Swastik - 17 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 17)

સુરદુલ અને સત્યજીતે રાજ પરિવારે મોકલાવેલા મોઘા મખમલી વેપારી જેવા કપડા પહેર્યા હતા. સુરદુલ લાલ મખમલ અને સત્યજીત ઘેરા આસમાની કલરના મખમલમાં શોભતા હતા. એમની બગી કોઈ શાહ સોદાગર જેવી શણગારવામાં આવી હતી.

સત્યજીતે વેપારીના કપડામાં પણ એવી સિલાઈ પસંદ કરી હતી જેથી એની વિશાળ ભુજાઓ ખુલ્લી દેખાઈ શકે. એ કર્ણિકાને મોહાંધ કરવા માટે હતી. જોકે એ પોતાની જમણી ભુજા પરના ચિલમ પિતા શિવના છુંદણા પર મખમલી રૂમાલ બાંધવાનું ભૂલ્યો ન હતો. કદાચ એ શિવને એ પાપી દુનિયા બતાવવા માંગતો ન હતો કે પછી એ એની ઓળખ છુપાવવા માટે હતું.

ગોરાઓ જેવા જ ભપકાવાળી કોચને માર્કા વગરના ઘોડા કર્ણિકાની પાપી દુનિયામાં દાખલ કરી ચુક્યા હતા. એ દુનિયામાં ચારે તરફ આછા સંગીતની છોળો ઉડી રહી હતી અને હળવું સંગીત ગુંજી રહ્યું હતું. બહારથી કોઈ આદર્શ સ્થળ લાગતું એ સ્થળ નરી પાપની દુનિયા જ હતું જ્યાં કેટલીક પોતાની મરજીથી તો કેટલીક મજબુરીથી દેહ વેપારમાં જોડાયેલી યુવતીઓ આમ તેમ ફરતી હતી.

એક આખા મહોલ્લા જેટલી એ બદનામ ગળી ભપકામાં બહુ રુવાબદાર લાગી રહી હતી. સત્યજીતે રસ્તાની આસપાસ ઉભેલી યુવતીઓની લાલચ ભરી નજર પોતાના પર પડતા આંખને ખૂણે નોધી લીધી.

યુવતીઓ જરાક અચંબામાં હતી. આજ સુધી એ ગલીમાં પ્રવેશનારાઓની લાલચી નજરો એમને જોતી પણ આજે ઉલટો નજારો હતો.

ગોરાઓની જેવી બગીમાં બેઠેલ એ વૃદ્ધ તો શું યુવાન વેપારીએ પણ એમની તરફ લાલચી આંખે જોયુ નહી. કદાચ કર્ણિકા અને મલિકાના ખાસ મહેમાનો હશે. એવી ગુપસુપ એ યુવતીઓમાં અંદરો અંદર થવા લાગી.

સત્યજીતના તેજ કાન રસ્તાની બંને તરફ બનેલા મકાનોમાંથી આવતી હાસ્યની છોળો અને વિવિધ અવાજમાંથી કોઈ અલગ જ અવાજ સાંભળવા મથતા રહ્યા. બિંદુએ એમને માર્ગ બરાબર સમજાવી દીધો હતો માટે બગી કયા રોકવી એ તેઓ સારી રીતે જાણતા હતા. આખરે એ વિસ્તાર આવી ગયો જ્યાં કેટલીક બગીઓ, પ્લેન્કીન, અને કોચ, એક નાનકડા મેદાન જેવા ભાગમાં પાર્ક કરાયેલી હતી. સત્યજીતે બગીને એ બધાથી થોડેક દુર રોકી. આસપાસ એક નજર કરી, કોઈ જોતું નથી એ ખાતરી કરી લઈને ઘોડાઓને બગીથી છોડી નાખ્યા. ભાગતા વખતે એ પેતરો ઘણીવાર મદદ રૂપ થયો હતો.

તેઓ બગી મૂકી કર્ણિકાના કોઠા તરફ ચાલવા લાગ્યા. જેમ કોઠી નજીક આવતી ગઈ એમ એમ સંગીતના સુરો, સીટીઓના અવાજો, ધીમા ડ્રમ, આછી શરણાઈ, લુચ્ચા હાસ્ય, અને ગંદી ટીપ્પણીઓના અવાજો વધુ તેજ થવા લાગ્યા.

સત્યજીતે કોઠાના દરવાજા તરફ ધ્યાન આપ્યું. એક રાજમહેલ જેવી સુરક્ષા એ કોઠાના દરવાજા આગળ હતી. છ સાત જેટલા સંત્રીઓ દરવાજા આગળ પહેરો ભરી રહ્યા હતા. એ બધા હિન્દી હતા. એમાંનો એક ચહેરો સત્યજીત એટલે દુરથી પણ ઓળખી શકતો હતો.

“માધોસિહ..” એના હોઠ એકબીજા સાથે ભીડાયા, “એ નમક - હરામ રાજનું અન્ન ખાઈ ગોરા અને આવી ચારીત્ર્યહીન ઓરતોની સેવા બજાવે છે એના જેવા ભડવાઓને લીધે જ સામાન્ય જનતા રાજ પરિવારથી નફરત કરવા લાગી છે..”

સત્યજીતના શબ્દોનો વૃદ્ધે કોઈ જવાબ ન આપ્યો. એની આંખો કોઈ અલગ જ દિશામાં ધ્યાન આપવા લાગી. સુરદુલ એના નામનો અર્થ વાઘ હતો. કબીલામાં એને ઘણા વાઘ કે બઘ્ઘા કહીને પણ બોલવતા. એની આંખો શિકારના સમયે શિકાર સિવાય કોઈ તરફ ભટકતી નહિ. તેની સફેદ દાઢી અને મૂછો તેમજ લાંબા વાળ વચ્ચે તેનો શ્યામ ગોળ ચહેરો પ્રભાવશાળી દેખાતો. તેની આંખોની ચમક તેનો વર્ષોનો અનુભવ કહી જતી. તેનો ભરાવદાર બાંધો તેણે લડેલા યુદ્ધનો અણસાર આપતો.

“આજે હું આ નામક હરમને અહીંથી નીકળતા પહેલા પૂરો કરીને નીકળીશ.. એના લીધે લોકો રાજ પરિવારને નફરત કરે છે..” સત્યજીત ફરી બબડ્યો.

“એ મહત્વનો નથી..” સુરદુલે જીત તરફ ધ્યાન આપ્યું, “આજે જેના માટે આવ્યા છીએ એણે સો ઘર એક સાથે ઉજાડી નાખ્યા છે.”

કેપ્ટન ઓબેરીએ આદિવાસી કબીલા પર આચરેલા અત્યાચારની જે વાત ગુપ્તચર ભોમેશે કહી હતી એ સત્યજીતને યાદ આવી. એની આંખો સામે એ હત્યાકાંડ દેખાવા લાગ્યો, એની નશો તંગ બની ગઈ, એની આંખોમાં લોહી તરી આવ્યું.

“માનદેવ..” સુરદુલે એનું કાંડું પકડી કહ્યું, “આપણે વેપારી છીએ. વેપારીના કમરે ખોસેલી પોટલીમાં સોના મહોરો હોય એની આંખોમાં ડર હોય.. પણ ગુસ્સો અને જવાળાઓ નહી...”

માનદેવ બનીને આવેલો સત્યજીત એક પળમાં સમજી ગયો હોય એમ એની આંખોનો રંગ બદલાઈ ગયો. એ પણ એના બાપ જેમ પાકો શિકારી હતો. સત્ય એના લોહીમાં હતું અને જીત એની આદત હતી. એનું નામ યોગ્ય જ હતું.

તેઓ દરવાજામાં દાખલ થયા ત્યારે સત્યજીતની આંખોએ બીજા ત્રણ સિપાઈઓ નોધ્યા. એ ગોરાઓ હતા. જોકે એમના હાથમાં ભાલા જ હતા મતલબ તેઓ ખાસ ઉંચી કક્ષાના ન હતા.

ગોરા સીપાઈઓ હિન્દી કોઠા પર પહેરો ભરતા હતા મતલબ બિંદુના સમાચાર પાકા હતા. ઓબેરી ત્યાં જ હતો. એ ગોરા એના વેપારની ચોકી માટે રખાયેલા વ્યક્તિગત રક્ષકો હતા.

એક સુંદર યુવતી એમની નજીક આવી અને સુરમો આંજેલી આંખો નચાવીને બોલી, “કર્ણિકાના સ્વર્ગમાં આપનું સ્વાગત છે, સ્વર્ગનો આનંદ આપની રાહ જોઈ રહ્યો છે..”

સત્યજીતની આંખોમાં એ સ્ત્રી પ્રત્યે નફરતના ભાવ દેખાયા, સુરદુલ એને રોકે એ પહેલા જ એણે તેને ધક્કો આપી દુર કરી.

ગુસ્સામાં લીધેલા પગલા પર એને પોતાને બીજી જ પળે ગુસ્સો આવ્યો. એ અહી જે કામ કરવા આવ્યો હતો એમાં ધીરજની જરૂર હતી. પણ એના એ અધીરાઈભર્યા પગલાની એક અલગ જ અસર થઇ. આસપાસ ઉભેલી બીજી સ્ત્રીઓ એની તરફ દોડી આવી. બધાને એ કોઈ નાણાથી છકી ગયેલો સોદાગર લાગ્યો જેને એ યુવતી પસંદ ન આવતા એને ધક્કો મારી દુર ફેકી દીધી હતી.

એ પાપની દુનિયા હતી, ત્યાં પાપીનું મહત્વ હતું. આસપાસ ઉભેલ યુવતીઓને જયારે લાગ્યું કે એ વેપારી યુવક ગુસ્સેલ અને કોઠીમાં દાખલ થતા જ એક યુવતીને ધક્કો આપી નીચે પાડી દેતા પણ ન વિચારે એવો નિર્દય છે એમના મનમાં એ યુવક માટે એક અલગ જ મહતા બંધાઈ ગઈ.

“સ્વામી, રંભા અને ઉર્વસીને પણ આપ ભૂલી જશો એવી યુવતીઓ મારા ખંડમાં આપની રાહ જુવે છે..” એક ત્રીસેક વર્ષની મહિલા હાથમાં લાંબો ફૂલ ગૂંથેલો ચોટલો રમાડતી એમનો રસ્તો જ રોકીને ઉભી રહી ગઈ, એની આંખોમાં નીચતા અને લાલચ દેખાઈ.

“સોદાગર તેજદેવ પહેલા જીતે છે અને પછી જ કોઈ ચીજને પોતાની બનાવે છે..” સુરદુલે પોતાની ચાલનું પહેલું પાનું ઉતારી લીધું.

“માલિક આપ, દેવતાઓની રમત રમવા પધાર્યા છો..?” એ સ્ત્રીએ આંખો પહોળી કરીને પૂછ્યું, એ પાપી દુનિયાની જબાન અલગ હતી. પાંડવો પાસાની રમત રમ્યા હતા અને એ રમનાર યુધીષ્ઠીર દેવતા સમાન હતા માટે એ સ્ત્રી એ ઉતરતી કક્ષાની રમતને દેવતાઓની રમત જેવા સંબોધનથી સમ્માનિત કરી રહી હતી.

“હહ... હવે એ દેવતાઓની નહિ અમારા જેવા દાનવોની રમત છે..” સુરદુલે મહિલાના ખભા પર હાથ મુક્યો. સત્યજીત આભો બની એના પિતાનો અભિનય જોઈ રહ્યો, શું એ પાગલ થઇ ગયા હતા?

એક નીચ કર્મ કરનાર ઓરતને અડવું પણ મહાપાપ હતું છતાં જીત એમની સાથે આગળ વધ્યો.

“તારું નામ શું છે અપ્સરા?” સુરદુલે રમત આગળ વધારી.

“માલિક હું તો સામાન્ય મધુ છું.. અપ્સરાઓ તો આપની પ્રતીક્ષા કરી રહી છે. હું તો બસ સેવક બની આપ સુધી એમનો સંદેશ આપવા આવી હતી..” કહી તેણીએ સુરદુલની લાંબી દાઢીમાં હાથ ફેરવ્યો, “આપનો જવાન ખુબ રૂપાળો છે.”

સત્યજીત પણ હવે સુરદુલની રમતને સમજી ગયો હતો. એ ઓરત બોલવામાં ચાલાક હતી. પોતે જે યુવતીઓના દેહ વેચી કમાતી હતી એ યુવતીઓની પોતે સેવા કરે છે એવો દાવો એ એક અલગ જ અંદાજમાં કહી જતી હતી.

“કેમ જુવાન દેવતા, આપ શરમાઈ રહ્યા છો?” એ મધુ નામની ઓરતની જીભ ચાબખા જેવી હતી.

“નહિ, એના લગન હમણા જ થયા છે, એની પત્નીનું નામ બિંદુ છે અને બીજું એ....”

સત્યજીતને એના પિતા સુરદુલ પર ખીજ ચડી પણ હજુ તો ખેલની શરૂઆત હતી. ત્રીજું પાનું પણ ઉતરાઈ ગયું હતું.

“સ્વામી આપ દેવતા છો આપ માણસ નથી.. બસ બિંદુ જ તો યુવાન સ્વામીની રાહ જોઈ રહી છે આપ ભૂત ભવિષ્ય જાણો છો... આપ આજે લાખ સોનામહોર જીતીને જશો તો આ ચાકરડીને ભૂલીને ન જતા..” એ ઓરત ખરેખર ચાલાક હતી, એની જીભ કોયડા કરતા પણ તેજ હતી.

“મારે એ બિંદુ જોઈએ...” હવે સત્યજીતને શબ્દો સાથે રમવાનું હતું.

“યુવા દેવતા... આમ રઘવાયા કા થયા..?” મધુએ આંખોના ચાળા કર્યા, “આપની અપ્સરા પાગલ બની કક્ષમાં આપની રાહ જોઈ રહી છે..”

“એને મારી સામે અહી હાજર કર..” સત્યજીત સમજી ગયો હતો કે એ પાપની દુનિયામાં જે જેટલું વધુ ખરાબ દેખાય એટલું એને વધુ મહત્વ આપાવામાં આવતું હતું.

“યુવા દેવતા... ખુલ્લામાં આપની અપ્સરા... એનો કોમળ દેહ આ ચાંદની સહન કરી નહિ શકે... સ્વામી એની ચામડી દાજી જશે...” મધુ લુચ્ચાઈમાં કમ ન હતી એકવાર કક્ષમાં લઇ ગયા પછી બિંદુ એમને પસંદ ન આવે તો કોઈ બીજી છોકરી પસંદ આવી જાય પણ જો એ બિંદુને બહાર લાવે અને બિંદુ એમને પસંદ ન આવે તો આવો માતો વેપારી હાથમાંથી ગુમાવવો પડે.

એવું ન થાય એ માટે એ પોતાની જીભને ચાબુકની જેમ ચલાવતી રહી. એની સામે ખરેખર કોઈ વેપારી હોત તો એનો ગુલામ બની ગયો હોત પણ એ મદારી બાપ બેટો જુદી માટીના હતા.

“બિંદુ મારું લક છે.. એની સાથે ફેરા લીધા પછી મારો વેપાર બમણો થયો છે...” સત્યજીત એક પળ માટે અટક્યો અને તેના ચહેરાને મોઘા ઉપવસ્ત્રથી લૂછ્યો.

મધુ ગૂંચવાઈને એને સાંભળી રહી. કોઈ વ્યક્તિ કોઠા પર આવી પોતાની પત્નીના વખાણ કેમ કરે? પત્નીને સાચે જ ચાહનારો કે એને શુકનવંતી માનનારો કોઠાના પગથીયા જ કેમ ચડે?

સુરદુલે મધુની ગુંચવણ નોધી લીધી હતી હવે એનો વારો હતો, “ક્યાય બિંદુ વહુની જેમ આ બિંદુ પણ શુકનવંતી હોય તો...?” એણે વાક્ય અધૂરું છોડ્યું.

એ શબ્દો સાંભળી મધુની આંખો ચમકી.

“તો આજ દેવતાઓની રમતમાં એ મારી જોડે બેસસે જો એ શુકનવંતી હશે તો જીતશું એનો અડધો ભાગ એનો, એને સોનાથી ઢાંકી દેશું...” સત્યજીતે કમર પરની કોથળી છોડી એમાંથી થોડાક સિક્કા નીકાળી મધુના હાથમાં આપ્યા.

“સ્વામી, બસ એક પળ અંદર પધારો, એને મખમલનાં આછા પડદામાં એવી તે શજાવી દઈશ કે આ ચાંદની એના કોમળ ચહેરાને તપાવી નહિ શકે...”

સત્યજીતે હકારમાં માથું હલાવ્યું અને તેઓ મધુની મધુર દુનિયા તરફ જવા લાગ્યા. આસપાસમાંથી મધુ જેવી જ ચાલાક અને એના જેવી જ ચાબુક જબાન વેશ્યાઓ સત્યજીત અને એના પિતા તરફ દોડી આવી. અને મધુ એમને ધક્કા મારી દુર હડસેલે એ પહેલા તેમની વેરસ અને એ છોકરીઓની સુંદરતાનું શબ્દિક વર્ણન કોઈ કવિની માફક કરી જવા લાગી. તેઓ કાવ્યાત્મક રીતે એમના પાસે રહેલી યુવતીઓના દેહનું, એમના એક એક અંગનું વર્ણન કરતી હતી, કોઈ કોઈ તો અતરથી ભીંજાઈ ગયા હોય એવા સ્કાર્ફ સાઈઝના કાપડના ટુકડા એમના તરફ ફેકતી હતી.

સત્યજીતની આંખોમાં એ જોઈ ગુસ્સો અને દુખ બંને દેખાયા, ગુસ્સો એ માટે કે ત્યાં સ્ત્રીઓની ખરાબ હાલત હતી અને દુ:ખ એ માટે કે એમાંની મોટા ભાગની પોતાની મરજી ન હોવા છતાં ત્યાં હતી - બિંદુ જેમ કોઈને કોઈ મજબૂરી લીધે.

દિવાને એમને બિંદુને પરોક્ષ રીતે પોતાની સાથે કરી લેવા કહ્યું હતું કેમકે બિંદુ ત્યાના દરેક માર્ગ, છુપા રસ્તાઓથી વાકેફ હતી. એ બહુ ઉપયોગી થઇ શકે એમ હતી પણ એને પ્રત્યક્ષ રીતે એ કામમાં જોડી શકાય એમ ન હતી કેમકે એ કામ પૂરું થયા પછી બિંદુનું ત્યાં જ રહેવું જરૂરી હતું. એ ત્યાંથી ઘણી કામની માહિતી લાવી શકે એમ હતી.

બિંદુને સાથે લેવા માટે જ તેઓ જાણી જોઇને મધુના કોઠા આગળ ઉભા રહી ગયા હતા અને બિંદુએ રાજ ચિત્રકારને આપેલી વિગતો મુજબ એને તૈયાર કરેલ મધુનું રેખાચિત્ર સત્યજીત અને સુરદુલે જોયું હતું માટે તેઓ મધુને પહેલી નજરે જ ઓળખી ગયા હતા પણ થોડાક નાટક પછી બિંદુને સાથે લીધી હોય તો કેપ્ટન ઓબેરીનું કામ તમામ કરી નીકળી ગયા પછી પણ બિંદુ એમની સાથે ભળેલી હતી એવી શંકા કોઈ ન કરે. છતાં ત્યારે એમને અંદાજ ન હતો કે કોઠા પર એક એવો ઈતિહાસ લખાવાનો હતો જે અંગ્રેજ કોઠીઓ અને રાજના કિલ્લાને હચમચાવી નાખવાનો હતો.

“આ માર્ગે સ્વામી..” મધુ એમની હાસ્યની છોળો, યુવતીઓના અર્ધ નગ્ન દેહ અને કોઠાની ધાંધલ ધમાલ વચ્ચેથી આગળ દોરી જવા લાગી. બંને બાપ દીકરો જોડા ખખડાવતા પાછળ ચાલતા રહ્યા.

પાપની નગરી. સત્યજીતે વિચાર્યું. કેમ આ યુવતીઓ મધુ જેવી બે ચાર સ્ત્રીઓના ઈશારે આ બધું કરતી હશે? જવાબ હતો - મજબુરી.

જો આટલા મજબુત રાજાઓ ગોરાઓ સામે કઠપૂતળી બની શકતા હોય તો આ કોમળ યુવતીઓ મધુ, કર્ણિકા અને મલિકાના હાથની કઠપૂતળી બની નાચે એમાં શું નવાઈ ની વાત હતી?

સત્યજીતને દેશની સ્થિતિ માટે દુ:ખ થયું. પણ કઈ થઇ શકે એમ ન હતું. જે સ્થિતિ હતી એ સુધારતા વર્ષોની ધીરજ જરૂરી હતી.

તેઓ મધુની પાછળ એક ગુપ્ત માર્ગમાં દાખલ થયા. અંદર અંધકાર હતો. પણ તેઓ જેવા દાખલ થયા મધુએ તાળીનો અવાજ આપ્યો એ સાથે જ ચારે તરફ દીવાઓ ઝગમગી ઉઠ્યા. ચારે તરફ મદિરા, તેલ અને અત્તરની વાશ ફેલાયેલી હતી. એ વાસ એકબીજામાં એમ ભળી ગઈ હતી કે એમને અલગ અનુભવી શકવી મુશ્કેલ હતી.

સત્યજીતે અર્થન લેમ્પના અજવાળામાં ચારે તરફ નજર ફેરવી. એ જગત નર્ક કરતા પણ વધુ ખરાબ હતું. ત્યાં પશુતા સિવાય કશુજ દેખાયુ નહી.

મધુ તેમને જીવતા નર્કમાંથી પસાર કરી બિંદુના ફૂલો અને અત્તરથી મધમધી ઉઠતા કમરામાં લઇ ગઈ. સત્યજીતની મુલાકાત પહેલા રાજમહેલમાં બિંદુથી થઇ ચુકી હતી માટે તેઓ એકબીજાને ઓળખતા હતા પણ મધુ એ વાતથી અજાણ હતી.

“બિંદુ આ સ્વામીની સેવા અને એમને તારે શુકન પુરા પડવાના છે..” મધુએ બિંદુનો હાથ પકડી એને સત્યજીત તરફ ખેચી લાવી, “તને સોનામાં લદીને પાછી મોકલશે એટલા દિલદાર છે સ્વામી..”

સત્યજીતે કોઈ લાલચી અને કામાંધ વેપારીની અદાથી બિંદુનો હાથ પકડી એને પોતાની તરફ ખેચી, “નામ તો એ જ છે પણ રૂપ એનાથી પણ ચડિયાતું છે.”

“અને નશીબ પણ સ્વામી... આજ તમે કુબેરનો ખજાનો લઈને જવાના છો..” મધુએ ફરી પોતાની ચાબુક જેવી જીભ વાપરી, “બસ આ ચાકરડીને ભૂલી ન જતા...”

સત્યજીત અને સુરદુલ પાકા હરામીઓ હોય એમ મધુની વાત સાંભળી ન સાંભળી કરી બિંદુને લઈને દરવાજા તરફ જવા લાગ્યા.

“બિંદુ એમને ગુપ્ત માર્ગે લઈજા..” બિંદુ મધુ તરફ ફરી અને એક સ્મિત આપ્યું, “જી માતા..” મધુ જેવી ઓરતને માતા કહેતા પહેલા એ જીભ કચડી મરી જવાનું પસંદ કરે એમ હતી પણ એના માટે રાજભક્તિથી ઉપર કઈ ન હતું.

“આ માર્ગે સ્વામી..” બિંદુએ કહ્યું, અને સત્યજીતનો હાથ પકડી પાછળના બારણેથી નીકળી ગઈ.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky