Swastik - 39 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 39)

બીજી બાજુ સુનયના લેખા અને એના પરિવાર પાસે પહોચી. એમના નજીક પહોચતા જ સુનયનાએ તલવારો ફરીથી કમરમાં ભરાવી નાખી અને ઘોડા પર રહીને જ હેલડી ફેંકીને લેખા અને એના પરિવારને બાંધેલા દોરડા કાપી નાખ્યા.

મુક્ત થતા જ લેખા સત્યજીત તરફ દોડવા લાગી. એનું મન બીજું કઈ વિચારી શકે એમ ન હતું. સત્યજીત જે તરફ પડ્યો હતો એ તરફ દોડતી લેખાને કોઈ દુશ્મન કઈ તરફ છે એનું પણ ભાન ન રહ્યું. એને કવર આપવા માટે સુનયનાએ આઠ દસ હેલડીઓ અને ત્રણ સુવૈયા વાપરવી પડી.

જોકે એ બધાથી અજાણ લેખાના પગ તો જયારે એ સત્યજીત પાસે પહોચી ત્યારે જ અટક્યા. એ એની નજીક જઈ જમીન પર બેસી ગઈ.

“જીત...” લેખા ડુસકા લેતી બોલવા લાગી, “જીત મેં તને કહ્યું હતું એક દિવસ આ રાજ રમત તારો જીવ લઇ લેશે...”

“મને યાદ છે..” સત્યજીત માંડ બોલી શકયો.

“તને... તને.. કઈ નહિ થાય જીત...” લેખાએ જીતને જમીન પરથી ઉચકવા માંડ્યો.

“લેખા...” સુનયના પણ ઘોડા પરથી ઉતરી એની મદદ માટે આવી ગઈ. સુનયના અને લેખાએ સત્યજીતને બેઠો કર્યો.

“લેખા..” સુનયના કેમ્પ ફાયરથી પેલી તરફ જવા દોડવા લાગી, “હું બગી લઇ આવું...”

“સત્યજીત...” લેખા ફરી એની પાસે ઘુટણીએ બેસી ગઈ, “તને કઈ નહિ થાય જીત..”

“હા, મેં સાંભળ્યું...” સત્યજીતે દર્દને ગણકાર્યા વિના કહ્યું, “એકની એક વાત કેટલી વાર કહીશ..?”

“તું એકવાર કહું એ સંભાળે જ છે ક્યા..?” લેખના ગળામાંથી ડુસકા નીકળવા લાગ્યા. તેના ચહેરા ઉપર પરસેવો અને ભય ફેલાઈ ગયા હતા.

“અને તું તો જાણે મારી બધી જ વાતો...” સત્યજીત આગળ બોલે એ પહેલા એને એક હિચકી આવી અને અવાજ લથડી ગયો, “મ...આ.....ન....ઈ...”

એ આગળ ન બોલી શક્યો, એ બેહોશ થઇ રહ્યો હતો.

“તને કઈ નહિ થાય...” લેખાએ એના માથા પર હાથ મુક્યો અને કઈક બોલવા લાગી. એ આંખો બંધ કરી કઈક બબડવા લાગી.

“લેખા...” સુનયનાએ બુમ મારી ત્યારે એની આંખો ખુલી, “શું કરે છે તું...?”

“આ શક્ય નથી...” લેખા બબડી, “આ ન થઇ શકે....”

“શું શક્ય નથી.... લેખા આપણે જીતી ગયા છીએ....” સુનયનાએ કહ્યું, “હું બગી લઇ આવી છું એમાં સત્યજીતને ચડાવવામાં મારી મદદ કર..”

“હા...” લેખાએ સત્યજીતને ઉચકવામાં સુનયનાની મદદ કરી, બંને એ ભેગા મળી જીતને બગીમાં પાછળ સુવાડ્યો.

“લેખા, તું બગીમાં બેસી જીતને સંભાળ હું બગી ચલાવું છું..” સુનાયાનાએ કહ્યું.

લેખા બગીમાં ગોઠવાઈ, “અમૃતસ્ત્રનવિયા નિષ્ફળ ન જઈ શકે....” સત્યજીતની બાજુમાં બેસી લેખા બબડવા લાગી, “નવ પલ્લિત સ્પર્શ ખાલી ન જઈ શકે...”

સુનયનાએ લેખાને એ અજબ શબ્દો બોલતી સાંભળી પણ એ સમયે એ શું બોલી રહી છે એ પૂછવાનો સમય ન હતો.

અશ્વાર્થે પ્રતાપ અને લેખાની માને બગી પાસે લઇ આવી એમાં ચડાવ્યા. લેખા તથા જીતને સંભાળવાનું કામ પત્નીને સોપ્યું અને તે બેટલમાં ભાગ લેવા દોડ્યો પણ હવે ખાસ લડવા જેવું રહ્યું નહોતું. મોટા ભાગના ગોરા સિપાહીઓ ખતમ થઇ ગયા હતા અને હિન્દી સિપાહીઓમાં જે બચી ગયા હતા એમની પાસે શરણાગતિ સ્વીકારવા સિવાય કોઈ રસ્તો ન હતો.

ઈંગ્લીશ કેન્ટોનમેન્ટ જીતાઈ ગયું હતું. કેન્ટોનમેન્ટ ઝેલ પર કબજો લેવાઈ ગયો હતો પણ એમાં ત્રણ ભોગ લેવાયા હતા.

સૂર્યમ, વિજયાં અને પરાસર. એમાં પરાસર ક્યારે માર્યો ગયો એ કોઈના ધ્યાનમાં આવ્યું નહોતું.

ઉપરા ઉપરી આદેશો છુટ્યા, શરણાગતી સ્વીકારેલા સિપાહીઓ પાસેથી જેલમાં કેટલા કેદીઓ છે એ જાણી લઇ જીદગાશાને એમને મુક્ત કરવા મુકવામાં આવ્યો.

ગોરાઓની એક બગીમાં સૂર્યમ, વિજયા અને પરાસરને ગોઠવવામાં આવ્યા. હિન્દી સિપાહીઓને ડીસઆર્મ (હથિયાર લઈ લેવા) કરી દેવામાં આવ્યા ત્યાં સુધીમાં જીદગાશા અંદર રહેલા સાત આઠ જેટલા બાગીઓને છોડાવી લાવ્યો. બધાએ ગોરાઓની લાશો પરથી બંદુકો અને કારતુસોના હારડા ઉતારી લીધા અને ઘોડા પર સવાર થયા.

એક બગીમાં ફૂટમેનની સીટ પર સુનયના અને બીજીમાં ફૂટમેન તરીકે જીદગાશા સવાર થયા. આગળ સુબાહુ અને અંખડ તથા પાછળ જેલથી આઝાદ કરાવેલા બાગીઓ સાથે કાફલો રવાના થયો.

સત્યજીતનું લેખા અને એના પરિવારને છોડાવવા તથા કેન્ટોનમેન્ટ પર જીત મેળવવાનું સપનું પૂરું થયું પણ લેખા એની સામે બગીમાં ઉદાસ ચહેરે બેઠી હતી કેમકે એને સમજાતું ન હતું કે અમૃતસ્ત્રનવિયા કે નવ પલ્લિત કામ કેમ કરતા નથી. એ સત્યજીતને કેમ પાછો મેળવી શકતી નથી. જીત વિના એ જીત એને નકામી લાગતી હતી. એ જીતની પીઠ પરના ઘા પર ધાતુની જૈવિક પ્રક્રિયાથી બનેલી ભસ્મ દબાવી બેઠી હતી જેમાં નેનોક્ણની હાજરી હતી અને એ ગોળીના ઝેરને શરીરમાં ફેલાતું અટકાવી રહી હતી.

*

કદાચ બધું ઠીક પાર પડી ગયું હોત પણ આકાશમાં જે સ્વસ્તિક મુહુર્ત રચાયું હતું એ આટલી સહેલાઈથી એની અસર છોડે એમ ન હતું.

અસલ જંગતો કેન્ટોનમેન્ટ જીત્ય પછી જ લડવાનો હતો. કેન્ટોનમેન્ટ પર જે હિન્દી સિપાહીઓનો જીવ બક્ષી દેવામાં આવ્યો હતો એ હિન્દી સિપાહીઓમાં સુબાહુના એ ઉદાર વલણને લીધે દેશ દાજ જાગી ગઈ હતી. આમ પણ તેમની દેશ ભક્તિ મરી પરવારવાનું મૂળ કારણ અંગ્રેજી બંદુકો હતી. એની સામે એ લોકો ટકી શકતા નહિ પણ જયારે કેન્ટોનમેન્ટ જેલ વિના બંદુકે જીતાઈ જતા જોઈ અને જંગમાં એક બે વજ્ર ખંજરો અને વજ્ર ખડગનો ઉપયોગ થતો જોયો તેઓ સમજી ગયા કે ગોરાઓનું રાજ હવે રાજ પરિવાર સામે લાંબો સમય નહી ટકે.

ત્યાં આમ પણ કોઈ ગોરો સિપાહી હવે બચ્યો ન હતો. હિન્દી સિપાહીઓમાં દેશ દાઝ જાગતા જ તેઓ પાગલ બની ગયા. કેમ્પ ફાયરમાં સળગતા લાકડા ઉઠાવી એમણે કેન્ટોનમેન્ટના તંબુઓમાં આગ લગાવી દીધી. ગોરાઓએ વેપાર માટે જે માલ ગોદામોમાં ભરેલો હતો એ સળગાવી નાખ્યો અને હોસ્પિટલની બિલ્ડીંગ અને આસપાસના ક્વાર્ટરમાં રહેતા ગોરાઓને એ આગમાં ભૂંજી નાખ્યા કેમકે એમણે મદારી કબીલાના લોકોને આંખો સામે આગમાં શેકાઈ જતા જોયા હતા. જોકે એ સમયે તેઓ પણ ગોરાઓ સાથે હતા પણ એમાંથી મોટા ભાગના કમને એ હત્યાકાંડમાં જોડાયા હતા. એમનામાં ગોરાઓ સામે જવાની હિમ્મત ન હતી પણ કેન્ટોનમેન્ટ પરના ગોરાઓ મરી પરવાર્યા પછી તેમણે આખા કેન્ટોનમેન્ટને આગ લગાવી દીધી હતી.

જોકે એમની એ ભૂલ સુબાહુ અને એમના કાફલાને ભારે પડી કેમકે જનરલ વેલેરીયસ અને એની પાંત્રીસ સિપાહીઓની ટુકડી જંગલમાં આદમખોર વાઘની તપાસમાં ગયા હતા અને કેન્ટોનમેન્ટ પર ઉઠેલી આગની જવાળાઓ જોઈ તેઓ કેન્ટોનમેન્ટ તરફ આવવા લાગ્યા. એ સમયે જ એમણે સુબાહુના કાફલાને ભેડાઘાટ તરફ જતો જોયો. એમને લાગ્યું કે કેન્ટોનમેન્ટ પર આગ એ કાફ્લે જ લગાવી હશે. તેઓ એ કાફલાનો પીછો કરવા માંગતા હતા પણ પહેલા કેન્ટોનમેન્ટ જવું જરૂરી હતું.

જયારે વેલેરીયાસ એની હન્ટર ટીમ સાથે કેન્ટોન મેન્ટ પહોચ્યો, કેન્ટોનમેન્ટ ભડકે બળતું હતું. એની નજર આગની જવાળાઓ પર જ રહી અને આંસુઓ એના ગાલ પરથી વહેવા લાગ્યા. એનો પરિવાર કેન્ટોનમેન્ટની ઓરડીઓમાં સળગી મુઓ હતો.

ઘાતકી વેલેરીયસે એક રહસ્ય મેળવવા મદારી કબીલા પર જે અત્યાચાર આચર્યો હતો એનું પરિણામ એને મળી ગયું હતું. એનો પોતાનો અને કેટલાય ગોરા પરિવારો, કેન્ટોનમેન્ટ હોસ્પિટલ, એમાં રહેલા ડોક્ટર ફ્રી મેન અને એની આખી ટીમ, કેટ કેટલાય પેસન્ટો, ગોરી મેમો, બાળકો અને લાખો રૂપિયાનો માલ એમાં સળગીને ભડથું થઇ ગયા હતા.

એકાએક આકાશમાં વીજળીના કડાકા અને વાદળોના ગગડાટ સાથે વરસાદ તૂટી પડ્યો. નાગપુરમાં વરસાદ હંમેશાથી અનિશ્ચિત હતો. ગોરાઓ જેટલી જ ઉદાસી જાણે આકાશી વાદળોમાં હોય એમ એ વરસવા લાગ્યા હતા. કદાચ ઈશ્વરે જોઈ લીધું હતું કે વેલેરીયસ અને અન્ય ગોરાઓનો પરિવાર એમના કર્મની સજા ભોગવી ચુક્યો હતો. મેઘ મહેરબાન ન થાય તો કેન્ટોનમેન્ટની એ આગ આસપાસના જંગલ વિસ્તારમાં ફેલાઈ જાય એમ હતી. ગુસ્સાથી ભડકેલા સિપાહીઓએ કોઈ પણ વિચાર કર્યા વિના જ આગ લગાવી હતી પણ ઈશ્વર જાણતો હતો કે આસપાસના જંગલમાં રહેતા નિર્દોષ જીવોને એ બધાથી કોઈ મતલબ ન હતો એમના માટે ગોરાઓનું અને હિન્દીઓનું બંને શાશન એક જ હતા. હિન્દી રાજાઓ પણ નિર્દોષ જીવોના શિકારથી ક્યાં નવરા થતા જ હતા?

આખું આકાશ કોઈ વિજોગણની જેમ રડવા બેસી ગયું. છેલ્લા એક બે દિવસમાં નાગપુરમાં જેટલી કમોત દેખાઈ હતી એથી આશમાનનો સીનો ચિરાઈ ગયો હતો.

