અધિકાર

અધિકાર                                                          - રાઘવજી માધડ

- વિક્રમ આ શું કહી રહ્યો છે !?

પારોઠ ફરીને ઉભેલી સેજલતો જાણે ભીંત સાથે જડાઈ ગઈ હતી. વિક્રમનું આમ કહેવું સીધું જ તેને લાગુ પડતું હતું. માનો કે તેનાં પર જ આ ધારદાર તલવારના વીંઝાઇ હતી !

‘મને મારો અધિકાર મળવો જોઈએ !’ પછી ઉમેરીને કહ્યું હતું: ‘હું હવે પુખ્ત છું, યુવાન છું.મારે કયાં સુધી આમ...’ વિક્રમના અવાજમાં આગ સાથે તેનું પૌરુષત્વ પણ પ્રગટતું હતું.

વિક્રમનો આ પડકાર સીધો સેજલ સામે જ હતો.

સેજલને ગંધતો આવી ગઇ હતી.છેલ્લા કેટલાંય સમયથી વિક્રમના વાણી,વર્તન,વ્યવહારમાં ધરમૂળ થી બદલાવ આવી ગયો હતો. હોય, હશે...હજુ અણસમજુ છોકરું છે...આમ સમજી સેજલ આંખ આડા કાન કરતી હતી.પણ વિક્રમ જગજાહેર તેના પતિપણાનો અધિકાર માગીને ઊભો રહેશે તેવો સ્વપ્નેય ખ્યાલ નહોતો. સેજલ માટે અસહ્ય થઇ પડ્યું હતું...જીવ લગોલગ લાગી આવ્યું હતું.

હવેલી જેવા આલિશાન બંગલાના બેઠકખંડમાં સન્નાટો છવાઇ ગયો હતો.વિક્રમતને આમ બોલતાં જોઈ પરીવારમાં પહેલીવાર ભાન થયું હતું કે,વિક્રમ હવે યુવાન થઇ ગયો છે ! તે આમ કહ્યા પછી શરમ, સંકોચ અનુભવવાના બદલે સૌના સામે ક્રોધથી જોઈ રહ્યો હતો.લાગે કે આ વિક્રમ નહી,પણ બીજું કોઇક છે !

 વિક્રમે આમ કહી ખરેખર પોતાના સ્ત્રીત્વ કે અસ્તિત્વની આબરૂના ધજાગરા કર્યા હતાં,લીરેલીરાં ઉડાડ્યાં હતાં.આ ઘર માટે જીવન રગદોળી નાખ્યું હતું,લીલીછમ જિંદગી બાળીને ખાખ કરી નાખી હતી... પણ  જિંદગીના લેખાજોખા કરવાનો આ સમય નહોતો.બીજું કે આ આગ કોણે અને ક્યાંથી લગાડી છે !? તેનો અંદાઝ આવી ગયો હતો સેજલ સળગી ઉઠી હતી: ‘આવા ઉંદરકામા છોડી, મરદ હોતો સામે આવ્ય...!’

         વિક્રમનું આમ કહેવું અને સેજલનું ચૂપ રહેવું સૌના માટે કોયડો બની ગયું હતું.આમતો દીવા જેવી વાત હતી કે, પતિ-પત્નીની પથારી એક હોય પછી સંબંધ વિશે શંકા રાખવાને કોઇ કારણ ન હોય. વળી આ બંધ-બારણાની વાત આમ બહાર આવે, ઉઘાડી થાય એ પણ ઠીક નથી. બાંધી મૂઠ્ઠી લાખની ને ઉઘાડી હવા ખાય...પણ વિક્રમ લાજ-શરમ નેવે મૂકી, સાચું હતું તે બોલી ગયો હતો.

          દોઢ દાયકા પહેલાં વિક્રમ જયારે પાંચેક વર્ષનો હતો...ને પરિવાર વચ્ચે સુશિક્ષિત સેજલે સ્વેચ્છાએ દિયરવટુ વાળ્યું હતું...ત્યારે પરિવારને જે નવાઇ લાગી હતી, સેજલની સમજદારી પર માન ઉપજ્યું હતું તેનાથી અનેકગણી નવાઇ આજે વિક્રમના આમ કહ્યા પછી ઉપજી હતી.

