karnatak na mandiro books and stories free download online pdf in Gujarati

કર્ણાટક નાં મંદિરો

કર્ણાટકનાં મંદિરો
**************
અહીંના મંદિરોના ઘુમ્મટ સીધા પિરામીડ આકારના, રંગબેરંગી અને વચ્ચે વચ્ચે ગોખલાઓમાં મૂર્તિઈ વાળા હોય છે. મુરતુઓ ગાય પર કે ઊંટ પર બેઠેલી , હાથમાં ખડગ કે તલવાર જેવું શસ્ત્ર ધારણ કરેલી અને કેટલીક મૂર્તિઓ મોભ કે સ્લેબના બહાર નીકળતા છેડાને હાથથી આધાર આપતી જોવા મળે છે.
મંદિરના દ્વારપાળ તરીકે માતાજીના મંદિરની બહાર સુંદર વસ્ત્રાલંકારો સાથે, મોટી અણીદાર આંખો અને ધ્યાન ખેંચે તેવા ગોળ, પુષ્ટ સ્તનમંડળવાળી સ્ત્રીઓ હોય છે. તેમના હાથમાં બહાર હોય તો ઊંધો દંડ કે ઊંઘી ગદા હોય છે પણ મંદિરની અંદર કે ક્યાંક મુખ્ય દ્વાર પર હાથમાં દીપમાળ લઈ ઉભી હોય છે.
મંદિરની પગથી પાસે જરૂરથી પેઇન્ટેડ, ફૂલો અને ત્રિકોણો ની ડિઝાઇન ધરાવતી રંગોળીઓ હોય જ છે. ઉપરાંત દક્ષિણી કૌશલ્ય થી હાથે કાઢેલી રંગોળી કે નાની પુષ્પોની રંગોળી ખરી જ.
અહીં ચંપલ ગુજરાતની જેમ મંદિરના ઓટલે નહીં પણ છેક મંદિરના કમ્પાઉન્ડમાં પ્રવેશતાં જ કાઢવાનાં હોય છે.
મંદિરની બહાર, (કદાચ પુરુષ દેવોનાં મંદિર બહાર) એક પિત્તળ મઢેલો ઊંચો સ્તંભ હોય છે જે ખાસ્સો ઊંચો, લગભગ મંદિરની ધજા જેટલો હોય છે. નીચેથી પહોળો અને ઉપરથી સાંકડો હોય છે. શેરડીની ગાંઠો ની જેમ થોડા અંતરે તેની આસપાસ ગોળ કિનારો કરી હોય છે જેની ઉપર સુંદર કોતરણી સિંહ મુખ અને વેલ જેવી હોય છે.
પૂજારીઓ આપણે ત્યાં ભગવાં વસ્ત્રો પહેરે છે તેમ અહીં પીળાં વસ્ત્રો, હળદર જેવા રંગનાં પહેરે છે.
અહીં મારા વિસ્તારના સાત આઠ મંદિર ફર્યો, ક્યાંય મશીનથી આરતીનો ઘંટ કે નગારા વાગતાં ન જોયાં. વિશાળ ઘંટ નીચે દોરડાથી મનુષ્ય વગાડતો હોય.
ભગવાન કે દેવી અંધારામાં અને ઘણે અંદર હોય છે. તેમના હાર ખૂબ જાડા, મોટે ભાગે ગુલાબ, સફેદ ફૂલો અને ખાસ જાતનાં પીળાં ફૂલોનો હોય છે. અહીં તો લીલાં અને જાંબલી, વાદળી ફૂલો પણ મળે છે તેનો શણગાર ખાસ તો માતાજીની મૂર્તિ ઉપર હોય છે.
મૂર્તિઓ ઉપર મુગટ શંકુ આકારના અને નાનાં નાનાં અનેક રુપેરી પ્રકાશ આપતાં રત્નો જડિત હોય છે. કેન્દ્રમાં લાલ કે લીલું મોટું રત્ન હોય છે.
મૂર્તિ મેં બધી જ કાળા આરસની જ જોઈ. હનુમાનજી (અહીં સાઈડે જોતા અને મોટા, એકદમ લાલ હોઠ વાળા), રામ, કૃષ્ણ અને ગાયત્રી માતા પણ કાળાં!
અહીં માતાજીઓ પણ વચ્ચે પટ્ટા વાળી સિલ્કની કાંજીવરમ, મોરની કળા ની જેમ અર્ધવર્તુળમાં ફેલાયેલી સાડીઓમાં હોય છે.
બધે જ સ્ત્રી ભગવાન વધુ જોવા મળે છે. મારી નજીકમાં નજીક એક કોર્પોરેટ ઓફિસની અંદર બનાવેલું શિવ મંદિર દોઢેક કી. મી. દૂર છે. માતાજીઓ નાં દર 500 મીટરે એક છે. ક્યા ભગવાનનું છે તે ખુદ પૂજારીને પૂછવું પડે. બહાર નામ કન્નડ માં હોય છે.
મંદિરમાં દર્શન કરવા વચ્ચે સ્ટેનલેસ સ્ટીલ ની રેલીંગ હોય છે પણ બધે પુરુષ સ્ત્રીઓ અલગ લાઈનમાં ઊભતાં નથી.
આરતી બાદ કે દર્શન બાદ પંચામૃત અને સુગંધી અને અલગ જ મીઠા સ્વાદનું ચરણામૃત આપવામાં આવે છે.
મોટે ભાગે પડીયામાં સ્વાદિષ્ટ મસાલેદાર ભાત દરેક મંદિરમાં દર્શન બાદ પ્રસાદમાં મળે છે. ક્યારેક મીઠો લાપસી જેવો ભાત પણ મળે જેમાં કાજુ દ્રાક્ષ પણ હોય.
પૈસા નાખવા પિત્તળના પતરાં ની 'હૂંડી' પેટી હોય છે જે ઉભી થાંભલા જેવા આકારની હોય છે. આપણે ત્યાં લોખંડની વચ્ચે કાણું પાડેલી પેટી ગર્ભદ્વારના ઉંબરે હોય છે તેવી નહીં પણ દર્શન માટે પ્રવેશીએ ત્યાં જમણી બાજુ.
મંદિરોના સ્તંભો ઉભી પટ્ટીઓ વાળા અષ્ટકોણ આકારના હોય છે અને તેના ઉપર પણ કોતરણીઓ હોય જ છે. ટિપિકલ દક્ષિણી. ફિલ્મોમાં જોઈએ છીએ તેવા જ.
પૂજારીઓ અતિ શુદ્ધ ઉચ્ચારોમાં સંસ્કૃતમાં જ સ્તુતિ કરે છે.
ઘરની બાજુમાં આવેલ દોદમ્મા,યેલમ્મા, ચીકમ્મા મંદિર ત્રણ બહેન દેવીઓ નાં છે જે ત્રણે એક સાથે એક જ વર ને પરણી હતી કે પરણવાની હતી. એનો અર્થ મોટી, વચલી, નાની કદાચ. અહીં સવારે સાડાનવે આરતી થાય એટલે કૂતરાં જોરથી રોવે છે. કદાચ આરતી પછી મેં પછવાડે ઓટલો ધોવાતો જોયો ઍલે ત્યાં કુકડાનો ભોગ ધરાવાતો હશે. અંદર તરફ.
આ મંદિરમાં લોકો લાઈનમાં લીંબુઓ લઈ બેસે છે. પોતાને માથેથી લીંબુ ઉતારી પગ નીચે કચડે છે. એમ મનાય છે કે એથી પોતાની ઉપર લાગેલ બુરી નજર કે આપત્તિઓ ને કચડે છે. લાઈનમાં એક નાના અંધારા રૂમ પાસે કાળા પડદામાં ડોકું નાખે અને કોઈ સમસ્યા કહે. પૂજારી તેનો હલ કહે અને કોઈ કંકુ,ભસ્મની પડીકી આપે. લોકો અતિ આર્ત નાદે પોતાની સમસ્યા બોલે છે જે કન્નડમાં બોલતા હોઈ સમજાઈ નહીં.
બાકીનાં મંદિરોમાં એ જ સુગંધિત ચરણામૃત અને ભાત નો પ્રસાદ. ગાયત્રી મંદિરમાં સાંજનો વખત હોઈ વાઘરેલા સ્વાદિષ્ટ મમરા આપતા હતા. કોઈ પ્રખ્યાત ચવાણાને પણ ટક્કર મારે એવા સ્વાદિષ્ટ.
સ્ત્રીઓને પ્રસાદમાં ફૂલ કે જુઈની વેણી જરૂર આપે. અહીંની મોટે ભાગે નવયુવાન વસ્તીમાં કોઈ માથામાં ન નાખે તો પણ.
આરતી મોટી ભડકા જેવી જ્વાળાથી પહેલાં અને પછી મોટી દીપશિખા વાળી.
પુજારીએ ભડકા જેવી જ્યોત પંચધાતુની થાળીમાં લઈને આવે. આપણે ત્યાં છે એમ વાટ વાળી આરતી લઇને નહીં.
દર્શનીય છે અહીંના ભગવાનોનાં સ્વરૂપ.