Prem ke Pratishodh - 21 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે પ્રતિશોધ - 21

પ્રેમ કે પ્રતિશોધ-21



(આગળના ભાગમાં જોયું કે વિનય કેફેમાં બનેલ બનાવની અર્જુનને જાણ કરવા પોલીસ સ્ટેશને જાય છે. જ્યાં અનાયાસે જ અર્જુનને રાધી કોઈ વાત કે ઘટનાથી ભયભીત છે એવું જાણવા મળે છે. રમેશ અને દીનેશ એટીએમની બહાર રહેલ કેમેરાની ફુટેલ અર્જુન પાસે લઈ આવે છે. કેમેરામાં કેદ થયેલ દ્રશ્ય જોઈને ત્રણેય અવાચક રહી જાય છે.)


હવે આગળ......

“સર, આ તો....." આટલું બોલીને રમેશ અટકી ગયો.
“હમ્મ રમેશ, આ એજ બુરખા વાળી મહિલા છે જેણે વિનયના બેગમાંથી શિવાનીનું સેન્ડલ ચેન્જ કર્યું હતું, અને અહીં થી અજયને કોલ પણ તેણે જ કર્યો હતો."
“પગથી કરીને માથા સુધી આખું શરીર ઢંકાયેલું છે અને આંખો પર બ્લેક ચશ્માં, આને ઓળખવી તો બહુ મુશ્કેલ છે."દીનેશે નિરાશ સ્વરે કહ્યું.
“એક મિનિટ, આ શું કરી રહી છે....રિવાઇન્ડ કર તો..."અર્જુને રમેશને ઉદ્દેશીને કહ્યું.
રમેશ એ મહિલા પીસીઓમાં પ્રવેશી ત્યાંથી ફરી કેસેટ પ્લે કરી....
સૌપ્રથમ એને રસ્તાની બંને બાજુ નજર ફેરવી કદાચ કોઈ જોઈ છે કે નહીં તે ચકાસી રહી હતી. પછી પીસીઓમાં જઈ લગભગ 3 થી 4 મિનિટ અંદર રહી હશે. પરત ફરતી વખતે તેણે પીસીઓના કોર્નરમાં પડેલ એક ડસ્ટબીનમાં કંઈક ફેંકીને તે બહાર નીકળી......
“રમેશ તું ફરી પીસીઓમાં જઈને આ ડસ્ટબીન ચેક કર કદાચ એણે ફેંકેલ વસ્તુ આપણા કામની હોઈ શકે.. અને દિનેશ તું પીસીઓ ઓફિસે જઈ ગઈ રાત્રીમાં અજયના નંબર પર જે કોલ કરવામાં આવ્યો તેની રેકોર્ડિંગ લઈ આવ..... એક વખત તેની અજય સાથે શું વાત થઈ તે જાણવું પડશે..." બંનેને ઓર્ડર આપતાં અર્જુને કહ્યું, અર્જુનનો હુકમ મળતા બંને પોતપોતાને સોંપાયેલ કામ કરવા નીકળી ગયા.

તેમના ગયા પછી તરત જ અર્જુન પણ અચાનક કઈક યાદ આવતા જીપ લઈને કોલેજ તરફ નીકળી ગયો.
કોલેજનો સમય સવારનો હોવાથી વિદ્યાર્થીઓ તો હાજર ન હતા પણ કોલેજનો આખો સ્ટાફ અહીં જ અમદાવાદમાં હોવાથી અર્જુને રસ્તામાં જ પ્રાધ્યાપકને કોલ કરી આખા સ્ટાફને કોલેજે બોલાવવા કહ્યું.
અર્જુન જ્યારે કોલેજે પહોંચ્યો ત્યારે સ્ટાફના તમામ લોકો ત્યાં હાજર થઈ ગયા હતા.
“મેડમ, તમારી જ કોલેજના આ બીજા વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે. તમારે એ બાબતમાં કઈ કહેવું છે?"અર્જુને પ્રાધ્યાપક મેડમને સંબોધીને કહ્યું.
“સર, અજય અને શિવાનીના મૃત્યુથી અમને પણ આઘાત લાગ્યો છે... અને અમે પણ તેમના હત્યારાને પકડવામાં અમારાથી બનતી મદદ કરીશું."પ્રાધ્યાપકે કહ્યું.
“તો તમે જણાવશો કે આ બનાવ તમારી કોલેજના જ વિદ્યાર્થીઓ સાથે કેમ બની?"અર્જુને કઠોર સ્વરે કહ્યું.
“સર, તમે એમ કહેવા માંગો છો કે આ બધા બનાવ પાછળ ક્યાંય કોલેજ નો....."પ્રો. પ્રકાશે કહ્યું.
“મેં ક્યાં એમ કહ્યું કે તમારી કોલેજના કારણે આ બનાવ થયો છે. હા કદાચ કોલેજમાં એવી કોઈ ઘટના બની હોઈ......"અર્જુને ચોખવટ કરતાં કહ્યું.
“તમારા કહેવાનો અર્થ એ જ છે ને કે એવી કોઈ ઘટના બની હોઈ જે અમે બદનામીની બીકે કોલેજમાં જ દબાવી મૂકી હોઈ..તો એ તમારી આશંકા ખોટી છે સર"પરધ્યાપક મેડમે કહ્યું.
“કદાચ તમારી વાત સાચી હશે મેડમ, પણ જરૂરી તપાસ કરવી મારી ફરજ છે. હું જરૂર પડશે તો ફરી આવીશ....."અર્જુને સ્ટાફરૂમની બહાર જતા કહ્યું.

*****
બીજા દિવસે કોલેજે પણ ચારેતરફ એક જ વાતની ચર્ચા થઈ રહી હતી કે કોલેજના એક જ ગ્રુપમાંથી થોડાક જ સમયમાં બે વિદ્યાર્થીઓની હત્યા કરવામાં આવી છે. આખું કોલેજ પ્રશાસન પણ આ વાતથી ચિંતાગ્રસ્ત જણાતું હતું. તેમને બે વિદ્યાર્થીઓના મૃત્યુ કરતાં તો જો મીડિયા આવશે તો કોલેજની બદનામી થશે એનો ડર કદાચ વધારે જણાતો હતો.

વિનય કે તેના અન્ય કોઈ મિત્રો કોલેજે આવ્યા નહોતા, આજે પણ બધા સવારથી અજયના ઘરે જ હાજર હતા. અજયના મૃત્યુનો સૌથી વધારે આઘાત દિવ્યાને લાગ્યો હતો. તે તો અજય સાથે હોસ્ટેલ પાસે વિતાવેલી ક્ષણોને યાદ કરીને કલ્પાંત કરી રહી હતી.
વિનયે અર્જુનને મેસેજ કરી દીધો હતો કે આજે સાંજે 6 વાગ્યે હું અને રાધી કેફેમાં આવીને બધું વિગતે જણાવશું અને એને રાધીને પણ તેણે કોલ કર્યો ત્યારે અર્જુન ત્યાં જ હાજર હતો એમ જણાવી દીધું.
પહેલા તો વિનયની વાત સાંભળીને રાધીનું આખું શરીર ભયથી થરથરી ઉઠ્યું, પણ અર્જુને કઈ રીતે કુનેહપૂર્વક વાત કરીને તેમને મદદ કરવાનું કહ્યું છે તે જણાવી વિનયે રાધીના મનમાં ઉદ્દભવેલા પ્રશ્નોનું નિરાકરણ કર્યું.
******
રમેશે પીસીઓમાં જઈને આખું ડસ્ટબીન ફફોરી નાખ્યું તો તેને એક ફોલ્ડ કરેલું પેપર મળ્યું પેપર ખોલીને વાંચ્યા પછી તો તેની સ્થિતિ ‘કાપો તો પણ લોહી ન નીકળે' તેવી થઈ ગઈ......
તે એ પેપર લઈને ફટાફટ અર્જુનને બતાવવા પોલીસ સ્ટેશન આવ્યો જ્યાં દિનેશ પણ કોલ રેકોર્ડિંગ લઈને આવી પહોંચ્યો હતો.
બંને એક સાથે અર્જુનની કેબિનમાં અંદર પ્રવેશવા અર્જુનની પરવાનગી માંગી. અર્જુન દ્વારા અનુમતી મળતાં બંને કેબિનમાં પ્રવેશ્યા...
“તને કઈ મળ્યું ત્યાંથી, રમેશ?"અર્જુને પ્રશ્નાર્થ નજરે રમેશ સામે જોઈને પૂછ્યું.
“હા સર, એક લેટર તમારા માટે...." આટલું બોલી રમેશે ડસ્ટબીનમાંથી મળેલ પેપર અર્જુનને આપ્યો.
અર્જુને ફોલ્ડ કરેલ પેપર વાંચવા માટે ખોલ્યું, ફરી એ જ ટાઈપ કરેલ લેટર હતું. જેમાં લખ્યું હતું.
“હું જાણું છું અર્જુન, કે તું એક કાબેલ ઓફિસર છે અને અહીં સુધી જરૂર પહોંચીશ.....એટલે તારા માટે એક મેસેજ... Catch me if you can?"
આ વાંચીને અર્જુનને એટલો ગુસ્સો આવ્યો કે તે આ પેપરને ફાડીને ફેંકી દે, પણ આ પેપર પણ કાતિલ વિરુદ્ધ એક પુરાવો છે. એમ વિચારી એણે પેપર ડ્રોવરમાં મૂક્યું.
