vartasrushti - 1 books and stories free download online pdf in Gujarati

વાર્તાસૃષ્ટિ - ૧

અંક પહેલો
'વાર્તાસૃષ્ટિ'ના પહેલા અંકમાં જાણીતા તેમજ નવોદિત વાર્તાકારોની અગિયાર વાર્તાઓ, એક અનુવાદ, એક આસ્વાદ, વાર્તાલેખન વિશે માર્ગદર્શનનો વિભાગ 'વાતે, વાતે વાર્તા' તો જોડણી વિષયક વિભાગ 'ભાષાસજ્જતા' છે.


પહેલી વાર્તા છે ડૉ.કેશુભાઈ દેસાઈની 'મધુરજની' :
વાર્તાનો એક અંશ.


બીજી સવારે દૂધવાળાએ વારંવાર બેલ વગાડ્યો, પણ પંકજ પઢિયારે એપાર્ટમેન્ટનો દરવાજો ન ખોલ્યો. છેક સાડા દસ વાગ્યે કામવાળી આવી. ડોરબેલ વારંવાર વગાડવા છતાં જવાબ ન મળ્યો. પાડોશીઓ ભેગાં થઈ ગયાં. બૂમાબૂમ છતાં દરવાજો ન ખૂલ્યો એટલે કોઈએ વેન્ટિલેટર પર ચડીને જોયું. પંકજ પઢિયાર સળવળ્યા નહીં, એટલે કોઈએ ફોન કરી ૧૦૮ બોલાવી. ડોક્ટરોએ વિવિધ ટેસ્ટ કર્યા, ઈસીજી અને ઈઈજી કાઢ્યા. સિટીસ્કેનમાં લોહીનો ગઠ્ઠો દેખાયો. સવારે ફોન ન આવ્યો એટલે લીના મહેતાને ચિંતા થઈ. વારંવાર વ્હોટ્સઅપ કરીને થાકી. રિસ્પોન્સ ન મળતાં ફોન જોડ્યો. મોડે સુધી રિંગ રણકતી રહી પણ કોઈએ ફોન ન ઉપાડ્યો. એ ધડકતા હૈયે, ચિંતાતુર ચહેરે વ્હોટ્સઅપનો છેલ્લો મેસેજ મમળાવતી રહી.


બીજી વાર્તા છે માવજી મહેશ્વરીની 'પાળિયા' :
વાર્તાનો એક અંશ :


"મતલબ?"
"મતલબ તમને તો એટલી જ ખબર છે ને કે મારા પપ્પા એક મોટા બિઝનેસમેન છે, કરોડપતિ છે. માર્કેટમાં અને સરકારમાં તેમની હાક વાગે છે. તમને આશા હતી કે આપણા લગ્ન થઈ શકશે? "
"મને તો અશક્ય જ લાગતું હતું. આ તો તેં ભાગી જવાની હિંમત બતાવી, નહીંતર તો શક્ય જ ન હતું."
"તમે એમ મનો છો કે કોઈ કરોડપતિ બાપને ખબર પડે કે એની દીકરી એક સામાન્ય યુવાનના પ્રેમમાં છે અને તેની સાથે લગ્ન કરવા માગે છે તે પછી એ એલર્ટ ન થઈ જાય? મારા બાપનું ચાલ્યું હોત તો મને મારી નાખી હોત."
"તો? કેમ શક્ય બન્યું? યાર, આટલા મહિનામાં તેં મને કશું પણ કહ્યું નથી."


ત્રીજી વાર્તા છે રાઘવજી માધડની : 'મામેરું' :
વાર્તાનો એક અંશ :


સાંજ તો માંડ પડી હતી. ન રહેવાયું કે સહેવાયું એટલે મોટાબાપુ પાસે બેસી હળવેકથી પૂછી જ લીધું હતું,
"બાપુ, મારે જ જાવાનું છે?" મારા સામે ઝીણી નજરે જોઈ રહ્યા હતા. ચશ્માની ડાંડલી સરખી કરી જરીક ઉખડેલા ભાવે બોલ્યા હતા,
"નો જવાય એવું હોય તો રે'વા દે..." પછી મોં ફેરવીને બોલ્યા હતા ;
"બીજા કો'કને ધકેલશું!" જવાબ સાંભળીને હું સમસમી જવાને બદલે ધ્રુજી ગયો હતો. કદાચ પહેલીવાર મને આવું ખડબદતું કે તિરસ્કારભાવ સાથે બોલ્યા હશે. સાંજનું સમધારણ વાતાવરણ હતું. છતાંય અકળામણ થવા લાગી હતી. મારે પૂછવાની જરૂર નહોતી પણ પૂછાઈ જ ગયું હતું. જવાબ આપ્યા મુજબ કોઈ બીજાને કહે, મોકલે તો પછી મારી આબરૂ શું? પરિવાર વચ્ચે મોટપનું પોત દીધું હતું. આ કોઈ મામુલી વાત નહોતી, એવું સમજતો હોવા છતાં ખાણખોદ થઈ ગઈ હતી.


