SAVDHAN BAPA AVE CHHE books and stories free download online pdf in Gujarati

સાવધાન..! બાપા આવે છે...!

સાવધાન..! બાપા આવે છે..!

આનંદ-આનંદ તો થાય જ ને..? ચાર ધામની યાત્રા કરવા માટે કેટલી રખ્ખડ-પટ્ટી કરવાની. આ તો ઘર બેઠાં તીર્થયાત્રા કરવાની. જો કે, પરસેવો તો આમાં પણ પડે જ વત્સ..! વરરાજાની જાન થોડી કાઢવાની, મન્નતકા રાજાને ઘરે લાવવાના છે..! જેને ક્યારે જોયા નથી, કોઈ દિવસ ચા-પાણી માટે બોલાવ્યા નથી, એના માટે હેતનું ઊભરાવું એને શ્રદ્ધા કહેવાય. અને આ ખેલ આજના થોડાં છે..? સદીઓથી ગણપતિબાપાના સ્થાપન પણ થાય, ને વિસર્જન પણ થાય. બેસનાર પણ જાણે ને, બેસાડનારો પણ જાણે કે, લાંબુ ક્યાં ખેંચવાનું છે ? ગણપતિદાદાને પણ ખબર કે, ‘ મીયાંકી દૌડ મસ્જીદ તલક’ એમ, આપણો ધામો આ ગામમાં આનંદ-ચૌદશ સુધીનો જ છે. આમ ભલે ઉછળી-ઉછળીને મને વધાવતાં હોય, બાકી આપણો આધાર કાર્ડ કઢાવી ઘર તો ઠીક, ગામમાં પણ કાયમના રાખે તેવા નથી.

ઉત્સાહ એટલે ગજબનો ઉત્સાહ..! ઘરના બાપા ભલે ખૂણામાં બેસી ઉધરસ ખાતાં હોય, પણ ગણપતિબાપા માટે જાન આપી દેવાના હોય એવાં અગન-ખેલ કરે. ગણપતિબાપાના દશ નામ ભલે નહિ આવડે. પણ ગણપતિબાપામાં આસ્થા અને શ્રધ્ધા ભરપૂર. એમાં કોઈ કાપકૂપ નહિ. ભલે આરતી વખતે ગણપતિબાપા ઉપર લક્ષ હોય કે ના હોય, પણ બાપાનું લક્ષ તો એના ઉપાર હોય કે, એને મારા કરતાં એની ‘આરતી’ ઉપર વધારે લક્ષ છે..!

ગણપતિબાપા એટલે ગણપતિ બાપા. સમયની સાથે ઘરના બાપાઓની ડીઝાઈન બદલાય જાય, પણ ગણપતિબાપાની એક જ ડીઝાઈન. પીતાંબરમાં રંગ બદલાય, બાકી પીતાંબર પહેરીને જ આવે. આજે લાલબાગના ગણપતિનું આમંત્રણ છે, તો હું જરા શૂટ-બુટમાં જાઉં એવું વિચારે પણ નહિ. ગરીબના ઘરનું આમંત્રણ હોય કે, અમીરના ઘરનું, ‘સર્વધર્મ સમભાવ જેવું..! ઊંચાઈમાં કદાચ આમતેમ થાય. સમય જતાં, માણસ જેવાં માણસની ઊંચાઈ વધે, તો ભગવાનની નહિ વધે..? નહિ, વધે તો માણસ ને દેવાધિદેવમાં ફરક શું રહેવાનો..? પહેલાં જેવો સમય થોડો છે ? પહેલાં તો મકાનો નાના હતાં, પણ માણસો મોટાં હતાં. હવે માણસો નાના ને મકાનો ઊંચા થયાં. ભગવાને પણ એનું લેવલ મેઇન્ટેઇન તો રાખવું પડે ને દાદૂ..?

જેમ વસંત ઋતુના વાવડ આવે, ને પ્રકૃતિમાં અનેરો ખિલવાડ આવી જાય, એમ ભાદરવા ચોથે ગણપતિબાપાની મૌસમ બેસતાં જ વિચારો વૃંદાવન બની જાય. ગણપતિ ભક્તોમાં થનગનાટ આવી જાય. કૂદાકૂદ એવી માઝા મુકવા માંડે કે, ખુદ ગણપતિદાદા પણ ચકરાવે ચઢી જાય કે, મારા બેટા આ બધા મને આડો નહિ પાડે તો સારું..! વરઘોડામાં નીકળ્યાં હોય એમ, બધાનો ઉમંગ જ અલગ. શ્રધ્ધાળુઓની આસ્થામાં વસંત ખીલે ત્યારે, ભક્તિની ડીઝાઈનમાં પણ મોર્ડન ગલગોટા ખીલવા માંડે. કોઈ ઉત્સવ ઉજવાતો હોય, ત્યારે મગજને લકવો થઇ જાય, એવું લાંબુ વિચારવાનું જ નહિ. એવાં ટોણા પણ નહિ મારવાના કે, “પોતાના બાપા ખૂણામાં સળેખમ ખાય છે. ને મુઓ ગણપતિબાપા માટે કેવો ઘેલો ઘેલો થાય છે..?’ રેંચુંને ખબર નહિ કે, શિવજી આપણા ઝેર ગટગટાવે ને ગણેશજી લાડવાની લહાણી કરાવે. આપણા બાપા તો તાંડવે ચઢ્યા તો, લાકડી કાઢે..! બીજું કે, માઈનસ બેલેન્સવાળી બેંકની પાસબુક ને કોણ ક્યાં સુધી ગળે ભેરવીને ફરે, એ વાત પણ ખરી ને..? આદર મર્યાદા તો એની રખાય કે જેની આગળ અપેક્ષાઓ ક્યારેય વાંઝણી બનતી નથી. જેની પાસે ૩૩ કરોડ દેવતાનો હવાલો હોય, એવાં દેવાધિદેવ માટે લાગણીનો ધોધ નહિ ઉભરાવાનો તો, શું સુદામા માટે ઉભરાવાનો..? આ તો એક વાત..!

રાજમહેલના નિવાસી, દેવોના દેવ ગણપતિદાદા, પોતાનો રાજમહેલ છોડીને શબરી જેવાં ઘરે માંડવામાં રહેવા આવે, એ કંઈ ફેંકી દેવા જેવી વાત છે..? જ્યાં શ્રદ્ધાનું રોપણ થતું હોય, ત્યાં જ ઉત્સવો પ્રગટ થતાં હોય. લોકો કેવાં ઓળઘોળ થઇ જાય..? બધાને એવી ઘેલછા જાગે કે, બાપા એકાદ વખત મારા તરફ જોઇને મલકે, ને પોતાના હાથે લાડવાનો પ્રસાદ આપી, હેતથી પૂછે કે, ‘વત્સ..! ચોમાસું કેવું ગયું..? ઘરમાં પાણી તો નથી ભરાયું ને..? લગનવાળું ગોઠવાયું કે, હજી હવામાં જ બાચકાં ભરે..? ગોઠવાયું હોય તો, બાળકો ભણે છે કે, પછી મારા જેવાને લાવીને ડૂબાડવાનો જ ધંધો કરે છે..? બાપા દીકરાના હાલ નહિ પૂછે તો બીજું કોણ પૂછવાનો..?

તકલીફ એક વાતની પડે, કે બાપાની માતૃભાષા સંસ્કૃત, ને આપણી ભાષા સુરતી. સાંભળીને ક્યારેક તો બાપા પણ સૂંઢ ફેરવી નાંખે તેવી. પણ આપણી ભાષા બાપાના લંબકર્ણ સુધી પહોંચે ખરી, પણ સમજાય નહિ એટલે જોખમ ઓછું..! ને આપણું સંસ્કૃત એટલે સંસ્કૃતિ વગરનું. એકવાર શિક્ષકે મને પૂછેલું કે, ‘તમસો મા જ્યોતિર્ગમય‘ નું ગુજરાતી શું થાય..? મેં ગુજરાતી અનુવાદ એવો કર્યો તે, મારો બરડો હજી શિયાળામાં કણસે છે..! વાક્યમાં જ્યોતિ શબ્દ આવ્યો તે પકડીને, મેં એવું ગુજરાતી કર્યું કે, ‘ તમે મા સુઈ જાવ, હું જ્યોતિના ઘરે જાઉં છું ‘ પછી તો શું મારા ભોગ લાગ્યા તે, શિક્ષકની દીકરીનું નામ જ ‘જ્યોતિ’ હતું. એટલે બરાબરનો ધોઈ નાંખ્યો. બસ....ત્યારથી, સંસ્કૃતમાં છોલેલા બટાકા જેવો હજી કોરો છું....! પેલાં શિક્ષક યાદ રહી ગયાં, પણ સંસ્કૃત હજી સુધી મગજમાં વસ્યું નથી..!

ગણેશ ચતુર્થી આવી, એટલે આનંદ ચૌદશ સુધી જલશા. બાપા.....! આપ રહ્યાં સતયુગમાં દેવાધિદેવ, ને અમે મુઆ દેવના દીધેલ જેવાં. ભૂલચૂક થાય તો માફ કરી દેવાનું. છોરું કછોરું થાય,પણ આપ તો માઉતર છો. માઉતર ક્યારેય, કમાઉતર થતાં નથી. નાચગાન તો અમે એટલે કરીએ છીએ કે, આપનું સ્થાપન કરીએ તો જ અમારો નાચવાનો ક્વોટા પણ પુરો થાય. બીજું શું....? જે દાદા, અમે તોફાની ખરાં, પણ બીજાના જેવાં મેલા નહિ દાદા..! દુકાનદારો તો આપનું નામ વટાવીને કેવાં કેવાં ધીકતા ધંધા કરે, તો પણ આપના ઉત્સવ માટે ફદિયું નહિ પરખાવે..! ગણેશ બીડી, ગજાનન પાન હાઉસ, , ગણેશ ભેળપુરી, ગણેશ બેકરી ગજાનન ટ્રાન્સપોર્ટ વગેરે વગેરે..! એમને એકાદવાર સૂંઢ ફેરવીને ચમકારો બતાવો ને બાપા.? એક જગ્યાએ તો એક વેપારીએ સ્કીમ કાઢેલી કે. ૨૦૦૦૦ ના ગણપતિ લેનારને ‘ રિદ્ધિ-સિદ્ધિ ‘ મફત..! એ તો આપણા માતાજી સારા કે બોલે નહિ...! બાકી અમારી માતા હોય તો એની પથારી ફેરવી નાંખે..!

આપના વાહન માટે અમારે ‘ ઉંદરડા ‘ જેવો શબ્દ પ્રયોગ તો નહિ કરવો જોઈએ દાદા...! પણ અકળાયેલો માણસ વિવેક ભૂલી જાય એના જેવું છે. આજકાલ તો આપના આ વાહનો તો હદ કરે છે બાપા..! અમુક તો આતંકવાદીને પણ સારા કહેવડાવે એવાં..! જેમ અયોધ્યામા સાથે રહેવા છતાં, મંથરા ને કૈકયીમા કોઈ ફરક નહિ પડેલો, તેવાં આપનાં આ ઉંદરડા..! એમને એકાદ હોર્ન અપાવો દાદા, જેથી ગૃહ પ્રવેશ કરે ત્યારે હોર્ન વગાડતાં આવે. અમુક તો એ પણ નથી જાણતાં કે, શું ખવાય ને શું નહિ ખવાય....! અનાજ કાતરીને ખાવાને બદલે, અમારા પગના તળિયા કાતરી ખાય છે બાપા..! એક તો અમે ગરીબી રેખાની નીચે જીવતાં હોઈએ. જ્યાં પોતાના જ પેટના ખાડા પુરાતા ના હોય, એ બિચારા બીજાના પેટના ખાડા શું પૂરવાના..? ફરિયાદ એટલે કરું છું કે, બિચારા ભૂખે ફાંસો ખાશે તો, અમને નાહકનું ઉંદર હત્યાનું પાપ લાગશે..! અમે એમને ક્યા સુધી લાડ કરાવીએ..? કોઈનું બારમું-તેરમું હોય ત્યારે માંડ અમને લાડવા ખાવા મળે. તો એમને ક્યાંથી ખવડાવવાના..?

ચાલો, બહુ ખપાવી નાંખી બાપા..! તમને થતું હશે કે, હું ક્યાંથી આની અડફટમાં આવી ગયો..? અમારે આવતે વરસે પાછા તમને બોલાવવાના છે. તમને ડીસ્ટર્બ કરી નાંખ્યા. ગણેશ ઉત્સવમાં ઠેર ઠેર આપે તો પ્રવાસ કરવાનો આવે. એક કામ કરજો, જે ઉંદરડાઓએ આખું વર્ષ બેસી-બેસીને જલશા જ કર્યા છે, એમને હવે સરકારી જીપના ડ્રાઈવરની માફક દોડવાનું આવશે. એટલે હમણાં આ ઉંદરનો મુદ્દો પણ નહિ છેડવો જોઈએ. નાહકના આંદોલન છેડીને હડતાળ ઉપર ઉતરી ગયાં તો, વિઘ્નહર્તાને પણ વિઘન આવી પડે....!

ઠેર ઠેર એક સરખા જ ગણપતિ દેખાય, એમાં બિચારા ઉંદરડા પણ થાપ ખાય જતાં હશે બાપા, કે આમાં હું મારા કયા ગણપતિનો ડ્રાઈવર છું....? ને આપ તો જાણો જ છે કે, અહી પણ ગણપતિ જેવાં જ મોટા પેટવાળાનો ઢગલો હોય. દુરથી જુઓ તો ગણપતિ જ લાગે. ગણપતિની જગ્યાએ ઉતાવળમાં કોઈ ગણપતને ઉઠાવીને પણ ચાલતી પકડે. કહેવાય નહિ....! આ તો એક શંકા..!

____________________________________________________________________________