Dhartinu Run - 9 - 2 books and stories free download online pdf in Gujarati

ધરતીનું ઋણ - 9 - 2

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

મોતની બાજી

ભાગ - 2

રાત પડી ચૂકી હતી. મુસ્તફાના શ્યુટમાં આદિત્ય અને આનંદ બેઠા હતા. આનંદે આદિત્યના જખમ પર ડ્રેસિંગ કરી આપ્યું હતું અને પેઇન કિલર તથા એન્ટીબાયોટીક પણ આપી દીધી હતી. તેથી આદિત્યની પીડા ઓછી થઇ હતી. મુસ્તફાએ પોતાન શ્યુટ પર ડ્રેસિંગનો સામાન, ટેબ્લેટસ તથા ટેટનેશનાં ઇન્જેક્શન જેવો બધો જ સામાન તૈયાર રાખ્યો હતો. તેને ખબર હતી કે આ ધમાલમાં કોઇપણ જખ્મી થઇ શકે છે. વળી ખાવા-પીવાની પણ પૂરી વ્યવસ્થા રૂમમાં હતી.

અત્યારે આદિત્યના ચહેરા પર મૂંઝવણના ભાવ છવાયેલા હતા. બપોરથી રાત થઇ ગઇ પણ ન તો પ્રલયના કોઇ સમાચાર હતા, ન મુસ્તુફાના સમાચાર, અત્યાર સુધી તેઓએ અહીં આવી જવું જોઇતું હતું. શું ખબર શું થયું હશે, પોતે જો ઘાયલ થયો ન હત તો પ્રલયને એકલો મૂકી ન દેત અને પ્રલયને એકલો મૂકવો પડત તો અત્યાર સુધીમાં ચોક્કર તે તેની તપાસ કરવા નીકળી પડ્યો હોત.

આદિત્ય અને આનંદે થોડું-થોડું ભોજન કરી લીધું હતું અને નાહી-ધોઇને કપડાં પણ ચેન્જ કરી નાખ્યા હતાં.

‘મી.આનંદ..જો એક-બે કલાકમાં પ્રલય અહીં નહીં આવે તો તેની તપાસ કરવા માટે આ શ્યુટમાંથી બહાર નીકળવું જ પડશે.’ આનંદ સામે જોઇ આદિત્ય બોલ્યો.

‘પણ આદિત્ય...તારી પીઠ પર મોટો ઝખમ છે...!’

‘મને તેની ચિંતા નથી. મી.આનંદ, અને આમ હાથ પર હાથ મૂકીને થોડું બેસી રહેવાય. પ્રલય કે મુસ્તફા સંકટમાં હોઇ શકે છે અને પકડાઇ પણ ગયા હોય શી ખબર...’

ઠક...ઠક...ઠકઠક...અચાનક સામેની બારી પર ટકોરા પડવા લાગ્યા. કમરાની નિરવ-શાંતિમાં ટકોરાનો અવાજ ગુંજી ઊઠ્યો.

ટક...ટક...ટક...ટકોરાનો અવાજ સતત આવી રહ્યો હતો.

બારીના કાચ ગોગ્લસ હોવાથી કોણ છે તે દેખાતું ન હતું.

બંને સફાળા ઊભા થયા.

‘આનંદ...આપણી પાસે હથિયારમાં અત્યારે કશું જ નથી. તું જલદી કિચનમાં દોડ અને કોઇ મોટું ચપ્પુ કે છૂરો શોધી આવ, અને હા કિચનમાંથી મરચાંની ભૂકી હોય તો ભૂકી લેતો આવજે. જલદી કર...’ આદિત્ય ધીમા અવાજે બોલ્યો.

આનંદ રસોડામાં દોડ્યો અને આદિત્ય બારી પાસે આવીને ઊભો રહ્યો.

ટક… ટક… ટક… સતત ટકોરા પડી રહ્યા હતા.

આનંદને રસોડામાંથી એક મોટો છૂરો અને દસ્તો મળી ગયાં. મરચાંની ભૂકી શોધવાનો પ્રયત્ન કર્યો, પણ રસોડામાં બધા ડબ્બામાં નાસ્તો ભર્યો હતો. કદાચ મુસ્તફા એકલો હોવાથી બહાર જ જમી લેતો હશે.

