Kaash te mane kahyu hot - 8 - Last Part books and stories free download online pdf in Gujarati

કાશ તેં મને કહ્યું હોત…. - 8 - છેલ્લો ભાગ

કાશ તેં મને કહ્યું હોત….

પ્રકરણ - ૮

પ્રશાંતનાં હાથમાં તૃષાએ નિલાક્ષીને લખેલો પત્ર હતો. જેમ -જેમ પત્ર વંચાઈ રહેલો તેમ -તેમ પ્રશાંતનાં ચહેરો ઝંખવાતો ચાલ્યો અને અંતે કાળોધબ્ બની ગયો.

ડિયર નિલાક્ષી,

વર્ષો પછી ખાસ કારણસર પત્ર લખી રહી છું. તું તારાં પરિવાર સાથે કુશળ હોઈશ. તારે ત્યાં આ પત્ર લઈને આવનાર યુવતીને તું ઓળખી ગઈ હોઈશ.

એ તારી જ પુત્રી છે, નિમિષા ! અદ્લોઅદ્લ તારાં જેવી લાગે છે.તને એ જાણીને અપાર આનંદ થશે કે આજે તારી થાપણ હું તને પરત કરી રહી છું.

ગયા વર્ષે મિહિર એક કાર -એક્સિડન્ટમાં અમને મા - દીકરીને હંમેશ માટે છોડી ગયો. મિહિર વગર મારા જીવનમાં તદ્દન શૂન્યાવકાશ છવાઈ ગયો. નિમિષાએ મને સંભાળવાનો પૂરતો પ્રયત્ન કર્યો, પણ નિમિષાને મેં ફકત મિહિરની લાગણીને લીધે જ દત્તક લીધી હતી, એ વાત તું સારી રીતે જાણે છે.

મને આનંદ છે કે મિહિર છેલ્લે સુધી નિમિષા સાથે ખૂબ ખુશ હતો. તારા થકી અમને મળેલી આ ખુશી બદલ હું જિંદગીભર તારી ઋણી રહીશ.મિહિર ગયા બાદ મને સાંસારિક જીવનમાંથી રસ ઘટતો ગયો. ઉદાસી અને હતાશામાંથી બહાર આવવા મેં મારું મન યોગ અને ધ્યાન તરફ વાળ્યું. આજે હવે હું મારી બાકીની જિંદગી પોન્ડેચરી આશ્રમમાં ગાળવાના નિર્ણય પર આવી છું. તારાં હાથમાં આ પત્ર આવશે ત્યારે હું કદાચ ત્યાં આવી ગઈ હોઈશ.

તેં જ્યારે મને નિમિષાને દત્તક આપી ત્યારે હું જાણતી હતી કે તું તે બદલ કેટલી મનોવ્યથા વેઠી રહેલ છે. એ સમયે મારી સ્થિતિય કંઈ ઓછી વિચિત્ર નહોતી.

મિહિરે એ સમયે, એક રાત્રે જ્યારે મારી પાસે એવો ઘટસ્ફોટ કર્યો કે નિલાક્ષીનું ત્રીજું સંતાન એનું છે, તો મારી મતિ બહેર મારી ગયેલી. મિહિરનાં સ્ખલન બદલ નહીં, પણ એટલા માટે કે હું એ બાબત સારી રીતે જાણતી હતી કે મિહિર બાપ બનવાની ક્ષમતા ધરાવતો નથી.

અમેરિકા ખાતેનાં અમારાં સહઅભ્યાસકાળ દરમ્યાન હું અને તે - પરિચયમાં આવ્યાં. પ્રેમમાં પડ્યા અને પરણી ગયા.

અમારાં લગ્નનાં ત્રીજા વર્ષે મેં મારી ખુદની ગાયનેક બેન પાસે અમારાં બંનેનો ફર્ટિલિટી ટેસ્ટ કરાવતાં જાણવા પામી કે ખોટ મારામાં નહીં પણ મિહિરમાં છે.

મિહિર અત્યંત લાગણીપ્રધાન રહ્યો હોઇ, હું એને આ બાબત જણાવી એને ઠેસ પહોંચાડવા નહોતી ઇચ્છતી.બીજી તરફ હું માતૃત્વ પામવા પણ એટલી જ અધીરી થઈ ગયેલી.

પરિણામે, આ સમસ્યાનો - મારી બેને કુત્રિમ ગર્ભાધાનની વૈજ્ઞાનિક ટેકનીક દ્વારા મને માતૃત્વનું સુખ પ્રદાન કરી - તોડ કાઢેલો.

એ સુખ પણ ઝાઝું ન ટક્યું. આઠમા મહિને કસુવાવડ થતા, વધુ રક્તસ્રાવને લીધે મેં બાળક સાથે મારું ગર્ભાશય પણ ગુમાવ્યું.

આ બાબતની મેં તને જે સમયે તારું બેબી પહેલીવાર જોવા આવ્યાં ત્યારે જ જાણ કરતાં કહેલું કે તારું સંતાન, તારું અને તારાં પતિનું જ છે. મિહિર સમજે છે એમ એનું એ ચાઈલ્ડ નથી. એટલે તારે કોઈ પણ પ્રકારની લાગણીમાં ખેંચાઈને મિહિરને આપવાની જરૂર નથી.

ત્યારે તેં સ્પષ્ટ કહેલું કે મારાં સંતાનને હું માત્ર મારું ગણું છું. એ મિહિરનું છે કે પ્રશાંતનું એવો તારો મનમાં કોઈ ભેદ નથી.તેં જણાવેલું કે એ સમયે તું ઘણીબધી આર્થિક વિષમતાઓમાંથી ગુજરી રહેલી. તું બધી જ આર્થિક જવાબદારીઓને પહોંચી વળવા મક્કમ હતી, એક માત્ર પ્રશાંતનાં ઓપેરેશન ખર્ચને બાદ કરતાં.

પ્રશાંતની નાદુરસ્ત તબિયતને લીધે તું ઘણી ચિંતિત હતી. એને લીધે તું તારી પુત્રીને દત્તક આપવા માટે મક્કમતાપૂર્વક તૈયાર થઇ હતી. તને મકકમ જોતાં પછી મેં પણ મિહિરનો એ ભ્રમ છેક છેવટ સુધી જાળવી રાખેલો.

મિહિર તને ચાહતો હતો. એથી એણે બેબીનાં નામકરણ સમયે તારાં નામમાંથી પહેલો અક્ષર ' નિ ' પસંદ કર્યો. બીજો અક્ષર પોતાનાં નામમાંથી ' ' મિ ' અને મારાં નામમાંથી છેલ્લો અક્ષર ' ષા ' લઈ એનું નામ 'નિમિષા' રાખ્યું.

નિલાક્ષી, પ્રશાંત માટે થઈને તેં તારાં જીગરનાં ટુકડા સમી નિમિષા અમને સોંપી તારી 'સ્ત્રી' તરીકેની મહાનતાનો પરિચય કરાવ્યો છે. ખરેખર પ્રશાંત નસીબદાર છે કે એને તારાં જેવી પત્ની મળી છે.

એક બીજી ખાસ વાત કે નિમિષા આ બાબતે કંઈ જ જાણતી નથી. તેને આ હકીકતની જાણ કરીને સંભાળી લેવાનો ભાર તારા પર છોડી રહી છું.

એ સાથે જ, આ પત્રનાં સમાપન સાથે મારી હાર્દિક શુભેચ્છાઓ છે કે તમારાં પોતાનાં જ આ ત્રીજા સંતાનનું પુનરાગમન તમારી જિંદગીમાં ખુશીઓની બહાર લાવે.

બસ, એ જ....તૃષાની યાદ.

પ્રશાંત પૂતળું બની ગયેલો. પત્ર કહી રહ્યો હતો કે જે નિમિષાને એ મિહિર - નિલાક્ષીનું ફરજંદ સમજતો હતો, તે તો એનું ખુદનું સંતાન હતી.

ભલે અજાણતાં જ, પણ એણે તેની ખુદની જ દીકરીનો સોદો કરી પોતાનાથી કાયમ માટે દૂર કરી હતી. સોદો એવો કે જે ન ખોટનો હતો કે નફાનો. એ રીતે મૂલવી શકાય એમ જ નહોતો. કેમ કે તે એક એવો વરવો સોદો હતો કે જે કોઈ બાપ ક્યારેય ન કરે. એ જ ક્ષણે તેને હૃદયરોગનો હુમલો થયેલો અને તે ઢળી પડેલો.

?????????

જ્યારે, નિમિષાએ નિલાક્ષીને એની સાથે જ અમેરિકા લઇ જવાની હુંફભરી સમજદારી દાખવેલી તો નિલાક્ષી ધ્રુસકે - ધ્રુસકે રડી પડી હતી. એ પળે નિમિષાની આંખોમાંથી પણ આંસુઓ વહેવા લાગેલાં અને એ જ આંસુઓ બહાર ઊભેલાં નિસર્ગ - નિર્ઝરી અને નિશીથની આંખોમાંય આવી ગયા હતા.

મિજાગરાની ખામીથી અધખુલ્લા રહી ગયેલા દરવાજામાંથી ન માત્ર એમણે બધું સાંભળ્યું હતું, બલ્કે એમની સાથે જ વ્હીલચેરમાં બેસીને આવેલાં પ્રશાંતે પણ બધું જ સાંભળ્યું હતું.

એનું હૈયું તો રીતસર હાહાકાર કરી ઉઠેલું.એની આંખોમાં ધસી આવેલ અશ્રુઓની ઝાંયમાં લગ્નજીવન દરમ્યાન જોયેલાં - અનુભવેલા નિલાક્ષીનાં વિવિધ રૂપો તરવરી ઉઠેલાં.

ભાનમાં આવ્યાં બાદ પ્રશાંતે ક્ષણે -ક્ષણે નિલાક્ષીને ઝંખી હતી.નિમિષા તેની જ પુત્રી હતી, એ જાણ્યાં બાદ નિલાક્ષીની માતૃવેદનાની સાચી પીડાનો ખ્યાલ હવે એને રહી રહીને આવી રહ્યો હતો.એનાંમાં જાગ્રત થયેલ પિતાએ એને નિલાક્ષીની પીડાનો અહેસાસ કરાવ્યો હતો.

એ સમયે તે તો નિમિષાને નિલાક્ષી-મિહિરની પુત્રી સમજી સ્વીકારી નહોતો શક્યો, પરંતુ નિલાક્ષીએ તો બેશક માત્ર એનાં માટે તેની મમતાનું બલિદાન આપ્યું હતું. એ ધારત તો નિમિષાને પોતાની પાસે રાખવા સ્વતંત્ર હતી જ, પણ એનાં માટે પ્રશાંતની જિંદગી પણ એટલી જ કિંમતી હતી. સરવાળે એણે દિલ પર પથ્થર રાખી નિમિષાને દત્તક આપી હતી.

પ્રશાંતની આંખો અને હૈયાને તૃષાનાં પત્રે આબાદ ઉઘાડ્યા હતા.

રૂમમાં વ્હીલચેર પર બેસી પ્રવેશી રહેલ પ્રશાંતને નિલાક્ષી દિગ્મૂઢપણે જોઈ રહી. નિમિષા પણ આનંદસહ આશ્ચર્ય અનુભવી રહી.

'નિલા, મને માફ નહીં કરે ? '

પ્રશાંતનાં મ્હોંએ માત્ર આટલું જ સાંભળતા નિલાક્ષીએ એની તરફ દોટ મૂકી હતી.

એ જ સમયે નિર્ઝરીએ આગળ વધીને નિમિષાને પ્રેમથી ગળે વળગાડી લીધી હતી. નિસર્ગ પણ એની નાની બેનને ભેટ્યો હતો.

પ્રશાંતનાં બન્ને ધુંટણો પર પોતાનું મસ્તક નાંખી દઈ નિલાક્ષી રડી રહી.

થોડીવારે એ બંનેય વચ્ચે ત્રુટક વાતચીત થઈ. એ વાતચીત દરમ્યાન બંનેય સમજ્યા હતા કે નિલાક્ષીએ ગોપીત રાખવા ઇચ્છેલ વાતને પ્રશાંતે અજાણતા જાણી જવા છતાં ગોપીત રાખી હતી, અને મિહિરનાં ભ્રમને સાચો માની લઈ એણે નિલાક્ષીને, ખુદને અને નિમિષાને સૌથી વધુ અન્યાય કર્યો હતો.

નિલાક્ષીની આંખો જાણે એને કહી રહેલી,' ઓહ પ્રશાંત, તેં મને એક વાર નિખાલસપણે નિમિષાનાં સાચા જનક વિશે પૂછી જોયું હોત ! '

પ્રશાંત પણ તેની જ ભાષામાં એને કહી રહ્યો હતો જાણે કે, 'કાશ ! તેં મને કહ્યું હોત ! નિલા, તેં એકવાર ખુલ્લા દિલે મિહિર સાથે ઘટી ગયેલી ઘટનાને કબૂલી લીધી હોત તો હું પણ નિખાલસ બની તને કંઈક પૂછી શક્યો હોત !'

સહસા તેમની નજર નજીક આવી ગયેલી નિમિષા પર પડી હતી. જે તેમનાં પ્રેમ અને મમતાથી સાચી અધિકારીણી હોવા છતાં અત્યાર સુધી વંચિત રહી હતી અને પ્રતિક્ષા કરી રહી હતી.

પ્રશાંત અને નિલાક્ષી - બંનેયે એમની પરસ્પરની ફરિયાદો ભૂલી નિમિષાને તેમનાં અંકમાં- હૃદયમાં-ઘરમાં સમાવી લીધી હતી, હંમેશ માટે.

સંપૂર્ણ