Swastik - 24 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 24)

સુબાહુએ હવે માત્ર એમને જ સવાલો કરવાના રહ્યા હતા. સુબાહુ અને જીદગાશા બુકાનીધારીઓના ઈશારે ઘોડા પર સવાર થયા. તેમના ઘોડા આગળ રખાવી તેઓ હુમલો ન કરી શકે એ રીતનું અંતર રાખી બે બુકાનીધારી ઘોડે સવારો એમને નાગપુર જંગલની સીમા તરફ દોરી જવા લાગ્યા.

સુબાહુએ રસ્તામાં બે ત્રણ વાર ઘોડો થંભાવી પાછળ જોઈ ખાતરી કરવાનો પ્રયાસ કર્યો કે એ કોણ હોઈ શકે પણ એમના ઘોડા માર્કા વગરના હતા. જીદગાશા ખામોસ જ રહ્યો. એ બુકાનીધારીઓના હુમલાથી લઈને હમણા સુધી બિલકુલ ચુપ હતો. એણે ત્યાં એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો.

સુબાહુ ઘોડો રોકતા જ પાછળના બુકાનીધારી અસવારો પણ થોભી જતા હતા. ઉંદર બિલ્લીની રમત રમતા હોય એમ અસવારો એમને પહાડી વિસ્તાર વટાવી, ટેકરીઓ સુધી છોડી ગયા, ત્યાંથી તેઓ પાછા વળી ગયા કેમકે ટેકરીઓ પછીથી દેખાતા જંગલ પર નાગપુર રાજની હદ લાગતી હતી.

એ વિસ્તાર સુબાહુ અને જીદગાશા માટે સલામત હતો. અસવારો દેખાતા બંધ થયા એટલે સુબાહુએ ઘોડો થંભાવ્યો.

“આપ એમની પાછળ જવાનું વિચારો છો?” જીદાગાશાએ પણ લગામ ખેચી.

“ના, મારે ત્યાં જવાની શી જરૂર છે..?” એ મલક્યો, “મારા જવાબ તો તારી પાસે છે..” તેણે ઘોડાને હળવે ડગલે આગળ ચલાવતા કહ્યું.

“હું કઈ સમજ્યો નહિ...” જીદગાશાએ પણ લગામ ઢીલી મૂકી. ઘોડા ધીમી રેવાળે ટેકરીનું ચડાણ ચડવા લાગ્યા.

“અજાણ ન બન જીદગાશા.. આપણા વચ્ચે સવાલ જવાબો થતા હતા ત્યાં પીંઢારાઓ નડી ગયા અને પછી આ બુકાની ધારીઓ જેમને તું સારી રીતે ઓળખે છે.”

“હું.. હું એમને કઈ રીતે ઓળખતો હોઉં..?” જીદગાશા જરાક ગભરાયો.

“તું એમને ઓળખતો ન હોય અને એ બે બુકાનીધારીઓ મારા પાસે ઘોડો લઇ આવ્યા, એ કઈ રીતે શક્ય હતું?”

“મતલબ...”

“હું હવે બાળક નથી જીદગાશા...” સુબાહુ એ જરાક ગુસ્સે થઇ પૂછ્યું, “બે અજાણ્યા હથિયારધારી લોકોને તું મારા સુધી લડ્યા વિના પહોચવા દે એ માની શકાય એમ નથી.. એ લોકો અજાણ્યા હોત તો તારી તલવારે એમને રોકી નાખ્યા હોત.”

જીદગાશા જબરો ફસાયો હતો. સુબાહુ હવે ખરેખર બાળક ન હતો. એણે ચાલાકી પૂર્વક ખાતરી કરી લીધી હતી કે જીદગાશા એ અજાણ્યા બુકાનીધારીઓને ઓળખે છે. જીદગાશાને લાગ્યું જ હતું કે કેમ સુબાહુ એ એમની વાત કોઈ વિરોધ વિના જ માની લીધી.

“તો જીદગાશા હવે બોલવા માંડ...” સુબાહુએ તેની મજબુત છાતી પરથી સુકાયેલી ધૂળ ખંખેરી. નદીમાં ઉપવસ્ત્ર તણાઈ ગયા પછી તે ચતો ઊંઘ્યો ત્યારે તેની છાતી ઉપર રેતી ચોટી હતી. જે હવે સુકાઈ હતી.

“એ રાજમાતાના ગુપ્ત સિપાઈઓ છે..”

“અહીંથી નહિ રાજ મહેલમાં જે રંધાઈ રહ્યું છે ત્યાંથી બધું બોલવા માંડ..” સુબાહુએ હુકમ કર્યો.

પણ હવે ટેકરીઓ ઉતરવાની તૈયારી હતી. જીદગાશાએ રાહતનો શ્વાસ લીધો, હવે નાગપુર રાજની સીમા હતી, એ જંગલમાં સુબાહુ બીલકુલ સલામત હતો.

“આ બધાની શરૂઆત આપના પિતાએ કરી હતી. તેઓ શાંત હતા. યુદ્ધો એમને પસંદ નહોતા. નકામું લોહી વહે એ જોવું પસંદ ન કરનારા રાજવી હતા પણ તેમના મનમાં અંગ્રેજો પર્ત્યે ભારોભાર રોષ હતો. એમણે અંગ્રેજોને હિન્દમાંથી હાંકી કાઢવા એક અલગ પેતરો બનાવ્યો. એમણે આસપાસના નાના મોટા રાજવીઓને પોતાની તરફેણમાં કરી એક મોટી સેના તૈયાર કરવા માંડી...”

“તું મને બનાવી રહ્યો છે જીદગાશા...” સુબાહુએ એની વાત વચ્ચે જ કાપી નાખતા કહ્યું, “મારા પિતા એક રાજા કરતા સંત વધુ હતા. તેઓ મહેલને બદલે ભેડાઘાટ પરના મંદિરે વધુ સમય વિતાવતા.. તેઓ રાજનીતિથી હમેશ દુર રહેતા હતા...” સુબાહુએ રોષ પૂર્વક કહ્યું, ઘોડાની ગતિ થોડીક ધીમી પાડી કેમકે હવે જંગલ શરુ થતું હતું. એમાં ગોટ ટ્રેલ જેવા રસ્તાઓ પર ઘોડાને ધીમો ન હાકે તો આસપાસના ઝાંખરા ચહેરા સાથે અથડાઈ ક્યારે ચહેરાને છોલી જાય એ ડર રહેતો.

જીદગાશાનો ઘોડો પણ ધીમો થયો. એ સાંકડી ટ્રેલ પર બે ઘોડા બાજુ બાજુમાં ચલાવવા મુશ્કેલ હતું છતાં એણે પોતાનો ઘોડો સુબાહુના ઘોડાની પડખે જ રાખ્યો. નડતર રૂપ થાય એવા ઝાંખરા એ હાથમાં કટાર રાખી કાપતો રહ્યો. એ તેજ હતો - ઝાંખરા એનો ચહેરો છોલી શકે એમ નહોતા.

“એ આપના જન્મ સુધી... નાગદેવની કૃપાથી મહારાજને પુત્ર પ્રાપ્તિ થઇ અને પછી એમનું ધ્યાન રાજ તરફ વળ્યું કેમકે એમને રાજકુમાર માટે એક સારી ધુરા તૈયાર કરવાની હતી...”

“એ બધું તું કઈ રીતે જાણે એ સમયે તું પણ મારી ઉમરનો જ હોઈશ ને...?”

“હું આપનો અંગત રક્ષક છું એ જ રીતે મારા પિતા આપના પિતાના અંગત રક્ષક હતા. તેઓ હરેક પળ એમની સાથે જ રહેતા. એમણે મને એ બધી વાત કહી છે. મહારાજે ફરી રાજનીતિમાં રસ દાખવ્યો. ગોરાઓની ચાલાક નીતિઓ એમના ધ્યાનમાં આવી, વેપારીઓ કઈ રીતે રાજા બની બેઠા એ બાબતનો એમણે અભ્યાસ કર્યો અને અભ્યાસને અંતે સમજ્યા કે દેશી રાજ્યોની ફૂટે એમને રાજા બનાવ્યા હતા. એમના રાજા બનવા પાછળ એમની બુદ્ધી કરતા આપણી મૂર્ખતા વધુ જવાબદાર હતી. મહારાજના મત મુજબ ગોરાઓ ચાલાક અને હોશિયાર નહોતા પણ આપણા રાજાઓ અંદરો અંદરના ઝેરને લીધે આંધળા બનેલા હતા. તેમણે ગોરાઓના હાથમાં સતા સોપી હતી.”

જીદગાશાએ પોતાના ચહેરા નજીક આવી ગયેલ એક ઝાંખરને ખંજરથી કાપી નાખ્યું. સુબાહુ એ બધું ધ્યાનપૂર્વક સાંભળ્યે ગયો.

“આપના પિતાએ ગોરાઓની જ નીતિ અપનાવી. એમણે રજવાડાઓને એક કરવા માંડ્યા પણ મોટા ભાગના ગોરાઓના હથિયારથી ડરતા હતા તેઓ ગોરાઓ વિરુદ્ધ જંગ લડવા તૈયાર ન થયા કેમકે ગોરાઓ પાસે સારા હથિયાર હતા. આપના પિતાજીએ એનો ઉકેલ પણ નીકાળી દીધો. એમણે દુરના જંગલમાંથી એક મદારી કબીલાને નાગપુરના જંગલમાં આસરો આપ્યો. એ કબીલો એવા હથિયાર બનાવી જાણતો હતો જે ગોરાઓના હથિયાર કરતા વધુ તેજ હતા..”

“પણ એ કબીલો તો નાગપુર જંગલમાં વસતા દુષ્ટ નાગોના ત્રાસને દુર કરવા માટે લવાયો હતો ને..?” સુબાહુએ ફરી એને રોકી દેતા પૂછ્યું, “અને ગોરાઓ કરતા તેજ હથિયાર બનાવવા અશક્ય છે..”

“એ ગોરાઓની આંખમાં ધૂળ જોકવા હતું. રાજના કેટલાક લાલાચીઓ ગોરાઓ ભેગા ભળેલા હતા એટલે આખા રાજ્યમાં એ જ સમાચાર ફેલાવવામાં આવ્યા કે મદારી કબીલાને દુષ્ટ નાગોના ત્રાસ દુર કરવા લાવવામાં આવ્યો છે. હકીકતમાં નાગ લોકોના મુખિયા સાથે તો આપના પિતાજીએ જ વાટાઘાટો કરી નાખ્યો હતો. એ શરત મુજબ નાગ લોકો એમનું જંગલ છોડી ક્યારેય બીજા ભાગમાં ન જતા અને મદારીઓ આવ્યા પછી તેઓ વધુ કાબુમાં આવ્યા કેમકે મદારીઓના હથિયાર એમને મારી શકવા કાબિલ હતા. માટે લોકોએ એ બાબતને સત્ય માની લીધી કે નાગ લોકોના ત્રાસને દુર કરવા જ એ કબીલો બોલાવવામાં આવ્યો હતો..” જીદગાશા ફરી એક ઝાંખરું કાપવા અટક્યો, એક જાટકે ત્રણેક ઇંચ જાડી ટ્રેકમાં પડતી એક ડાળખી એણે કાપી નાખી.

“નાગ લોકો એક અલગ જ વ્યક્તિઓ હતા, તેમના કબીલામાં કેટલાક લોકો નાગ જેમ ઝેર ઉગલી શકતા હતા, તો કેટલાક રૂપ બદલી શકતા હતા. એમણે કરેલા કોઈ કર્મના ફળ રૂપે એમને એ શાપ મળ્યો હતો. એમના કબીલાના કેટલાય બાળકો અમુક સમયે નાગ બની જતા હતા તો અમુક સમયે માનવ.. એ બધી લોક અફવાઓ હતી કે સાચી વાત એ કોઈ જાણતું નથી પણ એક વાત નક્કી હતી એ બધા કરતા અલગ હતા. બધા એ શાપિત લોકોથી દુર રહેતા અને એમને એ પસંદ હતું. લોકો એમનાથી ડરે અને એમનુ રહસ્ય હમેશા માટે રહસ્ય જ રહે એ માટે તેઓ એ જંગલમાં જતા માણસોને મારી નાખતા હતા.”

“બસ એટલા કારણ માટે એ લોકો જંગલમાં દાખલ થનાર દરેકને મારી નાખતા..?” સુબાહુએ નવાઈ અને ગુસ્સા સાથે પૂછ્યું, “કોઈ એવું કઈ રીતે કરી શકે?”

હવે ઘોડાની ગતિ વધારી શકાય એમ હતી. જંગલ હવે એટલું ગાઢ ન હતું. બંનેએ પોતા પોતાના રીસ્પેકટીવ હોર્સની ગતિ વધારી, જીદગાશાએ ખંજર કમર બંધમાં ભરાવ્યું. હવે ઝાખરા ન હતા માટે એની જરૂર પણ નહોતી.

“એ લોકો જંગલમાં દાખલ થનાર દરેકને મારતા નહિ. લોકોમાં એ જાતી માટે અનેક અફવાઓ ફેલાયેલી હતી. એક અફવા એ પણ હતી કે જયારે તેમના બાળકો નાગ બને ત્યારે એમના માથા પર નાગમણી હોય છે જે અપાર શક્તિઓ ધરાવે છે. એ મેળવવા માટે કેટલાક બહાદુર, કેટલાક લુટારા તો કેટલાક લાલચી માણસો અવાર નવાર એમના બાળકોને ઉઠાવી જવાનો પ્રયાસ કરતા અને એ સમયે એ જાતિના લોકો એમને મારી નાખતા. કેટલાક એવા લાલચી લોકો બાળકોને ઉઠાવવામાં સફળ રહ્યા હતા અને મણી મેળવવા એમણે એ બાળકોને મારી નાખ્યા હતા પણ એમને કઈ મળ્યું નથી. માટે મૃત્યુ પામેલા બાળકોના પરિવારમાં બધા માટે એક અલગ રોષ ભરાયો હતો અને ધીમે ધીમે એ જંગલમાં દાખલ થનાર દરેક વ્યક્તિને તેઓ દુશ્મન સમજવા લાગ્યા. એમને લાગતું કે જંગલમાં દાખલ થનાર દરેક વ્યક્તિ તેમના બાળકોને મારવા જ આવે છે. અને એ જંગલ જાણે સામાન્ય માણસો માટે પ્રતીબંધિત થઇ ગયું પણ મદારી જાતિના લોકોએ એમને કઈક સમજાવ્યા અને ધીમેં ધીમે બધું ઠીક થઇ ગયું.”

“તો હજુ ત્યાં અપરાધીઓ કેમ છે?” સુબાહુએ પૂછ્યું, “આપણે આજે કેમ એકની તપાસમાં નીકળ્યા હતા?”

“કેમ નાગપુરમાં અપરાધીઓ નથી...? રાજના સિપાહીઓમાં ગદ્દારો નથી?” જીદગાશાએ કહ્યું, “દરેક જાતિમાં, દરેક પ્રદેશમાં ખરાબ માણસો અને અપરાધીઓ હોય જ છે..”

“તો રાજ પરિવાર પણ કેમ એમને અલગ માને છે?”

“એના લીધે લોકો પણ એમને અલગ માને અને એમનાથી દુર રહે એમનું રહસ્ય સચવાઈ રહે..”

જીદગાશા અને સુબહુના ઘોડા રાજમાતા એ બચેલા આદિવાસીઓને જે સ્થળે આસરો આપ્યો હતો એ પ્રદેશમાં દાખલ થયા. આદિવાસીઓએ ત્યાના વૃક્ષો પર મરી ગયેલા લોકોની યાદમાં લાલ રંગના કપડાના ટુકડા વીંટાળેલ હતા. એમનો શોક દર્શાવવાની પ્રથા અલગ જ હતી. તેઓ કુદરત સાથે જંગલ સાથે જોડયેલા હતા, તેઓ એમનામાંથી કોઈ પણ વ્યક્તિનું મ્રત્યુ થાય વૃક્ષોને પણ લાલ સોગીયું બાંધતા અને એમ સમજતા કે મરી ગયેલ વ્યક્તિને જંગલના ઝાડ પણ યાદ કરી રહ્યા છે. એ નાગ લોકો વિશે જેમ અફવાઓ છે એમ આ જંગલી વિશે પણ અફવાઓ હતી કે એમનામાંથી કોઈનું મૃત્યુ થાય ત્યારે ખરેખર વૃક્ષો ઉદાસ થઇ જતા.

તેઓ વૃક્ષો સાથે એટલા જોડાયેલા હતા કે વૃક્ષો માટે મરી જવા પણ તૈયાર થતા. તેઓ કેટલાક વૃક્ષોને દેવ માની એમને પૂજતા પણ ખરા.

સુબાહુ અને જીદગાશાના ઘોડા એ પ્રદેશમાં દાખલ થયા. ત્યાં મધ એકઠું કરતા આદિવાસીઓ એમને જોતા જ ખુશ થઇ ગયા. બધા રાજમાતા, રાજ પરિવાર અને રાજકુમારની જય બોલાવવા લાગ્યા. નાગમતીના પેલા કાંઠા સુધી એ અવાજો જતા હશે એમ જીદગાશા અને સુબાહુને લાગ્યું.

“આ લોકો કેમ આટલા ખુશ છે જાણો છો?” જીદગાશાએ સુબાહુ સામે જોઇને હસીને પૂછ્યું.

“હા, કોઈએ એમનો કબીલો સળગાવી દેનાર હેનરી ઓબેરીનું માથું વાઢી એમના કુળ દેવતાના વૃક્ષ સાથે લટકાવી દીધું હતું..”

“એ રાજમાતાના ગુપ્ત અસેસીન હતા..” જીદગાશાએ કહ્યું.

“કયા જે હમણાં આપણને બચાવવા આવ્યા એ?”

“હા, એ જ..” જીદગાશા હવે જરાક ખીલી ગયો, એ અને બીજા કેટલાક એ રહસ્ય જાણતા લોકો આમ પણ સુબાહુને હવે રાજનીતિમાં જોડવા માંગતા જ હતા કેમકે એમને ભરોષો હતો કે મહારાજની જેમ રાજકુમાર પણ દાવપેચના મહારથી હશે...”

“હા, એ જ બુકાનીધારી મુખિયા અને એનો પુત્ર...”

“જેના બાજુ પર કાળું કપડું બાંધેલ હતું અને એના ઉપરના ભાગે જખમ હતો...” સુબાહુ એ કહ્યું, “મને એ કોઈ પરિચિત વ્યક્તિ લાગતો હતો... મેં એને મહેલમાં ક્યાંક જોયેલો છે..” સુબાહુના ચહેરા ઉપર મૂંઝવણના ભાવ આવ્યા. પવનમાં ફરફરતા તેના રેશમી લાંબા વાળમા તેના સુંદર ચહેરા ઉપરની મૂંઝવણ અને કપાળમાં કશુંક વિચારતો હોય ત્યારે પડતી રેખાઓ જોઈ જીદગાશા હસવા લાગ્યો.

“શું થયું..?”

“એને આપે એકવાર નહિ અનેક વાર જોયો છે. એ તમારા ખાસ મિત્રોમાંથી એક છે..”

“કોણ સૂર્યમ...?” સુબાહુએ પૂછ્યું કેમકે સૂર્યમ હમેશા ગોરાઓની વિરુદ્ધ રોષ ઠાલવતો રહેતો હતો.

“ના..”

“તો પછી અખંડ...” સુબાહુ એ પૂછ્યું, “એ વિજયા તો ન જ હોઈ શકે.”

“એ સત્યજીત હતો...”

“શું?” સુબાહુ ચમક્યો. પોતાના ધ્યાનમાં કેમ ન આવ્યું કે એણે શિવનું ચિલમ પીતું છુદણું છુપાવવા એ કાપડનો ટુકડો બાજુ પર બાંધ્યો હતો, “પણ એ તો હમેશા લડાઈ ન કરવી જોઈએ એવી તરફેણ કરે છે...”

“એ અચ્છો અભિનેતા છે.. ઓબેરીનું માથું એ જ લઇ આવ્યો હતો.” જીદગાશા ફરી હસ્યો આને સુબાહુ એક પળ માટે ઊંડા વિચારમાં ડૂબી ગયો.

“શું થયું ?”

“કઈ નહિ.. તું કોઈને કહીશ નહિ કે તે મને આ બધી વાત કરી છે..”

“કેમ?” જીદગાશાએ પૂછ્યું ત્યારે ઘોડા જંગલ વટાવી નાગપુરમાં પ્રવેશી ચુક્યા હતા.

“બધાને ભલે એમ લાગતું કે હું હજુ અજાણ છું..” સુબાહુએ કહ્યું, “અને એ જીતના બચ્ચાને તો એણે મને આપ્યો એના કરતા પણ મોટો ઝાટકો આપીશ..”

“આપની આજ્ઞા...”

“હા, જયારે આજ્ઞા કરી ત્યારે તો સેવકની જેમ માથું નમાવવાને બદલે ‘કેમ?’ સવાલો પૂછવા બેઠો હતો અને હવે આપની આજ્ઞા..” સુબાહુ હસ્યો.

“એ સવાલ બચપણના દોસ્ત માટે હતો અને આપની આજ્ઞા એ શબ્દો યોર હાઈનેશ માટે હતા..” જીદગાશાએ પોતાના ઘોડાને સુબાહુથી જરાક દુર ખસેડી લેતાં કહ્યું કારણ એ જાણતો હતો યોર હાઈનેશ શબ્દો સાંભળી સુબાહુ ભડકશે.

“યોર હાઈનેશના બચ્ચા...” સુબાહુએ એના ઘોડા નજીક ઘોડો લીધો પણ જીદગાશાનો ઘોડો તેજ ગતિએ આગળ નીકળ્યો અને બંને વચ્ચે રેસ લાગી હોય એમ ઘોડા નાગપુરના પહોળા રસ્તાઓ પર દોડતા મહેલ તરફ રવાના થયા.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky