Swastik - 33 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 33)

ખાસ સભાનો ખંડ મહેલમાં ઊંડે ભોયરામાં બનાવવામાં આવેલો હતો. મહેલના દરવાજા અંદરથી બંધ કરાઈ દેવાયા હતા અને દુર્ગેશને હુકમ આપવામાં આવ્યો હતો કે કોઈને પણ મહેલમાં આવવાની પરવાનગી નિષેધ છે. જ્યાં સુધી સભા પૂરી ન થાય ત્યાં સુધી વચ્ચે કોઈ ખલેલ ન કરી શકે એ માટે ગુપ્ત સભા ખંડ બહાર કોઈ ચપરાસીને ગોંગ લઇ બેસાડ્યો ન હતો.

સભા ખંડમાં દરેક ખાસ વ્યક્તિ હાજર હતો - સુરદુલ, જીદગાશા, પરાસર, દંડનાયક કર્ણસેન, દિવાન ચિતરંજન, સુબાહુ, સુનયના, રાજમાતા, અને સત્યજીત.

રાજમાતાએ સુરદુલને મહેલમાં લઇ જઈ પહેલું કામ સત્યજીતને હોશમાં લઇ આવવાનું શોપ્યું હતું. એને સમજાવી સભામાં સુનયના પર કાર્યવાહી થશે એ બાબતની ખાતરી આપી એ ખંડમાં લાવ્યો હતો.

રાજમાતા એને સામાન્ય વ્યક્તિ જેમ ત્યાં લાવવા માંગતા હતા પણ સુરદુલ સત્યજીતના ગુસ્સાને જાણતો હતો. એણે તેના હાથ બાંધી ત્યાં લાવવા જીદ કરી હતી જે સભામાં કોઈ ખલેલ ન પડે એ હેતુથી રાજમાતાએ માન્ય રાખી હતી. એનું વજ્ર કવચ એની બેહોશીની અવસ્થામાં જ ઉતારી લેવાયું હતું.

“સત્યજીત તું રાજનો સૌથી વફાદાર છો..” રાજમાતા એક પળ અટક્યા, એમના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ, “સુનયના પર જીવલેણ હુમલાનું કારણ..?”

“સુનયના ગદ્દાર છે...” સત્યજીતે કહ્યું, “બિંદુ અને નાગ મંદિર આયુધ પૂજા માટે ગયેલા દરેક સિપાહીના મોત માટે એ જવાબદાર છે.”

“એ અશકય છે...” સુબાહુ વચ્ચે જ બોલી ઉઠ્યો, “સત્યજીત તને કોઈ સમજ ફેર થઇ છે. સુનયના ગદ્દાર ન હોઈ શકે..”

“મને ખબર હતી કે મહેલમાં કોઈ એને ગદ્દાર માનવા તૈયાર નહી થાય માટે જ મેં એને મારી નાખવા પ્રયાસ કર્યો હતો.”

“રાજ પરિવાર પર હુમલો કરતા પહેલા એકવાર તારા કબીલાએ રાજરક્ષાની જે પ્રતિજ્ઞા લીધેલી છે એનો વિચાર ન આવ્યો..?” ચિતરંજને કહ્યું.

“આવ્યો હતો પણ..” સત્યજીત અટકી ગયો..

“પણ શું..?” રાજમાતા આગળ જાણવા ઉત્સુક થયા.

“પણ બિંદુ સાથે જે થયું એ જોઈને મારા માટે એ પ્રતિજ્ઞા કરતા વધુ મહત્વ બિંદુની મોતનો બદલો બની ગયું છે..”

“એવું શું થયું હતું બિંદુ સાથે...?” રાજમાતાએ પૂછ્યું.

“આજથી ત્રણ દિવસ પહેલા નાગપુરના જંગલ બહાર કાળા પહાડની ભૈરવ ગુફામાં રહેતા અઘોરીને ત્યાં એક ગુપ્ત ષડ્યંત્ર રચાયું હતું જેમાં જાગીરદાર જોગસિહ, હથિયાર ગૃહનો રક્ષક રાજોસીહ, અરણ્ય ફોજનો સેનાનાયક હુકમ, આપનો પ્રતિનિધિ મેકલ, બીજા કેટલાક ગોરા અને આપની આ પુત્રવધુ ત્યાં હાજર હતી જેનું ગંદુ નામ પણ હું મારા મો પર લાવવા નથી માંગતો...”

“સત્યજીત...” સુબાહુ આસન પરથી ઉભો થઇ ગયો, “તું સુનયનાનું અપમાન કરી રહ્યો છે..”

“હું એનું અપમાન નહિ એનું ખૂન કરવા માંગું છું...” સત્યજીતે પણ એ જ ગુસ્સા સાથે કહ્યું, “મારો રાજ ભક્તિમાં અંધ બાપ વચ્ચે ન આવ્યો હોત તો નાગપુરની પવિત્ર ધરતી પરથી એક...”

“સત્યજીત...” રાજમાતા પણ ખુરશીમાંથી ઉભા થઇ ગયા, “સુબાહુ,.. આ સભા એકબીજા સાથે લડવા માટે નહિ સત્ય જાણવા માટે અને અસલ ગુનેગારને સજા કરવા માટે છે..”

સુબાહુ ફરી આસન પર ગોઠવાયો રાજમાતા પણ આસન પર બેઠા.

“સજા...” સત્યજીત જરાક અટક્યો અને મલક્યો, “રાજમાતા જો સજા જ કરવી હોય તો હું હમણા જ ફાંસીએ ચડી જવા તૈયાર છું પણ પહેલા મને આ ગદ્દારનો જીવ લઇ લેવા દો...”

“પણ એ ગદ્દાર છે એની શું ખાતરી...?” ચિતરંજન વચ્ચે દખલ કરતા બોલ્યો. સુનયના અબોલ બેસી રહી.

“એ ગદ્દાર છે એની ખાતરી મને બિંદુના શરીર પર દેખાયેલા ઘા અને ઉજરડા કહી ગયા હતા અને તમારાથી એ જોઈ શકાય એમ હોય તો એની લાશ જંગલમાં પડી છે. ત્યાં આસપાસમાંથી તમને અરણ્ય સેનાનાયક હુકમ અને એના પંદરેક સિપાહીઓની લાશો મળી જશે જેમાંથી કેટલાકને મારા વજ્ર ખડગે ઉભા ચીરી નાખ્યા છે તો કેટલાકના માથા તમને અલગથી ક્યાય શોધશો તો જાડીઓમાંથી મળી રહેશે..”

રાજમાતા, પરાસર, સુબાહુ, ચિતરંજન અને દંડનાયક બધા સ્તબ્ધ બની ગયા.

“રાજ મહેલમાં કોઈ ગદ્દાર ન હોય તો અરણ્ય સેના દશેરાના દિવસે જંગલમાં કેમ હતી...?” સત્યજીતે પૂછ્યું અને તેનો જવાબ જાતે જ આપ્યો, “કેમકે એને બિંદુને મારી નાખવાનું કામ રાજમહેલ તરફથી મળ્યું હતું.”

“કદાચ એ કામ રાજોસિંહ અને જોગસિહે એને સોપ્યું હોય કે એ પોતાની રીતે જ બિંદુને મારી નાખવા નીકળી ગયો હોય..?” ચિતરંજને કહ્યું, “તે જ હમણા કહ્યું કે એ લોકો પણ એમાં સામીલ હતા..”

“રાજોસિંહ, આચાર્ય નંદ સ્વામી અને જોગસિહને તો બિંદુએ કાળા પહાડ પરથી કુદી પડતા પહેલા જ મારી નાખ્યા હતા પણ હુકમ બચી ગયો. કદાચ એ એની રીતે જ બિંદુને શોધવા નીકળ્યો હોય એ બની શકે...” સત્યજીતે કહ્યું.

રાજમાતા, દિવાન અને ત્યાં બેઠેલા બધાના ધ્યાનમાં આવ્યુ કે આજના દશેરામાં આચાર્ય નંદ સ્વામી હાજર ન હતો. ન જોગસિંહ આવ્યો હતો અને જ્યારથી બિંદુ ગાયબ થઇ ત્યારથી રાજોસીહ પણ દેખાયો ન હતો.

“આ બધાથી સુનયના કઈ રીતે ગદ્દાર સાબિત થાય છે..?” સુબાહુએ પૂછ્યું.

“કેમકે મરતા પહેલા બિંદુએ મને કહ્યું હતું. હું એને રાજ વૈધ પાસે લઇ આવવા માંગતો હતો પણ એ મહેલ આવતા ડરતી હતી કેમકે મહેલમાં જ કોઈ એવું હતું જે એને મારી નાખવા માંગતું હતું...” કહીને તેણે ધારદાર નજર સુનયના તરફ કરી. સુબાહુએ એ નોધ્યું.

“કદાચ એને કોઈ સમજ ફેર થઇ હોય...” ચિતરંજને કહ્યું, “એ બેલાશક રાજ ભક્ત હતી પણ ગલતફેમી ગમે તેને થઇ શકે છે..”

“કોઈ ગલત ફેમી નથી. બિંદુ ભૈરવ પહાડ પર એ બધા સાથે હતી મતલબ ત્યાં કોઈને ખબર ન હતી કે એ આપણી ગુપ્તચર છે પણ એકાએક ત્યાં સુનયના આવી જે એ બાબત જાણતી હતી માટે બિંદુને પોતે જે રહસ્ય જાણ્યું હતું એ એળે ન જાય એ માટે ત્યાંથી કુદી પડવું પડ્યું. જતા પહેલા એની ગુપ્તી રાજોસીહ, આચાર્ય અને જોગસિહનો ભોગ લઇ ગઈ કેમકે એ એની નજીક ઉભા હશે..” સત્યજીતે કહ્યું.

રાજમાતા પાસે દલીલ કરવા માટે શબ્દો ન રહ્યા તેઓ સમજી ગયા કે સત્યજીત જે કહી રહ્યો છે તે સિવાય કોઈ શક્યતા ન હોઈ શકે.

“કાળા પહાડથી નાસી જવામાં સફળ બિંદુ ઘાયલ હોવા છતાં મહેલ કેમ ન આવી?” સત્યજીતે એક એક મુદ્દા સમજાવવા માંડ્યા, “એ ત્રણ દિવસ ભૂખી તરસી જંગલમાં અરણ્ય સેનાથી બચતી રહી અને દશેરાના દિવસે નાગ મંદિર પર જે થવાનું હતું એ અટકાવવા નાગ મંદિર જતા શ્રદ્ધાળુઓ સાથે ભળવા એ તરફ નીકળી કેમકે એને એમ હતું કે એ દિવસે જંગલમાં હુકમ કે અરણ્ય સેના નહિ હોય પણ એનો અંદાજ ખોટો પડ્યો.”

સત્યજીત અટકયો, એક ગુસ્સાભરી નજર સુનયના તરફ કરી, “જે સમયે હું સુરદુલ સાથે પહેલી સવારી લઇ ઘેરા જંગલમાં પ્રવેશ્યો ત્યારે જ અમને બંદુકનો ભડાકો સંભળાયો. એ દિવસે અરણ્ય સેના ત્યાં ન હોઈ શકે એની અમને ખાતરી હતી માટે સુરદુલ સવારી પાસે રહ્યો અને હું એ અવાજની તપાસમાં ગયો જ્યાં મારે બિંદુને બચાવવા હુકમ અને એના સિપાહીઓને મારવા પડ્યા. પણ હું મોડો પડ્યો હતો બિંદુને ગોળી વાગી ગઈ હતી. એ મરતા પહેલા મને બધું કહી ગઈ કેમકે એ નાગ મંદિર ગયેલા રાજના સીપાહીઓને બચાવવા માંગતી હતી. હું સુરદુલ પાસે પાછો ગયો એ સવારી પાછી વાળી ગયો અને બધા સિપાહીને ભેડાઘાટના માર્ગે મરેલા જોઈ હું સુનયના માટે મહેલ આવ્યો.”

સત્યજીતે પોતાની વાત પૂરી કરી, બધાની તરફ ગુસ્સા ભરી નજર કરી અને કહ્યું, “ન્યાય કરવા માટે હજુ કઈ ખૂટતું હોય એમ મને નથી લાગતું. પણ હું જાણું છું કે ન્યાય નહી થાય કેમકે બિંદુ જેવા દેશ ભક્ત મોતને ભેટે છે. એને ન્યાય અપાવવા નીકળેલા મારા હાથમાં સાંકળો છે તેમજ ગદ્દારો સિહાસન પર બેઠા છે..” સત્યજીતે ફરી એકવાર સુનયના તરફ જોઈ જમીન પર થુંકયું.

સુરદુલ જાણતો હતો કે આવતી સવારે સત્યજીતને ફાંસી થવાની છે માટે એ ભાંગી પડેલો હતો. એને એ સભામાં કોઈ રસ ન હતો. તે એમ જ ઉભો રહ્યો.

“સુનયના...” રાજમાતા એ સુનયના અને સુબાહુ જે તરફ આસન પર બેઠા એ તરફ જોયું, “આપ સ્વ બચાવમાં કઈ કહેવા માંગો છો..?”

“મારી પાસે કહેવા માટે કઈ નથી કેમકે સત્યજીત અને બિંદુ જેવા રાજના વફાદાર જુઠ્ઠું બોલે એ શક્ય નથી.. આમાંથી કોઈ વાત એમણે ઉપજાવી કાઢેલી નથી પણ હું નિર્દોષ છું. કદાચ બિંદુએ મારા રૂપમાં કોઈ નાગિનને જોઈ હોય જે રૂપ બદલી શકતી હોય અને આ આખી સમજ ફેર થઇ હોય..”

સુનયનામાં નાગિન તરીકેની અમુક શક્તિઓ પૃથ્વી પર આવ્યા પછી પણ હતી એ બીજાનું મન વાચી શકતી હતી અને સત્યજીતનું મન વાંચી એ સમજી ગઈ કે સત્યજીત જે કહતો હતો એમાં એક શબ્દ પણ અસત્ય ન હતો અને છતાં પોતે ત્યાં ન હતી મતલબ કોઈ ઈચ્છાધારી નાગિન ત્યાં પોતાના રૂપમાં હશે.

“નાગપુર જંગલમાં નાગ જાતિનો કબીલો રહે છે પણ એમાં કોઈ ઈચ્છાધારી નાગ નથી.. ત્યાં જન્મતા એવા શાપિત બાળકોને એમની શક્તિનો પરિચય થવા દેવામાં આવતો નથી. તાલીમ વિના એ શક્ય નથી..” રાજમાતાએ કહ્યું, “આપની આ દલીલ પાંગળી છે.”

“કદાચ કોઈ એક હોઈ શકે..” સુનયનાએ કહ્યું.

“હા, કોઈ એક છે.” સત્યજીતે કહ્યું એટલે બધી નજરો એ તરફ થઇ, “અને એ એક સુનયના છે. મેં કેટલીયે વાર દુષ્ટ નાગોનો સામનો કર્યો છે. વજ્ર ખંજર એક નાગ કે નાગિન સિવાય કોઈ હાથમાં પકડી એને રોકી શકે નહી..”

રાજમાતા પણ એ બાબત જાણતા હતા. ઘણીવાર કોઈ દુષ્ટ નાગના ઉપદ્રવને દુર કરવાનું કામ સત્યજીત અને સુરદુલને સોપવામાં આવતું હતું. જોકે સંધી મુજબ હવે નાગનો મુખિયા જ એમના કબીલાને સંભાળી લેતો એ છતાં કોઈ વાર અમુક નાગ નાગપુરની હદમાં પ્રવેશી લોકોને મારી નાખતા ત્યારે સત્યજીત અને સુરદુલ જેવા મદારીઓ નાગ જંગલમાં જતા.

“શું સત્યજીતે લગાવેલ ઇલ્જામ સાચો છે..?” રાજમાતાએ સુનયના તરફ જોયું, “શું આપ એક નાગિન છો?”

“હા..” સુનયના હવે સત્ય છુપાવવા માંગતી ન હતી, “હું એક નાગિન છું અને એ બાબત મેં રાજકુમારને મળી એ પહેલા દિવસે જ કહી હતી...”

“સુબાહુ શું આ સત્ય છે?”

“હા, મા..” સુબાહુએ કહ્યું, “હું એની હકીકત જાણતો હતો.”

રાજમાતા પાસે હવે વધુ સવાલો ન રહ્યા અને એની જરૂર પણ ન હતી કેમકે તેઓ જાણતા હતા કે એક નાગિન કઈ હદ સુધી જઈ શકે છે. એ કેવા કેવા દાવ રમી શકે છે, “સુનયનાને આજીવન કારાવાસ...”

“નહિ રાજમાતા...” સુબાહુ આસન પરથી ઉભો થઇ ગયો, “એ નાગિન છે મતલબ એ ગુનેગાર છે એમ સાબિત નથી થતું..”

“તું મારા ફેસલા વિરુદ્ધ જઈ રહ્યો છે..”

“હું અન્યાયી ફેસલા વિરુદ્ધ જઈ રહ્યો છું કેમકે જો એક નાગિન હોવાથી કોઈ ગુનેગાર સાબિત થઇ જતું હોય તો હું પણ અર્ધ નાગ છું...” સુબાહુએ કહ્યું.

“પણ બધી બાબતો એને ગુનેગાર ઠેરવે છે..” રાજમાતાએ કહ્યું.

“હું તપાસ ચલાવીશ અને ખરા ગુનેગારને સામે લાવીશ..” સુબાહુએ કહ્યું, “ત્યાં સુધી આ ફેસલો મુલતવી રાખવો પડશે..”

“એ શક્ય નથી..” રાજમાતા ઊંચા અવાજે બોલ્યા, “એવી કોઈ ખાસ તપાસ ચલાવવાની નાગપુર કાયદો પરવાનગી નથી આપતો..”

“હું પરવાનગી આપું છું..” સુબાહુ ઉભો થઇ ગયો કેમકે એને વિશ્વાસ હતો કે સુનયના ગદ્દાર ન હોઈ શકે.

“કયા હોદાથી...?” રાજમાતાએ હવે એક રાણીની જેમ સવાલ કર્યો.

“પ્રિન્સલી સ્ટેટ રાજપુરના યુવરાજના હોદાથી... આ દશેરાથી મને થ્રોન હોલ પર બેસાડવામાં આવ્યો છે એ હોદ્દાથી...”

રાજમાતા સમજી ગયા કે સુબાહુ સુનયના માટે બગાવત પર ઉતરી રહ્યો છે.

“રાજ પરિવાર ન્યાય નહી કરે તો રાજ ભક્તોનો વિશ્વાસ ગુમાવી બેસશે..” રાજમાતાએ આખરી ચેતવણી આપી.

“રાજ ભક્તોને ખુશ કરવા હું એક નિર્દોષને સજા થતી ન જોઈ શકું..” સુબાહુએ કહ્યું, “જ્યાં સુધી હું ખાતરી ન કરી લઉં કે સુનયના ગુનેગાર છે ત્યા સુધી એને કોઈ સજા નહી કરી શકે..”

“સજા હું સંભળાવી ચુકી છું..” રાજમાતાએ ગંભીર થતા કહ્યું.

કોઈ વચ્ચે બોલી શકે એમ ન હતું કેમકે રાજકુમાર અને રાજમાતા આમને સામને હતા.

“એ મને માન્ય નથી..”

“મતલબ તું માન્ય કરશે તો જ હવ મારો નિર્ણય ચાલશે..”

“આ એક બાબતમાં તો ચોક્કસ..”

“રાજના નિયમ એક બાબત માટે અલગ ન પડી શકે..”

“નિયમ મુજબ મને એકવીશ વર્ષ થઇ ગયા છે અને નાગપુરના એકમાત્ર વારીસ તરીકે હું એ સજાનો અસ્વીકાર કરું છું..” સુબાહુએ આખરી ફેસલો કરતો હોય તેમ કહ્યું, “સુનયના કારાવાસ નહિ જાય - જ્યાં સુધી એને ગુનેગાર સાબિત કરતા કોઈ સબુત ન મળે ત્યાં સુધી નહિ જ..”

દિવાન ચિતરંજન, દંડનાયક અને રાજસેવક પરાસર બધા સ્તબ્ધ બની ગયા કેમકે રાજકુમાર જે બોલ્યો એનો સીધો અર્થ હતો એ રાજમાતા પાસેથી રાજની ધુરા પોતાના હાથમાં લઇ રહ્યો હતો. એમના ફેસલાને પડકારી રહ્યો હતો.

એ વાત રાજમાતા પણ સમજી ગયા.

‘એક નાગિન કેટલા છળ કરી શકે છે.’ એ મનોમન બબડ્યા.

“એક છેલ્લો ફેસલો લેવા દઈશ...?” રાજમાતાએ સુબાહુ તરફ જોયું.

“સુનયનાની સજા સિવાય આ રાજમાં દરેક ફેસલા આપના જ રહેશે..” સુબાહુ પણ પોતે ગુસ્સામાં શું કહ્યું હતું એનો અર્થ સમજતો હતો પણ સુનાયાનાને બચાવવા એ સિવાય કોઈ રસ્તો ન હતો. એને વિશ્વાસ હતો કે સુનયના ગદ્દાર ન હોઈ શકે.

“મારે બીજા કોઈ ફેસલા કરવાની જરૂર નથી...” રાજમાતાએ કહ્યું, “આ અંતિમ ફેસલા પછી હું રાજના ભારથી સન્યાસ લઉં છું..”

કોઈ કશું બોલ્યું નહિ.

“ચિતરંજન..” રાજમાતાએ સ્વસ્થ થઈને કહ્યું, “સત્યજીત આજે રાત્રે કારાગાર તોડી નાશી ગયાનો રીપોર્ટ તૈયાર કરી પ્રતિનિધિ મેકલને સવારે મોકલાવજો... બસ આ મારો નાગપુર રાજમાતા તરીકે અંતિમ ફેસલો છે.”

“નહી રાજમાતા...” સત્યજીત બરાડ્યો, “મારી મુક્તિ સુનયનાનું મોત છે.. મને ફાંસીએ ચડાવી દો નહિતર હું એ ઝેરી નાગીનની ફણ ચગદયા વિના નહિ રહું...”

સુબાહુને સત્યજીતના શબ્દોથી ગુસ્સો આવ્યો પણ એ ચુપ રહ્યો કેમકે એ રાજમાતાનો અંતિમ ફેસલો હતો એમાં એ દાખલ કરવા માંગતો ન હતો.

“સત્યજીત..” રાજમાતાએ કહ્યું, “મારા પોતાના તો મારા વિરુદ્ધ થઇ ગયા છે... મારી હાલત બિંદુ કરતા કઈ વધુ સારી નથી.. એના જેમ મારા માટે પણ હવે આ મહેલ દુશ્મનોથી ભરેલો છે. હું મહેલ છોડી જતા પહેલા જે અંતિમ ફેસલો કરું છું એ પણ તું પૂરો નહી થવા દે..”

“રાજમાતા, આપ મહેલ છોડી જશો...?” ચિતરંજન વચ્ચે બોલતા પોતાની જાતને રોકી ન શક્યો.

“હા, ચિતરંજન હવે આ મહેલમાં મારું કોઈ સ્થાન નથી...” રાજમાતાએ ઉદાસ સ્વરે કહ્યું, “મહેલની રાણી હવે પછી બધા ફેસલા લેશે...”

“નહિ માતા...” સુનયના આસન પરથી ઉભી થઇ ગઈ, “હું આપનું સ્થાન ન લઇ શકું..”

“તારો અભિનય રાજકુમારને બનાવી શકતો હશે રાજમાતાને નહિ..” રાજમાતાએ કહ્યું, “તારા મોએ માતા જેવા પવિત્ર શબ્દો શોભતા નથી...”

સુનયનાના કાનમાં એના પિતા ઇયાવાસુએ આપેલો શ્રાપ ગુંજવા લાગ્યો – ‘તને પૃથ્વીલોક પર માતા પિતાનો પ્રેમ ક્યારેય નહિ મળે.’ એ આસન પર ફસડાઈ ગઈ અને એ સાથે જ ખાસ ખંડનો દરવાજો ખુલ્યો. બધાનું ધ્યાન એ તરફ ગયું.

એ આમ એકાએક ખુલવો ન જોઈએ. દુર્ગેસને કોઈને પણ મહેલમાં આવવા દેવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. દરવાજો પૂરો ખુલતા જ એમાં રાજમાતાની ખાસ દાસી કરુણા દાખલ થઇ. એ મહેલમાં જ હતી માટે મહેલનો મુખ્ય દરવાજો બંધ થયો છતાં એ અંદર હતી.

એ ખાસ સભા ખંડના દરવાજે ઉભી અંદરની વાતચીત સાંભળી રહી હતી. બિંદુએ રાજ પરિવાર માટે જે ત્યાગ આપ્યો હતો અને અંતિમ પળે કઈ રીતે ભૂખ તરસ અને શારીરિક પીડા વેઠી એ મૃત્યુ પામી એ એની મા કરુણાનું હૃદય વલોવી ગઈ હતી.

“કરુણા....” રાજમાતા આસન પરથી ઉભા થઇ ગયા, “તું અહી...?”

“હા રાજમાતા હું..” કરુણા પોતાની પીઠ પાછળ છુપાવેલો હાથ બહાર નીકાળ્યો, એમાં એક નાનકડી છરી દેખાઈ.

શું એ વિરાગના બની કોઈના પર હુમલો કરવા માંગતી હશે? ચિતરંજને વિચાર્યું. ના, એ શક્ય ન હતું ત્યાં ઉભેલા પરાસર અને જીદગાશા જેવા રાજ રક્ષકોની હાજરીમાં એક પચાસેક વર્ષની વૃદ્ધ દાસી માટે એ શક્ય ન હતું.

“રાજકુમાર સુબાહુ...” કરુણાએ રાજકુમાર અને સુનયના તરફ જોયું, “મારી દીકરીના મોતનું કારણ બનેલી આ નાગિન ક્યારેય નાગપુર પર રાણી બની રાજ નહિ કરી શકે... જેમ મારા પરિવારમાં કોઈ નથી રહ્યું એમ નાગપુરની ગાદી પર રાજ કરવા કોઈ નહિ બચે..” ભયાનક ગળગળા અવાજે તેણીએ રાડ પાડી અને છરી પોતાના પેટમાં હુલાવી નાખી.

“ચિતરંજન...” રાજમાતા બરાડ્યા, “રાજ વૈધને બોલાવો..”

“નહિ જેમ મારી બિંદુ વૈધ વિના મરી એમ હું મરીશ..” કરુણાએ એના પેટમાંથી છરી નીકાળી કહ્યું, “મારો શ્રાપ ટળી નહિ શકે..” અને ફરી પોતાના પેટમાં પહેલા જ્યાં છરીએ કાણું પડ્યું હતું ત્યાં જ આસપાસ ક્યાય છરી ઉતારી નાખી, એના હાથ લોહીથી ધગળાઈ ગયા અને એ જમીન ફસડાઈ પડી.

બધા જાણે પથ્થર બની ગયા હોય એમ જ્યાં હતા ત્યાં જ જડની માફક ફાટી આંખે જોઈ રહ્યા. સુનયનાની આંખોમાંથી આંસુ સરવા લાગ્યા. તેને એક પછી હવે બીજો શ્રાપ મળ્યો હતો.

“સુરદુલ..” આખરે રાજમાતાએ એ અંધારી ખામોશી તોડી, “સત્યજીતને લઈને કબીલા પર જાઓ. આજથી હું મદારી કબીલાને એમના બધા કર્તવ્યોથી આઝાદ કરું છું..”

“રાજમાતા...?” સુરદુલે વિનવણી કરી, “મારા દીકરાએ કરેલી ભૂલની સજા આખા કબીલાને કેમ..?”

“આપના દીકરાએ કરેલી ભૂલ નહિ પણ મહારાજાએ આપ જેવા નેક લોકોને આ રાજ રમતમાં લાવવાની કરેલી ભૂલને હું સુધારી રહી છું.” રાજમાતાએ કહ્યું અને ઉભા થઇ ખંડ બહાર નીકળી ગયા.

એ પછી સિપાહી કરુણાના મૃત શરીરને લઇ ગયા અને ચિતરંજને સુરદુલ અને સત્યજીતને મહેલ બહાર જવાના છુપા રસ્તેથી નીકાળી દીધા. સભા ખંડમાં નીરવતા અને કરુણાના લોહીના ધાબા સામે સુનયના અને સુબાહુ બેસી રહ્યા. આકાશી ચંદરવામાં રચાયેલું સ્વસ્તિક મુહુર્ત એની અસર બતાવવા લાગ્યું. રાજ પરિવાર શાપિત બની ચુક્યો હતો.

*

મેં સુબાહુ તરીકે મારી જાતને અને સુનયના તરીકે નયનાને એક ભયાવહ શાપ મેળવતા જોયા. સ્વસ્તિક મુહુર્તની ભયાનકતાને અનુભવી. મેં જે જોયું એ હું સોમર અંકલ, મમ્મી અને નયનાને કહેવા માંગતો હતો પણ હું આંખો ખોલી શકું એમ નહોતો. હું બેહોશ હતો. મારું મન વિવેક અને વૈશાલી વિશે પણ ચિંતિત હતું - તેમનું શું થયું હશે?

વિવેક ક્યા હશે અને શું કરતો હશે એ હું જાણવા માંગતો હતો પણ એ પહેલા મણી મને સત્યજીત ક્યા હતો અને લેખા સાથે શું થયું એ બતાવવા માંગતું હતું.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky