Man Mohna - 23 books and stories free download online pdf in Gujarati

મન મોહના - ૨૩

મન અને ભરત પાછાં બેસી ગયા અને ચા લઈને પીવા લાગ્યા. ભરત સામે એક નજર કરી નિમેશ બહાર જવા વળ્યો હતો. એ નજર ભરતે વાંચી લીધી હતી, એ કહેતી હતી, સાલા ભુખ્ખ્ડ જિંદગીમાં કદી ચા નથી જોઈ તે આ ડોહલો મારું અપમાન કરે છે અને તું બેઠો બેઠો ચા પીવે છે!

“અરે ઇન્સ્પેકટર સાહેબ કેમ પાછા વળી ગયા? કોઈનો અગત્યનો ફોન આવી ગયો?” મોહનાએ બેઠકખંડમાં આવતા જ નિમેશને બહાર જતો જોઈ કહ્યું.

“કર્નલ સાહેબને લાગે છે કે મારે વોરંટ લઈને તને મળવા આવવું જોઈએ.” નિમેશ દાઢમાં બોલ્યો.

“હો..હો..હો..” મોહના તાળીઓ પાડી હસી પડી, “ખરેખર ડેડી તમે આને આવું કહ્યું? એ મારો મિત્ર જ નહિ ભાઈ છે, રાખી ભાઈ. સ્કુલનાં સમયથી હું એને રાખડી બાંધુ છું. કમોન નિમેશ બેસ અને ચા પી.”

“ઠીક છે, તું રાજી હોય તો મારે બીજું કશુ જ નથી જોઈતું. કંઈ જરૂર જેવું લાગે તો મને જણાવજે તારો બાપ હજી બેઠો છે!” કર્નલ એક ડારતી નજર નિમેશ તરફ નાખીને ઉપર ગયા અને યુવાનોને મોકળાશ કરી આપી.

“થેન્ક્સ મોહના!” નિમેશ બોલ્યો. એને પોલીસ ખાતામાં આવ્યા પછી આવા અનુભવ ઘણી વખત થયા હતા. કેટલીયે વાર એવું બનતું કે એનાથી સીનીયર કહેવાય એવા ઓફિસર એનું અપમાન કરી જતાં અને એણે ચુપચાપ સાંભળી લેવું પડતું. મજબૂરી હતી સમાજના નામી કહેવાતા લોકોની ગાળો પણ ઘણીવખત ખાઈ લેવી પડતી, એની નોકરી પર એનો પરીવાર નભે છે એમ વિચારી એ બધું મનમાં ઉતારી જતો.

“જો હવે તારે ફોર્માલીટી નિભાવવી હોય તો બોલાવું મારા ડેડીને?” મોહનાએ હસીને વાત શરૂ કરી હતી. એની વાત સાંભળી બધા હસી પડ્યા હતા. મને મોહનાની તબિયત પૂછી. એ હવે બરોબર હતી. એના કહ્યા પ્રમાણે રાત્રે અંધારામાં એ રસ્તો ભૂલી ગયેલી. એ શા માટે ત્યાં ઉતરી ગયેલી એ એને યાદ ન હતું. એ નીચે ઉતરી ઝાડીઓમાં ભાગી રહી હતી, કોઈ હેતુ વગર, બસ એમનેમ જ! એને રસ્તામાં બધી જગાએ સાપ આળોટતા દેખાતાં હતાં અને એ બહુ ડરી ગઈ હતી! ભાગતા ભાગતા જ એ થાકી ગઈ હતી, એને ચક્કર આવી ગયેલા. એક ઝાડ સાથે એ અથડાઈ ગઈ હતી. એને મેન્ટલ શોક લાગેલો અને એ બેહોશ થઇ ગઈ હતી. સવારે આંખ ખુલી તો હોસ્પીટલમાં હતી. કેપ્ટન અંકલે જણાવ્યું હતું કે આ લોકો જ એને હોસ્પીટલે લઇ આવેલા. એણે મનનો આભાર માન્યો. નિમેશ પહેલાથી જાણતો હતો કે સવારે આવું જ સાંભળવાનું મળવાનું હતું.

“મોહના સાજીદ નામના કોઈ માણસને તું ઓળખે છે?” નિમેશ ધડાકો કરીને જ રહ્યો. બધાંની નજર મોહના ઉપર હતી. એ હવે શું જવાબ આપશે?”

“સાજીદ? એ કોણ છે? નામ પરથી તો એ કોઈ મુસ્લીમ લાગે છે. હું કોઈ એવા માણસને મળી નથી.”

નિમેશ હસી પડ્યો. મોહનાની એક્ટિંગ પર એ ફિદા હતો. ચહેરાં પરની એકેય રેખા જરાક સરખી હલાવ્યા વગર એ કેટલું સિફતથી અને વિશ્વાશથી જુઠ બોલી લેતી હતી. મનને થયું આગળ નિમેશ કંઈ ના પૂછે તો સારું. મોહનાની માનસિક હાલત ઠીક ના હોય ત્યારે એના પર બહુ દબાણ કરવું સારું નથી, એની હાલત વધારે ખરાબ થઇ શકે...

“મને હતું જ કે એ માણસ ખોટું બોલી રહ્યો છે. તને ખબર છે એણે તારી ઉપર આરોપ મુક્યો છે કે તે એને કબાટમાં પૂરી રાખેલો, તારા બેડરૂમના કબાટમાં. હવે આવું કોણ માને?” નિમેશના સવાલથી મનને રાહત થઇ. એ ખુબ જ સાવધાનીથી સવાલ કરી રહ્યો હતો.

નિમેશ થોડીવાર ચુપ રહી મોહનાના ચહેરાને જોઈ રહ્યો હતો. એ ગજબની સ્વસ્થ હતી. એ જોઈ હવે એણે સવાલ બદલ્યો, “મોહના મને તારા ઉપર જરાય શક નથી પણ શું છે કે પેલાએ પોલીસ કંપલેઇન કરીછે એટલે મારે થોડી તપાસ તો કરવી પડે. તો જો તું મને તારો બેડરૂમ દેખાડી શકે..! મારે બસ એ જ જોવું છે કે પેલો જે કહી રહ્યો છે તારા બેડરૂમ વિષે એમાં કેટલી સચ્ચાઈ છે! એ કોઈવાર ત્યાં આવ્યો હોય, તારી જાણ બહાર અને પછીથી એ રૂમ વિષે આટલું સચોટ રીતે કહી શકતો હોય તો મારે એના વિષે ઊંડી તપાસ કરવી પડે, એ કોઈ કારણ વગર તો આમ તારા રૂમમાં ન જ આવ્યો હોય ને કે પછી હોય શકે એ બસ એમ જ ફેંકતો હોય.”

“હું સમજી ગઈ. ટૂંકમાં તારે મારો રૂમ જોવો છે એમ જ ને. ઉપરથી લેફ્ટ સાઈડ પર પહેલો જે કમરો આવે એ જ છે મારો બેડરૂમ. જા તારી જાતે જઈને જોઈ આવ. હું અહી મન સાથે બેઠી છું.” મોહનાએ હળવાશથી કહ્યું.

“થેન્ક્સ મોહના પબ્લિક પોલીસને સહકાર આપે તો અમારે ઘણી સરળતા રહે. હું હાલ આવ્યો.” નિમેશ આટલું કહીને ઉપર ગયો. ભરત નીચે જ બેઠી રહ્યો. એની ઈચ્છા તો હતી ઉપર જવાની પણ એણે મન સાથે રહેવાનું વધારે ઉચિત માન્યું, આમેય મોહના પણ અહીં જ હતી.

નિમેશ ઉપર ગયો એવો એણે સાજીદે કહેલું એ કબાટ શોધી એણે ખોલ્યું. કબાટ લોક કરેલું હતું. નિમેશે થોડો પ્રયત્ન કર્યો પણ કબાટ ના ખુલ્યું. એ રૂમ પર એક ઉડતી નજર નાખીને તરત નીચે આવી ગયો.


“થેન્ક્સ મોહના. મારું કામ પતી ગયું.” નિમેશ ઉપર મોહનાના રૂમમાં નજર કરીને નીચે આવીને બધા સાથે બેઠો, “કાલે સાજીદ કંઈક અજીબ બકવાટ કરતો હતો. હોઈ શકે એને આપેલી ઊંઘની ગોળીની અસર હેઠળ એમ બોલતો હોય. એ કોઈ ઢીંગલીની વાત કરતો હતો.” નિમેશ મોહનાના ચહેરા સામે જોઇને કહી રહ્યો. મોહનાના ચહેરા પરની બદલાતી રેખાઓ એને જોવી હતી પણ એની ઈચ્છા મોહના પૂરી કરે એવી કોઈ આશા ન હતી, છેવટે એણે સામેથી જ પૂછ્યું, “તારી પાસે કોઈ ઢીંગલી છે, લગ્નના જોડામાં સજાવેલી હોય એવી ઢીંગલી?”

“છેને! ઉભો રે હું હાલ લઇ લઇ આવું.” મોહના તરત ઉભી થઇ અને ઉપર એના કમરામાં ગઈ. કોઈએ ધાર્યું ન હતું કે મોહના આટલી જલદી એ ઢીંગલી લઇ આવવા રાજી થઇ જશે.

થોડીક વાર થઇ ત્યાં મોહના ત્રણ ઢીંગલીઓ સાથે નીચે આવી હતી, એ ત્રણેય દુલ્હનના લિબાસમાં સજ્જ હતી. ભરત અને નિમેશ એક બીજાની સામું જોઈ સહેજ મલક્યા, આ બધીમાં એ ઢીંગલી ન હતી જેની એમને જરૂર હતી. એ લોકો થોડીકવાર વાતો કરીને પછી નીકળી ગયા.

“મોહના પેલી સાજીદે કહેલી એ વાળી ઢીંગલી નહતી લાવી. એને મેં જોઈ હતી, તે દિવસે, એ જુદી જ છે!” ભરત બહાર આવતા જ બોલ્યો.

“મને ખબર છે. એ ઢીંગલી તો હું મેળવીને જ રહીશ અને એ પણ આજે રાત્રે જ.” નિમેશ એના જડબા સખત કરીને બોલ્યો.

“પણ તું શું કરીશ?” મને ચિંતિત થઈને પૂછ્યું.

“જ્યારે ઘી સીધી આંગળીથી ના નીકળે ત્યારે આંગળી વાંકી કરવી પડે, હવે એ જ કરીશ.” નિમેશ આંખ મારીને બોલ્યો. ભરત અને મન બંનેની સમજમાં કંઈ ના આવ્યું.

એ દિવસે રાત્રે સાડા આંઠ વાગે કર્નલ અને મોહના ત્યાના એક ધારાસભ્યની દીકરીના જન્મદિવસની પાર્ટીમાં ગયા હતા. આખા શહેરના નામચીન માણસો એ પાર્ટીમાં હતા. પોતાના એક ઓફિસર સાથે નિમેશ મનને પણ એ પાર્ટીમાં મોકલી ચુક્યો હતો. ત્યાં એણે મોહનાની સાથે રહેવાનું હતું. એ જ રાત્રે નવ વાગે મોહનાના ઘરમાં એક કાળો સાયો છુપાઈને ઘુસ્યો હતો. કોઈને જાણ ના થાય એમ એ સીધો મોહનાના રૂમ સુંધી પહોંચી ગયેલો અને એના કબાટનું લોક એક પાતળા લોખંડના તાર વડે ખોલી એમાંથી ઢીંગલી ઉઠાવી લેવામાં એ કામિયાબ થયો હતો. ઢીંગલીને એક થેલામાં પૂરી, થેલો પોતાની પીઠ પર લટકાવી એ અજાણ્યો સાયો મોહનાના રૂમની બારીમાંથી પાછો વળી ગયો હતો. એ રૂમની બારી બહાર બગીચામાં પડતી હતી. એ બગીચાની દીવાલ કુદી એ ચોર આસાનીથી બહાર ભાગી ગયો, એની સાથે પેલી ઢીંગલી પણ બહાર આવી ગઈ હતી...

એ ચોર હકીકતે નિમેશનો મોકલેલો માણસ હતો. એ એક ખબરી હતો જે પહેલા ચોરીના કેસમાં પકડાયેલો અને પછીથી નિમેશનો ખબરી બની ગયેલો. મોહનાના ઘરથી થોડેક આગળ આવેલા રોડની બાજુ પરની ઝાડીઓમાં ઉભેલા નિમેશનાં હાથમાં એ ઢીંગલી સોંપી એ માણસ ચાલી ગયેલો. એનું કામ આટલે પૂરું થતું હતું અને નીમેશનું ચાલું. નિમેશ એ ઢીંગલી ભરેલો થેલો એની પીઠ પર લટકાવી બાઈક ભગાવી આગળ નીકળી ગયો. શી મુસીબત એ જાતે એની પીંઠ પર લાદીને આગળ વધી રહ્યો છે એ વાતથી તદ્દન અજાણ નિમેશ હાલ તો ખુશ હતો, પણ એ ખુશી આજ રાત પૂરી થયા પહેલા જ હણાઇ જવાની હતી...

મન અને મોહના એક ટેબલ પર સાથે બેઠા હતા. મોહનાએ સોનેરી રંગનો એના અંગો ઉપર ચુસ્ત રીતે ચોંટી જાય એવો વન પીસ ડ્રેસ પહેર્યો હતો. એ ડ્રેસના લાંબા ગળામાંથી બે ચમકતા, ગુલાબી ગોળા જેવા ઉન્નત વક્ષસ્થળ અડધા ઉપરના બહાર ડોકાઈ રહ્યાં હતાં. એ બે સ્તનની વચ્ચેની લાંબી, જાણે ક્યાંય જઈને અટકવાની ના હોય એવી, દરાર વચ્ચે જ જુલતું રહે એવું એક નાનકડું હાર્ટ શેપનું પેન્ડન્ટ એણે એના જેવી જ એક નાજુક, પાતળી ચેઈનમાં પહેર્યું હતું. જે પણ મોહનાને જોતું એની પહેલી નજર એ ડાયમંડના ચમકતા પેન્ડન્ટ પર જ જતી જે પછીથી એની નીચેની દરાર તરફ આગળ વધતી એ ગુલાબી, ચમકતી ત્વચાના ગોળાર્ધમાં ખોવાઈ જતી! એણે બધા વાળ ભેગા કરીને એક ઉંચી પોની ઓળાયેલી જે એની પાતળી અને લાંબી ગરદનને વધારે લાંબી, વધારે સુંદર દેખાવ આપતી હતી. થોડો ભડક કહી શકાય એવો મેકઅપ કરેલો. કાનમાં લટકતા લાંબા લટકણિયામાં એ સુંદર લાગતી હતી. મન એની નજરને મોહનાના ચહેરા સુંધી જ રોકી રાખી એને ખુશ રાખવાના પ્રયત્ન કરી રહ્યો હતો. ધીમું ધીમું સંગીત ચાલુ હતું. કેક કપાઈ ચુકી હતી અને લોકો હવે ખાવાની મોજ માણી રહ્યાં હતા. કર્નલ એમની ઉંમરના બીજા લોકો સાથે વાતોમાં વ્યસ્ત હતા. બધું જ બરાબર છે એમ મનને લાગ્તું હતું કે, એ જ વખતે મોહના ઉભી થઇ હતી.

“શું થયું? કેમ આમ ઉભી થઇ ગઈ?” મને પૂછ્યું હતું.

“મારે ઘરે જવું પડશે. મને ઠીક નથી લાગતું. થોડું બેચેની જેવું થાય છે.” મોહના ઝડપથી બોલી હતી, “મારે નીકળવું પડશે.”

“પણ તું નીકળી જઈશ તો પછી અંકલ ઘરે કેવી રીતે આવશે? આઇમીન તમે બંને સાથે એક જ ગાડીમાં આવેલા ને!” મને એને રોકવાના ઇરાદાથી કહ્યું.

“વાંધો નહિ હું ડ્રાઈવરને ગાડી સાથે પાછો મોકલી દઈશ.” મોહના આટલું કહીને ચાલી નીકળી.

મનનું મન ગભરાતું હતું. મોહના અત્યારે એને જુદી જ લાગી રહી હતી. સવારે મળેલી શાંત, શુશીલ અને બધાનો ખયાલ કરનારી પ્રેમાળ છોકરી અત્યારે થોડી મતલબી અને ફક્ત પોતાનો જ વિચાર કરીને બોલતી હોય એવી લાગતી હતી. એને હવે એટલી તો ખબર જ હતી કે મોહના કોઈ ગરબડ જરૂર ઉભી કરશે! આમ અચાનક ઊભા થઈને ચાલ્યા જવા પાછળ કારણ પણ એવું મોટું જ હશે. એની સાથે દલીલ કરીને એણે ગુસ્સે કર્યા વગર મને એને સાથ આપીને એની પાસે રહેવાનું પસંદ કર્યું. એણે મોહનાની સાથે જ બહાર નીકળતા કહ્યું, “મારે પણ હવે ઘરે જ જવું છે. ચાલ સાથે નીકળીએ, હું તને તારા ઘરે ઉતારી દઈશ.”

મોહના મન સાથે વધારે માથાકૂટ કર્યા વગર માની ગઈ હતી એને ઉતાવળ હતી. એ બંને મનની ગાડીમાં નીકળ્યા હતા. એમની ગાડી હાઈવેથી થોડે આગળ નીકળી ગઈ હતી. હજી એમનું શહેર થોડું દુર હતું ત્યારે જ મોહનાએ મનને ગાડી રોડની એક બાજુએ પડતા કાચા રસ્તે વાળી લેવાનું કહ્યું હતું. મનને ઘણી નવાઈ લાગી હતી મોહનાનું ઘર એ તરફ નહતું પણ, મોહનાનો અવાજ એટલો શાંત અને આજ્ઞાકારી હતો કે કોઈ એને ‘ના' કહી જ ના શકે.


નિમેશ બાઈક પર આગળ વધી રહ્યો હતો. જંગલમાં જતા રસ્તાની એક બાજુએ એક જુનું પુરાણું નાનકડું માતાજીનું દેરું હતું. ત્યાં આવીને નિમેશ અટક્યો હતો અને ભરતને ફોન કર્યો, “હલ્લો... ભરત ઢીંગલી મારી પાસે છે. હજી મોહનાને એની ખબર નથી. એ પાર્ટીમાં વ્યસ્ત હશે. એને ખબર પડે એ પહેલા ઢીંગલીને ગાયબ કરી દેવી છે.”

“નિમેશ તું એમ ઉતાવળ ના કર. એમાં કોઈ કાલાજાદુનો પ્રયોગ થયેલો હોઈ શકે છે. તું ક્યાં છે? હું ત્યાં આવું છું.” ભરત થોડો ગભરાતો હતો. એનો સામનો આ પહેલાં પણ ભૂતોથી થઈ ચૂક્યો હતો એટલે વિશ્વાસ ના કરવાનું કોઈ કારણ નહતું. એણે નિમેશ કોઈ ઉતાવળિયું પગલું ના ભરી બેસે એટલે એને રોક્યો હતો. એની ઈચ્છા એના દોસ્ત શશાંક સાથે વાત કરી આવી ઢીંગલીનું શું કરી શકાય એ પૂછવાની હતી. એણે શશાંકને ફોન પણ કરેલો પણ કોઈએ ઉપાડ્યો ન હતો અને એવામાં નિમેશનો ફોન આવી ગયેલો. આખરે એ નિમેશ પાસે જવા તૈયાર થયો.

ભરત આવી જાય ત્યાં સુંધી નિમેશ એક બાજુએ ઉભો રહી એની રાહ જોઈ રહ્યો હતો. એની પીઠ પર લટકતા થેલામાંથી ઢીંગલી કાઢીને જોવાની એને ખુબ ઈચ્છા થઇ આવી પણ ભરત આવી જાય ત્યાં સુંધી એ કોઈ જોખમ લેવા માંગતો ન હતો. ગુડિયા શબ્દથી જ એ કંટાળી ગયો હતો. સાજીદની વાતો એ અદાલતમાં કઈ રીતે વર્ણવી શકે? જજ સાહેબને શું કહે, આ ગુડિયા, આ નાનકડી ઢીંગલી બધી હત્યાઓ માટે કારણભૂત છે! જજ સાહેબ તરત એને સસ્પેન્ડ કરી દે! લોકો તો એને પાગલ જ ધારીલે... એને મોહના પાછી ઘરે આવી જાય એ પહેલા આ ઢીંગલીને ઠેકાણે પાડી દેવી હતી પછી જોવું હતું કે મોહના શું કરે છે..! જો આ ઢીંગલીમાં જ મોહનાનું રહસ્ય છુંપાયેલુ હશે તો એ એને પાછી મેળવવા જરૂર રઘવાઈ થશે અને એ રઘવાટમાં જ કોઈ ને કોઈ ભૂલ કરી નિમેશ માટે સબૂત છોડી જશે... નિમીશ વિચારી રહ્યો.

ભરત હજી આવ્યો નહતો. નિમેશ એનો ફોન ચેક કરી રહ્યો હતો. અહી નેટવર્ક સ્લો હતું. એણે ફેસબુક ખોલ્યું અને પહેલી જ પોસ્ટ મોહનાની જોઈ. અત્યારે જ પાર્ટીમાં જઈને એણે આ ફોટો લીધો હશે અને એફબી પર મૂક્યો હશે. એ સુંદર લાગતી હતી, ગણતરીની પળોમાં જ એના પિક નીચે લાઈક અને કૉમેન્ટ્સના ઢગલા થવા લાગેલા નિમેશે એક આંગળી મોહનના ફોટા પર મૂકી અને એને ઉપર ધકેલી મૂકી, જાણે સાચોસાચ મોહનાને ઉપર ધકેલી મૂકી હોય એવી ખુશી એને થઈ! એ આંગળી ત્યાંથી આગળ વધી એના એક દોસ્તની મજેદાર પોસ્ટ પર કોમેન્ટ કરી રહી હતી કે અચાનક એને પીંઠમાં કંઈક ખૂચ્યું. કશુંક અણીદાર સોય જેવું હતું એ. એ કંઈક વિચારે ત્યાં સુધીમાં ફરીથી એની પીંઠ પર કોઈએ સોય ખોસી દીધી હોય એવું લાગ્યું, આ વખતે જબરદસ્ત દુખાવો પણ થયો. એણે એના ખભેથી નીકાળીને થેલો નીચે ફેંકી દીધો. એને એમ કે કોઈ જીવડું આવી કરડી ગયું હશે. જેવો થેલો નીચે પટકાયો કે તરત કપડું ચીરાતું હોય એવો, ‘ચીર...' કરતો અવાજ આવ્યો. પીંઠ પર આંગળી ફેરવી રહેલા નીમેશની નજર અચાનક થેલા પર ગઈ. એનું કપડું ચિરાઈ ગયું હતું. અંદરથી એક નાનું, અણીદાર ચપ્પુ બહાર આવ્યું અને જોતજોતામાં આખી બેગ ચિરાઈ ગઈ. ક્યારનુંય એને આ ચપ્પુ જ ભોંકાઈ રહેલું. નિમેશ નીચો વળીને બેગ તરફ નમ્યો હતો. અંધારામાં એ ચપ્પુ એની પર પડતી ચાંદની રોશનીથી ચમકી રહ્યું હતું. એ કેવી રીતે હલી રહ્યું છે એ જોવાં જ નિમેશ બેગની નજીક ગયેલો અને સેકંડના સોળમાં ભાગમાં એ રાડ પાડીને ઉભો થઇ ગયેલો. એ બેગમાંથી પેલી ઢીંગલી એક કુદકા સાથે બહાર ધસી આવેલી અને એણે હાથમાં પકડેલા નાનકડાં ચપ્પા વડે નિમેશનાં ચહેરા પર રીતસર હુમલો કરેલો. નિમેશનાં ગાલ પર એક નાનો ચીરો પડતા જ એ રાડ પાડીને દુર હટ્યો હતો. એની પાછળ જ એ ઢીંગલી પણ હવામાં કુદકો ભરીને એના ખભે બેસી ગઈ હતી અને એના હાથમાંનું નાનકડું ચપ્પુ નિમેશનાં ગળા આગળ લઇ જવા જોર કરી રહી હતી. નિમેશ બંને હાથે પકડીને એ શેતાની ગુડીયાને દુર ધકેલી રહ્યો હતો, એ ઢીંગલીનું જોર ખુબ વધારે હતું. એ નિમેશના કાનમાં રાડો પાડીને એને વધારે ડરાવવાની કોશિશ કરી રહી હતી. નિમેશ પાસે ડરવા માટે સમય જ ક્યાં હતો? એ જરાક નમતું મૂકે કે પેલી શેતાની ગુડીયા એના ગળા પર ચપ્પુ ફેરવી નીમેશનું રામ નામ સત્ય હે કરી નાખે!