The Ooty.... - 13 books and stories free download online pdf in Gujarati

ઘ ઊટી... - 13

13.

(અખિલેશે ઇવેન્ટનો બીજો દિવસ પણ ખુબ સારી રીતે હેન્ડલ કર્યો, ત્યારબાદ જમીને પોતાના રૂમમાં બેઠાં-બેઠાં ગઈકાલે રાતે પોતાની જે હાલત હતી તેના વિશે વિચારવા લાગે છે, અચાનક કંઈક યાદ આવતાની સાથે જ અખિલેશ રાતના લગભગ 11:30 વાગ્યાની આસપાસ આલીશાન પબ વાળા રસ્તે જાય છે……)
અખિલેશ જ્યારે પોતાની સાથે શું બન્યું હશે તેનો ઊંડાણપૂર્વક વિચાર કરી રહ્યો હતો, તે દરમિયાન તેની નજરોની સમક્ષ એક આછી મુખાકૃતિ તરી આવે છે...જ્યારે તે વધુ ઊંડાણપૂર્વક વિચારે છે તો તે આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે કારણ કે એ મુખાકૃતિ બીજા કોઈની નહીં પરંતુ શ્રેયાની જ હતી...હવે ગઈકાલે રાત્રે પોતાની મદદ કરનાર શ્રેયા જ હતી કે પોતાનો વહેમ એ નક્કી કરવા માટે ફરી એ જ રસ્તા પર જાય છે.
અખિલેશ રાતે 11:30 વાગ્યાની આસપાસ ધ સીટી પેલેસ હોટલ અને આલીશાન પબ વચ્ચે આવેલ રસ્તાની વચ્ચોવચ ઉભો રહે છે, અને પોતાની ગઈકાલે શું બન્યું હશે...તે વિચાર સાથે વિઝયુલાઈઝ કરવાં માટેના પ્રયત્નો કરવાં માંડે છે.

ધીમે - ધીમે અખિલેશને આખી ઘટના યાદ આવવાં લાગે છે, છેલ્લે અખિલેશને યાદ આવ્યું કે પોતે જ્યારે સીટી પેલેસ હોટલે જઇ રહ્યો હતો, ત્યારે તેણે રસ્તામાં એકબીજાને ભસ્તા કૂતરાને પથ્થર માર્યો હતો.

બરાબર એ જ સમયે તેના કાનમાં એક કર્ણપ્રિય સુમધુર અવાજ પડ્યો, એના શબ્દોમાં એટલી મીઠાસ હતી કે બસ તેનો અવાજ સાંભળ્યા જ કરીએ એવું લાગતું હતું, આથી અખિલેશે નશાની હાલતમાં પણ એ અવાજથી પ્રભાવિત થઈને અવાજ જે દિશા તરફથી આવી રહ્યો હતો, તે દિશામાં લથડીયા ખાતાં-ખાતાં પાછું વળીને જોવા માટે પ્રયત્ન કર્યો. જેવું અખિલેશે પાછળ વળીને જોયું તો તેની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ,....કારણ કે એ સુમધુર કર્ણપ્રિય અવાજ બીજા કોઈનો નહીં પરંતુ ખુદ શ્રેયાનો જ હતો, શ્રેયાને પોતાની પાછળ, આટલી મોડી રાતે જોઈને અખિલેશને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો, આથી અખિલેશે પોતાની આંખો બે હાથ વડે ચોળતાં-ચોળતાં શ્રેયા તરફ ફરીવાર જોયું, અખિલેશ વિચારવા લાગ્યો કે પોતે હાલ નશાની હાલતમાં છે એટલે તેને સામે શ્રેયા જ દેખાતી હશે, કારણ કે અખિલેશ શ્રેયાને હૃદયથી ચાહવા લાગ્યો હતો.

અખિલેશની આવી હરકત કે પ્રતિક્રિયા જોઈને શ્રેયાએ અખિલશની નજીક જઈને માથા પર હળવેથી ટપલી મારીને કહ્યું કે…

"અખિલેશ ! તમે નશાની હાલતમાં છો, એ સો ટકા સાચી વાત છે, આ વાત જેટલી વાસ્તવિક છે એટલી જ હું તમારી સામે ખરેખર ઉભી જ છું એ વાત પણ વાસ્તવિક છે." - શ્રેયા અખિલેશને વાસ્તવિકતાનું ભાનું કરાવતાં બોલી.

શ્રેયાનાં આ શબ્દો સાંભળીને અખિલેશને વિશ્વાસ આવી ગયો કે હાલ પોતે હકીકત માં શ્રેયાની સામે ઉભો હતો, આથી અખિલેશે પોતાના લથડીયા ખાતાં કદમોને સ્થિર કરવાં માટે વ્યર્થ પ્રયત્નો કરવાં લાગ્યો, પરંતુ અખિલેશ એટલી નશાની હાલતમાં હતો કે તેના પગ સ્થિર રાખવાના પ્રયત્નો કરવાં છતાંય તેનું પુરે-પુરૂ શરીર હજુ પણ ડોલી રહ્યું હતું, ત્યારબાદ અખિલેશે પોતાના કપાળ પર રહેલો પરસેવો લૂછતાં-લૂછતાં બોલ્યો.

"શ્રેયા….તું અત્યારે ..? અહીં…?...આ સમયે…?" - અખિલેશ માંડ - માંડ અટકતા-અટકતા અવાજે બોલ્યો.

" હા ! હું અત્યારે, અને એ પણ તમારી સમક્ષ જ ઉભી છું, હું અહીં ઊટીમાં ટુરમાં આવેલ છું, અને દસ દિવસ રોકાવાની છું, અને મારી હોટલ પણ સામે જ આવેલ છે…" - શ્રેયાએ પોતાની હોટલ તરફ આંગળી ચીંધીને ઈશારો કરતાં અખિલેશને બતાવ્યું.

અખિલેશ માંડ-માંડ મહામહેનતે સ્થિર ઉભો રહી શકતો હતો, એમાં પણ શ્રેયાએ હોટલ દર્શાવવા માટે પોતાના હાથ વડે જે બાજુ ઈશારો કર્યો, એ તો અખિલશે કેવી રીતે જોઈ શકે….? છતાંપણ અખિલેશે પોતાની ઢળતી આંખોને સ્થિર કરીને હોટલ તરફ જોવા લાગ્યો, વાસ્તવમાં તો અખિલેશને બધું જ ધુધળું અને ડબલ જ દેખાય રહ્યું હતું.

"સ...ર..સ.." - અખિલેશ બોલ્યો.

"હું ! ગઈકાલે રાતે મારા રૂમની ગેલેરીમાં ઉભા રહીને જ્યારે ઊટી શહેરની રોશની અને સુંદરતાને નિહાળી રહી હતી, એવામાં મને જોર-જોરથી કુતરાઓનો ભસવાનો અવાજ સંભળાયો…આથી મેં ગેલેરીમાંથી નીચે જોયું...અને મેં તમને જોયો, ત્યારબાદ તમારી હાલત જોઈ, આથી મને તમારા પર દયા આવી અને તમને મદદ કરવા માટે હું નીચે આવી, આમપણ તમે મને ટોયટ્રેનમાં મુસાફરી દરમ્યાન ટ્રેનમાં ચડવામાં મદદ કરી હતી, એટલે મારી પણ ફરજ બને કે હું પણ તમારી મદદ કરું, અને આમપણ આ હાલતમાં તો તમારે ખાસ કોઈની મદદની જરૂર હતી." - શ્રેયાએ આખી ઘટના જણાવતાં અખિલેશને કહ્યું.

ત્યારબાદ શ્રેયાએ લથડીયા ખાઈ રહેલા અખિલેશનો હાથ, પોતાના હાથમાં પકડીને કોઈ માતા જેવી રીતે પોતાનાં નાનાબાળકનો હાથ પકડે તેવી રીતે શ્રેયા અખિલેશનો હાથ પકડીને ધ સીટી પેલેસ હોટલ સુધી મૂકી ગઈ, હોટલ નજીક આવતા જ શ્રેયા અખિલેશનો હાથ છોડતાં બોલી.

"સાહેબ ! તમારી, મંજિલ આવી ગઈ છે, અને તમારો મારા પર રહેલો ઉપકાર પણ હવે ચૂકવાઈ ગયો છે…" - આટલું બોલી શ્રેયા પોતાની હોટલ તરફ જવા માટે પાછી ફરી.

સીટી પેલેસ હોટલથી થોડેક જ દૂર રહેલ એક બાઈકનો ટેકો લઈને અખિલેશ માત્ર શ્રેયા જતી હતી તે નિહાળતો રહ્યો, આ બાજુ શ્રેયા પોતાની નજરોથી દુર થઈ રહી હતી, અને બીજી બાજુ પોતાના શરીર પરનો કંટ્રોલ પણ ઓછો થઈ રહ્યો હતો, અખિલેશ મૂંઝવણ અનુભવી રહ્યો હતો, કે આ નશો આલ્કોહોલનો છે કે પછી પોતે જેને દિલથી પસંદ કરે છે તે શ્રેયાનો….!


અખિલેશ જ્યારે સીટી પેલેસ હોટલ અને આલીશાન પબની વચ્ચે આવેલા રસ્તા પર ઉભાં- ઉભાં, પોતાની સાથે બનેલ આ બધી ઘટનાઓ વિઝયુલાઈઝ કરી રહ્યો હતો, એવામાં અખિલશના કાને ફરી એજ મધુર કર્ણપ્રિય અવાજમાં બોલાયેલા શબ્દો પડે છે…


"આજે ! પણ તમે મોજમાં જ છો…? આલ્કોહોલ લઈને…?"

અખિલેશ અવાજની દિશામાં પાછું વળીને જોવે છે, તો ત્યાં ખુદ શ્રેયા ઉભી હતી..જેને જોઈ અખિલેશને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો.

"ના ! બિલકુલ નહીં...આજે હું જરાપણ નશામાં નથી…!" - શ્રેયા અને તેની સુંદરતા સામે જોતા અખિલેશ બોલ્યો.

શ્રેયા ગુલાબી કલરનાં નાઈટડ્રેસમાં હતી, ગુલાબી રંગનું ટી-શર્ટ અને કાળા રંગની કેપ્રી પહેરેલ હતી, માથા પર સાદો અંબોડો વાળેલ હતો, અને તેના પર કાળા રંગનું રબબર બેન્ડ લગાવેલ હતું, તેના ખુલ્લા વાળ કરતાં પણ તે આ અંબોડામાં વધું મોહક લાગી રહી હતી, હાથમાં ગુલાબી રંગનું રબબર બેન્ડ લગાવેલ હતું, હાથમાં મોબાઈલ અને ગળામાં લગાવેલ સફેદ રંગની હેન્ડસ ફ્રી ને લીધે તે વધુ સુંદર લાગી રહી હતી, અખિલેશે ટ્રેનમાં જોઈ તેના કરતાં શ્રેયા આજે વધુ આકર્ષક અને માદક લાગી રહી હતી….તેણે પહેરેલા કપડામાંથી જાણે યુવાની બહાર ડોકિયા કરી રહી હોય તેવું લાગી રહ્યું હતું….અખિલશ મનમાં વિચારી રહ્યો હતો કે આજે તો શ્રેયાને જોઈને એવું લાગે છે કે કોઈ આલ્કોહોલની જરૂર જ નથી, શ્રેયાનું રૂપ અને મોહકતા જ તેને નશો ચડાવી દેશે…!

"ઓહ ! મિ. અખિલેશ ! હું તમારી સાથે વાત કરું છું..!" - અખિલેશનું ધ્યાન તોડતાં શ્રેયા બોલી.

"જી ! બિલકુલ નહીં, આજે મેં આલ્કોહોલ નથી લીધો, એ તો ગઈકાલે મારી કંપનીની સોફ્ટવેર લોન્ચિંગની ઇવેન્ટ હતી, તેમાં ભવ્ય સફળતા અને આવકાર મળેલ હતો, જેના સેલિબ્રેશનના ભાગ રૂપે મેં અને મારી કંપનીના અન્ય કર્મચારીઓ સાથે એક નાનકડું સેલિબ્રેશન કર્યું હતું.." - અખિલેશ પોતાનો બચાવ કરતાં બોલ્યો.

"થેન્ક ! ગોડ..! હું જ્યારે મારી ગેલેરીમાં બેસીને સોન્ગ સાંભળી રહી હતી, એવામાં મારી નજર તમારા પર પડી, મને લાગ્યું કે તમે આજે પણ નશાની હાલતમાં હશો, આથી તમારી મદદ કરવા માટે હું નીચે હોટલની બહાર દોડી આવી…!" - શ્રેયા એક જ શ્વાસમાં બધું બોલી ગઈ.

"શું ! હું નશાની હાલતમાં હોવ તો જ તે તું મારી મદદ કરે એવું…? કે મારી સાથે વાત કરે...એવું…?" - અખિલેશે શ્રેયાને એક નિર્દોષ પ્રશ્ન પુછ્યો.

અખિલેશનો આ પ્રશ્ન કે તેના શબ્દો શ્રેયાના હૃદયને વીંધીને આરપાર નીકળી ગયાં, અખિલેશને શું જવાબ આપવો, તેના માટે શ્રેયા પાસે હાલ કોઈપણ શબ્દો હતાં નહીં….કારણ કે શ્રેયા પણ અખિલેશને મનોમન પસંદ કરવા લાગી હતી, તેણે વિચાર્યું કે જો પોતે અખિલેશને “હા” એવું કહેશે તો પછી અખિલેશ પોતાની પાછળ એટલો ગાંડો છે કે દરરોજ રાત્રે આલ્કોહોલ પીઈને જ આવી રીતે આવશે…જેથી હું તેને અહીં આવી દરરોજ મદદ કરવાનાં બહાને હું તેને મળું.

"ના ! એવું કંઈ નથી….!" - શ્રેયા વિચારીને બોલી.

"તો ! કેવું છે…?" - અખિલેશ વાતનો દોર પકડતા બોલ્યો.

"કંઈ નહીં…" - શ્રેયા થોડું શરમાતા અને હસતા ચહેરે બોલી.

"કંઈક તો છે જ…" - અખિલેશ હવે શ્રેયા પાસે મનની વાત બોલાવવા માંગતો હોય તેવી રીતે બોલ્યો.

"એવું નહીં…! તમારી જગ્યાએ કોઈપણ હોત તો હું તેને મદદ કરવા આવી જ હોત…!" - શ્રેયા બોલી.

"હું ! માનું છું કે તમે ચોક્કસ મદદ કરી જ હોત… પણ હું નહીં માનતો કે તમે કોઈ અજાણ્યો વ્યક્તિ કે જે આટલી મોડી રાતે ફૂલ નશાની હાલતમાં હોય અને તમે તેને મદદ કરવા માટે આગળ આવ્યા હોત..!" - અખિલેશ હવે મુદ્દા પર આવી રહ્યો હતો.

"હમમ…" - શ્રેયા પાસે કોઈ જવાબ ન હોવાથી માત્ર આટલું જ બોલી.

"શું ! તને મારા પ્રત્યે કાંઈ ફીલિંગ છે…?" - હવે અખિલેશે દિલની વાત જણાવતા શ્રેયાને પૂછી જ લીધું.

"પ..ણ… પ….ણ.." - શ્રેયાએ આવો જવાબ આપ્યો, અખિલેશ જાણે શ્રેયાના મનની વાત જાણી ગયો હોય તેવું લાગી રહ્યું હતું.

"તારા ! મનમાં મારા પ્રત્યે જે કોઈ લાગણી હોય તે કોઈપણ પ્રકારના ડર કે બીક વગર જણાવી શકો છો.." - અખિલેશે હિંમત કરતાં શ્રેયાને કહ્યું.

"શું...તમે...પણ…!" - આટલું કહી શ્રેયા શરમાતા ચહેરે હસતાં - હસતાં પોતાની હોટલ તરફ જવા લાગી.

આ બાજુ શ્રેયાનો જવાબ સાંભળવા આતુર અખિલેશ, શ્રેયાને પોતાનાથી દૂર જતી જોઈને, ટ્રેનમાં કરી હતી એવી ભૂલનું પુનરાવર્તન ના થાય તે માટે જોરથી બુમ પાડીને શ્રેયાને પૂછ્યું.

"તો...હું...હા...સમજુ...કે...ના…?" - અખિલેશે શ્રેયાને મોટા અવાજે પૂછ્યું

અખિલેશ એ બાબત ખુબ જ સારી રીતે જાણતો હતો કે જ્યારે કોઈ છોકરો પોતાને પસંદ છોકરી પાસે પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂકે અને જો તે છોકરી પ્રસ્તાવ મુકનાર છોકરાને પસંદ ના કરતી હોય તો છોકરી તે છોકરાના મોઢા પર જ ના કહીને જતી રહેતી હોય છે, અહીં શ્રેયાએ અખિલેશે મુકેલા પ્રસ્તાવમાં ના એવું કહ્યું ન હતું, અને પોતે શરમાતા- શરમાતા અને હસતાં ચહેરે પોતાની હોટલ તરફ ચાલવા લાગી એનો સ્પષ્ટ અર્થ એ છે કે શ્રેયાનાં હૃદયના કોઈ એક ખૂણામાં તો અખિલેશ માટે લાગણીઓનું તળાવ ભરેલ હતું જ તે, બસ રાહ હતી તો તે તળાવમાંથી મુક્તપણે એક ઝરણાને વહેવાની. એ ધોધ કે જેમાં પોતે અને શ્રેયા બનેવે તરબતોળ થઈ જાય, અને આ પ્રેમ રૂપી ધોધમાં બનેવ વહી જાય.

"હું….પ...છી...જણાવીશ…!" - શ્રેયા આટલું બોલી હરણની માફક પોતાની હોટલ તરફ જતાં રસ્તામાં ઝડપથી દોડવા લાગી.

આ બાજુ અખિલેશ પણ મનોમન ખુશ હતો, કારણ કે પોતે જાણી ગયો હતો, કે શ્રેયા પણ તેને પસંદ કરે છે, બસ જરૂર છે તો શ્રેયાના મોઢે બોલાવવાની...ત્યારબાદ અખિલેશ શ્રેયાને ત્યાં-સુધી નિહાળતો રહ્યો, જ્યાં- સુધી શ્રેયા દેખાતી બંધ ના થઇ. શ્રેયાને જતી જોઈને અખિલેશને લાગ્યું કે જાણે એક ઝરણું સાગરને મળવા માટે જેમ ઉછળતા -કૂદતાં વહી રહ્યુ હોય તેમ શ્રેયા પોતાની હોટલ તરફ દોડી રહી હતી.

ત્યારબાદ અખિલેશને જાણે પોતાનાં મનમાં રહેલા બધાં જ પ્રશ્નોના જવાબ એક સાથે જ મળી ગયાં હોય તેવી રીતે ખુશ થતાં- થતાં જાણે શ્રેયાનો નશો ચડ્યો હોય તેવી રીતે પોતાની હોટલ તરફ ચાલવા લાગ્યો. જ્યારે અખિલેશ હોટલ પર પહોંચ્યો ત્યારે ત્યાં હાજર રહેલા રિસેપનીસ્ટ અને અન્ય કર્મચારીઓ પણ નવાઈ પામ્યાં, કારણ કે અખિલેશ આજે આલ્કોહોલના નશામાં હતો નહીં.

પછી અખિલેશ પોતાના રૂમની ચાવી લઈને, પોતાના રૂમમાં જતો રહ્યો, ત્યારબાદ ઇવેન્ટના ત્રીજા દિવસના શેડયુલ પર એક આછી નજર કરી, પ્રેઝન્ટેશન પણ એકવાર જોઈ લીધું…..પ્રેઝન્ટેશન કોણ કરવાનું છે તે પણ જોઈ લીધું…..પરંતુ હજુપણ પોતાના મનમાં એક જ વ્યક્તિ ફરી રહી હતી તે હતી શ્રેયા, હાલ અખિલેશ એક પ્રકારનો આનંદ અનુભવી રહ્યો હતો, જે કોઈ જંગ જીત્યાંના આનંદ કરતાં ઓછો ના હતો, અને ત્યારબાદ અખિલેશ શ્રેયા વિશે વિચારતાં - વિચારતા જ સુઈ જાય છે, અને અખિલેશ શ્રેયાનો શું જવાબ આવશે તેના વિશે જાણવાં ખૂબ જ આતુર હતો…

આ બાજુ શ્રેયા પણ અખિલેશને શું જવાબ આપવો તેના વિશે વિચારતાં - વિચારતા જ પોતાના બેડ પર પડખા ફેરવતી રહી, પોતે પણ અખિલેશને ટ્રેનમાં જ્યારે પહેલીવાર જોયો હતો ત્યારથી જ પસંદ કરતી હતી, અને જ્યારે તે નશાની હાલતમાં રહેલા અખિલેશને હોટલ પર છોડવા જતી હતી, ત્યારે શ્રેયા વિચારી રહી હતી કે કાશ અખિલેશ ભાનમાં હોય અને પોતાનો હાથ આવી રીતે પકડીને તેની સાથે - સાથે કદમો મેળવીને ચાલતો હોય….પરંતુ અફસોસ કે હાલ જે કંઈ બન્યું એ અખિલેશને આવતી કાલે કંઈજ યાદ નહીં રહે…

કુદરત પણ જાણે અખિલેશ અને શ્રેયાને મળાવવા માંગતી હોય, તેમ જેવો અખિલેશ બીજા દિવસે રાત્રે સીટી પેલેસ હોટલ અને આલીશાન પબનાં વચ્ચે રહેલા રસ્તા પર આવ્યો, ત્યારે તેને ધીમે - ધીમે સદનસીબે બધું જ યાદ આવી ગયું, અને બરબર એ જ સમયે શ્રેયા પણ અખિલેશને મળવા પોતાની હોટલની બહાર આવી હતી...જે કોઈ ચમત્કારથી કંઈ ઓછું ન હતું.

શું શ્રેયા અખિલેશે મુકેલા પ્રસ્તાવમાં હા પાડશે કે ના એ ખુદ શ્રેયા કે અખિલેશ પણ જાણતાં ન હતાં, શું અખિલેશ અને શ્રેયા એકબીજાને હવે ફરી મળી શકશે…? જ્યારે બનેવ એકબીજાને મળશે ત્યારે તે બંનેના પ્રતિભાવ કેવાં હશે….? શું બનેવની પ્રેમકથા આગળ વધશે કે નહીં….? - આ બધાં પ્રશ્નોનો હજુપણ અખિલેશ અને શ્રેયાએ સામનો કરવાનો તો હજુ બાકી જ હતો.




ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com