ચોથી વાર્તા છે સ્વાતિ નાયકની 'હું મા નથી' :
વાર્તાનો એક અંશ :


સોનલ શું જવાબ આપે? શરીર ને શરીરમાં રહેલું મન ઘવાયા પછી સંબંધો એના એ રહે ખરા? હોવી એ પરબતની પત્ની રહી હશે? સોનુ-મોનુની મા? ઘરની વહુ તો નહીં જ રહી હોય. કારણકે વહુ તો આબરૂ ! ને જેની આબરૂ લૂંટાઈ હોય, એ વહુ કાઈ રીતે રહી શકે? તો પછી એ છે કોણ? 'એક ઓરત' રૂખસાના કહે છે એમ 'એક ઓરત.' બદલો લેવાનું એક હાથવગું સાધન. પ્રતિષ્ઠા છીનવી લેવાનું હથિયાર. રમકડું, જેનાથી આનંદમાં ય રમી શકાય અને નફરત હોય તોય રમી શકાય. સ્ત્રી એટલે નરકની ખાણ કહેનારા કદાચ નરકમાં થાય એવા પાપોના સંદર્ભમાં જ કહેતા હશે ને?
"ચલો ઉઠાઓ ઇસે." બોલી બે પોલીસે એને ઊભી કરી. બે ડગલાં ચાલી ત્યાંતો ચક્કર આવવા માંડ્યા. બારણાંનો ઉંબરો ઓળંગી બહાર આવી. કોણ જાણે કેટલા મહિનાઓથી અંધારામાં સડતી હતી એ! અજવાળું આંખમાં પ્રવેશ્યું ને એનાથી આંખો બંધ થઈ ગઈ. અજવાળાનો સામનો કરવાની આદત છૂટી ગઈ હતી. અચાનક તડકામાં આવવાથી અંધારા આવ્યા ને એ ફરી બેહોશ થઈ ગઈ.


પાંચમી વાર્તા છે મનહર ઓઝાની 'ન્યુઝ સ્ટોરી' :
વાર્તાનો એક અંશ :


"અરે... હું મઝાક નથી કરતી! ,સાચું કહું છું. વિશ્વાસ ન હોય તો ટીવી ચાલુ કરીને જોઈ લે."
"એટલે તું વહેલી ઓફિસે પહોંચી ગઈ છે?"
"ના,ના ઓફિસે તો હવે જઈશ. હું પ્રેસની ગાડીની રાહ જોઉં છું, કેમ કે અમારા વિસ્તારમાં પણ તોફાનો ચાલે છે. બાય ધ વે, મચ્છરસરે કહ્યું છે, કે તું તાત્કાલિક જમાલપુર પહોંચીને ત્યાંની પરિસ્થિતિનો રિપોર્ટ કર. જરૂર પડે તો ગાડી બોલાવી લેજે, ઓકે?"
"અરે પણ થયું છે શું એ તો કહે..?"
"આજે વહેલી સવારથી કોમી રમખાણો ફાટી નીકળ્યાં છે."
"વોટ..? કેવી રીતે..?"
એ બધી લાંબી વાત છે, ટૂંકમાં કહું તો કોઈએ ગાયની કતલ કરીને તેનું માંસ અને બોડી પાર્ટ્સ મંદિરમાં નાંખ્યા હતાં. જેના કારણે .... યુ નો? મારે હજુ ઘણું કામ છે. ઓકે બાય..."
છઠ્ઠી વાર્તા છે ગિરિમા ઘારેખાનની 'વલોપાત' :
વાર્તાનો એક અંશ :
પણ એમના અતિશય થાકેલા શરીરે આજે નીંદરની બાધા લીધી હતી. વિચારોનું ઘોડાપૂર પણ ઓસરવાનું નામ ન હતું લેતું. માતંગી કંઈ એમ જલદી હાર માને એમ ન હતી. એ આખો દિવસ કેમ કંઈ કર્યા વિના બેસી રહી એની જ એમને નવાઈ લાગતી હતી. એના કયા હથિયાર સામે પોતે કયું હથિયાર વાપરશે એ પણ વિચારી રાખ્યું હતું. પણ સામેનું માણસ 'મારે નથી લડવું.' કહીને કોઈ હથિયાર ઉપાડે જ નહીં તો જીતવાની મઝા શું? એણે કેમ આવું કર્યું હશે? અચાનક બિલાડીના 'મિયાઉં - મિયાઉં' અવાજથી સરલાબહેનની વિચારગાડી અટકી ગઈ.
"આ કભારજા હજુ અહીંથી ટળી નથી?" બિલાડીનો એક-એક કોશ જાણે 'મિયાઉં - મિયાઉં' બોલીબોલીને સરલાબહેનને બારણું ખોલવાની વિનંતી કરતો હોય, એવા એના અવાજથી એમની બેચેની વધતી જતી હતી.


સાતમી વાર્તા છે શ્રદ્ધા ભટ્ટની 'દાન' :
વાર્તાનો એક અંશ :


એ ક્ષણમાત્રનો બનાવ મારા મનને છિન્નભિન્ન કરીને મને સાવ પાંગળો બનાવી દેશે એવી તો ધારણા જ ક્યાંથી કરી હોય? મારી પ્રસિદ્ધિની સાથે સાથે 'છોટુ'નું નામ પણ ચર્ચાવા લાગેલું. એના નામની વાહવાહી હું મારા નામે ચડાવી રહ્યો હોઉં એવી અપમાનજનક લાગણીથી મારું મન તૂટી પડતું. મને મારું નામ, ખ્યાતિ, વાહવાહી - આ બધું જ ઉછીનું લાગવા લાગેલું. આત્મગ્લાનિના બોજ તળે હું ગૂંગળાવા લાગ્યો હતો. આ બધાંની અસર મારા કામ પર પડવા લાગી. હંમેશાં શ્રેષ્ઠ જ આપવાનો આગ્રહી હું ક્યારે નબળું ને કંગાળ પ્રદર્શન કરવા લાગ્યો એની મને ખબર જ ન રહી.


આઠમી વાર્તા છે અશ્વિન મજીઠીયાની સેકન્ડ મેરેજ :
વાર્તાનો એક અંશ :


સુરભી તેની જૂની બહેનપણી હતી. તેનું પિયર અહીં દહાણુંમાં જ હતું. તેના મેરેજ નહોતા થયા ત્યાં સુધી તો બેઉને એકમેક વગર ચાલતું જ નહીં. મનની બધી જ વાતો અને વિચારો, બધું જ બંને એકમેક સાથે શેર કરતી. પણ સુરભી પરણીને પૂના સાસરે ચાલી ગઈ પછી તેમની મુલાકાત ઓછી થવા લાગી હતી. ફોન પર વાતો થતી અને સંપર્ક બની રહેતો. બસ એટલું જ. સુરભીને વર તો સારો મળ્યો હતો. પોતાનો સ્વતંત્ર વ્યવસાય હતો. શ્રીમંત ભલે ન કહી શકાય, પણ ખાધેપીધે સુખી એવું ઉચ્ચ મધ્યમ વર્ગ સાસરું હતું. તે પછી સુરભીને એક દીકરો થયો, વિક્રમ. વરસો આમને આમ વીતતા ચાલ્યાં. સુરભીના પિતાનું ઘર બંધ થયું. આવરો જાવરો ન રહ્યો, તો દહાણુ સાથેના તેના સંપર્કો ઓછા થતા ગયા. તોય સમાચારો તો મળતા જ રહ્યા. કારણ વિભાવરીની નાની બહેન વર્ષા પણ પરણીને પૂનામાં જ હતી, તો તેની વાટે વાવડ મળતા રહયા.


નવમી વાર્તા છે રાધિકા ટીકુની 'બંસરીના સૂર' :
વાર્તાનો એક અંશ :


અને બંસરી તરત સ્મિત વેરવા લાગી. વાતોમાં પરોવાયાં, સાથે જમ્યા. વિખુટા પડતાં બાંસરીએ શુભ્ર મોગરાની કળીઓ અને પીળા રજનીગંધા, સુરાજમુખીનો સ્તબક સમર્થને આપ્યો.
"અરે ! કેમ ? કેમ ? આ બધું શું છે? હેં? શું આજે તારો જન્મદિવસ છે?" બંસરી મૂંઝાણી. ફક્ત માથું ધુણાવીને ઇન્કાર કરતી રહી.
"ના આજે મારો જન્મદિવસ તો નથી, પણ આજના રૂડા અવસરનું મારા જીવનમાં લાખેણું સ્થાન છે. આજથી બરાબર અગિયાર વર્ષ પહેલાં હું તને મળી હતી. બસ, આટલી જ અમસ્તી નાનકડી વાત છે."
"આટલી બધી ઔપચારિકતા ? ખરી છે તું તો !"


દસમી વાર્તા છે દિવ્યકાંત પંડ્યાની 'કમરબંધ' :
વાર્તાનો એક અંશ :


"કોઈ નહોતું. બસ અમે બે જ હતા. ને પ્લાન કેવો સાહેબ ? જો હોત તો ફસાયા થોડા હોત ! અમે તો બસ, વધુ વિચાર્યા વિના ચાલી નીકળ્યા હતા ચોરી કરવા. અમને શું ખબર કે એલાર્મ વાગશે ને ખબર પડી જશે ને અમારે ભાગવું પડશે. નહીં તો અમે આમ પકડાઈ થોડા ગયા હોત ! અમે તો આના પહેલાં બસ નાની-મોટી ચીજો ક્યાંકથી લઈને નીકળી જતા. આટલી મોટી અમારી ગણતરી જ નહોતી. સર, વિનયને અહીં બોલાવી આપોને પ્લીઝ." ક્લાટે હસ્યો અને સાથે બીજા પણ.
કલાટે : "આને મેળવી દો વિનય જોડે." એ બહાર નીકળ્યો. પાસે એક ટેબલ નજીક જઈ ઊભો રહ્યો. ત્યાં જ મૂલેએ આવીને કહ્યું, "સર, આ લો ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો અને એવિડન્સની બધી ચીજો."


અગિયારમી વાર્તા છે બાદલ પંચાલની 'એક પછી એક' :
વાર્તાનો એક અંશ :


અજયને આવી જ રીમા જોઈતી હતી. રીમા જ શું કામ ? એના જીવનનો દરેક માણસ એને પોતાના કહ્યા પ્રમાણે કરતો હોય એવો જ જોઈતો હતો. પણ પોતાને કોઈના કહ્યામાં નહોતું રહેવું. કદાચ એટલે જ છેલ્લા પાંચ વરસમાં તો એણે ચાલીસેક જેટલી નોકરીઓ બદલી નાખી હતી. પછી એણે નિર્ધાર જ કરી લીધો હતો નોકરી નહીં કરવાનો. એ નાના મોટા કાર્ટૂન બનાવી ન્યૂઝપેપર, મેગેઝિનમાં આપવા માંડ્યો. બધું ઓનલાઈન હતું એટલે બહુ વાંધો આવે એવું રહ્યું નહોતું.
"મને ગમ્યું રીમા." સાડી પહેરાવી, બંગડી-ચંદલાનો શણગાર કરી અરીસાની સામે ઊભેલા અજયે, રીમાના પપેટને પાછળથી વળગીને કહ્યું,
"મને ગમ્યું રીમા કે તેં નોકરી છોડી દીધી."


વાર્તા 'હુલ્લડ' : મૂળ શીર્ષક 'દંગા' : મૂળ લેખક : પરેશ પટનાયક : અનુવાદ : શરીફા વીજળીવાળા.
વાર્તાનો એક અંશ :


છૂટી ગયો એ. જીવ બચી ગયો. એ થોડેક દૂર કોઈ જાતની રોકટોક વગર ચાલતો રહ્યો. આખું ય શહેર અંધારામાં ડૂબેલું હતું. દૂરથી રીડિયામણ સંભળાતું હતું. એ છુપાતો છુપાતો આગળ વધી રહ્યો હતો, પણ શું આ રીતે બચીને જઈ શકાવાનું હતું? દરેક ચોકમાં એ લોકો ઊભા હતા, ખૂની ચહેરાઓ સાથે એક ચોકમાં ફરી એ લોકોએ એને ઘેરી લીધો. ચારે બાજુ ખતરનાક હથિયાર ઊછળી રહ્યા હતા. બધાના મોઢામાંથી ભૂંડાબોલી ગાળોનો વરસાદ વરસતો હતો.
"કોણ છે એ!"


ગમી ગયેલી વાર્તા : 'માય ઈડિપસ કોમ્પ્લેક્સ'
આસ્વાદ : શરીફા વીજળીવાળા :
વાર્તાનો એક અંશ :


અહીં હું 'માય ઈડિપસ કોમ્પ્લેક્સ' વાર્તાની વાત કરવાની છું જેનો અનુવાદ જયંત પારેખે કર્યો હતો અને વાર્તા 'ઊહાપોહ'માં પ્રગટ થયેલી.
પાંચેક વર્ષના બાળકના મોઢે વાર્તા કહેવાઈ છે. પિતા લશ્કરમાં હોવાથી માતાનો સંપૂર્ણ સમય, સઘળો પ્રેમ લેરીના ભાગે જ આવતો હતો. એ માતા સાથે દેવળ જઈ પિતાના પાછા આવવા અંગે પ્રાર્થના કરતો. પરંતુ પિતા ખરેખર જ્યારે પાછા આવે છે ત્યારે લેરીને પ્રશ્નો થાય છે. હોવી માનું ધ્યાન વહેંચાઈ જાય છે. એ પિતાનું ધ્યાન વધારે રાખે છે. ખાવાના ટેબલ પર માનું ધ્યાન લેરી તરફ નથી હોતું, ને રાત્રે સુવાના ઓરડામાં લેરીની જગ્યાએ હવે તેના પિતા છે. લેરી બરાબર ગુસ્સે થયો છે. માતાના પ્રેમ ખાતર લેરી પિતા સાથે હરીફાઈમાં ઉતારવા પણ તૈયાર છે. પિતાના જલ્દી પાછા આવવા માટે માતા સાથે રોજ પ્રાર્થના કરતો લેરી હવે આવું કહે છે :


રવીન્દ્ર પારેખ : 'વાતે વાતે વાર્તા '
વાર્તાલેખનના માર્ગદર્શનનો એક અંશ :


એક વાત નક્કી છે કે વાર્તામાં કૈંક બનવું જોઈએ. આ બનવું સ્થૂળ કે સૂક્ષ્મ સ્વરૂપે હોઈ શકે. તે રૈખિક ગતિ કે ચોક્કસ તર્કને અનુસરનારું પણ હોઈ શકે. જીવનમાં બનનારી ઘટનાઓને ચોક્કસ ક્રમ કે ગતિ હોય છે. જેમ કે બાળક જન્મે, તે મોટું થાય કે લગ્ન કરે કે વૃદ્ધ થાય તે એક પછી એક બનતી ઘટનાઓ છે. જીવનમાં બાળક મરી જાય પછી વૃદ્ધ થતું નથી, કે મૃત્યુ પછી જન્મે એવું પણ બનતું નથી. વાર્તામાં એ શક્ય છે. વાર્તાકાર વાર્તાને અનુરૂપ એવી ઘટનાઓ ગોઠવી શકે જેનો ક્રમ જીવનના ક્રમથી જુદો હોય. વાર્તાને વધુ રસિક બનાવવા વાર્તાકારને આમ કરવું અનિવાર્ય લાગતું હોય તો તે તેમ કરી શકે. પોતાની વાર્તાનો વાર્તાકાર ઈશ્વર છે ને અહીં તેનું સ્થાન તેનાથી જરા પણ ઊતરતું નથી.


મગન 'મંગલપંથી' : 'ભાષાસજ્જતા'
વાર્તાલેખનમાં જોડણી અંગે માર્ગદર્શનનો એક અંશ :


આમ, વ્યાકરણની સમજ હોય તો અર્થનો અનર્થ ન થાય. વ્યાકરણ શીખવું એ અટપટું કે અઘરું કામ નથી. આપણે વ્યાકરણને એક અલગ વિષય તરીકે ભારેખમ બનાવી દીધો છે અને એટલે સહુ કોઈ વ્યાકરણનું નામ પડે કે એનાથી દૂર ભાગે છે. જેણે શાળાનું પગથિયુંય જોયું નથી એવા ત્રણેક વર્ષના બાળકને સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગ અંગે ખ્યાલ ન જ હોય, તેમ છતાં એની ભાષામાં વ્યાકરણ સચવાય છે.


આપ જોઈ શકો છો મિત્રો કેટલું બધું વિષય વૈવિધ્ય છે આ સામયિકમાં ખરું ને? આટલી રૂપરેખા પરથી સામયિક વાંચવાનું મન થાય છે ને? કોમેન્ટમાં જણાવજો. મારી પ્રોફાઈલ પર આ સામયિકના બીજા અંકોની ઝલક પણ હું આપતી રહીશ. આપનું મંતવ્ય જણાવશો.