AAV BALA PAKAD GALA books and stories free download online pdf in Gujarati

આવ બલા પકડ ગલા

આવ બલા પકડ ગલા..!

મને ગાળ આવડતી નથી. જે લોકો આને ગાળ સમજતા હોય, તેમને ખબર નથી કે, ગાળ કોને કહેવાય..? માટે બદનામ તો કરતાં જ નહિ કે, હું વાતાવરણ ડહોળું છું. જેટલું ડહોળાવાયેલું છે, એટલું બસ છે. મારે એમાં ગાળની કોઈ સખાવત કરવી નથી. પાકિસ્તાનના સોગંદ ખાયને કહું કે, કોઈના સત્યનું નાશ કરવાવાળો હું કોણ..? બધ્ધું બોલતાં આવડે, ગાળ બોલવાની ફાવટ હજી પાકટ ઉમરે પણ આવી નથી. ધરતી ઉપર ૩૩ કરોડ દેવતાની બેલેન્સ છે. ( આ ૩૩ કરોડનો આંકડો, ચાર્ટડ એકાઉન્ટન્ટે આપેલો નથી, એ લોકો પાસે વિજય માલ્યાનો હિશાબ મળે, ભગવાનની સંખ્યાનો નહિ. માત્ર શ્રધ્ધા અને વિશ્વાસનો મામલો છે..! માટે કોઈએ પણ પુરક પ્રશ્નો પૂછવા નહિ..! }

તાજ્જુબની વાત તો એ કે, ૩૩ કરોડ પૈકી, પૈકી એક પણ દેવતાની અડફટે હું આવ્યો નથી. એવું કોઈ અઘોર કૃત્ય પણ નથી કર્યું, કે જેથી તેઓ નારાજ થયાં હોય. છતાં ખબર નહિ, ગાળ બોલવાની આવે એટલે ગેંગેં-ફેંફે થઇ જવાય સાલું ..! ઘણાને છડેચોક ગાળો બોલતાં જોઉં ત્યારે એમ થાય કે, શું આ લોકોને ભગવાનની કૃપા મળી હશે કે અવકૃપા..? અંગત વાત કહું તો, અમુક તો ગાળ બોલ્યા વગર જ અમારા રેશનકાર્ડ માંથી નાબુદ થઈને ઉપર પહોંચી ગયાં છે..! બિચ્ચારા...!

મૂંઝારો તો ત્યારે થાય બોસ, કે સામેથી એકધારા ગાળ-શસ્ત્રો છૂટતાં હોય, ને આપણે ‘ઓમ શાંતિ ઓમ’ ના જાપ જ જપવાના આવે..! ગાળની સામે ગાળ બોલવા માટે, ક્રિકેટના ‘રનર્સ’ ની માફક કોઈ અભ્યાસીને ભાડે થોડો રખાય..? ગાળ સાંભળી હોય કે જાણતા હોય, તો પણ તમે કરી શું શકો..? જેને કારેલાં ને કંટોલામાં સમજ જ ના પડતી હોય, એને ગાળ ઓળખતા પણ આવડવી જોઈએ ને..? બોલવાની ત્રેવડ પણ જોઈએ ને..? નોલેજનો મામલો છે. ગાળના કોઈ પાઠ્ય પુસ્તકો કે ‘ગાઈડ’ થોડી પ્રગટ થાય છે કે, ગાળનો અભ્યાસ કર્યો હોય ? ગાળ બોલવાના તાલીમ કેન્દ્રો ચાલતાં હોય તો, એક વધારાની ડીગ્રી પણ લઇ લેવાય.

સાલું સમજમાં નથી આવતું કે, ગાળ બોલવાનું ઉત્પાદન થાય છે ક્યાંથી..? આ ધરતી ઉપર પહેલી ગાળ કોણ બોલ્યું કોણ હશે, એને હું શોધું છું...? ગુજરાતના ૧૮૫૪૪ ગામ પૈકી, એક પણ ગામ એવું નહિ હોય કે જ્યાં હનુમાનજીની દેરી ના હોય, એમ એક પણ ગામ એવું નહિ હોય કે, જ્યાં કોઈએ ગાળ સાંભળી ના હોય કે, કોઈ ગાળ બોલ્યું ના હોય..! પાછી જેવી જેની ભાષા તેવી તેની ગાળ..! કોઈ ગાળ આયુર્વેદ જેવી. અસર થાય તો મહિના પછી પણ થાય, ને નહિ થાય તો ક્યારેય નહિ થાય. અમુક ગાળ, એલોપથી જેવી. મોંઢામાંથી નીકળતાં જ સામાને ચચરાવી નાંખે. આ બે માંથી એકેય ફેકલ્ટીનો લાભ અમારા ખાનદાનને મળ્યો નથી બોલ્લો...! ગાળની વાત તો દૂરની રહી, મર્યા પછી ભગવાન સાથે વાર્તાલાપ કરવા માટે સંસ્કૃત ભાષામાં પણ અલ્લાયો..! સાલું બેઉ બાજુથી લટક્વાનું..? ધરતી ઉપર ગાળ નહિ આવડે ને, મર્યા પછી સ્વર્ગમાં સંસ્કૃત નહિ આવડે..! સામેવાળો ડેમના દરવાજા ખોલીને પાણી છોડતો હોય તેમ, મણ-મણની ગાળ છોડતો હોય, ને આપણે નીચી મૂડી રાખીને અંગુઠાથી જમીન ખોતર્યા કરવી પડે..! તો છોભીલાં પડી જવાય યાર..! ગાળ બોલવાનું નોલેજ જ ના હોય તો, બીજું કરીએ પણ શું..? કોઈ દિવસ ગાળના પ્રદેશની દિશામાં ઓશીકું મુકીને સુતાં ના હોઈએ..! એના કપાળમાં કાંદા ફોડું, આ માટે કંઈ દુભાષિયો થોડો રખાય..? નબળાઈ પણ છતી નહિ કરાય કે, તારી ગાલી-પ્રદાન ભાષાનું મને મુદ્દલે નોલેજ નથી. આપણી હાલત તો એવી થઇ જાય કે, જાણે વન-વે માં બાઈક લઈને ઘુસી ગયાં હોય..! સામાને તો દયા આવે જ નહિ કે, ભાઈ મૂંઝાયેલા છે, તો લાવ સફેદ કબુતર ઉડાવીને શાંતિનો સંદેશ આપીએ..! બધું સાલું આપણે જ સંભાળવાનું. એને એમ નહિ લાગે કે, ભાઈનામાં કંઈ લેવાનું નથી, એટલે હોઠનું ધ્રુવીકરણ બતાવવા, માત્ર ‘એબીસીડી’ બોલીને હોઠ ફફડાવેલાં રાખવા પડે..!

ભલે ને ગમે એટલી મોટી ડીગ્રીના પાટિયાં દીવાલ ઉપર લટકતાં હોય, પણ ‘ગુજરાત નહિ દેખા તો કુછ ભી નહિ દેખા’ ની માફક ગાળ બોલતાં નહિ આવડી તો, લીધેલી બધી ડીગ્રી, ગાવડી બની જાય..! વાઘા બોર્ડરના દરવાજાની માફક હોઠ એવાં સિવાય જાય કે, મોઢામાંથી એક શબ્દ ‘પણ એક્ઝીટ’ નહિ થાય. આવાં કઠોર સમયે, કાન જેવો મેલો રાજકારણી મેં હજી સુધી કોઈ જોયો નથી. બબ્બે કાન ચોંટેલા હોય, છતાં હરામ બરાબર જો હિમત આપે તો. એની જગ્યા ઉપરથી 'ઋષિમંત' જેવા હલે શુદ્ધાં નહિ..! એના કાનમાં કાંદા ફોડું, માત્ર સળી કરી આપવામાં જ હોંશિયાર કે, ‘પેલાં લલ્લુએ તને ગાળ આપી..! ‘ એમાં બિચારા હાથ- પગને સહન કરવાનું આવે..! બાકી કોઈએ કાનને તોડી નાખી, કાનની દુકાન બંધ કરી હોય એવું ઓછું બન્યું હશે. અમારો ચમનીયો તો બેશરમ બનીને કહે, કે ‘ આ બંને કાન ગાંધીજીના ત્રણ વાંદરા પૈકીના બે વાંદરા છે. ખરાબ જુએ પણ નહિ, ને ખરાબ બોલે પણ નહિ, પણ સાલા સાંભળે ખરાં..! મુદ્દલે ગાળ આવડતી જ ના હોય, એનું બ્લડપ્રેસર તો કુદકા જ મારે ને..?

એકપણ શિક્ષકે વિદ્યાર્થીઓને ગાળ શીખવી નથી. શોખવેલું ભૂલી જાય, પણ ગાળની જાણકારી ગુગલની જેમ યાદ રાખે, એવી હાલત છે. ગમે એવો તપસ્વી કેમ ના હોય, ગાળ સાંભળીને એકવાર તો તપી જ જાય દાદૂ..! ટાઢકવાયો બીજું કરે પણ શું..? ગાળ દેવાનો હુમલો તો કરે, પણ એની ગાળ હોય દેશી-ઘી જેવી..! જેમ કે,..

૧. તારું સત્યાનાશ જાય

2. તારી ચંપલની પટ્ટી તૂટી જાય.

3. તારાં ઘરે ઇન્કમ ટેક્ષવાળાની રેડ પડે.

4. તારાં કપાળમાં કાંદા ફોડું.

૫. પાવર હાઉસમાંથી તારાં ઘરની લાઈટ જાય.

૬. તારી સાસુની દાળમાં મીઠું વધારે પડી જાય.

૭. તારી વાઈફને દાઢી-મૂછ ફૂટે.

૮. ભર વરસાદમાં તારી છત્રી કાગડો થઇ જાય.

૯. શ્રાદ્ધના દિવસે તારા ઘરે કાગડાઓ નહિ ફરકે.

૧૦. તારાં કપડાં ઉપર કાગડો ચરકી જાય.

એક કહેવત છે કે, જેની જીભ જીવતી હોય, કાગડા એની આંખ ક્યારેય કાઢતાં નથી. એટલે, દેશી ધી જેવી આ એક જ ગાળના ક્યારેક સ્પ્રે કરવા પડે કે, ‘તારું સત્યાનાશ જાય તારું.! ‘

હાસ્યકુ :

ગાળ ના બોલ

ગાળ નથી આ સાલા

ભાષા જ આ છે