mara thoth vidyarthio - 6 books and stories free download online pdf in Gujarati

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 6

સાહેબ! હું તો સુગંધને વેંચું છું
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-6)
એક દિવસ એક દુકાને જવાનું થયું. એ દુકાનની બાજુમાં ફૂલોની એક દુકાન હતી. ત્‍યાં ફૂલ લેવાવાળાની સંખ્‍યા ઘણી હતી. હું પેલી દુકાનની બહાર ઊભો હતો. મેં ફૂલોની દુકાન તરફ નજર કરી. એ જ સમયે ફૂલ વેંચનાર યુવતીની નજર મારા ઉપર પડી. તેણે ફૂલ વેંચવાનું મૂકયું બાજુમાં ને થઈ ગઈ ઊભી. આવી મારી પાસે. મને થયું, આ આમ કેમ કરે છે? પછી થયું કદાચ મને ઓળખતી હશે.
આવીને પગે લાગી. પછી બોલી, ‘‘રામોલિયાસર, મને ઓળખી?''
ફૂલ લેવા આવનારા સૌ અમારી તરફ જોઈ રહ્યા હતા. તેમાંથી કેટલાકને ઉતાવળ પણ હશે. એટલે મનમાં એવું પણ બોલ્‍યા હોય, ‘આ વચ્‍ચે કયાંથી ભૂટકયો?' પણ આ યુવતીને જાણે હવે ફૂલ વેંચવાની કોઈ ઉતાવળ જ નહોતી લાગતી. તે મારા સામે જોઈને ઊભી રહી ગઈ. મને પૂછાયેલ પ્રશ્‍નના જવાબમાં મેં મૂંડી હલાવીને ‘ના' પાડી.
તે બોલવા લાગી, ‘‘યાદ કરો, યાદ કરો! હું ભણવાની ચોર. તમે મને ધરાર-ધરાર વાંચતાં શીખવ્‍યું. યાદ કરો, યાદ કરો! એક વખત તમે મને ધીમેથી ટાપલી મારી હતી... તોયે મોટેમોટેથી રોઈને નિશાળ ગજવી મૂકી હતી. યાદ કરો, યાદ કરો! એક દિવસ મેં તમારી ફાઈલ તોડી નાખી હતી. યાદ કરો, યાદ કરો! તોયે તમે મને માફ કરી દીધેલ. યાદ કરો, યાદ કરો! ધીમે-ધીમે સમજાવીને તમે મારી ‘ભણવાની ચોર' લાયકાત ભગાડી દીધી. યાદ કરો, યાદ કરો!''
હવે મેં એને વચ્‍ચે જ અટકાવી અને બોલ્‍યો, ‘‘હવે બસ કર, નયના નરોત્તમભાઈ નાનાણી! એ બધું મૂક! આ ફૂલ ખરીદવાવાળા તારી વાટ જુવે છે! પણ તું ફૂલ ખૂબ સુગંધી વેંચે છે હો!''
હું આટલું બોલ્‍યો, ત્‍યાં તો તે ફરી ટપકી પડી, ‘‘સાહેબ, હું તો સુગંધને વેંચું છું, પણ તમે તો સુગંધ વેરી છે, વહેંચી છે. એ સુગંધ લઈલઈને ઘણા ડૉકટર બની ગયા છે, ઘણા ઈજનેર બની ગયા છે, ઘણા તમારી જેમ શિક્ષક બની ગયા છે અને તમે વેરેલી સુગંધને વધુ ફેલાવે છે. મારા જેવા પણ ઘણા હશે, જેણે તમે વેરેલી સુગંધથી, કયારેક ટકોરરૂપે કરેલ માર્ગદર્શનથી નોકરી કરીને નહિ, પણ વ્‍યવસાય કરીને પોતાની જિંદગીને સજાવી હશે. એક વાત કહું સાહેબ! મને તમે ભણતી તો કરી દીધી હતી, પણ છતાંયે પ્રાથમિક ભણી લીધા પછી મારા મનમાં તો તમે કહેલી હેલન કેલરની વાતો જ ગૂંજ્યા કરતી હતી. આંધળી, બહેરી, મૂગી હોવા છતાં તે સ્‍પર્શથી શીખી અને જગતમાં પ્રખ્‍યાત થઈને પોતાની સુગંધ પ્રસરાવી દીધી. મને સુગંધ ખૂબ ગમે સાહેબ! હું એ રીતે તો સુગંધ ફેલાવવા લાયક ન બની શકી, પણ આ ફૂલનો ધંધો કરીને સતત સુગંધ સાથે રહેવાનું નક્કી કર્યું. પહેલા નાનો ધંધો અને આજે અનેક જાતનાં ફૂલોનો અમારો પોતાનો વિશાળ બગીચો બનાવી લીધો છે અને એકદમ ઠાઠથી જીવી શકીએ એવી કમાણી કરી લઈએ છીએ. કદાચ તમારા પગારથી વધુ આવક હશે, પણ તમને તો ન જ પહોંચી શકીએ. તમારી પાસે વિદ્યારૂપી ધન છે, જે અનેકને આપો છો, છતાંયે ખૂટશે જ નહિ. હું જે સુગંધ વેંચું છું, એ તો એક કલાક રહેશે કે એક દિવસ રહેશે, કાલે તો એ કયાંક કચરાના ઢગલામાં પડી હશે. પણ સાહેબ! તમે વહેંચેલી, તમે વેરેલી સુગંધ તો અનેક ગણી થઈને ફેલાતી રહેશે. હું પણ એમાંની એક છું. તમે વિદ્યાર્થીઓને આગળ વધવા માટેની જે બોધપ્રદ વાતો કહેતા, તે કોઈને ત્‍યારે જ સમજાઈ ગઈ હશે, તો મારા જેવા ઘણાને પછી સમજાણી હશે. પણ એનો ફાયદો તો થયો જ છે.''
હવે મારે એને અટકાવવી પડી. ફૂલ ખરીદવાવાળા પણ ઉતાવળ કરવાને બદલે તેની વાતો અહોભાવથી સાંભળવા લાગ્‍યા હતા. મેં કહ્યું, ‘‘નયના! તું તો ખરેખર હોશિયાર થઈ ગઈ છો! તું જેમાં મને નિમિત્ત માનશ, એમાં સમજણ અને મહેનત તો તારી છે. શિક્ષકની વાતને જે વિદ્યાર્થી સમજી શકે, એ શિક્ષકને તો માનના હકદાર બનાવે જ છે, પણ પોતાની જિંદગીને ખૂબ સુગંધી બનાવી શકે છે અને એ સુગંધથી સમાજમાં પોતાનું આકર્ષણ ફેલાવી શકે છે. તારી આ વાતો સાભંળીને મને ખૂબ જ આનંદ થયો છે. હું ગૌરવની લાગણી અનુભવું છું.''

- ‘સાગર' રામોલિયા