Swastik - 50 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 50)

નયના કથાનક

ઘર બહાર નીકળી અમે રૂકસાનાની પોલીસ બોલેરોમાં ગોઠવાયા. મમ્મી દરવાજા સુધી આવી અમને જોતા રહ્યા. એમની આંખોમાં વેદના હું અનુભવી શકતી હતી. તેઓ મને લઈને ખુબજ ચિંતિત હતા. કદાચ મારી પોતાની મમ્મી કરતા પણ કપિલના મમ્મી મને વધુ ચાહતા હતા.

જેવી કાર પ્રેમીસ બહાર નીકળી રૂકસાનાએ ફોન બહાર નીકાળી પોલીસ સ્ટેશનનો નંબર મેળવ્યો.

“સરલકર..?”

“યસ, મેડમ..”

“હું એક ક્રિમીનલને ફોલો કરી રહી છું. એ નાગપુર જંગલના કાળા પહાડ તરફ જઈ રહ્યો છે. તું કુરકુડે અને ટીમને લઈને કાળા પહાડ પહોચ.”

“યસ.. મેમ..”

રૂકસાનાએ એમને અમુક સૂચનાઓ આપી અને કોલ ડીસ કનેક્ટ કર્યો.

થોડાક સમયમાં નાગપુરની સડકો વટાવી બોલેરો જંગલમાં દાખલ થઇ. અમે ત્રણેય ચુપ હતા. શહેરને પાછળ છોડી કાર નાગ પહાડી પાસેથી પસાર થઇ. હવે એ સ્થળ પહેલા જેવું નહોતું. ત્યાં પાતાળ ઝરણું જમીન ઉપરથી વહેતું હતું પણ કેમ એ મને યાદ હતું. દિવાન ચિતરંજન અને એના ત્રણ ખાસ માણસોએ એ પાતાળ પ્રવેશ ઝરણાને જમીન પર વહેતું કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

મારી આંખો સામે એ દ્રશ્ય તરી આવ્યું જે મને મણીયજ્ઞએ બતાવ્યું હતું.

ચિતરંજન અને એ ત્રણે ફોર્જમેન મદારીઓ પાતાળ પ્રવેશ ઝરણાની ટનલમાં હતા, દીવાનના હુકમ પર ફોર્જમેન સળગતી ભઠ્ઠીઓમાં હિમેટાઈટનો પાવડર ઉડેલવામાં લાગ્યા ગયા હતા. ગમે ત્યારે આપત્તિ આવી પડે અને એ રહસ્યને કાયમને માટે પાતાળમાં ધરબી દેવાય એવી વ્યવસ્થા દીવાને હમેશાથી કરી રાખેલી હતી. તેમણે એ ભઠ્ઠીઓમાંથી પીગાળીને લાવા બનતા હિમેટાઈટને પાતાળ પ્રવેશ ઝરણું ફરી બહારની સપાટી પર નીકળતું હતું એ ભાગ નજીક રાખેલી હતી. દીવાને ત્યાં સુધી એ પીગળતા લાવાને પહોચાડી શકાય એવી વ્યવસ્થા રાખેલી હતી.

હિમેટાઈટનો લાવા, મોટા ભૂંગળા વાટે પાતાળ પ્રવેશ ઝરણું જ્યાંથી ફરી જમીન સપાટી પર દ્રશ્યમાન થવા દોડી જતું હતું એ સાંકડા માર્ગ તરફ દોડવા લાગ્યો.

હિમેટાઈટનો લાવા ભૂંગળામાંથી ગબડી એ ઝરણાના સાંકડા દ્વાર આગળ ઢગલો થવા લાગ્યો. પાણીની સપાટી સાથે સંપર્કમાં આવતા જ એ જામીને પથ્થર થઇ જતો હતો. દીવાને હિમેટાઈટ સિવાયણી બે તાંબાની ભઠ્ઠીઓ પણ ચાલુ કરાવી નાખી અને તાંબાનો લાવા પણ ભૂંગળા વાટે ત્યાં જ જઈ જામી જવા લાગ્યો. ધીમે ધીમે ત્યાં લોઢા અને તાંબાનો પહાડ બનવા લાગ્યો અને પાછળની તરફ ઝરણાનું પાણી અંતરાઈને ભેગું થવા લાગ્યું. ભઠ્ઠીઓને એવી ઊંચાઈ પર બનાવવામાં આવેલી હતી કે છેક આખી નાગ પહાડીની નીચેની સપાટી પાણીથી ભરાઈ જાય ત્યારે જ પાણી એના સુધી પહોચી શકે.

પાછળની તરફ પાણીનો ભરાવો પહેલા થયો હતો. દીવાન અને ત્રણે ફોર્જમેન જાણતા હતા કે પાણી આંતરાતા જ પાછળ ભરાવો થશે અને પાણી ટનલમાં ભરાવા લાગશે. તેમણે અંદર આવતાની સાથે જ ટનલને અંદરથી બંધ કરી નાખી હતી જેથી એ માર્ગે પાણી બહાર ન જઈ શકે.

દીવાન ચિતરંજન અને ફોર્જમેન જાણતા હતા કે તેઓ એ ટનલ બહાર જીવતા નીકળી શકવાના નથી પણ એમને એનો કોઈ અફસોસ નહોતો. હિમેટાઈટ અને તાંબાનો એક નાનકડો પહાડ પાતાળ પ્રવેશ ઝરણાના બહાર નીકળવાના માર્ગને અવરોધ બની ગયો. દીવાન અને ફોર્જમેન એમની આંખો સામે એ બંધ ભૂ-વિસ્તારમાં એક નાનકડો સમુદ્ર રચાતો જોઈ રહ્યા. એ સમુદ્ર વિસ્તરતો ગયો, હિમાલયના પહાડ સામે કોઈ કીડીને ઉભી રાખો એવી હાલત દિવાન અને ફોર્જમેનની એ વિસ્તરતા જતા સમુદ્ર સામે હતી. કોઈ સામાન્ય માણસનું હ્રદય કામ કરતુ બંધ થઇ જાય એટલી ગતિથી ઝરણાનું પાણી એક સમુદ્રની જેમ નાગ પહાડીમાં ભેગું થતું રહ્યું.

લોકો માનતા હતા કે એ ઝરણું નાગલોક જવાનો રસ્તો છે - એ હકીકત સાચી હતી કે કેમ એ કોઈ જાણતું નહોતું પણ દીવાન અને ફોર્જમેન માટે એ ઝરણાના એ સ્વર્ગ લોકના દરવાજા ખોલી નાખ્યા હતા. પહાડીનો અંદરનો ભાગ પુરેપુરો પાણીથી ભરાઈ જતા જે પથ્થરો પર નાગ પહાડી ટકી રહી હતી એને એ નાનકડો સમુદ્ર અંદરની તરફથી દબાણ આપવા લાગ્યો. ભેખડ પરથી પાણીની આવક સતત ચાલુ જ હતી. એ ભૂ જલીય દાબ નાગ પહાડી વધુ સમય સહન કરી શકી નહિ અને એક ભયંકર વિસ્ફોટ સાથે નાગ પહાડીને ટેકો આપતી અનેક શીલાઓ અલગ અલગ દિશામાં ફેકાઈ ગઈ. પહેલા કરતા પણ વધુ પ્રચંડ અવાજ સાથે નાગ પહાડી જમીન સપાટી પર ધરબાઈ ગઈ. એની સાથે એ વજ્ર ખડગ અને ભૂતકાળમાં શોધાયેલ દમાસ્કસ સ્ટીલ અને નેનો ટેકનોલોજીનું હજારો વર્ષોથી સચવાયેલું જ્ઞાન હમેશા માટે ધરતીની ગોદમાં દફન થઇ ગયું.

“નયના...” રૂકસાનાના આવજે મને ભુતકાળ બહાર લાવી, “આર યુ ઓકે?”

“યસ.. ફાઈન...”

મેં બહાર જોયું. અમે નાગ પહાડીથી બહુ દુર નીકળી ગયા હતા. સામે કાળો પહાડ દેખાવા લાગ્યો હતો.

“અરુણ પ્લીઝ ડ્રાઈવ ધ કાર..” રૂકસાનાએ કાર રોડની એક તરફ પુલ ઓફ કરી અને ડ્રાયવર સીટ છોડી એની નેક્સ્ટ સીટ તરફ ખસી. અરુણ કોઈ પણ સવાલ વિના ડ્રાયવર સીટ પર ગોઠવાયો અને ફરી કાર કાળા પહાડ તરફ ગતિ કરવા લાગી.

મને પણ કઈ સમજાયું નહોતું છતાં મેં કોઈ સવાલ ન કર્યો. હું મારા ઓવર એક્ટીવ માઈન્ડ પર કાબુ રાખવામાં સફળ રહી પણ આંશિક કેમકે જયારે રૂકસાનાએ એની સર્વિસ રિવોલ્વર નીકાળી. એની ગોળીઓ બહાર કાઢી એને બદલે બીજી ગોળીઓ એમાં ભરી ત્યારી હું પૂછ્યા વિના ન રહી શકી, “તમે શું કરવા માંગો છો, ઇન્સ્પેકટર રૂકસાના?”

“મને અનઓફિસીયલી માત્ર રૂકસાના કહેશો તો ચાલશે.” રૂકસાનાએ કહ્યું “અને હા સોમર અંકલના કોઈ પણ પરિચિતે મને માન આપવાની જરૂર નથી કેમકે મારું આ સમ્માન એમના લીધે જ છે.”

“એ બધું ઠીક પણ રૂકસાના તું શું કરવા માંગે છે?” મેં પૂછ્યું, અમને છોકરીઓને મિત્ર બનતા ખાસ સમય નથી લાગતો. જોકે એ મિત્રતા કેવી છે એ તો સમય જ નક્કી કરી શકે છે. રૂકસાના કેવી મિત્ર નીવડશે એ કલ્પના કરવાનો વિષય ન હતો - એ ચકાસવાનો વિષય હતો.

“કદાચ ભૈરવ પહાડ પર ગોળી ચલાવવાની જરૂર પડી શકે.” રૂકસાનાએ ગોળીઓ ભરી, પિસ્તોલનું વજન માપતી હોય એમ આમતેમ ફેરવી.

“કોના પર?” અરુણે પૂછ્યું, “કોઈનું એનકાઉન્ટર કરતા પહેલા પોલીસોને મે આમ ગોળીઓ બદલતા જોયા છે.”

“આ એ ગોળીઓ નથી..”

“તો?” મેં પૂછ્યું.

“હોલી બુલેટ્સ...” રૂકસાનાએ કહ્યું, “આ બુલેટ ત્યાં કોઈ અણધારી આફત આવી પડે તો પહોચી વળવા માટે છે.”

“હોલી બુલેટ્સ મતલબ...?” મેં પૂછ્યું.

“ત્યાં કોઈ દુશ્મન હશે તો તને સમજાઈ જશે..”

મેં વધુ કાઈ પૂછ્યું નહિ કેમકે મને રૂકસાના પણ વિવેક જેમ રહસ્યમય લાગી. એ વિવેક જેટલી બહાદુર હોય એવી મેં મનોમન ભગવાનને પ્રાર્થના કરી. કેમકે હું આ જન્મે નયના હતી - સુનયના નહી.

અરુણે કાર કાળા પહાડની તળેટીમાં પુલ ઓફ કરી. મેં ત્યાંથી થોડક દુર રાયણના ઝાડ તરફ નજર કરી. ત્યાં બિંદુએ બગીઓ સળગાવી હતી એ ઘટના મારા મનમાં તાજી થઇ. મને એ એકલી બહાદુર બિંદુ પર ગર્વ થયો કેમકે રૂકસાના અને અરુણ સાથે હોવા છતાં મને ડર લાગી - અને એ એકલી હતી મારા જેમ દિવસના અજવાળામાં અને દોસ્તો સાથે નહિ પણ એકલી, ઘાયલ અને રાતના અંધકારમાં.

“નયના...” રૂકસાનાએ પહાડી ચડવા માટે રસ્તો શોધતા કહ્યું, “શું કરે છે?”

“કઈ નહિ..” હું રૂકસાના અને અરુણ તરફ જવા લાગી, “રસ્તો જમણી તરફ છે.”

તેઓ મારી પાછળ જમણી તરફ આવ્યા. ત્યાં ખરેખર મારા અંદાજ મુજબ ઉપર જવા માટેનો રસ્તો હતો. જુના સમયમાં પથ્થરમાં વર્ષોની મહેનતે છીણી - હથોડી વડે બનાવેલ એ જ પહાડના પગથીયા અમે ચડવા લાગ્યા.

“તું પહેલા અહી આવેલી છે?” રૂકસાનાએ પૂછ્યું.

“ના,”

“તો તને રસ્તો કઈ રીતે ખબર?” રૂકસાનાના સવાલો સાંભળતા મને એમ લાગ્યું કે કદાચ એને પણ મારા જેમ ઓવર એક્ટીવ માઈન્ડનો પ્રોબ્લેમ છે.

“કેમકે મારી એક દોસ્ત આ સ્થળે આવી હતી..” મેં કહ્યું, એ પગથીયા ચડવા મુશ્કેલ હતા પણ રૂકસાના આસાનીથી ચડી રહી હતી એટલે મને મુશ્કેલી પડે છે એમ કહેવામાં મને ઈગો પ્રોબ્લેમ નડ્યો.

“ક્યારે..?” રૂકસાના પોલીસની જેમ છાનબીન કરવા લાગી, ઓફ કોર્સ એ પોલીસ હતી તો એનો સ્વભાવ દોસ્ત બન્યા પછી પણ બદલી થોડો જવાનો હતો?

“ત્રણ સો વર્ષ પહેલા..” મેં કહ્યું. મને હતું કે મારો જવાબ સાંભળી એ હસવા લાગશે યા મને પાગલ સમજશે પણ એવું કઈ ન થયું.

“એ જન્મે અહી શું થયું હતું?” રૂકસાનાએ એ જ ગંભીર અવાજે પૂછ્યું.

“તું એ બધી બાબતોમાં વિશ્વાસ કરે છે?” મેં પૂછ્યું. તેના મહેંદી કરેલા સોનેરી વાળ અંધારામાં ચમકતા હતા. તેની નીલી આંખો અંધારામાં ચાલાક રીતે ફરતી હતી.

“હા,” રૂકસાનાએ કહ્યું, “હું તારી જેમ નાગિન નથી પણ મારું જીવન આ બધી પરામાનસ ચીજોથી અજાણ્યું નથી.”

“તું કઈ રીતે જાણી શકે કે હું એક નાગિન છું?” હું નાગિન છું એ વાત રૂકસાના કઈ રીતે જાણતી હશે તેની મને નવાઈ થઈ.

“તું જ નહિ કપિલ પણ નાગ છે અને તારો આખો પરિવાર નાગ છે - નાગપુરમાં અનેક નાગ છે એ હું જાણું છું.” રૂકસાનાએ હસીને કહ્યું.

“તારે કોઈની હાજરીમાં આ વાત ન કહેવી જોઈએ.” મેં કહ્યું, મારા કોઈની હાજરી કહેવા પાછળ અરુણની હાજરી એવો અર્થ હતો જે સમજતા અરુણને વાર ન લાગી.

“હું એ બધું જાણું છું..” અરુણે કહ્યું, “કેમકે હું વિવેકનો એપ્રેન્ટીસ છું.”

મને રાહત થઇ કે એ રહસ્ય કોઈ સામાન્ય માણસે નથી જાણ્યું છતાં એક પર્શ્ન હજુ વણ ઉકેલ્યો હતો.

“વિવેકના અપ્રેનટીસને એ ખબર હોઈ શકે પણ શહેરની ઇન્સ્પેકટર મેમને એ ખબર હોય અને એ આ બધી વાતોમાં વિશ્વાસ કરે એ કઈ રીતે શક્ય છે.”

“હું કોઇ પણ અન હ્યુમન શક્તિને જોઈ અને ઓળખી શકું છું.” રૂકસાનાએ કહ્યું, “જેમ ઇન્વેન્ટર વ્યોમ દરેક અન હ્યુમનને ઓળખી શકતો હતો.”

“કેમ?” મારું ઓવર એક્ટીવ માઈન્ડ મને સવાલો કરવા દબાણ કરવા લાગ્યું. તેણીએ તેના વાળ એક બનમાં બાંધ્યા કારણ સ્ત્રી માટે એ એક સમસ્યા છે – લડવામાં વાળ ઘણીવાર નડે છે.

“કેમકે મેં ચીલ્લો કરેલો છે. મને એ ચિલ્લાએ દરેક તત્વને એના અસલ રૂપમાં જોવાની શક્તિ આપી છે.”

“એ શું છે?” મેં પૂછ્યું. અમે પહાડી સુધી પહોચવા આવ્યા હતા પણ ચિલ્લા વિષે હું બિલકુલ અજાણ હતી. એ જાણ્યા વિના મને ચેન પડે એમ નહોતું.

“જેમ તમે સાધના કરો છો કે તપસ્યા કરો છો એમ જ ચિલ્લા પર ચાલવું એ પણ એક સાધના છે.”

“કેવી સાધના...?” અરુણે પૂછ્યું, “શું એ કોઈ જાદુ છે?”

“ના, એ જાદુ નથી. એ એક આધ્યાત્મિક માર્ગ છે જેના પર ચાલીને વ્યક્તિ શાંતિ અને અધ્યાત્મિક આત્મીય બળ મેળવી શકે છે. એ ભારત અને પર્સિયામાં પ્રચલિત સુફીઝ્મની એક સ્પીરીટલ પ્રેક્ટીસ છે. ચિલ્લા એ પર્સિયન શબ્દ છે જેનો અર્થ ચાળીસ એવો થાય છે. એ ચાલીસ દિવસની તપસ્યા છે.”

“કેવી તપસ્યા..?” મેં પૂછ્યું, “એમાં ભૂખ્યા તરસ્યા રહેવું પડે છે?”

“ના, પણ ચિલ્લામાં એનાથી વધુ આકરી કસોટી થાય છે. ચાલીસ રાતો સુધી એ તપસ્યા ચાલે છે અને એ દરમિયાન દરેક રાતે વ્યક્તિએ પોતાના ભયનો સામનો કરવો પડે છે. એને અલગ અલગ અન હ્યુમન સજીવો જોવા મળે છે, એને જેનાથી ખાસ ભય લાગતો હોય તે દરેક ચીજ એની આસપાસ ફરતી રહે છે અને મુશ્કેલ વાત એ છે કે દરેક રાત વધુને વધુ ડરાવણી બનતી જાય છે. જો વ્યક્તિ તેના મનને કાબુમાં ન રાખી શકે તો એ પાગલ બની જાય એટલું અઘરું કામ છે.” રૂકસાના બોલતી રહી એ સાથે અમે ચડાણ પણ કાપતા રહ્યા. અમે ભૈરવ ગુફાથી ખાસ દુર નહોતા. ભૈરવ ગુફાના દરવાજે ચંદ્રનું થોડુક અજવાળું પડતું હતું. ત્યાના વ્રુક્ષોના જંગી લાંબા પડછાયા જમીન ઢોળાવ ઉપર વધારે લાંબા લાગતા હતા.

“પણ તે એવો ચીલ્લો કેમ કર્યો હતો?” હું જાણતી હતી કે કોઈ સામાન્ય વ્યક્તિ એવો જોખમી કામ વિના કારણે તો ન જ કરે.

“એક જીન સાથે લડવા માટે... અત્યારે એ બધું કહેવાનો સમય નથી.. તું બહાર અમારી રાહ જો હું અને અરુણ ગુફામાં જઈએ છીએ..”

“હું કેમ નહિ?” મેં પૂછ્યું.

“કેમકે અંદર કોણ છે એ આપણે જાણતા નથી..”

“તો પહેલા બહાર છુપાઈને અંદર શું છે એ જાણી લઈએ..” મેં પ્રસ્તાવ મુક્યો જે અરુણ અને રૂકસાનાને વાજબી લાગશે એવો મને અંદાજ ન હતો.

“ઠીક છે..”

અમે ગુફાના દ્વાર નજીક સરક્યા અને ગુફામાં કોણ છે એ જોવા લાગ્યા. અંદર ફ્લેશ ટોર્ચનું અજવાળું હતું નહિતર દિવસે પણ એ ગુફામાં અંધારું રહેતું. અંદરનું દ્રશ્ય અમને બરાબર દેખાયું નહિ પણ અંદર કોઈ છે એ ચોક્કસ ખાતરી થઈ.

“હું અંદર જાઉં છું.” રૂકસાનાએ કહ્યું અને અમે શું જવાબ આપીએ છીએ એની રાહ જોયા વગર જ અંદર દાખલ થઇ. ગુફામાં પગ મુક્ત પહેલા રૂકસાનાએ બોલેલા શબ્દો મને સંભળાયા.

“અલ્લાહ, મદદ. હું કાયનાતમાં તારા કામ માટે જ નીપજી છું નહિતર મારું તો અસ્તિત્વ જ ક્યા હતું? મદદ મૌલા... મદદ.....”

અને એના શબ્દો સાથે એ પણ અંધકારમાં ગુમ થઈ ગઈ. રૂકસાના ગુફામાં દસેક મીટર અંદર ગઈ એ સાથે જ અંદર સળગતી ટોર્ચ લાઈટનો ઉજાસ બંધ થઇ ગયો. ગુફા આખી અંધકારમાં ડૂબી ગઈ.

શું અંદર જે હતું તેને અંદાજ આવી ગયો હશે કે કોઈ અંદર દાખલ થયું છે? અંદર કોણ હશે? મારા શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું પણ મને એટલી રાહત હતી કે રૂકસાના કોઈ સામાન્ય પોલીસ ઇન્સ્પેકટર ન હતી. એનું જીવન પણ ઓકાલ્ટ સાથે જોડાયેલું હતું.

હું ભગવાનને પ્રાર્થના શરુ કરું એ પહેલા મને અંદરથી ગોળીઓ છૂટવાનો અવાજ સંભળાયો. અને ચીસોના અવાજ સંભળાયા. ભૈરવ ગુફામાં જંગ છેડાઈ ગયો હતો. વર્ષો પહેલા જે ગુફાને બિંદુએ લોહીથી રંગી નાખી હતી ત્યાં ફરી એક દિલેર સ્ત્રી હાથમાં બંદુક લઇ ઉતરી હતી - બિંદુ જેમ રાજ ધર્મ નિભાવવા માટે મરવા તૈયાર હતી તદ્દન તેમ જ રૂકસાના વિવેકના પરિવારનો એના પરના કોઈ ઉપકારનો બદલો વાળવા મરવા તૈયાર હતી.

“અ...રુ....ણ...” ગુફામાંથી અવાજ સંભળાયો, એ રૂકસાનાનો અવાજ હતો.

“મારે જવું જોઈએ...” અરુણે કહ્યું, “રૂકસાનાને મદદની જરૂર છે.”

હું કઈ જવાબ આપું એ પહેલા અરુણ પણ રૂકસાના જેમ એ અંધકારમાં ઉતરી ગયો. મારા ધબકારા હરેક પળે વધવા લાગ્યા. અંદર શું થયું હશે? રૂકસાનાએ ચીસ કેમ પાડી હશે? અંદર કોણ હશે? શું વિવેક હશે?

અંદર વિવેક હશે એ કલ્પના મને ધ્રુજાવી ગઈ. અંદર વિવેક હશે તો શું રૂકસાનાએ ગોળીઓ વિવેક પર ચલાવી હશે. શું શ્લોક અને સેજલ અંદર કેદ હશે?

એ જવાબો જાણવાનો એક જ રસ્તો હતો,. મારે ગુફામાં જવું. મેં હિમ્મત કરી ગુફાના અંધકારમાં પગ મુક્યો. એ અંધકાર મને ગળી જવાનો હોય એમ મને લાગ્યું. જાણે કોઈ મારી નજીક એ અંધકારમાં લપાઈને બેઠું હતું. જાણે કોઈ એકદમ નજીકથી મને જોઈ રહ્યું હતું.

“નયના...” મને અરુણનો અવાજ સંભળાયો એ સાથે જ મેં હિમ્મત કરીને બીજો પગ અંધકારમાં મુક્યો. ભલે એ ગુફા મને ગળી જાય પણ હું કાયરની જેમ બહાર ઉભા રહી બે મિત્રોને મુશ્કેલીમાં મુકાયેલા કઈ રીતે જોઈ શકું?

જેમ જેમ હું આગળ વધ્યે ગઈ મારી આંખો ગુફાના અંધકારમાં ટેવાતી ગઈ. મને એ ગુફા એકદમ બિહામણી લાગી.

મમ્મી હમેશા કહેતી કે હું બહાદુર છું. મારા જેટલી બહાદુર છોકરી દુનિયામાં કોઈ હોઈ જ ન શકે. અને મમ્મી સાચી હતી એમ મને લાગવા માંડ્યું કેમકે મેં ઘણી ભયાનક ચીજો જોઈ હતી. અશ્વિની અને રોહિતની લાશ, રાતે દેખાતા અજીબ સપનાઓ, દિવસના અજવાસમાં સંભળાતું એ અજીબ સંગીત, કદંબ જેવો દુષ્ટ જાદુગર અને નવીન જેવો પાખંડી નાગ. હું કેટ કેટલીયે ચીજો જોઈ ચુકી હતી અને એ બધાની સામે મજબુત બની ઉભી રહી હતી.

પણ અંધકાર સામે મારી બધી હિમ્મત જાણે ઓછી પડતી હતી. હું ગુફામાં પ્રવેશી અને અંધકાર સાથે મારી આંખો ટેવાતા મને જે દેખાયું એ જોઈ મારા મોમાંથી રાડ નીકળી ગઈ. મારી સામે નર્ક કરતા પણ ભયાવહ કશુક હતું. હું આસાનીથી ચીસ પાડી ઉઠું એમાંની ન હતી પણ મારી આંખો સામે જે દેખાયું એ જોઈ મારા ગળામાંથી એક ચીસ નીકળી ગઈ - લાંબી અને ઉતાવળી ચીસ.

રૂકસાના બે જાદુગર જેવા લાગતા વ્યક્તિઓ સામે લડી રહી હતી અને એની ગોળીઓ પૂરી થઇ ગઈ હતી કે કેમ એ પિસ્તોલનો ઉપયોગ કરતી નહોતી. એ બેમાંથી એક જાદુગર એની પર બિલાડી ઉંદર પર તરાપ લગાવે એમ કુદ્યો, એના પર હસતો હોય એવા ભાવ એ જાદુગરના ચહેરા પર હતા.

“આજે તું ગુફા બહાર જીવતી નહિ જાય છોકરી...”

મને લાગ્યું જાણે હું એ અવાજ ઓળખુ છું. એ અવાજ કોઈ પરિચિત અવાજ હતો. પણ કોનો? હું જડની જેમ ઉભી રહી.

રૂકસાનાએ એની તરફ ગન લંબાવી અને ટ્રીગર દબાવ્યું પણ છેલ્લી ઘડીએ પિસ્તોલ દગો આપી ગઈ. પિસ્તોલ જામ થઇ ગઈ હતી. પણ એનાથી એ જાદુગરને કોઈ ફાયદો ન થયો. એની ખોપડીમાં બીજી બુલેટ ઉતરી ગઈ. કોઈ બીજાએ બંદુક ચલાવી હતી. હોલી બુલેટવાળી બંદુક.

બીજો જાદુગર એ જોઈ ભાગવા લાગ્યો પણ એ ભાગી શકે એ પહેલા રૂકસાનાએ પિસ્તોલમાંથી ગોળીઓ હાથમાં નીકાળી લીધી હતી અને એના તરફ ધસી, હોલી બુલેટ્સને હાથમાં જ રાખી રૂકસાનાએ જાદુગરના ચહેરા પર પંચ લાગાવ્યો.

જાદુગર જમીન પર પછડાયો. એનામાં હોલી બુલેટ્સ સાથેના એ વારને સહન કરી શકવાની તાકાત ન હોય એમ જમીન પર જ પડ્યો રહ્યો. રૂકસાનાએ એ જાદુગરને જમીન દોસ્ત કરી જે તરફથી ગોળી આવી હતી ત્યાં જોયું. અરુણ હાથમાં નાનકડી પિસ્તોલ લઇ ત્યાં ઉભો હતો.

“અરુણ...” રૂકસાના એનો આભાર માનતી હોય એમ એની તરફ જોયું, “તમે અંદર કેમ આવ્યા...?”

“તારી ચીસનો અવાજ સાંભળી..” અરુણે કહ્યું.

“વોટ?” રૂકસાના ચોકી ગઈ, “મારી ચીસનો અવાજ?”

“હા, મને પણ અરુણની ચીસનો અવાજ સંભળાયો હતો..” મેં કહ્યું.

“અરુણ, મેં કોઈ ચીસ નથી પાડી...” રૂકસાના બરાડી, “નયનાને લઈને ગુફા બહાર નીકળી જા..”

“તને લીધા વિના...”

અરુણ તેનું વાક્ય પૂરું ન કરી શક્યો. એના ચહેરા પર એકદમ અલગ ભાવ ઉપસી આવ્યા, “રૂકસાના, આ બધા પાછળ વિવેક નથી...”

એકાએક કોઈ ભારેખમ ચીજ અરુણના શરીર સાથે અથડાઈ હોય એમ અરુણ દીવાલ તરફ ફેકાઈ ગયો. એ દીવાલ સાથે અથડાયો અને જમીન પર પછડાયો. રૂકસાના અરુણ તરફ દોડી, હું પણ એ તરફ દોડી. હું ત્યાં પહોચુ એ પહેલા રૂકસાનાએ અરુણનું માથું પોતાના ખોળામાં લીધું.

“વિવેક... એ... નિર્દોષ.. છે...” અરુણના શબ્દો મહામહેનતે બહાર આવ્યા.

“અરુણ...” રૂકસાનાના ગળામાંથી એક લાંબી ચીસ નીકળી, ગુફાના પથ્થરોને ધ્રુજાવી નાખે એવી એ ચીસ સાંભળી હું ડઘાઈ ગઈ હોત પણ અરુણને જોઇને જ હું એટલી શોકમાં હતી કે મને હવે વધુ શોક લાગી શકે એમ નહોતો.

“તું આમ મને છોડીને ન જઈ શકે અરુણ...” અરુણ ઊંઘમાં સુતો હોય એમ તે બબડવા લાગી.

“રૂકસાના...” રૂકસાનાના શબ્દો સાંભળી હું સમજી ગઈ કે એમના વચ્ચે શું સબંધ હશે. અરુણ અને રૂકસાના એકબીજાને ચાહતા હતા. મહેબુબ અરુણની જ ગેરેજ પર કામ કરતો હતો. એમના વચ્ચે ઘર જેવા સબંધો હતા.

“રૂકસાના..” અરુણ એમ માત થાય એવો ન હતો, “હું ઠીક છુ પણ એ બચીને ન જવો જોઈએ...” અરુણની આંખો એ ગુફાની જે ભીત સાથે અથડાયો હતો એ તરફ સ્થિર થઇ.

મેં એ તરફ જોયું અને મારા શ્વાસ થંભી ગયા - એક પુરુષનો પડછાયો ગુફાની ભીત પર દેખાયો પણ ગુફામાં અમારા ત્રણ સિવાય કોઈ નહોતું. અમે જમીન પર બેઠા હતા માટે એ પડછાયો અમારો હોય એ શક્ય ન હતું.

વિવેકને પડછાયો ન હતો તો અહી પડછાયો હતો અને કોઈ વ્યક્તિ ન હતું શું થઇ રહ્યું છે મને કઈ સમજાયું નહી. મેં રૂકસાના તરફ જોયું એ જ સમયે રૂકસાના સફાળી ઉભી થઇ. અરુણના હાથમાંથી પિસ્તોલ ઉઠાવી નીકાળી અને ધડાધડ એ પડછાયા પર ગોળીઓ ચલાવી પણ એ પડછાયાને હોલી બુલેટ્સની કોઈ અસર ન થઇ.

જેને શરીર જ ન હોય એને બુલેટની શું અસર થાય? મેં વિચાર્યું.

“તું મને મારી ન શકે...” એ પડછાયો બોલી શકતો હતો એ માનવું અશકય હતું પણ એ બોલ્યો.

“અને તું પણ મને મારી શકે નહિ, હું અને અરુણ તારો પીછો ક્યારેય નહિ છોડીએ.”

“તમારે મારો નહિ વિવેકનો પીછો કરવો જોઈએ કેમકે...”

પડછાયો પોતાના શબ્દો પુરા કરે એ પહેલા રૂકસાના પડછાયા પર કુદી પણ એ દીવાલ સાથે અથડાઈ કેમકે એ પડછાયો ખસી ગયો - એ અદ્રશ્ય થઇ ગયો.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky