કાશ તેં મને કહ્યું હોત…. - 6 in Gujarati Love Stories by Urvi Hariyani books and stories Free | કાશ તેં મને કહ્યું હોત…. - 6

કાશ તેં મને કહ્યું હોત…. - 6

કાશ તેં મને કહ્યું હોત….

પ્રકરણ - ૬

નિલાક્ષીનાં શબ્દે શબ્દે એનાં કાનમાં જાણે પીગળતું સીસું રેડાઈ રહ્યું હતું. એ પગથી માથા સુધી ખળભળી ઉઠ્યો હતો. એનું રોમેરોમ નિલાક્ષીને ધિક્કારી ઊઠ્યું.

શીલાનાં બેડરૂમ સુધી નિલાક્ષીને શોધતાં આવી ચઢેલા પ્રશાંતે મિહિર અને નિલાક્ષી વચ્ચેની વાત દરવાજાની આડશે રહી અક્ષર:સ સાંભળી હતી.

પ્રારંભિક આવેશ પછી પ્રશાંતે પોતાનાં પર કાબૂ મેળવી લીધેલો. આખરે ડાહી 'મા 'નો દીકરો હતો ને ! એક તો વણિક અને ઉપરથી શૅરબજારનો ખેલાડી હોવાથી સમજતો હતો કે ગમે એટલી મંદી કેમ ન હોય ; સાચો ખેલાડી બ્લુચીપ કમ્પનીનાં ઊંચા ભાવે ખરીદેલા શૅર્સ નીચા ભાવે તો નથી જ વેચતો. એને રાખી મૂકે છે અને સમય આવ્યે તેજીમાં રોકડી કરે છે.

પરિસ્થિતિ અને સંજોગો એની વિરુદ્ધ  થયાં છે એ પ્રશાંત સમજી ચૂકેલો.  નિલાક્ષીને માફ કરી શકે એવું ઉદાર હૈયું તે ધરાવતો નહોતો, પણ હમણાં તો નિલાક્ષી પર જ ઘર નભી રહ્યું હતું. તેમ જ એ એનાં બે લાડકા બાળકોની માતા હતી. આ તબક્કે નિલાક્ષીને જીવનમાંથી હાંકી કાઢવી એનાં માટે  લગીરે શક્ય ન હતું.

નિલાક્ષીને માફ ન કરી શકવા છતાં એની સાથેનાં સહજીવનને નિભાવવા પાછળ પ્રશાંતની આર્થિક -સામાજિક મજબૂરી રહી હતી પણ એ નવા ત્રીજા સંતાનને સ્વીકારવા હરગીઝ તૈયાર ન હતો.

કેમ કે એક તો એ બાળક એનું ન હતું. બીજું એ ત્રીજા બાળકનાં આગમન સાથે એનાં ઘરમાં એક જવાબદારીની સાથે કાયમી ખર્ચ વધતો હતો. એનાં લીધે પોતાનાં બાળકો નિસર્ગ - નિર્ઝરીને મળનારી સુખ -સગવડની સુવિધાઓ અને નિલાક્ષી તરફથી મળનારા પ્રેમમાં પણ વધતી -ઓછી કપાત થવાની હતી. જે એને બિલકુલ સ્વીકાર્ય ન હતું. એ નવા બાળકનું આગમન અને એનું એમની સાથે કાયમ રહેવું તો, એનાં માટે કાયમી નસ્તર બની જાય તેમ હતું.

પ્રશાંતે બુદ્ધિપૂર્વક આ સમસ્યાનો તોડ કાઢેલો. બાળકને દત્તક આપવાનું ગોઠવી એણે લાઠી ભાંગે નહીં અને સાપ મરે એ રીતે ખેલ પાર પાડેલો. નિલાક્ષી એમ ને એમ તો બાળકને દત્તક આપવા તૈયાર થાય એમ ન હતી. એથી એણે પોતાનાં સામાન્ય કિડની સ્ટોનનાં ઓપેરેશનને મોટા અને ગંભીર કહી શકાય એવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનાં ઓપરેશનમાં ફેરવી નિલાક્ષીની પોતાનાં પ્રત્યેની લાગણીને રોકડી કરી. એટલું જ નહીં, પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવાની સાથે ખુદનાં બાળકોનું ભાવિ પણ સમૃદ્ધ કર્યુ. આમ કર્યા બાદ જાણે - અજાણે પ્રશાંત આ રીતે પોતે નિલાક્ષીની ક્ષણિક બેવફાઈની કિંમત વસૂલ કરી શક્યો છે, એમ સમજતો અને સતત છૂપો સંતોષ અનુભવતો.

પરંતુ, જે મજબૂરી ખાતર નિલાક્ષીએ બાળકનો સોદો મંજૂર રાખેલો,  એ મજબૂરી હકીકતમાં હતી જ નહીં - એ વાતનો રહસ્યસ્ફોટ અઢાર વર્ષ બાદ ડૉ. અવિનાશ દ્વારા અજાણતાં થઈ જતા નિલાક્ષી ઉકળી ઉઠેલી, તૂટી પડેલી અને પ્રશાંત સાથેનાં ઝઘડા બાદ એ ઘર છોડી નીકળી ગયેલી.

એ સમયે નિલાક્ષી ફકત એટલું સમજી શકી હતી કે પ્રશાંતે માત્ર પૈસા માટે એનાં ત્રીજા સંતાનનો સોદો કરેલો. એ જાણતી નહોતી કે પ્રશાંતે કરેલા આ સોદા પાછળનું ખરું કારણ શું હતું. એકમેકથી નાનામાં નાની વાત ન છુપાવતાં આ પતિ - પત્નીએ અજાણતાં દામ્પત્યધર્મ ચૂકી એકમેકથી પહાડ જેવી વાત છુપાવી હતી.

?????????

નિલાક્ષી ઝઘડો કરીને ઘર છોડીને ગયે ત્રણેક  મહિના ઉપરનો સમય થઈ ચૂક્યો હતો.

આજે રવિવાર હોવાથી પ્રશાંત ઘરે હતો.ઘરમાં તદ્દન શાંતિ હતી.આ શાંતિ પ્રશાંતનાં મનને શાતા પહોંચાડવાને બદલે અકળાવી રહેલ. જ્યાં સુધી નિલાક્ષી સાથે એ સાંજે ઝઘડો નહોતો થયો ત્યાં સુધી એનાં સંસારમાં ખરેખરી અને સાચી શાંતિ હતી.

નિલાક્ષીની એક રાતની બેવફાઈને તે માફ નહોતો કરી શક્યો, પણ સમજદારીપૂર્વક ગળી ગયેલો.વર્ષો પછીનાં સહજીવન બાદ નિલાક્ષી એની જરૂરત અને આદત બની ગયેલી. આખરે નિલાક્ષી એની પત્ની હતી. એ હતી તો જીવન ધબકતું હતું.

પરંતુ, એ સાંજે નિલાક્ષીએ એને કશું પણ બોલવાની તક આપ્યા વગર ઉપરાઉપરી બેફામ આક્ષેપોથી નવાજવાની શરૂઆત કરી તો વર્ષો સુધી તેનાં અંતરમાં ધરબાઈ રહેલા દારૂગોળાને જાણે જામગરી ચંપાઈ.એનાં ફળસ્વરૂપે પચીસ વર્ષનાં દાંપત્યજીવનમાં પ્રથમ વાર એનો હાથ નિલાક્ષી પર ઉપડી ગયેલો.

એ થપ્પડ ખાધા પછી માનુની નિલાક્ષી માટે એક ક્ષણ પણ થોભવું દોહ્યલું હતું. જતી નિલાક્ષીને પ્રશાંતે રોકી ન હતી.

એનાં એક નહીં, ઘણા કારણો હતા.

એક તો સર્વપ્રથમ પુરુષસહજ અહમે એમાં મહત્વનો ભાગ ભજવેલો.બીજું કારણ એ હતું કે  વર્ષો પહેલાં નિલાક્ષી સાથેનાં સહજીવન માટે એણે જે આર્થિક -સામાજિક કારણોસર સમાધાન કરેલું એ સંજોગો હવે રહ્યા નહોતા. ત્રીજું કારણ એ હતું કે એનાં બાળકો હવે મોટા થઈ ગયેલા અને પંખીની માફક એમનાં ઘરરૂપી માળામાંથી ગંતવ્યસ્થાન તરફ ઊડી ગયેલાં. નિર્ઝરી પરણી ચૂકેલી તો નિસર્ગ અમેરિકામાં સ્થિર થઈ રહેલો.ચોથું કારણ છેલ્લું પણ મહત્વનું એ રહેલું કે એની બિમાર 'મા' નો વર્ષ પહેલાં દેહાંત થઈ ચૂકેલો.ટૂંકમાં એની અને નિલાક્ષીની સહિયારી સાંસારિક જવાબદારીઓ સારી પેઠે પાર પડી ચૂકી હતી. એટલે શું હવે પ્રશાંતને નિલાક્ષીની જરૂરત ન રહી હતી ?

સાવ એવું ન હતું. પ્રશાંતે નિલાક્ષીની ગેરહાજરીમાં એને સતત ધિક્કારી હતી અને એટલી જ એને પળે -પળ ઝંખી હતી. પ્રશાંત જેટલો એને ધિક્કારતો હતો એટલો જ એને ચાહતો પણ હતો. કેવો વિરોધાભાસ ! પણ આ એક નક્કર હકીકત હતી.

એનું એક કારણ એ પણ હોઈ શકે કે નિલાક્ષીએ એ વરસાદી ઘટના બાદ ન મિહિર કે ન અન્ય કોઈ પુરુષ સાથે એવો નજદીકી સમ્બન્ધ કે ઘનિષ્ઠતા કેળવેલી. એ રીતે ત્યાર બાદ એણે કયારેય પ્રશાંતને એનાં ચારિત્ર્ય તરફ આંગળી ચીંધવાનો મોકો નહોતો આપ્યો.

સમયાંતરે, પ્રશાંત સમજી શક્યો હતો કે એ રાતની ઘટના પાછળ નિલાક્ષી કરતાં વધુ જવાબદાર સંજોગો હતા. ફકત એકાદ વારનાં સ્ખલનને કારણે કોઈ પણ સ્ત્રી કે પુરુષને કાયમી ધોરણે ચારિત્ર્યહીન ન ઠેરવી શકાય એ તે સ્પષ્ટપણે સમજ્યો હતો. તેમનાં ટકી ગયેલાં દીર્ઘ લગ્નજીવન પાછળ એની આ સમજ પણ કામ કરી ગયેલી.

નિલાક્ષીનાં વિચારોમાં ખોવાયેલા પ્રશાંતને સતત રણકતી ડોરબેલે ઝબકાવી દીધો.

નિલાક્ષીનાં વિચારોમાં ને વિચારોમાં એણે દ્વાર ખોલ્યું.

'ઓહ...નિલાક્ષી !!!'

ક્ષણભર પ્રશાંતને ભ્રમ થયો કે નિલાક્ષી પાછી આવી !

પણ,ના એ નિલાક્ષી નહોતી. અદ્લોઅદ્લ નિલાક્ષીની જ પ્રતિકૃતિ જેવી જ દરવાજે ઉભેલી એ સોહામણી અઢાર -ઓગણીસ વર્ષીય યુવતી હતી નિમિષા... નિમિષા મિહિર બર્વે.

'મે આઈ કમ ઈન સર ?' એનો રણકતો ઘંટડી જેવો મધુર સ્વર પ્રશાંતનાં કાન વાટે થઈ હૃદયસોંસરવો ઉતરી ગયો.

એ આશ્ચર્યથી વિચારી રહ્યો, ગજબ છે ને ! સ્વર પણ નિલાક્ષી જેવો જ !

તે નિમિષાને લગભગ ઓળખી ગયો હતો. શિષ્ટાચારની રૂએ નિમિષાને આવકારવાની એની ફરજ હતી.એ નિભાવતા એણે સસ્મિત નિમિષાને આવકારી.

ન ઇચ્છવા છતાં નિલાક્ષી જેવી જ લાંબી -ઘેરી પાંપણોવાળી મોટી આસમાની આંખો,ગૌર વર્ણ અને કાળા કેશ ધરાવતી નિમિષા એને  મીઠડી લાગી રહી હતી.

?????????

'તું મિહિર -તૃષાની ડોટર છે ને ? ' પ્રશાંત એનાં ઘરમાં એની સામે બેઠેલી નિમિષાને પૂછી રહેલો.

'યા..' અમેરિકન શૈલીમાં એને ઉત્તર મળ્યો. પ્રશાંત જાણતો હતો કે નવજાત બાળકીને દત્તક લીધા બાદ તૃષા -મિહિર તરત જ અમેરિકા જતા રહ્યાં હતા.

નિમિષાની નજર ફ્લેટમાં કોઈને શોધતી હોય એમ બધે જ ફરી વળી. ઘરની હાલત પરથી એ કળી ગઈ કે ઘણા સમયથી ઘર સ્ત્રીવિહોણું છે.

' વ્હેર ઇઝ નિલુ આન્ટી ?' એકદમ સરળ પ્રશ્ન પૂછ્યો એણે.

ખલાસ ! જે પ્રશ્નનો પ્રશાંતને ડર હતો એ જ પ્રશ્ન પુછાયેલ.એ તરત કોઈ ઉત્તર ન વાળી શક્યો.

પ્રશાંતને અનુત્તર જોતાં નિમિષા આગળ બોલી,' મારી મૉમે એક લેટર આપ્યો છે.એ મારે નિલુ આંટીને આપવાનો છે. મૉમે કહેલું કે નિલુ આન્ટી તને મુંબઈમાં રહેવા માટે બધી વ્યવસ્થા કરી આપશે. આઈ રિયલી નીડ ગાઇડન્સ એન્ડ હેલ્પ ઑફ હર !'

નિમિષાના મીઠા સ્વરમાં રહેલાં અનુરોધ અને વિવેકથી પ્રશાંત મુંઝાઈ ગયો.એને પૂછવાનું મન થઇ આવ્યું કે,' ભલા, તું આટલાં વર્ષે અમેરિકા છોડી મુંબઇ શા માટે આવી છે ? અને અહીં કેટલો સમય રોકાવાની છે ? '

પણ એવું પૂછાય તો નહીં. એથી નિલાક્ષી વિશે યોગ્ય ઉત્તર મનમાં ગોઠવી -હોઠે આણી બોલ્યો,' વેલ, શી ઇઝ આઉટ ઑફ મુંબઈ. તે ત્રણ - ચાર દિવસ માટે મુંબઈ બહાર ગઈ છે.વાંધો ન હોય તો તું લેટર અહીં છોડી શકે છે.'

'ઓહ શ્યોર ! આ મારો મોબાઈલ નંબર છે. આન્ટી આવે એટલે મને ઇમિજીએટલી કૉલ કરાવજો પ્લીઝ...' કહેતાં એ લેટરનાં કવર પર જ પોતાનો મોબાઇલ નંબર લખી ઉભી થઇ ગઇ.

પ્રશાંત જે દિશામાં નિમિષા ગયેલી એ તરફ સ્થિર નજરે તાકી રહ્યો.વિચારી રહ્યો  કે ઘડીક વાર માટે આવેલી એ છોકરી અહીંથી જતાં જ ઘર જાણે ખાલી -ખાલી  થઈ ગયું હોય એવું  કેમ લાગી રહ્યું છે !!

અચાનક એનું ધ્યાન નિમિષા મૂકીને ગયેલી એ કવર પર પડ્યું. બંધ કવરમાં રહેલાં પત્રમાં શું લખાયેલ હશે ? તે વિચારી રહ્યો.

અંતે જિજ્ઞાસાવશ થઈ એણે પત્ર ફોડ્યો જ. પણ એ પત્ર ન હતો જાણે કોઈ બૉમ્બ હતો. જે પ્રચંડપણે ફાટ્યો હતો.

ક્રમશ :

***

Rate & Review

Rakesh Panchal

Rakesh Panchal 1 year ago

Nidhi Patel

Nidhi Patel 2 years ago

Bhavesh Sindhav

Bhavesh Sindhav 2 years ago

Chetan Thakrar

Chetan Thakrar 2 years ago

name

name 2 years ago