‘આદિત્ય...મરચાની ભૂકી તો ન મળી પણ આ દસ્તો પકડ હું બારીની સ્ટોપરને ઉઘાડું છું. જેવી બારી ખૂલે કે તરત જ તું આ દસ્તો બહાર ઊભેલા શખ્શના માથામાં ટ્રાન્સફર કરી નાખજે...’ ધીમા અવાજે બોલતો આનંદ બારી પાસે પહોંચ્યો.

આદિત્ય...દસ્તાને હાથમાં મજબૂત રીતે પકડીને બારી સામે ઊભો રહ્યો. તે દ્સાતના મારવા માટે હર પળે તૈયાર હતો.

ટક...ટક...અવાજ સાથે નીચા નમી જઇને આનંદ બારીના પટ ઉઘાડ્યા. ત્યારબાદ તે નીચે બેસી ગયો.

બારીના પટ ખૂલતાં જ દસ્તો મારવા ઉપર ઉઠાવેલા આદિત્યના હાથ હવામાં અધ્ધર જ રહી ગયા. આનંદ અને તે આશ્ચર્ય સાથે જોતા જ રહી ગયા.

બારી ખોલી નીચે બાસી ગયેલ આનંદને પણ પળભર આશ્ચર્ય થયું કે આદિત્યે મારવા માટે ઉગામેલો દસ્તો કેમ બારી બહાર ઊભેલા તે શખ્સ પર ટ્રાન્સફર ન થયો.

બારી ખૂલતાં જ બીજી પળે બહાર ટકોરા મારતો તે શખ્સ બારી કૂદીને અંદર આવી ગયો.

‘અરે...પ્રલય તું...?’ આશ્ચર્ય સાથે આનંદ ઊભો થઇ ગયો.

‘અરે ભાઇ...સારું થયું તે મને દોસ્તો ન માર્યો નહીંતર દસ્તો લાગતાં જ હું કેટલાય ફૂટ નીચે ફંગોળાયો હોત અને કરાંચીમાં જ મારા અગ્નિસંસ્કાર થઇ ગયા હોત...’ બારીના પટને બંધ કરતાં પ્રલય બોલ્યો.

‘પણ...પણ...પ્રલય, તેં અમને કેમ શોધી લીધા...?’ આશ્ચર્ય સાથે આનંદ બોલ્યો.

‘ભાઇ આનંદ...આ અવારી ટાવર્સના દસમા માળા પર મુસ્તફા રહે છે. તેની તો મને ખબર હતી. વળી અહીં આવતાં પહેલાં ઇન્ટરનેટ પરથી કરાંચીના આ વિસ્તારની એક-એક બિલ્ડિંગનું અધ્યયન કર્યું હતું.’

‘પણ...પ્રલય તને આટલીવાર કેમ લાગી...? અને મુસ્તફા ક્યાં છે...?’ આદિત્યે પૂછ્યું.

‘મુસ્તફાની તો મને ખબર નથી અને હું મારી વાત તમને પછી કહું છું, પહેલાં જલદી નાહે કપડાં બદલાવી નાખું અને મને ખૂબ જ ભૂખ લાગી છે. મને કાંઇ ખાવાનું કાઢી આપો.’

‘તું બાથરૂમમાં જલદી નાહી લે તારા માટે બાથરૂમમાં જ કપડાં પડ્યાં છે. અને નાસ્તોય તૈયાર છે.’ આનંદ કહ્યું.

‘આદિત્ય, તને કેમ છે...?’

‘મને સારું છે. મારુ ડ્રેસિંગ આનંદે કરી આપ્યું અને પેઇન કિલર ખાધા પછી દુ:ખાવો પણ ઓછો છે.’

ત્યારબાદ પ્રલયે ફટાફટ સ્નાન કરીને કપડાં બદલાવી નાખ્યાં અને પછી પહેલું કામ આદિત્યને ટ્રેટાનુસનું ઇન્જેક્શન આપવાનું કર્યું. ઇન્જેક્શન આપી તે જમવા બેઠો, જમતાં-જમતાં પ્રલયે પોતાની પૂરી વાત બંનેએ બતાવી.

પ્રલયની વાત સાંભળીને બંને છક થઇ ગયા.

‘પ્રલય...આવું ખતરનાક સાહસ તારે કરવાની જરૂર ન હતી.’ આત્મીયતાભર્યા સ્વરે આદિત્ય બોલ્યો.

‘તો શું કરું ? પકડાઇ જાઉં...? મારી પાસે બીજો કોઇ રસ્તો ન હતો. પકડાઇ ગયો હોત તો વળી આનંદ અને તારે મને છોડાવવા જેલમાં આવવું પડત.’ હસતાં-હસતાં...પ્રલય બોલ્યો.

‘આનંદ...તું ચિંતા ન કર. પાકિસ્તાનની એવી કોઇ જેલ નથી જે મુસ્તફાને વધુ સમય સાચવી શકે અને હું બેઠો છું, ત્યાં સુધી કોઇની તાકાત નથી. કોઇપણ સંજોગમાં મુસ્તફાને છોડાવી આવીશ, જો તે પકડાઇ ગયો હશે તો.’ મક્કતાપૂર્વક પ્રલય બોલ્યો.

પ્રલય, આદિત્ય અને આનંદ ત્રણે મુસ્તફાના સ્યુટમાં બેઠા-બેઠા ધીમા અવાજે વાતો કરી રહ્યા હતા. રાત પડી ચૂકી હતી. ચારે તરફ નિરવ શાંતિ છવાયેલી હતી.

અચાનક મુસ્તફાના સ્યુટની બહાર લોબીમાં ભારે બૂટનાં પગલાંનો અવાજ ગુંજી ઊઠ્યો.

ત્રણે જણા ચોકીં ઊઠ્યાં.

પગલાઓનો અવાજ નિરંતર તેમના સ્યુટ તરફ આગળ વધી રહ્યો હતો.

આનંદ ચૂપાચૂપ ઊભો થયો અને દરવાજા પાસે આવીને દરવાજા પર લગાવેલ મેગ્નિફાઇ ગ્લાસમાંથી બહાર નજર કરી.

વળતી પળે તે ચોંકી ઊઠ્યો.

‘પોલીસ...પ્રલય બહાર પોલીસ આવી ચૂકી છે.’ ધીમા દબાતા અવાજે તે બોલ્યો.

અને સ્યુટમાં ખોફનાક સન્નાટો છવાઇ ગયો.

ટક...ટક...ટક...દરવાજા પર ટકોરા પડ્યા.

દરવાજો ખોલો હું પોલીસ ઇન્સ્પેક્ટર આફ્રિદી આ બિલ્ડિંગને ચેક કરવા માટે આવ્યો છું. બહારથી ઇ.આફ્રિદીનો રુઆબદાર અવાજ સંભળાયો.

કંઇક વિચારીને..

પ્રલયે સ્યુટની લાઇટ બંધ કરી નાખી અને આદિત્યને બાથરૂમમાં છુપાઇ જવાનું કહી આનંદ સાથે તે દરવાજા પાછળના ભાગમાં ઊભો રહ્યો. ત્યારબાદ ધીરેથી દરવાજાની સ્ટોપરને ખોલી નાખી.

પ્રલયે વિચાર્યું કે પોલીસવાળા અંદર સુધી આવે તો તરત તેના પાછળથી રિવોલ્વર તાકી તેઓને મહાત કરીને છટકી જવું.

સ્ટોપર ખોલીને પ્રલય તથા આનંદ દરવાજાની પાછળ ભીંત સરસા ઊભા રહ્યા.

ધડામ...કરતો દરવાજો ખૂલ્યો અને ચાર પોલીસના ચુવાનો અંદર ધસી આવ્યા.

‘લાઇટ...લાઇટ નથી ટોર્ચ સળગાવો જલદી...’ બહારથી ઇ.આફ્રિદીના ચિલ્લાવાનો અવાજ આવ્યો.

ત્યારબાદ એક પોલીસનો યુવાન ટોર્ચ ચાલુ કરીને કમરામાં પ્રવેશ્યો.

