vartasrushti - 2 books and stories free download online pdf in Gujarati

વાર્તાસૃષ્ટિ - ૨

પહેલી વાર્તા છે સુવરની ઓલાદ લેખક છે ભગવતીકુમાર શર્મા
વાર્તાનો એક અંશ :

ડુક્કરની સાથે હું જાતે મરી હોત તો ઠીક થાત. એ હરામી તો દવા લેવા મોકલું તો રંડીબજારમાં ટળે તેવો છે અને પછી આવશે મારા નામની કાણ માંડતો. ખોં ... ખોં ..., તે કરે ને ટેસડા બીડી-તમાકુના, દારૂ ને એલફેલના.. સુવર, આ મારું શરીર જો; છે ને પહાણા જેવું! કાળજે કાળી બળતરા ઊઠે છે, બાકી કોઈ એબ નથી. જીભ... તલવાર જેવી છે, પણ ચરણનો હાથ ઝાલ્યા પછી કોઈની આગળ હજી સુધી જાંઘ ઉઘાડી નથી... હિંમત તો કોઈ કરે! સુવરને કાપી ન નાખું?સાલાનું અંગ જ છૂંદી ન નાખું ? ..... પેલો સાલો કેમ હજી પાછો ન આવ્યો ? સીધો પહોંચી ગયો મસાણમાં ? દાક્તરને ત્યાં આટલી વાર તો લાગે જ ને ? તેમાંય આ તો મોટો દાક્તર સુવવર ને દવા ની ટિક્કીલાગી જાય તો જાન છૂટે....

ત્રણ પત્રો, એક જૂઠ : રજનીકુમાર પંડ્યા
વાર્તાનો એક અંશ :

કોણ જાણે મને એ લોકોના ઘરમાં પેસતા વેંત શું સુઝ્યું કે આશ્વાસનનો ગોઠવેલો એકેએક શબ્દ મારી કોઈ અવશ મનોદશામાં વરાળ થઈને ઉડી ગયો. જીભે એવા કોઈ ફોફલા શબ્દો જ ન આવ્યા. તાત્કાલિક સ્મૃતિ એકાએક સરી ગઈ. મનમાં ગોઠવેલું કશું જીભે ન ચડ્યું. બસ મારાથી એકદમ, અચાનક, અણધાર્યું, અણચિંતવ્યું બોલી જવાયું: આ ઘરમાં મારા લાલા-બાળ કનૈયાની દિવ્ય ચેતના જન્મી છે. કૃપાળુ, મને એના દર્શન કરાવો. તમે દંપતી ધન્ય છો. મને લાલા પાસે લઈ જાઓ.

મરણોત્તર : હસમુખ કે રાવલ :
વાર્તાનો એક અંશ :

કેમેરા સામે બોલનારા અને રહી ગયેલા બધા પોતપોતાના મોબાઈલમાં ટકટક કરતા અંતિમયાત્રાની રાહ જોતા સમય પસાર કરતા હતા. તેમને હતું કોઈ પ્રધાન કે તેમના સરકારી પ્રતિનિધિની રાહ જોવાતી હતી. પણ મોટા દીકરાએ સૌને વંદન કરતા જાહેર કર્યું : અંતિમયાત્રા કેન્સલ છે.
"એટલે ?" સોપો પડી ગયો.
"તેમની ઈચ્છા મુજબ દેહદાન કરવાનું છે."

જાળું : અઝીઝ ટંકારવી :
વાર્તાનો એક અંશ.

દરરોજ રાત્રે ઓરડાને અંદરથી લોક કરી દેતી. રખેને અડધી રાતે... પેલી આંખો ધીમેથી દરવાજે ટકોરા દે.. ને પેલા જાળામાં એ ફસાઈ જાય.... અડધી રાતે એની આંખ ખૂલે ત્યારે ય દરવાજો બંધ કર્યો છે કે નહીં તેની ફરી ખાતરી કરી લેતી. ફફડાટ વચ્ચે રાત વીતતી, તો દિવસે ય એ રસોડામાં હોય, બા બાથરૂમમાં હોય ને જેઠાણી ફળિયામાં એમની બેઠકમાં પહોંચ્યા હોય ત્યારે એની આંખો ચકરવકર આસપાસ જોયા કરતી કે ક્યાંક તારી આંખો એને ભરડામાં ન લઈ લે.

