vartasushti - 3 books and stories free download online pdf in Gujarati

વાર્તાસૃષ્ટિ - ૩

વાર્તાસૃષ્ટિ અંક ત્રીજો
આ અંકમાં બધાં નિમંત્રિત વાર્તાકારોની વાર્તાઓ છે.
આ અંકમાં આમંત્રિત લેખકોની વાર્તાઓ તો છે જ એ ઉપરાંત એક પ્રસિદ્ધ ચિત્રકાર જગદીશ સ્માર્ટના રેખાચિત્રોને પણ આ અંકમાં સ્થાન આપ્યું છે તેનું કવર જગદીપ સ્માર્ટના એક સુંદર ચિત્રથી શોભે છે. આ ચિત્રને કારણે સામયિક ખૂબ આકર્ષક બન્યું છે.

પહેલી વાર્તા છે : પાપ : કેશુભાઈ દેસાઈ
વાર્તાનો એક અંશ.

એટલે ઘરવાળીની વિદાયને સવા વર્ષ થયું તે દિવસે હિંમત કરીને રૂઢિચુસ્ત સમાજને આંચકો લાગે એવી એક જાહેરખબર છપાવી. શહેરના સમૃદ્ધ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા નિ:સંતાન વિધુરને 'કેરટેકર' જોઈએ છે. પચાસથી ઓછી ઉંમરની તંદુરસ્ત મહિલાઓએ જ અરજી કરવી. લોકોને નવાઈ લાગી હતી. ચૌધરી સાહેબને આ શું સૂઝયું ? બંગલા છે, ગાડીઓ છે, પરિવારની લીલીવાડી નથી, એમાં તો કિસ્મતનો દોષ. બિચારાં જમનાબેન દેવી જેવાં હતાં. સવારના પહોરમાં એમનું મોઢું જોઈએ તો દિવસ સુધરી જાય. હવે એમના આયુષ્ય ની દોરી એટલી ટૂંકી એનો શો હરખ કે શોક ? પહેલી ભીંત પડે કે કરો - બેઉ સાથે પડે એવું તો ભાગ્યે જ બને. એ વાત સાચી કે ચૌધરી જેવા ભલા માણસ માટે આ પાછલી ઉંમરની વસમી એકલતા અઘરી તો પડે જ. રસોઈ કરનારી બાઈ રસોઈ કરીને જતી રહે, નોકર ચાકર, ડ્રાઇવર, માળી - આમ જુઓ તો બંગલો ભર્યોભર્યો લાગે પણ કમ્મર કોણ દબાવી આપે ? આ ઉંમરે પણ પુરુષ તો પુરુષ જ રહે છે. એને એના પુરુષપણાની ચળ ઊપડે ત્યારે કચરાપોતાંવાળી ને થોડી બોલાવી લેવાય ? એ તો ભલી હોય તો વખત પૂરતી સુઈ જાય પણ પાછળથી ભવાડો કરે ત્યારે શી વલે થાય!

હો જ્જાય પાર્ટી ! : રજનીકુમાર પંડ્યા :
વાર્તાનો એક અંશ :

બંધ હોઠને અકબંધ રાખીને ડાબી-જમણી વાંકાચૂકે હલાવે - આમાં એક વાર ચંદન બોલ્યો :
"લે પી..પી હવે ! બોલ કાચબો વધુ જીવે કે માછલી?" "કાચબો સો વર્ષ કાઢે." ભીયાએ કહ્યું.
"શરીરે મજબૂત કોણ ? કાચબો કે માછલી ?"
"કાચબો."
"માછીમારની જાળમાં ભરાય કોણ ?"
"માછલી. પણ તું કે'વા શું માંગે છે ?"
"છેલ્લો સવાલ." ચંદન બોલ્યો. "એમાં મારો જવાબ બી આવી જાય છે. બોલ ભીયા, માછલીયું હાડ હાડ થાય. કોથળા મોઢે વેચાય જ્યારે કાચબા ? કાચબા પ્રાણી સંગ્રહાલયમાં જાય. જલા જલા થાય. (લાડ પામે) એ મરવા પડે તો એની દવાયું થાય. બોલ, હવે તું કે ? સ્પીડી એવી માછલીનો અવતાર ધન્ય કે તારી જેમ ધીમે ધીમે તરનારા કાચબાનો ?