અંદર તો કોઇ જ નથી લાગતું બબડતાં તે પોલીસના યુવાને ટોર્ચનો ગોળ વર્તુળાકાર પ્રકાશને એક દિશાથી બીજી દિશા તરફ ફેરવ્યો.

ટોર્ચનો લંબગોળાકાર પ્રકાશ ધીરે-ધીરે પ્રલય અને આનંદ છુપાયા હતા, તે તરફ આગળ વધતો હતો.

ટોર્ચનો પ્રકાશ પોતા પર પડે એટલે ખલ્લાસ...પ્રલય અને આનંદના ધબકારા તેજ થઇ ગયા.

ધડામ...અવાજ સાથે છૂટેલી ગોળી ટોર્ચને લાગી. ટોર્ચ તે પોલીસવાળાના હાથમાંથી છટકી અને ટુકડાના રૂપમાં નીચે વેરાઇ ગઇ.

ધડાકાનો અવાજ સાંભળીને ઇ.આફ્રિદી ચમક્યો અને પોતાની રિવોલ્વર હાથમાં લઇને દરવાજાની અંદરની તરફ દોડ્યો.

બહારની લોબીના આછા પ્રકાશમાં પ્રલયે ઇ.આફ્રિદીને અંદર પ્રવેશતો જોયો.

ધડામ...દાંત કચકચાવીને પ્રલયે ઇ.આફ્રિદીની કમરમાં એક જોરદાર લાત મારી.

એક ચીસ સાથે ઇ.આફ્રિદી સીધો નીચે પટકાયો. તેના હાથમાંથી રિવોલ્વર છૂટીને ફર્શ પર પડી ગઇ.

સ્ટીશ...અવાજ સાથે પ્રલયે એકાએક લાઇટની સ્વીચને ચાલુ કરી અને આફ્રિદીની સામે રિવોલ્વર તાકી.

ખબરદાર...જરાય આડા-અવળા થવાની કોશિશ કરી છે તો આ ઇન્સ્પેક્ટરની ખોપરીમાં ભુક્કો બોલાવી દઇશ. પ્રલય ગજર્યો.

વાતાવરણમાં ખામોશીભર્યા સન્નાટો છવાઇ ગયો. સૌ સ્તબ્ધ થઇ ગયા.

‘ચાલ, ઇસ્પેક્ટર ઊભો થા...’ પ્રલય આદેશભર્યા અવાજે બોલ્યો. તેના ચહેરા પર ભયાનક કાતિલ સ્મિત ફરકતું હતું.

‘તું અહીંથી છટકી નહીં શકે...પૂરી બિલ્ડિંગ પોલીસે ઘેરી લીધી છે તને આજ તારું મોત બોલાવી રહ્યું છે.’ ઊભા થતાં ઇ.આફ્રિદી કઠોર અવાજે બોલ્યો.

‘કોનું મોત કોના હાથમાં છે તે પછી નક્કી કરશું. પહેલાં સૌ હાથ ઊંચા કરીને સામે ઊભા રહો.’ થોડા આગળ આવીને પ્રલય બોલ્યો.

ઇ.આફ્રિદીનો ચહેરો રોષના કારણે તમતમી ગયો. તેની આંખોના રંગ લાલ થઇ ગયો.

‘તું એકવાર મારા હાથમાંથી છટકી ગયો તેનો મતલબ એ નથી કે તું અહીંથી જીવતો જઇ શકીશ. મારું નામ ઇ.આફ્રિદી છે. પાકિસ્તાનના ભલભલા ગુનેગારો મારા નામથી થર થર કાંપે છે.’ પછી ઇ.આફ્રિદીની વાત અધૂરી રહી ગઇ.

અચાનક લાઇટ ગુલ થઇ ગઇ. ઇલેક્ટ્રિસિટી પાવરમાં કાંઇક ખટકો ઊભો થયો હતો.

કમરામાં ગાઢ અંધકાર છવાઇ ગયો.

જેવી લાઇટ ગઇ કે તરત વિચાર્યે. ઇ.આફ્રિદીએ પ્રલય પર છલાંગ લગાવી દીધી.

ધડામ...કરતાં પ્રલય અને ઇ.આફ્રિદી બંને ફર્શ પર પટકાયા.

પ્રલય અને ઇ.આફ્રિદી નીચે પડતાં જ એકબીજામાં ભીડાઇ ગયા. પ્રલયની રિવોલ્વર છટકીને ફર્શ પર પડી ગઇ. અંધકારમાં ભયાનક યોદ્ધાઓની જેમ બંને એકબીજાને મહાત કરવા પ્રયત્ન કરતા હતા.

અચાનક ઇલેક્ટ્રિક પાવર ફરીથી શરૂ થઇ ગયો, તે જ સમયે બહારથી ચાર પોલીસના યુવાનો રાયફલ સાથે કમરામાં ધસી આવ્યા. પ્રલયને વિચારવાનો સમય મળે તે પહેલાં પોલીસના યુવાનો તેની સાથે રાયફલો તાકીને ઊભો થયો.

હજુ પણ પ્રલય અને ઇ.આફ્રિદી ફર્શ પર લડી રહ્યા હતા.

ધડામ...એક પોલીસે પ્રલયના કરમાં ભયાનક વેગ સાથે ઊંધી રાયફલ ઝીંકી દીધા. પ્રલય બેવડો વળી ગયો.

તે જ ક્ષણ આફ્રિદી માટે કિંમતી બની. પ્રલયની પકડ ઢીલી પડતાં જ તે છલાંગ મારીને ઊભો થઇ ગયો.

‘ચાલ...ઊભો થા...’ પ્રલય સામે ગુસ્સાથી કાળઝાળ થતો ઇ.આફ્રિદી ચિલ્લાયો.

આનંદને ઘણો અફસોસ થયો કે તે કાંઇ જ કરી ન શક્યો.

પ્રલય ઊભો થયો.

ઇ.આફ્રિદી આગળ આવ્યો અને ક્રોધ ભરાયેલા કાળઝાળ સિંહની જેમ પ્રલય સામે ઊભો રહ્યો.

‘તું શું સમજતો હતો...? ઇ.આફ્રિદીના હાથમાંથી છટકી જઇશ એમ...?’ કહેતાંની સાથે ભયાનક જોશ સાથે પ્રલયના ગાલ પર એક જોરદાર તમાચો તેણે જડી દીધો. પ્રલય બેકદમ પાછળ હટી ગયો. તેનું દિમાગ ઝણઝળી ઊઠ્યું.

ઇ.આફ્રિદીના આંખોમાં ભયાનક ક્રોધનો દાવાનળ ઊછળતો હતો.

ધડામ...ભયાનક તાકાત સાથે તેણે પ્રલયના પેટમાં એક ઠોસો રસીદ કરી દીધો.

વેદનાથી પ્રલયના મોંમાંથી ચીસ સરી પડી. તે બેવડો વળી ગયો.

‘એય સુવ્વર...તું પણ આગળ આવ...’ આનંદ સામે ક્રોધ ભરી નજરે જોતો ઇ.આફ્રિદી ચિલ્લાયો.

‘ચાલ આગળ વધ...એક પોલીસે આનંદને પાછળથી ધક્કો લગાવ્યો. આનંદ તેના ધક્કા સાથે આગળ ધકેલાયો.

‘હં...તો તું છે. વર્ષોથી જેલમાં સડતો દેશદ્રોહી કેદી.’ એમ તે કહેતાં જ જોરથી લાફો તેના મોં પર આફ્રિદીએ લગાવ્યો.

‘સાલ્લા...હવે તારી ખેર નથી. મારી મારીને તને તો ધોઇ જ નાખીશ...’ ક્રોધથી દાંત કચકચાવતાં આફ્રિદી બોલ્યો.

‘તું મને શું ધોઇ નાખીશ...તારા જેલર કાદર અલીને એકવાર પૂછી જોજે...તેણે મને કેટલો માર્યો છે, તું તો તેની પાસે મકોડી જેવ લાગસ...’ હસતાં-હસતાં આનંદ બોલ્યો.

‘અલવિદા તો તમારે ત્રણે થવાનું છે...’ ઇ.આફ્રિદી બોલ્યો. પછી ચોંકીને પ્રલય સામે જોતાં બોલ્યો, ‘અરે...તારો ત્રીજો સાથી ક્યાં છે. એને તો હું ભુલી જ ગયો.’

‘એ તારી અર્થીનો સામાન લેવા ગયો છે.’ વ્યંગમાં પ્રલય બોલ્યો.

‘ભલે લેવા ગયો...એ સામાન તમારા ત્રણે માટે કામ લાગશે.’ કહેતાં ઇ.આફ્રિદીએ બાજુમાં ઊભેલા પોલીસ યુવાનો સામે જોઇને કહ્યું, ‘તમે આ સ્યુટની તલાસી લ્યો. તે અહીં-અહીં જ છુપાયો હશે.’

અને બે પોલીસવાળા સ્યુટની તલાસી લેવા લાગી ગયા.

‘સર...સર...આ બાથરૂમનો દરવાજો અંદરથી બંધ છે. દરવાજાને ધક્કો મારી ચકસતાં એક પોલીસવાળો બોલ્યો.

‘તોડી નાખો...જલદી...સુવ્વરને બહાર કાઢો.’

અને બે પોલીસના યુવાનો દરવાજાને તોડવા માટે કામે લાગ્યા. પણ દરવાજો તોડવાની જરૂર ન પડી. આદિત્ય દરવાજો ખોલીને બહાર આવી ગયો.

‘હં...હવે ત્રિપુટી થઇ. સુવ્વરોએ કરાંચીની પોલીસના નાક દમ લગાવી દીધો હતો. ચાલો...જરાય ઉત્પાત કર્યા વગર મારી સાથે ચાલવાનું છે. નહીંતર હું તમને ગોળી મારતાં અચકાઇશ નહીં...મુવ...’ રિવોલ્વર તાકતાં ઇ.આફ્રિદી ચિલ્લાયો.

પ્રલયે લાચારીથી હોઠ ચાવ્યા. પછી પોલીસના ઘેરા વચ્ચે ત્રણે સ્યુટની બહાર નીકળ્યા. તેઓની પાછળ રિવોલ્વર તાકી ઇ.આફ્રિદી ચાલી રહ્યો હતો.

લોબીમાં ચારે તરફ સશસ્ત્ર પોલીસવાળાઓ ફેલાયેલા હતા.

સ્યુટમાંથી લોબીમાં આવતાં જ તેઓની સામે ચારે તરફથી રાયફલો તકાઇ.

‘ચાલ...હરામખોર...’ પ્રલયને પાછળથી ધક્કો મારતાં ઇ.આફ્રિદી બોલ્યો.

આગળ વધતા પ્રલયના કદમ એકા-એક અટકી ગયા. તેની આંખોમાં લાલ ટરસ ફૂટી. તેણે પાછળની તરફ ગરદન ફેરવી ગઇ. આફ્રિદી સામે સળગતી નજરે જોયું.

‘ચાલ..ચાલ..નહીંતર અહીં જ ધબેડી નાખીશ. મારી સામે ગુસ્સે થવાથી કાંઇ જ વળવાનું નથી. એય...તુંયે ચાલ...’ આદિત્યને પીઠ પર રિવોલ્વરનો કૂંદો મારતાં આફ્રિદી બોલ્યો.

‘ઓહ...’ જખ્મ પર રિવોલ્વરનો કૂંદો લાગતાં આદિત્યનો ચહેરો પીડાથી તરડાઇ ગયો. તેના શર્ટના પીઠવાળા ભાગમાં લોહીનો ધાબો ઊપસી આવ્યો.

‘ઇન્સ્પેક્ટર...મારા હાથમાં આવ એક વખત, તારી બધી હેકડી ભુલાવી દઇશ...’ પ્રલય બોલ્યો.

‘જા...જા...હવે..થોડીવારમાં જ તને કાળ કોટડી ભેગો કરી દઇશ. ધ્યાન રાખ...ત્યાં તને એટલો ટોર્ચર કરીશ કે તું પોતે ભૂલી જઇશ કે તું કોણ છો.’

‘જોશું...ઇન્સ્પેક્ટર...’ બેફિકરાઇથી ખભા ઉછાળતાં પ્રલય આગળ ચાલવા લાગ્યો.

***