કાશ તેં મને કહ્યું હોત…. - 7 in Gujarati Love Stories by Urvi Hariyani books and stories Free | કાશ તેં મને કહ્યું હોત…. - 7

કાશ તેં મને કહ્યું હોત…. - 7

કાશ તેં મને કહ્યું હોત….

પ્રકરણ - ૭

'નિ....લા...'

ત્રણ દિવસે ભાનમાં આવેલાં પ્રશાંતનાં હોઠેથી પહેલો એ શબ્દ સર્યો હતો.

ડોક્ટરે એમની પ્રશ્નભરી નજર નિર્ઝરી પર ઠેરવી. નિર્ઝરીએ કંઇક અંશે ડઘાઈ. એણે નિશીથ તરફ જોયું. અત્યારે નિશીથની નજરમાં વંચાતા ચોખ્ખા ઠપકાથી તેની આંખો ઝૂકી ગઇ હતી.

નિશીથની ચોખ્ખી મનાઈ છતાં એણે હોસ્પિટલમાં જ નિલાક્ષીને પેલો પત્ર આપ્યો હતો. જે વાંચી નિલાક્ષીનાં શરીરનું તમામ લોહી એક ક્ષણમાં ચુસાઇ ગયું હોય એમ એ નિષ્પ્રાણ જેવી થઈ ઉભી રહી ગયેલી. પછીની પળે એ નિમિષા સાથે હોસ્પીટલ છોડી ગઈ હતી.

બિચારી નિલાક્ષી!!!

છેલ્લાં ત્રણ મહિનાથી તે હદ બહારનો માનસિક પરિતાપ વેઠી રહી હતી. અંતે  એ માનસિક શાંતિ મેળવવા પોન્ડેચરી આશ્રમ ગઈ, તો ત્યાં એનો ઘાટ એવો થયેલો કે...ઘરની દાઝી વનમાં ગઈ અને વનમાં લાગી આગ !!

ત્યાં એનો તૃષા સાથે મેળાપ થયો હતો. તૃષાએ ઉપરછલ્લા એને જે સમાચાર આપેલાં એ જાણી એ ફરી એકવાર ઉપરતળે થઈ ગઈ હતી. એની કળ વળે એ પહેલાં પ્રશાંતને આવેલ હાર્ટએટેકનાં સમાચાર મળ્યાં અને તે મુંબઇ ધસી આવી. હજી એની વિટંબણાનો પાર ન આવ્યો હોય એમ પેલો પત્ર એનાં હાથમાં આવ્યો હતો.

?????????

નિલાક્ષી પત્ર વાંચીને કણ કણ થઈ વિખેરાઈ ગઈ હતી. એનાં આંસુ રોક્યા રોકાતા ન હતા.તૃષાએ એને જે પત્ર લખ્યો હતો, એ પત્ર વાંચ્યાં બાદ પ્રશાંતની આવી હાલત ન થાય તો જ નવાઈ હતી. આ પત્રને લીધે એ ન ફકત પ્રશાંતની નજરમાંથી, પણ એનાં બાળકોની નજરમાંથી પણ ઉતરી ચૂકી હતી, હંમેશ માટે.

એ દિવસનાં ઝઘડા બાદ, અત્યંત વિક્ષિપ્ત થયેલી નિલાક્ષી ઘર છોડીને તો નીકળી ગઈ હતી, પણ તેનાં મનમાં ઊંડે -ઊંડે એક આશા હતી કે પ્રશાંતને તેના વગર એક દિવસ પણ સોરવસે નહીં. પોતાની ભૂલ બદલ પ્રશાંત માફી માંગી તેને મનાવવા અને બોલાવવા જરૂર આવશે !

કેમ કે, અત્યાર સુધી - પતિ -પત્નીના નાના -મોટા દામ્પત્યકલહ દરમ્યાન એનાં દ્વારા લેવાયેલ દરેક રુસણાને અંતે અબોલા તોડી મનાવવાની પહેલ તો હંમેશા પ્રશાંતે જ કરી હતી. આ વખતે પણ એમ જ થશે એવો તેને વિશ્વાસ હતો.

પણ જેમ -જેમ દિવસો પસાર થતા જઈ રહેલાં તેમ-તેમ એનો વિશ્વાસ તૂટી રહ્યો હતો અને તૂટતાં વિશ્વાસની સાથે તે પણ તૂટી રહી હતી. અધૂરામાં પૂરું તૃષાનો માત્ર તેને જ સંબોધાયેલો પત્ર વાંચી પ્રશાંત સાથેનાં એ પૂર્વવત સુખદ સહજીવન માટેની તેની રહીસહી આશા કડડભૂસ થઈ ગઈ હતી.

નિલાક્ષીને સતત આશ્વાસન આપી રહેલી નિમિષા એમ સમજતી હતી કે નીલુ આન્ટી , પ્રશાંત અંકલની તબિયતને કારણે ખૂબ પરેશાન છે.

એ કહી રહેલી,' આન્ટી, મેં હમણાં જસ્ટ કૉલ કરીને જાણ્યું છે કે અંકલ  હવે આઉટ ઑફ ડેન્જર છે. એમને કંઈ જ નહીં થાય..'

પણ અત્યારે નિલાક્ષી ખુલીને નિમિષાને એમ કહી શકે એમ નહોતી કે મારાં રુદનનું સાચું કારણ તો તારી માતાનો એ પત્ર છે જેના થકી  મારી  જિંદગીમાં ચિનગારી ચંપાઈ ચૂકી છે, જે મને સમય કરતાં વહેલી રાખ બનાવી દેશે.

એને પોન્ડેચરીનાં રેલવેસ્ટેશન પર તૃષા સાથે થયેલી મુલાકાત યાદ આવી ગઈ.

?????????

દાદરથી ઉપડેલ પુડુચેરી એક્સપ્રેસ થોડો લેટ હતો. નિલાક્ષી પોન્ડેચરીનાં રેલવે સ્ટેશન ઉતરી ત્યારે સવારનાં આશરે  પોણા નવ જેવો સમય થઇ ચુકેલો.  એ બહાર નીકળતી હતી ત્યાં જ પાછળથી એને કોઈએ ઊંચા સ્વરે સંબોધેલી.....

'હેય નિલુ....જસ્ટ વેઈટ નિલુ...'

નિલાક્ષી ઉભી રહી ગઈ હતી. નજીક આવી પહોંચેલી તૃષાને જોઈ એ નવાઈ પામી ગયેલી.

તૃષા એને એકટક જોઈ રહેલી.

'તું અહીં નીલુ ? એ પણ એકલી ? ક્યારે નીકળી મુંબઈથી ?'

તૃષાએ ધડાધડ પ્રશ્નોતરી કરી નાખેલ.

'આ બધા જ પ્રશ્નો તને પણ લાગુ પડે છે તૃષા ! તું અહીં ? એ પણ એકલી ? ક્યારે આવી અમેરિકાથી ? મિહિર - નિમિષા ક્યાં ? ' સસ્મિત નિલાક્ષીએ એક પણ પ્રશ્નનો ઉત્તર આપ્યાં વગર જવાબમાં પ્રશ્નો કર્યા.

'ઓહ નીલુ, મારી પાસે વિગતવાર વાત કરવાનો સમય નથી. હું અત્યારે દિલ્હી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં મારાં કામથી દિલ્હી જઇ રહી છું.લિસન કેરફુલી, નિમિષા ત્યાં તારી પાસે મુંબઈ આવવા નીકળી છે. મેં એને કહ્યું છે કે તું ત્યાં એની મદદ કરીશ અને સાથે એક જરૂરી મહત્વનો પત્ર પણ એને ખાસ તને આપવા આપ્યો છે.એટલે  તું બને એટલી જલ્દી....' બાકીનાં શબ્દો તૃષાની ટ્રેઇન આવી પહોંચી હોવાથી, તૃષાનાં મ્હોમાં જ રહી ગયાં.

તૃષાનાં શબ્દો એનાં મ્હોમાં જ રહી ગયા હતા એમ નિલાક્ષીનાં મનની એ વાત અણકહી રહી ગયેલી  કે તે  છેલ્લાં ત્રણ મહિનાથી ઘર છોડીને નીકળી ગઈ છે.એ નિમિષા મુંબઇ આવી રહી છે એ જાણી એને મળવા બેચેન થઈ ગયેલી પણ એને જલ્દી મળી લેવા માટેની તાકીદ નહોતી સમજી શકી.

પણ આજે હવે એને પેલો પત્ર વાંચ્યા બાદ તૃષાનાં અધૂરું રહી ગયેલું વાક્ય સમજાઈ રહ્યું હતું કે....તું બને એટલી જલ્દી મુંબઇ પહોંચી જા...એ વાક્ય પાછળનું કારણ પણ સમજાઈ ગયેલું.

જો કે હવે ઘણું બધું મોડું થઈ ગયું હતું. એના પરિણામસ્વરૂપ પ્રશાંત હોસ્પિટલમાં ગંભીર સારવાર હેઠળ હતો અને આ વિષમ પળે તે એની નજીક ઇચ્છવા છતાં નહોતી જઇ શક્તી.

પ્રશાંત જે કક્ષાની શારીરિક યાતના વેઠી રહ્યો હતો એ જ કક્ષાની તે  માનસિક પીડા ભોગવી રહી હતી.

આખરે આ અતિ ગંભીર બની ચૂકેલ પરિસ્થિતિ માટે જવાબદાર કે દોષપાત્ર કોણ હતું ?? પેલો પત્ર કે ? શું ખરેખર એ પત્રનાં કારણે જ આ પરિસ્થિતિ સર્જાઈ હતી ! કહે છે કે કયારેક દર્દ એ જ દવા બનતી હોય છે. કાશ ! એવું અહીં પણ થતું હોત.એ પત્ર જ એમની દવા બની શકતો હોત તો !

?????????

લગભગ અઠવાડિયા પછી......

હોટેલ લીલાના ફિફ્થ ફ્લોરનાં એ વૈભવી રૂમમાં નિલાક્ષીનાં મોઢે પોતાનાં જન્મની સાચી હકીકત અને એની મૉમ તૃષાનાં પત્રનો સાર સમજાતાં નિમિષા ક્ષુબ્ધ બની ગયેલી.

નિલાક્ષી એ નીલુ આન્ટી નહીં પણ એની જન્મદાત્રી એટલે કે સાચી મૉમ હતી એમ જાણી એ અઢાર વર્ષીય કન્યા થોડી ક્ષણો માટે અવાક્ જરૂર બની ગયેલી. પણ અમેરિકન સંસ્કૃતિમાં ઊછરી હોવાથી આ આંચકો એણે સહજતાથી પચાવી જાણ્યો હતો, જે નિર્ઝરી એનાં કરતાં મોટી હોવા છતાં નહોતી પચાવી શકી.

તૂટી ચૂકેલી નિલાક્ષી માટે નિમિષા અડગ ચટ્ટાન બનીને ઊભી રહી. એણે મનોમન ત્વરિત  નક્કી કરી લીધું કે તેની આ મૉમને તે એકલી નહીં રહેવા દે . તેની સાથે અમેરિકા લઇ જશે.

એ બોલી હતી,' મૉમ, ડોન્ટ વરી. આયમ વિથ યુ. આઈ લવ યુ વેરી મચ મૉમ. આઈ વીલ ટેક યુ અમેરિકા વિથ મી . નૉવ ડોન્ટ ક્રાય મોર એન્ડ પ્લીઝ સ્માઈલ..! '

નિમિષાની હુંફભરી સમજદારીથી નિલાક્ષી ધ્રુસકે - ધ્રુસકે રડી પડી હતી. નિમિષાની આંખોમાંથી પણ આંસુઓ વહેવા લાગેલાં. માત્ર નિમિષા નહીં, આંસુઓ તો બહાર ઊભેલાં નિસર્ગ - નિર્ઝરી અને નિશીથની આંખોમાંય હતા.મિજાગરાની ખામીથી અધખુલ્લા રહી ગયેલા દરવાજામાંથી એમણે બધું સાંભળ્યું હતું.

આખરે એ લોકો અત્યારે નિલાક્ષી પાસે શા માટે આવ્યાં હતાં ?

ક્રમશ :

પ્રકરણ – ૮ ની રાહ જોશો