કેટલીક નજર વિક્રમના મમ્મી ઉજળીબા સામે તલવાર જેમ ખેંચાઈ...ઉજળીબા કંઈક બોલે, હકીકત કહે..પણ તેઓ બોલવાનાં બદલે સંકોરાવાં લાગ્યાં હતાં.માથા પરના સાડલાને ખેંચી, દાંતમાં દબાવી સૌની વચ્ચે બેઠાં આંખો ઢાળી ગયાં હતાં. જાણે મોંમાંથી વાચા હણાઈ ગઈ હોય !

         ‘બોલો ભાઇ, કોઈકતો બોલો...આ બધું ખરેખર છે શું!?’

એક વડીલના હુંકારે મૌનના દરવાજા ખટખટાવ્યા.પણ કોઇ બોલ્યું નહી એટલે વિક્રમને ચાનક ચઢ્યું.તેનાથી સહેવાય કે રહેવાય એમ નહોતું.તે પઢાવેલા પોપટ જેમ ફટાફટ બોલી ગયો: ‘મને અધિકાર ન આપવો હોયતો તેને આ ઘરમાં રહેવાનો કોઇ અધિકાર નથી...’ વિક્રમ, નાગના જેમ ઝેર ઓકી ગયો.

‘આ..આ...કોણ, મારો વિકુ બોલી રહ્યો છે !!?’

સેજલ સજ્જડબંબ થઇ ગઇ હતી.‘મને અહીંથી કાઢવાનો કારસો હોયતો હું ચાલી જઇશ.’ સેજલ આમ મનમનાવે ત્યાં પ્રતિ સવાલ પ્રગટ્યો હતો: ‘પણ વિક્રમ પતિપણાનો અધિકાર માગે છે તેનું શું ?’    

વાત વણસેતે પહેલાં એક વડીલ ઊભા થયા હતા.તેમણે આદેશભરી નજરે ચારેબાજુ જોઈ લીધું હતું. પછી દ્રઢતાથી બોલ્યા હતા:‘એકવાત સાંભળી લ્યો...સેજલ આ ઘર-પરિવારનાં વહુ છે, તેમને અહીં રહેવાનો અધિકાર છે.’પછી સહેજ અટકી વિક્રમ સામે જોઇને ભર્યાભ્રમમાં બોલ્યા હતા:‘ગાંડાભાઈ...! પત્ની પાસે અધિકાર માગવાનો ન હોય, તેને અધિકાર આપવાનો હોય...!’

વાતતો પાછી હતી ત્યાંજ આવી,અટકીને ઊભી રહી હતી.શું કરવુંતે જાણે સમજ બહારનું હતું.

‘વિક્રમ જે કહે છે, તેનું આપણે સાથે મળી સોલ્યુશન એટલે કે ઉકેલ લાવવો પડે !’

 વિક્રમ બોલતા પૂર્વે વનરાજ સામે જોઈ લેતો હતો તે કોઇની નજર બહાર નહોતું.પણ બંને પિતરાઇ ભાઈઓ છે,બંનેને સારો મનમેળ છે.તેથી કોઇએ ગણકાર્યું નહોતું. પણ જયારે વનરાજે ઊભા થઇ વિક્રમના સવાલમાં સૂર પૂરાવ્યો હતો, સળગતામાં ઘી હોમ્યું હતું એટલે શંકાનો કાંટો તેનાં તરફ ભોંકાયો હતો.

 ‘એ તો હવે...વહુ જ સાચું કહી ને કરી શકે !’

સેજલ સંકોરાઇને સૂકા ઝાડ જેમ ઊભી હતી.શું કહેવું,શું કરવું તેની કોઇ સુઝ પડતી  નહોતી.

છેલ્લા પંદર વર્ષથી જીવતર સામે ઝીંક ઝીલતી આવી હતી.વિકટ સંજોગોમાં પણ હાર્યા કે હરેર્યા વગર ઘરનો કારોબાર સંભાળી સઘળું અકબંધ રાખ્યું હતું. અરે...જાતને ભૂલી, જિંદગીને દાવ પર લગાવી હતી...ને આજે પોતાના જ અસ્તિત્વનો પ્રશ્ન પેદા થયો હતો !

-એક સ્ત્રી,વ્યક્તિ તરીકે પોતાનું કશું જ નહી !?  

વિક્રમ જે કહે તે સેજલ માટે સહ્ય હતું. પણ વનરાજ શું કરવા વચ્ચે પડ્યો...સેજલ આગ જેમ  ભડભડી ઊઠી હતી..‘જેને જે અધિકાર જોતો હશેતે મળી રહેશે,જમીન-જાગીર...’સેજલે કાતિલ નજરે વનરાજ સામે જોઈ લીધું હતું પછી અંગારા જેવા અવાજે કહ્યું હતું: ‘મને વિચારવાનો સમય આપો..!’

ઉત્તરની રાહ કે અપેક્ષા વગર સેજલ સડસડાટ કરતી તેનાં રૂમમાં ચાલી ગઇ હતી.

          *******************************************

સેજલ રૂમમાં આવીને ફસડાઈ પડી.પલંગનો ટેકો લઇ,ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.ભીંતે લટકતી દેવરાજની છબી સામે આછડતી નજર નાખી,ફરિયાદ કરતાં બોલી: ‘જુઓ છો ને,મારી હાલત...!?’પોતાનો પતિ સાક્ષાત હોય તેમ બળાપો કાઢતાં આગળ બોલી: ‘આજે તો આ ઘરમાં રહેવાનો અધિકાર પણ...’

‘મારાં જીવતાંજીવ આ ઘરમાંથી તમને કોઇ કાઢી ન મૂકે !’પાછળથી આવી માથા પર હાથ મૂકી ઉજ ળીબા બોલ્યાં: ‘આ તમારું જ ઘર છે, અહીં રહેવાનો તમારો અધિકાર છે.’

સેજલનું હૈયું હાથ ન રહ્યું: ‘મારોતો આ જગમાં જીવવાનોય અધિકાર ક્યાં રહ્યો છે !?’

સેજલનું આમ કહી તેનું છાતીફાટ રડવું ઉજળીબા માટે ધીરજની કસોટીરૂપ હતું. તેઓ કંઈ કહેતે પહેલાં જ કુંટુંબની અન્ય  સ્ત્રીઓ ઝડપથી ઓરડામાં આવી ગઈ હતી.

સૌનો સેજલ સામે એક જ સવાલ હતો: ‘વિકુ આવું કેમ કહે છે !’

        ‘ઘરને વર તો સ્ત્રીના કબજામાં જ રહે પણ..!’

‘સાચવતાં શીખવું પડે, સમજ્યાં!’

આ વ્યંગ સેજલ અને ઉજળીબાની છાતીમાં,છરી જેમ ભોંકાઇ ગયો.  

રોજ રાતે સેજલ પોતાના પાસે આવી,કશું પાથર્યા વગર નીચે સૂઈ જતી હતી.સેજલને ટકોરવાનું ઉજળીબાને મન થતું હતું:‘વહુ, વિક્રમને એકલો મૂકી અહીં કેમ ઊંઘી જાવ છો !?’પણ એમ હતું કે,વિક્રમ મોટો થશે...તે ઘીના ઠામમાં ઘી પડી રહેશે.અગ્નિ પાસે ઘી ક્યાં સુધી ઓગળ્યા વગર રહેશે !? પણ આજે જુદી રીતે ભડકો થઇ ઉઠ્યું હતું. હવે આ અગનઝાળ ક્યાં બૂઝાવવી...તે મોટો સવાલ થઇ પડ્યો હતો.

‘આવું હતું તો દિયરવટું જ નહોતું વાળવું, દીકરાની જિંદગીતો ન બગડત !’ એક સ્ત્રી બોલી ગઈ.

‘મારી જિંદગી બગડી એનું કંઈ કહેતા નથીને...’ સેજલની ભ્રમરો ખેંચાઈ: ‘એવું હતું તે,કેવું હતું !’

પણ ઉજળીબાએ જે રીતે સામે જોયું...સેજલથી ઠરી જવાયું.કારણ કે બંને સમદુઃખિયાં હતાં,સુખ-દુઃખના સાક્ષીને સહભાગી હતાં.કોઈ સામે લવારો કરવામાં સાર ન હતો તે અનુભવે સમજાય ગયું હતું.  

‘દિયરવટુંતો મારે નાછુટકે વાળવું પડ્યું છે, એ કેમ કોઈને સમજાતું નથી !’

પતિ ને સસરા અકસ્માતે એક સાથે ચાલ્યા ગયા હતા.ઘર ઉજ્જેડાઈ ગયું હતું.વિક્રમ નાનું છોકરું... તેંત્રીસ એકર જમીન,વાડીને ઘરનો સઘળો કારો બાર કોણ ચલાવે?અને મોટો ડર હતો: જમીન-જાયદાદ નો...વાડ જ ચીભડા ગળે તેવી દહેશત હતી. સગાભાઈઓનો પણ ભરોસો રાખી શકાય એમ નહોતો.

સેજલ માટે વિધવા થયા પછીનો વેધક ને વિકરાળ સવાલ સામે આવીને ઊભો રહ્યો હતો. પોતે આ ઘર છોડીને ચાલી જશે, રીમેરેજ કરશે... પણ આ ઘરનું શું ?

 અંતે સુશીલ સેજલે, આ પડકારને પહોંચી વળવાનો અઘરો ઉકેલ શોધી લીધો હતો: વિક્રમ સાથે દિયરવટુ વાળવું...જેથી પોતે અહીં કાયદેસર રહી શકે ને સઘળું સંભાળી શકે.

પણ આજે તો ન ખાળી શકાય તેવી સમસ્યા,પહાડ જેવો પડકાર બની સામે આવી ઊભી રહી હતી ...જેનો ઉકેલ લાવવો મુશ્કેલ નહી, અશક્ય લાગતો હતો !

 ઉજળીબાએ વેધક નજરે સેજલ સામે જોયું.ઘડીભર ચૂપ રહ્યાં પછી કશુંક ગોઠવી,વિચારીને બોલ્યા :‘વહુ,તમે આ ઘર માટે તમારી જાત ઘસી નાખી છે... પણ વિકુ હવે જુવાન થઇ ગયો છે, સંભાળી લ્યો..!’

‘મમ્મી !’સેજલ,ગરમ પાણીનો છાંટો પડે તેમ ચમકી ગઈ.બે-ચાર પળો ઉજળીબા સામે તાકી,ઊંડોથી નિસાસો નાખી દુભાતા સ્વરે બોલી :‘વિકુ હવે જુવાન થયો છે, મને ખબર છે. પણ...’  

‘પણ બેટા...’ ઉજળીબા ઘણું જાણતાં,સમજતાં હતાં તેથી આગળ બોલી શક્યાં નહી.

 ‘મેં ક્યારેય વિકુને પતિની નજરે જોયો જ નથી..!’

‘જાણું છું, હું વિકુની જનેતા હોવા છતાં તમે વધારે સાચવ્યો છે,અપાર લાડ લડાવ્યા છે !’ ગળામાં ઉદભવેલું ડૂસકું દબાવીને બોલ્યાં: ‘પણ અંતેતો તમે દીકરાની વહુ છો !’

સેજલ સ્તબ્ધ થઇ ગઈ.હકીકતને અવગણી શકાય એમ નહોતી. વાતને ઉકેલની દિશામાં વાળવાના પ્રયાસ સાથે બોલી:‘અધિકાર કોઈના કહેવાથી માંગવામાં આવ્યો છે,બાકી વિકુને આવું બોલતા જન આવડે !’

સેજલનું આમ કહેવું ઉજળીબા પામી ગયાં.વનરાજનું વારંવાર સેજલ આડે આવવું, તેમનાથી અજાણ નહોતું. ક્યાંક ગૂપચૂપ પણ થતી રહેતી: ‘વિકુનું ખાલી નામ છે, બાકીતો વનરાજ...’

 પણ સેજલ પર ઉજળીબાને ભારોભાર ભરોસો હતો.સેજલમાં કશું કહેવાપણું નહોતું,ફાટે પણ ફીટે એમ નહોતી.છતાંય વિક્રમના આમ કહ્યા પછી વિશ્વાસના વહાણમાં સહેજ તિરાડ પડી હતી. એક બાજુ દીકરા સમાન વહુને બીજી બાજુ ખુદ દીકરો હતો...શું કરવું,શું કહેવું...કશી સુઝ,સમજ પડે એમ નહોતી. પહાડ જેવો નિસાસો નાખી,અઢળક અવઢવ સાથે ઉજળીબા રૂમ બહાર નીકળી ગયાં.

સેજલ ઉજળીબાના જવાની રાહે હોય એમ એકક્ષણનો પણ વિલંબ કર્યા વગર વનરાજને સેલફોન જોડીને કહ્યું:‘વિકુના જેમ સૌની હાજરીમાં તમારેય પ્રેમનો એકરાર કરી,અધિકાર માંગી લેવો હતોને !?’

બેચાર પળો પસાર થયા પછી દર્દને પંપાળતો હોય એમ વનરાજનો અવાજ આવ્યો:‘ સેજલ ! તમે હજુય મને સમજી શક્યા નથી, તેનો અફસોસ જીવનભર રહેશે !’

‘હું બરાબર સમજુ છું...’દાંત ભીંસીને સેજલ બોલી: ‘પણ મરદ કોઇ દિવસ પાછળથી ઘા ન કરે. શું જરૂર હતી, વિકુને આમ ચઢાવવાની !?’

‘સેજલ,તમે હકીકતને સમજવાની ને સ્વીકારવાની કોશિશ કરો.’વનરાજ સમજાવટના ઉદેશ્યથી નિરાંતે બોલતો હતો:‘દુનિયાની નજરે તમે વાઈફ-હસબન્ડ છો,ને વિકુ હવે એકવીસ વરસનો થયો છે...એક ને એક બે જેવી વાત છે, આમાં પાછળથી ઘા કરવાનો પ્રશ્ન જ ક્યાંથી આવ્યો !?’

વિક્રમ સાથે ભલે વાત્સલ્યભર્યો વ્યવહાર કરતી આવી હોય પણ સામાજિક રીતેતો પતિ-પત્ની છે. અડધીવાતમાં સેજલ સઘળું સમજી ગઇ છતાંય બોલી:‘વિકુ યુવાન થયો છે,એક નહી બે બૈરાં પરણાવીશ !’  

‘બે નહી,’વનરાજ હસવા લાગ્યો:‘એક પરણાવોતો પણ પહેલાં ડિવોર્સતો લેવા પડેને !?’

‘કોના ડિવોર્સ !??’ સેજલનો અવાજ નહી, ગળું ફાટી ગયું.

‘તમારાંને વિકુના, બીજા કોના !?’

સેજલની છાતીમાં મરણતોલ મુક્કો પડ્યો હોય તેમ તે બેવડ વળી ગઇ. પારાવાર પીડાથી જીવ ચૂંથાવા લાગ્યો...હાથમાંથી મોબાઇલ પડી ગયો. થયું કે હમણાં જ જીવ નીકળી જશે !

વિક્રમના કાયદેસર મેરેજ કરાવવા હોયતો પહેલાં પોતે સમાજની સાક્ષીએ ડિવોર્સ લેવા પડે...વાત શીરાના કોળિયા જેમ ગળે ઉતરે એમ હતી છતાંય સેજલ કડવી દવા જેમ ગળામાં ગડગડાવવા લાગી.તે સમજતી હતી પણ સ્વીકારવા તૈયાર નહોતી.પગમાં મકોડાએ ચટકો ભર્યો હોય એમ એકદમ ઊભી થઇ તે બારી પાસે આવીને ઊભી રહી.પોતે ઊભું કરેલું ફાર્મ હાઉસ સામે દેખાતું હતું. પણ....

વનરાજનું કહેવું કાનમાં ખટકતું હતું:‘વિકુના મેરેજ કરવાં માગતા હોતો સેજલ તમારે  ડિવોર્સ લેવા પડે...’વનરાજ શ્વાસ ઘૂંટીને આગળ બોલ્યો હતો:‘પણ ચિંતાતો એ થાય છે કે,ડિવોર્સ પછી તમે ક્યાં જશો, અહીં રહેવાનો આધાર ને અધિકારતો હશે નહી !?’

વનરાજની આ ચિંતા હતી કે ચીમકી...સેજલ માટે સમજવું અઘરું હતું એટલું જ જરૂરી હતું. વનરાજ થી પોતે સંપૂર્ણ અવગત હતી...પણ  તેને સ્વીકારી શકતી નહોતી તે નઘરોળ હકીકત હતી.   

‘હું ક્યાં રહું...એ ચિંતા તમારે કરવાનું જરૂર નથી.ને હું સ્મશાને જઇશ પણ તમારા પાસે નહી આવું...’

- આવું શું કરવાં...તે ખુદ સેજલ પણ સમજી કે નક્કી કરી શકે એમ નહોતી.

સેજલને વળતો વિચાર આવ્યો કે, પોતે વહુના હકદાવે અહીં રહે છે પણ વિક્રમ સાથે ડિવોર્સ લીધા પછી અહીં રહેવું શક્ય બને ખરું !? કોઇ નહીતો વિક્રમની આવનારી વહુ જ ન સ્વીકારે. અને કદાચ વિક્રમના ભલા માટે ઉજળીબા પણ મોં ફેરવીને ઊભાં રહે !  

શું કરવું...ફરી પાછો અણધાર્યો સવાલ,સેજલના સામે કાળોતરા નાગની જેમ ફેણ ચઢાવીને ડોલવા લાગ્યો. સેજલનો શ્વાસ થંભી ગયો. હાથ-પગ,ચેતાતંત્ર...બધું જ લકવાઇ ને લબડી પડ્યુ...સેજલ નામે જાણે જીવતી લાશ જ જોઈ લ્યો !  

‘કાં વિક્રમને તેનો અધિકાર આપો અથવા ડિવોર્સ...આ સિવાયનો ત્રીજો કોઇ વિકલ્પ નથી.’ 

‘ના...શક્ય નથી, પથારીમાં એમ વિકુને સ્વીકારવો...’

‘પણ કેમ ? વિક્રમ પુરુષ છે ને તું સ્ત્રી છે !’

સેજલ કહે:‘મેં વાત્સલ્ય વ્હેડાવ્યું છે, જીવ લગોલગ વિકુને ચાહ્યો છે પણ એક જવાબદારી સમજીને...’ સેજલના મનમાં સ્ત્રીના અનેક રૂપ સામસામે આવી ગયા.

સમાજ સામે દિયરવટુ જાહેર કરી દીધા પછી વિક્રમની સાર-સંભાળ સેજલ જ રાખતી હતી. તેમાં ઉજળીબાનો રાજીપો હતો.વળી કોઇ દગો-ફટકો ન થાયતે માટે પણ કાળજી લેવી જરૂરી હતી. કારણ કે બાપ-દીકરાનો અકસ્માત થયો કે કરાવવામાં આવ્યોતે પણ એક વણઉકેલ કોયડો રહ્યો છે.   

સેજલ વિધવા થઇતે દિવસોમાં પણ આટલો સંતાપ કે મૂંઝવણ અનુભવી નહોતી.ત્યારે સઘળું સ્પષ્ટ હતું.અહીં કાયમી રહેવું હોયતો,નાત રિવાજે વિક્રમની ચુંદડી ઓઢી લેવી અથવા કોઇ સાથે રીમેરેજ કરવા.પણ આજે પંદર વરસના વ્હાણા વાઈ ગયા. સ્થિતિ,સંજોગો બદલાયા...પિયરમાં રહેવું હવે પરવડે પણ નહી.

‘હું ક્યાં જાઉં, શું કરું, કોને કહું મારાં હૈયાનો ઉત્પાત ?’ પછી કહે: ‘કોણ છે મારું, આ જગતમાં...’

‘હું છુંને સેજલ,આવ મારા પાસે આવ!’ જાણે સામે ઊભો રહીને વનરાજ કહેતો હોય એવું લાગ્યું. સેજલ સળગી ઊઠી હતી.‘ના...’તેનાં મોંમાંથી ચિત્કાર વછૂટી ગયો.

‘પણ શું કરવા, આટલી નફરતનું કોઇ કારણ તો બતાવો સેજલ !’

 દમના દર્દી માફક સેજલ હાંફલવા લાગી. તેનો મુખવટો બદલાઇ ગયો.

વનરાજનો ડર રહ્યાં કરતો હતો.પણ તેણે તો પડછાયાની જેમ પગલેપગલું દબાવી સર્વથા કાળજી જ લીધી હતી.તેની ચાહતની પ્રતીતિ ન થઇ કે ન થવા દીધી તે પોતાનો સવાલ હતો.વળી વનરાજ આજ લગી કાચો-કુંવારો રહ્યો છે તે પણ એટલું જ સાચું છે.

‘પ્રેમની પ્રતીતિ થઇ હોયતો પણ હું શું કરું....બોલો રાજ, મારે શું કરવાનું હોય !!?’

સેજલ આટલા વરસોમાં પ્રથમવાર વનરાજ સંદર્ભે આમ ખૂલ્લા મનથી તેની જાત સાથે સંવાદ કરવા બેઠી :‘વિધવાને વળી પ્રેમ શું ને પ્રતીતિ શું ?’   

સેજલ રાતભર પડખા ફરતી રહી, પછી સવાર થતા જ એક નવાનક્કોર વિચાર સાથે બેઠી થઇ. સવારનું ઘરેલું કામ પરવારી ઉજળીબા સામે આવીને ઊભી રહી.

થોડે દૂર વિક્રમ પણ ઊભો રહી ગયો હતો.

‘મમ્મી !’ સેજલ ભારે વિષાદ સાથે બોલી : ‘નાત બોલાવો, હું છૂટાછેડા લેવા માગું છું.’

ઉજળીબાને ધ્રાસકો પડ્યો.તે મોં વકાસી સેજલ સામે જોઈ રહ્યાં.વિક્રમ પણ એમ જ ત્રાહિત નજરે ત્રોફી રહ્યો. ઘરનાં વાતાવરણમાં એકજાતનો ગરમાવો આવી ગયો.

‘વિકુ યુવાન થયો છે,તેના લગ્ન કરવાં પડે...ને તે માટે મારે આ ઘર ખાલી કરવું પડે.’

વિક્રમ સમેત ઉજળીબાને સેજલનું કહેવું સમજાઇ ગયું પણ સ્વીકારાયું નહીં.ઘડીભર ખમોશી પથરાઇ ગઈ. કોણ શું બોલે...આમ છતાં ઉજળીબા ધીમા ડગલે સેજલ પાસે આવ્યાં. ક્ષણ બેક્ષણ ઊભાં રહી સેજલની આંખોમાં આંખ પરોવીને બોલ્યાં:‘સેજલ બેટા,તમે કહો છો એવી કોઇ વાત જ નથી..’પછી વિક્રમ સામે આછ ડતી નજરે જોઈને આગળ બોલ્યાં:‘તમારાં વગરતો આ ઘરને વાડી-ખેતર વેરાન લાગશે !’ તેમનું હૈયું ભરાઇ આવ્યું,તેથી આગળ બોલી શક્યાં નહીં.

‘હું શું કરું,મારાં પાસે બીજો કોઇ રસ્તો નથી...’સેજલનું હાલકડોલક થતું હૈયું અનરાધાર વરસી પડ્યું.

સેજલના રુદન સાથે ઘરની એકએક જણસ જોડાઈ હોય એમ જાણે સઘળું હિબકે ચઢ્યું.

‘રસ્તો છે જ !’ઉજળીબા વણસેલી સ્થિતિને સહજતાથી પાર પડવાના ઈરાદે બોલ્યાં :‘ઘર સંભાળ્યું ...હવે વર સંભાળી લ્યો, અવતાર પુરો...!’

‘અવતાર પુરો થાય એમ ક્યાં છે !?’ સેજલના હોઠે આવી ગયું પણ બોલી શકી નહી.

 ‘ગાંડા...વનરાજ ચઢાવે એમ ચઢીને ન બોલવાનું, બોલવાનું !?’

ઉજળીબા વિક્રમને આમ વઢવા લાગ્યાં...પછી શું સૂઝ્યું તે વિક્રમનું બાવડું પકડીને મરણિયો પ્રયાસ કરતાં હોય એમ તેને સેજલ બાજુ હડસેલ્યો... ‘જા, સમજાવ્ય...!’

‘મમ્મી !’ સેજલ ચિત્કારી ઊઠી ને વિક્રમને એમ પોતાનાથી અડકી ન જવાય તેવી કાળજી સાથે શરીર સંકોરીને માત્ર એટલું જ બોલી શકી :‘મારાંથી એમ નહી બને...’

ઘડીભર સન્નાટો છવાઇ ગયો.

 પછી નાછૂટકે બંનેની હાજરીમાં જ સેજલે વનરાજને સેલફોનમાં કહ્યું :

‘રાજ ! તમે કયારે આવો છો, તમારો અધિકાર માગવા !!?’

      ************************************************

      સંપર્ક : ‘અભિષેક’ પ્લોટ નં. ૭૧૫/૧, સેકટર ૭ બી, ગાંધીનગર

      મોબાઇલ : ૯૪૨૭૦ ૫૦૯૯૫, ૯૭૨૪૬ ૨૮૩૦૩

***

Rate & Review

Verified icon

Nisha 2 weeks ago

Verified icon

Vaghela Sangath 2 months ago

Verified icon

Nidhi Patel 2 months ago

Verified icon

Rohit Nayak 2 months ago

Verified icon

Beena Vyas 2 months ago