જટા તરફ ઈશારો કરતા “આ બધું શું છે સાહેબ...ક્યાંક સાધુ-બાધુ તો....”
“એવી રીતે તો સાધુ નહિ પણ સાધક જરૂર બન્યો ગીધાભાઈ...” સંજીવે સ્થિર નજરે ગીધાની આંખમાં આંખ પરોવતા કહ્યું ત્યારે રાજકારણ રમતા-રમતા જાડી ચામડીના બની ગયેલા ગીધા શેઠને પણ એની આંખમાં ચમત્કારિક શક્તિ દેખાઈ. મનમાં મજાકનો ભાવ ગાયબ જ થઇ ગયો પણ ત્યાં સંજીવના વાક્યે એને ચોંકાવ્યો. “જો કે આ દાઢી અને જટા તો સમયનો અભાવ હોવાથી વધી ગયા છે. હવે નવરાશ છે એટલે ઉતારી નાખીશું.”
ગીધાએ તરત જ મેનેજરને બોલાવી વાણંદની વ્યવસ્થા કરવા સૂચના આપી. એક જ કલાકમાં સાધુ સંજીવ ફરી પ્રોફેસર સંજીવ બની ગયો. ગીધાએ સંજીવ માટે નવા વસ્ત્રોની પણ વ્યવસ્થા કરી અને તરત જ હોટેલ છોડી. સંજીવના પવિત્ર પગલા પોતાના જોગર્સ પાર્ક વાળા બંગલે કરાવવા તેઓ નીકળી પડ્યા.
એક સ્ટેશને ગાડી જરા થંભી એટલે સંજીવની વિચારધારા તૂટી. થોડી જ પળોમાં ગાડી ફરી દોડવા માંડી અને સંજીવ થોડો સમાધિસ્થ થવા માંડ્યો. હવે પોતાનું વતન બહુ નજીક હતું. અર્ધી જ કલાક. ત્યાં ઘણા પરિચિતો હતા, જે એને પરમ સિદ્ધિ પામતો કદાચ રોકતા હતા અથવા સિદ્ધબાબાના કહેવા મુજબ એ જ લોકોને લીધે પોતે પરમ સિદ્ધિ પામવા સક્ષમ બન્યો હતો. સંજીવની આંખ બંધ થઇ.
હજુ પંદર દિવસ પહેલાં જ ગુરુજી સિદ્ધબાબા સાથે એ સમાધિસ્થ થયો હતો એ દ્રશ્ય એની આંખ સામે દેખાયું.
લોબાનની સુવાસ કુટિયામાં ફેલાઈ ચૂકી હતી. વચ્ચોવચ્ચ પ્રગટાવવામાં આવેલા દીવાની જ્યોતના ઉજાસમાં દીવાલો પર બે પડછાયા પડતા હતા. સ્થિર જ્યોત ફરતે અનેરો ઉજાસ હતો. પરમ સિદ્ધિનો બહુ ઊંડો પ્રયોગ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. દીવાની ફરતે સાથિયાની રંગોળી હતી. એક તરફ બુજુર્ગ સિદ્ધ યોગી રામનાથબાબા હતા અને સામે ધ્યાનસ્થ મુદ્રામાં, ઝળહળતા ચહેરાવાળો, સંપૂર્ણ જડ બની ગયેલા દેહવાળો સંજીવ બેઠો હતો.
“દોઢેક ફૂટનો મારો દેહ, માથે ટકો, ડગમગતી ચાલ, નાના-નાના પગે, ટૂંકા-ટૂંકા ડગલે હું રમી રહ્યો છું. લાલ રંગની સાડીમાં લપેટાયેલી, પ્રેમાળ ચહેરાવાળી યુવાન સ્ત્રી મારી પાછળ પાછળ ફરી રહી છે. ફળિયાના એક ડેલા પાસે એક પ્રૌઢા બેઠી કૈંક સુધારી રહી છે.” જાણે દૂર દૂરથી આવતો હોય એવો અવાજ હતો સંજીવનો. સિદ્ધ બાબા એક ચિત્તે, એના ધીમે-ધીમે ફફડતા હોઠમાંથી નીકળતો ધ્વનિ સાંભળી રહ્યા હતા. પ્રયોગ સફળતાની લગોલગ પહોંચી ગયો હતો. પોતાની સામે બેઠેલો ચાલીસ-બેતાલીસની ઉંમરનો યુવાન, એની બે વર્ષની ઉંમર સાધવામાં સફળ થઇ રહ્યો હતો.
“અચાનક મને ઠેબું લાગતા હું દડી પડું છું. પગમાં કૈંક જુદો જ અહેસાસ થાય છે. માને ધાવતી વખતે થતો એવો અહેસાસ આ નથી, બાપાનો ગરમ હાથ માથે-વાંસે-છાતીએ ફરતો ત્યારે થતો એવો આ અહેસાસ નથી. કૈંક અજાણ્યો અહેસાસ છે અને હું રડી પડું છું. શું થયું મને? મને થયેલી પીડાને મારું બાળમાનસ પકડી નથી શકતું પણ ત્યાં જ પાછળ દોડતી આવી રહેલી મારી મા મને તેડી લે છે. મારા નાજુકડા પગ પર એ ચુંબન કરે છે, ફૂંક મારે છે અને પેલો પીડાનો અહેસાસ ગાયબ થઇ જાય છે. હું ફરી હુંફાળા, સુરક્ષિત, ખુશનુમા અહેસાસના પ્રદેશમાં પ્રવેશી જાઉં છું. મારે ફરી દડૂક દડૂક દોડવું છે પણ માં મને છાતી સરસો ચાંપી ચુંબનો વરસાવે છે, રડવાનું હતું મારે પણ આંસુ એની આંખ માંથી વહી જાય છે.”
આબેહૂબ વર્ણન ચાલી રહ્યું છે. સિદ્ધબાબા રામનાથ પોતાની સામે થઇ રહેલા ઈશ્વરના પ્રગટીકરણના સાક્ષી બનવા આતુર છે પણ ધીરજ ગુમાવવાની નથી. છ વખત પ્રયોગ નિષ્ફળ થઇ ચૂક્યો છે. સંજીવ જીવનના પાંચમાં વર્ષની સ્મૃતિ સુધી જઈ પાછો ફર્યો છે પણ આજ પહેલી વાર સંજીવ પોતાના બાળપણની બીજા-ત્રીજા વર્ષની જિંદગીમાં પહોચ્યો છે. બસ હવે ત્રણ જ વર્ષ સંજીવ આગળ જાય અને માના ગર્ભ માં...!
અચાનક સિદ્ધબાબાના ચહેરાની રેખાઓ તંગ થાય છે. સંજીવના કપાળ પર પરસેવાનું નાનકડું બુંદ જોઈ બાબા સચેત થાય છે. બહાર હજુ અંધકાર છે. બે કલાકમાં ઉજાસ થશે. એ પહેલા સંજીવને માના ગર્ભનો અહેસાસ થવો જોઈએ. પણ ચિત્ત પ્રદેશમાં પથરાયેલી ભૂતકાળની આ સ્મૃતિનો પથ કાપવો કપરો છે. માંડ માંડ સંજીવ અહીં સુધી પહોંચ્યો છે. જીવન-મરણનો ખેલ સર્જાઈ રહ્યો છે. સંજીવ સિદ્ધિના છેલ્લા પગથિયે છે. પણ આ ક્ષણ મરણતોલ છે.
“સંજીવ..ઓ બીટુ...જો જે.. મારા મરણ પહેલા.. મને મળવા આવી પુગજે દીકરા..!” અચાનક સંજીવના મોંમાંથી આ વાક્ય સરી પડે છે. અને સામે બેઠેલો દીવો ઓલવાય જાય છે. સંજીવનો દેહ ધ્રુજવા માંડે છે. એ જ ક્ષણે સિદ્ધબાબા ઝૂંપડીનું બારણું ખોલી નાંખે છે. ઠંડા પવનની લહેરખી સાથે એક યુવતી ભગવા વસ્ત્રોમાં દોડતી આવે છે અને સંજીવના કપાળ પર દીર્ઘ ચુંબન કરે છે અને સંજીવની આંખ ખૂલી જાય છે. બે-પાંચ ક્ષણ બાદ સંજીવ ચત્તોપાટ જમીન પર લંબાવી દે છે. યુવતી બાબા સમક્ષ હાથ જોડી બહાર જતી રહે છે અને બે સેવકો કુટિયામાં પ્રવેશે છે.
સિદ્ધબાબાની આંખોમાં નિરાશા વ્યાપી જાય છે. બંને સેવકો યંત્રવત રીતે સંજીવના શરીરને કુટિયાની બહાર લઇ જાય છે. ત્યાં સુધીમાં પેલી સાધ્વી આશ્રમની પોતાની ઓરડીમાં પહોંચી ઠંડા પાણીની ડોલ પોતાના દેહ પર રેડી લે છે.
પેલા બંને સેવકોના ગયા પછી બાબા રામનાથ માંડ-માંડ ઊભા થાય છે. કુટિયાની બહાર નીકળી વિશ્રામભવન તરફ પ્રયાણ કરે છે. એમના મસ્તિષ્કને પ્રશ્ન ઘેરી વળે છે. ‘કૈંક ખુટે છે...આધ્યાત્મની આટલી ઊંચાઈ સુધી, મંત્ર-તંત્રની પ્રચંડ સુરક્ષાના તમામ પહેરા વીંધી સંજીવને કોઈક વિચલિત કરી મુકે છે.” જ્યાં સુધી સંજીવનું ભીતરી તંત્ર.. એ દૂર-દૂરથી ઉઠતા આક્રન્દપૂર્ણ અવાજોના મોજાથી વિચલિત થશે ત્યાં સુધી ગુરૂદેવનો સિદ્ધમંત્ર પણ વિચલિત થતો રહેશે. સંજીવે એકવાર એ તમામ બંધનો, એ તમામ સ્નેહતંતુઓમાંથી મુક્ત થવા પોતાની દુનિયામાં પાછા ફરવું રહ્યું. અને બાબા વિશ્રામભવનની પાટ પર દેહ લંબાવી દે છે.
ટ્રેન ચીસો પાડતી, પાટા બદલાવતી, એકધારી પૂરપાટ ભાગી રહી છે.
સંજીવ વર્તમાનમાં પટકાય છે. બારી બહાર દૂર-દૂર એક મંદિરનું શિખર અને તેના પર ફરકતી ધજા જોવા મળે છે. એની જમણી બાજુ પાણીનો ટાંકો જોવા મળે છે. અરે આ તો પરિચિત દ્રશ્યો છે. તો શું પોતે પોતાના માદરે વતન આવી ગયો? રતન પર.. પોતાનું નાનકડું ગામ. સરસ્વતી નદીના કિનારે આવેલું રળિયામણું ગામ. ના.. ગામ સાવ નાનું ન હતું. વસ્તી દસેક હજાર ની. ત્યાં જ સંજીવને સરસ્વતી નદી પરનો ડેમ દેખાયો. કેવડો મોટો ડેમ...! રાજકારણી પિતાએ ઘણી વખત આ ડેમની વાતો કરેલી. અને સંજીવને માતા–પિતાના ચહેરા યાદ આવી ગયા. ઘણા વર્ષો વીતી ગયા.
ગીધાએ તેના મહેલ જેવડા બંગલામાં પોતાની આગતા-સ્વાગતા કરી ત્યારે જ સંજીવે શહેરના બીજા છેડે આવેલા પોતાના ઘરે જઈ મા-બાપને મળવાની ઇચ્છા વ્યક્ત કરેલી. પણ ગીધાએ માંડીને વાત કરી એ મુજબ પોતાના મા-બાપ તો એ મકાન વેચીને ક્યારના માદરે વતન જતા રહ્યા હતા. પોતાના જીવનમાં ઘટેલી દુર્ઘટના ફરી વખત સંજીવના દિમાગમાં ઉભરાવા લાગી. ત્યાં ગાડી સ્ટેશનમાં પ્રવેશી એટલે સંજીવે પણ ભૂતકાળમાં પ્રવેશવાનું ટાળ્યું.
ગાડી થંભી અને સંજીવે પ્લેટફોર્મ પર પગ મુક્યો ત્યારે પ્લેટફોર્મ પરની ભજીયાની દુકાને ભજીયા ખાઈ રહેલો કોન્સ્ટેબલ પરમાર ચોંકી ગયો. “અરે... આ તો ...!” અને એના મગજમાં અનેક તરંગો ઉઠ્યા. મફતના ભજીયા કરતા પણ મોટી બાતમી તેના હાથમાં આવી હતી. એને અર્ધું ભજિયું પડીકામાં નાખ્યું અને છાનો-માનો સ્ટેશન બહાર નીકળી ગયો.
આધ્યાત્મિક વિકાસના પંચાણુંમાં પગથિયાની નજીક પહોંચી ગયેલો સંજીવ સોમાં પગથિયે પહોચવા ફરી એકવાર સંસારમાં આવી પડ્યો હતો. શું એ સાપના મુખમાં પડ્યો હતો કે સીડીના પગથિયા ચઢી રહ્યો હતો? બેખબર સંજીવ પથદર્શક ગુરુના ઈશારે-ઈશારે ડગલા ભરવા માંડ્યો.
============