નામ વિનાની વાર્તા : મીનલ દવે :
વાર્તાનો એક અંશ :

"તારું નામ લખાયું છે આ ઘરમાં ? અરે, બાપને ઘેર પણ તારું નામ હતું ખરું ?" પોતે પંક્તિ જેટલાં હશે, જ્યારે પોતાના દાદા ચારધામની જાત્રા કરીને આવ્યા હતા. બધા છોકરાંઓ માટે પિત્તળની રૂપકડી પ્યાલી લાવેલા. દરેક છોકરાની પ્યાલી પર એનું નામ લખાવેલું, પણ પોતાની ને પુષ્પાની પ્યાલી નામ વિનાની હતી. એટલે કેટલાય વર્ષો લગી ભાઈઓ એમને બંનેને 'નનામી' કહીને ચીડવતા ! એક વખત પોતે મોટી માને પૂછેલું, અમારી પ્યાલી પર અમારું નામ કેમ નથી ?" ને મોટી માએ છીંકણી તાણાતાં જવાબ આપેલો, "લે, છોડીનાં તે ક્યાંય નામ હોતાં હશે ? એણે તો બધું મેલીને જવાનું સાસરે." ત્યારે પહેલી વાર ખબર પડેલી કે પોતાનું નામ બાપને ઘેર તો ન જ હોય. સાસરે હોતું હશે?

હું અને ગુલીયો મોટા થયા ત્યારે : બીપીન પટેલ :
વાર્તાનો એક અંશ :

અમારી વાતો સાંભળીને ગીતાબહેન બોલ્યાં, "હવે તો ભાઈસાહેબ ખમૈયા કરો. દુધી-રીંગણની જેમ માણસો કપાય છે. મોત સસ્તું થઈ ગયું છે. હે ભગવાન ! બચાવી લે મારા વ્હાલા !"
"હોમ નમો ભગવતે વાસુદેવાય ! હોમ નમો ભગવતે વાસુદેવાય !" નો જાપ કરતાં ફરી બોલ્યાં. "અખંડ જાપ કરીએ તો ગમે તેવી આફતમાંથી ય પાર ઊતરી જવાય. મારો વ્હાલો, કૃપાળુ બધું સરસ કરી દેશે. જોવો, તોફાન બંધ થઈ ગયા ને ?" શકુંતલાબેહેને અને ગીતાબહેનનો તપોભંગ કરાવતાં એમને વાતે વાળ્યાં.
"બોલ ગીતા, અમારાં જડીમા, સાત વર્ષથી પથારીવશ છે. બધું પથારીમાં, બોલ, આટલા બધા મર્યાં ને જડી માની ચીઠ્ઠી નથી ફાટતી. બે દા'ડા પહેલાં હું તો જોશ જોવડાઈ આઈ. જોશીડો મૂવો કે,
"બે વર્ષ વધારે સેવા કરો. હમણાં મૃત્યુ યોગ નથી."
"લોક ટપ ટપ મરે છે અને આમનું આયખું ખૂટતું જ નથી. અમરપટો લઈને આવ્યાં છે." ગીતાબેહેને હા, હા, કરતાં જ ચાલુ રાખ્યા.

હમામ : સુમંત રાવલ :
વાર્તાનો એક અંશ :

હું હાંફળો ફાંફળો અંદર ગયો તો કમરાની વચ્ચોવચ ફર્શ પર ફાતીમાનો દેહ પડયો હતો. માથાથી પગ સુધી સફેદ કફન ઢાંકેલું હતું. મારી છાતી ધડકી ગઈ. શ્વાસોશ્વાસ વધી ગયા અને ઠંડી હોવા છતાં શરીરે પસીનો છૂટી ગયો.. ગુણુકાકાને શું જવાબ આપીશ ? આ વિચાર આવતા મારા હાથ-પગ ઠરી ગયા. એક ચશ્મીશ દાક્તરે મારા ખભે હાથ મૂકતાં કહ્યું,
"હોસલા રાખિયે જનાબ.. જો હોના થા હો ગયા. ગુસલખાનેમેં સ્નાન કરતે વક્ત હાર્ટફેલ હો ગયા. આધા ઘંટે મેં સબ કુછ હો ગયા." ડોક્ટરના ગળામાં સ્ટેથોસ્કોપ ઝૂલતું હતું. શબની આસપાસ બેઠેલી ઓરતો ફાતીયા પઢી રહી હતી. બિરાદરીના બીજા લોકો ભીંતને અઢેલીને બેઠાં હતાં. વાતાવરણમાં સન્નાટો હતો અને ક્યારેક કોઈ ઓરતના ડૂસકાંનો અવાજ કાને પડતો હતો. ત્યાં ડોક્ટરે ફરી મારા ખભે હાથ મૂક્યો,
"અભી ને અભી ઉસકા શૌહરકો ઈત્તલા દો."