જનરલ અને હન્ટર ટીમ આંસુ લૂછી દરવાજામાં દાખલ થઇ. દરેકની આંખોમાં આંસુ હતા કેમકે મોટા ભાગના ગોરાઓના આખા પરિવાર કે પરિવારનું કોઈને કોઈ કેમ્પમાં હતું જ. તેઓ જયારે શિકાર પર નીકળ્યા હતા ત્યારે એમની પત્નીઓને જલસોમાં શરાબ ઢીંચતી અને કેમ્પ ફાયરના આછા ઉજાસમાં નાચતી જોઇને ગયા હતા અને આવ્યા ત્યારે એ કેમ્પ ફાયરની આગ એ બધાને ગળી ગઈ હતી - જેમ મદારી કબીલાના સો કરતા વધુ માણસોને આગ ગળી ગઈ હતી - એ ગોરાઓએ લગાવેલો જ અંગાર હતો, બસ એનો એક તણખો આજે એમના ઘરો પર આવી પડ્યો હતો.

વેલેરીયસ અને એની હન્ટર ટીમ અંદર દાખલ થઇ એ સાથે જ આમ તેમ છુપાઈને બેઠેલા હિન્દી સિપાહીઓએ લોડ કરેલી બંદુકોથી ફાયર કરવા માંડ્યું. જોકે એ ઝનુન પર આવેલા ચંદ સિપાહીઓ વેલેરીયસ અને એની હન્ટર ટીમ સામે અમુક મીનીટો કરતા વધુ સમય ટકી શક્યા નહિ.

*

કેન્ટોનમેન્ટમાં ગોરાઓ રડી રહ્યા હતા તો બીજી તરફ ભેડાઘાટ નજીક પહોચી જવા આવેલ સુબાહુ અને એમના કાફલાની આંખોમાં પણ આંસુ હતા. લેખા જીત સામે જોઈ બગીમાં બેઠી આંસુ વહાવી રહી હતી. ઘોડે સવારોની આંખોમાં પણ ઉદાસી હતી.

સૂર્યમ અને વિજયાની લાશો વાર વાર અખંડની આંખો સામે આવી જતી હતી. એના આંસુઓ વરસાદના પાણી સાથે ભળી એના ગાલ પરથી વહેતા રહ્યા.

જીદગાશા પોતાના પિતાને સંભારી આંસુ વહાવતો હતો. સુનયના અને સુબાહુએ પણ આજે ઘણું ગુમાવ્યું હતું એ બધાની સાથે કુદરત પણ જાણે શોક વ્યક્ત કરતી હોય એમ કાળા ડીબાંગ વાદળોનું શોગીયું પહેરી આંખુ આકાશ રડી રહ્યું હતું. બસ કોઈ હસી રહ્યું હતું તો આકાશમાં સ્વસ્તિક મુહુર્ત રચતા સિતારાઓ - તેઓ પોતે તાણી લાવેલા વિનાશને જોઈ ખુશ થઇ રહ્યા હતા.

ભેડા સુધી જવા માટે ટૂંકો રસ્તો પસંદ કર્યો હતો કેમકે સત્યજીત ઘાયલ હતો એને લાગેલી ગોળી તાત્કાલિક નીકાળવી જરૂરી હતી. જોકે એક સુરુદુલ ઝુપડાઓમાં લાગેલી આગ વખતે શહીદ થઇ ગયો હતો એટલે સત્યજીતને આ હાલમાં જોઇને તેને દુ:ખી થવાનું ન હતું.

ભેડાના નીચાણમાં બગીઓ ઉભી રાખવામાં આવી અને વરસતા વરસાદે સત્યજીતને ઉચકી અશ્વાર્થ અને સુબાહુ ભેડાનું ચડાણ ચડવા લાગ્યા. ભેડા સુધી એ રસ્તેથી બગીઓ જઈ શકે એમ ન હતી અને ઘોડા પર સત્યજીતને લઇ જઈ શકાય એમ ન હતો.

વરસાદ પણ જાણે એ આકાશી નક્ષ્રત્રએ જ મુક્યો હોય એમ એમાં પલડીને સત્યજીતનો ઘા વકરવા લાગ્યો. એ પીડાથી ઉહ્કારા કરી રહ્યો હતો. એનું દર્દ જોઈ લેખાનું હૃદય ચિરાઈ જતું હતું. એની હાલત દયનીય અને કફોડી બની ગઈ હતી - જેની તલવાર આખા ટોળાને ભારી પડતી હતી એ સત્યજીત જીવન અને મૃત્યુ વચ્ચે જોકા ખાઈ રહ્યો હતો - લેખાએ અડધી કલાકના ચડાણ દરમિયાન અમૃતસ્ત્રવિનયી અને નવ પલ્લિત મંત્રો ઉચ્ચારી રહી હતી પણ એ મંત્રો કેમ કામ નથી કરતા એ એને સમજાતું નહોતું.

મદારી કબીલાના એ મીસાચી મંત્રોથી લેખાએ કેટલીયે વાર કોઈ ઝાડ પર બનાવેલા ખિસકોલીના માળામાંથી નીચે પડી મરી ગયેલા બચ્ચાને નવ પલ્લિત કરી એમને એ બચ્ચાની મા આવીને મરેલી હાલતમાં જુએ એ પહેલા માળામાં મૂકી દીધા હતા. કેટલીયે ચકલીઓ અને નાનાં નાનાં પતંગિયા એ સજીવન કરી ચુકી હતી પણ એ મીસાચી મંત્રો સત્યજીત પર કોઈ અસર કરી રહ્યા નહોતા - કદાચ એ પણ આકાશમાં રચાયેલા એ સ્વસ્તિક મુહુર્તની અસર હતી.

અડધા કલાક જેટલો સમય ભેડો ચડતા નીકળી ગયો પણ કેન્ટોનમેન્ટ પર જ અંદાજ આવી ગયો હતો માટે સત્યજીતની ગોળી નીકાળવા માટેની ચીજોનો બન્દોબસ્ત ત્યાની હોસ્પિટલ બિલ્ડીંગમાંથી કરી લેવાયો હતો.

“રાજકુમાર આપનું ખંજર તપાવો... મારે ગોળી નીકળવા એ જોઇશે...” અશ્વાર્થે બુમ પાડી.

“આગ....” સુબાહુના મોમાંથી ઉદાસ અવાજ નીકળ્યો. અખંડ પણ પરીસ્થિતિ સમજી ગયો હતો. એને એક નફરત આ વરસાદથી પણ હતી. જો વરસાદ ન હોત તો કદાચ...?

કદાચ સત્યજીત...?

પણ સ્વસ્તિક મુહુર્ત...? એ નાગપુરને બક્ષે એમ ન હતું.

અરે એ એક સત્યજીતને પણ ક્યા બક્ષે એમ હતું?

કાશ! આ વરસાદ શરુ ન થયો હોત અને આગ સળગી શકી હોત?

મદારીઓના ઝુંપડા સળગ્યા ત્યારે પવને જેમ આગનો સાથે આપ્યો એમ એ વખતે પણ આપ્યો હોત?

તો નાગપુરનો ઈતિહાસ કઈક અલગ જ લખાયો હોત. કમ-સે-કમ મદારી કબીલાનો ઈતિહાસ તો અલગ લખાયો જ હોત. એમના માથે દેશના ગદ્દારનો ધબ્બો ક્યારેય ન જ લાગ્યો હોત!

રાજકુમાર સુબાહુ, જીદગાશા, લેખા, સુનયના, અખંડ અને બચી ગયેલા બે સિપાહીઓ ભેડાઘાટ પહોચ્યા એ પહેલા વરસાદ શરુ થઇ ગયો હતો. એકાએક જ કોઈ એધાણ વિના આવેલ એ વરસાદ કેન્ટોનમેન્ટથી એમની શોધમાં નીકળેલી જનરલ વેલેરીયસની હન્ટર ટુકડી માટે શાપ રૂપ બની ગયો હતો પણ એ વરસાદે નાગપુરને પણ બક્ષ્યું ન હતું.

ઈંગ્લીશ કેન્ટોનમેન્ટથી તત્કાલીક ભાગવાનું કારણ સત્યજીત હતો. ગોળી એની પીઠમાં ઉતરી ગઈ હતી. એ ગોળી નીકાળ્યા વિના એ બચી શકે એ અશક્ય હતું. એક સલામત સ્થળે પહોચ્યા પહેલા ગોળી નીકાળવી અશક્ય હતી.

અને એ સલામત સ્થળ ભેડાઘાટ હતું. ભેડાઘાટ પહોચ્યા પણ કોઈ ફાયદો ન થયો, વરસાદ જાણે આકાશને મારેલું થીગડું કોઈએ ખોલી નાખ્યુ હોય એમ આકાશ નીતરવા માંડ્યુ હતું. કદાચ સાચું જ કહે છે ધ રેઇન ઈઝ ગોડસ ટીયર્સ. આજે બધાને એ સમજવા મળ્યું હતું. ખાસ તો લેખાને.

અશ્વાર્થે સત્યજીતનું પહેરણ છરીથી કાપ્યું, એની છાતી પરના આર્મરને પણ હટાવી નાખવામાં આવ્યું. પણ એ વરસાદ જાણે દુશ્મન હતો. સત્યજીતનો ખુલ્લો ઘા એમાં પલળીને વકરી જવાની પૂરી શક્યતા હતી. એ હમણાં સુધીમાં વકરી ગયો ન હતો કેમકે બગી પર વરસાદથી બચી શકે એવી વ્યવસ્થા હતી. જોકે ભેડા ચડતા અડધો કલાક જેટલો સમય એ વરસાદમાં પલળ્યો એ સમયે એની પીઠ પરના ઘા પર દાબેલી એ ધાતુની જૈવિક ભષ્મ ધોવાઈ ગઈ હતી. અશ્વાર્થના ધ્યાનમાં એ બાબત આવી હતી પણ વધુ ભષ્મ એમની પાસે ન હતી.

બગી પરના મજબુત વરસાદના પાણીને રોકી શકે એવા કાપડને સુબાહુ છરીથી કાપી લાવ્યો અને ચાર ભાલા પર એને જીત પર શેડ બનાવી એને વરસાદથી બચાવી લેવાયો.

લેખા કામ ચલાઉ ટેન્ટમાં સત્યજીતનું માથું ખોળામાં લઇ બેઠી હતી એ જ સમયે ભેડા ચડવાના બીજી તરફના ઉપરના રસ્તેથી વેલેરીયસ અને એની હન્ટર ટુકડી આવી પહોચી. એમનો પહેલો ધડાકો નિષ્ફળ ગયો.

અને વેલેરીયસની હન્ટર ટીમે છોડેલા એ ફાયર સાથે ભેડા પર ફરી જંગ શરુ થયો. એ જંગ જેની ભયાનકતા વર્ણવી શકાય એમ નહોતી.

ભેડો હથિયારોના અવાજોથી ધણધણી ઉઠ્યો, એક તરફ વેલેરીયસની હન્ટર ટીમ તો બીજી તરફ સુબાહુએ આઝાદ કરાવેલા બાગીઓ, બંને તરફથી બંદુકો છૂટવા લાગી. બાગીઓ સંખ્યામાં બહુ ઓછા હતા પણ તેઓ ઊંચાણ પર હતા એનો ફાયદો એમને મળતો હતો.

“તમે સત્યજીતની ગોળી નિકાળો...” સુનયનાએ પોતાના તીર કમાન હાથમાં લીધા, “હું બાગીઓ સાથે રહી એમને ઉપર આવતા રોકું..”

સુબાહુએ કઈ જવાબ ન આપ્યો. સુનયના પણ જાણતી હતી કે અમુક સમય કરતા વધુ એ જંગ ચાલી શકે એમ નથી. બાગીઓ પાસે જે બંદુકો હતી એની સાથે માપનો ગન પાવડર હતો અને એ પણ માંડ પલળતો રોકી શકાયો હતો જયારે વેલેરીયસ અને હન્ટર ટીમ પાસે જર્મન પિસ્તોલો હતી, એમાં ગન પાવડર પલળી જશે એવો કોઈ ભય ન હતો.

સુનયના પૂરી ઝડપે દોડી બાગીઓ પાસે ગઈ ત્યાં પહોચતા જ એ શોલ્ડર રોલ કરી ગઈ જેથી તેના માટે આવેલી એક બુલેટ એના ઉપરથી નીકળી ગઈ બુલેટ નીકળી જતા જ એ ફરી પોતાના પગ પર હાફ સ્ટેન્ડ થઇ. એનું તીર કમાન પર લોડ અને નોક થયુ, એક સીઝલીંગ સાઉન્ડ સાથે ધનુષ્યની દોરી છૂટી અને તીર જાણે વિદેશી ગોળીઓ સામે હરીફાઈમાં ઉતરેલું હોય એ ઝડપે ભૂરા આશમાનમાં ગાયબ થયુ અને એ પછી સુનયનાએ એક મીનીટ કરતા પણ ઓછા સમયમાં બીજા દશેક તીર એ જ રીતે વરસતા વરસાદમાં આકાશમાં રવાના કર્યા.

એ શું કરી રહી છે એ ન તો બાગીઓને સમજાયુ કે ન ગોરાઓને દેખાયુ કેમકે ત્યાં રાતનો અંધકાર હતો પણ સુનયના ગોરાઓની પિસ્તોલની નાળ પર થતા તણખાને આધાર તેઓ ક્યાં ક્યા ગોઠવાયેલા હતા એ જાણી શકી હતી. એ નાગલોકની એક ખાસ રીતની મદદથી એ જંગ જીતવા માગતી હતી.

સુનયનાએ છોડેલા બધા તીર આશમાનમાં ગાયબ થયા. વરસતા વરસાદમાં આર્ચિંગ થઇ રી-એપિઅર થઈ એ વરસતા વરસાદમાં ભળી ગયા અને જયારે વળતા થયા ત્યારે એમના ટાર્ગેટ પર વરસાદના પાણી સાથે જ ઝીંકાયા. પણ એ તીર વરસાદના પાણી જેમ એમના શરીર પરથી વહી ન ગયા, એ તીર એમના શરીરમાં ઉતરી ગયા હતા.

એક પળમાં એ દસ સ્થળો તરફથી થતા ધડાકા સમી ગયા. સુનયનાએ જે જગ્યાઓ માટે તીર છોડ્યા હતા એ સ્થળે ફરી તણખો થતા ન દેખાયો.

“જીત...” લેખા બરાડી ઉઠી, “કોઈ આગ કેમ નથી સળગાવતું..?”

જીતના શ્વાસ બહુ ઉતાવળા થઇ ગયા હતા. એનું શરીર એ વરસાદી ઠંડીમાં ધ્રુજી રહ્યું હતું પણ એ હજુ જીવિત હતો. કદાચ એ ધગધગતું શીશુ પણ જેનો એક મુદ્રા વાર પાગલ હાથીને જમીન દોસ્ત કરી શકતો હોય એનો જીવ એટલી આસાનીથી લઇ શકે એમ ન હતું.

“પાણી, વિસ્કી અને સુકું સુતરાઉ કાપડ....” અશ્વાર્થે બુમ પાડી.

“પણ આગ...?” અખંડ ઉદાસ અવાજે બોલ્યો.

“સત્યજીતની ગોળી નીકાળવી પડશે..” અશ્વાર્થ બરાડ્યો, “અરે! પ્રયાસ તો કરો, કદાચ ટેન્ટમાં પાણી નથી પડતું ત્યાં આગ સળગી શકે..”

સુબાહુ અને અખંડ બંને લેખાથી થોડેક દુર બેસી આગ સળગવા પ્રયાસ કરવા લાગ્યા.

બાગીઓ સુનયના જેમ અંધારાનો લાભ લઇ શક્યા નહિ કેમકે તેઓ તીર કમાન નહિ પણ કેન્ટોનમેન્ટથી લવાયેલી બંદુકોથી લડી રહ્યા હતા. તેઓ જયારે ફાયર કરે બંદુકની નાળના છેડે ફ્લેશ થતો હતો. એ ફ્લેશ સાથે જ ધુમાડો નાળ ઓકતી હતી અને એ એક પળનો ફ્લેશ વેલેરીયસની હન્ટર ટીમ માટે કાફી હતો. એમની પિસ્તોલો એ આછા ફ્લેશ તરફ આગ ઓકવા લાગી અને ગોળીઓ વરસાદના પાણીને ચીરતી હવામાં સ્ટ્રેટ જવા લાગી હતી. થોડાક સમયમાં બગીઓ ખૂટવા લાગ્યા.

સુનયના તીર કમાન લઇ બાકી બચેલ એક બાગી સાથે પીછે હટ કરવા લાગી. પૃથ્વીલોક પર આવ્યા પછી આજે પહેલીવાર સુનયનાને થયું કે કાશ એની પાસેથી પિતાએ નાગલોકની શક્તિઓ છીનવી ન લીધી હોત. એની આંખોમાં પાણી આવી ગયું.

બીજી તરફ લેખા એક જ વાત વિચારતી હતી કેમ મીસાચી મંત્રો કામ કરતા નથી....? નાગપુર જંગલમાં એ ઘણીવાર કોઈ પક્ષીનું બચ્ચું માળામાંથી નીચે પડી ગયું હોય તો એના માથા પર હાથ મૂકી કે એને પોતાની હથેળીમાં લઇ એક હળવી ફૂંક મારીને પણ એને જીવિત કરી શકતી.

એ જ રીવાઈવિંગ કામ સુનયના પણ નાગલોકમાં કરી શકતી હતી - પણ અફસોસ આ નાગલોક ન હતું. અને ઇયાવાસુના શ્રાપ મુજબ પૃથ્વી પર એને પોતાની શક્તિઓ કોઈ કામની ન હતી. એ સત્યજીતની કોઈ મદદ કરી શકે એમ ન હતી.

એને સજીવન કરવાની વાત તો દુર રહી એ પોતાની શક્તિઓ આગ સળગવા માટે પણ વાપરી શકે એમ ન હતી.

અખંડ અને સુબાહુ બંને આગ સળગાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતા રહ્યા.

“રાજકુમાર સુબાહુ...” સત્યજીતના ગળામાંથી માંડ અવાજ નીકળી શકતો હતો. પીઠના કાણામાંથી દડદડ લોહો વહી જતું હોય છતાં બોલી શકવું એ પણ જીત જેવા એક મજબુત યોદ્ધાનું કામ હતું. એક શૂરવીરની વીરતાનું પ્રતિક હતું. એ બોલ્યો એના લીધે એના ફેફસામાં હલચલ થઇ અને શરીરમાંથી બહાર આવતા લોહીમાં જરા વધારો થયો.

લેખા નિષ્ફળ પ્રયાસ રૂપે એની પીઠ પરના કાણા પર પોતાની ઓઢણીનો છેડો દબાવીને બેઠી હતી પણ એ જાણતી હતી એ એના જીતને વધુ સમય રોકી રાખી શકે એમ નથી.

“રાજકુમાર...” લેખાએ ચીસ જેવા અવાજે કહ્યું, એ ન બોલી હોત તો પણ રાજકુમાર અને અંખડે જીતનો અવાજ સંભાળી લીધો હતો.

સુનયના પણ ત્યાં આવી ચુકી હતી. એની પાસે હવે ભાથામાં ખાસ તીર નહોતા. અશ્વાર્થ, જીદગાશા અને અખંડ ઉભા થયા અને ગોરાઓ તરફ ગોળીઓ છોડવા લાગ્યા. વેલેરીયસની ટીમ માટે ઉંચે ચડી શકવું મુશ્કેલ હતું કેમકે તેઓ નીચાણમાં હતા અને ઉપરની તરફ નિશાન લેવું મુશકેલ નહિ અશકય જેવું હતું. ત્યાં પહોચ્યા વિના દુરથી ત્યાનું નિશાન લઇ શકાય એમ ન હતું કેમકે જ્યાં ભાલાનો ટેન્ટ બનાવી સત્યજીતને સુવાડાયો હતો એ સ્થળ એક ભેખડની આડશે હતું, એ ભેખડ અશ્વાર્થ જીદગાશા અને અખંડ માટે આશીર્વાદ બની ગયું હતું તો ગોરાઓ માટે મુશ્કેલી પણ એ છતાં તેઓ કેન્ટોનમેન્ટ પર સળગી ગયેલા લોકોનો બદલો લીધા વિના પાછા હટે એમ નહોતા.

બંને તરફ મરવાની પૂરી તૈયારી સાથે જંગ લડાતો હતો.

“સુ....બાહુ....” જીત ગણગણ્યો. તેનો અવાજ પાતાળ લોકમાંથી આવતો હોય એવો ઊંડો હતો. વરસાદને લીધે એ સંભાળવા સુબાહુએ એના મો નજીક પોતાના કાન લઇ જવા પડ્યા, “લેખા અને એના પરિવારને કઈ નહિ થાય એનું વચન હું આપની પાસે માંગુ છું.”

“એવું ન બોલ જીત...” સુબાહુની આંખો ભીની થઇ ગઈ, “તને... તને કઈ નહિ થાય..”

“બાહુ... વચન..” સત્યજીતના શબ્દો તૂટક તૂટક એના મોમાંથી નીકળી રહ્યા હતા, “મારી પાસે સમય નથી.”

“વચન...” સુબાહુએ એનો હાથ પોતાના હાથમાં લીધો, સુનયના પણ મનોમન લેખા એના પરીવાને કઈ નહિ થવાદે એવું વચન આપી ચુકી હતી.

“તને આવતે જન્મે મળીશ તારું કર્જ ઉતારવા....” સત્યજીતનું ગળું રૂંધાઇ રહ્યું હતું, “લેખા...”

“જીત...”

“હું તને.... તને....”

“હા જીત મને....” ચોધાર આંસુએ લેખા તેનો હાથ પકડીને બોલી.

“ફરી કોઈ જન્મે મળીશ...”

લેખાની આંખો જીતની આંખોમાં પરોવાઈ, એમની આંખો જાણે એકબીજાને કોઈ કોલ વચન આપતી હોય એમ એકીટશે જોઈ રહી.

એકાએક જાણે સમય થંભી ગયો, વરસાદના હવામાં રહેલા બીદુઓ ત્યાજ ચોટી ગયા, બાજુમાં વહેતું ઝરણું થમી ગયું અને સામેનો જળધોધ ભૂસકા લગાવવાનું ભૂલી ગયો. અને સત્યજીતની આંખો બંધ થઇ ગઈ. એનું માથું લેખાના ખોળામાં એક તરફ નમી ગયું.

લેખાએ આંખો બંધ કરી લીધી. એને ડર હતો કે એની આંખોમાં સમાયેલ જીતનો ચહેરો એના શ્વાસ સાથે ક્યાય જતો ન રહે. એ શક્ય ન હતું. કઈક ભૂલ હતી. શિવ એવું કઈ રીતે થવા દે?

જેની વિશાળ ભુજા પર ચિલમ પિતા શિવ કોતરેલા હોય અને જેના હ્રદયમાં શિવની જ ધૂન લાગેલી રહેતી હોય એને શિવ આમ રાખ કઈ રીતે થવા દે...?

એ શકય ન હતું. એ મરી ન શકે. લેખાનું મન એ સત્ય સ્વીકારવા તૈયાર ન હતું છતાં એ જ સત્ય હતું. સત્યજીત હવે કહાની બની ગયો હતો. એ નાગપુરના ઇતિહાસનું એક પાત્ર બની ગયો હતો - અને હવે એ જ સત્ય હતું.

“સત્યજીત ઉઠ...” લેખા જાણે એ સુઈ ગયો હોય એમ એને જગાડવા લાગી.

સુનયનાની આંખોમાં આંસુ હતા. સુબાહુની આંખો ધગતી હતી એમાં કોઈ લાવા ઉકળતો હતો. એ મદારી સાથે બેસી એણે ઘણી ચીલમો ગગડાવી હતી. એના સાથે એ નાગપુરના છેવાડે આવેલા જંગલમાં અનેક સાહસો ખેડ્યા હતા. ભેડાઘાટ પાસે ઘોડા કુદાવ્યા હતા અને હવે એ જ મદારી એની સામે નિર્જીવ બની સુતો હતો.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky