Swastik - 43 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 43)

મેં આંખો ખોલી ત્યારે કપિલ, શ્લોક, મમ્મી અને સોમર અંકલ મારી આસપાસ ટોળે વળેલા હતા. કોઈ મને એકલી મુકવા માંગતું નહોતું.

“નયના...” મમ્મી અને સોમર અંકલ બંને ઉતાવળા બની ગયા, “તે શું જોયું...?”

મેં જે જોયું હતું એ ભેડા પરનો ભયાનક જંગ, અને એ પછી લેખાએ અપનાવેલ જીવન મૃત્યુ બંધનમ માટેનો સ્વસ્તિક શ્લોક, અશ્વાર્થે કરેલ કૃત્ય વગેરે જણાવ્યું. હું જેમ જેમ કહેતી ગઈ મમ્મી, શ્લોક અને સોમર અંકલના ચહેરા ફિક્કા બનતા ગયા. કપિલનો ચહેરો તો મારા હોશમાં આવતા જ ફિક્કો થઇ ગયો હતો કેમકે અમે બંને એકબીજા સાથે મેન્ટલ બોન્ડ કરી ચુક્યા હતા હું જે જોઈ શકી હતી એ બધું કપિલ મેન્ટલ બોન્ડથી અનુભવી શકતો હતો.

“અશ્વાર્થનું શું થયું?” સોમર અંકલે પૂછ્યું.

“અશ્વાર્થનો ઘોડો ભેડા ઘાટથી સીધો જ જ્ઞાન પર્વત ગયો. એ લોકો ધર્મ અને વિજ્ઞાનને એક સિક્કાની બે બાજુની જેમ સાચવતા હતા પણ એમાં ધર્મ તરફની બાજુને વધુ મહત્વ આપતા હતા. જ્ઞાન પર્વતનું રહસ્ય ગોરાઓના હાથમાં જાય એ એમને મંજુર નહોતું.”

“એ રહસ્ય અશ્વાર્થે ગોરાઓ પાસે જતા કઈ રીતે અટકાવ્યું?” સોમર અંકલે પૂછ્યું, એ મદારી હતા માટે એ કબીલાના રહસ્યને કઈ રીતે સાચવવામાં આવ્યું એ જાણવાની એમને ઉત્કંઠા હતી.

“લેખા અશ્વાર્થ માટે જીવન હતી. લેખાને જોઇને જ એમની સવાર થતી અને લેખાને જોઇને જ એમની સાંજ. એ જ લેખાને પોતાના હાથથી મોતની ખાઈમાં ધકેલીને અશ્વાર્થ પાગલ બની ગયા હતા. એ મીસાચી ગુફા પહોચ્યા. એમણે ગુફામાંથી એક બાદ એક વજ્ર ખડગ ગુફા બહાર લાવી ગુફા આગળ પહાડમાં એ રીતે ખોસ્યા જાણે પહાડ માખણનો બનેલો હોય... એ ખડગ એવી રીતે ગોઠવાયા હતા જેથી સ્વસ્તિક આકાર રચાય. એ સ્વસ્તિકનું નિર્માણ થતા જ જાણે આકાશી વીજળીને ત્યાં આવવા કોઈએ આમંત્રણ આપ્યું હોય એમ એક બાદ એક ખંજરો પર વીજળી તૂટી પડી. એ ગુફામાંથી એક મોટો સ્લેજ હેમર લઇ આવ્યા અને એક બાદ એક સ્લેજ હેમરના એક એક ફટકા વડે ખડગને પહાડમાં ઉતારતા ગયા. ખડગ પહાડ માખણનો બનેલો હોય એમ એમાં ઉતરી ગયા પણ પહાડ પર તિરાડો આવવા લાગી જે સાબિત કરતુ હતું કે એ માખણનો ન હતો.”

“પહાડ ચિરવાની એ કળા તો હજારો વર્ષો પહેલા નાશ પામી એમ લોકો માને છે..” સોમર અંકલે કહ્યું, “જયારે બોમ્બ જેવી કોઈ ચીજ શોધાઈ ન હતી ઈજીપ્તમાં પીરામીડો બનાવવા પહાડને આ રીતે જ તોડવામાં આવતા હતા.. ઈજીપ્સિયન લોકો પણ નેનોકણનો ઉપયોગ કરી જાણતા હતા. ઇતિહાસમાં એના પુરાવા પણ છે..”

“હા, પણ એ કળા અશ્વાર્થના કબીલા પાસે હતી.”

“પણ લીલો પહાડ તો હજુ છે..” મમ્મીએ કહ્યું.

“એ લીલો પહાડ છે મમ્મી...” કપિલે સમજાવ્યું, “જ્ઞાન પર્વત એના કરતા દોઢા કદનો હતો.”

“તો એ હવે કેમ એવો છે..?” મમ્મી નવાઈ પામ્યા, “ત્યાં શું થયું હતું?”

“જયારે અશ્વાર્થે છેલ્લું ખડગ પહાડીમાં ઉતારી દીધું પહાડ ચીરાવા લાગ્યો. મીસાચી ગુફા તરફનો ભાગ ઢળીને પહાડમાં ઝરણું વહેવાથી જે મોટી ડીચ બનતી હતી એ તરફ ખસવા લાગ્યો પણ અશ્વાર્થ એમ જ ઉભા રહ્યા. પહાડ ભૂસ્ખલન થઇ ડીચ તરફ ઢળતો રહ્યો અશ્વાર્થે આકાશ તરફ જોયું. એમના ચેહરા પરથી થાક અને દુઃખને ભૂંસી નાખવા વરસાદના એક બે છાટા ચેહરા પર પડ્યા પણ આકાશી વીજળી જાણતી હતી કે લેખાને ખોવાનું દુ:ખ એ પાણીના બિંદુ ધોઈ શકે તેમ નથી. અશ્વાર્થના પાપને ધોવા એની મદદે આવી હોય એમ આકાશી વિજળીનો તેજ લીસોટો પહાડી તરફ ધસ્યો અને વિજળી એમની છાતી પર ઝીંકાઈ. વિજળીએ અશ્વાર્થના થાક દુખ અને રંજને ધોઈ નાખ્યા. પહાડીનો અડધો તૂટેલો ભાગ ડીચમાં જઈ પડ્યો, ડીચ બુરાઈ ગઈ, ડીચમાં વહેતા ઝરણાનું પાણી સુનામી જેમ ઉછળ્યું અને એના વહેણનો માર્ગ બદલાઈ ગયો. એક પળમાં બધું શાંત થઇ ગયું. ત્યાં ન મીસાચી ગુફા રહી ન અશ્વાર્થ રહ્યા... ન પહાડ ચીરીને વહેતું એ ઝરણું રહ્યું. જ્ઞાન પર્વત કાયમને માટે બદલાઈ ગયો. એ મામુલી લીલો પહાડ બની ગયો. ડીચમાં વહેતા ઝરણા પાસે જે બહાર નીકળવાનું ગુપ્તદ્વાર હતું એ પણ કાયમને માટે બંધ થઇ ગયું. અશ્વાર્થ જ્ઞાન પર્વતના રહસ્યને કાયમી માટે પોતાની સાથે લઇ ચાલ્યા ગયા.” એટલું કહેતા મારી આંખોમાંથી પાણી વહી આવ્યું. કારણ મેં એ દ્રશ્યો હુબહુ સામે ઉભી હોઉં એ રીતે જોયા હતા. મેં એ લોકોનો પ્રેમ, ધર્મભાવ, દોસ્તી બધું મારી નજરે જોયું હતું – મણીયજ્ઞએ એ બધું બતાવ્યું હતું.

“એ ભૂતકાળ હતો પણ હવે વર્તમાનમાં શું કરીશું..?” શ્લોક મુઝવણમાં હતો, “વિવેક અને વૈશાલી સાથે લેખા અને સત્યજીત તરીકેના એ જીવનમાં શું થયું હતું એ હવે આપણે જાણીએ છીએ. એમનો નયના અને કપિલ સાથેનો સબંધ પણ સમજાઈ ગયો પણ હવે આગળ શું..?”

“એ ભૂતકાળ હતો પણ એ પૂરો નથી થયો...” કપિલે ઉભા થતા કહ્યું, “એ જન્મે વિવેકને આપેલું વચન અધૂરું રહી ગયું હતું.. લેખા અને એના પરિવારને બચાવવામાં સફળતા સાપડી નહોતી પણ આ જન્મે વિવેક કે વૈશાલી બેમાંથી કોઈને કઈ નહી થાય...”

“એ શકય નથી કપીલ...” સોમર અંકલ પણ ઉભા થયા, “તું એમને નહિ બચાવી શકે..”

“તમે આ શું બોલો છો અંકલ..” હું ચમકી ગઈ, “એમને કઈ નહિ થાય હું અને કપિલ એમના માટે આકાશ પાતાળ એક કરી નાખીશું...”

“આકાશ પાતાળ એક કરવાનો કોઈ ફાયદો નથી.. આકાશમાં એ જ નક્ષત્ર રચાયું છે... એ જ રમત રમાઈ છે જેમ બિંદુ ગાયબ થઇ હતી એમ સેજલ અદ્રશ્ય થઇ છે અને એના સિવાયના કોઈ નાગનો પણ સંપર્ક થઇ શકતો નથી..”

“તમે કહેવા શું માંગો છો...?” હું માંડ બોલી શકી, કેમકે હું એમના કહેવાનો અર્થ સમજતી હતી.

“એ જ તું જે સમજી છે...” સોમર અંકલના અવાજમાં ઉદાસી ભળી, “નવ નાગમાંથી જે નાગ બચ્યા હતા એ કોઈનો સંપર્ક નથી થઇ શક્યો, આપણી સાથે બસ શ્લોક જ છે અને કદાચ વિવેક એના માટે પણ આવશે આપણે એની સામે લડવા તૈયાર રહેવું પડશે..”

“એ મારા માટે આવશે...?” શ્લોક નવાઈ પામ્યો, “જો મને મારવાથી એને કોઈ ફાયદો થતો હોય તો હું હસતા મુખે મરવા તૈયાર છું. આમ પણ આ જીવન એની જ દેન છે..”

“નહિ, એની સામે લડવું પડશે...”

“એ શક્ય નથી.. જીવનદાતા સામે જંગ પાપ છે..” શ્લોક પણ જીદ પર આવી ગયો. મને એમ હતું કે સેજલને ગુમ કર્યા પછી શ્લોક વિવેક પર રોષે ભરાયો હશે પણ એવું નહોતું, શ્લોકની બહેન પ્રિયંકાનો પણ કોઈ પતો નહોતો છતાં એ વિવેકના અહેસાન ભૂલ્યો ન હતો. અલબત્ત સત્યજીત તરીકે વિવેકના કામ અને એ જન્મની વૈશાલી એટલે કે લેખાનું મનોબળ જોયા પછી હું તો સ્તબ્ધ જ થઇ ગઈ હતી.

“તારા માટે જે વિવેક આવશે એ વિવેક અલગ છે.. એ માત્ર વિવેકનું તાબૂત છે... જેમ લેખા પડછાયા વિનાની બની ગઈ હતી એમ વિવેક પણ પડછાયા વિનાનો બની ગયો છે. એણે અંધકાર સાથે સંધી કરી લીધી છે.. એ હવે વિવેક નથી રહ્યો..” સોમર અંકલે બંને હાથે માથું પકડી લીધું.

“એ શું બની ગયો છે એ મારે નથી જાણવું.. વિવેક મારા માટે ભગવાન છે..” શ્લોકે કહ્યું.

“હા, અંકલ...” કપિલે પણ કહ્યું, “એના વગર આજ અમારામાંથી કોઈ જીવતા ન હોત.. અમે બધા કદંબ અને નવીનની ચાલનો ભોગ બની ગયા હોત..”

“પણ હવે એ કદંબ અને નવીન કરતા પણ વધુ જોખમી બની ગયો છે...” સોમર અંકલ રૂમમાં આંટા મારવા લાગ્યા અને ધીમેથી બબડ્યા, “મારે અશ્વાર્થ બનવું જ પડશે..”

“એ પહેલા તમારે અમારા બધાની લાશો પરથી પસાર થવું પડશે..” મેં મક્કમતાથી કહ્યું. હું સોમર અંકલના શબ્દોનો અર્થ સમજી ગઈ, એ શબ્દો મને ધ્રુજાવી ગયા. એ વિવેકને મારી નાખવા માગતા હતા.

“વિવેકના લીધે મારા આખા પરિવારને જાદુગર મંડળીમાંથી હમેશા માટે બહાર કરી દેવામાં આવ્યો છે..” સોમર અંકલ ગુસ્સાથી બોલ્યા.

“એણે જાદુગર મંડળીનું શું બગડ્યું છે..?” મેં નવાઈથી પૂછ્યું.

“શું બગાડ્યું છે...?” સોમર અંકલ ઉકળ્યા, “વિવેકે મ્યુઝીયમ ઓફ મેજીકમાં બ્લાસ્ટ કરી જેટલા પણ એન્ટીક હથિયારો હતા એ બધા ઉડાવી નાખ્યા છે અને...”

ત્યારબાદ વિવેકે શું કર્યું એ કહેતા સોમર અંકલ જરાક ખચકાટ અનુભવવા લાગ્યા.

“અને શું અંકલ...?”

“એણે જાદુગરની જમાતને શરમાવે એવું કામ કર્યું છે.”

“શું..?”

“એણે વેદ પર હુમલો કર્યો... જાદુગર મંડળીના પ્રેસિડેન્ટ પ્રખર જાદુગર ગોપીનાથના દીકરાને દગાથી હરાવી એણે વિલ ઓફ વિશના ટુકડે ટુકડા કરી નાખ્યા.. એણે જાદુગરોની ચેમ્બર ઓફ સીક્રેટમાં તહેલકા મચાવી નાખ્યો હતો... એના એ ગુના માટે મારા આખા પરિવારને જમાત બહાર કરી નખાયો છે...” સોમર અંકલ ફ્રસ્ટેડ થઇ ગયા, “વી આર આઉટકાસ્ટેડ નાઉ ડ્યુ ટુ માય સન..”

“પણ એણે ઈચ્છાચક્રને કેમ તોડી નાખ્યું..?” મમ્મીએ પૂછ્યું, મમ્મી ઈચ્છાચક્ર વિશે જાણતા હતા પણ હું નહિ.

“એ નથી ઈચ્છતો કે એના ઈરાદાને કોઈ જાણી શકે એ માટે એણે એ કર્યું છે..” સોમર અંકલનો વિષાદ એમના શબ્દોમાં વ્યક્ત થઇ રહ્યો હતો, “એ ઈચ્છાચક્રની શક્તિઓ સામે કઈ રીતે ટકી શક્યો એ જ નવાઈની વાત છે..”

“કદાચ એવું પણ બન્યું હોય કે ઈચ્છાચક્ર એની શક્તિઓ સામે ટકી ન શક્યું હોય?” મમ્મીએ કહ્યું.

સોમર અંકલે કઈ જવાબ ન આપ્યો. મમ્મીના શબ્દોએ એમને કઈક વિચારતા કરી મુક્યા હોય એમ મને લાગ્યું.

“ઇચ્છાચક્ર છે શું..?” મેં પૂછ્યું.

“એ જાદુગરોનું અંતિમ હથિયાર છે. જયારે કોઈ જાદુગરને દગાથી મારી નાખવામાં આવે કે એની કોઈ જાદુની ટ્રીક દરમિયાન એના જાદુને કોઈ નકામો કરી નાખવાનો પ્રયાસ કરે ત્યારે એ બધુ કરનાર વ્યક્તિને ઉઘાડો પાડવાનું કામ એ ચક્ર કરે છે. એ ભૂત ભવિષ્ય બતાવવાની શકતી ધરાવે છે પણ એનો ઉપયોગ વેદના પરિવાર સિવાય કોઈ હજુ સુધી કરી શક્યું નથી..”

“વિવેક એમાં અપવાદ બન્યો છે..” મમ્મીએ કહ્યું.

“કદાચ એ અંધકારની શક્તિઓને લીધે..”

“એ શકય નથી..” મમ્મીએ કહ્યું, “કોઈ નાગ પણ એ ચક્રનો ઉપયોગ ન કરી શકે તો કોઈ અંધકારની શક્તિ એનો ઉપયોગ કરી શકે એ માન્યામાં આવે એમ નથી..”

“જે હોય તે પણ આપણે વિવેકનો સામનો કરવા તૈયાર રહેવું પડશે..”

“અંકલ તમે વાર વાર કેમ વિવેક દુશ્મન હોય એવું વલણ બતાવી રહ્યા છો?” મેં ગુસ્સે થઇ પૂછ્યું, ભલે તેઓ વિવેકના પપ્પા હતા પણ વિવેક માટે એમનું વલણ મને ગમ્યું નહિ.

“બિંદુ ગુમ થયા પછી એક પ્રસંગ હતો...” સોમર અંકલે મારા જવાબને બદલે અલગ જ સવાલ કર્યો.

“હા, દશેરાનો પ્રસંગ...” મેં કમને જવાબ આપ્યો, “પણ એને વિવેકથી શું લેવા-દેવા...?”

“એ દિવસે ભેડાઘાટ પર જે થયું હતું એ યાદ છે..?” સોમર અંકલે ફરી મને મારા સવાલનો જવાબ આપવાને બદલે અલગ જ સવાલ કર્યો.

“હા...” મને સમજાયુ નહિ કે સોમર અંકલ વર્તમાનને બદલે એ ભૂતકાળના સવાલો કેમ કરી રહ્યા છે છતાં મેં એમનું માન સાચવવા ખાતર જવાબ આપ્યો.

“બસ ફરી એ જ થશે... આ બધું નિયતિથી ગોઠવાયું છે. આસમાનના સિતારા અસર કરી રહ્યા છે..” સોમર અંકલની ઉદાસી ઘેરી બની, “ત્રણ દિવસ પછી ભેડા પર કઈક એવું જ થવાનું છે..”

“ત્રણ દિવસ પછી ભેડા પર..?”

“હા, એવો જ એક જંગ...”

“પણ કેમ..?”

“કેમકે એ દિવસ એ અન્યા માટે ભેડા ઘાટ પર આવશે...”

“પણ આપને ત્યાં અન્યાને લઈને કેમ જઈએ...”

“કેમકે ત્રણ દિવસમાં એને ત્યાં લઇ જવી જ પડશે...” મમ્મીએ વચ્ચે જ કહ્યું.

“કેમ મમ્મી?” કપિલે પૂછ્યું. મને આ બધું કાઈ સમજાયું નહી. મારું હ્રદય જોરથી ધબકવા સિવાય કઈ કરી શક્યું નહી.

“કેમકે કપિલ અર્ધનાગ છે. આ પરિવારમાં જન્મેલા બાળકને એના પહેલા જન્મદિવસ પર ભેડાઘાટ પરના નાગદેવ મંદિરે લઇ જ જવું પડે છે.”

“આપણે અન્યાને લઈને નહિ જઈએ તો શું થશે...?”

“એ શકય નથી નયના..” સોમર અંકલે કહ્યું, “જે પણ પરંપરાઓ બની છે એની પાછળ ખાસ કારણો છે. જેમ વર્ષો પહેલા લેખાએ સ્વસ્તિક મુહુર્ત દરમિયાન એ સ્ક્રોલના જીવન મૃત્યુ બંધનમ શ્લોકનો ઉપયોગ કરવાની ભૂલ કરી, હવે વિવેકે એવા જ કોઈ જાદુનો ઉપયોગ કરવાની ભૂલ કરી છે. એ વૈશાલી જીવે છે કે નહિ એ જાણવા સ્વર્ગ અને નરકની એસ્ટ્રલ મુલાકાત લઇ આવ્યો છે. હવે તું વળી એક નિયમ તોડવાનું વિચારી રહી છે અને એનું પરિણામ શું આવી શકે એ આપણને કોઈને ખબર નથી..”

“શું આજ સુધી ક્યારેય એવું નથી બન્યું?”

“ના, આ વિસ્તારના નાગ લોકો આ મંદિરે અને અન્ય કોઈ વિસ્તારમાં જે નાગ હશે એ અન્ય વિસ્તારના કોઈ ખાસ નાગ મંદિરે જાય છે..”

“આ બધું મારી એક ભૂલના લીધે થયું છે..” મને એકાએક ઇયાવાસુનો શ્રાપ યાદ આવ્યો, “મેં નાગલોકમાં મેળવેલો શ્રાપ આ બધું થવા માટે જવાબદાર છે... હું જ બધા દુ:ખોનું કારણ છું..” મારી આંખમાં આંસુ આવી ગયા. મારા લીધે આજ સુધી, આટલા વર્ષોથી, આટલા જન્મોથી જેટલા માણસો મર્યા હતા એ બધાના ચહેરા મારી આંખ સામે તરવરવા લાગ્યા, બાલુ, બાલુંનો બીજો મિત્ર ઓજસ, વરુણ, અશ્વિની, રોહિત, નંબર વન, ટુ અને થ્રી, અશ્વાર્થ, જીદગાશા, સુબાહુ એટલે કે તે જન્મનો કપિલ, હું પોતે એટલે કે સુનયના, સત્યજીત એટલે કે એ જન્મનો વિવેક, રાજ સેવકો, સિપાહીઓ અને એ સિવાય ગણી ન શકાય એટલા માણસો ૧૭૭૦માં મારા લીધે માર્યા ગયા હતા. બધા પાછળ મૂળ તો હું પૃથ્વી લોક પર કોઈનો પ્રેમ નહિ મેળવી શકું એ શ્રાપ જ જવાબદાર હતો.

“નયના...” કપિલ મારી પાસે બેઠો, “નયના, એમ હિમ્મત હારવાથી કઈ નહિ થાય. ભલે આજ સુધી જે થયું એ થયું પણ હવે આગળ કઈ નહિ થાય..”

“તું વિવેક ને લઇ આવશે...?” મેં કહ્યું, હું જાણતી હતી કે એ સહેલું ન હતું છતાં મેં પૂછ્યું - મારાથી પુછાઈ ગયું.

“હું વિવેક અને વૈશાલી બંનેને લઇ આવીશ... ભલે બધા નાગ ગુમ થયા છે પણ સોમર અંકલ જે વિચારે છે એવું ન પણ હોય..”

“એવું ન હોય તો એ બધાનો સંપર્ક કેમ નથી થઇ શકતો..?” સોમર અંકલે કહ્યું, “પોતાની જાતને છેતરવાથી કઈ નહિ મળે કપિલ...”

“અંકલ એ નાગને કઈ નથી થયું, જો એમને કઈ થયું હોત તો મારા શરીર પર નાગ મંડળની રચના થઇ હોત...”

કપિલની દલીલ સંભળાતા જ મારા, મમ્મીના અને સૌથી વધુ શ્લોકના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. મેં સોમર અંકલ તરફ જોયું એમનો ચહેરો જોતા જ મારી ખુશી ગાયબ થઇ ગઈ કેમકે એમના ચહેરા પર એ જ ઉદાસી હતી.

“શું થયું અંકલ..?” મેં પૂછ્યું, “શું કપિલ કહે છે એમ ન હોઈ શકે?”

“હોઈ શકે અથવા ન પણ હોઈ શકે..”

“મતલબ..?” કપિલે કહ્યું, “નાગના મૃત્યુ પર મારા શરીરને સાવધાનીના સંકેત તરીકે નાગ મંડળનો દાહ ન મળે એવું કેમ બને..?”

“સ્વસ્તિક નક્ષત્ર દરમિયાન બધા નિયમો નકામા થઇ જાય છે...” સોમર અંકલ એક પછી એક ખરાબ સમાચાર આપતા રહ્યા, “લેખાએ એ મુહુર્તમાં જીવન મૃત્યુના શ્લોકનો ઉપયોગ કર્યો હતો જે સત્યજીતને જીવન આપવાને બદલે એનો જીવ લઇ ગયો..”

હું અને કપિલ ચુપ થઇ ગયા. અમે સમજી ગયા હતા કે સ્વસ્તિક મુહુર્ત દરમિયાન બધું બદલાઈ જાય છે. લેખાનો અમૃતસ્ત્રવિનયી અને નવ પલ્લિતનો જાદુ પણ એટલે જ કામ કરતો ન હતો.

સોમર અંકલ કંટાળીને બેઠા. તેમણે સિગાર સળગાવી અને જાણે બધાના દુ:ખ તકલીફો પી જવા માંગતા હોય તેમ જોરથી સિગાર ખેંચવા લાગ્યા.

અમે કોઈ ફેસલા પર આવ્યા વિના બેસી રહ્યા. મને વિવેક અને વૈશાલીના એ જન્મના સત્યજીત અને ચિત્રલેખાના અધૂરા પ્રેમ, બહાદુરી, દોસ્તી માટે જાન કુરબાન, ધર્મ કટિબદ્ધતા માટે માન થયુ પણ હવે આ જન્મે વિવેક અને વૈશાલી સાથે શું થશે એ ચિંતા કોરી ખાવા લાગી...

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky