પ્રેમ કે પ્રતિશોધ - 31

પ્રેમ કે પ્રતિશોધ-31


(આગળના ભાગમાં જોયું કે વિનય અને તેના મિત્રો એક કેફે શોપમાં બેઠા હોય છે. અને અર્જુન પણ જરૂરી કામ હોવાથી ત્યાં આવે છે. અને બધાને જણાવે છે કે પ્રેમનું એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હતું.)

હવે આગળ...

અર્જુનની વાત જાણે બધા માટે ગળે ઉતરે તેવી નહોતી કારણ કે અત્યાર સુધી પ્રેમ જ બધા મર્ડર કરે છે બધાના મનમાં એ જ આશંકા હતી. પણ પ્રેમનું અવસાન થયું છે એ જાણીને બધા આશ્ચર્યમાં પડી ગયા.
અર્જુને યોગ્ય જણાય તેવી માહિતી આપતાં બધાને પ્રેમના એક્સિડેન્ટ વિશે વિગતે વાત કરી.
રાધીએ કહ્યું,“ જે પણ થયું ખોટું થયું, એના મનમાં ભલે અમારા
બધા પ્રત્યે નફરત હોઈ, પણ એ અમારો જ ફ્રેન્ડ હતો એટલે એના અવસાનના સમાચાર સાંભળીને અમને પણ દુઃખ થયું સર."
રાધીની વાત પૂર્ણ થતાં લગભગ થોડી ક્ષણો માટે બધે મૌન પ્રસરી ગયું.
અંતે વિનયે મૌન તોડતાં કહ્યું,“તો પછી પ્રેમ સિવાય કોણ હોઈ જે અમને બધાને..."
દિવ્યાએ કહ્યું,“કદાચ પ્રેમને કોઈ ક્લોઝ હોઈ તેવી વ્યક્તિ, પણ પ્રેમનું તો એક્સિડેન્ટ થયું હોય તો...કોઈ શા માટે આપણે..."
સુનીલે પોતાનો તર્ક રજૂ કર્યો,“પ્રેમના ફેમેલીમાંથી કોઈ ...."
અર્જુને બધાને શાંત કરતાં કહ્યું,“ પ્રેમનો કોઈ બદલો લઈ રહ્યું હોય કે અન્ય કોઈ હોય, પણ અત્યારે જો નિખિલને ડર લાગતો હોય તો એની સિક્યોરિટી. માટે બે કોન્સ્ટેબલની વ્યવસ્થા કરી દઈશ."
નિખિલે જવાબ આપતાં કહ્યું,“સર ગમે તે કરો પણ મારે ...."
“તને કઈ જ નહીં થાય ઉલ્ટાનું તારા કારણે તે કિલર પકડાઈ જશે...."અર્જુને કહ્યું.
“એ કઈ રીતે સર?" વિકાસે વિસ્મયતાથી પૂછ્યું.
અર્જુને પેન્ટના પોકેટમાંથી એક નાનકડી ચિપ નિખિલને શર્ટના કોલર પર લગાવતાં કહ્યું,“આ એક જીપીએસ ટ્રેકર છે. જેના દ્વારા તારી દરેક મુવમેન્ટ પર સીધી મારી નજર રહેશે, એટલે હવે શાંતિથી પોત-પોતાના ઘરે જાવ, અને હા જ્યાં સુધી આ કિલર ન પકડાઈ ત્યાં સુધી તમારા કોઈના મોબાઈલ ફોન ભૂલથી પણ બંધ ન થવા જોઈએ..."
“ok, સર." બધાએ એકસાથે ધીમા સ્વરે કહ્યું.
અર્જુને કહ્યું,“અને કોઈ પ્રોબ્લેમ ઉભી થાય તો મને કોલ કરજો. અને હવે તમારે લોકોએ પોત-પોતાના ઘરે જવું જોઈએ. રાધી અને દિવ્યાને હું ડ્રોપ કરી દઈશ.."
“તમારે તકલીફ લેવાની જરૂર નથી સર, અમે મેનેજ કરી લઈશું..." રાધીએ કહ્યું.
“આમ પણ હું એ બાજુથી જવાનો છું. તો એમાં તકલીફ ની તો કોઈ વાત જ નથી."
“ok સર, તો અમે જઈએ?"વિનયની નજર રાધી સમક્ષ હતી અને અર્જુનને પૂછ્યું.
“હમ્મ"અર્જુને કહ્યું.
વિનય,નિખિલ,સુનીલ અને વિકાસ કેફેમાંથી નીકળી પોત-પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું.
ત્યારબાદ અર્જુન પણ રાધી અને દિવ્યાની સાથે એક રિક્ષામાં બેસીને ત્યાંથી નીકળી ગયો કારણ કે તે અત્યારે કોઈ બાઇક કે પોલીસ જીપ સાથે લઈ ને નહોતો આવ્યો.
રસ્તામાં અર્જુને બંને સાથે તેમના ફ્રેન્ડ સર્કલ વિશે વાત કરી. પહેલાં રાધીને અને પછી દિવ્યાને હોસ્ટેલના ગેટ સુધી છોડી અને આગળ ચાલ્યો.
તેણે પહેલાથી જ હેડક્વાર્ટર જાણ કરી દીધી હતી કે અજય અને શિવાની સંબંધિત દરેક વ્યક્તિ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ધ્યાન રાખવી. તેમજ નિખિલની સેફટી માટે પણ બે હવાલદારોને નિખિલના ઘરની આજુબાજુ ગોઠવી દીધા હતા અને ક્લિયર ઈન્સક્શન પણ આપી દીધા હતા કે કઈ પણ અજુગતું લાગે એટલે સીધો તેનો કોન્ટેકટ કરવો.
    બીજા દિવસે સવારે 9 વાગ્યે અર્જુન રાબેતા મુજબ પોલીસ સ્ટેશને પહોંચ્યો. તેણે રમેશ અને દીનેશને તેની કેબીનમાં બોલાવ્યા.
“જય હિન્દ સર."બંને એ ઓફિસમાં આવી એક સાથે કહ્યું.
“જય હિન્દ, કંઈ નવીન જાણવાં મળ્યું?" અર્જુને સીધો મુદ્દાનો પ્રશ્ન પૂછ્યો.
“ના સર, હજી 10 મિનિટ પહેલા જ મેં કોલ કરીને તપાસ કરી હતી. આખી રાત દરમિયાન કઈ પણ અજુગતી ઘટના બની નથી. અને નિખિલની પણ ચિંતા થોડી ઓછી થઈ ગઈ હશે."રમેશે કહ્યું.
“ok, બેસો તમે બંને"અર્જુને બંનેને બાજુમાં પડેલી ખુરશી પર બેસવાનો ઈશારો કરતાં કહ્યું.
દીનેશે પૂછ્યું.“સર, આ રાજેશભાઈની કોલ ડિટેઇલ પણ થોડીવારમાં આવી જશે..., પણ સર જો પ્રેમ પણ નહીં તો આ બધા પાછળ કોણ હોઈ શકે?"
“એ જ તો જાણવું છે. પણ આપણી તપાસ આગળ વધતી જ નથી.."અર્જુન ગહન મનોમંથન કરી રહ્યો હતો.
અચાનક તેને કઈ યાદ આવ્યું હોય તેમ કહ્યું,“દિનેશ પેલી વોચની લિસ્ટ માત્ર અમદાવાદ શહેર પૂરતી જ બનાવી હતી ને?"
“હા સર, પણ કેમ તમે...?"દીનેશે પૂછ્યું.
“હવે એક કામ કર તું અને સંજય આજે જ મહેસાણા જઈ સિગ્મા બ્રાન્ડની વોચ જ્યાં મળતી હોય તેવા શોરૂમની લિસ્ટ બનાવીને આ વોચ ખરીદી હોય તેવા ગ્રાહકોની ડિટેઇલ તૈયાર કરો. અને હા બને એટલું જલ્દી... "
“ok સર"આટલું કહી દીનેશ અર્જુનની પરવાનગી મેળવી કેબીન બહાર આવ્યો.
સંજય પાર્કિંગમાં જીપ પાસે હાથમાં ચાની પ્યાલી લઈ ને ઉભો હતો. દીનેશને પોતાની તરફ આવતો જોઈને સામે લારી વાળાને બીજી ચા મોકલવાનો ઓર્ડર આપ્યો.
“કેમ આટલો બધો ટેંશનમાં છે ભાઈ?"દીનેશના ચહેરા પરની લકીરો પારખી ગયો હોય તેમ સંજયે પૂછ્યું.
“કઈ નહીં યાર, આ અર્જુન સર પણ... પહેલા આખા અમદાવાદમાં ઘડિયાળની શોપના ચક્કર લગાવ્યા અને હવે મહેસાણા..."
સંજયે વ્યંગ કરતાં કહ્યું,“શું વાત છે તો તો તમારે મહેસાણા ફરવાનું પણ પ્લાનિંગ કરવાનું છે ને?"
દીનેશે પણ વળતો ઉત્તર આપતાં કહ્યું,“અરે મિત્ર, મારે નહીં આપણે...."
“મતલબ..."સંજયના એક હાથમાં ચાની પ્યાલી હતી અને બીજા હાથે માથું ખંજવાળતા કહ્યું.
દીનેશે પણ રમુજી અંદાજમાં કહ્યું,“ જહાં ભી જાયેંગે એક સાથ જાયેંગે.. તારે પણ આવવાનું છે."
“અરે પણ અહીં મારી જરૂર પડશે, હું સરને મળી આવું એમને કહું કે તારી સાથે બીજા કોઈને મોકલે."
દીનેશે ફરી એજ અદાથી કહ્યું,“કોશિશ બેકાર હે, પણ ટ્રાય કરી લ્યો, અર્જુન સરે કહી દીધું એટલે ફાઈનલ.... અને હા સર પાસે જઈને શું કહેશો?"
સંજયે પ્રત્યુત્તર આપતાં કહ્યું,“હમ્મ, એ પણ સાચું જ છે. અર્જુન સરે કહી દીધું એટલે જવું તો પડશે જ.... ચાલો ત્યારે હું 5 મિનિટમાં આવું તમે ફાઈલ વગેરે જે લેવાનું હોઈ તે લઈ લેજો, આજે મહેસાણામાં જ દિવસ કાઢવાનો છે."
“બધું તૈયાર જ છે. તમે ફટાફટ આવો હું અહીં જ રાહ જોવ છું."દીનેશે જીપમાં બેસતાં કહ્યું.
*****
“તમને શું લાગે છે? પ્રેમના પપ્પા અથવા બીજું કોઈ.." નિખિલે પૂછ્યું.
સુનીલે કંટાળીને કહ્યું, “યાર, તું આજ સવારનો એક જ વાત લઈને બેઠો છો.એ વાત સિવાય બીજું કઈ નથી બોલવાનું?"
નિખિલે ચિંતિત સ્વરે કહ્યું,“અને તું ક્યારેય સિરિયસ થવાનો કે નહીં?"
“આપણે અહીં આરગ્યુમેન્ટ કરવા નથી બેઠા, પણ નિખિલની વાત સાચી છે." રાધીએ કહ્યું.
“વિનય તારે કઈ બોલવું છે?"સુનીલે વિનય સામે જોઈ ને કહ્યું.
     વિનયે થોડીવાર વિચારીને કહ્યું,“જ્યાં સુધી ખૂની ન પકડાઈ ત્યાં સુધી આપણે સેફ નથી. એ તો માનવું જ પડશે. અને પોલીસ જે કરે તે આપણે પણ ધ્યાન રાખવું જ પડશે, અને હા અર્જુન સરે જે કહ્યું તે પ્રમાણે તો પ્રેમના પપ્પા ન હોઈ શકે કારણ કે જો એમને એવું કંઈ કરવું હોય તો આટલો સમય રાહ શુ કામ જુવે..." 
“ વિનયની વાતમાં પોઈન્ટ તો છે."વિકાસે કહ્યું.
કોલેજનો બેલ રણક્યો બધા કેન્ટીનમાંથી કલાસ તરફ ચાલ્યા.
*****
“સર રાજેશભાઈની કોલ ડિટેઇલ આવી ગઈ છે." રમેશે અર્જુનની કેબિનમાં પ્રવેશતાં કહ્યું.
“કઈ કનેક્શન?"અર્જુને અધિરતાથી પૂછ્યું.
“જોઈ લો આ જે બ્લુ કલરથી હાઇલાઇટ કરેલ છે. તે નંબર...."


(ક્રમશઃ)

આપનો અભિપ્રાય અચૂક આપજો.
આભાર.
વિજય શિહોરા-6353553470

***

Rate & Review

Verified icon

RAJENDRA 2 months ago

Verified icon

Nitu Prajapati 2 months ago

Verified icon

Umesh Donga 3 months ago

Verified icon

Jagruti Munjariya 3 months ago

Verified icon

ATULCHADANIYA 3 months ago