“રેકોર્ડિંગ મળી ગયું?"
પોતાના ગુસ્સા પર કાબુ મેળવતા અર્જુને એક સિગારેટ સળગાવી તેનો દમ ખેંચતા પૂછ્યું.
“હા સર, રેકોર્ડની ઓડિયો કેસેટ મળી છે, એક મિનિટ" દીનેશે એક ઓડિયો પ્લેયરમાં કેસેટ ચઢાવતાં કહ્યું.
તેણે પ્લેનું બટન દબવ્યું. ઓડિયો પ્લેયરમાંથી અવાજ આવી રહ્યો.
“હેલ્લો, કોણ?"
આ અવાજ અજયનો હતો.
સામેથી કોઈએ ભયમિશ્રિત સ્વરે કહ્યું,“અજય હું તારી શુભચિંતક, મને ખબર પડી ગઈ કે શિવાનીની હત્યા કોણે કરી છે."
“પણ તમે કોણ?"
“એ જણાવવાનો સમય નથી, તમારા ગ્રુપમાં અહીંથી સૌથી નજીક તારું ઘર છે. અને અત્યારે પોલીસ સ્ટેશને પણ કોઈ જવાબ આપવા વાળું હશે નહીં એટલે મેં તને કોલ કર્યો. હું તારા ઘરે આવું છું. પ્લીઝ જલ્દી મેઈન ડોર સુધી આવજે, જો તારી પહેલા શિવાનીનો કાતિલ મારા સુધી પહોંચી જશે તો પોલીસ ક્યારેય શિવાનીના ખૂની સુધી નહીં પહોંચી શકે......"પ્લેયરમાંથી આવતો અવાજ બંધ થયો...
અર્જુને થોડીવાર વિચારી કહ્યું,“હવે તમને સમજાયું કે કાતિલ અજય સુધી કેવી રીતે પહોંચ્યો હશે...."
“પણ સર, આ અવાજ સ્ત્રીનો જ હોઈ એમ જ લાગતું હતું, અને આપણે જે મહિલાને શિવાનીના સેન્ડલ બદલતા જોઈ હતી તેના હાથમાં જેન્ટ્સની વોચ હતી તો આ સ્ત્રી છે કે પુરુષ?"
“છે તો પુરુષ જ પણ આમ સ્ત્રીના કપડાં અને અવાજથી આપણે ગુમરાહ કરવા માંગે છે."અર્જુને કહ્યું.
“તો સર, એક અવાજના આધારે એને કેમ પકડી શકીશું?"દીનેશે પૂછ્યું.
તેના પ્રશ્નનો જવાબ અત્યારે તો રમેશ કે અર્જુન બંને માંથી એક પણ જોડે નહોતો.
અર્જુને પોતાની ચેર પર બેસતાં ખિસ્સામાંથી બીજી એક સિગારેટ સળગાવી....
અર્જુન જ્યારે ગહન મનોમંથન કરતો ત્યારે સિગારેટ ફૂંકવી તેની આદત હતી. અત્યારે અર્જુન કંઈ ગંભીર વિચારમાં છે એમ જાણી દીનેશ અને રમેશ અર્જુનની રજા લઈ તેની કેબિનમાંથી બહાર નીકળ્યા....

અજયને કોણે કોલ કર્યો હતો?
વિનય અને રાધી અર્જુનને શું જણાવવા માંગે છે?
અર્જુન કાતિલ સુધી કેવી રીતે પહોંચશે?
જાણવા માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ માતૃભારતી પર.
******

આપનો અભિપ્રાય અચૂક આપશો.
આભાર.
વિજય શિહોરા-6353553470