મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 10

આંગળા ચાંટતાં રહી જશો
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-10)
          એક સંબંધીનું નોતરું આવ્‍યું. તેને ત્‍યાં જમવા જવાનું હતું. નાનકડો એવો પ્રસંગ રાખેલો હતો. સંબંધના નાતે જમવા ગયો. જમવાને હજી થોડી વાર હતી. મને થયું, લે ને રસોડા તરફ આંટો મારી લઉં. રસોઈ કેવી બને છે એ તો ખબર પડે.
          આમ વિચારી હું તો રસોડા તરફ ગયો. જઈને થોડું મોટપણ દેખાડવા લાગ્‍યો.
          હું બોલ્‍યો, ‘‘રસોઈ બરાબર બનાવજો. કોઈ ફરિયાદ ન આવવી જોઈએ.”
          મારો અવાજ સાંભળીને એક યુવાને મારા સામે જોયું. થોડું વિચિત્ર રીતે જોયું. મને લાગ્‍યું, કયાંક આને ખોટું લાગી ગયું હશે ને અપમાન કરી બેસશે તો! પણ મારે વધું અસમંજમાં ન રહેવું પડયું.
          તે બોલ્‍યો, ‘‘રામોલિયાસાહેબ! આંગળા ચાટતાં રહી જશો.”
          હું બોલ્‍યો, ‘‘લે, ભાઈ! તું તો મને ઓળખનારો નીકળ્‍યો!”
          તે કહે, ‘‘ઓળખું તો ખરોને!”
          મેં પૂછયું, ‘‘કઈ રીતે?”
          તેણે જવાબ આપ્‍યો, ‘‘જે વાલીની ફરિયાદની પરવા કર્યા વગર, મારીને પણ મગજમાં ઉતારવા પ્રયત્‍ન કરતા હોય, એને કેમ ભૂલાય!”
          મેં કહ્યું, ‘‘મારા વિશે આટલી સરસ જાણકારી રાખનારનું નામ શું?”
          તે કહે, ‘‘હિતેશ કલ્‍યાણજીભાઈ કાલાવડિયા.”
          હું બોલ્‍યો, ‘‘હા, ભાઈ! હવે યાદ આવી ગયું. પણ તું રસોયો?”
          તે કહે, ‘‘તમે જ તો કહ્યું હતું રસોયો બનવાનું!”
          હવે મને યાદ આવ્‍યું. આ હિતેશ મારી પાસે ભણતો હતો. ભણવામાં થોડો નબળો. એક વખત શાળાના બાળકોને જમાડવાના હતા. રસોઈ શાળામાં જ બની રહી હતી. હિતેશ પેશાબની રજા લઈને બહાર નીકળ્‍યો હતો. પછી તે રસોઈ બનતી હતી ત્‍યાં ઊભો રહી ગયો હતો. થોડી વાર લાગી એટલે હું જોવા નીકળ્‍યો. તેને ત્‍યાં ઊભેલો જોઈને હું બોલ્‍યો, ‘‘અહીં શું ઊભો છો? રસોયો બનવું છે?” તે બોલ્‍યો હતો, ‘‘રસોઈની મીઠી-મીઠી સુગંધ લઈને એવું થાય છે કે રસોયા બનીએ તો રોજ આવી સુગંધ મળે.” મેં ત્‍યારે કહેલ, ‘‘હા, ભલે! પણ અત્‍યારે વર્ગમાં આવીને ભણવામાં ઘ્‍યાન દે! વાંચતાં નહિ આવડે તો દાળનો મસાલો કયાંક ભજિયાંમાં નખાય જશે.”
          પછી તો જાણે ચમત્‍કાર થયો. તે ભણવામાં વધારે ઘ્‍યાન દેવા લાગ્‍યો. એક દિવસ આ પરિવર્તન બાબત મેં પૂછયું પણ ખરું. તો તે એટલું જ બોલ્‍યો, ‘‘મારે દાળનો મસાલો ભજિયાંમાં નથી નાખવો.” મને પણ આ વાતનો આનંદ થયો.
          પછી તો જાણે ચમત્‍કાર થયો. તે ભણવામાં વધારે ઘ્‍યાન દેવા લાગ્‍યો. એક દિવસ આ પરિવર્તન બાબત મેં પૂછયું પણ ખરું. તો તે એટલું જ બોલ્‍યો, ‘‘મારે દાળનો મસાલો ભજિયાંમાં નથી નાખવો.” મને પણ આ વાતનો આનંદ થયો.
          આજે ફરી મેં પૂછયું, ‘‘દાળનો મસાલો દાળમાં જ નાખશને?”
          તે કહે, ‘‘સાહેબ! મને ગુજરાતી, હિંદી, અંગ્રેજી બરાબર વાંચતાં આવડે છે. પહેલા ભણ્‍યો, પછી આ ધંધો હાથમાં લીધો છે. સરકારી નોકરી મળી જાય એટલી લાયકાત છે. પણ મારે તો આ જ કામ કરવું હતું.”
          મેં કહ્યું, ‘‘રસોઈની સુગંધ તો સરસ આવે છે.”
          મેં કહ્યું, ‘‘રસોઈની સુગંધ તો સરસ આવે છે.”
          તે કહે, ‘‘સુગંધની જેમ રસોઈ પણ સરસ છે. મારી રસોઈ વખણાય છે. પ્રસંગોની મોસમમાં હું પહોંચી ન શકું એટલાં કામ મળે છે. પણ હું લોભમાં આવીને દોડાદોડી નથી કરતો. મારાથી થાય, એટલું જ કામ રાખું છું.”
          મેં કહ્યું, ‘‘શાબાશ! ઘણા તો એવું વિચારતા હોય છે કે, આપણે કયાં નોકરી કરવી છે! એટલે ભણવામાં ઘ્‍યાન આપતા નથી. તારે તો નક્કી હતું કે નોકરી નથી કરવી, છતાં ભણ્‍યો. આ વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો. રસોઈમાં જેમ સ્‍વાદ ભરશ, તેમ કોઈના માર્ગદર્શક બનીને એની જિંદગીને સ્‍વાદિષ્‍ટ બનાવજે.”
                                    – ‘સાગર’ રામોલિયા