માતૃત્વ : આશા વીરેન્દ્ર :
વાર્તાનો એક અંશ.

બે દિવસ થયા નીલા આવી નહોતી. એનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. બદલીમાં રમીલાએ કામ કરી આપ્યું એટલે એને કંઈ તકલીફ નહોતી પડી, પણ અત્યારે સુમસામ રાતે નીલાની છેલ્લી વાત યાદ આવતાં એને પરસેવો છૂટી ગયો એને પૈસા ન આપવાનો પોતાનો નિર્ણય સાચો હતો કે કેમ એવી મનમાં દ્વિધા જાગી. કાલે સવારે ગમે તેમ કરીને નીલાની તપાસ કરવી પડશે. ફોન ન લાગે તો એના ઘરે જઈ આવું.

વિસરાતા સુર : જીતેન્દ્ર પટેલ :
વાર્તાનો એક અંશ :

એક સવારે દાદાએ ડીવીડી પ્લેયરની સ્વીચ ઓન કરી તો એ ચાલુ થયું નહીં. એમને પ્રશ્ન થયો, લાઈટ નથી ? પછી ભાન થયું કે પંખો તો ચાલુ છે. તો પછી ? એમણે કેટલાંય ફાંફા માર્યા, પણ ડીવીડી પ્લેયર ચાલુ થયું નહીં. થાકીને એ છોકરા પાસે આવ્યા :
"અલ્યાવ, તમારામાંથી કોઈ ટેપ ચાલુ કરતા આવડે છે ?" પરંતુ કાનમાં ઈયરફોન ભરાવીને બેઠેલાં છોકરા કાંઈ જવાબ આપે તો ને ? અંદરોઅંદર મલકતાં રહયાં.

દાદા નિરાશ થઈને પોતાની રૂમમાં પાછા આવ્યા. એ દિવસ માંડ એમનાથી પસાર થયો. એમને એ વાતનું આશ્ચર્ય થયું કે પોતાને ગીતોનું આટલી હદે બંધારણ થઈ ગયું છે!

સ્થિતયંતરો : ગિરીશ ભટ્ટ :
વાર્તાનો એક અંશ :

મૌન છવાઈ ગયું. ગાર્ગીને પણ પીડા થઈ હતી. કેવું કહેવાય ? સ્ત્રીની ઈચ્છાનું કોઈ મૂલ્ય જ નહીં. આ તો જિંદગીનો સવાલ હતો. વળી થયું કે દીદીએ પ્રતિકાર કેમ ન કર્યો. ને સ્પષ્ટતા પણ મળી,
"મા ને કહા કિ... વો નહીં માંગે નહીં માનેંગે. પૂરણી શાદી કર લે." પુરુષ કિસીકી નહીં સુનતે. નંદ તો ખુશ થે. મુજ સે, મેરે શરીર સે. પર ક્યા થા મેરે માન-સન્માન કે કિતને જેલસ થે.
તીનમાસ કે બાદ પાબંદીયા લગ ગઈ. કુલીન સ્ત્રીયાં નાચગાન મેં નહી જાતી. ઘરમેં રીયાજ કરો.
"ગાર્ગી, હું સાચું કારણ જાણતી હતી. મારું ચડિયાતા હોવું તેને પીડતું હતું. મને મળતું સન્માન ખૂંચતું હતું. એક પુરુષ બીજું શું કરી શકે?

વોટ્સએપ ફ્રેન્ડ : મનહર ઓઝા :
વાર્તાનો એક અંશ :

સ્નેહાએ વ્યોમેશને કડક શબ્દોમાં આવા જોક નહીં મોકલવા માટે લખ્યું. તોય બીજા દિવસે વ્યોમેશની પોસ્ટ આવી. આ વખતે જોક નહોતા. ફોટા હતા, સેક્સી સ્ત્રીઓ અને પુરુષોના. આ જોઈને સ્નેહા વધારે ચિડાઈ. તેણે કાજલને વ્યોમેશની ફરિયાદ કરી.
"આવું તો બધું ચાલ્યા કરે." કહીને કાજલે તેની ફરિયાદ ઉપર ઠંડુ પાણી રેડ્યું.

મૃત્યુ : એક છતનું : ગિરિમા ઘારેખાન :
વાર્તાનો એક અંશ :

કદાચ આ વાતો ઉપર પેલા આકાશે પણ સાંભળી લીધી હશે અને એનું હૈયું દ્રવી ઉઠ્યું હશે કે બહાર કમોસમી વરસાદનું તાંડવ ચાલુ થયું. મારી ઉપર તડામાર પાણી ઝીંકાતું હતું. નીચે રોહન પેલી છોકરી જોડે કંઈ જંગલિયતભરી રમત આદરીને બેઠો હતો. મારાથી જોવાતું નહોતું. મારી આંખોના ખૂણા ભીના થઈ ગયા. મને કંઈ દેખાતું ન હતું. ઉપરથી પાછો ધોધમાર વરસાદ નો અવાજ ! મને કંઈ સંભળાતું પણ નહોતું. થોડીવાર પછી જોયું તો રોહન પથારીમાં પહોળો થઈને નસકોરાં બોલાવી ઘોરી રહ્યો હતો અને પેલી છોકરી પથારીમાં વેરાઈને પડેલા એની કાચની બંગડીઓના ટુકડા ભેગા કરી રહી હતી. અરેરે! એની તપખીરી આંખોમાં ભરેલાં કુમકુમવરણાં સપનાંઓ પણ આ ગુલાબની પાંદડીઓ વચ્ચે ભૂકો થઈને પડ્યાં એનું શું ? આ બંગડીઓ સાથે એના જીવનના સપનાં પણ નંદવાઈ જ ગયાં હશે ને ?મને ખબર નહોતી પડતી કે હું તો મારી ઉપર ઝીંકાતા પાણીના ધોધની ચિંતા કરું કે એ છોકરીની આંખોમાંથી નીકળીને એની ગાલની સપાટી ઉપર રેલાતા ખારા દરિયાની?

સુપર પાવર : સ્વાતિ નાયક :
વાર્તાનો એક અંશ :

ઘરે આવી... નહાવાનું બાકી જ હતું.. નાહી લીધું ટેસ્ટના નામનું... સ્કૂલમાં પણ આજે બે સબ્જેક્ટની ટેસ્ટ હતી... કમને વાંચવા બેઠી. ફોનની સ્ક્રીન એને આમંત્રણ આપતી હતી કે લલકારતી હતી એ સમજાયું નહીં પણ એક અદમ્ય આકર્ષણ એને ફોન તરફ ખેંચી ગયું. કદાચ સ્ક્રીનની પેલે પાર પહોંચી જવાતે. પણ આજે મમ્મી બરાબર વોચ રાખી રહી હતી. એટલે માંડ વાંચવામાં મન પરોવ્યું. ફોનમાં બીપ અવાજ સંભળાયો. હવે તો જોવું જ પડે. ટ્યુશન નું વોટ્સએપ ગ્રુપ હતું. કદાચ ટાઈમ બદલ્યો હોય. પણ આ તો પર્સનલ નંબર હતો... અનુજ ? હાઈ? કહીને રોઝ મોકલ્યું હતું. એણેય ગમ્મત ખાતર 'હાઈ' કહ્યું તો એણે જાત જાતની પોસ્ટ ફોરવર્ડ કરવા માંડી.. સ્ટુપીડ..

કર્તા : દીના પંડયા :
વાર્તાનો એક અંશ. :
સિરાએ શિશુ-ભ્રુણ પર પસંદગીની મહોર મારી. એણે ઊંચી કિંમતે એ બાળક ખરીદી લીધું ને લેબના વાહનમાં ખાસ ડૉક્ટર પાસે પહોંચી ગઈ. ભારે કિંમત વસૂલી ડોક્ટરે એ બાળક માત્ર અડધા કલાકમાં સિરાના ગર્ભાશયમાં સ્થાપિત કરી દીધું.

છ મહિને બાળક નો જન્મ થયો. લેબમાંથી આપેલા ગેરંટી કાર્ડ પ્રમાણેનું જ બાળક પોતાની ગોદમાં ખિલખિલાટ કરતું આવી લાગ્યું. હરખાતાં નામ જાહેર કર્યું, 'માય બ્યુટીફુલ એન્ડ બ્રિલિયન્ટ બેબી રિચ.'

વહેતા સમય સાથે રીચ મોટો થવા લાગ્યો. સામાન્ય બાળકની તુલનાએ રીચનો શારીરિક તેમજ માનસિક વિકાસ ઝડપી છે. પણ શતપ કરતા રીચને દાદા-દાદીના લાડ પ્યાર ઓછા મળે છે. કારણ ના અંશનો ના વંશનો પત્તો બીજા પૌત્ર માંથી એમને મળી શકે એમ છે. કોઈ જીવવિજ્ઞાની દ્વારા રીચનું આગવી પ્રયોગશાળામાં નિર્માણ થયું છે.

પુસ્તક અને ગ્રંથપાલ નું આકાશ : દિવાન ઠાકોર :
વાર્તાનો એક અંશ :

પુસ્તકો સ્વાદિષ્ટ હોય છે. દરેક જણ એ જાણે છે. સીપ... સીપ શ્વાસ લીધો. પુસ્તકના પાનાની ગંધથી મગજ તર થયું. આજે સુગંધ યોગ રચાયો હતો. થોડે દૂર ખખડાટ થયો. ઢગલા પર નજર તાકી. ડોક નમાવીને ધારીને જોયું. નજરમાં કશું પકડાયું નહીં. ત્યાં કોઈના ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. કેટલાંક ચોપડીમાં માથું નાખી વાંચી રહ્યા હતા. કોઈ ધીમા સાદે વાતો કરતું હતું. અને કેટલાંક બગાસા ખાઈ રહ્યાં હતાં. તેણે ઢગલામાંથી પુસ્તકો લઈ નોંધણી કરવા માંડી. કામ લાંબુ ચાલ્યું. થાક લાગ્યો. કામ અટકાવી ઊભો થયો. નજર ખૂણામાં પડેલાં પુસ્તકો તરફ ગઈ. કાળો બિલાડો પુસ્તકના ઢગલાં પાછળથી નીકળીને સામે આવી ઊભો રહ્યો. બંનેની નજર એક થઈ. તે બિલાડાને જોઈ રહ્યો. સહેજ ભૂરા રંગની, પાતળી, ગુલાબી મોં અને પાતળી કમરવાળી બિલાડીએ ડોકું કાઢી 'મિયાઉ' અવાજ કર્યો. અવાજ સાંભળી બિલાડો તેની પાછળ દોડી ગયો. તેણે હાશ અનુભવી.

ઝરણ : ધરમાભાઈ શ્રીમાળી :
વાર્તાનો એક અંશ :

લીલાના હાથમાં દાતરડું એકાએક અટકી પડ્યું. ઓઢણાના છેડાથી મોં પરનો પરસેવો લૂછ્યો. ધોરિયાના ટેકે બેસી રડાય એટલું રડી લીધું.

'લો યે નંબર. છોરો તો રેડી હૈ. સમજો બાત બન ગઈ.' મહેન્દ્ર માટે બીજું બૈરું નક્કી કરતાં બોલાયેલા શબ્દો એને હલાવી ગયા. ખીંટીએ લટકતાં સસરાના પહેરણમાંથી લીલાએ પેલો નંબર લખેલી ચબરખી લીધેલી. કબજામાંથી મોબાઈલ કાઢ્યો.
'જે થવાનું હોય એ થાય ફોન પર વાત કરી જોઉં પેલી આવનારી બાઈ નો શો વાંક આદમીની જાતને તો એક ઉપર બીજી બીજી ઉપર ત્રીજી..'

મોબાઈલ ચાલુ કર્યો. સેવ કરેલો મહેન્દ્રનો ફોટો આંખોમાં પહાડી તડકાની જેમ તગતગી ગયો. રોજ તો ફોટો જોઈને દિવસો પસાર કરતી હતી. પણ આજે ફોટા સામે જોઈ રહી. વિચારો પીછો છોડતા ન હતા. આંખો આગળ જાણે ઘરમાં ફરતી પેલી દુસરી લુગાઈના નિસાસા વરતાવા લાગ્યા. વરતાતા નિસાસાનું દ્રશ્ય રચાવા માંડ્યું.

શરત : કંદર્પ ર દેસાઈ :
વાર્તાનો એક અંશ :

મમ્મી-પપ્પાના ઘરેથી પાછી આવી ત્યારે અમૃતા બરોબર સમજી ચૂકી હતી કે યુદ્ધ શરૂ થઈ ગયું છે. પોતાની એકલતા સામે, પોતાની મરજી મુજબ જીવવા માટે. બધા નિર્ણયો હવે જાતે જ કરવાના છે! ખુશીની પળો વહેંચી શકાશે, પણ એ અંગત માણસો નહીં હોય. દુઃખની પળોમાં રડવું આવે, રડી શકાશે પણ ત્યારે કોઈ પોતીકો ખબર નહીં મળે. પહેલી વાર પેટમાં કિક વાગી એનો રોમાંચ એકલાં માણ્યો. ત્રિપ્લેટમાંથી એકને દૂર કરવાનો નિર્ણય પણ જાતે જ કર્યો. લોકો મદદમાં જરૂર આવે, પણ પગમાં સોજા આવ્યા હોય ત્યારે ચંપલ પહેરવા ઠીક રહેશે કે સ્લીપર તેની ચર્ચા કરી શકાય તેવું કોઈ નથી. ગાઉન પહેરીને ઓફિસ જઈ શકાય ? એ અંગે સલાહ કોણ આપે ? જમવાનું નથી ભાવતું પણ ફરજિયાત જમવાનું છે, એવું જાત સિવાય સમજાવનાર કોઈ બીજું નથી. હું કંઈ તટસ્થતાથી આ બધું જોઈ શકતી નથી. પીડા થાય છે. પણ ક્ષણવાર પણ એવો વિચાર નથી આવતો કે આ બાળકોનો નિકાલ કરી દઉં
!
વાર્તાલેખન માર્ગદર્શન
વાતે-વાતે વાર્તા : રવીન્દ્ર પારેખ :

વાર્તાકાર આ કામ કરે છે. તે કોઈ ઘટનાને બની તેમ ઉતારી જતો નથી. એ તો છાપામાં છે જ. એમાં એણે શું ધાડ મારી ? પણ જો એ ઘટનામાં વળાંક પોતીકો ઉમેરે તો એનું પ્રદાન થયું. વાર્તા એને લીધે બને છે. વાર્તાકાર ઘણીવાર કોઈ બનાવ ક્યાંકથી ઉપાડે એવું દર વખત ન પણ બને. વાર્તાકાર સર્જક છે. ઘટના એ પોતે પણ સર્જી શકે. વળાંક એ પોતે આપે એવું પણ બને.

ભાષાસજ્જતા-અનુસ્વાર : મગન 'મંગલપંથી'

ધ્યાનમાં રાખવા જેવા કેટલાક શબ્દો
નિદ્રા - 'નિ' પર અનુસ્વાર ન આવે.
મહેક - 'હે' પર અનુસ્વાર ન આવે.
હોશિયાર - 'હો' પર અનુસ્વાર ન આવે.
સાંનિધ્ય - 'સા' પર અનુસ્વાર આવશે.
મોઢું - 'મો' પર અનુસ્વાર ન આવે.
શબ્દકોશનો ઉપયોગ કરવામાં આવે અને થોડું ધ્યાન રાખવામાં આવે તો આવી ક્ષતિઓ જરૂર ટાળી શકાય.

અનુસ્વાર પુલ્લિંગ પણ છે અને નપુંસકલિંગ પણ છે એટલે 'અનુસ્વાર કર્યું' અને 'અનુસ્વાર કર્યો' એમ બંને રીતે કહી શકાય. અનુસ્વારના બધા નિયમો કદાચ યાદ ન રહે અને નિયમો જાણી લેવા એ જ પૂરતું નથી. સતત મહાવરા અને શબ્દકોશના ઉપયોગથી અનુસ્વારના દોષ થી બચી શકાય છે. શ્રી સુન્દરમના 'અનુસ્વાર અષ્ટક'માં અનુસ્વારના નિયમો સરળ રીતે સમજાવેલા છે, એનો પણ અભ્યાસ કરવો જોઈએ.

જોયું મિત્રો, વાર્તાઓના વિષયોમાં પણ કેવું વૈવિધ્ય છે. આ તો માત્ર અંશ છે. આખું સામયિક વાંચો તો ઉત્તમ વાર્તાઓનો પરિચય થયા વિના રહે નહીં.