એક પગથિયું ઉપર: કંદર્પ ર. દેસાઈ
વાર્તાનો એક અંશ :

તો પણ અમે છુટા પડ્યા એ હકીકત છે જોકે કડવાશ નથી સાવ નથી ના એવું નથી થયું એવું કે પહેલાં જેવું કશું ન રહ્યું આ પ્રેમ બહુ અજીબ ચીજ છે એ થાય એટલે પહેલાંના જેવા તમને રહેવા જ ન દે ન થાય તો તમને ખબર જ ન પડે કે તમારામાં કેવી જબ્બર શક્તિઓ પડેલી છે શિયાળાની ઠંડી રાતોમાં કપડાનો મીઠો તાપ છે અને એ જ પ્રેમ થયા પછી જ્યારે ન રહે આગ તો રહે જ છે બસ એ હોળીની પ્રચંડ જ્વાળાઓમાં ફેરવાઇ જાય છે બધું જ સ્વાહા કરી જાય.

ભરતી પછી નો દરિયો : અજય સોની :
વાર્તાનો એક અંશ :

મમ્મી એકાએક વચ્ચેથી ખસી ને ડ્રોઈંગરૂમ માં આવી. સોફાના એક છેડે બેસી ગઈ. એના ચહેરા પર જાણીતી ઉદાસી લિંપાયેલી હતી. અલગ જ ભાવો હતા. એકાએક કશુંક દ્રશ્યમાન થયું હોય એના ચહેરા પર જુદી રોનક હતી. એ મમ્મીની બાજુમાં બેસી ગઈ. મમ્મીના ખભા પર હાથ રાખ્યો. મમ્મીએ રુચિ સામે જોયું. મમ્મીની આંખમાં પાણી હતાં. રુચિ અજાણ્યા સુખથી લચી રહી હતી પણ મમ્મી જાણતી હતી કે રુચિના ચહેરા પર દેખાતી ભરતી ક્ષણિક છે. આના પછી જે ઓટ આવવાની છે એમાં ઘણું ખરું ઓસરી જશે એકદમ તળ દેખાઈ જશે. પછી તો...

બટકી ગયેલી ફાંસ : પારુલ ખખ્ખર :
વાર્તાનો એક અંશ :

એક સાંજે થાકીને આંખો બંધ કરી અને પોતાની ચેમ્બરમાં બેઠી હતી ત્યાં જ પટાવાળાએ આવીને એક કાર્ડ મૂક્યું.
'આ ભાઈ મળવા માંગે છે. મેં કહ્યું કે મેડમ ને મળવાનો સમય પૂરો થઈ ગયો છે તો પણ આ કાર્ડ પકડાવીને મોકલ્યો મને.' થાકેલી-કંટાળા ભરી નજરે એણે નામ વાંચ્યું 'જીગર પટેલ' જાણે વીજળીનો કરંટ પસાર થયો હોય એમ એ ટટ્ટાર થઈ ગઈ. મગજમાંથી એકસાથે અનેક વિચાર પસાર થઈ ગયા. સ્વસ્થતાથી બોલી,
'મોકલો'

બદલી : ડો. સ્વાતિ મહેતા :
વાર્તાનો એક અંશ :

"મમ્મી, તને ખબર છે ? બોલ નિતાંત મારા મેસેજનો જવાબ પણ નથી આપતો. ગઈકાલે સવારનો મેં મેસેજ કર્યો છે. આમ પણ જો ને... કેટલો બદલાઈ ગયો છે... વાળ વધાર્યા છે, કાનમાં બુટ્ટી પહેરી છે...."
"જરા શાંત થા, વાળ તો હાલ ઘણા છોકરાઓ વધારે છે. હાલ ફેશન પણ છે એટલે હશે. એની સાથે એનો મિત્ર પણ આવ્યો છે એટલે કંઈ કામમાં પડયો હશે. આમ અકળા નહીં ને જરા ધીરજ રાખ, આવશે સમય મળે એટલે જવાબ....."

અણસાર : પ્રફુલ્લ કાનાબાર :
વાર્તાનો એક અંશ :

"લાવો, તમને મદદ કરૂ." મલ્હારે તેનો હાથ લંબાવીને પેલી પાસે બંધ છત્રી માંગી. પેલી છોકરીએ મૂંગા મોઢે છત્રી મલ્હારના હાથમાં આપી. છત્રી આપતી વખતે તેના હાથનો અછડતો સ્પર્શ મલ્હા ના હાથ સાથે થયો. મલ્હારના શરીરમાં જાણે કરંટ લાગ્યો એક જ ટ્રાયલે મલ્હારે છત્રી ખોલી દીધી. પેલીએ આભાર માનવાને બદલે મલ્હાર પલળે નહીં તે માટે છત્રી મલ્હાર તરફ નમાવતી રહેતી હતી, પરિણામે બંને ભીંજાતા ચર્ચગેટના પ્લેટફોર્મ પર પહોંચ્યાં એટલે પેલીએ છત્રી બંધ કરીને મલ્હારને સાચવવા માટે આપી. મલહર સમજી ગયો કે આ છોકરી લેડીઝ ડબ્બામાં નહીં બેસે. સાત બાવીસની ટ્રેન ઉપડવાની તૈયારી હતી.

ઊંડા અંધારેથી : ધર્મેશ ગાંધી :
વાર્તાનો એક અંશ :

એક તરફ દેશની આઝાદીની લડતનો વિજય હતો તો બીજી તરફ 'તારી જમીન-મારી જમીન'ની લાલચમાં માણસાઈ પોતે લોહિયાળ જંગથી પરાસ્ત થઈ રહી હતી. આપસની ખૂનામરકીએ માણસના માણસ પરના વિશ્વાસની બેરહેમીથી કતલ કરી નાખી હતી. માનવતા શરમથી દમ તોડી ને ચિત્કાર કરી ઊઠી હતી. હિન્દુઓ ભારત તરફ અને મુસ્લિમો પાકિસ્તાન તરફ મહેનતથી કમાયેલું ભેગું કરેલું ધન, ઘર-બાર, જમીન-જાયદાદ બધું જ તરછોડીને માત્ર પોતાનો તથા પોતાનાંનો જીવ બચાવીને લોકો પોતપોતાના મુલક ભણી નાસી રહ્યા હતા. આમાં સૌથી વધુ જો કોઈએ ભોગવ્યું હોય તો એ સ્ત્રીઓએ....
આસ્વાદ :

જન્મોત્સવ વિશે : સુરેશ જોશી : આસ્વાદ : વિજય શાસ્ત્રી :
આસ્વાદનો એક અંશ :

ગાંધીયુગમાં દિનજનવાત્સલ્યની અઢળક વાતો થઈ. અહીં પણ વાત એ જ છે, પણ કથનરીતિ ને લીધે તેનો પ્રભાવ પુરોગામી ગાંધી યુગથી સાવ જુદો નિષ્પન્ન થાય છે. એક સ્પષ્ટરેખ સ્થિત્યંતર સુ.જો.થી આરંભાયું તે કબૂલ કરવામાં લઘુતાભાવ અનુભવાય એમાં માત્ર ને માત્ર દિલચોરીને પ્રમાણિક કેથોલિસિટીની ગેરહાજરી સિવાય કશું નથી.

ધૂમકેતુની પોસ્ટ ઓફિસમાં માનવીય જીવન મૂલ્યનો પત્ર : ધૂમકેતુ : આસ્વાદ ચૈતન્ય દેસાઈ
આસ્વાદનો એક અંશ :

આજના સમયની આધુનિક વાર્તાઓ કળાની દ્રષ્ટિએ એટલી સૂક્ષ્મ બનતી ચાલી છે કે ધૂમકેતુની વાર્તાઓમાં અનેક મર્યાદાઓ જડવાની. પરંતુ ગુજરાતી વાર્તાના પાયાનું ઘડતર એના પ્રારંભિક કાળે ધૂમકેતુ દ્વારા થયું છે તેને નકારી ન શકાય. તે સમયે એવી વાર્તાઓ જ સ્વાભાવિક અને સર્વસ્વીકૃત હતી, જેણે વાર્તાનું વાતાવરણ નિર્માણ કરવામાં ખૂબ મહત્વનું પ્રદાન કર્યું હતું. ગુજરાતી વાર્તાને તેનું સ્વતંત્ર સ્થાન, માન અપાવવામાં ધૂમકેતુ અગ્રણી વાર્તાકાર છે. સુંદરમ અને ધૂમકેતુની વાર્તામાં તત્વજ્ઞાન અને કવિતાનાં ભયસ્થાનો જોડે રમત લાગી છે તે બરાબર. પરંતુ ગુજરાતીમાં ટૂંકી વાર્તાનો કલારોપ ધૂમકેતુને હાથે જ રોપાયો અને પોષાયો ને ગુજરાત વાર્તાવંત બન્યું તેનો સ્વીકાર સુંદરમે પણ કરવો પડ્યો છે. એમના સમયમાં ગૌરીશંકર જોશી ગુજરાતી સાહિત્યકાશમાં ધૂમકેતુની જેમ છવાઈ ગયા હતા એ તો કેમ ભુલાય ? કેમ અવગણાય ? વળી, માત્ર કાવ્યતત્વને લીધે ધૂમકેતુની વાર્તાને નકારી ન શકાય કારણ કે એમની પછીની પેઢીના ઘણા વાર્તાકારો પણ કાવ્ય પ્રદેશમાં જઈ ચડ્યા છે.

દીવાલ : જ્યાં પોલ સત્ર : અનુવાદ : રવીન્દ્ર મહેતા
અનુવાદનો એક અંશ :

તમને યાદ દારૂગોળા ની ભાંગફોડ સાથે કોઈ લેવાદેવા છે અથવા નવમીની સવારે ક્યાં હતા અને શું કરતા હતા તે લોકો જવાબ સાંભળતાં નહોતા અથવા એવું લાગી રહ્યું હતું થોડીવાર માટે તેઓ શાંત રહ્યા અને પછી સીધું તેમના તરફ જોઇ લખવા માંડ્યું તેઓએ તેમને પૂછ્યું કે શું એ સાચું છે કે તે આંતરરાષ્ટ્રીય બ્રિગેડમાં છે.

સિપાઈ અને વજીર : મૂળ લેખક : શશિકાંત સિંહ શશિ : અનુવાદ : કુમાર જીનેશ શાહ
અનુવાદનો એક અંશ :

સફેદ ઘોડો ફી...ફી...ફી... કરીને દબાયેલા હાસ્ય હસ્યો. કારણ કે તેની ઉપર જાસૂસો ડોળો હતો. ક્યાંક દુશ્મન દેશના ઘોડા સાથે હળી-મળીને હસતા જોઈ જશે તો આખા કુટુંબ કબીલા સાથે ફોગટમાં માર્યો જશે. પોતાનું ડાચું જમણી બાજુ ફેરવીને એ હણહણ્યો.
"ઘોડાઓના નસીબમાં ચણા ક્યાં લખાયા છે બંધુ ? એ તો ઘોડેસવાર જ ઓહિયા કરી જાય છે પછી વજીર ફંડ ગળચી જાય છે. ઘોડા તો ઘાસફૂસ ઉપર જ જીવે છે. તમે પોતાની કહો, સાંભળ્યું છે કે તમારો રાજા મોટો દેશભક્ત છે. એ ઘોડાઓ માટે શું કરે છે ?"
વાર્તા લેખનનું માર્ગદર્શન

વાતે વાતે વાર્તા : રવીન્દ્ર પારેખ :
માર્ગદર્શનનો એક અંશ :

આજે પણ સત્ય ઘટના આધારિત વાર્તાઓને આપણે અહોભાવથી જોવા ટેવાયેલાં છીએ. પણ હવે સમજાયું હશે કે જેને સત્યઘટના કહીએ છીએ એ પણ કલ્પનાના અંશો તો ધરાવે જ છે તો કાલ્પનિક ઘટના ને સત્ય ઘટના વચ્ચે ભેદ રાખવાની જરૂર ખરી ? સત્ય ઘટના કે કાલ્પનિક ઘટના તે વાર્તા નથી એટલે ઉત્તમ વાર્તાકારે સત્ય કે કાલ્પનિક ઘટનામાંથી નિપજાવવાની તો છે વાર્તા જ. ને તેણે બંનેને વાર્તા બનાવવામાં મહેનત તો લગભગ સરખી જ કરવાની આવે છે.સામગ્રી કોઈ પણ હોય- સત્ય ઘટના કે કાલ્પનિક ઘટના વાર્તાકારે નિપજાવવાની તો વાર્તા જ છે.

જોડણી વિષયક માર્ગદર્શન. : ભાશાસજ્જતા :
વિરામચિહ્નો : મગન 'મંગલપંથી' :

ખાસ નોંધ :- ૧૫મી માર્ચ ૨૦૧૮ના રોજ અમદાવાદની ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ, શ્રી કે.કા.શાસ્ત્રી શૈક્ષણિક સંકુલના ઉપક્રમે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી ગુજરાતી લેખનશુદ્ધિ અને ભાષાકૌશલ્યની એક દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન અમદાવાદ ખાતે થયું હતું. આ કાર્યશાળામાં અંગ્રેજી શબ્દોના સંક્ષિપ્ત રૂપ સંદર્ભે થયેલી ચર્ચામાં વિષયનિષ્ણાતોએ અભિપ્રાય આપ્યો હતો કે સંક્ષિપ્ત રૂપવાળા શબ્દોમાં વચ્ચે પૂર્ણવિરામનું ચિહ્ન મુકવું નહીં અને તેને એક શબ્દ તરીકે સ્વીકારવા. જોકે, આ સૂચનોનો અમલ થશે કે કેમ એ એક સવાલ છે, કેમ કે અગાઉ પણ શ્રી કે.કા.શાસ્ત્રીની વડપણવાળી જોડણી સુધાર સમિતિએ પણ કેટલાક સુધારા સૂચવ્યા હતા, જેને પણ સાર્થ જોડણીકોશ માં સમાવવામાં આવ્યા નથી.