Sap Sidi - 15 books and stories free download online pdf in Gujarati

સાપ સીડી - 15

પ્રકરણ ૧૫
અભી ના જાઓ છોડ કે કી દિલ અભી ભરા નહીં


“બોલો ને દગડુ ચાચા.” મહિનાઓ બાદ પોતાના ઉસ્તાદનો અવાજ ફોન પર સાંભળી રફીકને આશ્ચર્ય પણ થયું અને આનંદ પણ થયો. “શાગીર્દને કેમ યાદ કર્યો? હુકમ ફરમાવો.”
“ક્યાં છો રફીક? વડોદરા કે અમદવાદ? પેલી તારી જુબેદાના પડખામાં?” ઉસ્તાદે રફીકની નશીલી રગ પર હાથ મુક્યો અને રફીકની આંખ સામે નશીલી આંખોવાળી જુબેદાનો નાચતો, થીરકતો દેહ પ્રગટ થઇ ગયો. એકાદ અઠવાડિયાથી પોતે અહીં આ અજાણ્યા વિસ્તારમાં ભટકી રહ્યો હતો. અત્યારે પણ એ સામેના ડોક્ટર અમૃતલાલના બંગલામાં ઘુસેલા પેલા સંજીવ નામના રહસ્યમય સાધુ પર ચાંપતી નજર જમાવી બેઠો હતો. લગભગ અર્ધી કલાકથી સંજીવ એ મકાનમાં ઘુસ્યો હતો. બપોરના બે વાગી ચૂક્યા હતા. પેટમાં ગલુડિયા પણ બોલતા હતા.
“અરે રફીક મિયા.. ક્યાં ખોવાઈ ગયો? ક્યાંક સાચે જ તું જુબેદાના પડખામાં તો નથી ને? જો એવું હોય તો પછી ફોન કરું.” બહુ વાર લાગી એટલે સામેથી દગડુ ચાચાએ ઉતાવળે ખોટી ધારણા બાંધી લીધી. એ સમજી જતા રફીકે તરત જ કહ્યું. “ના ના.. ચાચા. નવરો જ છું. હુકમ કરો. ક્યારે દીદાર આપો છો.?”
“તારા જેવું એક કામ હતું. એક અસાઇનમેન્ટ.” કહી દગડુ ચાચા અટક્યા એટલે રફીક સમજી ગયો. કોઈ સોપારી મળી હશે ચાચાને. કાં મર્ડર કાં કીડનેપીંગ અને કાં માત્ર ફાયરીંગ. પણ પોતે તો અત્યારે અહીંથી રતનપરથી જરાય ચસકી શકે તેમ ન હતો. એટલે રફીકે તરત જ કહ્યું. “સોરી ચાચા.. હું ઓલરેડી એક પ્રોજેક્ટ પર લાગેલો છું. જામનગર બાજુનું કંઈ હોય તો કહો.”
હવે ચમકવાનો વારો દગડુ ચાચાનો હતો. “જામનગર બાજુ?” પણ ધંધાના નિયમ મુજબ કોઈ સામેથી ન કહે ત્યાં સુધી એક બીજાના પ્રોજેક્ટ કે અસાઈન્મેન્ટ વિષે કોઈ એક ઊંડા ઊતરતા નહિ એટલે દગડુ ચાચાએ તરત જ કહ્યું. “એ બાજુનો જ એક ઓર્ડર છે. એક આદમીને ગાયબ કરવાનો છે.”
“હમમ..” હવે રફીકે સાંભળવાની તૈયારી કરવા માંડી. સામે સંજીવ જે બંગલામાં ઘૂસેલો ત્યાં કોઈ હરકત દેખાતી ન હતી. એટલે નજર સામે રાખી કાન તેણે મોબાઈલના રીસીવર પર માંડ્યા. જો કોઈ નાનું-સુનું કામ મળી જાય તો પાંચ-પચ્ચીસ હજાર બીજા ઘરભેગા કરી લેવાની એને તાલાવેલી લાગી. ત્યાં દગડુ ચાચાનો અવાજ સંભળાયો. “જામનગરથી પચાસેક કિલોમીટર દૂર રતનપર કરીને એક ગામ છે. મોટું છે. ત્યાંથી એક આદમીને ઉઠાવવાનો છે.” રફીકના કાનમાં ઘંટડીઓ વાગવા માંડી. એને શંકા પડી. ક્યાંક ચાચાને હું રતનપરમાં છું એ ખબર તો નહિ પડી ગઈ હોય? ક્યાંક ચાચા મારી ફીરકી તો નહિ લેતા હોય? પણ ના.. દગડુ ચાચાના આગલા વાક્યે એનામાં એક જબ્બરદસ્ત રોમાંચ જગાડી દીધો. “રતનપરમાં પહોંચી તું મને ફોન કર એટલે તને એ આદમીનો ફોટો અને પ્લાન મળી જાય એની વ્યવસ્થા કરું. કામ આજ રાત સુધીમાં જ પતાવી લેવાનું છે. ત્યાં પહોંચીને મને ફોન કર.” કહી દગડુ ચાચાએ વાત કટ કરી.
રફીક ખામોશ રહ્યો. દગડુ ચાચા એના ઉસ્તાદ હતા. જેમ યાકુબખાન એક પહોંચેલો ખેલાડી હતો તેમ દગડુ ચાચાનું નેટવર્ક પણ ગુજરાતમાં વખણાતું. રફીકને યાદ હતો એ દિવસ જે દિવસે પોતે દગડુ ચાચાનો શાગીર્દ બન્યો હતો. અમદાવાદની જેલમાં રફીક હતો ત્યારે દારૂની હેરા-ફેરીના ગુનામાં. ત્યાં દગડુ ચાચા એક મર્ડરના કેસમાં સજા કાપી રહ્યા હતા. બાવીસ વરસનો રફીક દગડુ ચાચાની જાહોજલાલી જોઈ ચકિત થઇ ગયો હતો. દગડુ ચાચા જયારે ઈચ્છે ત્યારે જેલની બહાર નીકળી શકતા. પોલીસ અધિકારીઓ પણ એની સાથે બેસી છાંટો-પાણી કરતા. અને દગડુ ચાચા જેલમાં બેઠા-બેઠા પોતાનું નેટવર્ક આરામથી ચલાવતા. ના.. એ ફોન ન વાપરતા કે ન કોઈ બીજી ખોટી દાદાગીરી કરતા. માત્ર એને શરાબનો શોખ હતો. રફીકની સજા પૂરી થઇ ગઈ ત્યાં સુધીમાં દગડુ ચાચા સાથે એને સારું ટ્યુનીંગ થઇ ગયું હતું. દગડુ ચાચાએ સલાહ આપેલી. જો બની શકે તો આ કાળી દુનિયામાંથી બહાર નીકળી જજે. રફીક પોતાના મહોલ્લામાં ગયો ત્યારે બીજી ગેંગવાળાઓ એ તેની ટીખળ કરી હતી. રફીકને દારૂના ધંધામાં લાવનાર ઈસ્માઈલ તેને પહેલી વખત જુબેદાની કોઠીએ લઇ ગયેલો. પહેલી વખત રફીકે સ્ત્રીના દેહને આમ ઉલળતો જોયો હતો. અરે.. ! આ સ્ત્રીની આંખ જોઈ પોતાને કેમ મદહોશીનો અનુભવ થતો હતો? એ અનુભવ નવો હતો. જુબેદાની સાથે અર્ધનગ્ન ઊભેલી બીજી સ્ત્રીને જયારે ઈસ્માઈલે અટકચાળો કર્યો ત્યારે રફીક એકવાર તો શરમાઈ પણ ગયો. પણ પેલી સ્ત્રીએ જે રીતે ઈસ્માઈલ સાથે ફુદરડી ફરી એ જોઈને રફીક પાગલ થઇ ગયો. મહોલ્લામાં ફરતી, આડોસ પાડોસની યુવતીઓ સાથે જળવાતી એક પ્રકારની સભ્યતા રફીકને પજવવા લાગી. એમાંય પેલી અર્ધનગ્ન યુવતી જયારે ઈસ્માઈલના ખોળામાં બેસી ગઈ ત્યારે તો રફીકની છાતી ખૂબ જોશથી ધબકવા લાગી હતી. બરોબર ત્યારે જ જુબેદાએ રફીકનો હાથ પકડ્યો હતો. રૂપાળી સ્ત્રી પોતાની આટલી બધી નજીક અને એ પણ આવા ઈરાદા સાથે રફીકે કદી જોઈ ન હતી. એ કંપવા લાગ્યો.
બરોબર ત્યારે જ નીચે રિવોલ્વરની ગોળી છૂટવાનો અવાજ આવતા વાતવરણ બદલાઈ ગયું હતું. નાસભાગ મચી હતી. અને પોતે કંઈ વધુ સમજે એ પહેલા એના માથા પર કૈંક અથડાયું હતું અને આંખ ખુલી ત્યારે તે પોલીસ સ્ટેશને હતો. ફરી કોર્ટ અને ફરી પેલી અમદાવાદની જેલ અને ફરી દગડુ ચાચા. બસ.. એ દિવસથી રફીક કાળી દુનિયાનો કાયમી સભ્ય બની ગયો. અને દગડુ ચાચા એના ઉસ્તાદ બન્યા. હવે જેલમાં જતા-આવતા એને બીક નહોતી લાગતી. જાણે દગડુ ચાચાના ઘરે એને મળવા આવતો-જતો હોય તેમ એ જેલને માણવા લાગ્યો. દિવસે-દિવસે એની ક્રિમીનલ હિસ્ટ્રીનો ચોપડો મોટો થતો ગયો. પણ દગડુ ચાચા જેવા ક્રિમીનલ દુનિયાના બાદશાહોના સંપર્કમાં એને આ હિસ્ટ્રી પસ્તાવો કરાવવાને બદલે ફક્ર મહેસુસ કરાવતી. ગઈકાલ સુધી જે કાયદો અને વ્યવસ્થા એને શાંતિ, સલામતી અને પ્રગતિના સહાયક લાગતા હતા, એ જ કાયદો અને વ્યવસ્થા એને સમાજને દાબી રાખવા, નિયંત્રણમાં રાખવા માટેનો કીમિયો લાગવા માંડ્યા. એમાંય જયારે એણે રાજકારણીઓ, ધનવાનો અને બળવાનો આગળ કાયદાને લાચાર અવસ્થામાં જોયો ત્યારથી એને સમજાઈ ગયું કે જિંદગીની સાચી મજા કાયદો પાળવામાં નહિ તોડવામાં છે. સરકારના કાયદા કરતા દગડુ ચાચા જેવા બળવાનોના કાયદાનું પાલન દુનિયામાં વધુ થતું જોઈ રફીકનો ડોન બનવાનો ઈરાદો મક્કમ બન્યો.
પણ બે વર્ષ પહેલાની એક ઘટનાએ એને આગળ વધતો અટકાવ્યો. અમદાવાદમાં તે દિવસે મુસલમાનોનું એક જુલુસ નીકળવાનું હતું. ઈસ્માઈલ ગેંગને આ જુલુસમાં ભળી જઈ ભયંકર તોફાન મચાવવાનું અસાઈન્મેન્ટ મળ્યું હતું.
“પણ ઈસ્માઈલ.. જુલુસ તો આપણા ભાઈઓનું જ છે. ખૂનામરકી થશે તો.. આપણા જ ભાઈઓ હોમાઈ જશે.” હજુ રફીક પૂરે-પૂરો દાનવ બની ગયો ન હતો એટલે એને માનવ જેવો આખરી વિચાર ઈસ્માઈલ સામે મુક્યો. ઈસ્માઈલ રફીકને ભાઈ જેવો ગણતો હતો, નાના ભાઈ જેવો. એ સહેજ હસ્યો અને કહ્યું. “જો રફીક.. આપણે આ કાળી દુનિયાના લોકો, કોઈના ભાઈ નથી. અમારી ખરેખર તો કોઈ જાત નથી. આપણી કાળી દુનિયા જ આપણી જાત. જીવ સટોસટના ખેલ રોજ કરવા એ આપણી જિંદાદીલી નો એક માત્ર ખોરાક. બાકી.. નાત-જાત, ખુદા, બંદગી, ઈબાદત એ બધું પેલા સફેદ દુનિયાના ડરપોક લોકો માટે. ના.. આ તો આપણી પોતાની દુનિયા, આ દુનિયાના ખુદા ખુદ આપણે પોતે. કોઈના બાપની બીક નહીં.”
અને જુલુસમાં ભળી જઈ મસ્જીદ ગલી પાસેના વળાંક પાસે ખૂનામરકીનો પ્લાન અમલમાં આવે એ પહેલા જ એક પોલીસ જીપ જુલુસ આગળ આવીને ઊભી રહી. તેમાંથી ઉતરેલા ઊંચી હાઈટના ઇન્સ્પેકટરે જુલુસના ભૂંગળા બંધ કરાવી સૌને ઘરે જવા આદેશ આપ્યો અને બદલાયેલા આ ખેલથી ખુન્નસે ભરાયેલા ઈસ્માઈલ જ્યાં પોતાના પગમાં ભરાવેલો છુરો કાઢવા ગયો ત્યાં તેની બાજુમાં ઉભેલા એક બંદાએ એનો હાથ પકડી લીધો. રફીકે આસપાસ ઝડપી નજર ઘુમાવી તો એના તમામ સાગરીતો પોલીસના સકંજામાં હતા. “અલ્યા.. તમે શું માનો છો? પાંચ-પંદર જણા ભેગા થઇને આખા અમદાવાદને સળગાવશો? અને અમે પોલીસવાળા બુદ્ધુના બારદાનની જેમ પોલીસ ચોકીમાં ઊંઘતા રહીશું.”
એ ઇન્સ્પેકટર સુખદેવસિંહ હતો. છ હાથની ઊંચાઈ, મજબુત બાવળા અને પાણીદાર આંખ. મિનીટોમાં જુલુસમાંથી અઢાર જણાને વીણી લેવામાં આવ્યા અને પોલીસવાન ત્યાંથી સડસડાટ નીકળી ગઈ. ના.. પોલીસચોકીએ અઢાર નહીં પંદર જ જણા પહોચ્યા. ત્રણ નું ઈન્સ્પેકટરે બહુ ચાલાકીપૂર્વક એન્કાઉન્ટર કરી નાખ્યું. એમાં એક ઈસ્માઈલ પણ હતો. તે દિવસે પહેલી વખત રફીકને ભય લાગ્યો હતો, કાયદા નો ભય.
એ પછી તો એ ઈન્સ્પેકટરે એક દિવસ દગડુ ચાચાને પણ એના જ એરિયામાં સોલારી નાખ્યા અને સમગ્ર અંધારી આલમમાં સન્નાટો છવાઈ ગયો. રફીક જેવા કેટલાય નવા અને કુણા છોડવાઓ કાળી દુનિયાનું જંગલ છોડી ભાગી ગયા અને સુધરી ગયા. રફીકને એકવાર તો પોલીસની નોકરી જોઈન્ટ કરી ઇન્સ્પેકટર સુખદેવસિંહ જેવા જવામર્દના શાગીર્દ બની જવાની ઈચ્છા પણ થઇ ગઈ, પણ એ સુખદેવસિંહની બદલી થઇ જતા ફરી રફીકને કાળી દુનિયા જ વધુ શક્તિશાળી વર્તાવા લાગી. પણ ત્યાં સુધીમાં એ ઈસ્માઈલને ખોઈ ચૂક્યો હતો. રફીકે ફરી દારૂની ખેપ શરુ કરી. એક દિવસ તગડો માલ હાથ લાગ્યો અને એ પહોચી ગયો પેલી જુબેદાની કોઠીએ. જુબેદાએ એને આવકાર્યો. એ એને ઓળખી ગઈ એટલે રફીકની હિંમત ખુલી. જુબેદાએ રફીકની મર્દાનગી સાથે રમવા માંડ્યું. અને ધીમે-ધીમે બંને એકબીજાને પસંદ કરવા માંડ્યા. હવે રફીક એકલહાથે અસાઈન્મેન્ટ લેતો થઇ ગયો હતો. અને અઠવાડિયા પહેલા યાકુબખાને રફીકને મોટી રકમવાળું પણ જુદું જ કામ સોપ્યું.
બરોબર એ જ સમયે સામેના બંગલાનો ડેલો ખુલ્યો અને હોન્ડા પર તેમાંથી સંજીવ બહાર નીકળ્યો. રફીક હજુ કંઈ વધુ સમજે એ પહેલા રફીકની નજર બંગલાની સામેના ઝાડ પાછળથી નીકળી રહેલા એક યુવાન પર પડી. એના હાથમાં કેમેરા હતો. રફીકે ધ્યાનથી જોયું. એણે સંજીવ તરફ કેમેરો તાક્યો હતો. એ એના ફોટા લઇ રહ્યો હતો.
રફીકના દિમાગમાં ફરી ઘંટડીઓ વાગવા માંડી. મારી જેમ કોઈ બીજું પણ સંજીવનો પીછો કરી રહ્યું હતું. કોણ હશે એ? વધુ સમય ન હતો. કેમ કે સંજીવનો પીછો છોડવાનો ન હતો. સંજીવનો પીછો કરવા માટે જ રફીકે જામનગરના અકબર પાસેથી એક બાઈક લઇ રાખ્યું હતું. એણે સ્ટાર્ટ બટન દાબ્યું અને બાઈક સંજીવની પાછળ મારી મુક્યું.
===============