Swastik - 27 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 27)

જયારે બિંદુ મંદિરની પરસાળમાં દાખલ થઇ એના પ્રત્યે આચાર્યની આંખોમાં કરુણા હતી. ગુનેગારોમાં પણ એકબીજા પ્રત્યે લાગણીના અલગ જ બંધનો હોય છે. બિંદુ આવ્યા પછી સમય બગાડવાનો કોઈ અર્થ ન હતો. બધા જોગસિંહ અને સર મેક્લની બંધ બગીઓમાં ગોઠવાયા. બગીઓ પર લાલટેન હતી પણ એ સળગાવવામાં ન આવી, કેમકે કામ જ કઈક આવું હતું.

જોગસિંહે ઘોડાઓને વીપ ફટકારી એની બગીમાં એની સાથે ડેવિડ મેસી, રાજોસિહ અને મેકલ ગોઠવાયા હતા. મેક્લની પોર્ચ હતી એમાં બિંદુ, આચાર્ય, હુકમ અને જોન કેનિંગ ગોઠવાયા હતા. હુકમ ડ્રાયવરના પાટિયા પર હતો એણે જોગસિંહની સાથે ઘોડાઓને વીપ ફટકારી અને બગીઓ દક્ષીણની ટેકરી તરફ દોડવા લાગી.

બગીઓ મંદિરનો ગેટ પસાર કરી બહાર નીકળી એ સાથે જ ફરી અંદર ચર્ચાઓ અને દારૂ પીવાનું શરુ થઇ ગયું હતું. હુકમ ચલાવતો હતો એ પોર્ચમાં વધુ માણસો ભર્યા હતા માટે હવા સ્ટફી અને હ્યુંમીડ જેવી હતી. બિંદુના શરીરનું અત્તર આખી પોર્ચમાં ફેલાઈ ગયું હતું. નંદ સ્વામી ( આચાર્ય ) અને કેનિંગની હરામખોર નજરો વાર વાર બિંદુના શરીર પર મંડાઈ રહેતી હતી. બિંદુ જાણતી હતી એ મુસાફરી કેટલી અગત્યની હતી એમની નજરો તરફ જાણે પોતાની આંખો બંધ હોય એમ ધ્યાન આપ્યા વિના તે બેસી રહી. જોકે એના કાન ખુલ્લા હતા. એ જાણતી હતી આજે એને કઈક આવું જાણવા મળવાનું હતું જે જાણવા માટે પોતે જીવન નરકને હવાલે કરી ચુકી હતી.

બિંદુના કાન સરવા બની બગીમાં થતી વાતચીતના એક એક શબ્દને સાંભળી લેતાં હતા, એનું મન એમને બરાબર યાદ કરવામાં વ્યસ્ત હતું તો એ જ સમયે એની આંખો બારી બહાર દેખાતા અંધકારમાં બગી કયા માર્ગે જાય છે એ નોધી લેવા મથી રહી હતી.

બગી સ્મૂથ રસ્તા પર ન હતી અને વાર વાર તે ઢોળાવ અને ઢાળ ઉતરતી હતી મતલબ તેઓ ટેકરીઓમાંથી પસાર થઇ રહ્યા હતા. કયારેક કયારેક તો ચડાણ એટલું અઘરું થઇ જતું હતું કે ઘોડાઓ થાકી જતા હતા અને બગીની ઝડપ ધીમી થઇ જતી હતી.

બિંદુને ખાતરી હતી કે તેઓ હવે નાગપુરની હદ બહાર હતા કેમકે નાગુરમાં ક્યાય એટલી ઉંચી ટેકરીઓ ન હતી. બિંદુ પોતાના શરીર પર નંદ સ્વામીની ગંદી નજર અનુભવી શકતી હતી. સામાન્ય લોકો જેને ભગવાન સમાન માની પૂજે છે એ વ્યક્તિ આટલો નીચ હોઈ શકે? રાજ પરિવારે એના પિતાના દુષ્કૃત્યને શા માટે છુપાવ્યું હશે?

બિંદુને પળવાર માટે થયું. પણ ફરી એને વિચાર આવ્યો કે જયારે રૂપેશ્વરે દુષ્કૃત્ય આચર્યું ત્યારે એમાં એનો પરિવાર સંડોવાયેલો ન હતો. મહારાજ જાણતા હતા કે લોકોમાં એ વાત ફેલાશે તો રૂપેશ્વરના પુત્ર અને પત્ની માટે નાગપુરમાં જીવવું મુશ્કેલ થઇ જશે અને આમ પણ ગુનેગાર રૂપેશ્વરને સજા મળી ગઈ હતી માટે એ ઘટનાને દબાવી દેવાઈ હતી. ખેડૂત પણ પોતાના પરિવારની ઈજ્જત માટે એ વાતને જાહેર થવા દેવા માંગતો ન હતો. બસ રાજના કેટલાક ખાસ માણસો જ રૂપેશ્વરના દેશનિકાલનું કારણ જાણતા હતા. બિંદુની મા રાજમાતાની દાસી હતી માટે એ બાબત જાણતી હતી અને બિંદુને પણ એ હકીકત જણાવી હતી.

આખરે બગી ઉભી રહી. બિંદુએ દુર ટેકરી પર દેખાતી સળગતી મશાલ તરફ જોયું. તેઓ જંગલના એ ભાગમાં હતા જે પહાડી બિંદુએ પહેલા ક્યારેય જોઈ ન હતી. તેઓ નાગપુર જંગલની હદ બહાર હતા.

તેઓ બગીઓમાંથી નીચે ઉતર્યા અને મશાલ સળગતી ટેકરી ચડવા લાગ્યા ત્યારે રાત ઘેરી બની ગઈ હતી. તેઓ જે કામ માટે જઈ રહ્યા હતા એ ન શોભે તેવો અંધકાર ચારે તરફ ફેલાયેલો હતો.

સ્વામીએ એક નજર આકાશના અંધકાર તરફ કરી. ‘ભગવાન પણ રાજ પરિવારનો અંત ઈચ્છે છે.’ એ મનોમન બબડ્યો કેમકે એને આકાશમાં તારાઓ એ ગોઠવણીમાં દેખાયા જે ગોઠવણીની એ રાહ જોઈ રહ્યો હતો.

વીસેક મીનીટના ચડાણ પછી બધા ટેકરી પર પહોચ્યા. હવે તેઓ મશાલના અજવાળામાં આવ્યા. સૌથી વધુ થાક જોગસિંહ અને આચાર્યના ચહેરા પર દેખાયો. મેકલ અને કેનીગ ઉમરમાં ખાસ્સા એવા મોટા હોવા છતાં એ ગોરાઓ એ પોતાના સ્વાસ્થ્યની પુરતી કાળજી લીધેલી હતી માટે તેમના શરીર કે ચહેરા પર એ ચડાણનો કોઈ થાક ન હતો.

બિંદુના ચહેરા પર પણ થાક ન હતો. એના યુવાન શરીરમાં જોમ હતું અને એના દિલો દિમાગમાં એ ષડ્યંત્ર જાણી લઇ રાજ પરીવાર સુધી માહિતી પહોચાડવાની અધીરાઈ હતી. મશાલના અજવાળામાં પસાર થઇ તેઓ આગળ વધ્યા, ટેકરી પરની ગુફા આગળ બીજી મશાલ જળતી હતી અને એના અજવાળામાં બિંદુની આંખો અઘોરી પર સ્થિર થઇ.

એ માનવ નહિ પણ કોઈ અસુર જેવો લાગ્યો. એના લાંબા વાળ ડ્રેડલોકમાં બંધાયેલા હતા. એના શરીર પર કપડાના નામ પર એક કાળી પોતડી વીંટાળેલી હતી. એ જમીન પર શેક ક્લોથ જેવા જૂટ કે કોઈ એવા કપડાના ટુકડા પર બેઠો હતો.

આગંતુકોને જોતા જ એ પોતાની બાજુમાં પડેલી એવી જ જૂટ કે સેક ક્લોથની ઝોળી લઇ ઉભો થયો.

“આચાર્ય... અઘોરીની ગુફામાં આપનું સ્વાગત છે.. આજે દેવ અને દાનવને પૂજનારા એક થઇ ગયા છે હવે એ માનવ પરિવાર માટે બચી શકવું અસંભવ છે.”

“અસંભવ... સિતારાઓની ગોઠવણ પણ એ જ કહી રહી છે... ત્રણ દિવસ પછી આકાશમાં પતનનું મુહુર્ત રચાઈ રહ્યું છે - સ્વસ્તિક નક્ષત્ર.”

સ્વસ્તિક નક્ષત્ર સાંભળી બિંદુના શરીરમાંથી ધ્રુજારી પસાર ન થઇ કેમકે એને ખબર ન હતી કે એ કેટલું ભયાનક હતું. ન એ શબ્દોની અસર મેકલ કે ડેવિડ મેસી પર થઇ. જોન કેનિંગ ઈન્ડિયાને લેન્ડ ઓફ મેજિક સમજતો હતો માટે એને એ શબ્દોમાં વિશ્વાસ હતો.

ભગવાન પણ રાજ પરિવારનો અંત ઈચ્છે છે. પોતે સાચું જ વિચાર્યું હતું આચાર્યના હોઠ પર એક ઘાતકી સ્મિત ફરક્યું.

“તો અહી શું આ ખોપડીમાં પાણી પીનારા પાગલના દર્શન કરવા લઇ આવ્યા છો?” જોગસિંહ એ બધી ચીજોમાં માનતો ન હતો. એ કંટાળી ગયો હોય એમ એના શબ્દો પરથી લાગ્યું.

“નહિ રાજ પરિવારને પાગલ બનતો જોવા માટે..” નંદ સ્વામીએ કહ્યું.

“કઈ રીતે?” ડેવિડ પણ હજુ એ બધી ચીજને મૂર્ખતા જ સમજતો હતો. એને સમજાયુ નહી કે કેનિંગ જેવો માણસ પણ એ બધી ચીજો પર વિશ્વાસ કરી શકે.

બિંદુ પાસે ચુપ રહી બધું સાંભળવા સિવાય કોઈ માર્ગ ન હતો કેમકે એને કઈ સમજ પડી નહી અને આમ પણ એને બોલવા કરતા સાંભળવામાં જ રસ હતો.

“કઈ રીતે એ હું સમજાવીશ...” અઘોરી પાગલની જેમ બરાડ્યો, એનો અવાજ સાંભળી મેસી પણ થથરી ગયો. એ સાચે જ પાગલ લાગી રહ્યો હતો. એણે જમીન પર ત્રણ ચાર લાકડાને આમ તેમ ગોઠવ્યા, એમની મધ્યમાં એની જોળીમાંથી નીકાળી કેટલીક ચીજો ગોઠવી અને ત્યારબાદ એના પર ભભૂત ફેકી.

એ શું કરી રહ્યો છે એ કોઈને સમજાયુ નહી. બસ આચાર્ય એ ચીજથી વાકેફ હોય એમ રસ પૂર્વક એ તરફ જોઈ રહ્યો.

“ત્રણ દિવસ પછી દશેરો છે... રાજ પરિવાર પોતાના પૂર્વજોના રીતી રીવાજો મુજબ મહેલમાં હથિયારોની પૂજા કરશે...” અઘોરી એટલું બોલી અટક્યો.

બધાના કાન એ આગળ શું કહે છે એ સાંભળવા અધીરા બન્યા, ખાસ તો બિંદુના કાન.

“એ દિવસે આખો મહેલ લોકોથી ભરાયેલો હશે, સામાન્ય જનતાને એ દિવસે મહેલમાં જમવાનું આમંત્રણ હશે અને એ દિવસે જ રાજ પરિવારનું રહસ્ય આપણા હાથમાં આવશે..”

“એ કઈ રીતે અનેક હથિયારોની પૂજા થતા એ સ્થળે તેઓ ક્યારે વજ્ર ખડગ કે વજ્ર ખંજરની પૂજા કરી એને છુપાવી દેશે એ કઈ રીતે જાણી શકાય..?” જોગસિંહ બોલ્યો.

બિંદુના શરીરમાંથી ધ્રુજારી પસાર થઇ. એ ઠંડા પવનને લીધે હતી કે અઘોરીની ચાલને લીધે એ નક્કી થઇ શકે એમ ન હતું.

“એ હથિયાર બધાથી અલગ છે. વજ્ર ખડગની ચમક દરેક સામાન્ય હથિયાર કરતા અલગ હશે અને તેઓ વજ્ર ખડગ અને વજ્ર ખંજર બંનેની પૂજા કરશે...” આચાર્યએ કહ્યું. આચાર્ય એ બાબત જાણતો હતો.

“એ હથિયાર કઈ રીતે અલગ પડે છે અને એ બંનેની પૂજા થાય છે એ જાણ આપને કઈ રીતે હોઈ શકે?” જોગસિંહે પૂછ્યું.

“હું રૂપેશ્વરનો પુત્ર છું. ત્રંબકેશ્વર પહેલા મારા પિતા રાજપુરોહિત હતા. તેમણે એ પૂજામાં ભાગ લીધેલ છે..”

“તો આજ સુધી એ મેળવી લેવાનો પ્રયાસ આપે કેમ ન કર્યો?”

“કેમકે એ મેળવવું સહેલું નથી...” અઘોરીએ કહ્યું, “અને એ મેળવવાની જરૂર પણ નથી..”

“મતલબ...” મેસી કઈ સમજ્યો નહિ.

“જયારે મહેલમાં એ પૂજા થાય છે એ પહેલા ખંજરને ભેડાઘાટ પરના નાગદેવતાના મંદિરે પૂજા માટે લઇ જવાય છે. કહે છે બધા હથિયારો ત્યાં પૂજા માટે લઇ જવાય છે અને જયારે પાછા આવે ત્યારે એ હથિયારો વજ્રના બની જાય છે..” રાજોસિહે કહ્યું.

“હા, સિપાહીઓમાં એ અફવા પણ છે કે રાજમાતા એવા હથિયારોનો જથ્થો ભેગો કરી અંગ્રેજ કંપની સામે એક યુદ્ધનું ષડ્યંત્ર રચી રહ્યા છે..” હુકમે અઘોરીની વાત પૂરી થાય એ પહેલા જ વચ્ચે કહ્યું.

બિંદુના છાતીના ધબકારા વધવા લાગ્યા. ઠંડા પવનની લહેરરખીઓ તેના કપાળ પર એકઠા થતા પરસેવાના બિંદુઓને ઉડાવી જતી હતી નહિતર હમણા સુધી બધાને અંદાજ આવી ગયો હોત કે તે હકીકતમાં રાજ પરિવારની ભક્ત છે. બિંદુએ મોનોમન ઠંડા પવનનો આભાર માન્યો અને આગળ શું ચર્ચા થાય છે એ સાંભળવા સતેજ બની.

હુકમે અઘોરીની વાત વચ્ચેથી કાપી હતી છતાં એ ગુસ્સે ન થયો કેમકે હુકમની વાત હુકમના એક્કા જેટલી મહત્વની હતી અને તેઓ જે રમત રમવા જઈ રહ્યા હતા એમાં તો એ મુખ્ય પાનું હતું.

“એ હથિયાર પાછા ફરતા હોય ત્યારે એ લુંટવાના છે..”

“એ શકય નથી...” હુકમે કહ્યું, “રાજના ખાસ સિપાહીઓ અને રાજમાતાની ગુપ્ત ફોજ એ હથિયારોની રક્ષા કરે છે.”

“અને એ બધા પાસે વજ્ર ખડગ પણ હશે...” કેનિંગ પણ બોલ્યો.

“હા, પણ તેઓ એ વજ્ર ખડગનો ઉપયોગ નહિ કરી શકે...” અઘોરી બબડ્યો.

“કેમ?”

“કેમકે જયારે તમે એમને લુંટવા જશો એ બધા લાશ બની જંગલમાં પડ્યા હશે..” કહી તે ખડખડાટ હસ્યો. બધા સહેજ ડરીને તેને જોઈ રહ્યા. આમ હસતી વેળાએ તે ઓર ભયાનક લાગતો હતો.

“એ કઈ રીતે?”

“ભેડાઘાટ પરના મંદિરે હથિયારોની પૂજા પછી મહાપ્રસાદ વહેચાસે એમાં આ ભભૂતિ ભેળવવી પડશે..” અઘોરીએ સેક ક્લોથની ઝોળીમાંથી એક કાપડની પોટલી નીકાળી.

આચાર્યે પોટલી લેવા હાથ લંબાવ્યો પણ અઘોરીએ એ તેના હાથમાં સોપી નહિ.

“આ ભભૂત નાગના ઝેરથી બનાવેલ છે એનો ઉપયોગ કરતા એક સાવધાની રાખવી પડશે. જો મદારી કબીલાના લોકો ત્યાં હાજર હશે તો એમને એક પળમાં એનો અંદાજ આવી જશે..” અઘોરીએ ભભૂત આચાર્યના હાથમાં સોપીં.

“રાજના સામાન્ય સિપાહીઓ જ એ ફરજ બજાવે છે ત્યાં કોઈ મદારી કબીલાથી નથી હોતું..” હુકમે માહિતી આપી. હુકમ જંગલ વિસ્તારની રક્ષક ફોજનો સેના નાયક હતો. એ રાજના ખાસ એવા રહસ્યો જાણતો હતો.

“એ છતાં કદાચ એ આયોજન નિષ્ફળ જાય તો મારી પાસે બીજી યોજના પણ છે જ...” અઘોરીએ કહ્યું.

“કેવી યોજના..”

“સુનયના...” અઘોરીએ અવાજ આપ્યો.

બિંદુની આંખો ફાટી જાય તેમ પહોળી થઇ અને પરિસ્થિતિનું ભાન થતા તે સ્વસ્થ થઇ. પોતે જે સાંભળ્યું એ સત્ય ન હોઈ શકે. રાજકુમાર સુબાહુ કેટલાક સમય પહેલા જંગલમાંથી એક અજાણ્યી યુવતીને લઇ આવ્યા હતા અને રાજ્યમાં જાહેરાત થઇ હતી કે આવતા દશેરાની પૂજા પછી સુબાહુ અને એ બહારથી આવેલ યુવતી સુનયનાના લગ્ન થવાના છે.

બિંદુનું રહસ્ય સુનયના જાણતી હતી કેમકે સુનયનાએ બિંદુને કેટલીયે વાર મહેલમાં આવતી જોઈ હતી. બિંદુ દરેકથી સાવધ રહીને રાત્રીના અંધકારમાં જ મહેલમાં જતી પણ મહેલમાં જ હાજર રાજમાતાની પુત્રવધુ દગાબાજ હોઈ શકે આવી કલ્પના પણ કોણ કરી શકે?

બિંદુના પગ જમીન સાથે ચોટી ગયા. શું કરવું એ તે નક્કી કરી શકી નહિ. પોતે જીવતા રહેવું જરૂરી હતું કેમકે એક એવું રહસ્ય એ જાણી ચુકી હતી જે નાગપુર રાજ વંશનો અંત અટકાવી શકે એમ હતું પણ એ માટે મહેલ સુધી પહોચવું પડે એમ હતું.

ગુફાના અંધકારમાંથી એક સુંદર યુવતી બહાર આવી, મશાલના અજવાળામાં એનો ચહેરો જોઈ બધાને નવાઈ લાગી કેમકે એ સુબાહુની થનાર પત્ની હતી. સૌથી વધુ આશ્ચર્ય તો બિંદુને થયુ. જે રાજના ક્રાઉન પ્રિન્સની પત્ની બનવાની હોય એ કેમ દગો કરે? એ આવતી કાલે નાગપુરની મહારાણી બનવાની હતી.

બિંદુ એને પૂછવા માંગતી હતી કે કેમ પણ એ સમય ન હતો. બિંદુએ પોતાના કપડામાં છુપાવેલ નાનકડી ગુપ્તી નીકાળી અને બાજુમાં ઉભેલા જોગસિંહના પેટમાં હુલાવી દીધી. જોગસિહની બાજુમાં ઉભેલો રાજોસિહ કઈ સમજે એ પહેલા એ ગુપ્તી બિંદુએ જોગના પેટમાંથી નીકાળી બેકહેન્ડ બલોમાં રાજોના ગળાને કાપી નાખ્યું.

એકાએક શું થયું એ કોઈ સમજી શક્યું નહિ. બધા પૂતળાની જેમ એ જોઈ રહ્યા. બિંદુએ ગુપ્તી જોગસિંહના પેટમાંથી બહાર ખેચી કાઢી વળતા હાથે બેક હેન્ડ બલોમાં રાજોસિહને પૂરો કર્યો અને ગુપ્તીનો છુટ્ટો ઘા અઘોરી તરફ કર્યો. અઘોરી એ ઘા પ્રાણઘાતક સાબિત થઇ શકે એ સમજી ગયો હતો. એની પાસે ખસી શકવાનો સમય નહતો. એણે નજીક ઉભેલા આચાર્યને પોતાની આગળ ખેચી લાવ્યો. ગુપ્તી આચાર્યની છાતીમાં ઉતરી ગઈ.

બિંદુ અઘોરીને મારવા માંગતી હતી પણ તેની પાસે બીજો કોઈ હથીયાર ન હતું. ભાગવા સિવાય કોઈ રસ્તો ન હતો. જીવતા રહેવું જરૂરી હતું. તે ભયાનક વેગે દોડી અને ઢોળાવ તરફ કુદી પડી. ત્યાંથી ભાગી એ સમાચાર રાજ પરિવાર સુધી પહોચાડવા માંગતી હતી.

*

બિંદુએ આકસ્મિક હુમલો કર્યો એ માન્યામાં આવે એમ ન હતું. મેકલ, કેનિંગ કે મેસી કોઈને એનું કારણ સમજાયુ નહિ.

જો બિંદુ રાજ ભક્ત હોય તો પણ એમ એકાએક હુમલો કેમ કરે? એ બીજી સવારે મહેલ જઈ એ સમાચાર રાજ પરિવાર સુધી પહોચાડી શકે એમ હતી. કોઈને કઈ સમજાયુ નહિ.

આચાર્ય, રાજોસીહ અને જોગસિંહ અંતિમ શ્વાસ લઇ રહ્યા હતા પણ કોઈએ ધ્યાન એમના તરફ ન આપ્યું. બિંદુએ બહુ વિચારીને એ ગદ્દારોને જ ટાર્ગેટ બનાવ્યા હતા. તે જાણતી હતી કે રાજોસીહ અને જોગસિહ સાથે મળી જાય તો સેનામાં રાજમાતા વિરુદ્ધ બળવો કરાવી શકે એમ હતા માટે ત્યાં ઉભેલા ગોરાઓને બદલે એમને ટાર્ગેટ બનાવી નીકળી ગઈ હતી.

“એ છોકરી બચીને ન જવી જોઈએ..” અઘોરી બરાડ્યો.

“પણ એ આમ એકાએક નાઠી કેમ..?” મેકલે મુઝવણ રજુ કરી, “એ પાગલ થઇ ગઈ હોય એમ હુમલો કેમ કર્યો..?”

“એ હું પછી સમજાવીશ...” ગુફામાંથી હમણા જ બહાર આવેલી સુનયનાએ કહ્યું, “પહેલા એને પકડવી પડશે નહિતર આખો પ્લાન ચોપટ થઇ જશે..” સુનયનાએ ગુફાના દરવાજે સળગતી મશાલ હાથમાં લીધી અને મેકલ તરફ સરકી.

“અને જોગસિંહ અને આચાર્યનું શું?” કેનીગે પૂછ્યું. એ હજુ શોકમાંથી બહાર આવ્યો ન હતો. રાજોસિહ મરી પરવાર્યો હતો એની બધાને ખાતરી હતી કેમકે એનું ગળું કપાઈ ગયું હતું પણ જોગસિહ અને આચાર્ય કદાચ બચી શકે એમ હતા.

“સ્વતિક મુહુર્ત રચાવા જઈ રહ્યું છે બલી તો ચડવાની જ...” અઘોરી સ્વગત બોલતો હોય એમ બબડ્યો, “આચાર્ય જેવા જ્ઞાની પંડિત અને રાજોસીહ જેવા રાજના માણસો અને જોગસિંહ જેવા જાગીરદારની બલી મતલબ શેતાન આપણી સાથે છે..” અઘોરી ખડખડાટ હસ્યો. તેના ભસ્મ લગાવેલા લાંબા વાળ અને શરીર સાથે તે હાસ્ય એટલું વિકરાળ હતું કે એકલા માણસને તે આમ રાત્રે મળી જાય તો છાતી ફાટી જાય.

મેસીને એ બધા પર ગુસ્સો આવ્યો પણ એ ખામોશ રહ્યો કેમકે કેનિંગને એ અઘોરી પર વિશ્વાસ હતો.

“એમને મરવા દો અને બિંદુનો પીછો કરો..” મેકલે પણ કહ્યું અને પોતે પણ જે રસ્તે આવ્યા હતા એ રસ્તા તરફ ચાલવા લાગ્યો.

ટેકરી પર સળગતી બીજી મશાલ મેકલે હાથમાં લીધી અને બધા ટેકરી ઉતરવા લાગ્યા. જોકે એમનામાં બિંદુ જેમ ત્યાંથી ઢોળાવમાં છલાંગ લગાવવાની હિમ્મત ન હતી. એ હિમ્મત માત્ર રાજ ભક્તોમાં જ વફાદાર માણસોમાં જ હોય છે ગદ્દારો અને ષડ્યંત્રખોરો માત્ર બીજાના જીવને જોખમમાં મુકે છે પોતાના જીવને જોખમમાં મૂકી શકતા નથી.

ચારે તરફ અંધકાર હતો. તેઓ મશાલના અજવાળાને આધારે ઢોળાવ ઉતારવા લાગ્યા.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky