Sap Sidi - 21 books and stories free download online pdf in Gujarati

સાપ સીડી - 21

પ્રકરણ ૨૧
મેરા જીવન કોરા કાગઝ કોરા હી રહે ગયા..


“હું મને ચમ્બલના ડાકુઓથી જરા પણ ઓછો નથી આંકતો. ફર્ક માત્ર એટલો છે કે એ ડાકુઓ છડે ચોક લૂંટ ચલાવતા, અને હું એક નેતા બની, ગાંધીસાહેબનું રૂપાળું પાત્ર બની, માન-સન્માન પામતો, એ ડાકુઓથી પણ અનેકગણું અધમ કૃત્ય આચરી રહ્યો છું.”
ટીવી ચેનલ પર ગાંધીસાહેબના શબ્દોએ સન્નાટો ફેલાવી દીધો. ગુજરાતી ચેનલના ટીવી સ્ટુડીઓમાં ટી.આર.પી. મિટર એક પછી એક આંક વટાવતું, રેકર્ડ બ્રેક સપાટી નજીક સરકવા લાગ્યું. ગુજરાતનો ભાવિ મુખ્યમંત્રી માનવામાં આવતો રાજનેતા, એકાએક સમાજ સામે પ્રગટ થઇ, કોઈ જુદી જ વાત ઉચ્ચારી રહ્યો હતો.
“હું કલાકો સુધી, મારા દુષ્કૃત્યો વર્ણવ્યા કરું તોય મને નથી લાગતું કે હું સાઠ-સિતેર ટકાથી વધુ તમારા સુધી પહોચાડી શકું અને બદલામાં હું અને મારા જેવા અનેક રાજકારણીઓ જે પીડા, જે પરિણામ મેળવીએ છીએ, તેનું દર્દ પણ જો હું કલાકો સુધી ઠાલવું તોય વીસ-ત્રીસ ટકા તો મારી ભીતરે જ ધરબાયેલું રહે.”
એકેક શબ્દ બોલતી વખતે ગાંધીસાહેબના હૃદય પર વર્તાતો બોજ તેમની આંખમાં અને અવાજમાં વર્તાઈ રહ્યો હતો. શું આ કોઈ નવો રાજકીય પેંતરો હતો? તમાશો હતો? કે ગાંધીસાહેબનું હૃદય પરિવર્તન થયું હતું? પબ્લિક અસમંજસમાં હતી. પાર્ટી કાર્યાલય પર ફોન ધણધણવા લાગ્યા હતા. જામનગરથી છેક અમદાવાદ-ગાંધીનગર જ નહિ, દિલ્હી સુધીના રાજકારણમાં એક વીજળીક ઝાટકો અનુભવાઈ રહ્યો હતો. ગાંધીસાહેબ લાઈવ બોલી રહ્યા હતા.
“અંતરાત્માના, હૃદયના, માણસાઈના અવાજને દાબી-દાબીને અમે માનવમાંથી દાનવ જ નહિ, પણ જાનવરથી પણ બદતર કક્ષાએ પહોંચી ગયા. હું તો પહોંચી જ ગયો. ના.. મારે આજે કંઈ છુપાવવું નથી. કેમ કે મારી પાસે હવે કશું બચ્યું પણ નથી. તમે લોકો મને મત ન આપતા, મને ન જીતાડતા. અરે..! મારે ચૂંટણી પણ નથી લડવી. મારે રાજકારણ જ નહિ, જાહેર જીવન જ નહિ, માનવ જીવન જ છોડી દેવું છે. પણ એ પહેલા આ કબૂલાત બહુ જરૂરી છે. મારી કબૂલાત જ કદાચ મને, મારી ભીતરની પીડાને શાતા આપે.”
ગાંધીસાહેબને બોલવામાં તકલીફ પડતી હતી. ટેબલ પર રાખેલા ગ્લાસમાંથી એમણે એક ઘૂંટ પાણી પીધું. આટલું બોલવાથી એમને થોડી રાહત પણ થઇ હોય એવું લાગતું હતું. “સાચું કહું, મને વિશ્વાસ ન હતો કે હું આપ સૌની સમક્ષ મારી આટલી કબૂલાત આપવાની હિમ્મત કરી શકીશ. હસતા ચહેરે વિજયી સ્મિતનો સતત આડંબર રચી-રચી અમે એવા તો રીઢા થઇ ગયા છીએ કે એવું માનવા માંડ્યા છીએ કે આમ તો ઈશ્વર જેવું કંઈ નથી, અને જો હોય તો આપણા રાજકારણ આગળ ઈશ્વરની પણ બોલતી બંધ કરી દેવાની આપણી આવડત છે. પણ.. ઈશ્વર એ ઈશ્વર છે.” કહી ગાંધીસાહેબે સહેજ અટકી સ્વાસ લઇ કહ્યું. “એને કંઈ પૂછવાની જરૂર નથી. બે દિવસ પહેલા, મેં એક ઈન્ટરવ્યુ આપ્યો. એના બીજા દિવસ સાંજથી જ મારી છાતીમાં દુખાવો શરુ થયો.” કહેતી વખતે ગાંધીસાહેબના મસ્તિસ્કમાં જ્યોતિષ શારદાબહેનની મુલાકાતના શબ્દોની અસર વર્તાતી હતી. “નરોતમભાઈ... તમારા આવનારા સાત દિવસના જીવનના ટર્નીંગ પોઈન્ટ જેવા બની રહેવાના છે. તમે રાક્ષસ પણ બની શકશો અને સંત પણ બની શકશો. ચોઈસ તમારી રહેશે..”
“હું સમજ્યો નહિ.” ગાંધીસાહેબે નવાઈભરી આંખે શારદાબહેન સામે જોઈ પૂછ્યું હતું.
“વાલીયો લૂંટારો જયારે નારદજીને મળ્યો ત્યારે એના ગ્રહોની સ્થિતિ પણ તમારા જેવી જ હતી. પણ પસ્તાવાની આગમાં સળગીને એ લૂંટારો સંત બની ગયો. તમે પણ એ જ સ્થિતિમાં છો. ફર્ક એટલો જ છે કે તમે લૂંટારા નથી, રાજકારણી છો.”
શારદાબહેનનું સીધું-સટ વાક્ય પણ ગાંધીસાહેબને તીક્ષ્ણ કટારની જેમ ચુભ્યું હતું.
શારદાબહેનના ગયા પછી કલાકો સુધી ગાંધીસાહેબના હૃદયમાં ચૂંથારો થયો હતો. ભૂતકાળના એકેક દ્રશ્યો એમની આંખની પાંપણ પાછળ દોડતા હતા. એકાએક એક દ્રશ્ય સ્થિર થઇ ગયું. નાનકડો નરિયો રડતો હતો. જે મા પાસે વહાલની અપેક્ષા હતી એ જ માએ બે થપ્પડ ફટકારી હતી. આજ પહેલીવાર એનો ‘મા તો કદી મારે જ નહિ.’ એવો ભ્રમ ભાંગ્યો હતો. રાજકારણી પિતા અને દાદાની શેહમાં આખા પંથકમાં રાજકુમાર થઇ ફરતા નરિયાને પહેલીવાર બીક લાગી હતી. મા ગુસ્સામાં બોલી હતી. “તારા દાદાએ ગાંધીજીના સત્યાગ્રહ વખતે, અહિંસક ઉપવાસ કર્યા હતા, લાઠીઓ ખાધી હતી, અને તું.. આંદોલનના રવાડે ચઢી બસ સળગાવી આવ્યો?” પિતાએ પણ માની જેમ જ કહ્યું હતું. “નરિયા, તું રાજકારણથી દુર જ રહેજે. સમાજસેવાની ગંગાધારા જેવા રાજકારણ ને તારા જેવા લોકો ગટર કરી નાખશે. આજ પછી કદી પાર્ટી ઓફિસે આવતો નહિ.” એ પછી દિવસો સુધી, નરોતમને પસ્તાવો થયો હતો. પણ ત્યાં રતનપરની બાજુના ગામમાં થયેલી પિતાની સભામાં ઉશ્કેરાયેલા ટોળાએ પિતાની ગાડી પર પથ્થરમારો કર્યો, અને પિતા ઘાયલ થયા ત્યારે નરોતમની ભીતરે ફરીવાર નરિયો સળવળ્યો હતો. એ ટોળાના બે-ત્રણ આગેવાનોને નરિયાએ એવા તો ભીંસમાં લીધા હતા કે પથ્થરમારાની આખી ઘટના વિરોધ પક્ષના લોકોના કાવતરામાં ખપી ગઈ હતી. સમાજ અને પાર્ટીમાં તે દિવસથી નરિયાનું માન-સન્માન વધી ગયું હતું. આટલી સહેલાઈથી લોકોને બેવકૂફ બનાવી શકાય એ ઘટનાનો નશો નરોતમના દિમાગમાં દિવસો સુધી રહ્યો હતો. એમાંય, મોટા-મોટા ફંક્શનમાં એને પણ પિતાની સાથે ગેસ્ટ તરીકે માન મળવા માંડ્યું એટલે એને પોતાની કરતૂત એક કસબ જેવી લાગવા માંડી અને નરિયામાંથી નરોતમગાંધી નામનો નવો રાજકારણી આકાર લેવા માંડ્યો. દિવસો વીતતા ગયા, નરોતમ એક પછી એક પગથિયા ચઢવા લાગ્યો. હવે એને પોતાના બે રૂપ સ્પષ્ટ દેખાતા હતા. એક નરિયો ઓરિજનલ, જે નફફટ હતો અને બીજો નરોતમ ગાંધી જે સજ્જન હોવાનો દેખાવ કરતો હતો. એને સમજાઈ ગયું હતું કે સમાજના લોકો બહુ ભોળા છે. જો થોડી સાવચેતી રાખવામાં આવે તો તમે ખાનગીમાં કંસવેડા કરીનેય જાહેરમાં કૃષ્ણની જેમ પૂજાઈ શકો છો. પક્ષના લોકોની નિષ્ઠાને હવે નરિયો પોતાની તરફ ઢાળવા લાગ્યો હતો. આ પક્ષ કે પાર્ટી એ કેટલાક લોકોએ રચી કાઢેલો એક કીમિયો હતો. પ્રાઈવેટ કમ્પનીના કર્મચારીઓને તો પગાર ચૂકવવો પડતો હતો, જયારે પક્ષના કાર્યકરો તો મફતમાં તન-મન ઘસતા હતા. શરુ-શરુમાં નરોતમનો વિરોધ પક્ષના જુના કૃતીશીલો એ કર્યો હતો પણ ખંધા બની ચૂકેલા નરોતમે કોઈની કારી ફાવવા દીધી ન હતી. હવે પક્ષમાં છેક ગાંધીનગર સુધી નરોતમે લોબી બનાવી લીધી હતી. જરૂર પડે તો પોતાના જ પક્ષના નેતાને હરાવવો, પોતાની વિરુદ્ધમાં પોતાના જ કાર્યકરોને ઉભા રાખવા. આવા તો અનેક પેતરા નરોતમ ગાંધીએ ગુજરાતના રાજકારણમાં કર્યા હતા. સતત આવા વિચારોમાં મશગૂલ રહેતું ચિત્ત ક્યારે સત્ય, પ્રેમ, ઈમાનદારી અને લાગણી ભૂલી ગયું એ ખબર જ ન પડી. ક્યારે ભીતરી અવાજ સંભળાતો બંધ થઇ ગયો કશો ખ્યાલ જ ન રહ્યો.
પણ હમણાં-હમણાં એ ભીતરી ખાલીપો ક્યારેક ક્યારેક ઊંડે-ઊંડે સળવળતો હતો. પોતાની ચોતરફ ફેલાયેલું અસત્ય, દંભ અને ખોટી ભાટાઈ હમણાં-હમણાં પજવવા માંડી હતી. કોણ જાણે કેમ, આડંબરનો પોતાનો આ કિલ્લો હમણાં-હમણાં છેતરામણો લાગવા માંડ્યો હતો. જુઠ્ઠાણા અને કાવતરા દ્વારા પોતે સમાજને ગુમરાહ કર્યો હતો કે પોતે પોતાને જ ગુમરાહ કર્યો હતો? એ પ્રશ્ન હમણાં-હમણાં ભીતરે બહુ ઉઠવા માંડ્યો હતો. કોઈની પ્રામાણિકતા, કોઈની ઈમાનદારી હમણાં-હમણાં બહુ આકર્ષક લાગવા માંડી હતી. પોતાનું વિજેતા તરીકેનું હાસ્ય, ઈમાનદારીથી હારી જનારાના ચહેરાની ગંભીરતા આગળ ફિક્કું લાગતું હતું. એવામાં શારદાબહેને જાણે દુખતી રગ પર હાથ મૂકી દીધો હતો. તમે રાક્ષસ પણ બની શકશો અને સંત પણ બની શકશો. નિર્ણય તમારે કરવાનો છે.
નાનપણમાં શિંગડાવાળા રાક્ષસની વાર્તા દાદીમા કરતા એ રાક્ષસ પોતે હતો? જે પાત્ર બિહામણું લાગતું, જેના ઉલ્લેખ માત્રથી ભીતરે નફરતનો ભાવ જાગતો એ પાત્ર ખુદ પોતે જીવી રહ્યો હતો? સમાજના લોકો તો પોતાને સુધારક, નેતા, મહાન, સમર્પિત જેવા શબ્દોથી વધાવતા હતા. તો ભીતરે આ કોણ પોતાને રાક્ષસ હોવા બાબતનું સમર્થન આપી રહ્યું હતું? શું વર્ષોથી દબાઈ ગયેલો આ એ જ અવાજ હતો? શું આ અંતરાત્મા હતો?
“ના.. હું માફી નથી માંગતો...” ટીવી પર લાઈવ બોલી રહેલા ગાંધીસાહેબના શબ્દોમાં સચ્ચાઈનો રણકો હતો. “હું સજા માંગુ છું. ભોળી જનતાને છેતરવાની સજા, મારા પર ભરોસો મૂકનારાઓનો વિશ્વાસઘાત કરવાની સજા..! સમાજની ગરીબીનું કારણ હું છું, મારી નીતિ છે. સમાજની દુર્દશાનું કારણ હું છું. મને સજા આપો..” અને નરોતમ ગાંધીની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. “હું ખુદને સરન્ડર કરું છું.”
એક ઊંડો શ્વાસ લઇ એમણે ફરી વાર કેમેરા સામે જોયું. “મંથન, બેટા હું તારોય ગુનેગાર છું, તારી મમ્મી પાસે તો હાથ જોડી માફી માંગવાની પણ મારામાં હિમ્મત નથી. હું શું કરું? હું આજ સાવ એકલો, નિ:સહાય બની ગયો છું.”
ગુજરાતની તમામ ચેનલો પર આ દ્રશ્ય જોઈ રહેલા લાખો લોકોના હૃદયમાં કરુણતા વ્યાપી ગઈ.
“ખેર.. છ કરોડ ગુજરાતીઓ અને એક અબજ ભારત વાસીઓને હું એટલું જ કહેવા માંગુ છું કે અમારો બહુ ભરોસો ન કરતા, અમે રાજનેતાઓ નથી અમે રાજકારણીઓ છીએ. અમારામાં બે, પાંચ, પંદર ટકા લોકો જ સાચા અને ઈમાનદાર છે. અમને ખુદનેય ખબર નથી કે અમારે ક્યાંથી નીકળી ક્યાં પહોંચવાનું છે. તો આખા સમાજને, રાજ્યને કે દેશને અમે કેવી રીતે માર્ગ બતાવી શકીએ? અમે ખુદ જ માર્ગ જાણતા નથી.” કહી ગાંધીસાહેબ સહેજ અટક્યા. પછી બોલ્યા. “મને ખબર નથી હું તમને, મારે જે કહેવું છે એ કહી શક્યો કે નહિ, તમે એ સમજી શક્યા કે નહિ? પણ એટલું ચોક્કસ કહીશ કે મને હવે થોડી હળવાશ લાગી રહી છે. બસ.. અંતમાં બે હાથ જોડી માફી માંગવા સિવાય હું કંઈ કરી કે કહી શકું એમ નથી.” કહી ગાંધીસાહેબે બે હાથ જોડી, કેમેરા સામે આંખો બંધ કરી. બંને આંખમાંથી અશ્રુબુંદ વહી રહ્યા હતા.
શશીસાહેબની ઓફિસમાં કયાંય સુધી સન્નાટો છવાયેલો રહ્યો. સૌ કોઈ મંથનની મનોદશા સમજવા મથી રહ્યા હતા. અને મંથન આંસુ ભરી આંખે.. ગમગીન ચહેરે.. શૂન્યમનસ્ક થઇ બેઠો હતો.
=============